બાટલા હાઉસ એન્કાઉન્ટર, શર્માના હત્યારાને ફાંસી થવી જોઈતી હતી
- એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ મોહનચંદ શર્મા જેવા જાંબાજ અધિકારીની હત્યા કરનારા આતંકવાદીની ફાંસીની સજા જન્મટીપમાં ફેરવાતા ઘણા બધા નિરાશ
- બાટલા હાઉસ એન્કાઉન્ટર પછી જે થયું એ ભારતના ઈતિહાસમાં કદી નહોતું બન્યું. નેતા, મીડિયા, માનવાધિકારવાદીઓએ આ એન્કાઉન્ટર સાચું હોવા સામે સવાલ ખડા કરીને દિલ્હી પોલીસને માથે બરાબર માછલાં ધોવા માંડયાં. પોલીસે વાહવાહી લૂંટવા ખોટું એન્કાઉન્ટર કરીને નિર્દોષ યુવોનાની હત્યા કરી નાંખી હોવાના આક્ષેપોનો મારો ચાલ્યો. દિલ્હી પોલીસમાં ચાલી રહેલી આંતરિક દુશ્મનાવટમાં શર્માની હત્યા કરી દેવાઈ હોવાના આક્ષેપો કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે કરેલા. સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી આ ઘટનાનો લાભ લેવા કૂદી પડયાં. તેમણે સ્વતંત્ર જ્યુડિશિયલ ઈન્કવાયરીની માગ કરીને આ મુદ્દાને બહુ ચગાવ્યો. રાષ્ટ્રીય ઉલેમા કાઉન્સિલ તો આઝમગઢથી આખી ટ્રેન ભરીને લોકોને દિલ્હી લઈ આવેલી.
આખા દેશમાં ખળભળાટ મચાવનારા ૨૦૦૮ના બાટલા હાઉસ એન્કાઉન્ટર કેસમાં દિલ્હી પોલીસના ઇન્સ્પેક્ટર મોહનચંદ શર્માની હત્યાના આરોપી આરિઝ ખાન ઉર્ફે જુનૈદને ફાંસી થાય છે કે નહીં તેનો મામલો દિલ્હી હાઈકોર્ટમાં લાંબા સમયથી પેન્ડિંગ હતો. ગુરૂવારે આ ચુકાદો આવી ગયો ને હાઈકોર્ટે આરિઝ ખાનની ફાંસીની સજાને આજીવન કારાવાસમાં ફેરવી દીધી.
દિલ્હીની સ્થાનિક કોર્ટે મોહનચંદ શર્માની હત્યા માટે આતંકવાદી સજ્જાદ અહમદને આજીવન કેદની સજા ફટકારી હતી જ્યારે આરિઝ ખાનને ફાંસીની સજા ફટકારી હતી. આરિઝ ખાને સજાને દિલ્હી હાઈકોર્ટમાં પડકારી ત્યારથી આ કેસમાં શું ચુકાદો આવે છે તેના પર સૌની નજર હતી. આરિઝ ખાન પર જેમની હત્યાનો આરોપ છે એ મોહનચંદ શર્મા દિલ્હી પોલીસમાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે જાણીતા હતા. આવા જાંબાઝ અધિકારીની હત્યા કરનારા આતંકવાદીને નીચલી કોર્ટે ફાંસીની સજા ફટકારી ત્યારે સૌને એ યોગ્ય લાગેલી પણ હાઈકોર્ટે ફાંસીની સજાને જનમટીપમાં ફેરવતાં ઘણા બધા નિરાશ છે. સોશિયલ મીડિયા પર આ નિરાશા વ્યક્ત થઈ રહી છે.
હાઈકોર્ટના ચુકાદાને પગલે દેશમાં ભારે વિવાદ જગાવનારા બાટલા હાઉસ એન્કાઉન્ટર કેસની કડવી યાદો પાછી તાજી થઈ છે. ભારતમાં પોલીસ એન્કાઉન્ટર્સમાં વિવાદ થવા નવી વાત નથી પણ બાટલા હાઉસ એન્કાઉન્ટર કેસમાં થયા એવા વિવાદ બીજા કોઈમાં થયા નથી.
આપણે ત્યાં મોટા ભાગનાં એન્કાઉન્ટર્સ સામે શંકા કરાય છે અને એન્કાઉન્ટર્સ નકલી હોવાના આક્ષેપ સાથે કોર્ટમાં કેસ પણ થાય છે.
બાટલા હાઉસ એન્કાઉન્ટરમાં પણ એવું તો થયેલું જ પણ માનવાધિકારવાદીઓ અને રાજકારણીઓએ પણ આ મુદ્દાને ચગાવીને પોલીસની કામગીરી સામે જે સવાલો ઉભા કર્ર્યા તેના કારણે આખો દેશ સ્તબ્ધ થઈ ગયો હતો. બાટલા હાઉસ ગયેલી પોલીસ પર ગોળીબાર કરનારા આતંકવાદીઓના બચાવથી માંડીને મોહનચંદ શર્માની હત્યા પોલીસની આંતરિક હરીફાઈમાં કરી દેવાઈ હોવા સુધીની શંકાઓએ ઉભી કરીને આ કેસને યાદગાર બનાવી દેવાયેલો.
બાટલા હાઉસ એન્કાઉન્ટરના છેડા ૧૩ સપ્ટેમ્બર, ૨૦૦૮ના દિવસે દિલ્હીમાં થયેલા સીરિયલ બ્લાસ્ટ સાથે જોડાયેલા હતા. દિલ્હીમાં સાંજે ૬ કલાક ને ૭ મિનિટે પહેલો બોમ્બ બ્લાસ્ટ થયો પછી અલગ અલગ સ્થળે થોડી થોડી મિનિટોના અંતરે ૪ બોમ્બ ધડાકા થયા હતા. આ બોમ્બ બ્લાસ્ટમાં ૩૦ લોકોના જીવ ગયેલા જ્યારે ૧૩૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઈન્ડિયન મુઝાાહિદીનના આતંકવાદીઓએ આરિઝ ખાનના કાવતરાને પાર પાડીને કરેલા આ બોમ્બ ધડાકાએ આખા દેશને હચમચાવી દીધો હતો.
આરિઝ ખાન ઈન્ડિયન મુઝાહિદ્દીનનો ખતરનાક આતંકવાદી છે ૨૦૦૭માં ઉત્તર પ્રદેશમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં પણ આરિઝ સંડોવાયેલો હતો. અમદાવાદમાં ૨૦૦૮માં થયેલા સીરિયલ બોમ્બ બ્લાસ્ટમાં પણ આરિઝ સામેલ હતો. દિલ્હીમાં બોમ્બ વિસ્ફોટ થયા પછી પોલીસને બાતમી મળી કે આરિઝ ખાન તેના સાગરિતો સાથે દિલ્હીના ઓખલામાં આવેલા જામિયાનગરના બાટલા હાઉસમાં છૂપાયો છે.
બાતમી મળતાં જ ૧૯ સપ્ટેમ્બર, ૨૦૦૮ની વહેલી સવારે પોલીસ અધિકારીઓ બાટલા હાઉસ પહોંચ્યા હતા. એ વખતે રમઝાન મહિનો ચાલતો હતો તેથી કશુંક અજુગતુ થાય એ માટે પોલીસે બાટલા હાઉસમાં આતંકીઓ હાજર છે તેની તપાસ કરવા માટે એક ટીમ મોકલી હતી. દિલ્હી પોલીસના સ્પેશિયસ સેલના ઈન્સ્પેક્ટર મોહન ચંદ શર્માની આગેવાની હેઠળની પોલીસની ટીમ બાટલા હાઉસ ગઈ ત્યારે આતંકવાદીઓએ તેમના પર ગોળીઓ છોડી ને તેમાં મોહનચંદ શર્મા ઘટના સ્થળે જ શહીદ થયા.
ગોળીબાર સાંભળીને બીજી ટીમે તરત બાટલા હાઉસ પહોંચીને બે આતંકી આતિફ અમીન અને મોહમ્મદ સાજિદને ઠાર માર્યા પણ આરિઝ ખાન અને મોહમ્મદ શહઝાદ ભાગવામાં સફળ રહ્યા હતા.
બીજા બે આતંકવાદી મોહમ્મદ સૈફ અને ઝીશાન ઝડપાઈ ગયા હતા. ઈન્ડિયન મુઝાહિદ્દીનનો યાસિન ભટકલ પણ બાટલા હાઉસમાં હાજર હતો પણ પોલીસની ટીમ પહોંચી એ પહેલાં જ ભાગી જવામાં સફળ રહ્યો હતો. ભટકલ ૨૦૧૩માં ઝડપાયો ત્યારે આ વાત બહાર આવી હતી.
આ એન્કાઉન્ટર પછી જે થયું એ ભારતના ઈતિહાસમાં કદી નહોતું બન્યું. નેતા, મીડિયા, માનવાધિકારવાદીઓએ આ એન્કાઉન્ટર સાચું હોવા સામે સવાલ ખડા કરીને દિલ્હી પોલીસને માથે બરાબર માછલાં ધોવા માંડયાં. પોલીસે વાહવાહી લૂંટવા ખોટું એન્કાઉન્ટર કરીને નિર્દોષ યુવોનાની હત્યા કરી નાંખી હોવાના આક્ષેપોનો મારો ચાલ્યો.
દિલ્હી પોલીસમાં ચાલી રહેલી આંતરિક દુશ્મનાવટમાં શર્માની હત્યા કરી દેવાઈ હોવાના આક્ષેપો પણ થયા. કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે પોતે આ આક્ષેપ કરેલા. સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી આ ઘટનાનો લાભ લેવા કૂદી પડયાં. તેમણે સ્વતંત્ર જ્યુડિશિયલ ઈન્કવાયરીની માગ કરીને આ મુદ્દાને બહુ ચગાવ્યો.
રાષ્ટ્રીય ઉલેમા કાઉન્સિલ તો આઝમગઢથી આખી ટ્રેેન ભરીને લોકોને દિલ્હી લઈ આવેલી. દિલ્હીના જંતર મંતર પર દેખાવો કરીને આખા દિલ્હીને માથે લીધેલું. જામિયા મિલિયા યુનિવર્સિટીના પ્રોફેસર, વિદ્યાર્થીઓ તથા સ્થાનિકોએ તો બટલા હાઉસ અંગે 'જનસુનાવણી' યોજીને આરોપીઓના વાલીઓ, સાક્ષીએ તથા લોકોનાં નિવેદનોને આધારે એન્કાઉન્ટર નકલી હોવાનું તારણ પણ કાઢી દીધેલું.
એક સંગઠને હાઈકોર્ટમાં અરજી કરતાં હાઈકોર્ટે રાષ્ટ્રીય માનવાધિકાર પંચને તપાસ સોંપી. પંચે બે મહિના પછી આપેલા રીપોર્ટમાં શર્માની હત્યા આતંકી હુમલામાં જ થયેલી ને પોલીસે કોઈ અત્યાચાર નથી કર્યો એવું સ્પષ્ટ તારણ આપ્યું પછી આ બધા ઉધામા શાંત થયા.
શર્માની હત્યામાં ટ્રાયલ શરૂ થયો ત્યારે એઈમ્સના ટી.ડી. ડોગરાને એક્સપર્ટ ઓપિનિયન માટે કોર્ટમાં બોલાવાયેલા. તેમણે એનિમેશનની મદદથી શર્માની હત્યા કેવી રીતે થઈ હશે એ સમજાવ્યું હતું. લગભગ પોણા ચાર મહિનાના ટ્રાયલ પછી અંતે કોર્ટે શર્માની હત્યા માટે શહઝાદ અને આરિઝને દોષિત ઠેરવેલા. મોહનચંદ શર્માને મરણોપરાંત શાંતિ સમયનો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર 'અશોકચક્ર' મળ્યો હતો છતાં તેમના મોત વિશે વિવાદો ઉભા કરીને શર્માની શહીદીને કલંકિત કરવાનો પ્રયાસ થયેલો.
બાટલા હાઉસ એન્કાઉન્ટર આતંકવાદીઓ સામે કરાયેલી સીધાસાદી કાર્યવાહીનો કેસ હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસનો ટોચનો અધિકારી શહીદ થયો હોવા છતાં એન્કાઉન્ટરને નકલી સાબિત કરવા કરાયેલાં હવાતિયાં આઘાતજનક હતાં. રાજકીય ને બીજા ફાયદા માટે આ એન્કાઉન્ટરને કોમવાદનો રંગ આપી દેવાયેલો.
આરિઝ ખાન સામે બીજા પણ આતંકવાદના કેસ છે. શર્માની હત્યાના કેસમાં જનમટીપ થતાં એ ભલે બચી ગયો પણ બીજા કેસોમાં એ ના બચે એવી આશા રાખીએ.
- ગુજરાતમાં બ્લાસ્ટ પછી બાટલા હાઉસના આતંકીઓની બાતમી મળી
બાટલા હાઉસ એન્કાઉન્ટર સાથે સંકળાયેલા આતંકવાદીઓએ ૨૬ જુલાઈ, ૨૦૦૮ના દિવસે અમદાવાદમાં સીરિયલ બોમ્બ બ્લાસ્ટ કર્યા હતા. માત્ર ૭૦ મિનિટના ગાળામાં થયેલા ૨૧ બ્લાસ્ટમાં ૫૬ લોકોનાં મોત થયેલાં જ્યારે ૧૦૦થી વધારે લોકોનાં મોત થયેલાં. આ બ્લાસ્ટ કરવા માટે આતિફ અમીન ઉર્ફે બશીર ૧૧ લોકો સાથે અમદાવાદ આવ્યો હતો અને ક્યાં ક્યાં બોમ્બ મૂકવા તેની સૂચના આપી હતી. બશીરના માર્ગદર્શનમાં જ ઇમ્પ્રૂવાઇઝ્ડ એક્સ્પ્લૉઝિવ ડિવાઇસ (આઈઈડી) બનાવાઈ હતી.
ઈન્ડિયન મુઝાહિદ્દીનના આ ૧૨ આતંકી ૨૬ જુલાઈએ 'રાજધાની એક્સપ્રેસ' દ્વારા અમદાવાદથી દિલ્હી ગયા ને એ જ દિવસે સાંજે અમદાવાદમાં સીરિયલ બ્લાસ્ટ થયા હતા.
આ કેસમાં ઝડપાયેલા ઈન્ડિયન મુઝાહિદ્દીનના આતંકવાદી અબુ બશરે ગુજરાત પોલીસને બાટલા હાઉસમાં આતંકવાદીઓ છૂપાયા હોવાની માહિતી આપી તેના પગલે દિલ્હી પોલીસે ઓપરેશન હાથ ધરેલું.
- શર્માની હત્યાના ૧૦ વર્ષ પછી આરિઝ ઝડપાયેલો
બાટલા હાઉસમાં મોહનચંદ શર્માની હત્યા કરીને ભાગેલા શહઝાદ અહમદ અને આરિઝ ખાન લાંબા સમય સુધી પોલીસને ચકમો આપવામાં સફળ રહ્યા હતા.
શહઝાદ અહમદ આ ઘટનાના લગભગ દોઢ વર્ષ પછી યુપીના લખનઉમાંથી ઝડપાયો હતો જ્યારે આરિઝ ખાન તો એક દાયકા સુધી છૂપાયેલો રહ્યો હતો. આરિઝ ખાન ૧૦ વર્ષ પછી છેક ૨૦૧૦માં નેપાળ બોર્ડરેથી ઝડપાયો હતો. આરિઝ ખાન નેપાળ સરહદે બનબસા નામના ગામમાં નિકાહ કરીને ઘર વસાવીને રહેવા લાગેલો.
બાટલા હાઉસથી ભાગ્યા પછી આરિઝ નેપાળ ભાગી ગયો હતો અને ત્યાં જ લાંબા સમય સુધી રહ્યો હતો. નેપાળ ઈન્ડિયન મુઝાહિદ્દીનનો અડ્ડો હોવાથી તે સરળતાથી છૂપાઈ રહ્યો હતો પણ ભારત આવતાં જ ઝડપાઈ ગયો.