Get The App

મોદીની અમેરિકા યાત્રાઃ ગાજ્યા મેઘ વરસ્યા નહીં

Updated: Feb 15th, 2025


Google NewsGoogle News
મોદીની અમેરિકા યાત્રાઃ ગાજ્યા મેઘ વરસ્યા નહીં 1 - image


- ટ્રમ્પે એક તરફી રીતે ભારત અમેરિકા માલસામાન પર ટેરિફ લાદે તેવું એલાન કરી દીધું છે કેમ કે ભારત અમેરિકામાંથી કમાણી કરી જાય તે ટ્રમ્પને પરવડતું નથી

- ભારત અને અમેરિકાના વ્યાપારમાં અત્યારે ભારતનો હાથ ઉપર છે. મતલબ કે, ભારત અમેરિકાથી જે માલ આયાત કરે છે તેની સરખામણીમાં ભારતની અમેરિકામાં નિકાસ વધારે છે. ભારત અમેરિકામાંથી કમાણી કરી જાય એ ટ્રમ્પને પરવડતું નથી તેથી ટ્રમ્પે તેનો પણ ઉપાય શોધી કાઢયો. ટ્રમ્પે મોદીને એનર્જી અંગેનો કરાર કરવાની ફરજ પાડી છે. આ કરાર પ્રમાણે, ભારત અમેરિકા પાસેથી વધારે પ્રમાણમાં ગેસ અને ક્રૂડ ઓઈલ ખરીદશે કે જેથી વ્યાપાર ખાધ ઘટે. અમેરિકા પાસેથી વધારે ક્રૂડ-ગેસ ખરીદવામાં આપણે લાંબા થઈ જવાના છીએ.

આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા યાત્રા પર સૌની નજર હતી. ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વાર અમેરિકાના પ્રમુખ બન્યા પછી મોદી સાથે તેમની આ પહેલી મુલાકાતમાં ટેરિફથી માંડીને અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયો સુધીના મુદ્દે ચર્ચા થશે, ભારત તથા અમેરિકા બંને ફાયદામાં રહે એવું કશુંક નિપજશે એવી વાતો થતી હતી પણ ગાજ્યા મેઘ વરસ્યા નહીં. બલ્કે મોદી માટે તો હીરો ઘોઘે જ આવ્યો ને ડેલે હાથ દઈ આવ્યો જેવો ઘાટ થઈ ગયો.

મોદી અમેરિકામાં ૩૬ કલાક રહ્યા, અમેરિકાની સરકારના ૬ મહત્વના લોકો સાથે બેઠકો કરી પણ એક પણ બેઠકમાં કશું એવું નક્કર નિપજ્યું નથી કે જેના કારણે ભારતને ફાયદો થાય. આ બેઠકોમાં સૌથી મહત્વની બેઠક મોદી અને ટ્રમ્પ વચ્ચે હતી. બેઠકના અંતે થયેલી જાહેરાતો પરથી સ્પષ્ટ છે કે, અમેરિકાનાં આર્થિક હિતો સચવાયાં છે અને ભારતને ભાગે નિરાશા જ આવી છે. 

અમેરિકાને રાજી કરવા માટે કેન્દ્રીય બજેટમાં અમેરિકાના માલ સામાન પર લદાતો મહત્તમ ટેરિફ ૧૫૦ ટકાથી ઘટાડીને ૭૦ ટકા પહેલાં જ કરી દેવાયેલો. આ જાહેરાત દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પને સંકેત અપાયેલો કે, અમેરિકાને ભારત સાથે વ્યાપાર કરવામાં રસ છે અને તેના માટે ભારત નમતું જોખવા પણ તૈયાર છે. અમેરિકાએ એ વાતની નોંધ સુદ્ધાં ના લીધી. ટ્રમ્પે એકતરફી રીતે ભારત અમેરિકાના માલસામાન પર લાદે છે એટલો ટેરિફ ભારતના માલ પર લાદવાનું એલાન કરી દીધું. 

ભારત અને અમેરિકાના વ્યાપારમાં અત્યારે ભારતનો હાથ ઉપર છે. મતલબ કે, ભારત અમેરિકાથી જે માલ આયાત કરે છે તેની સરખામણીમાં ભારતની અમેરિકામાં નિકાસ વધારે છે. ભારત અમેરિકામાંથી કમાણી કરી જાય એ ટ્રમ્પને પરવડતું નથી તેથી ટ્રમ્પે તેનો પણ ઉપાય શોધી કાઢયો. 

ટ્રમ્પે મોદીને એનર્જી અંગેનો કરાર કરવાની ફરજ પાડી છે. આ કરાર પ્રમાણે, ભારત અમેરિકા પાસેથી વધારે પ્રમાણમાં ગેસ અને ક્રૂડ ઓઈલ ખરીદશે કે જેથી વ્યાપાર ખાધ ઘટે. 

અમેરિકા પાસેથી વધારે ક્રૂડ-ગેસ ખરીદવામાં આપણે લાંબા થઈ જવાના છીએ. ભારત યુક્રેન યુદ્ધ પછી રશિયા પાસેથી વધારે પ્રમાણમાં ક્રૂડ ખરીદતું હતું. આ ક્રૂડ ભારતને આંતરરાષ્ટ્રીય બજાર કરતાં સસ્તા ભાવે પડતું હતું અને શરૂઆતમાં રશિયા ભારત પાસેથી રૂપિયામાં પેમેન્ટ લેતું હતું તેથી મોંઘું વિદેશી હૂંડિયામણ પણ બચતું હતું. ટ્રમ્પે ગયા મહિને લાદેલા નવા પ્રતિબંધોના કારણે રશિયાથી ક્રૂડ મંગાવવાના ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધ્યો છે છતાં રશિયાનું ક્રૂડ ભારતને સસ્તું પડે છે. 

ભારતે અમેરિકા પાસેથી ક્રૂડ ખરીદવું પડે તો એ ભારતને ભાવ અને ટ્રાન્સપોર્ટેશનની રીતે તો મોંઘું પડશે જ પણ ડોલરમાં ચૂકવણી કરવી પડશે તેથી વધારે મોંઘું પડશે. ડોલર સામે રૂપિયો સતત તૂટી રહ્યો છે એ જોતાં ક્રૂડના ભાવ સ્થિર રહે તો પણ તૂટતા રૂપિયાના કારણે ભારતનું ક્રૂડ ઈમ્પોર્ટ બિલ વધ્યા કરશે અને વિદેશી હૂંડિયામણ વપરાયા કરશે એ લટકામાં. 

ભારતે અમેરિકા પાસેથી વધારે પ્રમાણમાં ડીફેન્સ ઈક્વિપમેન્ટ ખરીદવાં પડશે એવી પણ ટ્રમ્પે ફરજ પાડી છે. મોદી સાથેની પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પે જાહેરાત કરી નાંખી કે, ભારત અમેરિકા પાસેથી એફ-૩૫ ફાઈટર જેટ ખરીદશે. ચીન, પાકિસ્તાન, બાંગ્લાદેશ વગેરે પાડોશી દેશો ભારતના દુશ્મન છે તેથી ભારતે વધારે પ્રમાણમાં ફાઈટર જેટ ખરીદવાં જરૂરી છે પણ ભારત પાસે રશિયન બનાવટનાં એસયુ-૫૭ના રૂપમાં બહેતર વિકલ્પ છે.

અમેરિકન એફ-૩૫ ફાઈટર જેટ પોતાની સ્ટીલ્થ કેપેબેલિટીઝ અને સેન્સર્સ માટે વખણાય છે પણ એસયુ-૫૭ વધારે સ્પીડ અને ચપળતા ધરાવે છે. એફ-૩૫ ૨૦૦૬માં બનેલાં જ્યારે એસયુ-૫૭ ૨૦૧૦માં બન્યાં છે તેથી એકદમ લેટેસ્ટ છે. દુશ્મનના રડારમાં પકડાય એ પહેલાં નિકળી જતાં એસયુ-૫૭ સુપરક્રૂઝ બનવાની ક્ષમતા ધરાવે છે. સુપરક્રૂઝનો મતલબ વધારે તાકાત ધરાવતાં ફાઈટર જેટ. 

રશિયાએ અમેરિકાનાં એફ-૨૨ રેપ્ટર અને એફ-૩૫ ફાઈટર જેટને સ્પર્ધામાં જ એસયુ-૫૭ બનાવ્યાં છે. રશિયા ભારતને એસયુ-૫૭ વેચવા માગે છે પણ એ પહેલાં ટ્રમ્પે ફાચર મારી દીધી અને મોદી કંઈ બોલી પણ ના શક્યા. ખ-૩૫ ફાઇટર જેટ ફિફ્થ જનરેશન એરક્રાફ્ટ છે પણ બહુ મોંઘું છે. 

લોકહીડ માર્ટિન દ્વારા વિકસાવાયેલું ખ-૩૫ યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટના ઇતિહાસમાં સૌથી મોંઘુ વિમાન છે. ૮.૨૫ કરોડ ડોલર (લગભગ રૂપિયા ૭૧૫ કરોડ)ના આ ફાઈટર પ્લેનની સરખામણીમાં એસયુ-૭૫ બહુ સસ્તું છે. ભારત માટે એસયુ-૫૭ બનાવવાનો પ્રોજેક્ટ રશિયાએ હાથ ધરેલો પણ ૨૦૧૮માં મોદી ટ્રમ્પના દબાણથી પાણીમાં બેસતાં ભારત ખસી ગયેલું. રશિયા એ છતાં ભારતને સસ્તા ભાવે એસયુ-૫૭ આપવા તૈયાર જ છે. 

ટ્રમ્પે ભલે જાહેરાત કરી નાંખી પણ ભારતે સત્તાવાર રીતે હજુ એફ-૩૫ લેવાનો નિર્ણય લીધો નથી. ભારત પાછા ફર્યા પછી મોદી ટ્રમ્પના પ્રભાવમાંથી બહાર આવીને ભારત માટે ક્યાં ફાઈટર જેટ બહેતર હોવાનું મૂલ્યાંકન કરાવીને નિર્ણય લેશે તો ભારતનાં હિત સચવાશે.

ભારત અને અમેરિકાના સંબંધોમાં બીજા મુદ્દા પણ મહત્વના છે. ગુરપતવંત સિંહલ પન્નુન સહિતના ખાલિસ્તાનવાદીઓ અમેરિકાની ધરતીનો ઉપયોગ ભારતમાં આતંકવાદ ફેલાવવા કરી રહ્યા છે. પન્નુન આણિ ટોળીની પ્રવૃત્તિઓ ભારતની સુરક્ષા માટે ખતરરૂપ છે પણ મોદી તેમના પર અંકુશ મૂકાવવા માટે પણ કશું કરાવી શક્યા નથી. ઉલટાનું ટ્રમ્પે તો પન્નુન સહિતના અમેરિકન નાગરિકોની સુરક્ષા વધારે મહત્વની હોવાનું કહીને મોદીને ચાટ પાડી દીધા.

ટ્રમ્પ અમેરિકાનાં હિતોને જ મહત્વ આપે છે એ જોતાં મોદીએ પણ ભારતમાં હિતો વિશે જ વિચારવું જોઈએ. કમનસીબે મોદી વાતો મોટી મોટી કરે છે પણ એવી હિંમત બતાવી શકતા નથી. 

મોદી ટ્રુડો-ક્લોડિયા કે જિનપિંગ જેવો મર્દાના મિજાજ ના બતાવી શક્યા 

મોદીની ટ્રમ્પ સાથેની મુલાકાત પછીની પત્રકાર પરિષદમાં ટ્રમ્પે મોદીને 'માય ફ્રેન્ડ' તરીકે સંબોધ્યા અને મોદીને 'ટફ નેગોશિએટર' ગણાવ્યા. ટ્રમ્પે મોદીને મિસ કર્યા હોવાનું પણ કહ્યું.

 સોશિયલ મીડિયા પર મોદીભક્તો આ બધી વાતોને હાઈલાઈટ કરીને મોદીનાં ગુણગાન ગાઈ રહ્યા છે પણ તેનાથી ભારતને શું ફાયદો ? ભારતને કોઈ ફાયદો નથી. 

વાસ્તવમાં ટ્રમ્પ મોદીને પંપાળી પંપાળીને પોતાનું કામ કઢાવી રહ્યા છે કેમ કે તેમને ખબર છે કે, મોદીમાં અમેરિકા સામે બાંયો ચડાવવાની હિંમત જ નથી. ટ્રમ્પે પ્રમુખ બનતાં જ કેનેડા અને મેક્સિકોના માલસામાન પર ૨૫ ટકા ટેરિફ લાદવાની ને ચીનના માલ પર વધારાની ૧૦ ટકા ડયુટી લાદવાની જાહેરાત કરી નાંખેલી. 

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને મેક્સિકોનાં પ્રમુખ ક્લોડિયા શેનબૌંમે જેવા સાથે તેવા થઈને અમેરિકાના માલસામાન પર ૨૫ ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી તેમાં તો ટ્રમ્પે ઢીલા પડીને એક મહિના માટે ૨૫ ટકા ટેરિફ લાદવાનો નિર્ણય મોકૂફ રાખવો પડયો. ચીને તો અમેરિકાની ૧૦ ટકા ડયુટી સામે ૧૫ ટકા ડયુટી લાદવાનું એલાન કરીને સીધો એલાન-એ-જંગ જ કરી દીધો છે. આ ઓછું હોય તેમ ગુગલ સહિતની અમેરિકાની કંપનીઓ સામે તપાસ પણ શરૂ કરીને તેમને ચીનમાંથી બિસ્તરાંપોટલાં બાંધીને ઉચાલા ભરાવવાનો તખ્તો પણ તૈયાર કરવા માંડયો છે. 

મોદી એવું કરી શકે તેમ નથી કેમ કે ભારત ચીનની જેમ સ્વાવલંબી નથી. વિશ્વગુરૂ બનવાની, આત્મનિર્ભરતા ને મેઈક ઈન ઈન્ડિયાની વાતો ખાલી હવામાં છે. ભારત આજેય અમેરિકા, ચીન સહિતના દેશો પર નિર્ભર છે તેથી ચીન જેવી ખુદ્દારી બતાવી શકાતી નથી.

ટ્રમ્પે મોદી સાથે ચર્ચા વિના જ ટેરિફની જાહેરાત કરી નાંખી

નરેન્દ્ર મોદીની અમેરિકાની યાત્રા દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ભારતના માલસામાન પર ટેરિફ (ડયુટી)ના મુદ્દે ચર્ચા થશે એવી વાતો થતી હતી પણ ટ્રમ્પે મોદી સાથે એ અંગે ચર્ચા કરવાનું પણ મુનાસિબ ના માન્યું. મોદી સાથેની મુલાકાતના બે કલાક પહેલાં ટ્રમ્પે અમેરિકાના માલસામાન પર ટેરિફ લાદનારા દેશો પર એટલા જ પ્રમાણમાં ટેરિફ લાદવાની જાહેરાત કરી નાંખી. આ જાહેરાત દ્વારા ટ્રમ્પે સ્પષ્ટ સંકેત આપી દીધો કે, અમેરિકા ભારત સહિતના દેશો સાથેના વ્યાપારમાં 'જેવા સાથે તેવા'ની નિતી અપનાવશે અને અમેરિકા માટે વ્યાપારના મુદ્દે જેમની સાથે ચર્ચા કરવી પડે એટલા મહત્વના મોદી છે જ નહીં. મોદી સાથેની સંયુક્ત પત્રકાર પરિષદમાં પણ ટ્રમ્પે ભારતની ઝાટકણી કાઢતાં કહ્યું કે, કેટલાક નાના દેશો ભારતથી પણ વધુ  ટેરિફ લાદે છે પણ ઓવરઓલ ભારતનો ટેરિફ ઘણો ઊંચો છે. અમેરિકાના માલસામાન પર ટેરિફ લાદવામાં ભારત સૌથી મોખરે છે. પત્રકાર પરિષદમાં પણ ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, બેઠકમાં અમે દરેક પાસાની ચર્ચા કરી છે પણ ભારત અમેરિકાના માલસામાન પર ૭૦ ટકા ટેરિફ લાદે છે એ નહીં ચાલે. 

ભારત માટે સૌથી મહત્વનો મુદ્દો ટેરિફનો છે પણ ટ્રમ્પ એ અંગે એકતરફી નિર્ણય જાહેર કરી નાંખે તેનો અર્થ એ થયો કે, ટ્રમ્પને મન મોદીની કે ભારતની કોઈ વિસાત જ નથી. ભારત અમેરિકાનું દુશ્મન નથી પણ મિત્ર છે છતાં ટ્રમ્પ ભારતને દુનિયાના બીજા દેશોની હરોળમાં ગણે એ અપમાનજનક કહેવાય.

News-Focus

Google NewsGoogle News