Get The App

મહામાયા ઈન્દ્રાણીનો ભારતથી છૂ થવાનો પ્લાન સુપ્રીમ કોર્ટે ઉંધો વાળ્યો

Updated: Feb 14th, 2025


Google NewsGoogle News
મહામાયા ઈન્દ્રાણીનો ભારતથી છૂ થવાનો પ્લાન સુપ્રીમ કોર્ટે ઉંધો વાળ્યો 1 - image


- સુપ્રીમ કોર્ટે લીધેલું પગલું યોગ્ય છે કેમ કે ભારતમાં મોટા ભાગના અપરાધો કરનાર ધનિકો વિદેશ ભાગી જાય છે અને પછી છૂ થઈ જાય છે

- ઈન્દ્રાણીએ પીટર સાથે લગ્ન કર્યાં ત્યારે પોતાના ભૂતકાળની બધી વાતો છૂપાવી હતી.  પોતાનાં સંતાનોને ભાઈ-બહેન ગણાવવા સહિતનાં એવાં જૂઠાણાં પતિને કહેલાં કે જેની કલ્પના પણ ના થઈ શકે. થોડા સમય પછી ઈન્દ્રાણીએ પોતાની દીકરી શિનાને સાથે રહેવા બોલાવી લીધી હતી. પીટરના પહેલા લગ્નથી હાઈ સોસાયટીની કહેવાતી ઈન્દ્રાણી મુખરજી અને તેના સેલિબ્રિટી પતિ પીટર મુખરેજાથી આ વાત સહન ના થઈ તેથી બંનેએ ભેગાં મળીને શિનાની હત્યા કરીને તેની લાશને ઠેકાણે પાડી દીધી હતી. શિનાના ફોન પરથી ઈન્દ્રાણીએ રાહુલને બ્રેક અપ કર્યું હોવાનો મેસેજ મોકલ્યો હતો. રાહુલે પૂછયું ત્યારે શિના ભણવા માટે અમેરિકા જતી રહી હોવાનો દાવો કરેલો. રાહુલને તેમની વાત પર ભરોસો નહોતો તેથી પોલીસનો સંપર્ક કર્યો પણ ઈન્દ્રાણીએ એ સિફતથી લાશને ઠેકાણે પાડી દીધેલી કે ત્રણ વર્ષ સુધી પોલીસ ગોથે ચડેલી રહી.

સુપ્રીમ કોર્ટે ઈન્દ્રાણી મુખરજીની વિદેશ જવાની મંજૂરી માગતી અરજી ફગાવી દીધી એ સાથે જ શિના બોરા હત્યા કેસની યાદ ફરી તાજી થઈ છે. શિના ઈન્દ્રાણીની સગી દીકરી હતી કે જેની ઈન્દ્રાણીએ પોતે જ પોતાના પતિ પીટર મુખરજી ઉર્ફે પીટર મુખરેજા સાથે મળીને હત્યા કરી નાંખી હતી કેમ કે શિનાને ઈન્દ્રાની સાવકા દીકરા સાથે સંબધો બંધાયા હતા. આ કેસમાં ઈન્દ્રાણી જામીન પર છૂટેલી છે અને વિદેશમાં જવા માગે છે પણ સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહી દીધું કે, એક વાર વિદેશ જાય પછી ઈન્દ્રાણી પાછી આવશે તેની ગેરંટી નથી એ જોતાં તેને મંજૂરી ના આપી શકાય. સુપ્રીમ કોર્ટે આ કેસ ઝડપથી ચલાવીને એક વર્ષમાં પૂરો કરવા પણ તાકીદ કરી છે. કેસનો ચુકાદો આવી જાય ને ઈન્દ્રાણી છૂટી જાય પછી જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે. 

સુપ્રીમ કોર્ટે લીધેલું વલણ એકદમ યોગ્ય છે કેમ કે ભારતમાં મોટા અપરાધો કરનારા ધનિકો વિદેશ જાય પછી પાછા આવતા જ નથી. વિજય માલયાથી માંડીને નિરવ મોદી-મેહુલ ચોકસી સુધીના કરૂબાજો આ રીતે છૂ થઈ ગયા છે. એ લોકો તો સુપ્રીમ કોર્ટને કહેવા પણ રોકાયા નહોતા ને તવાઈ આવે એ પહેલાં જ છૂ થઈ ગયેલા એટલા પાકા હતા. ઈન્દ્રાણી પણ કાચી ખેલાડી નથી પણ મહામાયા છે પણ તેણે સુપ્રીમ કોર્ટ પાસે મંજૂરી માટે આવવું પડે છે કેમ કે તેનો પાસપોર્ટ જપ્ત કરાયેલો છે. બાકી પાસપોર્ટ તેની પાસે હોત તો એ પણ ક્યારની નૌ દો ગ્યારહ થઈ ગઈ હોત ને માલયા-મેહુલવાળી યાદીમાં વધુ એક નામ ઇન્દ્રાણીનું ઉમેરાઈ ગયું હોત. 

ઈન્દ્રાણી કેવી મહામાયા છે તેનો અંદાજ તેની જીવનકથા વાંચો ને ખાસ તો શિના બોરા હત્યા કેસ વિશે જાણો તો ખબર પડે. ઈન્દ્રાણીનો ૨૦૦૨માં પીટર સાથે પરિચય થયો ત્યારે એ ભારતીય ટેલિવિઝનની દુનિયામાં બહુ મોટું માથું હતો. 

પીટર મુખરજીનું મૂળ નામ  પ્રિતમ મુખરેજા છે. પીટર બ્રિટનમાં જન્મેલો એટલે પ્રિતમમાંથી પીટર બની ગયો.  સ્ટાર ટીવી દેશની ટોચની એન્ટરટેઈનમેન્ટ ચેનલોમાં એક  છે. સ્ટારને એ લેવલે પહોંચાડવામાં પીટરનું મોટુ યોગદાન છે. 

સ્ટાર નેટવર્ક ઓસ્ટ્રેલિયાના મીડિયા મોગલ રૂપર્ટ મરડોકનું છે. એક જમાનામાં સ્ટાર ભારતમાં અંગ્રેજી કાર્યક્રમો જ આપતું.  સુભાષચંદ્રની ઝી ટીવી સાથે સ્ટારે ઝી કરાર કરતાં ઝીના હિન્દી કાર્યક્રમો સ્ટાર પર આવે ને સ્ટારના અંગ્રેજી કાર્યક્રમો ઝી પર આવે તેવી ગોઠવણ કરાયેલી. બદલામાં સ્ટારે હિન્દી ચેનલ ના લાવવી ને ઝી અંગ્રેજી ચેનલ ના લાવે તેવી ગોઠવણ થઈ હતી. મરડોક માટે આ સોદો લાખના બાર હજાર કરવાનો સાબિત થયો. 

ઝી  બનેગી અપની બાત ને તારા ને એવા એકદમ હોટ કાર્યક્રમો બતાવતું તેના કારણે તેનો આગવો ચાહક વર્ગ હતો તેથી ઝીની બોલબાલા હતી પણ સ્ટારના અંગ્રેજી કાર્યક્રમોમાં લોકોને રસ નહોતો પડતો. આ કાર્યક્રમો ભારતીય ઓડિયન્સ માટે નહોતા બનેલા. દરમિયાનમાં સોની ચેનલની એન્ટ્રી થતાં સ્ટાર ટીવીની હાલત ખરાબ થઈ ગઈ હતી. 

ઝી  સાથે ચાર વરસ લગી કરાર દરમિયાન પચાસ કરોડ ડોલરનું આંધણ થયું પછી મરડોકે  હિન્દી ચેનલ લાવવાનું નક્કી કર્યું. મરડોક સમીર નાયર ને પીટર મુખરજીને પકડી લાવ્યો.. સમીરે એકતા કપૂર સાથે જોડાણ કરીને  'ક્યું કિ સાસ ભી કભી બહુ થી' ટાઈપની સીરિયલો બનાવડાવી ને અમિતાભ બચ્ચનને ઉતારીને 'કૌન બનેગા કરોડપતિ' શો બનાવડાવ્યો. પીટરે અમિતાભના નામે જાહેરખબરોના ઢગ ખડકીને સ્ટાર ટીવીને ટોચની ચેવલ બનાવી દીધી. આ કારણે પીટરનો ભારે દબદબો હતો. મોટા મોટા લોકો સાથે તેના સંબંધો હતા. ઈન્દ્રાણીએ પીટર સાથે નિકટતા વધારીને તેનો ભરપૂર લાભ લીધો. 

પીટરે ઈન્દ્રાણી સાથે લગ્ન કર્યાં એ વખતે તેમે પોતાના ભૂતકાળની બધી વાતો છૂપાવી હતી. બલ્કે પોતાનાં સંતાનોને ભાઈ-બહેન ગણાવવા સહિતનાં એવાં જૂઠાણાં પતિને કહેલાં કે જેની કલ્પના પણ ના થઈ શકે. થોડા સમય પછી ઈન્દ્રાણીએ પોતાની દીકરી શિનાને સાથે રહેવા બોલાવી લીધી હતી.

પીટરના પહેલા લગ્નથી થયેલો દીકરો રાહુલ પણ સાથે રહેતો હતો. શિનાને ઈન્દ્રાણીના સાવકા પુત્ર રાહુલ સાથે સંબંધો બંધાયા હતા. શિના-રાહુલ ઈન્દ્રાણીના ઘરમાં જ રંગરેલિયાં મનાવતાં હતાં ને પરણવા પણ માગતાં હતાં. પીટર-ઈન્દ્રાણીના વિરોધની ઐસીતૈસી કરીને સાથે રહેવા માંડેલાં.  હાઈ સોસાયટીની કહેવાતી ઈન્દ્રાણી મુખરજી અને તેના સેલિબ્રિટી પતિ પીટર મુખરેજાથી આ વાત સહન ના થઈ તેથી બંનેએ ભેગાં મળીને શિનાની હત્યા કરીને તેની લાશને ઠેકાણે પાડી દીધી હતી. 

શિનાના ફોન પરથી ઈન્દ્રાણીએ રાહુલને બ્રેક અપ કર્યું હોવાનો મેસેજ મોકલ્યો હતો. રાહુલે પૂછયું ત્યારે શિના ભણવા માટે અમેરિકા જતી રહી હોવાનો દાવો કરેલો. 

રાહુલને તેમની વાત પર ભરોસો નહોતો તેથી પોલીસનો સંપર્ક કર્યો પણ ઈન્દ્રાણીએ એ સિફતથી લાશને ઠેકાણે પાડી દીધેલી કે ત્રણ વર્ષ સુધી પોલીસ ગોથે ચડેલી રહી. છેવટે ૨૦૧૫માં પોલીસને ડીએનએ મેચ દ્વારા પુરાવો મળ્યો પછી પીટર અને ઈન્દ્રાણીને જેલભેગાં કરી દેવાયેલાં. 

આ હત્યાના કારણે પીટરની આબરૂ ધૂળધાણી થઈ ગઈ ને તેણે જેલમાંથી જ ઈન્દ્રાણીને ડિવોર્સ આપી દીધેલો. પીટર ૨૦૨૦માં જામીન પર છૂટયા પછી ખોવાઈ ગયો. ઈન્દ્રાણી ૨૦૨૨માં જામીન પર છૂટી પછી શિના જીવતી હોવાનો દાવો કરીને સનસનાટી પેદા કરેલી પણ કોઈને તેની વાત પર ભરોસો નહોતો બેઠો. 

ઈન્દ્રાણી અત્યારે એકલી છે. શિના બોરા કેસમાં જેલમાં પાછા જવાનો વારો આવવાનો છે તેની ખબર છે તેથી ભાગી જવા માગે છે પણ સુપ્રીમ કોર્ટે ઈન્દ્રાણીનો દાવ ઉંધો પાડી દીધો.

300 કરોડની લાંચઃ ઈન્દ્રાણીના કારણે ચિંદબરમે જેલની હવા ખાવી પડેલી 

ઈન્દ્રાણી મુખરજીના કારણે કોંગ્રેસના ધુરંધર નેતા અને ભૂતપૂર્વ વિદેશ મંત્રી ચિદંબરમે જેલની હવા ખાવી પડેલી.  કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે નાણા અને ગૃહ એમ બબ્બે મોટાં ખાતાં દસ વરસ સુધી ભોગવનારા ચિદંબરમ સામે નરેન્દ્ર મોદીના શાસનમાં સત્તાનો દુરૂપયોગ કરીને દીકરા કાર્તિને અબજોનો ફાયદો કરાવવાના કેસ નોંધાયા તેમાં એક કેસ આઈએનએક્સ મીડિયાનો છે. આ કેસમાં ૨૦૧૯ના ઓગસ્ટમાં ચિદંબરમની ધરપકડ થઈ હતી.

આઈએનએક્સ મીડિયા પીટર-ઈન્દ્રાણી મુખરજીની કંપની છે. પીટર-ઈન્દ્રાણીએ કાત સાથે મળીને આઈએનએક્સ મીડડિયાને વિદેશથી ભંડોળ લાવવા માટે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ (એફઆઇપીબી)ની મંજૂરી અપાવી તેમાં નિયમો બાજુ પર મૂકી દેવાયા હતા અને બદલામાં કાર્તિને ૩૦૦ કરોડ રૂપિયા અપાયા એવો આરોપ છે. 

ભારતમાં સ્ટાર ટીવીને જમાવનારા પીટરને સ્ટાર જેવું પોતાની માલિકીનું નેટવર્ક ઉભું કરવાનો અભરખો હતો. પીટરે આ સપનું સાકાર કરવા આઈએનએક્સ મીડિયા સ્થાપી અને કાર્યક્રમો બનાવીને બીજી ચેનલોને આપવા માંડયા. પીટરે પોતાની પણ થોડીક ચેનલો બનાવી. પીટર સ્ટારના કારણે વિદેશમાં કનેક્શન ધરાવતો તેથી તેના માટે વિદેશમાંથી નાણાં ખેચી લાવવાં અઘરાં નહતાં. જો કે ભારતમાં સરકારી તંત્ર પાસેથી મંજૂરીઓ કઢાવવી અઘરી છે તેથી  પીટરે કાર્તિને સાધીને ધડાધડ મંજૂરીઓ લઈ લીધી. આ કેસમાં કાર્તિએપણ જેલની હવા ખાવી પડેલી. કાર્તિ લોકસભાનો સભ્ય છે. તેનો દાવો હતો કે, પોતે કદી ઈન્દ્રાણી કે પીટરને મળ્યો જ નથી પણ કાતને ત્યાં પડેલા દરોડામાં તેની કંપનીએ આઈએનએક્સ મીડિયા પાસેથી નાણાં લીધાં હોય તેવાં વાઉચર્સ મળેલાં. આ કેસમાં લાંબો સમય જેલમાં રહ્યા પછી કાર્તિ-ચિદંબરમ જામીન પર બહાર છે. 

ઈન્દ્રાણી લગ્ન પહેલાં બે સંતાનોના મા બની, સંતાનોને ભાઈ-બહેન ગણાવીને રજૂ કર્યા

મૂળ આસામની ઈન્દ્રાણીનું અસલી નામ પોરી બોરા છે. ઈન્દ્રાણી ૧૯૮૬માં શિલોંગની લેડી કીન કોલેજમાં ભણતી ત્યારે ટી એસ્ટેટ માલિક સિધ્ધાર્થ દાસના સંપર્કમાં આવેલી. બંને વચ્ચે સંબંધો બંધાયા. ઈન્દ્રાણીએ ૧૯૮૭ના ફેબ્રુઆરીમાં દીકરી શીનાને જન્મ આપ્યો અને દીકરા મિખાઈલને ૧૯૮૮ના સપ્ટેમ્બરમાં જન્મ આપ્યો. બે સંતાનોના જન્મ પછી સિધ્ધાર્થ સાથે ઝગડા શરૂ થતાં ઈન્દ્રાણીએ તેને છોડીને માતા-પિતા પાસે જતી રહી. 

1990માં સંતાનોને માતા-પિતા પાસે ગૌહત્તીમાં મૂકીને ઈન્દ્રાણી કોલકાત્તા આવી. 

કોલકાત્તામાં ઈન્દ્રાણીના સંજીવ સાથે સંબંધ બંધાયા અને ૧૯૯૩માં બંને પરણી ગયાં. ઈન્દ્રાણીએ ૧૯૯૬માં કોલકાત્તામાં આઈએનએક્સ સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ શરૂ કરીને કમિશનના બદલામાં કંપનીઓમાં સ્ટાફની ભરતીનું કામ શરૂ કરેલું. ઈન્દ્રાણીએ ૧૯૯૭માં દીકરી વિધીને જન્મ આપ્યો. ૨૦૦૧માં ઈન્દ્રાણી સંજીવ સાથે મુંબઈ આવીને રીલાયન્સ સહિતની કંપનીઓ માટે કામ કરવા માંડી. સ્ટાર ઈન્ડિયામાં ભરતીમાં પણ તેણે મદદ કરી હતી.

કોલકાત્તામાં ઈન્દ્રાણીને સંજીવના દોસ્ત એવા કોલકાત્તાના એક બિઝનેસમેન સાથે પણ સંબંધો બંધાયા હોવાનું કહેવાય છે. મુંબઈ આવ્યાં પછી ઇન્દ્રાણીના બીજા સંબંધો પણ બંધાયા. તેના કારણે સંજીવ સાથે ખટપટ શરૂ થતાં ડિવોર્સ થયા ત્યારે વિધી પિતા સાથે ગયેલી. ૨૦૦૨માં પીટર સાથે તેનો પરિચય થયો અને ૨૦૦૨ના નવેમ્બરમાં ઈન્દ્રાણી પીટરને પરણી ગઈ. લગ્ન વખતે ઈન્દ્રાણીએ પોતાનાં સંતાનોની ઓળખાણ પોતાનાં નાનાં ભાઈ-બહેન તરીકે આપી હતી. શીના બોરા ૨૦૦૬માં ઈન્દ્રાણી અને પીટર સાથે રહેવા આવી ગઈ અને તેના કારણે તેમના જીવનમાં જોરદાર ટ્વિસ્ટ આવ્યો.

News-Focus

Google NewsGoogle News