મણિપુરમાં ચીન હિંસા ભડકાવે છે તો મોદી સરકાર ચૂપ કેમ ?

Updated: Sep 12th, 2024


Google NewsGoogle News
મણિપુરમાં ચીન હિંસા ભડકાવે છે તો મોદી સરકાર ચૂપ કેમ ? 1 - image


- મણિપુરમાં સ્થિતિ એ હદે ગંભીર છે કે મુખ્યપ્રધાન બિરેન સિંહ સહિતના ભાજપના ધારાસભ્યોએ સાગમટે રાજીનામા આપવાની રજૂઆત કરી છે

- મણિપુરમાં ફરીથી હિંસા એવા સમયે ભડકી છે કે જ્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેન સહિતના દેશોમાં જઈને વિશ્વશાંતિનું વાજું વગાડી રહ્યા છે. મોદીને રશિયાના પ્રમુખ વ્લાદીમિર પુતિને રશિયા-યુક્રેન યુધ્ધમાં મધ્યસ્થી કરવા કહ્યું તેથી મોદી રશિયા-યુક્રેન યુધ્ધ બંધ કરાવી દેશે એવાં બણગાં ભક્તજનો ફૂંકી રહ્યા છે. મોદી પોતાના દેશમાં, પોતાના રાજ્યમાં છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહેલી હિંસા બંધ કરાવી શકતા નથી ને રશિયા-યુક્રેન યુધ્ધ તેમના કહેવાથી બંધ થઈ જશે એવી વાત જ હાસ્યાસ્પદ છે પણ મોદીભક્તિનાં ડાબલાં ચડાવીને બેઠેલા લોકોને આ વાત સમજાતી નથી.

ઉત્તર-પૂર્વના રાજ્ય મણિપુરમાં ફરી હિંસા ભડકતાં ઈન્ટરનેટ બંધ કરી દેવું પડયું છે, સ્કૂલ-કોલેજોમાં રજા જાહેર કરી દેવી પડી છે અને પેરામિલિટરીના બીજા બે હજાર જવાનોને તાત્કાલિક મણિપુર મોકલવા પડયા છે. મણિપુરમાં હિસાંનો નવો રાઉન્ડ ૧ સપ્ટેમ્બરે ઈમ્ફાલ વેસ્ટમાં થયેલા ડ્રોન હુમલાથી જ શરૂ થઈ ગયેલો પણ મોદી સરકાર રાબેતા મુજબ હિંસાની વાતોને દબાવીને સબ સલામત હોવાનું ચિત્ર ઉભું કરવાની રમત રમ્યા કરતી હતી. આ હિંસામાં ૧૦ દિવસમાં સત્તાવાર રીતે ૧૧ લોકો મરી ગયાં ત્યા સુધી મોદી સરકાર કશું ના બન્યું હોય એ રીતે જ વર્તતી હતી પણ છેલ્લા બે દિવસથી વિદ્યાર્થીઓ અને બીજાં લોકો પણ રસ્તા પર આવી ગયાં પછી મોદી સરકારે જાગ્યા વિના છૂટકો નહોતો. 

સોશિયલ મીડિયા પર લોકોનાં ટોળેટોળાં રસ્તા પર ઉતરી આવ્યાં છે અને આર્મી-પેરા મિલિટરી જવાનોને ભગાડી રહ્યા છે એવા વીડિયો વાયરલ થયા પછી મોદી સરકારે જખ મારીને વાસ્તવિકતા સ્વીકારવી પડી. મણિપુરમાં ભાજપની સરકાર છે પણ છેલ્લાં દોઢ વરસથી આર્મી-પેરા મિલિટરી જ કાયદો અને વ્યવસ્થા જાળવવાની કામગીરી બજાવે છે. આ વીડિયોના કારણે મોદી સરકારની નાલેશી થવા માંડી એટલે સૌથી પહેલાં તો ઈન્ટરનેટ જ બંધ કરી દેવાયું કે જેથી આ પ્રકારના વીડિયો ફરતા ના થાય. એ પછી બીજાં પગલાં પણ લેવાયાં પણ તેના કારણે હિંસા અટકશે કે નહીં એ ખબર નથી. 

મણિપુરમાં સ્થિતી એ હદે ગંભીર છે કે, મણિપુરના મુખ્યમંત્રી બિરેનસિંહે પોતે મળીને રાજ્યપાલને પેરા મિલિટરી કશું નથી કરતી એવી રજૂઆત કરી છે. બિરેનસિંહ સહિતના ભાજપના ધારાસભ્યોએ સાગમટે રાજીનામાં આપી દેવાની ધમકી પણ આપવી પડી હોવાનું કહેવાય છે. રસ્તા પર ઉતરેલા વિદ્યાર્થીઓ પણ પેરા મિલિટરીના જવાનો અને મોદી સરકારે નિમેલા સીક્યુરિટી એડવાઈઝરને હટાવવાની માગણી કરી રહ્યા છે.  

મણિપુરની હિંસાએ મોદી સરકારની ઘોર નિષ્ફળતા ફરી છતી કરી દીધી છે. મણિપુરમાં છેલ્લા દોઢ વર્ષથી હિંસા ચાલી રહી છે પણ મોદી સરકાર તેને રોકવામાં સાવ નિષ્ફળ ગઈ છે. શરમજનક વાત એ છે કે, મોદી સરકારના મંત્રી અને ભાજપના નેતા બહાનાંબાજી કર્યા કરે છે, ચીન હિંસા ભડકાવી રહ્યું છે એવી વાતો કરીને જવાબદારીથી હાથ ખંખેરી રહ્યા છે પણ હિંસાને રોકવા કશું કરતા નથી. ચીન આ હિંસા ભડકાવી રહ્યું હોય ને મોદી સરકાર તેને રોકી ના શકતી હોય તો તેનાથી શરમજનક બીજું કંઈ ના કહેવાય. ચીન મણિપુરમાં શસ્ત્રો ઘૂસાડી જાય, ડ્રોન ઘૂસાડી જાય ને આપણી સરકાર તેને રોકી ના શકે તો આ સરકારને સત્તા પર રહેવાનો અધિકાર જ નથી. 

મણિપુરની હિંસાને મુદ્દે મોદી પલાયનવાદ બતાવી રહ્યા છે એ પણ આઘાતજનક છે. મણિપુરમાં દોઢ  વર્ષથી હિંસા ચાલે છે પણ મોદી એક પણ વાર મણિપુર ગયા નથી. મોદી પાસે રશિયા જવાનો સમય છે, યુક્રેન જવાનો સમય છે, બ્રુનેઈ ને પોલેન્ડ જવાનો સમય પણ છે પણ મણિપુર જવાની ફુરસદ નથી.  રોમ ભડકે બળતું હતું ત્યારે નીરો ફિડલ વગાડતો હતો. અત્યારે એવી જ હાલત છે. 

મોદી મણિપુરની હિંસા વિશે કંઈ બોલતા પણ નથી. મણિપુર આ દેશનો ભાગ જ ના હોય એ રીતે મોદી વર્તી રહ્યા છે. મણિપુરની હિંસા દરમિયાન દરમિયાન હત્યાઓ થઈ, બહેન-દીકરીઓ પર બળાત્કાર કરીને તેમની હત્યા કરી દેવાઈ પણ મોદીના પેટનું પાણી નતી હાલતું. ગયા વરસે તો બે યુવતીઓને નગ્ન કરીને તેમની જાહેરમાં પરેડ કરાવાઈ હતી અને પછી તેમના પર ગેંગ રેપ કરાયો હતો. મોદીને બિન ભાજપ શાસિત રાજ્યોમાં મહિલાઓ પર થતા અત્યાચારો વિશે બોલવાનું શૂરાતન ઉપડે છે પણ મણિપુર વિશે ચૂપ છે. 

મણિપુરની ઘટનાના મુદ્દે મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને પણ ઘોળીને પી ગયા છે. સંઘના વડા મોહન ભાગવતે લોકસભાની ચૂંટણી પછી તરત જ મણિપુરની હિંસાને કાબૂમાં લેવા કંઈક કરવું પડશે એવું સાફ શબ્દોમાં કહેલું પણ મોદીએ એક કાનેથી સાંભળીને બીજા કાનેથી વાત કાઢી નાંખેલી. અઠવાડિયા પહેલાં ભાગવતે ફરી કહ્યું કે. મણિપુરમાં સ્થિતી ગંભીર છે, લોકો સુરક્ષિત નથી અને બહારથી લોકો મણિપુર જઈ જ ના શકે એટલી ખરાબ સ્થિતી છે. ભાગવતે મોદીને સાનમાં મણિપુરની હિંસાને વહેલી તકે રોકવા કહી દીધું પણ મોદી સાનમાં પણ સમજવા તૈયાર નથી.  ભાગવત તો બોલ્યા કરે એવું માનીને મોદી વર્તી રહ્યા છે. 

યોગાનુયોગ મણિપુરમાં ફરીથી હિંસા એવા સમયે ભડકી છે કે જ્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેન સહિતના દેશોમાં જઈને વિશ્વશાંતિનું વાજું વગાડી રહ્યા છે. 

 મોદીને રશિયાના પ્રમુખ વ્લાદીમિર પુતિને  રશિયા-યુક્રેન યુધ્ધમાં મધ્યસ્થી કરવા કહ્યું તેથી મોદી રશિયા-યુક્રેન યુધ્ધ બંધ કરાવી દેશે એવાં બણગાં ભક્તજનો ફૂંકી રહ્યા છે.

મોદી પોતાના દેશમાં, પોતાના રાજ્યમાં છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહેલી હિંસા બંધ કરાવી શકતા નથી ને રશિયા-યુક્રેન યુધ્ધ તેમના કહેવાથી બંધ થઈ જશે એવી વાત જ હાસ્યાસ્પદ છે પણ મોદીભક્તિનાં ડાબલાં ચડાવીને બેઠેલા લોકોને આ વાત સમજાતી નથી.

 મોદી ખરેખર રશિયા-યુક્રેન યુધ્ધ રોકાવી શકે કે નહીં એ અટકળનો વિષય છે પણ મણિપુર તો તેમની જવાબદારી છે. આ દેશના વડાપ્રધાન તરીકે મણિપુરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય, હિંસા રોકાય એ જોવાની તેમની ફરજ છે. 

મણિપુરમાં 37 લાખની વસતી સામે 42 હજાર જવાનો છતાં શાંતિ નથી થતી

મણિપુરમાં સ્થિતી અત્યંત ખરાબ છે તેનો પુરાવો એ છે કે, મણિપુરમાં ૩૭ લાખની વસતી સામે ૪૦ હજાર કરતાં વધારે જવાનો તૈનાત છે. ઈન્ડિયન આર્મી ઉપરાંત બોર્ડર સીક્યુરિટી ફોર્સ (બીએસએફ), સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (સીએપીએફ), સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) વગેરે પેરા મિલિટરી ફોર્સના હજારો જવાનો  તૈનાત છે. આ ઉપરાંત મણિપુરની પોલીસ પણ હિંસાને રોકવા માટે કામે લાગેલી હોવા છતાં હિંસાને રોકી નથી શકાતી. 

સીઆરપીએફની ૧૬ બટાલિયન પહેલેથી તૈનાત છે. હવે નવેસરથી ફાટી નિકળેલી હિંસાના પગલે લગભગ ૨૦૦૦ જવાનો સાથેની સીઆરપીએફની બે બટાલિયનને રવાના કરાઈ છે. એક બટાલિયનમાં ૧૦૦૦ જેટલા જવાનો હોય છે.

 ગયા વરસે જી ૨૦ સમિટની સુરક્ષા માટે સીએપીએફના જવાનોને દિલ્હી ખસેડાયા ત્યારે પણ મણિપુરમાં ૩૬ હજાર જવાનો તૈનાત હતા. એ પછી દિલ્હીથી સીએપીએના ૪૫૦૦ જવાનોને મોકલાયા હતા ને હવે ૨૦૦૦ જવાનોને મોકલાયા છે તેથી તૈનાત જવાનોનો આંકડો લગભગ ૪૨,૫૦૦નો થઈ ગયો છે. 

મણિપુરમાં જવાનો અત્યાધુનિક હથિયારોથી સજ્જ મેઈતેઈ અને કુકી બંને સમુદાયનાં લોકો જવાનો પર હુમલા કરીને તેમને ભગાડી દે છે. લોકો પાસે જવાનો કરતાં વધારે હથિયારો હોવાથી જવાનો અંદરના વિસ્તારોમાં ઘૂસી શકતા નથી. ઘણા હાઈવે પર પણ ઉગ્રવાદી સંગઠનોનો કબજો છે તેથી પહાડી વિસ્તારો સુધી તો જવાનો જઈ જ શકતા નથી. જવાનો પ્રયત્ન કરે તો જબરદસ્ત પ્રતિકાર થાય છે ને જવાનોએ ભાગવું પડે છે.

ચીનનાં ડ્રોનથી બોમ્બ ફેંકાય છે ને મોદી સરકાર બેઠી બેઠી તમાશો જુએ છે

મણિપુરમાં નવેસરથી ફાટી નિકળેલી હિંસા માટે ડ્રોનથી કરાઈ રહેલા બોમ્બ અને મિસાઈલ હુમલા જવાબદાર છે. ૧ સપ્ટેમ્બરે ઈમ્ફાલ વેસ્ટના કૌટુ્રકમાં થયેલા ડ્રોન બોમ્બ હુમલામાં બે લોકોનાં મોત થયાં હતાં અને નવ લોકો ઘાયલ થયા હતા. 

પાસેની પહાડીઓમાંથી આવેલા ડ્રોન નીચે બેઠેલાં લોકો પર બોમ્બ ફેંક્યો હતો. એ પછી ૨ સપ્ટેમ્બરે સેન્જમ ચિરાંગમાં ફરી ડ્રોનથી બોમ્બ હુમલો થતાં બે વ્યક્તિ ઘાયલ થઈ હતી. ૬ સપ્ટેમ્બરે બિશ્નુપુરમાં બે રોકેટ ઘરો પર પડયાં તેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. 

પોલીસના દાવા પ્રમાણે, ઈમ્ફાલ વેસ્ટની પાસેના કાંગપોકપી જિલ્લામાંથી ડ્રોન આવ્યું હતું. ઈમ્ફાલ વેસ્ટમાં મેઈતેઈ સમુદાયનાં લોકોની વસતી વધારે છે જ્યારે કાંગપોકપી જિલ્લામાં કુકી સમુદાયની વસતી વધારે હોવાથી કુકી આતંકવાદીઓએ હુમલો કર્યાનું જાહેર કરાયું છે પણ કુકી આતંકવાદીઓ પાસે અત્યાધુનિક ડ્રોન અને મિસાઈલ ક્યાંથી આવ્યાં એ સવાલ મહત્વનો છે.  

વિસ્ફોટકો ધરાવતાં આ ડ્રોનની રેન્જ ૧૫ કિલોમીટર સુધીની છે. 

૧૫ કિલોમીટર દૂર બેઠાં બેઠાં કોમ્પ્યુટર પર જોઈને ડ્રોનથી બોમ્બ નીચે ફેંકી શકાય. આ પ્રકારનાં ડ્રોન ચીન બનાવે છે તેથી ચીન આતંકવાદીઓને મદદ કરી રહ્યું છે એવું નિષ્ણાતો માને છે. ચીનની ખોરી દાનત ઉત્તર-પૂર્વમાં અશાંતિ પેદા કરીને આ વિસ્તાર કબજે કરવાની છે તેથી આ વાત સાચી લાગે છે ત્યારે મોદી સરકાર શું કરે છે એ સવાલ ઉઠે છે. ચીન ભારતમાં ઘૂસીને ડ્રોન આપી જાય અને હુમલા કરાવે ને મોદી સરકાર બેઠી બેઠી તમાશો જોઈ રહેવા સિવાય કંઈ નથી કરી શકતી એ શરમજનક કહેવાય.

News-Focus

Google NewsGoogle News