કોલકાત્તા રેપ-મર્ડર કેસ, મમતા આનાથી વધારે શું કરી શકે ?

Updated: Sep 14th, 2024


Google NewsGoogle News
કોલકાત્તા રેપ-મર્ડર કેસ, મમતા આનાથી વધારે શું કરી શકે ? 1 - image


- રેપ કેસમાં મમતા બેનરજીએ જે કરી શકાય તે બધું જ કર્યું છે ત્યારે ડોક્ટરો રાજકીય હાથા બનીને વર્તવાના બદલે પ્રજાના હિતનું વિચારે તે જરૂરી છે

- સુપ્રીમ કોર્ટે સોમવારે ડોક્ટરોને હડતાળ સમેટી લેવા કહ્યું એ વાતને પાંચ દિવસ થઈ ગયા પણ ડોક્ટરો કોઈનું સાંભળવા જ તૈયાર નથી. તેના કારણે આ હડતાળ ભાજપના ઈશારે થઈ રહી હોવાના આક્ષેપો થવા માંડયા છે. ભાજપ પોતાનો રાજકીય રોટલો શેકવા માટે હજારો દર્દીઓના જીવ જોખમમાં મૂકી રહ્યા છે એવી ટીકાઓના મારો શરૂ થયો છે.  ભાજપના નેતા હડતાળ પર ઉતરેલા ડોક્ટરોની સાથે જોડાવા આવે છે ત્યારે ડોક્ટરો ગો બેકના નારા લગાવીને તેમને ભગાડે છે. ભાજપનો દેખાવોમાં કોઈ હાથ નથી ને ડોક્ટરો બિન રાજકીય આંદોલન ચલાવી રહ્યા છે એવું બતાવવા ભાજપ જ પોતાના નેતાઓના વિરોધનો ડ્રામા કરી રહ્યો છે.

કોલકાત્તામાં આર.જી. કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ટ્રેઈની ડોક્ટર પર પાશવી બળાત્કાર ગુજારીને હત્યા કરી દેવાઈ તેના વિરોધમાં હડતાળ પર ઉતરેલા ડોક્ટરો જીદે ચડયા છે. હડતાળના કારણે હજારો દર્દીઓ પરેશાન છે પણ જુનિયર ડોક્ટરો માનવતાને નેવે મૂકીને વર્તી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે પણ ડોક્ટરોને હડતાળ સમેટી લેવા કહ્યું છે પણ જુનિયર ડોક્ટરો સુપ્રીમ કોર્ટને અપીલને પણ ઘોળીને પી ગયા છે. 

સુપ્રીમ કોર્ટે સોમવારે ડોક્ટરોને હડતાળ સમેટી લેવા કહ્યું એ વાતને પાંચ દિવસ થઈ ગયા પણ ડોક્ટરો કોઈનું સાંભળવા જ તૈયાર નથી. તેના કારણે આ હડતાળ ભાજપના ઈશારે થઈ રહી હોવાના આક્ષેપો થવા માંડયા છે.

 ભાજપ પોતાનો રાજકીય રોટલો શેકવા માટે હજારો દર્દીઓના જીવ જોખમમાં મૂકી રહ્યા છે એવી ટીકાઓના મારો શરૂ થયો છે. 

ભાજપના નેતા હડતાળ પર ઉતરેલા ડોક્ટરોની સાથે જોડાવા આવે છે ત્યારે ડોક્ટરો ગો બેકના નારા લગાવીને તેમને ભગાડે છે. સોમવારે ભાજપનાં ધારાસભ્ય અગ્નિમિત્રા પૌલ ધરણાંના સ્થળે ગયાં ત્યારે ગો બેકના નારા લાગતાં પૌલે પાછા જાત રહેવું પડેલું. જો કે આ બધું પણ ભાજપનું જ નાટક હોવાનું કહેવાઈ રહ્યું છે. ભાજપનો દેખાવોમાં કોઈ હાથ નથી ને ડોક્ટરો બિન રાજકીય આંદોલન ચલાવી રહ્યા છે એવું બતાવવા ભાજપ જ પોતાના નેતાઓના વિરોધનો ડ્રામા કરી રહ્યો છે.  

કોલકાતામાં ડોક્ટરોની હડતાળ રાજકારણથી પ્રેરિત હોવાનું માનવા માટે પૂરતાં કારણો છે. સૌથી મોટું કારણ ગુરૂવારે કોલકાતામાં થયેલો ડ્રામા છે. મમતા બેનરજી સરકારે જુનિયર ડોક્ટરો સાથે મંત્રણા માટે તૈયારી બતાવી પણ જુનિયર ડોક્ટરો મંત્રણા માટે આવ્યા જ નહીં. જુનિયર ડોક્ટરો સાથે ચર્ચા કરવા મમતા પોતે આવેલાં પણ મમતાને બે કલાક સુધી રાહ જોવડાવ્યા છતાં ડોક્ટરોના પ્રતિનિધીઓ ના ફરકતાં વ્યથિત મમતાએ કહેવું પડયું કે, લોકોના હિતમાં પોતે રાજીનામું આપવા માટે પણ તૈયાર છે. 

મમતાના ધડાકાથી બઘવાયેલા ડોક્ટરોએ મમતાને રાજીનામું નહીં આપવા કહ્યું પણ સરકાર સાથે મંત્રણા માટે નવી શરતો મૂકી દીધી તેના કારણે પણ રાજકીય દોરીસંચાર લાગી રહ્યો છે. ડોક્ટરોએ પહેલાં જે પાંચ માગણી કરી હતી તેમાંથી ચાર માગણી સંતોષાઈ ગઈ છે ત્યારે ડોક્ટરોએ હવે રાજ્ય સરકારના અધિકારીઓના રાજીનામા સહિતની નવી માગણીઓ ઉમેરી છે. 

જુનિયર ડોક્ટરોએ સૌથી પહેલાં કરેલી પાંચ માગણીઓમાં પહેલી માગણી આર.જી. કાર હોસ્પિટલમાં ટ્રેઈની ડોક્ટર પર થયેલા બળાત્કાર અને હત્યાની ઘટનામાં સંડોવાયેલા તમામ લોકોને સજા કરાવવાની હતી. મમતા બેનરજી સરકારે આ કેસની તપાસ સીબીઆઈને સોંપી દીધી પછી હવે દોષિતોને સજા અપાવીને ન્યાય અપાવવાનું સીબીઆઈના હાથમાં છે. મમતા સરકાર તેમાં શું કરી શકે ? 

બીજી માગણી હેલ્થકેર વર્કર્સ માટેની સીક્યુરિટીમાં વધારો કરવાની હતી. કાર હોસ્પિટલમાં સીક્યુરિટી માટે સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સીક્યુરિટી ફોર્સ (સીઆઈએસએફ)ની તૈનાત કરી દેવાતાં એ માગણી પણ સંતોષાઈ ગઈ છે.  સીસીટીવી સહિતની સર્વેલન્સ સિસ્ટમ પણ વધારી દેવાઈ છે. ત્રીજી માગણી રાજ્યભરની હોસ્પિટલો સહિતની હેલ્થકેર સવલતોમાં ડરનો માહોલ દૂર કરવાની છે. ડોક્ટરો તેને થ્રેટ કલ્ચર ગણાવી રહ્યા છે. થ્રેટ કલ્ચરનો મતલબ ડોક્ટરોને જ ખબર પણ સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરાતાં સુરક્ષોના માહોલ પેદા થશે એવું માની શકાય.

ચોથી માગણી આર.જી. કાર હોસ્પિટલના પ્રિન્સિપાલ સંદીપ કુમાર ઘોષ સામે શિસ્તભંગનાં પગલાં લેવાની હતી. ઘોષને સીબીઆઈએ ઉઠાવીને જેલમાં નાંખી દેતાં એ માગણી પણ સંતોષાઈ ગઈ છે. ડોક્ટરો બીજી જે માગણી કરી રહ્યા છે એ કોલકાતાના ટોચના પોલીસ અધિકારીઓને દૂર કરવાની છે. હોસ્પિટલમાં બનેલી ઘટના ગંભીર છે પણ તેના માટે શહેરના ટોચના પોલીસ અધિકારીઓને દોષિત ગણીને કઈ રીતે દૂર કરી શકાય ? આ માગણી સંતોષાય એવી છે જ નહીં ત્યાં ડોક્ટરો હવે કહી રહ્યા છે કે, પ્રિન્સિપાલ સેક્રેટરી ઓફ હેલ્થ અને ડિરેક્ટર ઓફ મેડિકલ એજ્યુકેશન સહિતના ઉચ્ચ અધિકારીઓનાં રાજીનામાં લઈ લેવાં જોઈએ.

આ માગણી વાહિયાત છે કેમ કે સરકાર વિના વાંકે કોઈ પણ અધિકારીનું રાજીનામું ના લઈ શકે. હડતાળ સમેટાઈ જાય એ માટે અધિકારીઓએ જુનિયર ડોક્ટરો સામે આકકરું વલણ લીધું હોય તો પણ એ લોકોના હિતમાં છે. તેના કારણે ડોક્ટરો તેમને દુશ્મન માનીને તેમને ઘરભેગા કરી દેવાની વાત કરે એ બાળકબુધ્ધિ છે.

બીજું એ કે, ૪૦૦૦ ડોક્ટરોના કહેવાથી મમતા અધિકારીઓને દૂર કરે તો કાલે ૪ લાખ સરકારી કર્મચારી તલવાર તાણીને ઉભા થઈ જાય ને આખા બંગાળની સિસ્ટમ ઠપ્પ કરી નાંખે. મમતાએ આખા બંગાળનો વહીવટ ચલાવવાનો છે, ખાલી કાર હોસ્પિટલનો નહીં એ જોતાં આ માગણી સ્વીકારી શકાય તેમ નથી. 

કોલકાતામાં બનેલી ઘટના શરમજનક છે અને તેની યોગ્ય તપાસ થવી જરૂરી છે. દોષિતોને આકરામાં આકરી સજા થવી જ જોઈએ પણ એ ઘટનાને બહાને હજારો દર્દીઓને બાનમાં લેવાય એ યોગ્ય નથી. 

મમતા બેનરજીએ આ કેસમાં જે કરી શકાય એ બધું કંર્યું જ છે ત્યારે ડોક્ટરો રાજકીય હાથા બનીને વર્તવાના બદલે પ્રજાનું હિત વિચારે અને પોતાની ઈમેજ વિશે વિચારે એ જરૂરી છે. 

ભાજપ મમતાને સીધી લડાઈમાં પછાડી શકતો નથી તેથી આ પ્રકારના ઉધામા કરી રહ્યો છે. ડોક્ટરોએ આ વાત સમજવાની જરૂર છે. ભાજપ જે કંઈ કરી રહ્યો છે એ રાજકીય ફાયદા માટે છે.

ભાજપ સીબીઆઈની નિષ્ફળતા વિશે ચૂપ, રેપ-મર્ડરના બદલે સંદીપ ઘોષની તપાસ

કોલકાતામાં બનેલી ઘટનાએ ભાજપનાં બેવડાં ધોરણોને છતાં કરી દીધાં છે. ભાજપ કોલકાતા પોલીસની ટીકા કરી રહ્યો છે, કોલકાતા પોલીસની ભૂમિકા શંકાસ્પદ હોવાનો દાવો કરી રહ્યો છે પણ સીબીઆઈની કામગીરી વિશે ચૂપ છે. 

કાર હોસ્પિટલમાં ટ્રેઈની ડોક્ટર પર રેપ કરીને હત્યા કરી દેવાની ઘટના ૯ ઓગસ્ટે બની હતી અને ૧૨ ઓગસ્ટે આ ઘટનાની તપાસ મમતા સરકારે સીબીઆઈને સોંપી દીધી હતી. 

આ કેસની તપાસ છેલ્લા એક મહિનાથી સીબીઆઈ જ કરી રહી છે પણ સીબીઆઈ કશું નક્કર શોધી શકી નથી. ડોક્ટર પર રેપ કરીને હત્યા કરવાના કેસમાં સંજય ઘોષ નામના પોલીસ ફ્રેન્ડની ધરપકડ કરાઈ છે પણ ઘોષે કેમ હત્યા કરી, ઘોષ સાથે બીજા કોઈ હતા કે નહીં એ સવાલોના જવાબ સીબીઆઈ હજુ નથી શોધી શકી. 

વધારે શરમજનક વાત એ છે કે, સીબીઆઈ રેપ-મર્ડર કેસની તપાસ કરવાના બદલે સંદીપ ઘોષના ભ્રષ્ટાચારની તપાસ કરી રહી હોય એ રીતે વર્તી રહી છે. સીબીઆઈએ બધું ધ્યાન ઘોષ પર જ કેન્દ્રિત કરી દીધું હોય એવી સ્થિતી છે. સીબીઆઈ જે રીતે વર્તી રહી છે એ જોતાં લાગે છે કે, ઘોષ પછી મમતાના માનીતા બીજા અધિકારીઓનો વારો આવશે ને પછી ધીરે ધીરે મમતા સરકારના મંત્રીઓ ફરતે ગાળિયો કસાશે.

સીબીઆઈ કેન્દ્ર સરકારના તાબા હેઠળ આવે છે એ જોતાં મોદી સરકારે સીબીઆઈના અધિકારીઓનો જવાબ માગવો જોઈએ. રેપ-મર્ડર કેસની તપાસમાં કેમ કશું મળતું નથી તેનો ખુલાસો કરવો જોઈએ પણ તેના બદલે ભાજપ કોલકાતા પોલીસ પર આક્ષેપબાજીમાં વ્યસ્ત છે.

ભાજપ શાસિત રાજ્યોમાં ગેંગ રેપની ઘટનાઓ વિશે ભાજપનું મૌન

ભાજપના નેતા બંગાળમાં બનેલી ઘટનાને મુદ્દે મમતાના માથે માછલાં ધોઈ રહ્યા છે પણ ભાજપ શાસિત રાજ્યમાં બનતી આવી જ ઘટનાઓ અંગે ચૂપ છે. બે દિવસ પહેલાં જ મધ્ય પ્રદેશના ઈન્દોરમાં પિકનિક પર ગયેલા બે આર્મી ઓફિસરોને ગુંડાઓએ ફટકાર્યા અને તેમની ફ્રેન્ડ પર ગેંગ રેપ કર્યો હોવાની આઘાતજનક ઘટના બની હતી. ગુંડા આર્મીના ઓફિસરોને પણ ના છોડે અને યુવતી પર ગેંગ રેપ કરે એ ઘટના મધ્ય પ્રદેશમાં કાયદાનો કોઈ ડર જ નહીં હોવાના પુરાવારૂપ છે પણ ભાજપની નેતાગીરી આ મુદ્દે સાવ ચૂપ છે. 

ઉત્તર પ્રદેશમાં તો આ પ્રકારની ઘટનાઓ રોજ બને છે. ગુરૂવારે જ કુશીનગરમાં બે ઓરકેસ્ટ્રા ડાન્સરને ઘરેથી ઉરાડી જઈને ૮ હવસખોરોએ તેમના પર ગેંગ રેપ કર્યો હતો. તેના એક દિવસ પહેલાં એક યુવતી પર ગેંગ રેપ કરીને નગ્નાવસ્થામાં જ રસ્તા પર ફેંકી દેવાઈ હતી. ભાજપ શાસિત બીજાં રાજ્યોમાં પણ આ પ્રકારની ઘટનાઓ નોંધાયા કરે છે પણ ભાજપના નેતાઓની બોલતી બંધ છે. મમતાનું રાજીનામું માગનારા કે મમતા સરકારને બરતરફ કરવાની માગણી કરનારા ભાજપના નેતા આ ઘટનાઓ વિશે હરફ પણ ઉચ્ચારતા નથી. મમતાનું રાજીનામું માગનારા અને મમતાને નિષ્ફળ ગણાવનારા ભાજપ સરકારોની નિષ્ફળતા વિશે સાવ ચૂપ છે.

News-Focus

Google NewsGoogle News