બીજા વિશ્વયુદ્ધ બાદ શોષણખોર રાષ્ટ્રો નબળા પડતા 31થી વધુ દેશ આઝાદ થયેલા
- 16મી સદીમાં ઑદ્યોગિક ક્રાંતિને પગલે યુરોપમાં કાચા માલની જરૂર ઊભી થઈ અને લખાઈ ગયો સંસ્થાનવાદનો કલંકિત ઈતિહાસ
- દુનિયા પર એ જ લોકો રાજ કરે છે, જેનું વિજ્ઞાાન પર પ્રભૂત્વ છે અને જે આર્થિક રીતે સમૃદ્ધ છેઃ આપણે અંગ્રેજોની જેમ કોઈનું શોષણ નથી કરવું, પરંતુ આપણું વજન બનાવી રાખવા વિજ્ઞાાન અને ઇકોનોમી આ બે દિશામાં સતત મજબૂત બનવું જરૂરી
માનવજાતિનો ઈતિહાસ શોષણનો ઈતિહાસ છે, એવું કાર્લ માર્ક્સે કહેલું. આદિમ યુગના માણસ અને આજના માણસ વચ્ચે કોઈ એક સામ્ય હોય તો તે છે લડત. માણસ પહેલા અનાજ માટે લડતો, પછી જમીનો માટે લડતો થયો. માણસ પહેલા પેટ માટે લડતો હતો, પછી મન માટે લડતો થયો. પેટ ભરવા માટે તો યુરોપમાં પૂરતા સંસાધનો હતા, પરંતુ તેનાથી તેમનું મન ભરાતું નહોતું, લાલસા સંતોષાતી નહોતી એટલે તેમણે એક પછી એક દેશોને વેપારના બહાને ગુલામ બનાવવાનું શરૂ કર્યું. કોઈ કહે છે કે એ દૂષ્ચક્રનો બીજા વિશ્વયુદ્ધ પછી અંત આવ્યો તો કોઈ કહે છે કે એ દૂષ્ચક્ર આજે પણ કોઈને કોઈ સ્વરૂપમાં ચાલુ છે.
યુરોપમાં ૧૬મી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિ શરૂ થયા પછી યુરોપિયન દેશોને કાચા માલની જંગી જરૂરિયાત ઊભી થઈ. તે મેળવવા માટે વેપારીઓ દરિયાઈ માર્ગે વિવિધ દેશોની સફરે નીકળી પડયા. કાળક્રમે તે સફર અનેક રાજ્યો, દેશો, પ્રદેશો માટે ગુલામીના ઈતિહાસનું કારણ બની. ફ્રેન્ચો, સ્પેનિશો, પોર્ટુગીઝો, ડેનિશો અને વલંદાઓ (ડચ)એ જુદા-જુદા દેશોમાં વેપારના બહાને ઘૂસી ધીમે-ધીમે તેમને ગુલામ બનાવી દીધા. ગુલામીની આ બેડી ત્રણ સદી પછી એટલે કે બીજા વિશ્વ યુદ્ધના અંત પછી તૂટવાની શરૂઆત થઈ. ભારત અને તેના જેવા બીજા દેશો આઝાદ થયા તેમાં સ્વાતંત્ર્ય સેનાનીઓનું પૂરેપૂરું યોગદાન હતું, સાથોસાથ આઝાદીનું એક મહત્ત્વપૂર્ણ પરિબળ બીજું વિશ્વ યુદ્ધ પણ હતું. બીજા વિશ્વ યુદ્ધ પછી આર્થિક રીતે અને સૈન્યની દ્રષ્ટિએ ખુવાર થઈ ગયેલા યુરોપિયન દેશો માટે અન્ય દેશો પર રાજ કરવાનું સરળ રહ્યું નહોતું એટલે જ એક પછી એક દેશ આઝાદ થતાં ગયા. ભારત ૧૯૪૭માં આઝાદ થયું, વિયેતનામ ૧૯૪૫માં, શ્રીલંકા ૧૯૪૮માં, ફિલિપાઈન્સ ૧૯૪૬માં, ઓમાન ૧૯૫૬માં, મ્યાંમાર ૧૯૪૮માં, માલદીવ ૧૯૬૫માં, મલેશિયા ૧૯૫૭માં, દક્ષિણ કોરિયા ૧૯૪૮માં, જોર્ડન ૧૯૪૬માં અને કંબોડિયા ૧૯૫૩માં.
કંબોડિયા ૧૮૬૩થી ફ્રાંસના તાબામાં હતું. ૯મી નવેમ્બર ૧૯૫૩ના રોજ તેણે આઝાદી મેળવી. ફિલિપાઈન્સ પર સ્પેનનું રાજ હતું. ટ્રીટ્રી ઓફ મનીલા અંતર્ગત તેણે ૪થી જૂલાઈ ૧૯૪૭ના દિવસે સ્વતંત્રતા પ્રાપ્ત કરી. તે ૧૮૯૮થી સ્પેનના તાબા હેઠળ હતું. ૪૯ વર્ષના સંઘર્ષ પછી તેણે મુકિતનું અજવાળું જોયું. વિયેતનામે ૨ સપ્ટેમ્બર ૧૯૪૫ના રોજ ફ્રાંસની ગુલામીમાંથી મુક્તિ મેળવી. તે ૧૮૮૭થી ફ્રાંસના કબજામાં હતું. મલય રાજ્યોને ૧૭મી સદીથી યુરોપિયન દેશો ધમરોળતા હતા. ૩૧મી ઓગસ્ટ ૧૯૫૭ના રોજ તેણે બ્રિટનના તાબામાંથી સ્વતંત્રતા પ્રાપ્ત કરી. વિવિધ મલય રાજ્યો ૧૬ સપ્ટેમ્બર ૧૯૬૩ના રોજ ફેડરેશન ઑફ મલાયા હેઠળ સંગઠિત થયા અને મલેશિયા દેશનો ઉદય થયો. ૧૯૨૦થી જોર્ડન બ્રિટનના તાબા હેઠળ હતું. ૨૫ મે, ૧૯૪૬ના રોજ તેણે મુક્તિ મેળવી.
કોરિયન દ્વિપકલ્પ પર ૧૯૧૦થી જાપાનનું રાજ હતું. તેનો અંત ૧૫ ઓગસ્ટ ૧૯૪૫ના રોજ આવ્યો. કોરિયન દ્વિપકલ્પે જાપાનના રાજમાંથી સ્વાતંત્ર્ય મેળવ્યા બાદ તેનો ઉત્તર ભૂ ભાગ રશિયાએ કબજે કરી લીધો અને દક્ષિણ ભાગ અમેરિકાએ. ૧૫ ઓગસ્ટ ૧૯૪૮ના રોજ દક્ષિણ કોરિયા સ્વતંત્ર દેશ બન્યો. ૯મી સપ્ટેમ્બર ૧૯૪૮ના રોજ ઉત્તર કોરિયા સ્વતંત્ર બન્યું. લેબેનોન ૨૩ વર્ષ સુધી ફ્રાંસના કબ્જા હેઠળ હતું. ૨૨ નવેમ્બર ૧૯૪૩ના રોજ તેને આઝાદી મળી. માલદીવ યુ.કે.ની ગુલામીમાંથી ૨૬મી જૂલાઈ ૧૯૬૫માં મુક્ત થયું. ૧૬મી સદીથી જ ત્યાં પોર્ટુગીઝ, ડચ અને ફ્રેન્ચ વેપારીઓનું આગમન શરૂ થઈ ગયેલું. બ્રિટિશરોએ ૧૭૯૬માં માલદીવમાંથી ડચને હાંકી કાઢી અને અંકુશમાં લઈ લીધું હતું. ઓમાને પોર્ટુગીઝની ગુલામીમાંથી ૨૬મી જાન્યુઆરી ૧૯૫૬ના રોજ મુક્તિ મેળવી. સિંગાપોર મલય રાજ્યો સાથે જોડાયેલું હતું. ૯મી ઓગસ્ટ ૧૯૬૫ના રોજ તે સ્વતંત્ર દેશ બન્યો.
ભારતની જેમ શ્રીલંકાને પણ વિવિધ યુરોપિયન શક્તિઓએ ધમરોળ્યું હતું. ૧૯મી સદીની શરૂઆતથી તે બ્રિટનના કબજામાં હતું. ૪ ફેબુ્રઆરી ૧૯૪૮ના રોજ તેને ડોમીનિયન રાજ્ય તરીકે મુકિત મળી. ૨૨ મે ૧૯૭૨ના રોજ તે રિપબ્લીક ઓફ શ્રીલંકા બન્યું. બીજા વિશ્વ યુદ્ધ દરિમયાન શ્રીલંકા પશ્ચિમી દેશો માટે મહત્ત્વપૂર્ણ મિલિટરી એર બેઝ હતું.
મકાઉ એક સમયે બ્રિટિશ મકાઉ હતું, હોંગકોંગ બ્રિટિશ હોંગકોંગ હતું. આજે આ બંને પ્રાંતો ચીનના તાબામાં છે. સાયપ્રસ એક સમયે બ્રિટિશ સાયપ્રસ હતું. કંબોડિયા અને લાઓસ ફ્રેન્ચ ઈન્ડોચાઈના તરીકે ઓળખાતા. ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા જાપાનીઝ કોરિયા હતા. શ્રીલંકા બ્રિટિશ સિલોન હતું. મ્યાંમાર બ્રિટિશ બર્મા હતું. ભારત અને પાકિસ્તાન બ્રિટિશ ઇંડિયા હતા. વિયેતનામ પણ ફ્રેન્ચ ઈન્ડોચાઈનાનો ભાગ હતું. ઇન્ડોનેશિયા ડચ ઈસ્ટ ઈન્ડીઝ અને એમ્પાયર ઓફ જાપાન વચ્ચે વહેંચાયેલું હતું. ફિલિપાઈન્સ સ્પેનિશ ઈસ્ટ ઈન્ડીઝ હતું.
બીજા વિશ્વ યુદ્ધમાં ઈટલીનો પરાજ્ય થતાં તેણે આફ્રિકામાં ગુલામ બનાવેલા દેશો ઇથિયોપિયા, લિબિયા, એરીટ્રીયા અને સોમાલિયાને મુક્ત કરવા પડયા. ઈથીયોપિયા ૧૯૪૭માં મુક્ત થયું, લિબિયા ૧૯૫૨ની ૧લી જાન્યુઆરીએ આઝાદ થયું, એરીટ્રીયાને ઈથિયોપિયામાં ભેળવી દેવાયું હતું, જેમાંથી તે ૧૯૯૧માં સ્વતંત્ર થયું. મોરોક્કો ૮ વર્ષના યુદ્ધ પછી ૨ માર્ચ ૧૯૫૬ના રોજ ફ્રાંસની ગુલામીમાંથી મુક્ત થયું. બીજા વિશ્વયુદ્ધ પછી અલ્જિરિયા અને ટયુનિશિયાએ પણ ફ્રાંસની ગુલામીમાંથી મુક્તિ મેળવી. ૧૯૬૦માં બેલ્જિયમે કોંગોને સ્વતંત્ર કરી દીધું. પોર્ટુગલે ૧૯૭૪માં આફ્રિકન કોલોનીઓને આઝાદી આપી. ૧૯૫૬થી ૧૯૭૫ વચ્ચે મોરોક્કોના ઉત્તર ભાગ, ગીની અને પશ્ચિમ સહારાને સ્પેનના અત્યાચારી શાસનમાંથી છૂટકારો મળ્યો.
ચાર સદીના ઈતિહાસનું વિહંગાવલોકન કરતાં સમજાય છે કે ઔદ્યોગિક ક્રાંતિએ સંસ્થાનવાદનો પાયો નાખ્યો હતો બીજા વિશ્વ યુદ્ધે શોષણની આ ઇમારતને જર્જરિત કરી નાખી. આઝાદ થવું અઘરું છે. સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા પછી બધા દેશો કંઈ ચાલતા, દોડતા કે ઊડતા શીખી શક્યા નથી. આમાંના ઘણાં ખરા ગૃહયુદ્ધની આગમાં હોમાઈ ગયા છે. ઘણાં બધાં ગોથું ખાઈને એવા પડી ગયા છે કે ક્યારે ઊભા થશે એ કહેવું મુશ્કેલ છે.
ગુલામીનો આ ઇતિહાસ સમજાવે છે કે વિશ્વમાં નબળા પર સબળા રાજ કરે છે. ડીકોલોનાઈઝેશન પછી આ સત્ય બદલાય ગયું નથી. આજે પશ્ચિમી દેશો અને ચીન દુનિયા પર પરોક્ષ રીતે રાજ કરી રહ્યા છે. માત્ર દેશ ગુલામીમાંથી મુક્ત થઈ જાય એ પૂરતું નથી. દરેક પ્રકારની ગુલામીમાંથી મુક્ત થવું પડે. ચાહે તે આર્થિક હોય, સામાજિક હોય કે વૈચારિક હોય. જે જૂનું છે અને શ્રેષ્ઠ છે તેને જાળવી રાખવાની સાથે જે નવું છે તેને સમજવા સ્વીકારવા માટે આંખ, કાન અને મગજ ખુલ્લા રાખવા પડે.
ભલે આપણે સજ્જન અને ઉદાર છીએ એટલે આપણે વિશ્વ પર રાજ કરવા માગતા નથી, પણ બીજા આપણા પર પ્રત્યક્ષ કે પરોક્ષરૂપે રાજ ન કરી જાય તે માટે શક્તિની સાધના જરૂરી છે. આપણે અહિંસાવાદી હોઈએ તો પણ નખ અને ફુંફાડો રાખવા આવશ્યક છે.
પ્લાસીના યુદ્ધ પછી અંગ્રેજોએ વિજય સરઘસ કાઢયું. તે જોવા માટે મોટી સંખ્યામાં ભારતીયો એકત્રિત થયેલા. એક અંગ્રેજ લેખકે લખ્યું, જેટલા ભારતીયો વિજય સરઘસ જોવા એકત્રિત થયા એટલા યુદ્ધ ભૂમિમાં લડવા આવ્યા હોત તો અમે હારી જાત.
આપણે ૧૭૫૭માં પ્લાસીના યુદ્ધથી અંગ્રેજોના ગુલામ બન્યા અને ૧૯૪૭માં આઝાદ થયા. એ પછીના ૭૫ વર્ષમાં આપણે શું પ્રાપ્ત કર્યું એ વિચારવાનો આજનો દિવસ છે. ક્યાંથી નીકળ્યા હતા અને ક્યાં પહોંચ્યા, ક્યાં પહોંચવાનું છે અને હજી કેટલું અંતર બાકી છે એનું આત્મ નિરીક્ષણ કરવાનો અવસર છે. ઘણા બધા દેશો કરતા આપણે સારું કરી શક્યા છીએ, કિન્તુ હજી શ્રેષ્ઠ કરવાનું બાકી છે.
૧૬મીથી ૨૦મી સદી દરમિયાન વિશ્વ પર રાજ કરનારા દેશોમાં જબરદસ્ત ઔદ્યોગિક ક્રાંતિ થયેલી. હજારો-લાખોની સંખ્યામાં વૈજ્ઞાાનિક સંશોધનો થયેલાં. આજે પણ વિશ્વ પર રાજ કરતાં અમેરિકા, ચીન અને યુરોપિયન દેશો આર્થિક અને વૈજ્ઞાાનિક રીતે સમૃદ્ધ છે. તે દર્શાવે છે કે વૈશ્વિક શક્તિ બનવું હોય તો જીવનમાં વૈજ્ઞાાનિક અભિગમ કેળવવો ખૂબ જરૂરી છે.
વિજ્ઞાાન અને નવી ટેકનોલોજીની સાધના જ તમને દુનિયા પર રાજ કરવા લાયક બનાવી શકે છે. વિજ્ઞાાન તથા નવી ટેકનોલોજીની સાધના થકી જ આર્થિક સમૃદ્ધિનું શિખર સર કરી શકાય એમ છે, એ સિવાય બીજો કોઈ રસ્તો નથી. આઝાદીના અમૃત મહોત્સવની શુભકામનાઓ.
વિશ્વયુદ્ધ પછી આઝાદ થયેલા 31 દેશો
ક્રમ |
નામ |
વર્ષ |
1 |
ભારત |
1947 |
2 |
પાકિસ્તાન |
1947 |
3 |
ઓસ્ટ્રેલિયા |
1955 |
4 |
વિએટનામ |
1945 |
5 |
શ્રીલંકા |
1948 |
6 |
ફિલિપાઈન્સ |
1946 |
7 |
ઓમાન |
1956 |
8 |
મ્યાંમાર |
1948 |
9 |
માલદીવ્સ |
1965 |
10 |
મલેશિયા |
1957 |
11 |
દક્ષિણ કોરિયા |
1948 |
12 |
જોર્ડન |
1946 |
13 |
કંબોડિયા |
1953 |
14 |
ઈથિયોપિયા |
1947 |
15 |
લિબિયા |
1952 |
16 |
મોરોક્કો |
1956 |
17 |
કોંગો |
1960 |
18 |
કોમોરોસ |
1975 |
19 |
ડોમેનિકા |
1978 |
20 |
પૂર્વ તિમોર |
2002 |
21 |
એરિટ્રિયા |
1991 |
22 |
ઈસ્ટવાનિટિ |
1968 |
23 |
ઘાના |
1957 |
24 |
ગ્રેનેડા |
1974 |
25 |
ગુયાના |
1966 |
26 |
ઈન્ડોનેશિયા |
1945 |
27 |
ઈઝરાયેલ |
1948 |
28 |
આઈવરીકોસ્ટ |
1960 |
29 |
જમૈકા |
1962 |
30 |
કેન્યા |
1963 |
31 |
માડાગાસ્કર |
1960 |