સ્ટીવ જોબ્સનાં પત્ની લૌરેનનો 'કલ્પવાસ' મહાકુંભને વૈશ્વિક પબ્લિસિટી અપાવશે
- દુનિયાની તમામ ભૌતિક સવલતો સાથે આલિશાન ઘરમાં રહેતા લૌરેન અખાડાની છાવણીમાં જમીન પર સૂઈ રહેશે, વહેલી સવારે ગંગામાં ડૂબકી પણ લગાવશે
- વિશ્વમાં ઘણી બધી સેલિબ્રિટી હિંદુ ધર્મને અપનાવી ચૂકી છે. એ લોકો હિંદુ ધર્મના નિયમોનું પાલન કરવા પ્રયત્ન કરે છે, હિંદુઓ જેવાં કપડાં પહેરે છે, માળા-રુદ્રાક્ષ વગેરે ધારણ કરે છે, ભારતમાં આવીને આશ્રમોમાં રહે છે, પોતાના ગુરૂનાં પ્રવચનો સાંભળવા માટે સામાન્ય લોકોની જેમ બેસે છે પણ એપલના સ્થાપક સ્ટીવ જોબ્સનાં પત્ની લૌરેનની જેમ 'કલ્પવાસ' કરીને સાવ સામાન્ય વ્યક્તિની જેમ કોઈ સેલિબ્રિટી રહેતી નથી. લૌરેને સુખસગવડના બદલે કષ્ટનું જીવન જીવવાનું પસંદ કર્યું છે. તેમના આ 'કલ્પવાસ'ને કારણે મહાકુંભને વૈશ્વિક પબ્લિસિટી પણ મળી રહી છે કેમ કે વિશ્વમાં બીજા કોઈ બિલિયોનેરે આવું સાહસ કર્યું નથી.
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં સોમવારથી મહાકુંભનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સૌથી વધુ ચર્ચા એપલના સ્થાપક સ્ટીવ જોબ્સનાં પત્નિ લૌરેન પોવેલ જોબ્સની છે. ૧૫૮૦ કરોડ (લગભગ રૂપિયા ૧.૩૬ લાખ કરોડ)ની સંપત્તિ ધરાવતાં અબજોપતિ લૌરેન મહાકુંભમાં સામાન્ય સાધ્વીની જેમ નિરંજની અખાડાના મહામંડલેશ્વર સ્વામી કૈલાશનંદ ગિરી મહારાજની છાવણીમાં ૧૫ દિવસ રોકાઈને 'કલ્પવાસ' કરવાનાં છે.
લૌરેને હિંદુ ધર્મ અંગિકાર કર્યો છે કે નહીં તેની સ્પષ્ટતા કરાઈ નથી પણ કૈલાશનંદજીએ લૌરેનને 'કમલા' નામ આપ્યું છે તેથી લૌરેન હિંદુ બની ગયાં હોવાનું મનાય છે. કૈલાશનંદજી સાથે લૌરેને લૌરેન ભારતીય સ્ત્રીઓની જેમ ગુલાબી કલરના સલવાર-કમીઝમાં માથે દુપટ્ટો ઓઢીને કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા પણ કરી. જો કે લૌરેનને મહાદેવના લિંગને સ્પર્શ કરવા નહોતો દેવાયો. હિંદુ ના હોય એવાં લોકો શિવલિંગને સ્પર્શ નથી કરી શકતાં તેથી લૌરેને બહારથી જ- શિવલિંગનાં દર્શન કર્યાં.
લૌરેન હિંદુ ના બન્યાં હોય તો પણ મહાકુંભમાં હિંદુ શ્રધ્ધાળુની જેમ જ 'કલ્પવાસ' કરવાનાં છે. હિંદુ પરંપરામાં ધાર્મિક અને આધ્યાત્મિક વિધિ મનાતો કલ્પવાસ પવિત્ર નદીના કિનારે કરાય છે. સંન્યાસ અને વાનપ્રસ્થ આશ્રમના સંયોજન જેવા કલ્પવાસથી મોક્ષ મળે છે એવું મનાય છે. કલ્પવાસ દરમિયાન વહેલી સવારે, બપોરે અને સાંજે નદીમાં સ્નાન કરીને ધ્યાન વગેરે કરાય છે. એકદમ સાદુ અને સંયમી જીવન જીવવું પડે છે.
લૌરેને ગયા વરસે સાન ફ્રાન્સિસ્કોમાં સૌથી મોંઘી રેસિડેન્શિયલ પ્રોપર્ટી ૭ કરોડ ડોલર (લગભગ ૬૧૦ કરોડ રૂપિયા)માં ખરીદેલી. એકદમ આલિશાન ઘરમાં દુનિયાની તમામ સગવડો છે પણ મહાકુંભમાં લૌરેન નિરંજની અખાડાની છાવણીમાં જમીન પર સૂવે, બીજા સાધુ ખાય છે એવું સાદું ભોજન જ જમશે, વહેલી સવારે ઉઠીને કડકડતી ઠંડીમાં ગંગા નદીમાં ડૂબકી લગાવીને સ્નાન પણ કરશે અને બીજા સાધુઓની જેમ દિવસે ધ્યાન-યોગ પણ કરશે.
વિશ્વમાં ઘણી બધી સેલિબ્રિટી હિંદુ ધર્મને અપનાવી ચૂકી છે. એ લોકો હિંદુ ધર્મના નિયમોનું પાલન કરવા પ્રયત્ન કરે છે, હિંદુઓ જેવાં કપડાં પહેરે છે, માળા-રુદ્રાક્ષ વગેરેલ ધારણ કરે છે, ભારતમાં આવીને આશ્રમોમાં રહે છે, પોતાના ગુરૂનાં પ્રવચનો સાંભળવા માટે સામાન્ય લોકોની જેમ બેસે છે પણ લૌરેનની જેમ 'કલ્પવાસ' કરીને સાવ સામાન્ય વ્યક્તિની જેમ કોઈ સેલિબ્રિટી રહેતી નથી. લૌરેને સુખસગવડના બદલે કષ્ટનું જીવન જીવવાનું પસંદ કર્યું છે. તેમના આ 'કલ્પવાસ'ને કારણે મહાકુંભને વૈશ્વિક પબ્લિસિટી પણ મળી રહી છે કેમ કે વિશ્વમાં બીજા કોઈ બિલિયોનેરે આવું સાહસ કર્યું નથી.
લૌરેનો આ અવતાર જોઈને ભારતીયોને આશ્ચર્ય થાય છે પણ તેમાં આશ્ચર્ય પામવા જેવું કંઈ નથી. સ્ટીવ જોબ્સ પોતે ભારતીયતાથી આકર્ષાયેલા હતા અને ભારતમાં જ જન્મેલા બૌધ્ધ ધર્મના જાપાની સ્વરૂપ એવા ઝેન સંપ્રદાયને અનુસરતા હતા. એ પહેલાં કોલેજમાં બણતા હતા ત્યારે સ્ટીવ જોબ્સ હિંદુ ધર્મ અને ઈસ્કોન તરફ આકર્ષાયા હતા.
સ્ટીવ જોબ્સને આધ્યાત્મિકતા તરફ વાળવાનું શ્રેય તેની પ્રેમિકા ક્રિસાન્ન બ્રેન્નન અને રીડ કોલેજમાં તેના મિત્ર રોબર્ટ ફ્રિડલેન્ડને અપાય છે. રોબર્ટ ફ્રિડલેન્ડ અમેરિકન-કેનેડિયન અબજોપતિ ફાયનાન્યર છે જ્યારે ક્રિસાન્ન લેખિકા છે.
સ્ટીવ જોબ્સથી છ મહિના મોટી ક્રિસાન્ન અને સ્ટીવ હાઈસ્કૂલમાં સાથે ભણતાં હતાં. બંને વચ્ચે પ્રેમ થયો અને સંબંધો પણ બંધાયા. સ્ટીવ જોબ્સ રીડ કોલેજમાં ગયા ત્યારે પણ બંને વચ્ચે સંબંધો હતા. ક્રિસાન્ન સ્ટીવ જોબ્સને ઈસ્કોન મંદિરમાં પહેલી વાર લઈ ગયેલી. તેના કારણે સ્ટીવને હિંદુ ધર્મમાં રસ પડયો. કોલેજમાં ફ્રીડલેન્ડ તેનો મિત્ર હતો અને ભારતીય ધર્મોનો અભ્યાસુ હતો. સ્ટીવ જોબ્સને ફ્રીડલેન્ડે પૂર્વના ધર્મો અને સંસ્કૃતિની સમજ આપી. સ્ટીવ જોબ્સ ભારતથી પાછા ફર્યા પછી ફ્રીડલેન્ડે બનાવેલા કોમ્યુનમાં રહેતા હતા. એ દરમિયાન ક્રિસાન્ન સાથે ફરી સંબંધો બંધાયા. ફ્રીડલેન્ડ પોર્ટલેન્ડમાં સફરજન (એપલ)ના બગીચાની દેખરેખ રાખતો. સ્ટીવ અને ક્રિસાન્ન વીક-એન્ડમાં ફ્રીડલેન્ડને એપલના બગીચામં મદદ કરવા જતાં. તેના આધારે સ્ટીવે પોતાની કંપનીનું નામ એપલ રાખેલું. ક્રિસાન્ને ઝેનિઝમ સાથે તેનો પરિચય કરાવ્યો.
ઝેન માસ્ટર કોબુન ચિનો ઓટોગાવાના સાનિધ્યમાં સ્ટીવ જોબ્સ કલાકો સુધી ધ્યાન કરતો. તેના કારણે મળેલી માનસિક શાંતિના પરિણામે સ્ટીવ જોબ્સ કોમ્પ્યુટરના કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શક્યા અને એક મહાન કંપની બનાવી શક્યો.
ક્રિસાન્ને સ્ટીવ સાથે સંબધો ચાલુ રાખ્યા. આ સંબંધોથી ૧૯૭૮માં જન્મેલી દીકરી લિસાને એકલા હાથે ઉછેરી પણ સ્ટીવ સાથે કદી લગ્ન ના કર્યાં.
લિસાના જન્મના એક દાયકા પછી સ્ટીવે ૧૯૯૧માં પોતાનાથી ૮ વર્ષ નાની લૌરેન સાથે લગ્ન કર્યાં ત્યારે સ્ટીવના ગુરૂ કોબુન ચિનો ઓટોગાવાએ લગ્નની વિધી કરાવેલી. સ્ટીવ કે લૌરેને કદી બૌધ્ધ ધર્મ અંગિકાર કર્યો નહીં પણ ઝેનિજમના સિધ્ધાંતો પાળ્યા. સ્ટીવ જોબ્સ પાછલી જીંદગી જાપાનના બૌધ્ધ મઠમાં ગાળવા માગતા હતા અને લૌરેન પણ તેમની સાથે જ રહેવા માગતાં હતાં. અમેરિકાનાં વર્તમાન વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ લૌરેનનાં વરસોથી ગાઢ મિત્ર છે. તેમના કારણે પણ લૌરેનને હિંદુત્વમાં રસ વધ્યો.
સ્ટીવ જોબ્સનો પરિવાર બહુ ભૌતિકવાદી નથી. લૌરેન પણ લાઈમલાઈટ અને ગ્લેમરથી દૂર છે. સ્ટીવ જોબ્સના નિધન પછી લૌરેને ફરી લગ્ન કરવાનું ટાળ્યું છે.
સેલિબ્રિટી શેફ ડેનિયલ હમ સાથે તેમને અફેર હોવાની વાતો ચાલી પણ એ વાતો શમી ગઈ. પોતાના દીકરા રીડ અને દીકરીઓ એરિન અને ઈવ સાથે શાંતિથી રહે છે.
- જુલિયા રોબર્ટ્સથી વિલ સ્મિથઃ દુનિયાભરમાં સેંકડો સેલિબ્રિટી હિંદુ બની ચૂકી છે
લૌરેન પોવેલ જોબ્સ હિંદુ ધર્મથી આકર્ષાયેલાં પહેલાં સેલિબ્રિટી નથી. ભૂતકાળમાં બ્રિટિશ સમાજ સેવિકા એની બેસન્ટથી માંડીને ફોર્ડ કંપનીના સ્થાપક હેન્રી ફોર્ડના પ્રપૌત્ર આલ્ફ્રેડ ફ્રોડ સુધીનાં ઘણાં લોકોએ પોતાનો ધર્મ છોડીને હિંદુ ધર્મ અપનાવ્યો હતો. જેમનો જન્મ બીજો ધર્મ પાળવા પરિવારોમાં થયો હોય એવા સંખ્યાબંધ લેખકો, કલાકારો, ફિલ્મ સ્ટાર્સ હિંદુ ધર્મ પાળે છે. હોલીવુડમાં તો આવાં લોકોની સંખ્યા બહુ મોટી છે. જુલિયા રોબર્ટ્સ, વિલ સ્મિથ, સિલ્વેસ્ટર સ્ટેલોન, હગ જેકમેન, રસેલ બ્રાન્ડ, રોબર્ટ ડાઉની જુનિયર, મિલિ સાયરસ, કેલ્લી વિલિયમ્સ હિંદુ બની ગયાં છે. જ્યોર્જ હેરિસન, ટ્રેવર હોલ, આદમ લેવાઈન, પોલી સ્ટીરીન, લોરા લોજિક, ક્રિસ્સી હિન્ડે, નિના હેગન, જે મેક્સિસ, જોન મેકલોલિન, સતી કાઝાનોવા વગેરે મ્યુઝિક વર્લ્ડનાં ટોચનાં નામ હિંદુ ધર્મ પાળે છે.
અમેરિકન લેખિકા એલિઝાબેથ ગિલ્બર્ટ, જર્મનીનો ડેરડેવિલ સાહસિક પાયલોટ મથિયાસ રસ્ટ, ગ્રીક-ફ્રેન્ચ લેખિકા મેક્સિમિયાની પોર્ટાસ, કવિ લેક્સ હિક્સન, અમેરિકન ફૂટબોલ સ્ટાર જો ડોન લૂની, ફ્રેન્ચ ઈતિહાસકાર એલેઈન ડેનિયલુ સહિતનાં સંખ્યાબંધ નામો આ યાદીમાં આવે.
આ યાદીમાં નોંધપાત્ર નામ અમેરિકાનાં ટોચનાં રાજકારણી તુલસી ગેબાર્ડનું છે.
તુલસીના પિતા માઈક ગેબાર્ડ હવાઈમાં સેનેટર છે જ્યારે માતા કેરોલ એજ્યુકેશન ડીપાર્ટમેન્ટમાં હતાં. કેરોલ હિંદુ વિચારધારાથી આકર્ષાઈને હિંદુ બન્યાં પછી પાંચેય સંતાનો તુલસી, ભક્તિ, જય, આર્યન અને વૃંદાવન નામ આપીને હિંદુ ધર્મના સંસ્કાર આપ્યા, ચૈતન્ય મહાપ્રભુએ સ્થાપેલા ગૌંદિયા વૈષ્ણવ સંપ્રદાયનાં અનુયાયી તુલસી પોતાને ગર્વથી હિંદુ ગણાવે છે.
- સ્ટીવ ૧૮ વર્ષની ઉંમરે ભારતમાં સંન્યાસી બની ગયેલાઃ આશ્રમમાં રહેતા, ગાંજો ફૂંકતા
લૌરેનના પતિ સ્ટીવ જોબ્સ પણ હિંદુ ધર્મ તરફ આકર્ષાયા હતા અને ૧૮ વર્ષની ઉંમરે બધું છોડીને ભારત ભાગી આવીને સંન્યાસી બની ગયા હતા. ભારતીયતાની અસર સ્ટીવ જોબ્સ પર હંમેશાં રહી. હિંદુ ધર્મ પછી બૌધ્ધ ધર્મમાં પણ તેમને રસ પડયો. સ્ટીવ જોબ્સે લૌરેન સાથે લગ્ન પણ બૌધ્ધ વિધી પ્રમાણે કર્યાં હતાં.
સ્ટીલ જોબ્સે ૧૯૭૨માં ઓરેગોનના પોર્ટલેન્ડની રીડ કોલેજમાં એડમિશન લીધેલું. જોબ્સનાં માતા-પિતા બહુ ધનિક નહોતાં તેથી પૈસા બચાવવા માટે જોબ્સ સાંજે ઈસ્કોન મંદિરમાં મફતનું ખાવા જતો. આ કારણે સ્ટીવને હિંદુ ધર્મમાં રસ પડી ગયો. એ દરમિયાન સ્ટીવ જોબ્સે ઉત્તરાખંડના કૈંચીમાં આશ્રમ ધરાવતા નીમ કરૌલી બાબા વિશે સાંભળ્યું તેથી એપલમાં સાથી બનેલા ડેનિયલ કોટ્ટકે સાથે ૧૯૭૪ના મેમાં ભારત ભાગી આવેલા. જો કે બાબા ૧૯૭૩ના સપ્ટેમ્બરમાં જ ગુજરી ગયેલા તેથી આશ્રમ ભેંકાર પડયો હતો. સ્ટીવ-ડેનિયલ પાસેના હૈદાખાન બાબાજીના આશ્રમ પહોંચીને ત્યાં રહેવા માંડયા.
ઉત્તરાખંડમાં ગંગા નદીના કિનારે હૈદાખાન ગામમાં આવેલા આશ્રમમાં સ્ટીવ-ડેનિયલ ૭ મહિના રહ્યા. એ દરમિયાન મસ્તીની લાઈફ હતી. કશું કરવાનું નહીં ને બાવાઓ સાથે બેસીને ગાંજો ફૂંકવાનો. સ્ટીવ જોબ્સ ૧૯૭૫માં અમેરિકા પાછા ફર્યા ત્યારે માથું મુંડાવી દીધેલું અને ધોતી-કુર્તો પહેરતા થઈ ગયેલા. અમેરિકામાં સ્ટીવ થોડો સમય ઓરેગોનમાં બીજા એક હિંદુ આશ્રમમાં રહેલા પણ સ્ટીવ વોઝનિયાકના કહેવાથી કોમ્પ્યુટરમાં ખૂંપી ગયા ને ઈતિહાસ રચી દીધો