ચીન આફ્રિકા પર કબજો કરીને અમેરિકાનું વર્ચસ્વ તોડી નાંખશે
- અમેરિકા સહિતના દેશોનું વર્ચસ્વ તૂટી જાય અને દુનિયામાં ચીન એક નવી મહાસત્તા તરીકે ઉભરી શકે
- શી જિનપિંગે બીજીંગમાં ફોરમ ઓન ચાઈના-આફ્રિકા કો-ઓપરેશન (FOCAC)ની બેઠક કરીને આફ્રિકાના ૫૫ દેશોમાં ચીનના પગપેસારાનો તખ્તો તૈયાર કરી નાંખ્યો. જિનપિંગે આગામી ત્રણ વર્ષમાં આફ્રિકામાં ૫૯ અબજ ડોલરનું રોકાણ કરવાનું અને ૧ કરોડ નવી નોકરીઓ ઉભી કરવાનું વચન આપ્યું છે તેથી આફ્રિકન દેશો ખુશખુશાલ છે. ચીન રશિયા અને બ્રાઝિલ સાથે મળીને લેટિન અમેરિકાના દેશોને પોતાની તરફ વાળવામાં સફળ થઈ રહ્યું છે. સાઉદી અરેબિયા પણ ચીન તરફ ઢળતાં આરબ દેશો ચીનની પંગતમાં બેસી ગયાં છે. ચીન ધીરે ધીરે દુનિયામાં મોટાં માર્કેટ પર કબજો જમાવી રહ્યું છે તેથી અમેરિકાના વર્ચસ્વ સામે ખતરો છે જ.
આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડ, બુ્રનેઈ સહિતના આર્થિક રીતે સાવ ટચૂકડા દેશોમાં ફરીને ફાંકા ફોજકારી કરી રહ્યા છે ત્યારે ચીનના પ્રમુખ શી જિનપિંગે બીજીંગમાં ફોરમ ઓન ચાઈના-આફ્રિકા કો-ઓપરેશન (FOCAC)ની બેઠક કરીને આફ્રિકાના ૫૫ દેશોમાં ચીનના પગપેસારાનો તખ્તોતૈયાર કરી નાંખ્યો.
જિનપિંગે આગામી ત્રણ વર્ષમાં આફ્રિકામાં ૫૯ અબજ ડોલરનું રોકાણ કરવાનું અને ૧ કરોડ નવી નોકરીઓ ઉભી કરવાનું વચન આપ્યું છે તેથી આફ્રિકન દેશો ખુશખુશાલ છે. બીજી તરફ અમેરિકા સહિતના પશ્ચિમના દેશો ચિંતામાં છે કેમ કે આફ્રિકાના દેશો ચીનની પંગતમાં બેસી જાય તો અમેરિકા સહિતના દેશોનું વર્ચસ્વ તૂટી જાય અને દુનિયામાં ચીન એક નવી મહાસત્તા તરીકે ઉભરે.
ચીન એક તરફ રશિયા અને બ્રાઝિલ સાથે મળીને લેટિન અમેરિકાના દેશોને પોતાની તરફ વાળવામાં સફળ થઈ રહ્યું છે. સાઉદી અરેબિયા પણ ચીન તરફ ઢળતાં એશિયામાં પણ સૌથી ધનિક મનાતા આરબ દેશો ચીનની પંગતમાં બેસી જાય એવો ખતરો છે. આ સંજોગોમાં અમેરિકા સાથે યુરોપના તેના ચમચા જેવા ગણ્યાગાંઠયા દેશો જ રહી જાય. આ દેશો અત્યારે સમૃધ્ધ છે પણ તેમની પાસે તોતિંગ માર્કેટ નથી. ચીન ધીરે ધીરે દુનિયામાં મોટાં માર્કેટ પર કબજો જમાવી રહ્યું છે તેથી અમેરિકાના વર્ચસ્વ સામે ખતરો છે જ.
ચીને એક ચોક્કસ વ્યૂહરચના સાથે ૨૦૦૦ની સાલમાં આફ્રિકાના દેશો સાથે સંબંધો ગાઢ બનાવવાનું શરૂ કરેલું. આ વ્યૂહરચના ફળી રહી હોય એવું લાગી રહ્યું છે. ૨૦૦૦ની સાલમાં મોટા ભાગના આફ્રિકન દેશો કારમી ગરીબીમાં સબડતા હતા. અમેરિકા સહિતના દેશોને તેમનામાં રસ નહોતો. એ વખતે ચીને આફ્રિકાના દેશોને સહાય આપવાનું શરૂ કર્યું. બદલામાં ચીનને નાના નાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ મળતા થયા.
ચીન આ બધાના કારણે બહુ કમાયું નહીં પણ તેના સંબંધો ગાઢ બન્યા. ચીને ૨૦૦૦થી ૨૦૨૩ દરમિયાન આફ્રિકાના દેશો અને બીજા વિસ્તારોને ૧૮૩ અબજ ડોલરની લોન આપી છે. આ પૈકી મોટા ભાગની લોન ચૂકવાઈ નથી. ઝામ્બિયા અને ધાના જેવો દેશો તો ડીફોલ્ટર પણ થઈ ગયા પણ ચીને ધીરજ ગુમાવ્યા વિના આફ્રિકન દેશોને મદદ કરવાનું ચાલુ રાખ્યું. તેના બદલામાં ચીનનો માલ આફ્રિકન દેશોમાં જતો થયો ને ધીરે ધીરે ચીન આફ્રિકાનું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર બની ગયું છે.
૨૦૨૩માં આફ્રિકાના તમામ દેશોમાંથી ચીનની આયાત ૧૦૯ અબજ ડોલરની હતી જ્યારે ચીને ૧૭૩ અબજ ડોલરનો માલ આફ્રિકાના દેશોને આપ્યો. ચીનની અમેરિકામાં જે નિકાસ છે તેના કરતાં ૪૦ ટકા નિકાસ જ આફ્રિકામાં થાય છે. ચીનના કુલ વૈશ્વિક વ્યાપારમાં આફ્રિકાના ફાળો માંડ ૫ ટકા જ છે પણ મહત્વની વાત એ છે કે, ધીરે ધીરે આફ્રિકાના આખા બજાર પર ચીનનો કબજો થઈ રહ્યો છે. આફ્રિકાના દેશોમાં મળતી કોઈ પણ વસ્તુ ચીનમાંથી જ આવે એ સ્થિતી થઈ ગઈ છે.
ચીન આફ્રિકાવના ખંડો પરનો આ ભરડો વધારે મજબૂત કરવા માગે છે. આફ્રિકા દુનિયામાં એશિયા પછીનો સૌથી મોટો ખંડ છે. યુનાઈટેડ નેશન્સના સભ્ય એવા ૫૪ દેશ, યુએનના સભ્ય ના હોય એવા ૨ દેશ મળીને કુલ ૫૬ દેશોના બનેલા આફ્રિકા ખંડમાં ૨ નોન-સોવરેઈન ટેરટરિઝ અને ૯ સબ-નેશનલ રીજિયન પણ છે. કુલ મળીને આફ્રિકા ખંડમાં ૬૭ વિસ્તારો આવેલા છે.
આફ્રિકા ખંડના મોટા ભાગના દેશો અવિકસિત અને પછાત છે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવું કંઈ નથી અને ઉદ્યોગો પણ નથી. મોટા પ્રમાણમાં જંગલ વિસ્તાર છે તેમાં જ લોકો રહે છે. ગરીબી પણ બહુ છે છતાં લગભગ ૩ ટ્રિલિયનની ઈકોનોમી છે. ભારતની જીડીપી ૩.૬૦ ટ્રિલિયન ડોલર છે એ જોતાં ગરીબ અને પછાત ગણાતો હોવા છતાં આફ્રિકા ખંડ ભારતથી બહુ પાછળ નથી.
આફ્રિકાની ગરીબીનું કારણ યુકે સહિતના યુરોપના દેશો છે. ભારતની જેમ આફ્રિકાના મોટા ભાગના દેશો પણ સદીઓ લગી યુરોપીયન દેશોના ગુલામ રહ્યા. યુરોપીયન દેશોએ તેમને ચૂસી લીધા ને પછી કસ ના રહ્યો એટલે કારમી ગરીબીમાં છોડીને જતા રહ્યા. એ પછી મોટા ભાગના દેશો આતરિક વિગ્રહોમાં સપડાઈ ગયા ને સરમુખત્યારો ચડી બેઠા તેથી ઘણા દેશોમાં હજુ પણ જંગલરાજની સ્થિતી છે એટલે બહારથી લોકો આવતાં નથી. આફ્રિકા ખંડનું વાતાવરણ ગરમ છે તેના કારણે પણ લોકો દૂર ભાગે છે.
આ બધી પ્રતિકૂળ પરિસ્થિતીઓ છતાં ચીનને આફ્રિકામાં રસ છે કેમ કે આફ્રિકા ખંડમાં ૧૪૦ કરોડ લોકો વસે છે. ભારતની કુલ વસતી જેટલી વસતી ધરાવતા આફ્રિકા ખંડનું માર્કેટ બહુ મોટું છે. ચીનને આ માર્કેટમાં રસ છે કેમ કે ચીન સાવ સસ્તા ભાવે માલ બનાવવામાં પાવરધું છે. ચીન અત્યારે નિકાસ કરે છે પણ ભવિષ્યમાં આફ્રિકાના દેશોને પોતાની ફેક્ટરીઓમાં ફેરવી નાંખવા માગે છે. આફ્રિકામાં જમીનો સાવ પાણીના ભાવે મળે છે અને મજબૂત કામદારો પણ સરળતાથી મળી રહે છે તેથી ચીન ધમધોકાર પ્રોડક્શન કરી શકે છે.
આફ્રિકામાં પાણીની કમી નથી પણ પાણીનો યોગ્ય રીતે ઉપયોગ કરવા માટેનું માળખું નથી. ચીન એ પણ ઉભું કરવા માગે છે. નદીઓ પર મોટા બંધો બનાવીને મોટા ભાગના પાણીનો ઉપયોગ ચીન પોતાના ફાયદા માટે કરશે. આ સિવાય રોડ, રસ્તા, પુલો, રેલ્વે વગેરે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવામાં પણ ચીનને રસ છે. તેમાંથી પણ ચીનને કમાણી જ થવાની છે. આફ્રિકન દેશોમાં જંગી પ્રમાણમાં ખનિજો છે. ચીન તેમનો ઉપયોગ પોતાના ફાયદા માટે કરવા માગે છે.
આફ્રિકાના દેશો ચીન માટે સોનાનાં ઈંડાં આપતી મરઘી સાબિત થાય તેમ છે. આફ્રિકાના પછાત રહી ગયેલા દેશોને પણ વિકાસમા રસ છે એ જોતાં ચીન અને આફ્રિકા બંનેનો ફાયદો છે. આફ્રિકા સાથેના સંબંધો ગાઢ કરીને ચીન બે દાયકામાં અમેરિકાના દુનિયા પરના વર્ચસ્વને સાવ તોડી નાંખશે એવુ મનાય છે.
મોદીને અંગત વાહવાહીમાં રસ, જિનપિંગનું લક્ષ્ય ચીનને સૌથી મોટી મહાસત્તા બનાવવી
વૈશ્વિક બાબતોના નિષ્ણાતોના મતે, ભારત વિશ્વમાં સૌથી વધારે વસતી ધરાવતો દેશ હોવા છતાં ચીનની જેમ અમેરિકાને પડકારી શકે એવી આથક મહાસત્તા બની શકે તેમ નથી તેનું કારણ નરેન્દ્ર મોદી અને શી જિનપિંગની માનસિકતાનો તફાવત છે. જિનપિંગનું લક્ષ્ય અમેરિકાને પછાડીને ચીનને દુનિયાની સૌથી મોટી મહાસત્તા બનાવવાનું છે. આ લક્ષ્ય પ્રાપ્તિ માટે ચીનને દુનિયામાં સૌથી મોટી આથક તાકાત બનાવવા જિનપિંગ મચી પડયા છે.
મોદીને ભારતને મહાસત્તા બનાવવા કરતાં પોતાની અંગત વાહવાહી અને પ્રસિધ્ધિમાં વધારે રસ છે. એ માટે મોદી નાની નાની વાતોને પણ પોતાની મહાન સિધ્ધિમાં ખપાવે છે. ભારત વિશ્વમાં પાંચમા નંબરની આથક મહાસત્તા બન્યું તેનો જોરશોરથી કરાયેલો પ્રચાર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ચીનની જીડીપી ભારતથી ૫ ગણી ને અમેરિકાની ૭ ગણી છે જ્યારે વસતીની રીતે ભારત ચીન-અમેરિકાથી આગળ છે. ભારત તેમને પછાડે તો સિધ્ધી કહેવાય. ૬ કરોડની વસતી ધરાવતા યુકેને જીડીપીમાં પાછળ છોડવું એ સિધ્ધી ગણાય જ નહીં એવું આથક નિષ્ણાતો માને છે.
મોદી પોતે વૈશ્વિક નેતા છે અને વિશ્વની મહાસત્તાઓ તેમનનું કહ્યું માને છે એ સાબિત કરવા પણ ફાંફાં માર્યા કરે છે. આ માનસિકતાનાં અનેક ઉદાહરણ છે.
તાજું ઉદાહરણ રશિયાએ યુક્રેન સાથે વાતચીત કરવાની તૈયારી બતાવી એ સંદર્ભમાં કરાયેલી મોદીની વાહવાહી છે. પુતિને યુક્રેન સાથે વાતચીત માટે બ્રિક્સના સાથી એવા ત્રણ મહત્વના દેશો ચીન, બ્રાઝિલ અને ભારતની મધ્યસ્થીની તરફેણ કરી હતી જ્યારે ચિત્ર એવું ઉભું કરાયું કે, મોદીના કહેવાથી પુતિન વાતચીત માટે તૈયાર થયા.
આફ્રિકામાં 42 ટકા વસતી મુસ્લિમ હોવાથી ચીન માટે લાલ જાજમ
આફ્રિકામાં ચીન માટે અનુકૂળ માહોલ છે તેનું એક કારણ આફ્રિકાના દેશોમાં મુસ્લિમોની જંગી વસતી પણ છે. આફ્રિકાની કુલ વસતીમાં ૪૯ ટકા ખ્રિસ્તી છે જ્યારે ૪૨ ટકા મુસ્લિમો છે. ૮ ટકા સ્થાનિક આદિવાસીઓ છે જ્યારે ૧ ટકા બીજી છૂટક વસતી છે. યુરોપીયન પ્રજાએ સદીઓ લગી કરેલા શોષણના કારણે આફ્રિકનો ગોરાઓને બહુ પસંદ કરતા નથી. અમેરિકા તેમની સાથે છે તેથી અમેરિકાને પણ આફ્રિકનો નફરત કરે છે. મુસ્લિમો તો અમેરિકાને દુશ્મન જ માને છે તેથી અમેરિકા સહિતના પશ્ચિમના દેશો માટે આફ્રિકાના દરવાજા ખૂલ્યા નથી.
ચીન સામે આફ્રિકાનાં લોકોને કોઈ વાંધો નથી. ચીનને પાકિસ્તાન અને આરબ રાષ્ટ્રો સહિતના મુસ્લિમોની જંગી વસતી ધરાવતા દેશો સાથે ગાઢ મિત્રતા હોવાથી આફ્રિકાના દેશોમાં ચીનની સ્વીકૃતિ સરળતાથી થઈ ગઈ છે.
સ્થાનિક સ્તરે ચીનના કેટલાક પ્રોજેક્ટ્સનો વિરોધ થયો પણ એકંદરે મુસ્લિમો કે બીજી પ્રજા પણ ચીનને દુશ્મન માનતી નથી તેથી આફ્રિકા પર કબજો કરવો ચીન માટે સરળ છે.