વિદેશથી ચાલે છે નેટવર્ક, 10 લાખ લોકો શિકાર, ભારતીયોને સાયબર ક્રાઈમથી વર્ષે 25 લાખ કરોડનો ચૂનો
Editorial: ભારતમાં સાયબર ક્રાઈમની ઘટનાઓ વધી રહી છે અને દર વર્ષે લગભગ 10 લાખ લોકો સાયબર ફ્રોડનો શિકાર બને છે ત્યારે ડીપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ્યુનિકેશન (ડીઓટી) સફાળું જાગ્યું છે. ડીઓટીએ સાયબર ક્રાઈમમાં સંડોવાયેલા મનાતા 28 હજારથી વધારે મોબાઈલ હેન્ડ સેટ બ્લોક કરવા અને 20 લાખથી વધારે મોબાઈલ કનેક્શન્સ એટલે કે સિમ કાર્ડનું રી-વેરીફિકેશન કરવા ફરમાન કર્યું છે.
ડીઓટી, ગૃહ મંત્રાલય અને રાજ્યોની પોલીસે હાથ મિલાવીને શરૂ કરેલા અભિયાન હેઠળ ટેલીકોમ સવસ પ્રોવાઈડર કંપનીઓને તાત્કાલિક આ ફરમાનનું પાલન કરવા કહી દેવાયું છે. એક વર્ષમાં વેરીફિકેશનની પ્રક્રિયા પૂરી કરી દેવાની રહેશે. રી-વેરીફિકેશનમાં કોઈ ડીલર ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલો હોવાનું બહાર આવશે તો તેની ડીલરશીપ રદ કરીને ત્રણ વર્ષ માટે બ્લેક લિસ્ટેડ કરી દેવાશે.
સાયબર ક્રાઈમને રોકવા ગયા વરસે ઓગસ્ટમાં ડીઓટીએ સિમ કાર્ડ વેચતા તમામ ડીલરનું ટેલીકોમ ઓપરેટર કંપનીમાં રજિસ્ટ્રેશન કરાવવા ફરમાન કરેલું. નકલી કે ખોટા દસ્તાવેજોને આધારે સિમ કાર્ડ વેચતા ડીલરોને પકડી શકાય એ માટે આ નિર્ણય લેવાયેલો. પહેલાં બિઝનેસ ચલાવનારા લોકોને કંપનીના નામે બલ્ક મોબાઈલ કનેક્શન અપાતાં પણ તેમાં કોણ ક્યું સિમ વાપરે છે તેનો હિસાબ ના રહેતો તેથી સરકારે કંપનીને યોગ્ય કેવાયસી કર્યા પછી જ કનેક્શન આપવાનો નિયમ કરાયેલો.
આ બંને ફેરફારોથી બહુ ફરક ના પડતાં ડીએઓટીએ બે મહિના પહેલાં ચક્ષુ નામે વેબ પોર્ટલ પણ શરૂ કરેલું. ટેલીકોમ ફ્રોડનો શિકાર બનેલા લોકો આ વેબસાઈટ પર પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. મળેલી ફરિયાદોના આધારે ડીઓટીએ લોકોને ધૂતવા માટે ખોટા કે લોભામણા એસએમએસ મોકલતી ૫૨ કંપનીને બ્લેકલિસ્ટેડ કરી છે. 10,834 શંકાસ્પદ મોબાઈલ નંબર્સનું રી-વેરીફિકેશન કરવા કહી દેવાયું છે. 1.58 લાખ યુનિક મોબાઈલ આઈડેન્ટિફિકેશન નંબર (IMEI)ને બ્લોક કરી દેવાયા છે. 30 એપ્રિલ સુધીમાં ડીઓટીએ 1.66 કરોડ મોબાઈલ કનેક્શન બંધ કરી દીધાં છે. આ બધાં પગલાં છતાં ઓટીપી મેળવીને કે બીજી રીતે લોકોને ધૂતવાનો ધંધો ધમધોકાર ચાલુ જ છે તેથી ડીઓટીએ નવું ફરમાન બહાર પાડી દીધું છે.
નિષ્ણાતોના મતે, સાયબર ક્રાઈમ રોકવા માટે લેવાઈ રહેલાં આ બધાં પગલાં આંગળા ચાટીને પેટ ભરવા જેવાં છે. ભારતમાં કુલ 114 કરોડથી વધારે મોબાઈલ કનેક્શન છે. આ પૈકી લગભગ 2 ટકા એટલે કે 21 લાખ મોબાઈલ કનેક્શન નકલી કે છેડછાડ કરેલા આઈડેન્ટિટી પ્રૂફના આધારે મેળવાયાં હોવાનું ડીપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ્યુનિકેશન્સ (DOT)નો ડેટા કહે છે. કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે, કોઈ એક વ્યક્તિના નામે મહત્તમ 9 મોબાઈલ કનેક્શન મેળવી શકાય છે પણ 1.92 કરોડ મોબાઈલ કનેક્શન એવાં છે કે, જે સરકારે નક્કી કરેલી મર્યાદાથી ઉપરવટ જઈને અપાયાં છે. તેનો મતલબ એ થયો કે, 1.92 કરોડ લોકો એવા છે કે જેમના નામે 10 કે વધારે સિમ કાર્ડ કે મોબાઈલ કનેક્શન છે. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલનાડુ અને હરીયાણામાં આવાં મોબાઈલ કનેક્શનની સંખ્યા સૌથી વધારે છે.
આ પૈકી ઘણાંનો ઉપયોગ નાની નાની કંપનીઓમાં થતો હશે પણ મોટા ભાગનાં આ સિમકાર્ડ સાયબર ફ્રોડ માટે જ વપરાય છે. ડીઓટીએ ટેલીકોમ કંપનીઓને આ સિમ કાર્ડનું રી-વેરીફિકેશન કરવા કહ્યું છે. રી-વેરીફિકેશનમાં કેવાયસી પૂરાં ના પડાય તો સિમ કાર્ડ બંધ કરી દેવા આદેશ અપાયો છે પણ આ રી-વેરીફિકેશન યોગ્ય રીતે થશે કે નહીં તેની ચકાસણી કરવા માટેનું કોઈ તંત્ર ડીઓટી પાસે નથી. રી-વેરીફિકેશન માટે ડીઓટી સિમ કાર્ડ વેચનારા ડીલર અને મોબાઈલ ઓપરેટર કંપનીઓ પર જ નિર્ભર છે તેથી એ લોકો કહેશે એ સવા વીસ ગણાશે. દેખાવ ખાતર થોડાંક સિમ કાર્ડ બંધ કરી દેવાય એવું બને પણ તેના કારણે સાયબર ક્રાઈમમાં બહુ ફરક નહીં પડે.
બીજું એ કે, સાયબર ક્રાઈમનું આખું નેટવર્ક હવે વિદેશથી ચાલે છે. થોડાં વરસો પહેલાં ઝારખંડના જામતારા જેવાં સેન્ટર્સ ફિશિંગ માટે બદનામ થયેલાં પણ પોલીસે તવાઈ લાવી દેતાં હવે મોટા ભાગે વિદેશથી આ ઓપરેશન્સ હેન્ડલ થાય છે.
ચીન, કમ્બોડિયા, લાઓસ, થાઈલેન્ડ વગેરે દેશો સાયબર ક્રાઈમના અડ્ડા છે. મોટી મોટી ગેંગ્સ આ નેટવર્ક ચલાવે છે અને વરસે ૩ ટ્રિલિયન ડોલર લોકો પાસેથી ખંખેરી લે છે. ભારતનો તેમાં ૧૦ ટકા પણ હિસ્સો હોય તો ભારતમાંથી દર વર્ષે ૩૦ હજાર કરોડ ડોલર (લગભગ ૨૫ લાખ કરોડ રૂપિયા) સાયબર ફ્રોડમાં જતા રહેતા હશે. ભારત પાસે વિદેશથી થતા સાયબર ક્રાઈમને રોકવાની કોઈ ટેકનોલોજી નથી કે સ્ટ્રેટેજી પણ નથી.
અલબત્ત કશું નહીં કરવા કરતાં કશુંક કરવું બહેતર જ છે. આ પગલાંથી બધા સાયબર ક્રાઈમ ભલે બંધ ના થાય પણ સાયબર ક્રાઈમમાં બે-પાંચ ટકાનો પણ ઘટાડો થઈ જ શકે છે. કમ સે કમ ઓટીપી જાણીને કરાતી મોટા ભાગની ઠગાઈ તો બંધ કરી જ શકાશે કેમ કે આ પ્રકારની ઠગાઈ ભારતમાંથી જ થતી હોય છે.
ઈન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટરના ડેટા પ્રમાણે એપ્રિલ ૨૦૨૧થી ડિસેમ્બર ૨૦૨૩ વચ્ચે લગભગ ૧૦,૩૧૯ કરોડ રૂપિયાની ઠગાઈ તો માત્ર ઓટીપી મેળવીને કરવામાં આવી છે. ૨૦૨૩માં ઓટીપી દ્વારા ફ્રોડની લગભગ ૧૧ લાખ ફરિયાદો મળી હતી.
લોભ-લાલચ કે માહિતીના અભાવે સામાન્ય લોકો ઓટીપી ઠગાઈનો ભોગ બને છે ને બે-પાંચ હજારથી શરૂ કરીને પાંચ-સાત લાખ રૂપિયા સુધીની રકમ ગુમાવી દે છે. સિમ કાર્ડ વેરીફિકેશન અને મોબાઈલ હેન્ડસેટ બ્લોક કરવાથી તેના પર નિયંત્રણ લાવી શકાશે પણ અબજો રૂપિયાના બીજા સાયબર ક્રાઈમ બંધ નહીં થાય.
સાઉથ ઈસ્ટ એશિયા સાયબર ક્રાઈમ હબ, પરાણે ક્રાઈમ કરાવાય છે
ઈન્ટરપોલના રીપોર્ટ પ્રમાણે, સાઉથ ઈસ્ટ એશિયાના દેશોમાં હ્યુમન ટ્રાફિકિંગ દ્વારા સાયબર ફ્રોડ કરાવવાનું એર્ગેનાઈઝ્ડ ક્રાઈમ નેટવર્ક ચાલે છે. આ નેટવર્ક કમ્બોડિયા, મ્યાનમાર, બુ્રનેઈ, ઈન્ડોનેશિયા, મલેશિયા, થાઈલેન્ડ, ફિલિપાઈન્સ, વિયેતનામ સહિતના દેશોમાંથી ઓપરેટ થાય છે.
સાયબર ક્રાઈમ કમ હ્યુમન ટ્રાફિકિંગ સાથે સંકળાયેલી ગેંગ્સ સોશિયલ મીડિયા મારફતે ઉંચા પગારની નોકરીની લાલચ આપીને ટેકનો-સેવી યુવક-યુવતીઓને લલચાવે છે. લલચાઈને આવેલાં યુવક-યુવતીઓ પાસે સેક્સટોર્શનથી માંડીને સાયબર ફ્રોડ સુધીના અપરાધ કરાવાય છે. હ્યુમન ટ્રાફિકિંગમાં લવાયેલા છોકરા-છોકરીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર છોકરીઓનાં ખોટાં એકાઉન્ટ બનાવીને પુરૂષોને રોમાન્સની જાળમાં ફસાવે છે. ફસાયેલા પુરૂષોને સારું વળતર મળે એ પ્રકારનું ઈન્વેસ્ટમેન્ટ કરાવીને ખંખેરી લેવાય છે. આ ગેંગ્સ અંગત પળોનો વીડિયો ઉતારીને સેક્સ્ટોર્શન, મની લોન્ડરિંગ, ક્રિપ્ટો કરંસી ફ્રોડ સહિતના અપરાધો કરે છે.
ભારત, ચીન, મલેશિયા, પાકિસ્તાન સહિતના દેશોના ૧૦ લાખ લાખ જેટલાં લોકો પાસે બળજબરીથી સાયબર ક્રાઈમ કરાવાય છે. રોજના ૧૭-૧૮ કલાક કામ કરીને લોકોને છેતરીને ગેંગ્સને કમાણી કરાવવાનાં ટાર્ગેટ પણ નક્કી કરાયેલાં હોય છે. છોકરીઓનો ઉપયોગ તો ગેંગ્સના લોકોની હવસ સંતોષવા અને પોર્ન વીડિયો ઉતારવા માટે પણ કરાય છે. તેનો ઉપયોગ પણ અંતે તો સાયબર ક્રાઈમ માટે જ થાય છે.
એક વ્યક્તિ પાસેથી 40 હજાર સિમ કાર્ડ મળ્યાં
ભારતમાં સિમ કાર્ડ ચણા-મમરાની જેમ વેચાય છે એ સાબિત કરતી ઘટના કેરળના મલ્લાપુરમમાં બની છે. કેરળ પોલીસે મૂળ કર્ણાટકના ૪૬ વર્ષના અબ્દુલ રોશનની ધરપકડ કરીને તેની પાસેથી ૪૦ હજાર સિમ કાર્ડ, ૧૮૦ મોબાઈલ ફોન અને ૬ બાયોમેટ્રિક રીડર્સ કબજે કર્યાં છે.
કેરળના વેંગારાની એક વ્યક્તિએ ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ પ્લેટફોર્મ દ્વારા ઠગાઈમાં ૧.૦૮ કરોડ રૂપિયા ગુમાવ્યા પછી તેણે પોલીસને ફરિયાદ કરી હતી. પોલીસ તપાસમાં રોશનનું નામ બહાર આવતાં પોલીસે તેના ઘરે દરોડો પાડયો તો ખજાનો જ મળી ગયો. પોલીસ પણ આટલાં બધાં સિમ કાર્ડ જોઈને આઘાત પામી ગઈ.
પોલીસનું કહેવું છે કે, સિમ કાર્ડઅને મોબાઈલ ફોનનો ઉપયોગ સાયબર ફ્રોડ માટે કરાતો હતો. રોશને મોબાઈલ શોપનું આખું નેટવર્ક ઉભું કર્યું કે જ્યાં ગ્રાહકોને ખબર ના પડે એ રીતે તેમની ફિંગરપ્રિન્ટ્સ લઈને પછી સિમ કાર્ડ એક્ટિવેટ કરી દેવાતાં. રોશન આવાં સિમ કાર્ડ ૫૦ રૂપિયામાં ખરીદી લેતો. રોશને ૪૦ હજાર સિમ કાર્ડ ખરીદવા જ ૨૦ લાખ રૂપિયા ખર્ચ્યા છે એ જોતાં સાયબર ફ્રોડમાંથી એ કેટલું કમાયો હશે તેની કલ્પના કરી જુઓ.