ખાલિસ્તાની દલ્લાને લોરેન્સ ગેંગથી પ્રોટેક્શન માટે કેનેડાની જેલમાં પૂરાયો
- ખાલિસ્તાની તરફી ટ્રુડો સરકાર દ્વારા ગોસાલ-દલ્લાની ધરપકડ મોદી સરકારના દબાણથી થયાના દાવા હાસ્યાસ્પદ
- પહેલાં ઇન્દ્રજીત ગોસાલ અને હવે અર્શ દલ્લાને જેલમાં પૂરીને કેનેડાની સરકાર ખાલિસ્તાનવાદીઓને સીક્યોરિટી આપી રહી છે. ભારત સાથેના સંબંધો સાવ વણસી ગયા પછી કેનેડામાં ખાલિસ્તાનવાદીઓ પરનો ખતરો વધી ગયો છે. કેનેડામાં રહેતા ખાલિસ્તાનવાદીઓને સાફ કરવા માટે મોટા પાયે હુમલાનો ખતરો હોવાથી કેનેડાની સરકાર સાવ નાના નાના કેસોમાં તેમને પકડીને જેલમાં પૂરી રહી છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગે મુંબઈમાં એનસીપીના નેતા બાબા સિદ્દીકીની હત્યા કરાવી પછી તો બિશ્નોઈના વિરોધી ખાલિસ્તાનવાદી પોતે પણ ફફડી ગયા છે. પોતે બહાર ફરતા હશે તો ગમે ત્યારે બિશ્નોઈ ગેંગના માણસો આવીને ટપકાવી દેશે એવા ફફડાટના કારણે એ લોકોને પણ કેનેડાની જેલમાં વધારે સલામતી લાગી રહી છે.
ભારત અને કેનેડા વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો વચ્ચે કેનેડાની પોલીસે ગેંગસ્ટર અને ખાલિસ્તાની આતંકવાદી અર્શદીપ સિંહ ઉર્ફે અર્શ દલ્લાની ધરપકડ કરી હોવાના અહેવાલ છે. ભારતના મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલમાંથી એક અર્શ દલ્લા ભારત અને કેનેડા વચ્ચે જેની હત્યાના કારણે બબાલ થઈ ગઈ એ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરનો ખાસ માણસ હતો. કેનેડાના ડાઉનટાઉન મિલ્ટનમાં ૨૮ ઓક્ટોબરે થયેલા ગોળીબારમાં સંડોવણીની શંકાથી દલ્લાની ધરપકડ કરવામાં આવી છે.
દલ્લાની ધરપકડ સાથે કેનેડાની પોલીસે એક જ અઠવાડિયામાં નિજ્જરના બીજા નજીકના સાથીને ઉઠાવીને જેલભેગો કરી દીધો છે. આ પહેલાં ૮ નવેમ્બરે કેનેડિયન પોલીસે બ્રામ્પટનના હિંદુ મંદિરમાં હથિયારો સાથે હુમલો કરવાના આરોપમાં બ્રામ્પટનના ઈન્દ્રજીત ગોસલની ધરપકડ કરી હતી. જૂન ૨૦૨૩માં નિજ્જરની હત્યા થયા પછી ગોસાલ બ્રિટિશ કોલંબિયામાં રહીને ગુરપંતવંતસિંહ પન્નુનની શીખ્સ ફોર જસ્ટિસના મુખ્ય કેનેડિયન આયોજક તરીકે કામ કરે છે. માત્ર ૩૫ વર્ષનો ગોસાલ કેનેડામાં ખાલિસ્તાનની તરફેણમાં જનમત લઈને યુનાઈટેડ નેશન્સ સહિતની સંસ્થાઓને રજૂઆત કરવા માટે જાણીતો છે.
પહેલાં ગોસાલ ને પછી દલ્લાની ધરપકડના કારણે ભારતીય મીડિયાના એક વર્ગમાં એવી વાતો ચાલી કે, ભારતની નરેન્દ્ર મોદી સરકારનું દબાણ કામ કરી રહ્યું છે અને કેનેડાની સરકારે એક પછી એક ખાલિસ્તાનવાદીઓને ઉઠાવીને જેલમાં નાંખવા માંડયા છે.
આ વાત હાસ્યાસ્પદ છે અને વાસ્તવિકતા કંઈક અલગ જ છે, વાસ્તવમાં ભારત સાથેના સંબંધો સાવ વણસી ગયા પછી કેનેડામાં રહેતા ખાલિસ્તાનવાદીઓ પરનો ખતરો વધી ગયો છે. ભારત કેનેડામાં રહેતા ખાલિસ્તાનવાદીઓને વિણી વિણીને સાફ કરવા માટે મોટા પાયે હુમલો કરે એવો ખતરો હોવાથી કેનેડાની સરકાર સાવ નાના નાના કેસોમાં તેમને પકડીને જેલમાં પૂરી રહી છે કે જેથી સલામત રાખી શકાય.
લોરેન્સ બિશ્નોઈ ગેંગે મુંબઈમાં એનસીપીના નેતા બાબા સિદ્દીકીની હત્યા કરાવી પછી તો બિશ્નોઈના વિરોધી ખાલિસ્તાનવાદી પોતે પણ ફફડી ગયા છે. પોતે બહાર ફરતા હશે તો ગમે ત્યારે બિશ્નોઈ ગેંગના માણસો આવીને ટપકાવી દેશે એવા ફફડાટના કારણે એ લોકોને પણ કેનેડાની જેલમાં વધારે સલામતી લાગી રહી છે.
કેનેડાની પોલીસ અર્શ દલ્લા સહિતના ખાલિસ્તાનવાદીઓને જેલમાં પૂરીને પ્રોટેક્શન આપી રહી છે તેથી સત્તાવાર રીતે દલ્લાની ધરપકડની જાહેરાત પણ કરાઈ નથી. આ તો કેનેડાની એજન્સીઓએ કહ્યું કે, હાલ્ટન રીજનલ પોલીસ સર્વિસે મિલ્ટનમાં થયેલા ગોળીબારના કેસમાં હાલ્ટન હિલ્સના ૨૫ વર્ષિય યુવક અને સરે બીસીના ૨૮ વર્ષીય યુવકની ધરપકડ કરી છે અને આ ૨૮ વર્ષનો યુવક અર્શ દલ્લા છે. આ કારણે ભારતમાં દલ્લાની ધરપકડની ખબર પડી, બાતી કેનેડા પોલીસે તો તેમના નામ કે ઓળખ જાહેર કર્યાં જ નથી.કેનેડા દલ્લાની ધરપકડની વિગતો જાહેર કરે તો તેને ભારતને સોંપવો પડે. ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (કેટીએફ)ના દલ્લાને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ દલ્લાને આતંકવાદી જાહેર કરીને તેને ભારતને સોંપવાની સત્તાવાર માગ પહેલાં જ કરી છે. એનઆઈએનો આરોપ છે કે, દલ્લાક આતંકવાદી સંગઠન બનાવી હતી અને ડરની ભાવના પેદા કરવા માટે અન્ય ધર્મના લોકોને અપહરણ કરવા, પૈસા પડાવવા અને હત્યા કરવાનું કાવતરું કરવા માટે લવપ્રીત સિંઘ, ઉર્ફે રવિ, રામ સિંહ, ઉર્ફે સોના અને કમલજીત શર્મા, ઉર્ફે કમલની ભરતી કરી હતી.
૨૧ જુલાઈ ૨૦૨૩ ના રોજ, દલ્લાની કામચલાઉ ધરપકડ માટેની વિનંતી ડિપ્લોમેટિક ચેનલો દ્વારા કેનેડાને મોકલવામાં આવી હતી. કેનેડિયન સરકારે ૧૫ ઓગસ્ટ, ૨૦૨૩ના રોજ જવાબ આપીને દલ્લાના પ્રત્યાર્પણની સત્તાવાર રીતે વિનંતી કરવા કહેવાયં હતું. તેના પગલે ભારત સરકારે ૨૦૨૧માં ડેરા સચ્ચા સૌદાના અનુયાયી શક્તિ સિંહનું અપહરણ અને હત્યા અને કાવતરા બદલ દલ્લાને ભારતને સોંપવાની સત્તાવાર અરજી કેનેડાને મોકલી હતી પણ કેનેડાની સરકારે કશું ના કર્યું. હવે સત્તાવાર રીતે દલ્લાની ધરપકડ કરાઈ હોવાનું જાહેર કરાય તો આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે તેને સોંપવો પડે તેથી કેનેડાની સરકાર આખી વાત જ છૂપાવી રહી છે.
પંજાબના મોંગા જિલ્લાના દલ્લાનો હોવાથી અર્શ દલ્લા તરીકે ઓળખાતો અર્શદીપ સિંહ ભારતથી ભાગીને કેનેડા ગયો પછી ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF) માટે કામ કરે છે. હરદીપ સિંહ નિજ્જર કેટીએફનો ચીફ હતો. નિજ્જરના ઈશારે દલ્લાએ ઘણી હત્યાઓ કરેલી છે અને તેની સામે યુએપીએ હેઠળ કેસ નોંધાયેલા છે. દલ્લાના શૂટર્સે નવેમ્બર ૨૦૨૦માં ભાજપના માનીતા રામ રહીમ સિંહના ડેરા સચ્ચા સૌદાના અનુયાયી મનોહર લાલની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ડેરાના બીજા અનુયાયી કિલ શક્તિ સિંહના અપહરણનું કાવતરું ઘડવાનો પણ દલ્લા પર આરોપ છે. દલ્લાએ ફેસબુક પોસ્ટ દ્વારા ઇલેક્ટ્રિશિયન પરમજીત સિંહની હત્યાની જવાબદારી પણ લીધી હતી.
સપ્ટેમ્બરમાં દલ્લાએ કોંગ્રેસના નેતા બલજિંદર સિંહ બલ્લીની હત્યાની જવાબદારી સ્વીકારી હતી. બલ્લીની પંજાબના મોગા જિલ્લામાં તેમના ઘરમાં ઘૂસીને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગયા મહિને ફરીદકોટ જિલ્લામાં શીખ કાર્યકર ગુરપ્રીત સિંહ હરી નાઉની હત્યા પણ દલ્લાએ કરાવી હતી. આ હત્યાના કેસમાં દલ્લાના બે સાથી બે દિવસ પહેલાં જ ઝડપાયા છે. દલ્લાના ઈશારે આ બંનેએ ૭ નવેમ્બર ૨૦૨૪ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લામાં જસવંત સિંહ ગિલની હત્યા કરી હતી. ગિલ પણ ગેંગસ્ટર હતો ને ૨૦૧૬ના હત્યા કેસમાં આજીવન કેદની સજા થઈ હતી. દલ્લા પંજાબના યુવકોની ખાલિસ્તાન કમાન્ડો ફોર્સમાં ભરતી કરીને ખંડણીનું નેટવર્ક પણ ચલાવે છે.
અર્શ દલ્લા તેની પત્ની સાથે કેનેડામાં રહે છે અને દેખાવ ખાતર પ્લમ્બર તરીકે કામ કરે છે પણ અંદરખાને તેનું નેટવર્ક બહુ મોટું છે. દલ્લાનો આખો પરિવાર ક્રાઈમ સિન્ડિકેટ સાથે સંકળાયેલો છે. દલ્લાએ તેના પિતા ચરણજીત સિંહની મદદથી ઈલેક્ટ્રીશિયન પરમજીત સિંહની ઘરમાં ઘૂસીને હત્યા કરાવી હતી. દલ્લાએ આ હત્યાની જવાબદારી લીધી હતી. દલ્લાનો ભાઈ બલદીપ પણ આ કેસમાં સામેલ હતો તેથી પોલીસે તેના પિતા અને ભાઈ બંનેને ઉઠાવીને જેલમાં નાંખી દીધેલા. ગયા વરસે દલ્લાનો ભાઈ બલદીપ હત્યાના કેસમાં જામીન પર છૂટયા પછી નકલી કાગળોનો ઉપયોગ કરીને વિદેશ ભાગી ગયો હતો જ્યારે તેના પિતા ચરણજીત સિંહ હાલ ફરીદકોટ જેલમાં બંધ છે.
દલ્લા પોતાના પરિવારની મદદથી ડ્રગ્સ અને હથિયારો સપ્લાય કરવાંનો ધંધો ધમધોકાર ચલાવે છે. ભારતમાં રહીને કામ કરતા લોરેન્સ બિશ્નોઈના દુશ્મન ગેંગસ્ટર્સને શસ્ત્રો અને ડ્રગ્સ દલ્લાના માધ્યમથી જ મળે છે તેથી તેને પતાવી દેવાય તો લોરેન્સના દુશ્મનોનું નેટવર્ક છિન્નભિન્ન થઈ જાય. આ કારણે બિશ્નોઈ ગેંગ તેને પતાવી દેવા સક્રિય છે જ તેથી તેને પ્રોટેક્શન અપાયું હોવાની વાતમાં દમ છે જ.
દલ્લાની ચાર સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર્સને મારી નાંખવાની ધમકી
દલ્લા પંજાબમાં પોતાને સીખ સંસ્કૃતિના રક્ષક તરીકે પ્રોજેક્ટ કરી રહ્યો છે. લોકસભાના સભ્ય અને ખાલિસ્તાનવાદી અમૃતપાલસિંહ સાથે પણ તેને ગાઢ સંબંધો હોવાનું કહેવાય છે. અમૃતપાલ અત્યારે જેલમાં બંધ છે. દલ્લાએ એક ઓડિયો નિવેદનમાં શીખ કાર્યકર ગુરપ્રીત સિંહ હરી નાઉની હત્યાની જવાબદારી લીધી છે. દલ્લાએ દાવો કર્યો હતો કે, હરિ નાઊએ એક મહિલાના ફોટા મોર્ફ કર્યા હતા અને ફોન પર તેની સાથે ગંદી વાતો કરી હતી. દલ્લાએ સાંસદ અમૃતપાલ સિંહના આદેશથી આ હત્યા કરી હોવાનું કહેવાય છે.
દલ્લા પંજાબી સંસ્કૃતિના રક્ષણના નામે સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર્સને ધમકીઓ આપ્યા કરે છે. થોડા સમય પહેલાં દલ્લાએ કુલ્હડ પિઝ્ઝા કપલ તરીકે જાણીતા સેહજ અરોરા અને ગુરપ્રિત કૌરને ધમકી આપી હતી. ઈન્સ્ટાગ્રામ પર રીલના કારણે લોકપ્રિયતા ધરાવતાં સહજ-ગુરપ્રિતના ૫ લાખથી વધારે ફોલોઅર્સ છે. બંને સોશિયલ મીડિયાના માધ્યમથી અશ્લીલતા ફેલાવવાનું બંધ નહીં કરે તો તેમને પતાવી દેવાશે એવી ધમકી દલ્લાએ પોતે આપી હતી. આ સિવાય સુખ રતિયા અને કમલ કૌરને પણ ધમકી અપાઈ છે કે, વીડિયો બનાવવાનું ચાલુ રાખશે તો મારી નાખવામાં આવશે.
અર્શ દલ્લા સાથે ગેંગ વોર, દલ્લાના 4 ગેંગસ્ટરને લોરેન્સે બે વર્ષમાં પતાવ્યા
પંજાબ સહિતનાં રાજ્યોમાં લોક્નેસ બિશ્નોઈ અને બંબિહા ગ્રુપ વચ્ચે ગેંગ વોર ચાલ્યા કરે છે. દેવેન્દ્ર બંબિહા બંબિહા ગ્રુપનો ગેંગસ્ટર હતો પણ ૨૦૧૬માં એન્કાઉન્ટરમાં મરાયો પછી લકી પટિયાલ આ ગેંગનો નેતા છે. બંબિહા ગ્રુપમાં લકી ઉપરાંત અર્શ દલ્લા, નીરજ બવાનાની તેજપુરીયા સિન્ડિકેટ, કૌશલ ચૌધરી ગેંગ, મનજીત મહલની ગેંગ છે. બીજી તરફ લોરેન્સ બિશ્નોઈ ગેંગમાં લોરેન્સ અને ગોલ્ડી બ્રાર ઉપરાંત કાલા જઠેડી, અનુરાધા ચૌધરી, કપિલ સાંગવાન, ગોગી ગેંગનો દીપક બોક્સર અઆને આનંદપાલ ગેંગનો રોહિત ગોદરા મુખ્ય છે.
લોરેન્સ બિશ્નોઈ ગેંગે છેલ્લા બે વર્ષમાં અર્શ દલ્લાના ૪ મોટા ગેંગસ્ટરને પતાવી દીધા છે. સૌથી પહેલાં ૨૦૨૨૦ના ડીસેમ્બરમાં રાજસ્થાનના ગેંગસ્ટર રાજુ ઠેઠની હત્યા થઈ. પછી ૨૦૨૩ના જૂનમાં હરદીપસિંહ નિજ્જરની હત્યા કરાઈ. એ પછી ૨૦૨૩ના સપ્ટેમ્બરમાં કેનેડાના વિનીપેગમાં ગેંગસ્ટર સુખદુલ સિંહ ગિલ ઉર્ફે સુખા દુન્નાકેની હત્યા કરાઈ હતી. દુન્નાકેને ૧૫ ગોળીઓ મારીને પતાવી દેવાયેલો.
નિજ્જરની જેમ સુખા દુન્નાકે પણ ભારતની આતંકવાદ વિરોધી નેશનલ ઈન્વેસ્ટિગેટિવ એજન્સી (એનઆઈએ)ના સૌથી ખતરનાક એટલે કે એ કેટેગરીના આતંકવાદીઓના લિસ્ટમાં હતો. સુખા દુન્નાકે નકલી પાસપોર્ટની મદદથી ૨૦૧૭માં પંજાબથી ભાગીને કેનેડા જતો રહ્યો પછી અર્શ દલ્લાના ઈશારે કામ કરતો હતો. બંબિહા ગ્રુપના નામે પંજાબમાં ખંડણીખોરીનું નેટવર્ક ચલાવતા દુન્નાકેની હત્યા ગોલ્ડી બ્રારના ભાઈ ગુરલાલ બ્રારની હત્યાનો બદલો લેવા કરાઈ હોવાનો બિશ્નોઈ ગેંગનો દાવો હતો. એ પછી ડીસેમ્બરમાં ખાલિસ્તાનવાદી આતંકવાદી અમરપાલની હત્યા પણ બિશ્નોઈ ગેંગે કરાવી હતી.