Get The App

ઇલોન મસ્કની માતા મેય 76 વર્ષની ઉંમરે પણ હોટ અને ફિટ

Updated: Nov 13th, 2024


Google NewsGoogle News
ઇલોન મસ્કની માતા મેય  76 વર્ષની ઉંમરે પણ હોટ અને ફિટ 1 - image


- મેયની લાઈફ સ્ટોરી સાહસોથી ભરપૂર છે કેનેડાના રેગિનામાં ટ્વિન તરીકે જન્મેલાં  મેયના પિતા ડો. જોશુઆ નોર્મન હેલ્ડમેન સફળ બિઝનેસમેન હતા પણ આર્કિયોલોજીનો શોખ હતો તેથી સતત ફર્યા કરતા. મેય અને તેની જોડિયા બહેન બે વર્ષનાં હતાં ત્યારે આખો પરિવાર સાઉથ આફ્રિકા આવી ગયેલો પણ પિતા કેનેડાના રાજકારણમાં સક્રિય હતા. મેય ૪ વર્ષનાં હતાં ત્યારે આખો પરિવાર ટચૂકડા પ્રોપ પ્લેનમાં આખી દુનિયા ફરેલો. ડો. જોશુઆ દંતકથાઓમાં આવતા કલ્હારી શહેરને વાસ્તવિકતા માનતા. આ શહેર શોધવા મેયનો આખો પરિવાર 10 વર્ષ સુધી કલ્હારીના રણમાં ભટકેલો. તંબૂ નાંખીને રહેવું, જમીનમાં ખોદકામ કરવું, જે મળે તેનાથી ચલાવી લેવું એવી વણઝારાઓ જેવી ભટકતી જીંદગી આખો પરિવાર જીવ્યો હતો.

ડોનાલ્ડ ટ્રમ્પની જીતમાં ભજવેલી ભૂમિકાના કારણે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઇલોન મસ્ક અત્યારે ચર્ચામાં છે. મસ્કની અંગત જીંદગી અને તેમના પરિવારની વાતોમાં લોકોને રસ પડી ગયો છે. તેમાં સૌથી વધારે ચર્ચા મસ્કની માતા મેયની છે. ૨૦૨૩થી ચાઈનીઝ સ્માર્ટફોન ઓપ્પોનાં ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર મેયની લાઈફ રોક સ્ટાર જેવી છે.  સફળ મોડલ અને ડાયેટિશિયન મેય રેવલોન જેવી ઈન્ટરનેશનલ બ્રાન્ડનાં મોડલ રહી ચૂક્યાં છે અને ટાઈમ તથા ન્યુ યોર્ક જેવાં વિશ્વવિખ્યાત અખબારોના કવર પેજ પર ન્યુડ તસવીર આપીને ચમક્યાં છે. બીયોન્સના વીડિયો આલ્બમ હોન્ટેડમાં કામ કરી ચૂકેલાં મેય અત્યારે ૭૬ વર્ષની ઉંમરે પણ એકદમ ફિટ અને ચુસ્ત હોવાથી સ્વિમસ્યુટ મોડલ તરીકે કામ કરે છે.  

મેયની લાઈફ સ્ટોરી અત્યંત સાહસોથી ભરપૂર છે. મેય કેનેડાના રેગિનામાં ટ્વિન તરીકે જન્મેલાં. મેયના પિતા ડો. જોશુઆ નોર્મન હેલ્ડમેન સફળ બિઝનેસમેન હતા પણ આર્કિયોલોજીનો શોખ હતો તેથી સતત શોધખોળ માટે ફર્યા કરતા અને પરિવારને પણ સાથે લઈ જતા. મેય અને તેની જોડિયા બહેન બે વર્ષનાં હતાં ત્યારે આખો પરિવાર સાઉથ આફ્રિકા આવી ગયેલો પણ તેના પિતા કેનેડાના રાજકારણમાં સક્રિય હતા. મેય ૪ વર્ષનાં હતાં ત્યારે આખો પરિવાર ટચૂકડા પ્રોપ પ્લેનમાં આખી દુનિયા ફરેલો. 

ડો. જોશુઆ દંતકથાઓમાં આવતા કલ્હારી શહેરને વાસ્તવિકતા માનતા. આ શહેર શોધવા મેયનો આખો પરિવાર ૧૦ વર્ષ સુધી કલ્હારીના રણમાં ભટકેલો. તંબૂ નાંખીને રહેવું, જમીનમાં ખોદકામ કરવું, જે મળે તેનાથી ચલાવી લેવું એવી વણઝારાઓ જેવી ભટકતી જીંદગી આખો પરિવાર જીવ્યો હતો. મેયનાં માતા-પિતા પોતાની સાહસયાત્રાના વીડિયો શો બનાવતા અને તેના સ્લાઈડ શો કરતાં. મેય તથા તેનાં ચાર ભાઈ-બહેન તેના માટે મટીરિયલ બનાવતાં, પિતાની ઓફિસમાં રીસેપ્શનિસ્ટથી માંડીને આસિસ્ટન્ટ સુધીનાં કામ કરતાં. 

મેય ૧૯૬૯માં મિસ સાઉથ આફ્રિકા બ્યુટી કોન્ટેસ્ટમાં ફાઈનલિસ્ટ હતાં. એરોલ મસ્ક ત્યાં સુધીમાં એન્જિનિયર બનીને બિઝનેસ શરૂ કરી ચૂક્યા હતા ને સફળતાનો સ્વાદ ચાખવા માંડેલા. ૨૧ વર્ષનાં મેયની સુંદરતા પર ફિદા એરોલે પ્રપોઝ કર્યું ને મેયે હા પાડી પછી ૧૯૭૦માં બંને પરણી ગયાં. શરૂઆતનો સમય અદભૂત હતો પણ ૧૯૭૧માં પહેલા દીકરા ઇલોનના જન્મ પછી સમસ્યાઓ શરૂ થઈ. એ પછી બે સંતાનો જન્મ્યાં પણ બંનેના સંબંધોમાં એ હદે કડવાશ આવી ગયેલી કે લગ્નના ૯ વર્ષમાં તો ડિવોર્સ થઈ ગયા.

ડિવોર્સ વખતે મેય રીતસર રસ્તા પર આવી ગયેલાં કેમ કે કમાણીનું કોઈ સાધન નહોતું. એરોલે સંતાનો પણ છિનવી લીધાં હતાં તેથી માનસિક રીતે પણ ભારે તણાવ હતો. એ વખતે મેયે ફરી ગ્લેમરની દુનિયામાં પાછા ફરવાનું નક્કી કર્યું. ૩૦ વર્ષની ઉંમર અને ૩ સંતાનોની માતા હોવાથી ફિગર બરાબર નહોતું પણ મેયે મહેનત શરૂ કરીને યંગ મોડલોને ટક્કર મારે એવું ફિગર બનાવ્યું ને સાથે સાથે ડાયેટિશિયન તરીકે ભણવાનું પણ શરૂ કર્યું.  મેયે ૧૯૮૦ના દાયકામાં સાઉથ આફ્રિકાની યુનિવર્સિટી ઓફ ઓરેન્જ ફ્રી સ્ટેટમાંથી ડાયેટેટિક્સમાં માસ્ટર્સ ડીગ્રી મેળવીને મોડેલિંગની સાથે સાથે ડાયેટિશિયિન તરીકે પણ કામ કર્યું. 

મોટો દીકરો ઇલોન હાઈસ્કૂલ પાસ કર્યા પછી ભણવા કેનેડા જતો રહેલો. ૪ વર્ષ પછી બીજો દીકરો કિંબલ પણ કેનેડા ભણવા ગયો તેથી મેય પણ દીકરી ટોક્સાને લઈને કેનેડા જતાં રહ્યાં ને આખો પરિવાર એક થઈ ગયો. મેયે પછી યુનિવર્સિટી ઓફ ટોરન્ટોમાંથી પણ ન્યુટ્રિશનલ સાયન્સમાં માસ્ટર્સ ડીગ્રી મેળવી. 

મેયે મોડલ અને ડાયેટિશિયન તરીકેની બેવડી કારકિર્દી અપનાવીને સફળતા મેળવી. જે ઉંમરે યુવતીઓ મોડલિંગમાંથી નિવૃત્ત થઈ જતી હોય છે એ ઉંમરે ટીનેજર છોકરીઓને પણ શરમાવે એવું ફિગર બનાવીને મેટ છવાઈ ગયાં. મેયે પોતાની બહેન સાથે મળીને પોતાનાં ત્રણ સંતાનો અને બહેનનાં બે મળીને પાંચ સંતાનોને સારી રીતે ઉછેર્યાં જ નહીં પણ તેમને સફળ કારકિર્દી બનાવવામાં મદદ પણ કરી. 

ઇલોન, કિંબલ અને ટોક્સા મેય સાથે રહેવા માંડયા પછી એરોલે તેમને મદદ કરવાની બંધ કરી દીધી હતી. એ વખતે સંતાનોના ભણવાનો ખર્ચ કાઢવા મેયે બહુ કામ કરવું પડતું પણ ડગ્યા વિના કામ કરતાં રહીને સંતાનોને ઠેકાણે પાડયાં. ઇલોન મસ્ક અત્યારે દુનિયામાં સૌથી ધનિક વ્યક્તિ છે, ટેસ્લા, સ્પેસએક્સ અને સ્કાયલિંક જેવી તેમની કંપનીઓ સૌથી સફળ કંપનીઓ મનાય છે. કિંબલ આફ્રિકામાં સફળ બિઝનેસમેન છે અને ટોક્સા સફળ ફિલ્મ અને ટીવી પ્રોડયુસર છે. 

મેયે હવે કામ કરવાની જરૂર નથી છતાં મેય અત્યારે પણ બંને વ્યવસાયમાં સક્રિય છે. મેય આખી દુનિયામાં ફરીને લોકોને ન્યુટ્રિશનના પાઠ ભણાવે છે. મેય રાજકારણમાં પણ સક્રિય છે. મેય પહેલાં ડેમોક્રેટિક પાર્ટી સાથે જોડાયેલાં પણ પોતાના દીકરા ઇલોનની ડેમોક્રેટિક પાર્ટી દ્વારા કરાયેલી ટીકાને પગલે ડોનાલ્ડ ટ્રમ્પની રીપબલિકન પાર્ટીમાં સક્રિય છે. પ્રમુખપદી ચૂંટણી દરમિયાન મેયે ડેમોક્રેટિક પાર્ટીના કાર્યકરો ખોટાં નામે મતદાન કરીને ગરબડ કરતા હોવાનો આક્ષેપ કરીને રીપબ્લિકન પાર્ટીના કાર્યકરોને પણ એવું કરવા સલાહ આપતાં વિવાદ થયેલો. મેયે પછીથી આ પોસ્ટ ડીલીટ કરીને વિવાદ પર પડદો પાડી દીધો હતો.

મસ્કના પિતાએ 41 વર્ષ નાની 14 વર્ષની સાવકી દીકરી સાથે સંબંધો બાંધેલા

એલન મસ્કના પિતા એરોલ ગ્રેહામ મસ્ક દક્ષિણ આફ્રિકન હતા જ્યારે એલનની માતા મેય બે વર્ષનાં હતાં ત્યારે ૧૯૫૦માં તેમનો પરિવાર દક્ષિણ આફ્રિકાના પ્રીટોરિયામાં આવીને વસેલો. મેય અને એરોલ ક્લેફામ હાઈસ્કૂલમાં ભણતાં ત્યારે પરિચય થયો હતો ને આ પરિચય પાછળથી લગ્નમાં પરિણમ્યો. આ લગ્નથી એલન અને કિંબલ બે દીકરા અને દીકરી ટોક્સા એમ ત્રણ સંતાન થયાં. મેય-એરોલ ખરાબ લગ્નજીવનના અંતે ૧૯૭૯માં ડિવોર્સ લઈ છૂટાં થઈ ગયાં. 

ઈલેક્ટ્રોમિકેનિક એન્જિનિયર એરોલે નોકરીના બદલે બિઝનેસમાં ઝંપલાવેલું. એરોલને મોટા મોટા પ્રોજેક્ટ મળતા તેથી ધૂમ કમાયા. મેયે આત્મકથામાં લખ્યું છે કે, ડિવોર્સ વખતે એરોલ પાસે પ્રીટોરિયામાં સૌથી મોટું અને આલિશાન ઘર, ઓટો પાર્ટ્સ સ્ટોર ઉપરાંત બે ઘર, યોટસ પ્લેન, પાંચ લક્ઝરી કાર અને ટ્રક હતાં. એરોલ દક્ષિણ આફ્રિકાના રાજકારણમાં સક્રિય થયા અને સફળ પણ થયેલા. 

મેય સાથેના લગ્ન વખતે જ સ્યુ નામની યુવતી સાથે સંબંધો બંધાયેલા. ડિવોર્સનાં થોડાં વરસ પછી એરોલ સ્યુ સાથે પરણ્યા પણ ૧૯૯૦માં છૂટા થઈ ગયા. ૧૯૯૨માં ૪૫ વર્ષના એરોલે ૨૫ વર્ષની હેઈડી બેઝુડેરહાઉટ સાથે લગ્ન કર્યાં ત્યારે હેઈડી સાથે ૪ વર્ષની દીકરી જાનાને લઈને આવેલી. હેઈડી સાથેનાં લગ્નથી એરોલને બે સંતાન થયાં. સાવકી દીકરી જાના ૧૪ વર્ષની થઈ ત્યારે ૫૫ વર્ષના એરોલને તેની સાથે સેક્સ સંબંધો બંધાયા. હેઈડીને ખબર પડી જતાં ૨૦૦૪માં ડિવોર્સ થઈ ગયા. એરોલના જાના સાથેના સંબંધો ચાલુ રહ્યા. જાના પુખ્ત થઈ પછી બંને સાથે રહેવા લાગ્યાં. એરોલ સાથેના સંબંધથી જાનાને બે સંતાન છે.

મસ્કના પિતા મેયને ફટકારતા, છરી લઈને મારવા દોડતા

મેયનું એલન મસ્કના પિતા એરોલ સાથેનું લગ્નજીવન બહુ ખરાબ હતું. મેયે પોતાની આત્મકથામાં અને ઈન્ટરવ્યૂઝમાં તેના વિશે માંડીને વાત કરી છે. એરોલ લફરાંબાજ હતા તેથી નવી નવી યુવતીઓ સાથે સંબંધો બાંધ્યા કરતા. ઓફિસમાં જ કોલગર્લ્સને બોલાવીને પાર્ટીઓ કરતા ને મોડી રાતે દારૂ પીને ઘરે આવીને મેય સાથે મારઝૂડ કરતા. મેયે લખ્યું છે કે, સંખ્યાબંધ વાર એવું બનેલું કે પોતે પાડોશીના ઘરે રાત વિતાવવી પડી હોય. એરોલ છરી લઈને મેયને મારવા દોડયા હોય એવી ઘટનાઓ પણ વારંવાર બનતી. એરોલ મેય સાથેના સેક્સ સંબંધોમાં પણ ક્રૂરતાથી વર્તતા અને અકલ્પનિય અત્યાચારો કરતા. એલન મસ્કે પોતે ઈન્ટરવ્યૂમાં કહેલું કે, મારા પિતા ભયંકર વ્યક્તિ છે. તમે કોઈ પણ પાપ કે દૂષણ વિશે વિચારો ને મારા બાપે એ કર્યું જ છે. 

ડિવોર્સ વખતે મોટો દીકરો એલન પિતા સાથે રહેલો કેમ કે તેના પિતા પાસે કોમ્પ્યુટર અને એનસાયક્લોપીડિયા બ્રિટાનિકા હતો. બાકીનાં બે સંતાનોને મેય સાથે લઈ ગયેલાં પણ એરોલને એ પણ મંજૂર નહોતું. એકોલે કેસ કર્યો ને મેય પાસે આવકનાં કોઈ સાધન નહોતાં તેથી કોર્ટે બંને સંતાનોની કસ્ટડી એરોલને સોંપી દીધી હતી. એરોલે એક માતાને સંતાનોથી અલગ કરી દેવાની ક્રૂરતા બતાવી તેનો પણ મેય ભોગ બનેલાં. થોડાં વરસો પછી સંતાનો ભણવાના બહાને એરોલથી અલગ થઈને કેનેડા જતાં રહ્યાં પછી મેય પણ તેમની સાથે કેનેડા જતાં રહેલાં.

News-Focus

Google NewsGoogle News