'અનુપમા'નો રીયલ ફેમિલી ડ્રામાઃ લવ, સેક્સ ઔર ધોખા
- અશ્વિને ન્યૂયોર્કમાં પહેલાં લગ્ન 1992માં મોનિકા સાથે કર્યા, બીજા લગ્ન સપના સાથે 1997માં કર્યા હતા ત્યારબાદ 2013માં રૂપાલી ગાંગુલી (અનુપમા) સાથે લગ્ન કર્યા
- ટીવીની સૌથી સફળ અભિનેત્રી રૂપાલી ગાંગુલી સામે સાવકી દીકરી એષાના આક્ષેપોએ ચકચાર જગાવી છે. અશ્વિન અને સપનાનું લગ્નજીવન તૂટયું નહોતું ત્યારે રૂપાલીને પોતાના પિતા અશ્વિન સાથે સંબંધો બંધાયેલા અને આ સંબંધોના કારણે જ પછીથી અશ્વિને પોતાની માતાને ડિવોર્સ આપી દીધા એવો આક્ષેપ એષાએ કર્યો છે. એષાએ રૂપાલી-અશ્વિનના દીકરા રુદ્રાંશને 'નાઝાયઝ' ગણાવીને કહ્યું કે, રૂપાલીના અશ્વિન સાથેના વ્યભિચારના કારણે લગ્ન પહેલાં જ તેનો જન્મ થઈ ગયો હતો. રૂપાલી અને અશ્વિનનાં લગ્ન ફેબ્રુઆરીમાં થયેલાં જ્યારે રૂદ્રાંશનો જન્મ ઓગસ્ટમાં થયેલો, એષાના કહેવા પ્રમાણે, રૂપાલી પ્રેગનન્ટ થઈ ગયેલી તેથી તાત્કાલિક લગ્ન કરી લીધેલાં.
ટીવી સીરિયલોમાં સૌથી સફળ ફેમિલી ડ્રામા 'અનુપમા'ની અનુપમા રૂપાલી ગાંગુલીનો રીયલ ફેમિલી ડ્રામા અત્યારે બરાબરનો ગાજી રહ્યો છે. રૂપાલી ગાંગુલીની સાવકી દીકરી એષા વર્માએ રૂપાલી સામે વ્યભિચાર સહિતના ગંભીર આક્ષેપો કર્યા તેના કારણે સનસનાટી વ્યાપેલી હતી જ ત્યાં રૂપાલીએ એષાને ૫૦ કરોડનો બદનક્ષીનો દાવો ઠોકવાની ધમકી આપતી નોટિસ ફટકારી તેમાં કહાનીમાં નવો ટ્વિસ્ટ આવી ગયો છે. ૨૬ વર્ષની એષા રૂપાલીના પતિ અશ્વિન કે. વર્માના સપના સાથેનાં લગ્નથી થયેલી બીજા નંબરની દીકરી છે, જે અત્યારે ન્યુ જર્સીમાં રહે છે.
રૂપાલીએ પોતાની વકીલ સના રઈસ ખાન મારફતે મોકલેલી નોટિસમાં એષાએ પોતાના ચારિત્ર્ય અને અંગત જીંદગી પર કાદવ ઉછાળીને બદનામ કરી હોવાનો આક્ષેપ કરાયો છે. નોટિસમાં દાવો કરાયો છે કે, એષાની વાતોથી રૂપાલીને એ હદે માનસિક આઘાત લાગ્યો છે કે, ડોક્ટરની સારવાર લેવી પડી છે. એષાના આક્ષેપોના કારણે સીરિયલના સેટ પર પોતાને અપમાનિત કરાઈ તથા ઘણા પ્રોફેશનલ કોન્ટ્રાક્ટ હાથમાંથી જતા રહ્યા છે.
નોટિસમાં દાવો કરાયો છે કે, એષાના આક્ષેપોના મુદ્દે રૂપાલી કંઈ કરવા નહોતી માગતી કે બોલવા નહોતી માગતી કેમ કે આ પરિવારનો મામલો છે પણ એષાએ રૂપાલીના ૧૧ વર્ષના દીકરા રૃંદ્રાંશને વિવાદમાં ઘસડતાં રૂપાલીએ મજબૂર થઈને ૫૦ કરોડ રૂપિયાની બદનક્ષીની નોટિસ આપવી પડી રહી છે. એષા આ વિવાદનો અંત લાવવા માટે બિનશરતી માફી માગી લે તો પોતે કોઈ કાર્યવાહી નહીં કરે એવું પણ નોટિસમાં કહેવાયું છે.
એષા અને રૂપાલીનો વિવાદ જૂનો છે. એષાએ ૨૦૨૦માં રૂપાલી સામે પોતાની માતાનું ઘર ભાંગ્યું હોવાનો આક્ષેપ કરતી પોસ્ટ સોશિયલ મીડિયા પર મૂકી હતી પણ પછી ડીલીટ કરી દીધી હતી. એ પછી એષાની રૂપાલી અને અશ્વિન સાથેની હેપ્પી મોમેન્ટ્સની પોસ્ટ પણ સોશિયલ મીડિયા પર જોવા મળી હતી ને પછી અચાનક એષા ગાયબ થઈ ગઈ. અઠવાડિયા પહેલાં એષાની જૂની પોસ્ટ અચાનક વાયરલ થઈ અને પછી અચાનક એષાના ઈન્ટરવ્યૂ આવવા માંડયા.
એષાએ રૂપાલી અને અશ્વિન વચ્ચે ૨૦૦૦થી અફેર હોવાનો આક્ષેપ મૂકી દીધો. રૂપાલી સાથેના લવ અને સેક્સના કારણે અશ્વિને પોતાની માતા સપનાને ધોખા (દગો) આપી દીધો એવું એષાનું કહેવું છે. અશ્વિન અને સપનાનું લગ્નજીવન તૂટયું નહોતું ત્યારે રૂપાલીને પોતાના પિતા અશ્વિન સાથે સંબંધો બંધાયેલા અને આ સંબંધોના કારણે જ પછીથી અશ્વિને પોતાની માતાન ડિવોર્સ આપી દીધા એવો આક્ષેપ પણ એષાએ કર્યો હતો. એષાએ રૂપાલી-અશ્વિનના દીકરા રુદ્રાંશને 'નાઝાયઝ' ગણાવીને કહ્યું કે, રૂપાલીના અશ્વિન સાથેના વ્યભિચારના કારણે લગ્ન પહેલાં જ તેનો જન્મ થઈ ગયો હતો.
રૂપાલીએ અશ્વિન સાથે ૨૦૧૩માં લગ્ન કર્યાં પછી રૂદ્રાંશ પ્રી-મેચ્યોર જન્મ્યો હોવાનો દાવો કરાયો. એષાએ આ દાવાને વાહિયાત ગણાવીને કહ્યું છે કે, પોતાનું પાપ ઢાંકવા રૂપાલીએ જ આ વાતો ફેલાવી છે. રૂપાલી અને અશ્વિનનાં લગ્ન ફેબ્રુઆરીમાં થયેલાં જ્યારે રૂદ્રાંશનો જન્મ ઓગસ્ટમાં થયેલો, એષાના કહેવા પ્રમાણે, રૂપાલી પ્રેગનન્ટ થઈ ગયેલી તેથી તાત્કાલિક લગ્ન કરી લીધેલાં.
રૂપાલી સાથેના અફેરના કારણે અશ્વિને અમેરિકામાં સપનાને બે વાર ડિવોર્સના પેપર હાથમાં પકડાવી દીધેલાં પણ સપનાએ સહી નહોતી કરી. એ છતાં અશ્વિન ભારત આવી ગયા અને રૂપાલી સાથે રહેવા લાગ્યા. સપના પોતાની બે દીકરીઓ સાથે ભારત આવી ત્યારે અશ્વિને તેમને મળવાનો ઈન્કાર કરી દીધેલો ને ઘરમાં પણ ઘૂસવા નહોતાં દીધાં એવો પણ આક્ષેપ એષાએ કરેલો. રૂપાલીએ ભેદી દવા આપીને પિતાને વશમાં કરી લીધો છે. એષાએ હમણાં વીડિયો બહાર પાડીને આ આક્ષેપો દોહરાવ્યા છે.
એષાના આક્ષેપો મસાલેદાર છે પણ મનોરંજન જગતમાં આ પ્રકારની ઘટનાઓની નવાઈ નથી. સંખ્યાબંધ સેલિબ્રિટીની લાઈફમાં આવા ડ્રામા ભજવાયા છે. રૂપાલીએ પોતે અશ્વિનને ૨૦૦૦થી નહીં પણ છેલ્લાં ૧૨ વર્ષથી જ ઓળખે છે એવો દાવો કર્યો છે પણ આવાં જૂઠાણાં પણ નવી વાત નથી. રૂપાલી-અશ્વિનના સેક્સ સંબંધો ૨૦૦૦થી હતા કે નહીં એ ખબર નથી પણ બંને ૨૦૦૦થી એકબીજાને ઓળખતાં હતાં એ વાત સાચી છે. અશ્વિને પોતે સોશિયલ મીડિયા પોસ્ટમાં ૨૦૦૦ની તારીખ નાંખીને લખેલું કે, રૂપાલી આ દિવસે પોતાના જીવનમાં આવી ત્યારથી પોતાની જીંદગી બદલાઈ ગઈ.
અશ્વિનના રૂપાલી સાથેના લગ્નેતર સંબંધો, લગ્ન પહેલાં હીરોઈન પ્રેગનન્ટ થઈ ગઈ હોય, અગાઉના લગ્નથી થયેલા પરિવારે વાંધો લીધો હોય એ બધું પણ ભૂતકાળમાં અનેક વાર બન્યું છે તેથી રૂપાલી-અશ્વિન-એષાના ત્રિકોણમાં નવું કશું નથી પણ રૂપાલી અત્યારે ટીવીની સૌથી સફળ અભિનેત્રી છે તેથી મીડિયા એષાની વાતોને મહત્વ આપી રહ્યું છે. એષાની ભૂતકાળની પોસ્ટ જુઓ તો સમજાય કે, એ પણ દૂધે ધોયેલી નથી અને રૂપાલી-અશ્વિન સામેના આક્ષેપો સાથે તેનો સ્વાર્થ જોડાયેલો છે. એષાના રૂપાલી-રૂદ્રાંશ-અશ્વિન સાથે ખુશમય ક્ષણોની તસવીરો એ વાતનો પુરાવો છે કે, થોડાં વરસો પહેલાં સુધી એષાને પણ તેના બાપે માને તરછોડીને રૂપાલી સાથે ઘર વસાવ્યું તેની સામે વાંધો નહોતો. હવે અચાનક વાંધો પડયો, તેની પોતાની જૂની પોસ્ટ વાયરલ થઈ એ બધું આકસ્મિક નથી.
એષા મનોરંજન જગતમાં સ્થાન બનાવવા માગતી હતી, રૂપાલીની જેમ હીરોઈન બનવા માગતી હતી એટલે છેલ્લાં પાંચેક વર્ષથી રૂપાલી અને અશ્વિનને મળ્યા કરતી હતી. બંનેએ એષાનાં ફોટોશૂટ પણ કરાવ્યાં હતાં અને પ્રોડક્શન હાઉસને મોકલ્યાં પણ હતાં પણ એષાને તક ના મળી તેનો ખાર એ કાઢી રહી હોય એ શક્ય છે.
રૂપાલીએ સાવકી દીકરીને નોટિસ તો ફટકારી પણ વાત આગળ વધે એવી શક્યતા નહિવત છે. ઘરમેળે પતાવટ થઈ જાય એવા પૂરા સંજોગો છે તો ત્યાં સુધી અનુપમાના રીયલ ફેમિલી ડ્રામાની મજા લીધા કરો.
રૂપાલી અશ્વિનની ત્રીજી પત્ની, અમેરિકાની સફળ કારકિર્દી છોડી ભારત આવી ગયો
રૂપાલી ગાંગુલી અશ્વિન કે. વર્માની ત્રીજી પત્ની છે. હાલમાં ૫૫ વર્ષના વર્મા વરસો સુધી અમેરિકામાં રહ્યા છે.
૧૯૯૦ના દાયકામાં ન્યુ યોર્ક લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીથી કારકિર્દી શરૂ કરનારા વર્માએ ૧૯ વર્ષ સુધી આ કંપનીમાં કામ કર્યું. પ્રમોશનો મેળવી મેળવીને વર્મા કંપનીમાં કોર્પોરેટ વાઈસ પ્રેસિડેન્ટ અને ચીફ માર્કેટિંગ ઓફિસર બન્યા હતા. અમેરિકામાં વર્માને ઈન્સ્યોરન્સ સેક્ટરમાં સૌથી સફળ લોકોમાં એક માનવામાં આવતા હતા. ૨૦૧૧માં અશ્વિન વર્મા અમેરિકા છોડીને ભારત આવી ગયા અને રૂપાલી ગાંગુલી સાથે મળીને એડવર્ટાઈઝિંગ એજન્સી સ્થાપી. રૂપાલી ગાંગુલીએ પિતા અનિલ ગાંગુલી સાથે મળીને ૨૦૦૦ની સાલમાં એડ એજન્સી સ્થાપેલી કે જે જામેલી હતી. અશ્વિન સાથે મળીને બનાવેલી બીજી એજન્સી પણ સફળ થઈ છે.
અશ્વિને ન્યુ યોર્કમાં પહેલાં લગ્ન ૧૯૯૨માં મોનિકા નામની યુવતી સાથે કરેલાં પણ બે વર્ષ પછી ડિવોર્સ થઈ ગયા હતા. અશ્વિને સપના સાથે ૧૯૯૭માં બીજાં લગ્ન કર્યાં.
આ લગ્નથી તેને એષા સહિત બે દીકરી થઈ. ૨૦૦૮માં અશ્વિન અને સપનાના ડિવોર્સ થયા અને ૨૦૧૧માં અશ્વિન વર્મા ભારત આવી ગયા પછી ૨૦૧૩માં રૂપાલી ગાંગુલી સાથે ત્રીજાં લગ્ન કર્યાં.
આ લગ્નથી ૨૦૧૫માં તેમને એક દીકરો થયો. અત્યારે વર્મા પત્ની અને દીકરા રૂદ્રાંશ સાથે મુંબઈમાં રહે છે જ્યારે ભૂતપૂર્વ પત્ની સપના એષા સહિતની બે દીકરીઓ સાથે અમેરિકાના ન્યુ જર્સીમાં રહે છે.
રૂપાલીના પિતા નેશનલ એવોર્ડ વિનર ફિલ્મ સર્જક, ભાઈ સફળ કોરીયોગ્રાફર
રૂપાલી ગાંગુલીનો પરિવાર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઉડાં મૂળિયાં ધરાવે છે. રૂપાલીના પિતા અનિલ ગાંગુલી સ્વચ્છ કૌટુંબિક મનોરંજક ફિલ્મો બનાવવા માટે જાણીતા હતા. અનિલ ગાંગુલીને હિન્દી ફિલ્મોમાં સબળ હીરોઈન આધારિત ફિલિમો બનાવનારા સર્જક માનવામાં આવે છે. બંગાળી સાહિત્યની યાદગાર કૃતિઓ પરથી ફિલિમો બનાવનારા ગાંગુલીની જયા ભાદુરી અભિનિત કોરા કાગઝ (૧૯૭૪) અને રાખી અભિનેતી તપસ્યા (૧૯૭૫)એ બેસ્ટ એન્ટરટેઈનિંગ ફિલ્મના નેશનલ એવોર્ડ જીત્યા હતા. આ સિવાય તૃષ્ણા, આંચલ અને સાહેબ જેવી ફિલ્મો પણ તેમણે બનાવી. અનિલ કપૂર અને અમૃતા સિંગની ચમકાવતી સાહેબ (૧૯૮૫) તેમની છેલ્લી સફળ ફિલ્મ હતી. એ પછી તેમની સળંગ ૭ ફિલ્મો ચાલી નહોતી તેથી ગાંગુલી એડ ફિલ્મો તરફ વળી ગયેલા. દીકરી રૂપાલી સાથે મળીને ૨૦૦૦માં એડ એજન્સી સ્થાપી જે હજુ ચાલે છે. ગાંગુલી ૨૦૧૬માં ૮૨ વર્ષની ઉંમરે ગુજરી ગયા હતા.
રૂપાલીનો ભાઈ વિજય બાળ કલાકાર તરીકે સાહેબ, સડકછાપ, દુશ્મન દેવતા વગેરે ફિલ્મોમાં કામ કરેલું અને અત્યારે સફળ કોરીયોગ્રાફર છે. બંટી ઔર બબલી, યુવરાજ, તારે ઝમીં પર ફિલ્મોમાં વિજયે આસિસ્ટન્ટ કોરીયોગ્રાફર તરીકે કામ કર્યા પછી ૨૦૧૩થી સ્વતંત્ર કોરીયોગ્રાફર બન્યો. જગ્ગા જાસૂસ, અંધાધૂન, સ્ત્રી, લવ આજ કલ વગેરે ફિલ્મોની કોરીયોગ્રાફી કરનારા વિજયને જગ્ગા જાસૂસના ગલતી સે મિસ્ટેક ગીત માટે બેસ્ટ કોરીયોગ્રાફરનો ફિલ્મફેર સહિતના ઘણા એવોર્ડ મળેલા. અત્યારે ૪૫ વર્ષના વિજયે ૨૦૧૨માં કોરીયોગ્રાફર ડિમ્પલ સાથે લગ્ન કરેલાં. ડિમ્પલ-વિજયે સાથે મળીને બાદશાહો, હેટ સ્ટોરી ૩ વગેરે ફિલ્મોની કોરીયોગ્રાફી કરેલી. ૨૦૧૮માં બંનેના ડિવોર્સ થઈ ગયા હતા.