ભાજપના પૈસે પબ્લિસિટીથી રાહુલ ગાંધીનું વધતું જતું કદ

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News
ભાજપના પૈસે પબ્લિસિટીથી રાહુલ ગાંધીનું વધતું જતું કદ 1 - image


- 2014ની લોકસભા ચૂંટણી વખતથી જ રાહુલ ગાંધીને પપ્પુ સહિતનાં વિશેષણોથી નવાજીને નિશાન બનાવવાનું શરૂ કરેલું. ભાજપની આ વ્યૂહરચના 2014 અને 2019 એમ બે લોકસભા ચૂંટણીમાં કામ કરી ગયેલી પણ 2024ની ચૂંટણીમાં નિષ્ફળ નિવડી. ભાજપના નેતા રાહુલને સતત ગાળો આપતા રહ્યા તેના કારણે રાહુલની લોકોને સહાનુભૂતિ મળી અને આજે રાહુલ દેશમાં સૌથી મજબૂત નેતા તરીકે ઉભર્યા છે. અત્યારે સ્થિતી એ છે કે, રાહુલ કંઈ પણ બોલે એટલે તેની વાતને ગંભીરતાથી લેવાય છે.

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અમેરિકામા કરેલાં નિવેદનોને મુદ્દે દેકારો મચાવીને ભાજપે સાબિત કર્યું છે કે, ભાજપ ભૂતકાળમાંથી કશું શીખ્યો નથી. ભાજપ રાહુલનો વિરોધ કરનારા ભાજપના નેતાઓને સમજાતું નથી કે,રાહુલનાં નિવેદનોને અત્યંત મહત્વ આપીને ભાજપ તેને વધારે ને વધારે મોટો નેતા બનાવી રહ્યો છે. ભાજપના નેતાઓમાં એ સમજવાની ક્ષમતા જ નથી કે, રાહુલ સામે ભારતમાં દેકારો મચાવવાથી રાહુલની ઈમેજ ડાઉન થાય એ દિવસો જતા રહ્યા છે. ઉલટાનું રાહુલની નરેન્દ્ર મોદી અને ભાજપને હમચમાવી નાંખનારા નેતા તરીકેની ઈમેજ મજબૂત થઈ રહી છે.

ભાજપ રાહુલ પર પ્રહારો કરે છે તેમ તેમ રાહુલ વધારે ને વધારે મજબૂત બનતા જાય છે. ભાજપના નેતાઓના રાહુલ માટેના ઓબ્સેશનના કારણે કશું કર્યા વિના રાહુલને જબરદસ્ત પબ્લિસિટી મળી રહી છે. ભાજપના ઈશારે ચાલતી ટીવી ચેનલો મફતમાં રાહુલને નરેન્દ્ર મોદી કે ભાજપના બીજા નેતાઓ કરતાં પણ વધારે મહત્વ આપી રહી છે તેથી ભાજપના પૈસે રાહુલનું ઈમેજ બિલ્ડિંગ થઈ રહ્યું છે. 

૨૦૧૪ની લોકસભા ચૂંટણી વખતથી જ રાહુલ ગાંધીને પપ્પુ સહિતનાં વિશેષણોથી નવાજીને નિશાન બનાવવાનું શરૂ કરેલું. ભાજપની આ વ્યૂહરચના ૨૦૧૪ અને ૨૦૧૯ એમ બે લોકસભા ચૂંટણીમાં કામ કરી ગયેલી પણ ૨૦૨૪ની ચૂંટણીમાં નિષ્ફળ નિવડી. 

ભાજપના નેતા રાહુલને સતત ગાળો આપતા રહ્યા તેના કારણે રાહુલની લોકોને સહાનુભૂતિ મળી અને આજે રાહુલ દેશમાં સૌથી મજબૂત નેતા તરીકે ઉભર્યા છે. અત્યારે સ્થિતી એ છે કે, રાહુલ કંઈ પણ બોલે એટલે તેની વાતને ગંભીરતાથી લેવાય છે.

રાહુલનાં બે નિવેદન અને એક મુલાકાતે ભારતમાં રાજકીય તોફાન ઉભું કરી દીધું છે એ તેનો પુરાવો છે. 

 રાહુલનું પહેલું નિવેદન સીખો સહિતની લઘુમતી અંગે અને બીજું નિવેદન અનામત અંગે હતું. રાહુલ કહેલું કે, ભારતમાં સીખોને પાઘડી કે કડાં પહેરવા દેવાં કે નહીં એ મુદ્દે લડાઈ ચાલી રહી છે અને સીખાની જ નહીં પણ તમામ ધર્મની આ હાલત છે. રાહુલે અનામત અંગે કહેલું કે, ભારતમાં જ્યાં સુધી ન્યાયી માહોલ નહીં હોય ત્યાં સુધી અનામત રહેશે અને અત્યારે ન્યાયી માહોલ નથી. 

આ નિવેદનોના પગલે રાહુલને દેશવિરોધી અને અનામત વિરોધી ગણાવીને ભાજપના નેતા તૂટી પડયા છે. રાહુલ અમેરિકામાં ભારત વિરોધી મનાતાં ઈલહાન ઉમર સહીત ૧૦ સાંસદોને મળ્યા તેને પણ ભાજપે રાષ્ટ્રવિરોધી કૃત્ય ગણાવ્યું છે. રાહુલ ગાંધી ભારતના ભાગલા કરવાનાં કાવતરાં ઘડી રહેલાં લોકો સાથે હાથ મિલાવીને દેશ સાથે ગદ્દારી કરી રહ્યા છે એવા આક્ષેપો અમિત શાહ અને રાજનાથસિંહ સહિતના મોદી સરકારના ટોચના નેતા કરી રહ્યા છે.

શાહના કહેવા પ્રમાણે તો જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સના રાષ્ટ્રવિરોધી અને અનામત વિરોધી એજન્ડાને સમર્થન હોય કે વિદેશની ધરતી પર ભારત વિરોધી નિવેદનો આપવાની વાત હોય, રાહુલ ગાંધી હંમેશાં દેશની સુરક્ષા સામે ખતરો ઉભા કરીને લોકોની લાગણીઓને દૂભાવી રહ્યા છે. રાહુલે ચીને ભારતનો પ્રદેશ પચાવી પાડયો હોવાનો દાવો કર્યો તેને પણ ભાજપના નેતા જૂઠાણાં ગણાવી રહ્યા છે.

પિયૂષ ગોયલે તો કોંગ્રેસ અને રાહુલ ગાંધી પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈનાં ફ્રેન્ડ બની ગયાં હોવાનો બફાટ પણ કર્યો છે.

 ભાજપના ઈશારે કેટલાંક સીખ સંગઠનો પણ મેદાનમાં આવી ગયાં છે. સોનિયા ગાંધીના ઘરે સામે દેખાવો કરવા સહિતનાં રાજકીય નાટક ચાલુ થઈ ગયાં છે. મોદીની ચાપલૂસી કરી ખાતી ટીવી ચેનલો પણ મેદાનમાં આવી ગઈ છે. અમેરિકામા બેઠેલાં ભારત વિરોધી પરિબળો રાહુલને ભારતને બદનામ કરવા માટે નાણાં આપે છે એ પ્રકારના આક્ષેપોનો મારો શરૂ થઈ ગયો છે.

ભાજપે રાહુલ સામે માંડેલો મોરચો એ વાતનો પુરાવો છે કે, ભાજપ હજુય એવા ભ્રમમાં જ છે કે, રાહુલ ગાંધીને ગાળો દેવાથી કે દેશવિરોધી ગણાવવાથી આ દેશનાં લોકો ભાજપ પર ઓળઘોળ થઈ જશે, કોંગ્રેસને પતાવી દેશે. 

લોકસભાની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી નહીં આપીને આ દેશનાં લોકોએ સ્પષ્ટ કરી દીધું કે, રાહુલ સામેનાં જૂઠાણાં અને વાહિયાત વાતો સાંભળવાની તેમની તૈયારી નથી.

ભાજપના નેતા બેવડાં ધોરણોનું પ્રદર્શન પણ કરી રહ્યા છે. અમિત શાહે નેશનલ કોન્ફરન્સ સાથે હાથ મિલાવ્યા તેમાં તો કોંગ્રેસને દેશવિરોધી અને અનામત વિરોધી ગણાવી દીધી પણ ભાજપે સત્તાને ખાતર આતંકવાદને પોષનારાં, ૩૭૦મી કલમની નાબૂદીનો વિરોધ કરનારા મુફતી મહમૂદ સઈદ અને મહેબૂબા મુફતીને ગળે લગાડયાં, તેમની સરકારમાં ભાગીદાર બન્યો એ મુદ્દે કશું બોલવા તૈયાર નથી.

રાજનાથ સિંહ ચીને ભારતનો પ્રદેશ પચાવી પાડયો એવા રાહુલના દાવાના જૂઠાણું ગણાવે છે પણ ભાજપના જ નેતા સુબ્રમણ્યમ સ્વામીને આ અંગેની વિગતો નથી આપતા. રાહુલ જૂઠા ને દેશદ્રોહી છે તો સ્વામી પણ જૂઠા ને દેશદ્રોહી ગણાય. ભાજપ આવા માણસને કેમ પક્ષમાં સાચવીને બેઠો છે ?  

ભારત વિરોધી નિવેદનો કરનારા ઈલહાન ઉમર રાહુલને મળનારા ૧૦ સાંસદોના ગ્રુપમાં હતાં. 

જમ્મુ અને કાશ્મીરને ભારતને સોંપી દેવું જોઈએ એવી વાતો કરનારાં ઈલહાન ઉમરની રાહુલ સાથેની મુલાકાતને રાષ્ટ્રવિરોધી કૃત્ય ગણાવનારા ભાજપના મંત્રી ઈલહાન ભારત વિરોધી હોવાનો મુદ્દો અમેરિકાની સરકાર સામે કેમ નથી ઉઠાવતા ? અમેરિકામાંથી ભારત વિરોધી પ્રવૃત્તિઓને પોષવા નાણાં અપાતાં હોય છતાં મોદી સરકાર તેની સામે કેમ બોલી શકતી નથી ?

રાહુલની ટીકા કરતાં પહેલાં ભાજપે દર્પણમાં જોવાની જરૂર છે. વિદેશમાં જઈને કોંગ્રેસ સહિતના વિપક્ષોને ગાળો દેવાની, તેમના શાસનને ભાંડવાની અને દેશને બદનામ કરવાની શરૂઆત મોદીએ કરી.

 હવે રાહુલ એ જ રસ્તે ચાલે છે ત્યારે ભાજપને દેશનું અપમાન લાગે છે. મોદી અમેરિકામાં જઈને હાઉડી મોદીનો તમાશો કરે, પોતાના પહેલાંની સરકારોને ગાળો આપે, ભારતને અપમાનિત કરે એ ચાલે ને રાહુલ બોલે એ દેશદ્રોહ લાગે છે.  

મોદી શરીફને ગળે મળે, પૌત્રીનાં લગ્નમાં જાય, ઘરે જઈને ખીર ખાય એ ચાલે....

રાહુલ ગાંધી અમેરિકામાં ઈલ્હાન ઉંમરને મળ્યા એ મુદ્દે મોદીની ચમચાગીરી કરતા મીડિયા અને ભાજપના નેતાઓએ મચાવેલો દેકારો બેવડાં ધોરણોનો પુરાવો છે. ઈલ્હાન જમ્મુ તથા કાશ્મીર પાકિસ્તાનને સોંપી દેવું જોઈએ એવાં નિવેદનો આપી ચૂક્યાં હોવાથી ભારત વિરોધી છે તેથી રાહુલની ઈલ્હાન સાથેની મુલાકાતનો વિરોધ કરનારા નરેન્દ્ર મોદીને આ માપદંડ લાગુ નથી પાડતા. બલ્કે એ મામલે બોલવા પણ તૈયાર નથી. 

રાહુલ અમેરિકાનાં સાંસદને મળ્યા છે અને અમેરિકા સાથે ભારતને દુશ્મની નથી જ્યારે મોદી તો ભારતના દુશ્મન દેશ પાકિસ્તાનના તત્કાલિન પીએમ નવાઝ શરીફને જઈને મળ્યા હતા. ૨૦૦૮માં મુંબઈ હુમલા પછી ભારતે પાકિસ્તાન સાથેના સંબંધો મર્યાદિત કરી નાંખ્યા છે. પાકિસ્તાન સાથે મંત્રણા પણ બંધ કરી દેવાઈ છે. ભારતની ક્રિકેટ ટીમ સુધ્ધાં પાકિસ્તાન રમવા જતી નથી ત્યારે મોદી  શરીફને બર્થ ડે વિશ કરવા પાકિસ્તાન ઉપડી ગયેલા. આ મુલાકાત સત્તાવાર નહોતી પણ મોદીને ઈચ્છા થઈ ને ઉપડી ગયેલા. 

મોદી ૨૫ ડીસેમ્બર, ૨૦૧૫ના રોજ અફઘાનિસ્તાનથી પાછા ફરતી વખતે અચાનક લાહોર તરફ વળી ગયા હતા. લાહોર ઉતરીને શરીફની પૌત્રીના લગનમાં મહાલેલા. શરીફનાં માતાને પગે લાગીને તેમના હાથની ખીર પણ ખાધી હતી. મોદીએ શરીફને ગળે પણ લગાડયા હતા. મોદીએ શરીફને શું કહેલું તેની કોઈને ખબર નથી પણ ભારતીય જવાનોના લોહીથી જેમના હાથ રંગાયેલા છે એવા શરીફને ગળે મળ્યા એ મામલે ભાજપ ને મીડિયા ચૂપ છે. હળાહળ ભારત વિરોધી શરીફે અટલ બિહારી વાજપેયી પાકિસ્તાન સાથે દોસ્તી કરવા લાહોર ગયેલા ત્યારે આપણી પીઠમાં છૂરો ભોંકીને કારગિલમાં હુમલો કરાવેલો. આ હુમલામાં ભારતના ૫૦૦થી વધારે જવાનો શહીદ થયા હતા.

મોદી વારંવાર ભારત માટે ખરાબ બોલ્યા, દેશને અપમાનિત કર્યો 

રાહુલ સામેનો ભાજપનો દેકારો અમે કરીએ એ લીલા ને બીજાં કરે એ છિનાળું એ માનસિકતાનો પુરાવો છે. રાહુલ વિદેશની ધરતી પર ભારતને બદનામ કરે છે એવા આક્ષેપો કરનારા ભાજપના નેતા મોદી વિદેશમાં જઈને આ દેશ અંગે શું બોલ્યા છે એ નહીં બોલે પણ આપણે યાદ કરાવી દઈએ. મોદીએ કેનેડામાં ૨૦૧૫માં ભારતને 'સ્કેમ ઈન્ડિયા' ગણાવેલું. જર્મનીમાં મોદીએ  પોતે દેશમાંથી ગંદકી સાફ કરી રહ્યા છે એવું કહેલું. મોદીએ સીઓલમાં ત્યાં સુધી કહેલું કે, એક સમય એવો હતો કે લોકો વિચારતાં કે, અમે એવાં તે શું પાપ કર્યાં છે કે ભારતમાં જન્મ લેવો પડયો ? આ મહાન દેશમાં જન્મ લેવાને પાપ માનવું તેનાથી મોટું દેશનું અપમાન બીજું શું હોઈ શકે ? આપણા વડવા ને વડીલો પાપી હતા કે ભારતમાં જન્મ્યા ? તેમણે પોતે ક્યાં પાપ કરેલાં કે ૨૦૧૪ પહેલાંના ભારતમાં જન્મ્યા ? શાંઘાઈમાં મોદીએ ભારતીયોને કહેલું કે, પહેલા તમને ભારત માટે શરમ આવતી પણ હું વડાપ્રધાન બન્યો પછી શરમ નહીં આવે.  આ તો થોડાંક ઉદાહરણ આપ્યાં પણ અમેરિકામાં, જર્મનીમાં, ઓમાનમાં, કેનેડામાં, દક્ષિણ કોરીયામાં, લેટિન અમેરિકામાં એમ ઠેર ઠેર તેમણે નિવેદનો આપેલા.

News-Focus

Google NewsGoogle News