માદુરો માટે 215 કરોડનું ઈનામ, USને વેનેઝુએલાના પ્રમુખ કેમ ખટકે છે ?
- રશિયા, ચીન, ઇરાન, ક્યુબા અને ઉ.કોરિયા એ પાંચ દેશોએ તાત્કાલિક માદુરોની જીતને સમર્થન આપી દીધું તેથી તેમની તાજપોશીનો માર્ગ મોકળો થઈ ગયો
- અમેરિકા માદુરોને હટાવવા માટે તેમના વિરોધીઓને ભરપૂર નાણાં આપે છે. સામે માદુરો લશ્કરની મદદથી તમામ વિરોધને કચડી નાંખે છે. આ કારણે અમેરિકા માદુરો પર અત્યાચાર, દમન, માનવાધિકાર ભંગ સહિતના આરોપો મૂક્યા કરે છે પણ માદુરો બધું એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાંખે છે. અમેરિકા સીધી રીતે માદુરોને હટાવીને વેનેઝુએલાના જંગી ક્રૂડ ભંડાર પર કબજો કરી શકે તેમ નથી એટલે માદુરોનો ઘડોલાડવો કરી નાંખવા ઈનામ જાહેર કર્યું છે. અમેરિકાએ 2018માં ઈનામ જાહેર કરેલું પણ છ વર્ષથી માદુરો અડીખમ છે.
એક તરફ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની તાજપોશીની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે બીજી તરફ અમેરિકાના કટ્ટર દુશ્મન મનાતા નિકોલસ માદુરો ત્રીજી ટર્મ માટે વેનેઝુએલાના પ્રમુખ બની ગયા. વેનેઝુએલામાં પ્રમુખપદની મુદત ૬ વર્ષની હોય છે. માદુરો છ-છ વર્ષની બે ટર્મ પૂરી કરીને છેલ્લાં ૧૨ વર્ષથી પ્રમુખપદે ગૂંચળું વાળીને બેઠેલા છે ને હવે ત્રીજી ટર્મ માટે પણ પ્રમુખ બની ગયા છે.
માદુરોની તાજપોશીથી ભડકેલા અમેરિકાએ માદુરોની ધરપકડ કરનારને ૨.૫ કરોડ ડોલર (લગભગ રૂપિયા ૨૧૫ કરોડ)નું ઈનામ આપવાની જાહેરાત કરી છે. માદુરોની સાથે સાથે ગૃહ મંત્રી ડિયોશડેડો કેબેલ્લો અને સંરક્ષણ મંત્રી વ્લાદિમિર પેડ્રિનોના માથે પણ અઢી-અઢી કરોડનાં ઈનામ જાહેર કર્યાં છે.
માદુરોને જેલભેગો કરવાનું કોઈ સામાન્ય માણસનું તો ગજું જ નથી તેથી અમેરિકાએ આડકતરી રીતે વેનેઝુએલાના લશ્કરના અધિકારીઓને જ ઓફર આપી દીધી છે કે, તમારું ગજું હોય તો માદુરોને ઉઠાવીને જેલમાં નાંખો ને રોકડા અઢી કરોડ ડોલર ગણી લો. ને તેના બીજા બે સાથીઓને ઉઠાવીને પણ અંદર કરશો તો બીજા ૫ કરોડ ડોલર મળશે.
અમેરિકાની ઓફર મોટી છે પણ વેનેઝુએલામાં કોઈ લશ્કરી અધિકારી કે બીજું કોઈ માદુરો સામે પડવાની હિંમત કરે એવી શક્યતા ઓછી છે. બલ્કે માદુરોની સત્તા જ લશ્કરના જોરે ટકેલી છે. વેનેઝુએલામાં ૨૦૨૪ના જુલાઈમાં પ્રમુખપદ માટે ચૂંટણી યોજાઈ ત્યારે માદુરો વિરોધી માહોલ હતો. અમેરિકાના પીઠબળથી ભૂતપૂર્વ રાજદ્વારી એડમંડો ગોન્જાલેઝ ઉર્રુતિયા મેદાનમાં ઉતરેલા.
મતદાનમાં ઉર્રુતિયાને વધારે મત મળ્યા હોવાથી એ જીતી ગયેલા એવો અમેરિકા તથા તેના સાથી દેશોનો દાવો છે પણ પરિણામ જાહેર થાય એ પહેલાં તો માદુરોની સરકારે ઉર્રુતિયા સામે જાત જાતના આરોપો મૂકીને ધરપકડ વોરંટ બહાર પાડી દીધું. ફફડી ગયેલા ઉર્રુતિયા ૭ સપ્ટેમ્બરે સ્પેન ભાગી ગયા પછી વેનેઝુએલાના જંગલમાં માદુરો એકલા શેર રહી ગયા.
અમેરિકા અને તેના સાથી દેશો ચૂંટણીમાં ગરબડ થઈ હોવાની કાગારોળ મચાવી રહ્યા હતા પણ તેને અવગણીને માદુરોને વિજેતા જાહેર કરી દેવાયા. રશિયા, ચીન, ઈરાન, ક્યુબા અને ઉત્તર કોરીયા એ પાંચ દેશોએ તાત્કાલિક માદુરોની જીતને સમર્થન આપી દીધું તેથી માદુરોની તાજપોશીનો માર્ગ મોકળો થઈ ગયો. અમેરિકા ખાસિયાણું પડીને મોં વકાસીને જોતું રહી ગયું.
અમેરિકામાં પણ એ પછી ચૂંટણી હતી તેથી માદુરો બાજુ પર મૂકાઈ ગયેલા પણ જેવા માદુરો ફરી ગાદી પર બેઠા કે તરત અમેરિકા પાછું બગડયું. અમેરિકાએ પહેલાં માદુરોની ધરપકડ માટે ૧.૫૦ કરોડ ડોલરનું ઈનામ જાહેર કરેલું એ વધારીને ૨.૫૦ કરોડ કરી નાંખ્યું.
ભારતમાં માદુરો બહુ જાણીતું નથી તેથી અમેરિકા માદુરોને હટાવવા આટલા બધાં નાણાં કેમ ઓફર કરી રહ્યું છે તેનું ઘણાંને આશ્ચર્ય થાય છે પણ તેમાં આશ્ચર્ય પામવા જેવું કશું નથી. અમેરિકા જે કંઈ કરે એ પોતાના ફાયદા માટે જ કરે છે. અમેરિકાના ફાયદા આડે જે કોઈ આવે તેનો કાંટો કાઢી નાંખવામાં અમેરિકા માને છે. માદુરોના માથે જંગી ઈનામ જાહેર કરવા પાછળનું કારણ પણ એ જ છે.
વેનેઝુએલા પર વરસો લગી સ્પેનનું સાસન હતાં પણ બોલિવરે ૧૯૩૦માં વેનેઝુએલાને આઝાદી અપાવીને સ્વતંત્ર દેશ બનાવ્યો. વેનેઝુએલામાં એ વખતથી જ અરાજકતા ને અંધાધૂંધી હતાં પણ અમેરિકા, સોવિયેત સંઘ, બ્રિટન, ફ્રાન્સ સહિતના મોટા દેશોને તેમાં રસ નહોતો કેમ કે સ્પેને વેનેઝુએલાને ચૂસીને ભૂખડીબારસ બનાવી દીધેલું. બીજા વિશ્વ યુધ્ધ પછી વેનેઝુએલામાં પેટ્રોલીયમના જંગી ભંડાર મળી આવ્યા પછી ચિત્ર બદલાઈ ગયું.
પેટ્રોલ એ વખતે દુનિયાને નચાવવા માટેનું હથિયાર હતું તેથી અમેરિકાએ પોતાના પીઠ્ઠુઓને વેનેઝુએલાની ગાદી પર બેસાડવા માંડયા. અમેરિકાની કંપનીઓને ક્રૂડ ઓઈલ કાઢવાના કોન્ટ્રાક્ટ મળતા ને તેમાંથી મોટા ભાગનું બારોબાર સગેવગે કરી દેવાતું. અમેરિકા સત્તામાં બેઠેલા લોકોને સાચવી લેતું તેથી આ ખેલ ચાલ્યા કરતો પણ ૧૯૯૯માં હ્યુગો શેવેઝ સત્તામાં આવતાં જ અમેરિકાનો ખેલ બગડી ગયો.
સામ્યવાદી વિચારધારા તરફ ઝુકાવ ધરાવતા શાવેઝે અમેરિકાની મોટી મોટી ઓઈલ કંપનીઓના કોન્ટ્રાક્ટ કેન્સલ કરીને કોન્ટ્રાક્ટ પ્રમાણે ચૂકવણી કરીને રવાના કરવા માંડી. સામે અમેરિકાએ વેનેઝુએલાને ભિડાવવા નિયંત્રણો લાદવા માંડયાં પણ શાવેઝે ના આપી. શાવેઝે વેનેઝુએલાના અર્થતંત્રને સધ્ધર કરવા માટે આવકના બીજા સ્ત્રોત ઉભા કર્યા.
વેનેઝુએલાને વિદેશમાંથી મળતી કુલ આવકના ૯૫ ટકા ક્રૂડ ઓઈલ નિકાસમાંથી મળતી. અમેરિકાનાં નિયંત્રણોના કારણે તેના પર અસર પડી એટલે શાવેઝે મકાઈ, જુવાર, શેરડી, કોફી, કેળાં જેવી ખેતપેદાશો આધારિત ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ વિકસાવીને જંગી રોજગારી ઉભી કરી. વેનેઝુએલામાં વિશાળ તેલભંડારો તેમજ કોલસા, લોખંડ, બોક્સાઇટ અને સોનાનો જથ્થો આવેલો છે. શાવેઝે ખેતપેદાશો, ખનીજો, બાંધકામનાં સાધનો, દવાઓ, પશુ ખાણદાણ, વિવિધ મશીનરીઓની નિકાસ કરીને અર્થતંત્રને જમાવ્યું. શાવેજે એક દાયકામાં તો અમેરિકાને વેનેઝુએલાને બહાર ફેંકી દીધું.
શાવેઝનું ૨૦૧૩માં અવસાન થયું ત્યાં સુધીમાં વેનેઝુએલા વિશ્વનાં સદ્ધર અર્થતંત્રોમાં એક હતું. શાવેઝના નિધન પછી ગાદી પર બેઠેલા નિકોલસ માદુરોએ શાવેઝની નીતિઓને અનુસરીને અમેરિકાને દૂર રાખ્યું તેથી માદુરો અમેરિકાના સૌથી મોટા દુશ્મન બની ગયા.
અમેરિકા માદુરોને હટાવવા માટે તેમના વિરોધીઓને ભરપૂર નાણાં આપે છે. સામે માદુરો લશ્કરની મદદથી તમામ વિરોધને કચડી નાંખે છે. આ કારણે અમેરિકા માદુરો પર અત્યાચાર, દમન, માનવાધિકાર ભંગ સહિતના આરોપો મૂક્યા કરે છે પણ માદુરો બધું એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાંખે છે.
અમેરિકા સીધી રીતે માદુરોને હટાવીને વેનેઝુએલાના જંગી ક્રૂડ ભંડાર પર કબજો કરી શકે તેમ નથી એટલે માદુરોનો ઘડોલાડવો કરી નાંખવા ઈનામ જાહેર કર્યું છે. અમેરિકાએ ૨૦૧૮માં ઈનામ જાહેર કરેલું પણ છ વર્ષથી માદુરો અડીખમ છે.
હવે અમેરિકાએ ઈનામ વધાર્યું છે ત્યારે જોઈએ શું થાય છે.
વેનેઝુએલામાં પેટ્રોલ માત્ર 50 પૈસે લિટર, અમેરિકાનો ડોળો ક્રૂડ-ગેસના ભંડારો પર
વેનેઝુએલા દુનિયામાં સૌથી ઓછી કિંમતે પેટ્રોલ વેચતો દેશ છે. વેનેઝુએલામાં પ્રીમિયમ ક્વોલિટીનું ૯૫ ઓક્ટેનનું એક ગેલન એટલે કે પોણા ચાર લિટર પેટ્રોલ માત્ર ૦.૦૨ અમેરિકન ડોલરમાં મળે છે. ૦.૦૨ ડોલરને ભારતીય રૂપિયામાં ફેરવો તો લગભગ પોણા બે રૂપિયા થાય. પોણા બે રૂપિયામાં એક ગેલન પેટ્રોલ મળે એટલે માત્ર ૫૦ પૈસૈ લિટર પેટ્રોલ થયું. કુવૈત સહિતના આરબ દેશોમાં પણ આટલું સસ્તું પેટ્રોલ નથી. ભારતમાં પાણી આ ભાવે મળતું નથી ત્યારે વેનેઝુએલામાં પાણીથી સસ્તું પેટ્રોલ છે. વેનેઝુએલા પાસે વિશ્વનો પાંચમા નંબરનો સૌથી મોટો ક્રૂડ ઓઈલ અને કુદરતી ગેસનો ભંડાર છે. ફાજા તરીકે ઓળખાતા ઓરિનોકો હેવી ઓઈલ બેલ્ટમાં તો ગમે ત્યાં ખાડો ખોદો ને ક્રૂડ ઓઈલ નિકળે છે. આ આખો વિસ્તાર ફ્રી ગેસોલિન એરીયા તરીકે ઓળખાય છે.
વેનેઝુએલાની વસતી માત્ર સવા ૩ કરોડની છે તેથી સાત નહીં પણ સાતસો પેઢીઓ સુધી વાપરતાં પણ ના ખૂટે એટલા ક્રૂડ અને ગેસના ભંડાર ભર્યા છે. અમેરિકામાં નિયંત્રણોના કારણે બહારના દેશોને વેનેઝુએલા ક્રૂડ વેચી શકતું નથી તેથી પોતાના નાગરિકોને સાવ મફતના ભાવે પેટ્રોલ આપે છે.
અમેરિકાનો ડોળો આ ગેસ અને ક્રૂડના ભંડારો પર છે. અમેરિકા પોતાનો સ્વાર્થ છોડે તો આખી દુનિયાને ફાયદો થાય અને વેનેઝુએલા પણ સમૃધ્ધ થાય પણ અમેરિકાને પોતાના સ્વાર્થ સિવાય કંઈ દેખાતું નથી.
વેનેઝુએલા કમનિય કાયા ધરાવતી વિશ્વસુંદરીઓ અને અદભૂત બીચનો દેશ
વેનેઝુએલા માદક સૌંદર્ય અને કમનિય કાયા ધરાવતી વિશ્વ સુંદરીઓના દેશ તરીકે જાણીતો છે. વેનેઝુએલાએ અત્યાર સુધીમાં જેટલી વિશ્વ સુંદરીઓ આપી છે તેટલી વિશ્વ સુંદરી બીજા કોઈ દેશે નથી આપી. ૭ મિસ યુનિવર્સ, ૬ મિસ વર્લ્ડ, ૯ મિસ ઈન્ટરનેશનલ અને બે મિસ અર્થ મળીને વેનેઝુએલાની સુંદરીઓએ કુલ ૨૪ ટાઈટલ જીત્યાં છે. વેનેઝુએલા પોતાની સુંદરીઓ જેટલો જ જાણીતો તેના ખૂબસૂરત બીચના કારણે છે.
વેનેઝુએલા ઉષ્ણકટિબંધીય પ્રદેશ હોવાથી ત્યાંનું વાતાવરણ ભારતને મળતું આવે છે. વેનેઝુએલાની પૂર્વમાં ગુયાના, દક્ષિણમાં બ્રાઝિલ તેમજ પશ્ચિમમાં કોલંબિયા છે. ઉત્તર પૂર્વ દિશામાં આટલાંટિક મહાસાગર આવેલો છે ને તેમાં વેસ્ટ ઈન્ડિયન ટાપું છે.
બાર્સેલોના, કારબોલો, મરાકૈબો, વેલેન્સિયા, ટર્મેરો, મતુરીન વગેરે વેનેઝુએલાનાં મોટાં શહેરો છે.
દક્ષિણમાં એમેઝોનિયન જંગલ તથા ઉત્તર ભાગમાં દરિયાકાંઠે પથરાયેલા ગાલીચા જેવા મનમોહક બીચ છે. વેનેઝુએલાની શોધ અમેરિકાના શોધક કોલંબસે કરેલી. કોલંબસ ૧૪૯૮માં વેનેઝુએલા આવ્યો પછી બીજા વર્ષે કોલંબસે ચીંધેલા માર્ગ પર અલોન્સા ડી ઓજેદા અને અમેરિગો વેસ્યુકીઓ હોડીમાં બેસીને ઊતર્યા. તેઓ તળાવ પર ઘર બાંધીને રહેતા લોકોનું દ્રશ્ય નિહાળીને અભિભૂત થઈ ગયા ને સરોવર કાંઠે વસેલા ઈટાલીના વેનિસ શહેરની યાદ આવતાં વેનિસ પરથી વેનેઝુએલા નામ પાડયું.