અમેરિકાને જંગલોમાં લાગતી આગથી વરસે 77 લાખ કરોડનું તોતિંગ નુકસાન
- 110 કિ.મી.ની ઝડપે ફૂંકાયેલો પવન ખલનાયક બન્યો અને આગની લપેટ વિનાશક બની ગઈ અને ધનિકોની ઊંઘ હરામ કરી નાંખી
- આગ લાગવામાં કારણો બહુ સામાન્ય હોય છે. યુવાનો મજા કરવા જંગલમાં ગયા હોય ને કેમ્પફાયર કર્યા પછી સરખી રીતે આગને ના બુઝાવી હોય કે સિગારેટ પૂરી બુઝાવ્યા વિના ફેંકી દીધી હોય તેના તણખાથી સૂકાં પાંદડોમાં આગ પકડાઈ જતી હોય છે. ઘણા કિસ્સામાં જંગલની પાસેના વિસ્તારોમાં કચરો બાળવામાં આવે તેના તણખા પણ આગ ફેલાવવા માટે કારણભૂત બને છે. ક્લાઈમેટ ચેન્જ પણ મોટું કારણ છે. ક્લાઈમેટ ચેન્જના કારણે ગરમી વધી અને વાતાવરણમાંથી ભેજ ઘટયો તેના કારણે પણ આગ ઝડપથી પકડાય છે. કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધ્યું તેના કારણે બરફ પડવાનું પ્રમાણ ઘટયું તેના કારણે પણ આગ વધારે લાગે છે.
અમેરિકાના સૌથી ધનિક શહેર મનાતા લોસ એન્જલસની આગે આખી દુનિયાને ચોંકાવી દીધી છે. મંગળવારે શરૂ થયેલી આગ ત્રણ દિવસ પછી પણ બુઝાઈ નથી. આગને કાબૂમાં લેવા માટે ૧૫૦૦ હજારથી વધારે ફાયર ફાઈટર્સ કામે લાગ્યાં છે. લોસ એન્જલસને આગે ત્રણ તરફથી ભરડો લીધો છે. લોસ એન્જલસની આસપાસ આવેલા પેલીસ્લેડ. ઈટન અને હર્સ્ટ એમ ત્રણ તરફથી આવેલી આગના કારણે હાલત વધારે બગડી ગઈ છે. લોસ એન્જલસની પાસે આવેલા પેસિફિક પેલિસ્લેડ્સને સૌથી વધારે અસર થઈ છે. ધનિક લોકોનો આખો વિસ્તાર બળીને રાખ થઈ ગયો છે.
કેલિફોર્નિયાનાં જંગલોમાં લાગેલી આગ વિશે સરકારને તો પહેલેથી ખબર હતી તેથી જંગલમાં જ આગને કાબૂમાં લેવા માટેના પ્રયત્નો શરૂ કરી દેવાયેલા પણ દરિયાકિનારેથી ૧૧૦ કિલોમીટરની ઝડપે ફૂંકાતા સાન્ટા એન્ના વિન્ડ્સે પથારી પેરવી નાંખી. આ પવનોના કારણે આગ બહુ ઝડપથી આગળ વધીને નવા નવા વિસ્તારોને લપેટમાં લેતી ગઈ.
આગને બુઝાવવા માટે ફાયર બ્રિગેડનાં હેલિકોપ્ટર્સ ઉપરાંત આર્મીનાં પ્લેનને પણ કામે લગાડાયાં પણ આગ ફેલાવાની ઝડપ સામે બધું નકામું થઈ ગયું છે. ગુરૂવારથી પવન ધીમો પડયો એટલે આગળ ફેલાવાનું પ્રમાણ ધીમું પડયું પણ એ પહેલાં જ જંગી નુકસાન થઈ ગયું છે.
આ વિનાશક આગમાં અત્યાર સુધીમાં ૧૦ લોકોનાં મોત થયાં છે ને ૧૦ હજારથી વધારે મકાનો બળીને રાખ થઈ ગયાં છે. લોસ એન્જલસમાં અંગ્રેજી ફિલ્મો કા અડ્ડા હોલીવુડ આવેલું છે તેથી મોટા મોટા ફિલ્મ સ્ટાર્સથી માંડીને ટેકનોલોજીના ખાંસાહેબો લોસ એન્જલસમાં રહે છે. જંગલની નજીક બનાવેલાં તેમનાં મોટાં મોટાં ઘરો આગમાં રાખ થઈ જતાં એ લોકોએ પહેરેલાં કપડે ભાગવું પડયું છે. સત્તાવાળાઓએ જંગલની નજીક રહેતાં બે લાખ લોકોને ઘર ખાલી કરાવીને ભગાડયાં છે. તેમાંથી મોટા ભાગનાં હોલીવુડ સાથે સંકળાયેલાં લોકો છે તેથી લોસ એન્જલસની હોટલોમાં રૂમો ખૂટી પડયા છે. ખાલી સ્ટાર્સનાં મકાન જ નથી બળી ગયાં પણ મોટો મોટા સ્ટુડિયો પણ રાખ થઈ ગયા છે.
સત્તાવાર રીતે ૧૦ લોકોનાં મોતનો આંકડો અપાયો છે પણ બિનસત્તાવાર રીતે કેટલાં લોકો સ્વાહા થઈ ગયાં હશે એ ખબર જ નથી. બળીને રાખ થઈ ગયેલાં મકાનોમાં પણ હજુ અંદર જવાય એવી તો હાલત જ નથી તેથી ખરેખર કેટલાં લોકોના સીધા જ અગ્નિસંસ્કાર થઈ ગયા તેની ખબર તો આગ પૂરેપૂરી કાબૂમાં આવે પછી જ પડશે. એ જ રીતે નુકસાનનો આંકડો પણ કેટલો હશે એ ખબર નથી. અત્યારે ૧૫૦ અબજ ડોલર (લગભગ રૂપિયા કરોડ ૧૩ લાખ કરોડ)નું નુકસાન થયાનો અંદાજ મૂકાય છે પણ આ આંકડો આસાનીથી ૨૦૦ અબજ ડોલરને પાર થઈ જશે.
આ પહેલાં કેલિફોર્નિયામાં ૨૦૨૦માં ઉપરાછાપરી બનેલી ફોરેસ્ટ ફાયરની ઘટનાઓમાં ૪૦ લાખ એકર જમીનમાં વૃક્ષો સાફ થઈ ગયાં હતાં અને ૩૧ લોકોનાં મોત થયેલાં.
નુકસાન કેટલું થયું તેનો તો કોઈ અંદાજ જ નથી. લોસ એન્જલસની આગ તેને પણ ટપી ગઈ છે અને કેલિફોર્નિયાના ઈતિહાસની સૌથી વિનાશક આગ સાબિત થઈ રહી છે.
ભારતમાં આવી ભયંકર આગ લાગતી નથી તેથી લોકોને લોસ એન્જલસ આગમાં સ્વાહા થઈ રહ્યું એ સાંભળીને આશ્ચર્ય થઈ રહ્યું છે પણ અમેરિકામાં ફોરેસ્ટ ફાયર એટલે કે જંગલોમાં લાગતી આગ સામાન્ય ઘટના છે અને બહુ મોટો ચિંતાનો વિષય પણ છે.
અમેરિકામાં જંગલોનું પ્રમાણ એટલું બધું નથી. ભારતમાં કુલ વિસ્તારમાંથી ૨૭ ટકા જંગલો છે એ રીતે અમેરિકામાં પણ લગભગ ૨૮ ટકા જેટલાં જ જંગલો છે પણ અમેરિકાનાં જંગલો અલગ છે.
અમેરિકામાં ડેન્સ એટલે કે ગાઢ જંગલોનો વિસ્તાર બહુ નથી. અમેરિકામાં રહેણાંક વિસ્તારોની આસપાસ ઉભાં થયેલાં વૃક્ષોનો જંલ વિસ્તાર મોટો છે.
હાઈવેની આસપાસ કિલોમીટરો સુધી વૃક્ષો જ વૃક્ષો દેખાય એવું દ્રશ્ય સામાન્ય છે. અમેરિકામાં સપ્ટેમ્બરથી નવેમ્બર સુધી ઓટમ એટલે કે પાનખર ઋતુ આવે ત્યારે આ વૃક્ષો પરથી પાંદડાં ખરે છે. આ સૂકાં પાંદડાંના ઢગ ખડકાય છે ને તેના કારણે આગ લાગે છે એટલે નવેમ્બરથી જંગલોમાં આગ લાગવાનો સિલસિલો શરૂ થઈ જાય છે.
આગ લાગવામાં કારણો પણ સામાન્ય હોય છે. યુવાનો મજા કરવા જંગલમાં ગયા હોય ને કેમ્પફાયર કર્યા પછી સરખી રીતે આગને ના બુઝાવી હોય કે સિગારેટ પૂરી બુઝાવ્યા વિના ફેંકી દીધી હોય તેના તણખાથી અઆગ પકડાઈ જતી હોય છે. ઘણા કિસ્સામાં જંગલની પાસેના વિસ્તારોમાં કચરો બાળવામાં આવે તેના તણખા પણ આગ ફેલાવવા માટે કારણભૂત બને છે.
ક્લાઈમેટ ચેન્જ પણ મોટું કારણ છે. કેલિફોર્નિયામાં તો ધનિકો જ ધનિકો રહે છે તેથી સૌથી વધારે પેટ્રોલના ધુમાડા થાય છે તેથી જંગી કાર્બન ડાયોક્સાઈડ પેદા થાય છે. ક્લાઈમેટ ચેન્જના કારણે ગરમી વધી અને વાતાવરણમાંથી ભેજ ઘટયો તેના કારણે પણ આગ ઝડપથી પકડાય છે. કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધ્યું તેના કારણે બરફ પડવાનું પ્રમાણ ઘટયું તેના કારણે પણ આગ વધારે લાગે છે.
અમેરિકામાં છેલ્લાં પાંચ વર્ષમાં જંગલમાં લાગેલી આગના આંકડા ભયાનક છે. ૨૦૧૮માં ૫૮૧૦૦, ૨૦૧૯માં ૫૦૫૦૦, ૨૦૨૦માં ૫૯૦૦૦ અને ૨૦૨૧માં ફરી ૫૯૦૦૦ તથા ૨૦૨૨માં ૬૯ હજાર જંગલમાં આગની ઘટનાઓ બની છે. આ આગના કારણે ૨૦૧૮માં ૮૮ લાખ એકર, ૨૦૧૯માં ૪૭ લાખ એકર, ૨૦૨૦માં ૧ કરોડ એકર, ૨૦૨૧માં ૭૧ લાખ અને ૨૦૨૨માં ૭૬ લાખ એકર જમીનમાં ઉભેલું બધું રાખ થઈ ગયું.
૨૦૨૩માં જંગલમાં આગ લાગવાની ૫૬,૫૮૦ ઘટનાઓ બનેલી કે જેમાં ૨૭ લાખ એકર જમીન રાખ થઈ ગયેલી અને ૪૩૧૮ સંપત્તિ રાખ થઈ ગયેલી.
જંગલમાં લાગતી આગના કારણે આ વરસોમાં ૩૮૪ અબજ ડોલરથી માંડીને ૮૯૩ અબજ ડોલર સુધીનું નુકસાન થયું છે. ૮૯૩ અબજ ડોલરને ભારતીય રૂપિયામાં ફેરવો તો ૭૭ લાખ કરોડ રૂપિયા થયા. ભારતનું વાર્ષિક બજેટ ૪૮ લાખ રૂપિયા હતું. તેના કરતાં દોઢાથી પણ વધારે રકમનું નુકસાન તો અમેરિકાને જંગલની આગના કારણે જ થાય છે પણ અમેરિકા સમૃધ્ધ છે એટલે કોઈ અસર થતી નથી. કાનખજૂરાનો એક પગ તૂટે તો પણ શું ?
લોસ એન્જલસમાં હોલીવુડ સ્ટાર્સ-ધનિકોનાં ઘરોમાં લૂંટફાટ શરૂ થતાં કરફ્યુ લાદવો પડયો
લોસ એન્જલસમાં લાગેલી આગમાં સૌથી વધારે એસર હોલીવુડની હસ્તીઓને થઈ છે. લોસ એન્જલસના ગ્રિફિથ પાર્કમાં આવેલું હોલીવુડનું તોતિંગ સાઈનબોર્ડ આગમાં બળી ગયું હોવાના દાવા સોશિયલ મીડિયા પર થાય છે પણ આ વાત ખોટી છે.
ગ્રિફિથ પાર્ક બંધ કરી દેવાયો છે અને આ સાઈન બોર્ડ સલામત છે પણ ઘણી સેલિબ્રિટીનાં ઘર નાશ પામ્યાં છે એ હકીકત છે.
મેલ ગિબ્સન, પેરિસ હિલ્ટન,, બિલી ક્રિસ્ટલ, જેફ બ્રિજીઝ, મેન્ડી મૂરે, કેરી એલવેઝ, એન્થની હોપકિન્સ, મિલો વેન્ટિમિગ્લિયા, લેઈટન મિસ્ટર, આદમ બ્રોડી સહિતની સંખ્યાબંધ હોલીવુડ સેલિબ્રિટીનાં ઘર બળી ગયાં છે.
સંખ્યાબંધ સ્ટાર્સ એવા છે કે જેમનાં ઘર રાખ નથી થઈ ગયાં પણ આગના ખતરાને કારણે પોતાનાં ઘર છોડીને ભાગવું પડયું છે.
હોલીવુડના સ્ટાર્સ સહિતના ધનિકો મોટા ભાગે પેસિફિક પેલીસ્લેડ્સ વિસ્તારમાં રહે છે તેથી પેસિફિક પેલીસ્લેડ્સ પોશ વિસ્તાર મનાય છે. આ વિસ્તારની સેટેલાઈટ તસવીરો પરથી આગે કેવી તબાહી મચાવી એ જોઈ શકાય છે.
વિશાળ રોડની બંને બાજુ ઉભેલા મહેલ દેવા બંગલા બળીને રાખ થઈ ગયેલા જોઈ શકાય છે. ટીવી ચેનલોના વીડિયોમાં આ વિસ્તારોમાંથી નિકળતા ધુમાડાના ગોટેગોટા જોઈ શકાય છે.
આ લોકોનાં ઘરોમાં લૂંટફાટ શરૂ થઈ ગઈ હોવાના અહેવાલ છે. પોલીસ કે બીજી એજન્સીઓ પાસે કાયદો અને વ્યવસ્થા જાળવવાનો સમય નથી તેનો ફાયદો લુખ્ખા ઉઠાવી રહ્યા છે તેથી સત્તાવાળાઓએ કરફ્યુ લગાવી દેવો પડયો છે.
જંગલમાં લાગતી આગમાં એક દિવસ આખું કેલિફોર્નિયા સાફ થઈ જશે
અમેરિકામાં પહેલાં દક્ષિણનાં રાજ્યોમાં વાઈલ્ડફાયર અથવા ફોરેસ્ટ ફાયર (દાવાનળ)નું જોખમ વધારે હતું પણ છેલ્લાં કેટલાંક વરસોમાં સ્થિતી બદલાઈ છે. ૨૦૨૨માં અમેરિકાની સરકારે આપેલી માહિતી પ્રમાણે જંગલમાં લાગતી આગથી સૌથી વધારે ખતરો કેલિફોર્નિયાને છે. ક્લાઈમેટ ચેઈન્જની સૌથી ખરાબ અસર કેલિફોર્નિયા પર વર્તાઈ છે કેમ કે સૌથી વધારે પ્રમાણમાં પેટ્રોલ સહિતનાં ફ્યુઅલનો ધુમાડો કેલિફોર્નિયામાં થાય છે તેથી જંગી પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઈડ પેદા થાય છે. કેટલાક પર્યાવરણવિદો તો એવી ચેતવણી આપી છે કે, એક દિવસ જંગલમાં લાગતી આગ આખા કેલિફોર્નિયાને રાખ કરી દેશે.
કેલિફોર્નિયા અમેરિકાનું સૌથી મોટું સ્ટેટ છે. ૩.૯૦ કરોડની વસતી ધરાવતા કેલિફોર્નિયામાં લગભગ સવા કરોડ જેટલી પ્રોપર્ટી છે. આ પૈકી ૨૦.૪૦ લાખ એટલે કે લગભગ ૧૭ ટકા પ્રોપર્ટી પર જંગલમાં લાગતી આગથી રાખ થઈ જવાનો ખતરો છે. અમેરિકામાં ફોરેસ્ટ ફાયરનો ખતરો ધરાવતાં ટોપ ૫ સ્ટેટમાં બીજા નંબરે ટેક્સાસ છે કે જ્યાં ૭.૧૮ લાખ પ્રોપર્ટી પર ખતરો છે. કોલોરાડો ૩.૭૪ લાખ પ્રોપર્ટી સાથે ત્રીજા, અરિઝોના ૨.૪૨ લાખ પ્રોપર્ટી સાથે ચોથા અને ઈદાહો ૧.૭૫ લાખ પ્રોપર્ટી સાથે પાંચમા નંબરે છે.
અમેરિકામાં ૨૦૧૯માં થયેલા અભ્યાસનાં તારણો પ્રમાણે ૧૯૭૨થી ૨૦૧૮ દરમિયાન કેલિફાર્નિયામાં જંગલોમાં લાગતી આગના કારણ નાશ પામતો વિસ્તાર પાંચ ગણો વધી ગયો છે. આ વખતે મોટી આગ લાગી તેના કારણે સૌનું ધ્યાન ખેંચાયું, બાકી કેલિફોર્નિયામાં એક પણ વરસ એવું જતું નથી કે જ્યારે જંગલોમાં આગ ના લાગી હોય.