ટ્રમ્પને વિલન માનતા કાર્નીના કારણે કેનેડા-અમેરિકા જંગ ઉગ્ર બનશે
- કેનેડાનું અર્થતંત્ર નિકાસલક્ષી છે પણ વધારે પડતું અમેરિકા પર નિર્ભર છે, વિકાસશીલ દેશો સાથે આર્થિક સંબંધો ગાઢ બનાવવાની તરફેણ કરતા રહ્યા છે
- ટ્રમ્પને હેરી પોટર સીરિઝના મુખ્ય વિલન લોર્ડ વોલ્ડમોર્ટ સાથે સરખાવનારા માર્ક અમેરિકા સામે શરણાગતિ સ્વીકારવાના બદલે અમેરિકા સામે લડી લેવાનો મત ધરાવે છે. કાર્ની માને છે કે, આર્થિક રીતે કેનેડા અમેરિકા પર નિર્ભર નથી પણ અમેરિકા કેનેડા ર્પર નિર્ભર છે તેથી અમેરિકા કેનેડાના માલ પર જેટલો ટેરિફ લાદે એટલો જ ટેરિફ કેનેડાએ અમેરિકાના માલ પર લાદવો જોઈએ. લિબરલ પાર્ટીના કાર્યકરોને કાર્નીનો મર્દાના મિજાજ પસંદ આવ્યો તેથી વડાપ્રધાનપદનો કળશ ઢોળી દીધો છે. માર્ક ક્રેની અમેરિકા સામે લડવાની વાતો કરે છે ત્યારે ખાલી થૂંક નથી ઉડાડતા પણ કાર્ની પાસે અમેરિકા સામે લડવાની વ્યૂહરચના પહેલેથી તૈયાર છે. કેનેડાનું અર્થતંત્ર નિકાસલક્ષી છે પણ વધારે પડતું અમેરિકા પર નિર્ભર છે. કાર્ની પહેલેથી અમેરિકા પરની નિર્ભરતા ઘટાડીને દુનિયાના બીજા દેશો સાથે અને ખાસ તો વિકાસશીલ દેશો સાથે આર્થિક સંબંધો ગાઢ બનાવવાની તરફેણ કરતા રહ્યા છે.
જસ્ટિન ટ્રુડોના સ્થાને કેનેડાના નવા વડાપ્રધાન કોણ બનશે એ સસ્પેન્સનો અંત આવી ગયો. ટ્રુડોની લિબરલ પાર્ટી ઓફ કેનેડાએ માર્ક કાર્નીને નવા નેતા તરીકે ચૂંટતાં હવે કાર્ની ટ્રુડોના સ્થાને વડાપ્રધાન બનશે. કાર્નીને નેતાપદે ચૂંટીને લિબરલ પાર્ર્ટીએ અમેરિકા સામે જંગની જસ્ટિન ટ્રુડોની નીતિને ખુલ્લેઆમ સમર્થન આપ્યું છે, અમેરિકાની દાદાગીરી સામે ઝૂકવાના બદલે લડી લેવા માટે લીલી ઝંડી આપી દીધી છે. કેનેડાના મામલે હવે ટ્રમ્પ નમતું નહીં જોખે તો જોરદાર જંગ જામશે એ નક્કી છે.
લિબરલ પાર્ટીનાં નેતા બનવા માટે ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન ક્રિસ્ટિયા ફ્રીલેન્ડ અને માર્ક કાર્ની વચ્ચે સ્પર્ધા હતી. માર્ક ક્રેની વિશ્વવિખ્યાત અર્થશાસ્ત્રી છે અને યુરોપના દેશો સાથે ગાઢ સંબંધો ધરાવે છે. કાર્ની ૨૦૧૩માં બેંક એફ ઈંગ્લેન્ડના ગવર્નર બન્યા ત્યારે ઈતિહાસ રચેલો. કાર્ની બ્રિટનમાં નહીં જન્મ્યા હોવા છતાં બેંક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર બનનારી એક માત્ર વ્યક્તિ છે. ક્રિસ્ટિયા કેનેડાનાં નાણાં મંત્રી રહી ચૂક્યાં છે અને પીઢ રાજકારણી છે. બંને જસ્ટિન ટ્રુડોની અત્યંત નજીક છે પણ બંનેના વિચારોમાં આસમાન જમીનનું અંતર છે.
ક્રિસ્ટિયા ફ્રીલેન્ડ ટ્રુડોની નજીક હોવા છતાં અમેરિકા સાથે શિંગડાં ભેરવવાના બદલે સમાધાનકારી વલણ અપનાવવાની વાતો કરતાં હતાં જ્યારે માર્ક કાર્નીની ઈમેજ પહેલેથી જ ડોનાલ્ડ ટ્રમ્પના વિરોધીની છે. ટ્રમ્પને હેરી પોટર સીરિઝના મુખ્ય વિલન લોર્ડ વોલ્ડમોર્ટ સાથે સરખાવનારા માર્ક અમેરિકા સામે શરણાગતિ સ્વીકારવાના બદલે અમેરિકા સામે લડી લેવાનો મત ધરાવે છે. કાર્ની માને છે કે, આર્થિક રીતે કેનેડા અમેરિકા પર નિર્ભર નથી પણ અમેરિકા કેનેડા પરહ નિર્ભર છે તેથી અમેરિકા કેનેડાના માલ પર જેટલો ટેરિફ લાદે એટલો જ ટેરિફ કેનેડાએ અમેરિકાના માલ પર લાદવો જોઈએ. ચૂંટણી પ્રચાર દરમિયાન કાર્ની આ વાત પર સતત ભાર મૂકતા હતા.
લિબરલ પાર્ટીના કાર્યકરોને કાર્નીનો મર્દાના મિજાજ પસંદ આવ્યો તેથી તેમના પર વડાપ્રધાનપદનો કળશ ઢોળી દીધો છે. કાર્નીએ પણ નેતાપદે ચૂંટાયા પછી હુંકાર કર્યો છે કે, અમેરિકા કેનેડા નથી અને કેનેડા ક્યારેય, કોઈપણ સ્વરૂપમાં અમેરિકાનો ભાગ બનશે નહીં. કાર્નેએ અમેરિકા સામે લડવા માટે પોતે તૈયાર હોવાનો સંકેત આપતાં એમ પણ કહ્યું કે, કેનેડિયનોએ આ લડાઈ છેડી નથી પણ અમેરિકાએ કેનેડાને મજબૂર કર્યું પછી અમે લડી લેવા માટે તૈયાર છીએ.
માર્ક ક્રેની અમેરિકા સામે લડવાની વાતો કરે છે ત્યારે ખાલી થૂંક નથી ઉડાડતા પણ કાર્ની પાસે અમેરિકા સામે લડવાની વ્યૂહરચના પહેલેથી તૈયાર છે. કેનેડાનું અર્થતંત્ર નિકાસલક્ષી છે પણ વધારે પડતું અમેરિકા પર નિર્ભર છે. કાર્ની પહેલેથી અમેરિકા પરની નિર્ભરતા ઘટાડીને દુનિયાના બીજા દેશો સાથે અને ખાસ તો વિકાસશીલ દેશો સાથે આર્થિક સંબંધો ગાઢ બનાવવાની તરફેણ કરતા રહ્યા છે.
કેનેડા પાસે જંગી પ્રમાણમાં પેટ્રોલીયમના ભંડારો છે. આ સિવાય ઝિંક, યુરેનિયમ, ગોલ્ડ, નિકલ, પ્લેટિનોઈડ્સ. એલ્યુમિનિયમ, સ્ટીલ, આયર્ન ઓરસ કોકિંગ કોલ, લીડ, કોપર, મોલીબ્ડેનમ, કોબાલ્ટ, કેડિયમના પણ ભંડાર છે. કેનેડા અત્યારે આ બધી ખનિજોની નિકાસ કરે છે પણ મોટા ભાગની ખનિજ અમેરિકાને આપે છે. આ ખનિજો એવી છે કે દુનિયાનો કોઈ પણ દેશ લેવા માટે તૈયાર થઈ જાય.
કેનેડા કૃષિ ઉત્પાદનમાં પણ વિશ્વમાં ટોચના દેશોમાં સ્થાન પામે છે. કેનેડા વીજળી તો એટલા જંગી પ્રમાણમાં ઉત્પન્ન કરે છે કે, અમેરિકા તેના પર નિર્ભર છે ટ્રમ્પે કેનેડાના બીજા માલ પર ૨૫ ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી પણ એનર્જી પર ૧૦ ટકા ટેરિફ જ લાદ્યો છે. તેના પરથી જ ખબર પડે કે, એનર્જી સપ્લાય માટે અમેરિકા કેનેડા પર નિર્ભર છે. કેનેડા પાસે તોતિંગ ફિશિંગ ઈન્ડસ્ટ્રી પણ છે અને ઓટો પાર્ટ્સના ઉત્પાદનમાં પણ કેનેડા આગળ પડતું છે. કાર્ની આ તાકાતનો ઉપયોગ કેનેડાને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા માટે કરવા માગે છે.
કાર્ની કેનેડાના વડાપ્રધાનપદે એવા સમયે આવ્યા છે કે જ્યારે કેનેડા ડોનાલ્ડ ટ્રમ્પની આર્થિક મુદ્દે દાદાગીરીનો ઉકેલ લાવવા ઝઝૂમી રહ્યું છે. કાર્નીને આ પ્રકારની સ્થિતીનો પણ અનુભવ છે. કાર્ની બેંક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર બન્યા ત્યારે યુકેમાં યુરોપીયન યુનિયનથી અલગ થવાની માગ જોરશોરથી ચાલી રહી હતી. યુકે યુરોપીયન યુનિયનથી અલગ થાય તો તેના અર્થતંત્રને મોટો ફટકો પડશે એવી ચેતવણીઓ અપાતી હતી પણ કાર્નીએ એવી બ્લુપ્રિન્ટ આપેલી કે, યુકે યુરોપીયન યુનિયનથી અલગ થાય તો પણ આર્થિક રીતે કોઈ નુકસાન ના થાય. ૨૦૨૦માં કાર્નીનો કાર્યકાળ પૂરો થવાનો હતો ત્યારે કોરોનાનું મહાસંકટ આવેલું. કાર્નીએ ત્યારે વ્યાજ દરમાં અડધા ટકાનો ઘટાડો કરીને બેંકોની રોકડ અર્થતંત્રમાં ફરતી કરીને યુકેને મંદીથી બચાવી લીધેલું. આ કારણે યુકે અને યુરોપના દેશો પણ કાર્નીને માની ગયયેલા.
કેનેડાને અત્યારે આવા જ આર્થિક બાબતોના જાણકારની જરૂર છે ને ત્યારે જ કાર્નીની એન્ટ્રી થઈ છે. કાર્ની યુકે, યુરોપીયન યુનિયન અને ભારત સહિતના દેશો સાથે આર્થિક સહકારની ધરી રચીને માત્ર કેનેડાને જ નહીં પણ દુનિયાને પણ નવી દિશા આપશે એવી આશા છે. કેનેડામાં ૮ મહિના પછી ચૂંટણી છે પણ ટ્રુડોની નીતિના કારણે લિબરલ પાર્ટીએ સત્તાના નામનું નાહી નાંખેલું. માર્ક કાર્ની મર્દાના મિજાજ દ્વારા અમેરિકાને જડબાતોડ જવાબ આપવામાં સફળ થશે તો કેનેડાના મતદારો લિબરલ પાર્ટીને ફરી સત્તા પણ આપી દેશે.
કેનેડામાં કાર્યકરો નેતાને ચૂંટે છેઃ કાર્ની સામે બે મહિલા, એક બિઝનેસમેન રેસમાં હતા
કેનેડામાં કોઈ પણ પાર્ટીના નેતાની પસંદગી પાર્ટીના કાર્યકરો કરે છે. પાર્ટીના નોંધાયેલા સભ્યો મતદાન કરીને પાર્ટીના નેતાની ચૂંટણી કરે છે. સામાન્ય રીતે સામાન્ય ચૂંટણી પહેલાં આ પ્રક્રિયા થાય છે તેથી ક્યા પક્ષના વડાપ્રધાનપદના ઉમેદવાર કોણ છે એ પહેલાં જ નક્કી થઈ જાય છે. જસ્ટિન ટ્રુડોએ વચ્ચેથી રાજીનામું આપ્યું હોવાથી નવા નેતા ચૂંટવા લિબરલ પાર્ટીએ સ્પેશિયલ સેશન બોલાવ્યું હતું. આ સ્પેશિયલ સેશનમાં મતદાન કરવા માટે લગભગ ૪ લાખ કાર્યકરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું પણ દોઢ લાખ જેટલા કાર્યકરોએ જ મતદાન કર્યું. આ મતદાનમાં માર્ક કાર્નીને ૮૫.૯ ટકા એટલે કે ૧,૩૧.૬૭૪ મત મળ્યા જ્યારે પ્રબળ દાવેદાર મનાતાં ક્રિસ્ટિયા ફ્રીલેન્ડને માત્ર ૧૧.૧૩૪ મત મળ્યા. કરીના ગૌલ્ડ ૪૭૮૫ અને ફ્રાન્ક બેલિસ ૪૦૫૮ મત મેળવીને બહુ પાછળ રહ્યાં.
ક્રિસ્ટિયા ફ્રીલેન્ડ ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન અને નાણાં મંત્રી છે. છોડા સમય પહેલાં જ તેમણે ટ્રુડો કેબિનેટમાંથી રાજીનામું આપેલું. ટ્રુડોનાં ખાસ મનાતાં ૫૬ વર્ષનાં ક્રિસ્ટિયા રાજીનામું આપ્યા પછી અમેરિકાની તરફેણમાં બોલવા લાગેલાં તેથી લિબરલ પાર્ટીના કાર્યકરોએ તેમને પસંદ કર્યા નથી.
કરીના ગૌલ્ડ માત્ર ૩૭ વર્ષનાં છે. કેનેડાના રાજકારણમાં નવી પેઢીને તક મળવી જોઈએ તેની તરફેણ કરતાં કરીના મંત્રી હતાં ત્યારે બાળકને જન્મ આપનાર અને મેટરનિટી લીવ લેનાર પહેલાં કેબિનેટ મંત્રી છે. જૂન ૨૦૧૮માં હાઉસ ઓફ કોમન્સમાં પ્રશ્નકાળ દરમિયાન પોતાના ત્રણ મહિનાના પુત્રને સ્તનપાન કરાવીને દુનિયાભરમાં જાણીતાં બનેલાં. બિઝનેસમેન ફ્રાન્ક બેલીસ ૨૦૧૫થી ૨૦૧૯ દરમિયાન સાંસદ હતા પણ હારી જતાં ફેંકાઈ ગયેલા. બેલીસ કમબેક કરવા મેદાનમાં ઉતરેલા. અમેરિકાના વિરોધી અને મુસ્લિમોના પણ વિરોધી બેલીસને લિબરલ કાર્યકરોએ નકારી કાઢયા છે.
કાર્ની ભારત સાથે ગાઢ સંબંધોની તરફેણમાં, ભારતમાં 30 અબજ ડોલરનું રોકાણ કરાવ્યું
જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાનવાદી મતબેંકની લાલચમાં ભારત સાથેના સંબંધો બગાડી નાંખ્યા પણ માર્ક કાર્ની ભારત સાથે ગાઢ સંબંધોના તરફદાર છે. કાર્નીએ ચૂંટણી પ્રચાર દરમિયાન જ કહેલું કે, સત્તામાં આવીશ તો ભારત સાથેના સંબંધો ફરી મજબૂત કરીશ. કાર્નીના કહેવા પ્રમાણે, કેનેડા હવે પોતાના વ્યાપારી સંબંધોમાં વિવિધતા લાવવા માગે છે અને પોતાના જેવી માનસિકતા ધરાવતા દેશો સાથે પોતાના વ્યાપારી સંબંધો મજબૂત કરવા માગે છે. ભારત સાથેના સંબંધો ફરી મજબૂત કરવાની પુષ્કળ તકો છે. અમેરિકા ભારતને પોતાના માલ પર ટેરિફ ઓછો કરવા માટે દબાણ કર્યા કરે છે એ સંદર્ભમાં કાર્નીએ આ વાત કરી હતી.
કાર્ની ભારતના અર્થતંત્રને સારી રીતે સમજે છે. ભારતમાં રીયલ એસ્ટેટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રીન્યુએલ એનર્જી, પ્રાઈવેટ ઈક્વિટી વગેરે ક્ષેત્રોમાં લગભગ ૩૦ અબજ ડોલરનું રોકાણ ધરાવતી બુ્રક્સફિલ્ડ એસેટ મેનેજમેન્ટમાં કાર્ની કામ કરી ચૂક્યા છે. બુ્રક્સફિલ્ડને ભારતમાં મોટા ભાગનું રોકાણ કાર્નીએ કરાવેલું તેથી ભારતમાં કમાણીની કેવી તકો છે તેનો તેમને પાકો અનુભવ છે અને કેનેડા-ભારતના સંબંધો મજબૂત થાય તો કેનેડાને ભારે ફાયદો થશે તેની તેમને જાણ છે.
માર્ક જાણીતાં અર્થશાસ્ત્રી ડાયના ફોક્સને પરણ્યા છે. યુનિવર્સિટી ઓફ ઓફ્સફર્ડમાં ભણતાં ભણતાં માર્ક ડાયનાના પ્રેમમાં પડેલા અને પરણી ગયા. બંનેને ચાર સંતાન છે. ડાયના પર્યાવરણ અને સામાજિક ન્યાયના ક્ષેત્રમાં કામ કરે છે. ડાયના ભારત સહિતના વિકાસશીલ દેશોના અર્થતંત્રનાં નિષ્ણાત છે તેનો લાભ પણ ભારતને મળશે.