સંપત્તિના ઝગડામાં સંબંધો ભૂલાયા, ઉદ્યોગપતિ રાવને દોહિત્રે જ પતાવી દીધા
- ગુજરાતીમાં કહેવત છે કે, જર, જમીન અને જોરુ એ ત્રણેય કજિયાનાં છોરૂ. રાવની હત્યામાં પણ સંપત્તિનો ઝગડો જ કારણભૂત છે
સંપત્તિ માટે સગો દોહિત્ર નાનાને બરેહમીથી મારી નાંખે એવું કોઈના માન્યામાં નથી આવતું. રાવે કી તેજાને ૪ કરોડ તો આપેલા પણ કીર્તિની પૈસા ને સંપત્તિની ભૂખ તેના કરતાં અનેકગણી વધારે હતી એટલે તેણે નાનાને ખતમ જ કરી નાંખ્યા અને સંબંધો પરથી ભરોસો ઉઠી જાય એવું કૃત્ય કરી નાંખ્યું. રાવની હત્યાથી તેલંગાણા અને આંધ્ર પ્રદેશ બંનેમાં એ કારણે પણ આઘાત છે કેમ કે રાવની ગણના ઉદાર હાથે દાન આપનારાં લોકોમાં થતી હતી. રાવ ધર્મસ્થાનોમાં તો દાન કરતા જ હતા પણ તેમણે વધારે દાન શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્પિટલોને કર્યું છે. રાવ ટેકનિકલ એજ્યુકેશનના હિમાયતી હોવાથી સંખ્યાબંધ શૈક્ષણિક સંસ્થાઓમાં ટેકનોલોજી સેન્ટર બનાવવા માટે દાન કર્યાં હતાં. આ સિવાય કેન્સર અને હૃદયરોગની સારવારની સવલતો ઉભી કરવા પણ પુષ્કળ દાન આપ્યું હતું રાવ દર વરસે પાંચથી દસ કરોડ રૂપિયાનું દાન કરતા હતા એ જોતાં રાવે તેમના જીવનકાળ દરમિયાન ૫૦૦ કરોડ રૂપિયાથી વધારેની રકમ દાનમાં આપી હોવાનું કહેવાય છે.
હૈદરાબાદમાં જાણીતા ઉદ્યોગપતિ વેલામતી ચંદ્રશેખર જનાર્દન રાવની હત્યાએ ખળભળાટ મચાવી દીધો છે કેમ કે ૫૦૦ કરોડ રૂપિયાના વેલજન ગ્રુપના માલિક વેલામતી ચંદ્રશેખર જનાર્દન રાવની હત્યા તેમના જ દોહિત્રે અત્યંત ક્રૂરતાપૂર્વક કરી નાંખી છે. વેલામતી ચંદ્રશેખર જનાર્દન રાવને ત્રણ દીકરી અને એક દીકરો છે. તેમની બીજા નંબરની દીકરી સરોજના દીકરા કિલારુ કીર્તિ તેજાએ ઉપરાછાપરી છરીના ઘા મારીને રાવને પતાવી દીધા. તેજાએ રાવને છરીના ૭૦ ઘા માર્યા હોવાનું કહેવાય છે. તેની મા સરોજ વચ્ચે પડી તો તેને પણ તેજાએ છરીના ચાર ઘા મારી દીધા અને પછી ફરાર થઈ ગયેલો. જો કે પોલીસે નાકાબંધી કરીને તેને ઝડપી લેતાં અત્યારે કીર્તિ તેજા જેલની હવા ખાઈ રહ્યો છે.
ગુજરાતીમાં કહેવત છે કે, જર, જમીન અને જોરુ એ ત્રણેય કજિયાનાં છોરૂ. રાવની હત્યામાં પણ સંપત્તિનો ઝગડો જ કારણભૂત છે. રાવ ૮૬ વર્ષના છે તેથી પોતાનું બિઝનેસ સામ્રાજ્ય પોતાનાં સંતાનોને સોંપી રહ્યા છે. રાવને ત્રણ દીકરી અને એક દીકરો છે તેથી સ્વાભાવિક રીતે જ તેમનો દીકરો વેલામતી ગંગાધર શ્રીનિવાસ તેમના બિઝનેસ સામ્રાજ્યનો વારસ છે પણ એ સિવાય પોતાની દીકરીનાં સંતાનોને પણ તેમણે પોતાના બિઝનેસ સામ્રાજ્યમાં હિસ્સો આપ્યો છે. પોતાની મોટી દીકરીના દીકરા શ્રીકૃષ્ણને તેમણે પોતાના ગુ્રુપમાં ડિરેક્ટર બનાવ્યો છે અને વધારે હિસ્સો આપ્યો છે કેમ કે એ વરસોથી તેમની સાથે કંપનીમાં કામ કરે છે.
તેજા અમેરિકામાં માસ્ટર્સ કરતો હતો ને એ પહેલાં બહાર ભણતો હતો તેથી કંપનીમાં તેનું કોઈ યોગદાન નથી આ કારણે રાવે તેને ડિરેક્ટર ના બનાવ્યો. અલબત્ત રાવે તેને પોતાની સંપત્તિમાંથી કંપનીના ૪ કરોડના શેર તો આપ્યા જ હતા પણ તેજાને તેનાથી સંતોષ નહોતો. તેને વધારે હિસ્સો જોઈતો હતો તેથી પોતાની માતા સરોજિની ઉર્ફે સરોજને સતત કહ્યા કરતો હતો. સરોજે પોતાના પિતાને કહ્યું હશે પણ પિતા કશું સાંભળવા તૈયાર નહોતા તેથી તેજા સરોજને લઈને નાનાને મળવા ગયો હતો. રાવના ઘરે સરોજ અંદર ચા બનાવવા ગઈ હતી ત્યારે અચાનક જ રાવની ચીસો સાંભળી. તેજાએ રાવ પર હુમલો કરીને તેમને ખતમ કરી નાંખેલા. સરોજ વચ્ચે પડી તો તેના પર પણ હુમલો કરી દીધો.
તેજા રાવની હત્યા કરવાનું નક્કી કરીને આવેલો એ સ્પષ્ટ છે કેમ કે તેની પાસે છરી હતી. રાવની હત્યા કરી શકાય એવી છરી અચાનક હાથમાં આવી ગઈ ને તેજાએ ઉશ્કેરાટમાં આવીને હુમલો કરી દીધો એવું નથી. માતા સરોજ રસોડામાં જાય તેની રાહ જોતો એ બેઠો હતો. સરોજ જેવી રસોડામાં ગઈ કે તરત તેણે હુમલો કરીને નાનાને પતાવી દીધા. હુમલા પછી એ ભાગી ગયેલો અને પોલીસને હાથ આવ્યો ત્યારે કપડાં બદલી નાખ્યાં હતાં અને જે છરીથી હુમલો કર્યો હતો એ છરી પણ છૂપાવી દીધી હતી. કપડાં પર રાવના લોહીના દાગ છે ને છરી હત્યામાં વપરાયેલું હથિયાર છે તેથી સૌથી મોટો પુરાવો છે. કીર્તિ તેજાએ આ બંને મહત્વના પુરાવા ગાયબ કરી દીધા છે. પોલીસે પૂછપરછ કરી તેમાં કીર્તિ કપડાં અને છરી વિશે કશું બોલવા તૈયાર નથી તેના પરથી પણ સ્પષ્ટ છે કે, કીર્તિ હત્યાનું ષડયંત્ર રચીને જ આવ્યો હતો.
પોલીસને લાગે છે કે, કીર્તિ તેજાની માતા સરોજિની પણ આ કાવતરામાં સામલે હોઈ શકે છે. સરોજિની દીકરાને લઈને એવા સમયે પિતાને મળવા ગઈ કે જ્યારે તેના પિતા એકલા જ ઘરે હતા. કીત તેજા તેના નાના સામે ઉશ્કેરાયેલો હતો એ વાતની ખબર હોવા છતાં સરોજ તેને મળવા લઈ ગઈ એ શંકા પ્રેરે છે. બીજું એ કે, કીર્તિ તેના નાનાની હત્યા કરીને ભાગ્યો પછી તરત સરોજે પોલીસને જાણ નહોતી કરી. સરોજિનીએ પોતાની બહેન ઉમા દેવી અને ભાઈ ગંગાધરને જાણ કરી હતી. એ દરમિયાનમાં કીર્તિ તેજાને ભાગી જવાનો અને કપડાં તથા છરી સંતાડી દેવાનો પૂરતો સમય મળી ગયો. સરોજે જામી જોઈને એવું કર્યું હોવાની શક્યતા છે. પોલીસ આ દિશામાં તપાસ કરી જ રહી છે એ જોતાં સરોજની સંડોવણી બહાર આવે તો નવાઈ નહીં.
અત્યારે તો બધાં આઘાતમાં છે કેમ કે સંપત્તિ માટે સગો દોહિત્ર નાનાને બરેહમીથી મારી નાંખે એવું કોઈના માન્યામાં નથી આવતું. રાવે કીર્તિ તેજાને ૪ કરોડ તો આપેલા પણ કીર્તિની પૈસા ને સંપત્તિની ભૂખ તેના કરતાં અનેક ગણી વધારે હતી એટલે તેણે નાનાને ખતમ જ કરી નાંખ્યા અને સંબંધો પરથી ભરોસો ઉઠી જાય એવું કૃત્ય કરી નાંખ્યું.
રાવની હત્યાથી તેલંગાણા અને આંધ્ર પ્રદેશ બંનેમાં એ કારણે પણ આઘાત છે કેમ કે રાવની ગણના ઉદાર હાથે દાન આપનારાં લોકોમાં થતી હતી. રાવ ધર્મસ્થાનોમાં તો દાન કરતા જ હતા પણ તેમણે વધારે દાન શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્પિટલોને કર્યું છે. રાવ ટેકનિકલ એજ્યુકેશનના હિમાયતી હોવાથી સંખ્યાબંધ શૈક્ષણિક સંસ્થાઓમાં ટેકનોલોજી સેન્ટર બનાવવા માટે દાન કર્યાં હતાં. આ સિવાય કેન્સર અને હૃદયરોગની સારવારની સવલતો ઉભી કરવા પણ પુષ્કળ દાન આપ્યું હતું રાવ દર વરસે પાંચથી દસ કરોડ રૂપિયાનું દાન કરતા હતા એ જોતાં રાવે તેમના જીવનકાળ દરમિયાન ૫૦૦ કરોડ રૂપિયાથી વધારેની રકમ દાનમાં આપી હોવાનું કહેવાય છે.
રાવે જગવિખ્યાત તિરુપતિ તિરુમાલા મંદિરનો વહીવટ કરતા તિરૂપતિ તિરુમાલા દેવસ્થાનમ બોર્ડને અલગ અલગ સમયે ૪૦ કરોડ રૂપિયાથી વધારેનું દાન કર્યું હતું. આ ઉપરાંત એલુરુ સરકારી હોસ્પિટલમાં કેન્સર અને કાર્ડિયોલોજી સેન્ટર ઉભું કરવા માટે ૪૦ કરોડ રૂપિયા દાનમાં આપ્યા હતા. ૨૦ વર્ષ પહેલાં તેમણે એલુરૂમાં સર સી.આર. રેડ્ડી કોલેજમાં ટેકનોલોજી સેન્ટર બનાવવા માટે ૨ કરોડ રૂપિયા દાનમાં આપ્યા હતા. રાવે હૈદરાબાદમાં એલ.વી. પ્રસાદ આઈ ઈન્સ્ટિટયુટને પણ ૧૦ કરોડ રૂપિયાનું દાન આપીને પોતાનાં માતાના નામે આખો બ્લોક બંધાવ્યો હતો. રાવે પોતાના વતન કોવ્વાલીની સ્કૂલને પણ અત્યાધુનિક બનાવી હતી, સ્કૂલમાં અદ્યતન લેબોરેટરીઝ, નવી બિલ્ડિંગ, નવું ફર્નિચર વગેરે પોતાના ખર્ચે વસાવડાવ્યું હતું.
રાવની હત્યાએ પોન્ટી ચઢ્ઢાની સગા ભાઈએ કરેલી હત્યાની યાદ અપાવી દીધી
રાવની હત્યાએ દિલ્હીમાં ચઢ્ઢા બંધુઓએ સંપત્તિના વિવાદમાં એકબીજાની હત્યા કરી નાંખી એ ઘટનાની યાદ અપાવી છે. ગુરદીપસિંહ ચઢ્ઢા ઉર્ફે પોન્ટી ચઢ્ઢા દિલ્હીમાં જાણીતો બિઝનેસ ટાયકૂન હતો. લિકર બિઝનેસમાં કરોડો કમાનારા પોન્ટી ચઢ્ઢાએ ફિલ્મોનું નિર્માણ પણ કરેલું. રીયલ એસ્ટેટ સેક્ટરમાં પણ પોન્ટીનો પથારો હતો. પોન્ટી ચઢ્ઢાની ૨૦૧૨માં તેના ભાઈ હરદીપસિંહ ચઢ્ઢાએ હત્યા કરી નાંખી ત્યારે ચઢ્ઢા પાસે ૧૦ હજાર કરોડ રૂપિયાથી વધારેની સંપત્તિ હોવાનું કહેવાતું હતું.
પોન્ટી ચઢ્ઢાના પિતા કુલવંત સિંહ ૨૦૧૧માં ગુજરી ગયા ત્યારે પોતાની સંપત્તિ ત્રણ પુત્રો ગુરદીપ, હરદીપ અને રાજિન્દરમાં વહેંચીને નહોતા ગયા. આ કારણે ભાઈઓ વચ્ચે ઝગડા ચાલતા જ હતા. હરદીપ પોન્ટીનો નાનો ભાઈ છે અને તે વધારે આક્રમક હતો તેથી છાસવારે ઝગડા કર્યા કરતો અને પોન્ટીને ધમકીઓ પણ આપ્યા કરતો હતો. પોન્ટીએ પોલીસને અરજી પણ આપી હતી કે, હરદીપ તરફથી પોતાના જીવને ખતરો છે.
ઘટનાના દિવસે પોન્ટી ચઢ્ઢા દિલ્હી પાસેના છત્તરપુરમાં આવેલા પોતાના ફાર્મહાઉસ પર ગયો હતો. હરદીપ અચાનક ત્યાં આવી ગયો અને બંને ભાઈઓ વચ્ચે જોરદાર ઝગડો થયો. હરદીપ પૂરી તૈયારી સાથે આવેલો તેથી ગન લઈને જ આવેલો. તેણે અચાનક ગન કાઢીને પોન્ટીને ગોળી મારી દીધી. પોઈન્ટ બ્લેન્ક રેન્જથી મરાયેલી ગોળી વાગતાં જ પોન્ટી ઢળી પડયો ને તેનું પ્રાણપંખેરું ઉડી ગયું. પોન્ટીનો સીક્યુરિટી ગાર્ડ બાજુમાં જ હતો. તેણે પણ બંદૂક ઉઠાવીને ગોળી મારી દીધી તેમાં હરદીપ પણ ગુજરી ગયો હતો.
રાવે સાવ સામાન્ય પરિવારમાંથી આવીને ૫૦૦ કરોડનું સામ્રાજ્ય ઉભું કર્યું
વેલામતી ચંદ્રશેખર જનાર્દન રાવની સ્ટોરી રેગ્સ ટુ રીચીઝની છે. મતલબ કે સાવ સામાન્ય પરિવારમાંથી આવ્યા હોવા છતાં તેમણે એક મોટું બિઝનેસ સામ્રાજ્ય ઉભું કર્યું. વેલામતી ચંદ્રશેખર જનાર્દન રાવે વેલજન ગ્રુપની સ્થાપના ૧૯૬૫માં કરેલી. એ જમાનામાં નવો બિઝનેસ ઉભો કરવો કપરું કામ મનાતું હતું કેમ કે ભારતમાં સમાજવાદની બોલબાલા હતી અને સરકારના માનીતા લોકો સિવાય કોઈના બિઝનેસ ચાલતા નહોતા. એ જમાનામાં રાવે બિઝનેસ શરૂ કરવાનું સાહસ કરીને ભારે હિંમત બતાવી હતી.
રાવે હાયડ્રોલિક ઈક્વિપમેન્ટ્સથી શરૂઆત કરી હતી અને અત્યારે તેમનું ગ્રુપ સંખ્યાબંધ સેક્ટરમાં સોલ્યુશન્સ પૂરાં પાડે છે. શિપબિલ્ડિંગ, એનર્જી, મોબાઈલ, ઈન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન સહિતનાં ક્ષેત્રોમાં વેલજન ગ્રુપ સોલ્યુશન પૂરાં પાડે છે. લગભગ ૫૦૦ કરોડ રૂપિયાનું આ ગ્રુપ સ્થાનિક સ્તરે મોટા પ્રમાણમાં રોજગારી પૂરી પાડે છે.