પાકિસ્તાનમાં સોનાના ભંડારઃ છાસ છાગોળે, ભેંસ ભાગોળે ને ઘરમાં ધમાધમ
- સોનાના ભંડારના પ્રાથમિક પુરાવા છતાં વિશ્વની ઘણી ખાણોમાં ખાણકામની સંભાવના 1 ટકા કરતા ઓછી
પાકિસ્તાનના માથે અત્યારે 131 અબજ ડોલરનું દેવું છે જ્યારે ખાણના સોનાની કિંમત 2 અબજ ડોલરની આસપાસ મનાય છે,માનો કે પાકિસ્તાનને બધા ૨ અબજ ડોલર મળે તો પણ પાકિસ્તાનના દેવામાંથી 2 ટકા પણ ઓછું નહીં થાય. બીજું એ કે, જીયોલોજિકલ સર્વેમાં સોનાના ભંડાર હોવાની સંભાવના વ્યક્ત કરાઈ છે પણ જમીનમાંથી સોનું કાઢવું એ નાનીમાના ખેલ નથી કે વિજ્ઞાનીઓએ કહ્યું એ ઠેકાણે શારકામ કરી નાંખે એટલે સોનાના ગઠ્ઠા મળવા માંડે. પાકિસ્તાનમાં તો સૌથી મોટો ખતરો આતંકવાદનો છે. અફઘાન તાલિબાન ખૈબર પખ્તુનખ્વાથી એટોક સુધીની સરહદને વિવાદિત માને છે અને આ વિસ્તાર પર દાવો કરે છે. સોનાના ભંડારો હોવાની ખબર પડતાં આ દાવો મજબૂત થશે તેથી પાકિસ્તાન માટે એટોકની ખાણોમાંથી સોનું કાઢવું જ સૌથી પહેલાં તો સૌથી મોટો પડકાર છે.
આર્થિક રીતે પાયમાલીના આરે આવીને ઉભેલા પાકિસ્તાનમાંથી સોનાના મોટા ભંડાર મળ્યા હોવાના સમાચાર આવતાં દુનિયાભરમાં ઉત્તેજના છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલા એટૉક શહેરમાં સોનાના જંગી ભંડાર હોવાનો દાવો પાકિસ્તાનના એક આર્કિયોલોજિસ્ટે અઠવાડિયા પહેલા જ કરી નાંખેલો પણ સત્તાવાર રીતે આ વાતને સમર્થન નહોતું મળ્યું.
હવે પંજાબ પ્રાંતના ભૂતપૂર્વ ખાણ મંત્રી ઈબ્રાહિમ હસન મુરાદે એટૉક શહેરમાં ૨ અબજ ડૉલર (૧૭ હજાર કરોડ રૂપિયા)ના સોનાનો ભંડાર મળ્યો હોવાનો દાવો કર્યો છે. હસન મુરાદના જણાવ્યા અનુસાર એટોકમાં ૩૨ કિલોમીટરના વિસ્તારમાં ૩૨,૬૫૮ કિલો (૨૮ લાખ તોલા) સોનાનો ભંડાર મળી આવ્યો છે. હાલના બજાર ભાવે આ સોનાની કિંમત લગભગ ૨ અબજ ડૉલર (૧૭ હજાર કરોડ રૂપિયા) છે.
હસન મુરાદે સોશિયલ મીડિયા પરની પોસ્ટમાં વધાઈ ખાતાં લખ્યું છે કે, પાકિસ્તાનના જીઓલોજિકલ સર્વેના વૈજ્ઞાનિકોએ કરેલી સોનાના ખજાનાની આ શોધ પંજાબમાં કુદરતી સંપત્તિ જંગી પ્રમાણમાં હોવાનું સાબિત કરે છે. આ શોધના કારણે પાકિસ્તાન આર્થિક રીતે સદ્ધર થશે અને ભવિષ્યની પેઢીને પણ ફાયદો મળશે.
સ્વાભાવિક રીતે જ પાકિસ્તાનમાં તો આ સમાચારથી હરખની હેલી આવી ગઈ છે. પાકિસ્તાનીઓને તો દુઃખભરે દિન બિતે રે ભૈયા, અબ સુખ આયો રે જેવું લાગવા માંડયું છે. આર્થિક બેહાલીના કારણે પાકિસ્તાનના સત્તાધીશોએ અત્યારે ચપણિયું લઈને દુનિયાભરના દેશો પાસે ફરવું પડે છે અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ) સહિતની સંસ્થાઓ જે કહે એ શરતો નાકલીટી તાણીને સ્વીકારીને લોન લેવી પડે છે.
પાકિસ્તાનમાં આર્થિક બેહાલીના કારણે મોંઘવારી બેફામ છે અને ઘણી ચીજો તો મળતી જ નથી. રોજગારી છે નહીં તેથી ભવિષ્ય પણ સાવ અંધકારમય લાગે છે. તેમાં સોનાની ખાણો મળી તેના સમાચાર આવતાં લોકોને આશા જાગી છે કે, હવે તેમની બધી તકલીફો દૂર થઈ જશે.
સોશિયલ મીડિયા પર પાકિસ્તાનીઓ સિવાયના લોકો પણ પાકિસ્તાનના અચ્છે દિન આવી રહ્યા છે એવી વાતો કરવા માંડયા છે. આ બધી વાતો ભેંસ ભાગોળે, છાસ છાગોળે ને ઘરમાં ધમાધમ જેવી છે. આ સોનાની ખાણોથી પાકિસ્તાનના દિવસો ફરી જશે એવી વાતો મૂર્ખામીની ચરમસીમા જેવી છે. પાકિસ્તાનની વાસ્તવિક સ્થિતીને સમજશો તો આ વાત સારી રીતે સમજાશે.
પાકિસ્તાનના માથે અત્યારે ૧૩૧ અબજ ડોલરનું દેવું છે જ્યારે આ ખાણના સોનાની કિંમત ૨ અબજ ડોલરની આસપાસ મનાય છે એ જોતાં માનો કે પાકિસ્તાનને બધા ૨ અબજ ડોલર મળે તો પણ પાકિસ્તાનના દેવામાંથી ૨ ટકા દેવું પણ ઓછું નહીં થાય.
બીજું એ કે, જીયોલોજિકલ સર્વેમાં સોનાના ભંડાર હોવાની સંભાવના વ્યક્ત કરાઈ છે પણ આ સોનું પાકિસ્તાનના હાથમાં આવ્યું નથી. જમીનમાંથી સોનું કાઢવું એ નાનીમાના ખેલ નથી કે વિજ્ઞાનીઓએ કહ્યું એ ઠેકાણે શારકામ કરી નાંખે એટલે સોનાના ગઠ્ઠા મળવા માંડે. ખાણમાંથી સોનું કાઢવાની પ્રક્રિયા બહુ અટપટી છે અને વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે કહ્યું જ છે કેસ સોનાના ભંડાર મળ્યા પછી પણ તેના ખાણકામમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેના માટે સમય જોઈએ, નાણાકીય સંસાધનો જોઈએ અને નિષ્ણાતો પણ જોઈએ. પાકિસ્તાન પાસે બોમ્બ બનાવવાના નિષ્ણાતો છે પણ જમીનમાંથી સોનું કાઢવાના નિષ્ણાતો નથી એ જોતાં પાકિસ્તાને વિદેશની કોઈ કંપનીને કોન્ટ્રાક્ટ આપવો પડે. આ કંપની પાકિસ્તાનને કમાવીને આપશે એવી કોઈ ગેરંટી નથી.
સોનાના ભંડારના પ્રાથમિક પુરાવા હોવા છતાં વિશ્વની ઘણી ખાણોમાં ખાણકામની સંભાવના ૧ ટકા કરતા ઓછી હોય છે. ખાણકામ કરવા જતાં જમીન બેસી જાય, ભૂકંપ આવી જાય ને બધું દટાઈ જાય સહિતના ઘણા ખતરા હોય છે. આ ખતરાને ટાળવા માટે વિગતવાર મોડેલ તૈયાર કપવું પડે ને તેમાં દસેક વર્ષનો સમય લાગી જતો હોય છે એ જોતાં પાકિસ્તાનના હાથમાં તાત્કાલિક કશું આવે એવી શક્યતા નથી.
પાકિસ્તાનમાં તો સૌથી મોટો ખતરો આતંકવાદનો છે. સોનાનો ભંડાર હોવાની સંભાવના છે એ પાકિસ્તાનનું એટોક શહેર પંજાબ રાજ્યની સરહદ પર આવેલું છે અને ખૈબર પખ્તુનખ્વાની સરહદ પંજાબને અડકે છે. પાકિસ્તાની તાલિબાન લાંબા સમયથી પાકિસ્તાની લશ્કરન સામે લડીને આતંકવાદ ફેલાવી રહ્યા છે. આ આતંકવાદીઓ ખાણમાં કામ ના થવા દે એ ખતરો છે ને ખાણમાંથી સોનું નિકળે પછી લૂંટી લે એ પણ શક્ય છે.
અફઘાન તાલિબાન પણ ખૈબર પખ્તુનખ્વાથી એટોક સુધીની સરહદને વિવાદિત માને છે અને આ વિસ્તાર પર દાવો કરે છે. સોનાના ભંડારો હોવાની ખબર પડતાં આ દાવો મજબૂત થશે તેથી પાકિસ્તાન માટે એટોકની ખાણોમાંથી સોનું કાઢવું જ સૌથી પહેલાં તો સૌથી મોટો પડકાર છે.
પાકિસ્તાને આ ખતરાને ટાળવા ચીન જેવા માથાભારે દેશોની મદદ લેવી પડે. ચીન કે એવો જ બીજો કોઈ દેશ વચ્ચે પડે પછી પાકિસ્તાનના હાથમાં કંઈ ના આવે એ જોતાં સોનાના ભંડાર પાકિસ્તાનની કિસ્મત બદલી નાંખશે એવી આશા રાખવા જેવી નથી.
પાકિસ્તાન પાસે રેકો દિકની સોના-તાંબાની ખાણો, 2028થી વરસે 710 કિલો સોનું નિકળશે
પાકિસ્તાન પાસે બલુચિસ્તાનમાં આવેલી રેકો દિક ખાણમાં પણ સોનાના ભંડાર હોવાનું મનાય છે. અફઘાનિસ્તાન અને ઈરાનની સરહદે બલુચિસ્તાનમાં આવેલા ચગાઇ જિલ્લાના રેકો દિક કસ્બામાં આવેલી આ ખાણમાં સોના અને તાંબાના વિશાળ ભંડાર છે. પાકિસ્તાન સરકારે કેનેડાની કંપની બારિક ગોલ્ડ સાથે રેકો દિકમાંથી સોનું અને તાંબું કાઢવા માટે ૨૦૨૨માં કરાર કર્યો છે.
આ કરાર પ્રમાણે, રેકો દિકમાં પાકિસ્તાનની ફેડરલ ગવર્નમેન્ટ એટલે કે કેન્દ્ર સરકારનો હિસ્સો ૨૫ ટકા, બલુચિસ્તાનની પ્રાંતિય સરકારનો હિસ્સો ૨૫ ટકા અને બારીક ગોલ્ડનો હિસ્સો ૫૦ ટકા છે. આ ખાણની કિંમત અત્યારે ૭ અબજ ડોલર (લગભગ રૂપિયા ૬૧ હજાર કરોડ) મૂકાય છે. એ હિસાબે પાકિસ્તાન અને બલૂચિસ્તાન સરકારો પાસે રેકો દિકમાંથી જ ૩૦ હજાર કરોડ રૂપિયાથી વધારે રકમ આવશે. રેકો દિક ખાણમાં સાઉદી અરેબિયા સહિતના દેશોને પણ રસ છે. સાઉદી અરેબિયાએ ૧ અબજ ડોલરના રોકાણની તૈયારી બતાવી છે.
બોરીક ગોલ્ડ વિશ્વમાં સોનાના ઉત્પાદનમાં વિશ્વમાં બીજા નંબરની સૌથી મોટી કંપની છે. બારીક ગોલ્ડના અંદાજ પ્રમાણેઆ પ્રોજેક્ટ ૫૦ વર્ષથી વધુ સમય માટે ચાલે એવો છે. રેકો દિકમાં ૧૯૯૫માં પહેલી વાર ખોદકામ કરવામાં આવ્યું ત્યારે ૪ મહિનામાં જ ૨૦૦ કિલોગ્રામ સોનું અને ૧૭૦૦ ટન તાંબુ મળ્યું હતું.આ ખાણ વાર્ષિક ૨ લાખ ટન ટન તાંબુ અને ૨૫૦,૦૦૦ ઔંસ (લગભગ ૭૧૦ કિલો) સોનાનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. ઉત્પાદન ૨૦૨૮માં શરૂ થવાની ધારણા છે એ જોતાં પાકિસ્તાન પાસે ભવિષ્યમાં આવકનો વધુ એક સ્ત્રોત ઉભો થશે.
સોનાના ભંડારથી પાકિસ્તાનનું 1.12 લાખ કરોડના દેવાનું વ્યાજ પણ ના ચૂકવાય
પાકિસ્તાનમાં સોનાના ભંડાર મળતાં પાકિસ્તાનનું દેવું ચૂકવાઈ જશે અને પાકિસ્તાનના દિવસો ફરી જશે એવી વાતો થાય છે પણ આ વાતોમાં માલ નથી. સોનાનો ભંડાર હોય એટલે જેટલો ભંડાર હોય એ બધું સરકારની તિજોરીમાં ના જાય. સોનું કાઢવા માટે કરવો પડતો ખર્ચ ભંડારના ૫૦ ટકા જેવો હોય છે.
ડિસેમ્બર ૨૦૨૩ સુધીમાં જ પાકિસ્તાનના માથે કુલ ૧૩૧ અબજ ડોલર (લગભગ રૂપિયા ૧.૧૨ લાખ કરોડ) કરતાં વધારે દેવું હતું. પાકિસ્તાને પેરિસ ક્લબને ૭.૫૪૧ અબજ ડોલર ચૂકવવાના છે. અમેરિકા, યુકે, ફ્રાન્સ. જાપાન સહિતના દુનિયાના ધનિક ૨૨ દેશોના બનેલા ગ્રુપને પેરિસ ક્લબ કહે છે. આ સિવાય ૩૮.૮૧૩ અબજ ડોલર સાઉદી અરેબિયા, યુએઈ સહિતના દેશો, ૭.૫૯૬ અબજ ડોલર ઈન્ટરનેશનલ મોનેટરી ફંડને અને ૭.૮ અબજ ડોલર યુરોબોન્ડ્સ અને સુકુક્સ સહિતના આંતરરાષ્ટ્રીય બોન્ડને ચૂકવવાના છે. પાકિસ્તાનને મળેલો સોનાનો ભંડાર બહુ નાનો છે એ જોતાં તેના કારણે પાકિસ્તાનનું ભાવિ બદલાઈ જશે એવી આશા નથી.
પાકિસ્તાન દુનિયામાં સૌથી ખરાબ રીતે દેવામાં ડૂબેલો દેશ મનાય છે. ભારતની જીડીપી ૩.૫ ટ્રિલિયન કરતાં વધારે છે જ્યારે તેનું કુલ દેવું ૬૫૦ અબજ ડોલરની આસપાસ છે. તેની સામે પાકિસ્તાનની જીડીપી ૩૩૮ અબજ ડોલર છે ને તેના ૫૦ ટકા જેટલું દેવું છે. આ પ્રમાણ બહુ ઉંચું છે તેથી પાકિસ્તાનની આર્થિક હાલત બદલવી અઘરી છે. આતંકવાદના કારણે પાકિસ્તાનમાં બહારથી વિદેશી રોકાણ આવતું નથી તેથી પાકિસ્તાન પોતાની જીડીપીમાં જોરદાર વધારો કરી શકે એવી સ્થિતીમાં પણ નથી. આ કારણે પાકિસ્તાનને દેવાનું વ્યાજ ચૂકવવાનાં પણ ફાંફાં પડી રહ્યાં છે.