બાબા સિદ્દીકીની હત્યાઃ મુંબઈના અંડરવર્લ્ડમાં બિશ્નોઈની ધમાકેદાર એન્ટ્રી
- બિશ્નોઈ સમાજ માટે પવિત્ર મનાતા કાળીયારના શિકાર કેસમાં સલમાન ખાન દોષિત છે છતાં તે માફી માગવા તૈયાર નથી જેથી લોરેન્સ બિશ્નોઈ છંછેડાયેલો છે
- સિદ્દીકીની હત્યામાં સંડોવાયેલા બે હુમલાખોરો ઝડપાઈ ગયા છે. તેમાંથી એક ઉત્તર પ્રદેશનો ને એક હરિયાણાનો હોવાનું કહેવાય છે. મુંબઈ પોલીસના દાવા પ્રમાણે, બંનેનું કનેક્શન લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે છે. બાબા સિદ્દીકીને લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સીધી કોઈ દુશ્મની નહોતી પણ ફિલ્મ સ્ટાર સલમાન ખાન સાથેની ગાઢ દોસ્તીમાં બાબા વધેરાઈ ગયા હોવાનું મનાય છે. જો કે સિદ્દીકીની દોસ્તી દાઉદ ઈબ્રાહીમ સાથે હતી અને ટેરર ફંડિંગ કરતા હતા એવા આક્ષેપો પણ થયેલા. સિદ્દીકીની હત્યામાં આ કારણ પણ જવાબદાર હોઈ શકે.
મુંબઈમાં અજીત પવાર જૂથના નેતા ઝિયાઉદ્દીન ઉર્ફે બાબા સિદ્દીકીની દશેરાના દિવસે ગોળી મારીને હત્યા કરી દેવાઈ એ ઘટનાએ ખળભળાટ મચાવી દીધો છે. સિદ્દીકીનો દીકરો ઝીશાન સિદ્દીકી મુંબઈમાંથી બાંદરા ઈસ્ટ બેઠક પરથી કોંગ્રેસનો ધારાસભ્ય છે. બાબા સિદ્દીકી શનિવારે દશેરા પર દીકરાની ઓફિસની બહાર ઉભા કહીને ફટાકડા ફોડતા હતા ત્યારે બાઈક પર આવેલા ત્રણ હુમલાખોરોએ ધડાધડ છ ગોળીઓ છોડી. તેમાંથી ત્રણ ગોળી બાબા સિદ્દીકીની છાતીમાં વાગતાં એ ઢળી પડયા. સિદ્દીકીને હોસ્પિટલમા લઈ જવાયેલા પણ એ પહેલાં જ ગુજરી ગયા હતા.
સિદ્દીકીની હત્યામાં સંડોવાયેલા હુમલાખોરો ઝડપાઈ ગયા છે. તેમાંથી એક ઉત્તર પ્રદેશનો ને એક હરિયાણાનો હોવાનું કહેવાય છે. મુંબઈ પોલીસના દાવા પ્રમાણે, બંનેનું કનેક્શન લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે છે. બાબા સિદ્દીકીને લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સીધી કોઈ દુશ્મની નહોતી પણ ફિલ્મ સ્ટાર સલમાન ખાન સાથેની ગાઢ દોસ્તીમાં બાબા વધેરાઈ ગયા હોવાનું મનાય છે.
જો કે સિદ્દીકીની દોસ્તી દાઉદ ઈબ્રાહીમ સાથે હતી અને ટેરર ફંડિંગ કરતા હતા એવા આક્ષેપો પણ થયેલા.
લોરેન્સ બિશ્નોઈ ગેંગે સિદ્દીકીની હત્યાની જવાબદારી લીધી તેમાં પણ દાઉદ ઈબ્રાહીમ સાથેની સિદ્દીકીની દોસ્તીને કારણભૂત ગણાવી છે. લોરેન્સે તો દાઉદ અને સલમાન સાથે જોડાયેલાં બીજાં લોકોનો વારો પડશે એવી પણ ધમકી આપી છે. સલમાનના ઘરે ફાયરિગં કરનારો અનુજ થાપન પોલીસ કસ્ટડીમાં ગુજરી ગયેલો. લોરેન્સે તેનો પણ ઉલ્લેખ કર્યો છે.
સલમાન ખાન પાછળ બિશ્નોઈ ગેંગ હાથ ધોઈને પડી છે. આ વરસના એપ્રિલમાં સલમાન ખાનના ઘરે બિશ્નોઈ ગેંગે ફાયરિંગ પણ કરાવેલું. બિશ્નોઈ સમાજ માટે પવિત્ર મનાતા કાળિયારના શિકારના કેસમાં સલમાન ખાન દોષિત ઠર્યો છે.
લોરેન્સ બિશ્નોઈએ સલમાનને આ પાપ બદલ જોધપુર આવીને જાહેરમાં બિશ્નોઈ સમાજની મહાપંચાયત સામે માફી માગવા કહેવું પણ સલમાને આ વાત એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાંખેલી. તેનાથી ગિન્નાયેલા લોરેન્સ બિશ્નોઈએ સલમાનને ધમકી આપેલી પણ સલમાન ના માન્યો તેથી સલમાન પર ફાયરિંગ કરાવી દીધેલું.
પોલીસે સીસીટીવી તપાસ્યા તેમાં સલમાનના ઘર પર ફાયરિંગ કરનારા બે શૂટર્સમાંથી એક ગુરગ્રામનો વિશાલ રાહુલ હોવાનું બહાર આવેલું. આ કારણે સલમાનના ઘર પર ફાયરિંગના કેસમાં બિશ્નોઈ ગેંગ સંડાવાયેલી હતી એ નક્કી હતું. આ ઘટના પછી સલમાનની સુરક્ષા મજબૂત કરાઈ તેથી સલમાન ખાનને કશું કરવું શક્ય નથી તેથી સલમાનની નજીકનાં લોકોને ટાર્ગેટ કરીને ખૌફ પેદા કરવાનો દાવ લોરેન્સ બિશ્નોઈએ અજમાવ્યો તેમાં સિદ્દીકીનો વારો પડી ગયો એવી શક્યતા નકારી ના શકાય.
આ દાવો કેટલો સાચો છે એ ખબર નથી કેમ કે સિદ્દીકીના સલમાન ખાન, શાહરૂખ ખાન, સંજય દત્ત સહિતના ફિલ્મ સ્ટાર્સ દોસ્ત હતા તો દુશ્મનો પણ એટલા જ હતા.
અંડરવર્લ્ડ સાથે પણ તેમનું કનેક્શન હતું. બિશ્નોઈ ગેંગ પોતાને દાઉદ ઈબ્રાહીમ ગેંગની દુશ્મન ગણાવે છે. સલમાનના ઘર પર થયેલા ફાયરિંગ પછી લોરેન્સના ભાઈ અનમોલ બિશ્નોઈએ મૂકેલી પોસ્ટમાં દાઉદ ઈબ્રાહીમ અને છોટા શકીલને સલમાન ભગવાન માને છે એવો ઉલ્લેખ હતો. અનમોલે પોતાના બે કૂતરાનાં નામ દાઉદ અને છોટા શકીલ રાખ્યાં હોવાનો દાવો પણ કર્યો હતો. સિદ્દીકીના પણ દાઉદ ગેંગ સાથે સંબધોની વાતો છે. આ સંજોગોમાં સિદ્દીકીને ખરેખર કોણે પતાવી દીધા એ કહેવું મુશ્કેલ છે.
મીડિયામાં પોતાની લેવિશ ઇફ્તાર પાર્ટીઓ માટે જાણીતા સિદ્દીકી મહારાષ્ટ્રના રાજકારણમાં મોટું માથું હતા.
સલમાન ખાન અને શાહરૂખ ખાન વચ્ચે સમાધાન કરાવનારા નેતા તરીકે જાણીતા થયેલા સિદ્દીકી છેક ૧૯૭૭થી મહારાષ્ટ્રના રાજકારણમાં સક્રિય હતા. મૂળ બિહારી સિદ્દીકી પટણામાં જન્મેલા પણ તેમનો પરિવાર વરસો પહેલાં મુંબઈ આવીને વસી ગયેલો તેથી સિદ્દીકી મુંબઈના જ હતા.
કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ સાથે કારકિર્દી શરૂ કરનારા સિદ્દીકી પછીથી કોર્પોરેટર પણ બનેલા અને મુંબઈની બાંદરા વિધાનસભા બેઠક પરથી ત્રણ વાર ધારાસભ્ય તરીકે પમ ચૂંટાયા હતા. સિદ્દીકી મહારાષ્ટ્ર સરકારમાં ૨૦૦૪થી ૨૦૦૮ દરમિયાન મંત્રી પણ હતા. વરસો લગી કોંગ્રેસમાં રહેલા સિદ્દીકી છ મહિના પહેલાં જ કોંગ્રેેસ છોડીને અજીત પવારની પાર્ટીમાં જોડાયેલા.
સિદ્દીકી સામે ઈડીએ ભ્રષ્ટાચારના કેસ નોંધ્યા હતા. દાઉદ ઈબ્રાહીમ સાથે કનેક્શનના પણ આક્ષેપો થતા હતા. આ બધાના કારણે તવાઈ આવતાં ભાજપના વોશિંગ મશીનમાં ધોવાઈને પવિત્ર થવા સિદ્દીકીએ અજીતની પંગતમાં બેસી જવાનું નક્કી કરેલું એ કહેવાની જરૂર નથી. અજીત પવાર સાથે બેસવાથી સિદ્દીકી કાનૂની કાર્યવાહીથી બચી ગયા પણ મોતથી ના બચી શક્યા. સિદ્દીકીની હત્યા લોરેન્સ બિશ્નોઈએ કરાવી હોય તો મુંબઈમાં ગુનાખોરીનો નવો અધ્યાય શરૂ થશે કેમ કે મુંબઈમાં વરસોથી દાઉદ ઈબ્રાહીમ ગેંગની દાદાગીરી ચાલે છે.
દાઉદ સામે અરૂણ ગવલીથી માંડીને અમર નાઈક સુધીના ઘણા ગેંગસ્ટર પડયા પણ એ બધા સ્થાનિક હતા.
દાઉદે પોતાની ગેંગની તાકાત, પોતાના પીઠ્ઠુ રાજકારણીઓ અને પોલીસની મદદથી આ બધાંને પતાવીને પોતાનું એકચક્રી શાસન સ્થાપિત કર્યું છે. તેના કારણે છેલ્લાં કેટલાંક વરસોથી ગેંગ વોર વગેરે થતું નથી પણ દાઉદનું ખંડણીખોરીનું નેટવર્ક ધમધોકાર ચાલતું હોવાનું કહેવાય છે.
હવે લોરેન્સિ બિશ્નોઈ ગેંગે મુંબઈમાં એન્ટ્રી કરી છે. બલ્કે ધમાકેદાર એન્ટ્રી કરી છે કેમ કે સિદ્દીકી રેંજીપેંજી માણસ નહોતા. સિદ્દ્કીની હત્યાના કારણે લોરેન્સ બિશ્નોઈ ગેંગનો ખૌફ પેદા થશે અને ધીરે ધીરે તેમનું પણ ખંડણીખોરીનું નેટવર્ક ઉભું થશે.
તેના કારણે દાઉદ ગેંગની સર્ર્વોપરિતા સામે પડકાર ઉભો થશે ને તેનું પરિણામ ગેંગ વોરમાં આવી શકે. આ ગેંગ વોરમાં લોરેન્સ બિશ્નોઈનો હાથ ઉપર રહેવાની શક્યતા પ્રબળ છે કેમ કે બિશ્નોઈ ગેંગના માણસો આખા ઉત્તર ભારતના પટ્ટામાં કામ કરે છે જ્યારે દાઉદની ગેંગ મુંબઈ પૂરતી મર્યાદિત છે.
- સિદ્દીકી સામે ૨૦૦૦ કરોડના કૌભાંડનો કેસ થયેલો, પોતાની જ કંપનીને કોન્ટ્રાક્ટ આપેલો
બાબા સિદ્દીકી સામે સ્લમ રીહેબિલિટેશન ઓથોરિટી (એસઆરએ)ના ૨૦૦૦ કરોડ રૂપિયાના કૌભાંડ બદલ ઈડીએ પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ કેસ કર્યો હતો.
ઈડીએ ૨૦૧૮માં સિદ્દીકીની રૂપિયા ૪૬૨ કરોડની સંપત્તિ પણ ટાંચમાં લીધી હતી.
સિદ્દીકી મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરીયા ડેવલપમેન્ટ ઓથોરિટી (મ્હાડા)ના ૨૦૦૨થી ૨૦૦૪ દરમિયાન ચેરમેન હતા. એ વખતે મ્હાડા દ્વારા સંખ્યાબંધ સ્લમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરાયા હતા. આ પૈકી મોટા ભાગના પ્રોજેક્ટ પિરામિડ ડેલવપર્સને અપાયા હતા. આ કંપનીને જૂઠા દસ્તાવેજોના આધારે વધારે એફએસઆઈ પણ અપાઈ હતી.
આ કંપનીની મૂળ માલિકી સિદ્દીકીની જ હોવાનું મનાતું હતું. સિદ્દીકીએ ઘરના ભૂવા વે ઘરનાં ડાકલાં કરીને નાળિયેર ઘર ભણી ફેંકવા પિરામિડ ડેવલપર્સનો ઉપયોગ કરી લીધો હોવાના આક્ષેપ થયા હતા. ૨૦૧૨માં અબ્દુલ સલામ નામની વ્યક્તિએ સ્લમની જમીન પર બનેલાં ફ્લેટની ફાળવણીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો પછી ફરિયાદ નોંધાઈ હતી પણ ત્યારે કોંગ્રેસ-એનસીપી સરકાર હતા એટલે કંઈ ના થયું. ૨૦૧૪માં ભાજપ-શિવસેના સરકાર આવી પછી તપાસ શરૂ થઈ હતી.
સિદ્દીકીએ બાંદરા-વરલી લિંક રોડ સામે સ્લમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં સાત્ર ગુ્રપને મદદ કરી હોવાનો કેસ પણ થયો હતો. ૫૦૦ કરોડ રૂપિયાના કૌભાંડમાં સિદ્દીકીએ પ્રોજેક્ટમાંથી થનારા નફાનો અડધો ભાગ પોતાને આપવા સોદાબાજી કરેલી પણ ફરિયાદ થતાં આ પ્રોજેક્ટ અટવાઈ ગયો. સાત્ર ગુ્રપે પછીથી નાદારી નોંધાવી હતી.
- છોટા શકીલે સિદ્દીકીને ધમકી આપેલી, તારા પર 'એક થા એમએલએ' ફિલ્મ બનાવડાવીશ
બાબા સિદ્દીકીના દાઉદ ઈબ્રાહીમ સાથે કનેક્શન હોવાના આક્ષેપ પણ થયા હતા. ઈડીએ ૨૦૧૭માં બાબા સિદ્દીકીને ત્યાં ૨૦૦૦ કરોડ રૂપિયાના સ્લમ રીહેબિલિટેશન ઓથોરિટી (એસઆરએ) સ્કેમના સંદર્ભમાં દરોડા પાડયા પછી સિદ્દિકી ટેરર ફંડિંગ અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાના દાવા પણ કર્યો હતા. સિદ્દિકી દાઉદ ગેંગ સાથે સંકળાયેલા હોવાનો આક્ષેપ પણ ઈડીનાં સૂત્રોએ કર્યો હતો.
દાઉદ અને સિદ્દીકીના સંબંધો ૨૦૧૩માં થયેલા એક જમીન વિવાદના કારણ બંધાયા હતા. બાંદરામાં હિલ રોડ પર એક પ્રોપર્ટી ડેવલપ કરવા માટે સિદ્દિકી અને શમ્સ સૈયદે ભાગીદારી કરી હતી. આ પ્રોજેક્ટમાં વિવાદ થતાં શમ્સ સૈયદે દાઉદના સાથી ગેંગસ્ટર અહમદ લંગડાને ફરિયાદ કરી હતી.
લંગડાએ સિદ્દીકીને ધમકાવ્યા પણ સિદ્દીકીએ ધમકીને ના ગણકારતાં છોટા શકીલને ફરિયાદ કરી હતી. છોટા શકીલે મોબાઈલ પર મેસેજ મોકલીને ધમકી આપી હતી કે, શમ્સ સૈયદ સાથેનો વિવાદ શાંતિથી ઉકેલી નાંખ નહિંતર બહુ જલદી રામગોપાલ વર્મા તારા પર ફિલ્મ બનાવશે, એક થા એમએલએ.
સિદ્દીકી ત્યારે ધારાસભ્ય હતા તેથી પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે લંગડા અને શમ્સ સૈયદ બંનેને ઉઠાવીને જેલમાં નાંખી દીધા હતા. એ વખતે દાઉદ ઈબ્રાહીમે વચ્ચે પડીને સમાધાન કરાવ્યું હતું. આ કારણે દાઉદ સાથે સિદ્દિકીના સંબંધો બંધાયા. સિદ્દીકીએ દાઉદને આતંકવાદી પ્રવૃત્તિઓમાં મદદ કરી હોવાના આક્ષેપ થયા હતા પણ તેના કોઈ પુરાવા કદી ના મૂકાયા કે કોઈ કેસ ના થયો.