પેરિસ એઆઈ સમિટઃ વાતોનાં વડાં વધારે, નક્કર કશું જ નહીં
- AIના ઉપયોગ સંદર્ભે બહાર પાડેલા સંયુક્ત નિવેદન પર ચીન, ભારત, ફ્રાન્સ સહિતના 60થી વધુ દેશોએ સહી કરી છે, પણ અમેરિકા અને યુકે એમ બંનેએ સહી કરી નથી
- એઆઈ એવો રાક્ષસ છે કે જેને ભવિષ્યમાં નાથવો મુશ્કેલ થઈ જવાનો છે. એઆઈ અત્યારે પ્રારંભિક તબક્કામાં છે તેથી તેના કારણે ભવિષ્યમાં કેટલાં લોકોની નોકરીઓ જશે, ક્યાં ક્યાં કામો કરવા માટે માણસોની જરૂર નહીં પડે એ પ્રકારની ચિંતાઓ કરાય છે પણ અસલી ખતરો તો ભવિષ્યમાં એઆઈનો વિકાસ થશે પછી થશે. ઈન્ટરનેટ નવું નવું હતું ત્યારે તેના કારણે થતી રાહત સારી લાગતી હતી પણ ધીરે ધીરે હેકિંગનું દૂષણ પેઠું તેમાં ઈન્ટરનેટ ખતરનાક હથિયાર બની ગયું છે. તેના કારણે સાયબર ક્રાઈમ પણ એ હદે વધી ગયા છે કે તેના પર અંકુશ શક્ય જ નથી લાગતો. ડાર્ક વેબ, સાયબર એરેસ્ટ સહિતની એટલી બધી સમસ્યાઓ પેદા થઈ ગઈ છે કે, આપણું મગજ ચકરાઈ જાય. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ને પણ આ વાત લાગુ પડે છે.
પેરિસમાં યોજાયેલા બે દિવસના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) સમિટમાં ગાજ્યા મેઘ વરસ્યા નહીં. ભારત અને ફ્રાન્સના સંયુક્ત અધ્યક્ષસ્થાને યોજાયેલા એઆઈ) સમિટમાં ભવિષ્યમાં એઆઈનો દુરૂપયોગ રોકવાના મુદ્દે દુનિયાના તમામ દેશો વચ્ચે સહમતિ સધાશે અને ભવિષ્યમાં સાથે મળીને કામ કરવાનો સંકલ્પ લેવાશે એવી અપેક્ષા હતી પણ તેના બદલે પ્રથમ ગ્રાસે જ મક્ષિકા જેવો ઘાટ થઈ ગયો.
એઆઈ સમિટના અંતે સંયુક્ત નિવેદન બહાર પડાયું તેના પર જ સર્વસંમતિ ના સધાઈ અને ભાગલા પડી ગયા. એઆઈ પ્લેટફોર્મને તમામ લોકો માટે મુક્ત, ટકાઉ અને બધાંનો સમાવેશ કરી શકાય એવું રાખવાના નિર્ધાર સાથે બહાર પડાયેલા સંયુક્ત નિવેદન પર ચીન, ભારત, ફ્રાન્સ સહિતના ૬૦થી વધુ દેશોએ સહી કરી પણ અમેરિકા અને યુકે બંનેએ નિવેદન પર સહી કરી નથી.
યુકેનું કહેવું છે કે, મુક્ત આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ના કારણે ભવિષ્યમાં કોઈ પણ દેશની રાષ્ટ્રીય સુરક્ષા સામે ઉભા થનારા ખતરાને કઈ રીતે પહોંચી વળવો એ સમસ્યા અંગે નિવેદનમાં કશું કહેવાયું નથી તેથી પોતે સહી કરવાનું ટાળ્યું છે. બાકી પોતે બીજા બધા મુદ્દા વિશે સહમત છે જ.
યુકેએ પોતે પેરિસ એઆઈ સમિટમાં સસ્ટેનિબિલિટી અને સાયબર સીક્યુરિટી અંગેના કરાર પર સહી કરી હોવાનું ઉદાહરણ પણ આપ્યું છે.
યુકેનું કહેવું છે કે, દુનિયાના બીજા દેશો સાથે મળીને કામ કરવામાં તેમને જરાય વાંધો નથી પણ પોતાની ચિંતાઓનો ઉકેલ આવે એ જરૂરી છે. અમેરિકા તરફથી વાઈસ પ્રેસિડેન્ટ જેડી વેન્સ સમિટમાં હાજર રહેલા. વેન્સના કહેવા પ્રમાણે, મુક્ત અને સર્વસમાવિષ્ટ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ના કારણે એઆઈ ઈન્ડસ્ટ્રી મરી જશે.
યુકે અને યુએસે સંયુક્ત નિવેદન પર સહી ના કરી તેના કારણે એવું ચિત્ર ઉભું કરાયું કે, યુએસ અને યુકે આડાં ફાટયાં છે પણ વાસ્તવમાં બંનેએ વ્યક્ત કરેલી ચિંતા વ્યાજબી છે. એઆઈ એવો રાક્ષસ છે કે જેને ભવિષ્યમાં નાથવો મુશ્કેલ થઈ જવાનો છે. એઆઈ અત્યારે પ્રારંભિક તબક્કામાં છે તેથી તેના કારણે ભવિષ્યમાં કેટલાં લોકોની નોકરીઓ જશે, ક્યાં ક્યાં કામો કરવા માટે માણસોની જરૂર નહીં પડે એ પ્રકારની ચિંતાઓ કરાય છે પણ અસલી ખતરો તો ભવિષ્યમાં એઆઈનો વિકાસ થશે પછી થશે.
ઈન્ટરનેટ નવું નવું હતું ત્યારે તેના કારણે થતી રાહત સારી લાગતી હતી પણ ધીરે ધીરે હેકિંગનું દૂષણ પેઠું તેમાં ઈન્ટરનેટ ખતરનાક હથિયાર બની ગયું છે. તેના કારણે સાયબર ક્રાઈમ પણ એ હદે વધી ગયા છે કે તેના પર અંકુશ શક્ય જ નથી લાગતો. ડાર્ક વેબ, સાયબર એરેસ્ટ સહિતની એટલી બધી સમસ્યાઓ પેદા થઈ ગઈ છે કે, આપણું મગજ ચકરાઈ જાય.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ને પણ આ વાત લાગુ પડે છે. એઆઈને ઓપન પ્લેટફોર્મ બનાવી દેવાય તેના કારણે કોઈ પણ દેશની સીક્યુરિટી પર ખતરો ઉભો થવા સહિતની નવી નવી સમસ્યાઓ ઉભી થવાની જ છે.
એઆઈનો અત્યારે ઉપયોગ નાનાં નાનાં કામો કરવા થાય છે પણ ભવિષ્યમાં જાસૂસી. હેકિંગ વગેરે માટે પણ થઈ શકે.
ચીન, અમેરિકા સહિતના દુનિયાના મોટા દેશો દુનિયાની દરેક ટેકનોલોજીનો ઉપયોગ પોતાનો સ્વાર્થ સાધવા માટે અને દુનિયા પર પોતાનું વર્ચસ્વ જમાવવા માટે કરે છે એ કોઈનાથી છૂપું નથી. અત્યારે પણ અમેરિકા, ચીન, રશિયા સહિતના દેશો દ્વારા હેકિંગની પ્રવૃત્તિ મોટા પાયે ચાલે જ છે. બીજા દેશોની સિસ્ટમમાં ઘૂસીને દેશના તંત્રને ઠપ્પ કરી દેવાના કે રહસ્યો ચોરી લેવાના ઉધામા થાય જ છે.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ની એન્ટ્રીથી એ કામ સરળ બનશે.
કોઈ પણ દેશનો સંવેદનશીલ ડેટા ચોરી લઈને તેનો ઉપયોગ વિનાશક અને વિધ્વંશક પ્રવૃત્તિઓ માટે કરી જ શકાય એ જોતાં તેને રોકવા માટે શું કરવું તેની ચિંતા કરવી જરૂરી છે. આતંકવાદીઓ કે દુશ્મન દેશો એઆઈનો ઉપયોગ કરીને કોઈ દેશની સુરક્ષાને નુકસાન ના કરી શકે તેની ચિંતા જરૂરી છે. સમિટમાં ડાહી ડાહી વાતો થઈ અને વાતોનાં વડાં થયાં પણ આ મુદ્દે ચર્ચા જ ના થઈ એ જોતાં યુકેનો મુદ્દો વ્યાજબી છે.
આપણે ભારતના સંદર્ભમાં આ વાત સમજીશું તો વધારે સારી રીતે સમજાશે.
ભારત ચોતરફથી ચીનથી ઘેરાયેલું છે અને ચીનનો ડોળો ભારતના સંખ્યાબંધ પ્રદેશોની જમીન પર મંડાયેલો છે. ભારતના કેટલાક ભાગોને તો ચીન પોતાના પ્રદેશો જ ગણાવે છે. ભારતે એ માટે સુરક્ષા કવચ બનાવ્યું છે પણ ચીન એઆઈની મદદથી તેને ભેદી શકે. ચીન તો આ બધી વાતોમાં પેક છે તેથી એ કેવા ખતરા ઉભા કરી શકે તેની આપણે કલ્પના પણ ના કરી શકીએ.
અમેરિકાએ જે મુદ્દો ઉઠાવ્યો છે એ વ્યાપારી માનસિકતાનું પ્રદર્શન કરે છે પણ ખોટો નથી. અમેરિકાની કંપનીઓએ અબજો ડોલરનું આંધણ અને વરસોના રીસર્ચ પછી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) પ્લેટફોર્મ વિકસાવ્યાં છે. સ્વાભાવિક રીતે જ તેમાંથી કમાણી કરવા માટે જ આ બધું કર્યું હોય. હવે બધું ઓપન કરી દેવાનું હોય તો તેમાંથી ધારી કમાણી ના જ થાય. ને કમાણી ના થવાની હોય તો કોઈ કંપની શું કરવા તેમાં રોકાણ કરે ? એ સંજોગોમાં નવું રીસર્ચ ના થાય અને સરવાળે ઈન્ડસ્ટ્રી જ મરી પરવારે.
ટેકનોલોજી બેધારી તલવાર છે. તેનો સારા કામ માટે પણ ઉપયોગ કરી શકાય પણ એ દરમિયાન આપણને વાગી પણ જાય. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ને પણ આ વાત લાગુ પડે જ છે.
એઆઈના વિકાસથી આપણાં ઘણાં કામ સરળ થઈ ગયાં છે એ વાત સાચી છે પણ સામે સમસ્યાઓ પણ ઉભી થવાની જ છે એ વાત પણ સાચી છે. આ સમસ્યાઓનો ઉકેલ ટેકનોલોજીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં છે પણ તેનો આધાર વ્યકિત પર છે. પરમાણુ વિભાજનની થીયરીનો ઉપયોગ વીજળી પેદા કરવા માટે પણ કરાય છે અને ન્યુક્લીયર બોમ્બ બનાવવા માટે પણ કરાય જ છે ને ?
એઆઈના કારણે વીજળીનો વપરાશ વધશે, ગ્લોબલ વોર્મિંગ પણ વધશે
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ના કારણે ભવિષ્યમાં વિશ્વમાં વીજળીની અછત પેદા થઈ શકે એ ખતરૌ મોટો છે પણ આજ સુધી કોઈએ એ અંગે ચર્ચા જ નહોતી કરી. આ મુદ્દે પેરિસ સમિટમાં પહેલી વાર વિસ્તૃત ચર્ચા થઈ. ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી (આઈઈએ)એ એઆઈના કારણે વિશ્વમાં ભવિષ્યમાં વીજળીની જરૂરીયાત કઈ હદે વધશે અને તેના કારણે કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ ખતરનાક રીતે વધશે એવી ચેતવણી આપતો રીપોર્ટ તૈયાર કર્યો છે. એઆઈ પ્રોસેસ માટેનાં ડેટા સેન્ટર કેટલી વીજળી ખાઈ જાય છે તે અંગેનો વિસ્તૃત રીપોર્ટ આઈઈએ ૧૦ એપ્રિલ, ૨૦૨૫ના રોજ રજૂ કરશે પણ એ પહેલાં થોડો ડેટા તેણે રજૂ કર્યો છે. આ ડેટાના આધારે એઆઈ માટે ગ્રીન એનર્જીનો ઉપયોગ કરવાની દિશામાં પણ ચર્ચા થઈ.
આઈઈએના ડેટા પ્રમાણે, ચેટજીપીટીને કરેલા સવાલનો જવાબ મેળવવા પાછળ ૨.૯ વોટ પ્રતિ કલાક વીજળી વપરાય છે. જ્યારે ગુગલ સર્ચમાં માત્ર ૦.૩ વોટ વીજળી વપરાય છે. મતલબ કે, દસ ગણી વીજળી વપરાય છે. તેનો સીધો અર્થ એ થયો કે, એઆઈનો પ્રભાવ વધશે તેમ તેમ વીજળીની માંગ વધશે અને ૨૦૩૦ સુધીમાં ડેટા સેન્ટરોમાં વીજળીની જરૂરીયાત ૧૬૦ ટકા વધી ગઈ હશે. તેના કારણે પેદા થનારા કાર્બન ડાયોક્સાઈડની અસરોને ખાળવા માટે લગભગ ૧૪૦ અબજ ડોલર (લગભગ રૂપિયા કરોડ) ખર્ચવા પડશે. અત્યારે ડેટા સેન્ટરો વિશ્વમાં વીજળીના કુલ વપરાશના ૨ ટકા ખાઈ જાય છે પણ ભવિષ્યમાં ૪ ટકા ખાઈ જશે.
અમેરિકા અને યુરોપના દેશો સામસામે, યુરોપને અસ્તિત્વ ટકાવવાની ચિંતા
પેરિસ સમિટના કારણે અમેરિકા અને યુરોપીયન યુનિયન સામસામે આવી ગયાં છે. અમેરિકાની મોટી મોટી ટેક કંપનીઓ પર વરસોથી ફ્રાન્સ સહિતના યુરોપના દેશો નિયંત્રણો લાદ્યા કરે છે. તેના કારણે અમેરિકા અને યુરોપીયન યુનિયન વચ્ચે ઘર્ષણ છે જ પણ હવે આ ઘર્ષણ તીવ્ર બનશે.
આ ઘર્ષણનું કારણ અમેરિકન અને યુરોપીયન માનસિકતામાં તફાવત છે. યુરોપના દેશો પણ એક તબક્કે વ્યાપારી માનસિકતા બતાવીને લોકોને ચૂસવામાં જ માનતા હતા પણ છેલ્લાં કેટલાંક વરસોમાં તેમનામાં પરિવર્તન આવ્યું છે.
યુરોપના દેશોમાં સોશિયલ મીડિયા અને બીજી ટેકનોલોજીને નિયંત્રણમાં રાખવાની વિચારધારા પ્રબળ બની છે. તેના કારણે અમેરિકાની ટેક કંપનીઓને ફટકો પડયો છે.
યુરોપના ફ્રાન્સ અને જર્મની સહિતના દેશો હવે પહેલાંની જેમ ટેકનોલોજીના વિકાસની પાછળ પાગલ બનીને ભાગતા નથી. અમેરિકાએ એઆઈને વિકસાવવા પાછળ અબજો ખર્ચ્યા અને વરસો આપ્યાં પણ યુરોપે બહુ રસ બતાવ્યો નથી. માર્ક ઝુકરબર્ગ સહિતના ટેક માંધાતા આ મુદ્દે અણગણો પણ વ્યક્ત કરી ચૂક્યા છે પણ યુરોપના દેશોને બહુ ફરક પડતો નથી. યુરોપના મોટા ભાગના દેશોમાં વસતી ઘટી રહી છે તેથી તેમના માટે અસ્તિત્વ કઈ રીતે ટકાવી રાખવું એ મોટો સવાલ છે.