રશિયામાં ઘટતી વસતીથી કંટાળીને પુતિને લીધો સેક્સ મંત્રાલય રચવાનો નિર્ણય, જુઓ શું કામ કરશે
Russia Amid Drooping Birth Rate : રશિયામાં ઘટી રહેલી વસ્તીથી ચિંતિત રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને બે મહિના પહેલાં રશિયનોને લંચ અને કોફી બ્રેક દરમિયાન ઓફિસમાં સેક્સ માણીને વધારે બાળકો પેદા કરવાની સલાહ આપીને ચકચાર જગાવી હતી. હવે અહેવાલ છે કે, રશિયા દેશના ઘટી રહેલા જન્મ દરને પહોંચી વળવા માટે 'સેક્સ મિનિસ્ટ્રી'ની સ્થાપના કરવાનું છે.
વ્લાદિમીર પુતિનની એકદમ નજીક મનાતાં નીના ઓસ્ટાનિનાને 'સેક્સ મિનિસ્ટ્રી'ની સ્થાપનાનું કામ સોંપાયું છે. પુતિને થોડા સમય પહેલાં રશિયન સરકારના તમામ ટોચના અધિકારીઓને રશિયામાં વસતી વધારવા શું કરવું એ માટે સૂચનો મોકલવા કહેલું. પુતિનને સેંકડો સૂચનો મળ્યાં છે. આ બધા સૂચનો નીનાને મોકલી દેવાયાં છે.
પુતિનનાં વફાદાર 68 વર્ષનાં નીના હાલમાં રશિયાની સરકારનાંમાં ફેમિલિ સિક્યુરિટી, પેટર્નિટી, મેટર્નિટી અને ચાઈલ્ડહૂડ કમિટીનાં ચેરમેન છે. નીના આ સૂચનોમાંથી ક્યાં સૂચનોનો તાત્કાલિક અમલ કરવો તેનો નિર્ણય લઈને 'સેક્સ મિનિસ્ટ્રી'ની કામગીરી નક્કી કરશે.
પુતિન 'સેક્સ મિનિસ્ટ્રી' માટે માગે એ બજેટ અને જોઈએ એટલો સ્ટાફ આપવા તૈયાર છે એ જોતાં બહુ જલદી રશિયા દુનિયામાં 'સેક્સ મિનિસ્ટ્રી' ધરાવનારો દેશ બની જશે એવું લાગે છે.
'સેક્સ મિનિસ્ટ્રી' પ્રારંભિક તબક્કે પુતિનને મળેલાં કેટલાંક અત્યંત રસપ્રદ સૂચનોનો અમલ કરાવશે. આ પૈકી સૌથી મહત્ત્વનું સૂચન આખા રશિયામાં કોન્ડોમ સહિતનાં ગર્ભનિરોધકોના વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવાનું છે. આ સૂચનનો સંપૂર્ણપણે અમલ શક્ય નથી કેમ કે તેના કારણે એઈડ્ઝ સહિતના ખતરનાક રોગ ફેલાવાનો ખતરો છે પણ તાજા પરણેલા યુવા કપલ્સને એચઆઈવી સહિતના ટેસ્ટ કરાવ્યા પછી કોન્ડોમ કે બીજાં ગર્ભનિરોધકો ના વેચાય એ દરખાસ્ત અમલી બનાવાશે એવું કહેવાય છે.
બીજું મહત્ત્વનું સૂચન રાત્રે 4 કલાક માટે એટલે કે 10 વાગ્યાથી 2 વાગ્યાની વચ્ચે ઈન્ટરનેટ-અને લાઈટો બંધ કરી દેવાનું છે. ઈન્ટરનેટ અને લાઈટ્સ બંધ હોય તો મોબાઈલ, ટીવી વગેરે તમામ પ્રકારનાં ઉપકરણો બંધ થઈ જશે તેથી યુવા કપલ્સ સેક્સમાં વધારે રસ લેતાં થશે તેથી જન્મદર વધશે એવું કહેવાય છે. આ સિવાય સરકાર નોકરી નહીં કરતી યુવતીઓને અને ઘરે રહીને ઘરકામ કરતી માતાઓને દર મહિને ચોક્કસ રકમ આપે એવું પણ સૂચન છે. સરકાર નવપરણિત દંપતિઓનાં લગ્ન તથા એક મહિનાના હનીમૂન માટે 26,300 રૂબલ્સ આપે એવી પણ દરખાસ્ત છે. આ સિવાય 18 વર્ષથી 23 વર્ષનાં સ્ટુડન્ટ કપલ્સ આઈ કાર્ડ બતાવીને હોટલના રૂમમાં જાય ને સેક્સ માણે તેના માટે કોઈ ચૂકવણી ના કરવી પડે એવું પણ સૂચન છે.
ભારત જેવા વસતી વધારાથી પિડાતા દેશના લોકોને આ સૂચનો વિચિત્ર લાગે પણ રશિયામાં ઘટી રહેલી વસતીની સમસ્યાને કારણે પુતિન આ બધા સૂચનોનો અમલ કરવા તૈયાર હોવાનું કહેવાય છે. રશિયામાં ઘટી રહેલી વસ્તીની સમસ્યા લાંબા સમયથી હતી પણ યુક્રેન યુધ્ધના કારણે આ સમસ્યા વિકરાળ બનીને બહાર આવી છે તેથી પુતિન ઘાંઘા થઈને જે કરવું પડે એ બધું કરવા તૈયાર છે.
રશિયામાં પુતિને યંગ કપલ્સને વધારે બાળકો પેદા કરવાનું પ્રોત્સાહન મળે એ માટે બીજાં પણ પગલાં લીધાં છે પણ તેનાં ધાર્યા પરિણામ નથી મળ્યાં. અત્યારે રશિયામાં 18થી 40 વર્ષની મહિલાઓના મેડિકલ ટેસ્ટ કરીને તેમની ફર્ટિલિટીનું મૂલ્યાંકન કરાય જ છે.
જે યુવતીમાં વધારે બાળકો પેદા કરવાની ક્ષમતા હોય તેને સરકારી નોકરી અપાય છે અને વહેલાં લગ્ન કરીને ઝડપથી બાળકો પેદા કરવાનું કહેવાય છે. 24 વર્ષ પહેલાં પ્રેગનન્ટ થનારી યુવતીને દોઢ વર્ષ સુધીની મેટરનિટી લીવ અપાય છે.
રશિયાના ચેલ્યાબિન્સ્કમાં જન્મ દર વધારવા માટે 24 વર્ષથી નાની યુવતીઓને પ્રથમ બાળકના જન્મ પર 1.02 લાખ રુબેલ્સ એટલે કે લગભગ 9.40 લાખ રૂપિયા ચૂકવાય છે. રશિયામાં ગર્ભપાત પર સંપૂર્ણ પ્રતિબંધ છે અને છૂટાછેડાની ફીમાં તોતિંગ વધારો કરી દેવામાં આવ્યો છે. ધાર્મિક નેતાઓને પણ જન્મ દર વધારવાના પ્રચારમાં ધંધે લગાડી દેવાયા છે.
ધાર્મિક નેતાઓ દરેક પ્રવચનમાં એક વાત અચૂક કરે છે કે, સ્ત્રીની પ્રથમ જવાબદારી બાળકોનો જન્મ અને ઉછેર છે. મહિલાઓ બાળકો પેદા કરવાનાં મશીન હોય એ રીતનો માહોલ ઉભો કરાઈ રહ્યો છે.
આ બધા પ્રયત્નો છતાં નવજાત બાળકોના જન્મનું પ્રમાણ સતત ઘટતું જ જાય છે. રશિયાએ સતાવાર રીતે કરેલી જાહેરાત પ્રમાણે, 2024ના પહેલા છ મહિના એટલે કે જાન્યુઆરીથી જૂન દરમિયાન કુલ 5,99,600 બાળકોનો જન્મ થયો છે. 2023ના પહેલા 6 મહિનામાં 6.16 લાખ બાળકો જન્મેલાં તેથી આ વરસે 16 હજાર ઓછાં બાળકો જન્મ્યાં છે. રશિયામાં 25 વર્ષમાં સૌથી ઓછો જન્મ દર નોંધાયો છે અને પહેલી વાર નવજાત બાળકોનાં જન્મનો આંકડો એક લાખથી નીચે ગયો છે. યુક્રેન સાથેના યુદ્ધને કારણે રશિયાની વસ્તીમાં ઘટાડો થયો છે. યુદ્ધ દરમિયાન લગભગ 10 લાખ લોકો રશિયામાંથી ભાગી ગયા છે કે જેમાંથી મોટાભાગના યુવક-યુવતીઓ છે.
આ બધાં કારણોસર રશિયનો ઘટી રહ્યા છે. આ સિલસિલો રોકવા પુતિન આખું નવું સેક્સ મંત્રાલય જ બનાવી દેવા માગે છે. પુતિનના આ પ્રયત્નો કેટલા ફળે છે એ જોઈએ.
- રશિયન મહિલાઓનો ફર્ટિલિટી રેટ માત્ર 1.5, પૃથ્વી પર 200 વર્ષ પછી રશિયનો જ નહીં રહે
રશિયામાં મહિલાઓની ફળદ્રુપતા એટલે ફર્ટિલિટી રેટ ઘટીને 1.5 પર આવી ગયો છે તેથી નવજાત બાળકો ઓછાં જન્મી રહ્યાં છે.
કોઈ પણ દેશની વસતી ભલે વધે નહીં પણ છે એટલી રહે એ માટે પણ ફર્ટિલિટી રેટ 2.1 હોવો જોઈએ. મતલબ કે, દરેક દંપતિને ઓછામાં ઓછાં બે બાળક તો થવાં જ જોઈએ પણ રશિયામાં દોઢ બાળક જન્મે છે. તેના કારણે ધીરે ધીરે વસતી ઘટી રહી છે.
બાળકો પેદા થવાનું પ્રમાણ ઘટી જાય તો ધીરે ધીરે રશિયન પ્રજાતિનું નામોનિશાન દુનિયાના નકશા પરથી ભૂંસાઈ જાય એવો ખતરો છે. અત્યારે રશિયાની વસતી 14.40 કરોડ છે પણ હાલનો ફર્ટિલિટી રેટ જળવાય તો પણ 2050 સુધીમાં ઘટીને 13 કરોડ પર આવી જાય અને 2100 સુધીમાં 9 કરોડ પર આવી જાય. બીજાં 100 વર્ષમાં 3 કરોડ રશિયાનો રહી જાય ને 200 વર્ષ પછી તો રડયાખડયા રશિયનો જ પૃથ્વી પર મળે એવી સ્થિતી થઈ જાય.
પુતિન જેવા રશિયન હોવાનો ગર્વ ધરાવતા શાસકને આ વાત પચે એવી નથી. આ કારણે પુતિન બાબાએ લોકોને તક મળે ત્યારે સેક્સ માણીને વધારે ને વધારો બાળકો પેદા કરવા કહેવું પડયું હતું.
રશિયાના આરોગ્ય પ્રધાન ડૉ. યેવજેની શેસ્ટોપાલોવે પણ કહેલું કે, બાળકો પેદા કરવામાં કામ અડચણરૂપ ન બનવું જોઈએ. કામમાં ખૂબ વ્યસ્ત રહેવાથી સેક્સ નથી માણી શકાતું એ યોગ્ય કારણ નથી, બલ્કે એક વાહિયાત બહાનું છે. લંચ કે કોફી બ્રેક પણ સેક્સ માણી શકાય છે અને બાળકો પેદા કરી શકાય છે.
- વિદ્યાર્થીનીઓને બાળકો પેદા કરવા આર્થિક સહાય, મહિલા કર્મચારીઓને ફરજ પડાય છે
રશિયામાં ઘટી રહેલો જન્મ દર એટલી મોટી ચિંતાનો વિષય છે કે, કોલેજોમાં ભણી રહેલી વિદ્યાર્થીનીઓને પણ લગ્ન પહેલાં સેક્સ માણીને પ્રેગનન્ટ થવા અને બાળકો પેદા કરવા પ્રોત્સાહિત કરાય છે.
ખાબોરોવ્સ્ક પ્રાંતમાં કોલેજ અને યુનિવર્સિટીઓમાં ભણી રહેલી 18 વર્ષથી 23 વર્ષની વિદ્યાર્થીની પ્રેગનન્ટ થાય અને બાળક જન્મે તો તેને લગભગ 1 લાખ રૂપિયા અપાય છે અને બાળક પુખ્ત વયનું થાય ત્યાં સુધીની જવાબદારી સરકાર ઉઠાવે છે. ચેલ્યાબિન્સ્કમાં દરેક મહિલાને પ્રથમ જન્મેલા બાળક માટે લગભગ 10 લાખ રૂપિયા અપાય છે.
રશિયામાં સત્તાવાર રીતે કોન્ડોમ પર પ્રતિબંધ નથી પણ પોલીસે કેમિસ્ટ્સને સૂચના આપી રાખી છે કે, યુવાનોને કોન્ડોમ આપવાં નહીં, યુવાનોને કોન્ડોમ વિના જ સેક્સ માણવા કહેવાય છે કે જેથી તેમની પાર્ટનર યુવતીઓ પ્રેગનન્ટ બનીને બાળકોને જન્મ આપી શકે.
સરકારી ઓફિસોમાં મહિલાઓની સેક્સ લાઈફ વિશે સવાલો
રશિયાની સરકારી ઓફિસોમાં કામ કરતી મહિલાઓની સેક્સ લાઈફ વિશે પણ તપાસ કરાય છે. તમામ મહિલા કર્મચારીઓને એક પ્રશ્નાવલિ મોકલાય છે. તેમાં સેક્સ લાઈફ ક્યારે શરૂ કરી, કેટલાં બાળકો છે, કેટલી વાર પ્રેગનન્ટ થયાં, અઠવાડિયામાં કેટલી વાર સેક્સ માણો છો, સેક્સ વખતે કોન્ડોમ કે બીજાં ગર્ભનિરોધકોનો ઉપયોગ કરો છો? વગેરે સવાલો પૂછાય છે. મહિલા કર્મચારી ઓફિસમાં જવાબ ના આપવા માગે તો ડોક્ટર પાસે મોકલાય છે ને ફરજિયાત જવાબ આપવા પડે છે. આ જવાબોના આધારે બાળકો પેદા કરી શકે એવી મહિલા કર્મચારીઓને પરાણે પ્રેગનન્ટ થવાની ફરજ પડાય છે.