Get The App

મુશાલનો રાહુલને પત્ર, મોત સામે દેખાતા મલિક દંપતિ ગાંધીવાદી બની ગયું

Updated: Nov 9th, 2024


Google NewsGoogle News
મુશાલનો રાહુલને પત્ર, મોત સામે દેખાતા મલિક દંપતિ ગાંધીવાદી બની ગયું 1 - image


- યાસીન મલિક અહિંસક લડતની વાતો કરી લોકોને ઉલ્લુ બનાવે છે, ૧૯૮૭માં કાશ્મીરની ચૂંટણી વખતે હું કોઈ બંધારણમાં માનતો નથી એવું જાહેર કર્યું હતું

- મુશાલ અને યાસિન મલિક બંને શાંતિની વાતો કરી રહ્યાં છે પણ યાસિન મલિકનો ભૂતકાળ હિંસાથી ખરડાયેલો છે અને તેના હાથ સેંકડો નિર્દોષ લોકોના લોહીથી રંગાયેલા છે. કાશ્મીરમાં ૧૯૯૦ના દાયકામાં હિંદુઓને નિશાન બનાવીને શરૂ થયેલા આતંકવાદી હુમલાના ૩ મુખ્ય ખલનાયક યાસિન મલિક, સૈયદ સલાહુદ્દીન અને હઝરત અલી શાહ ગિલાની હતા.  યાસીન મલિક એરફોર્સના ચાર જવાનોની હત્યામાં સામેલ હતો. મલિકના સાથીઓએ ૧૯૮૯માં તત્કાલિન કેન્દ્રીય ગૃહમંત્રી મુફતી મોહમ્મદ સઈદની પુત્રી રૂબિયા સઈદનું અપહરણ કરીને પાંચ આતંકવાદીને છોડાવ્યા હતા. આ આતંકવાદીઓએ અનેક નિર્દોષોની હત્યા કરી. 

-       તિહાર જેલની હવા ખાઈ રહેલા જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (વણન્ખ)ના વડા યાસિન મલિકની પત્ની મુશાલ હુસૈન મલિકે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને પત્ર લખીને પોતાના પતિને છોડાવવાની વિનંતી કરી એ સાથે યાસિન મલિક પાછો ચર્ચામાં છે. મુશાલે યાસિન મલિક અંગે ભારતની  સંસદમાં ચર્ચા શરૂ કરવા વિનંતી કરીને દાવો કર્યો છે કે, યાસિન મલિકને ન્યાયી રીતે તક આપવામાં આવે તો મલિક જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ લાવી શકે છે.

તિહાર જેલમાં સારવારના બહાને મલિક પર અત્યાચારો ગુજારાઈ રહ્યા છે એવો આક્ષેપ કરીને મુશાલે રાહુલને વિનંતી કરી છે કે, મલિક માટે ન્યાય મેળવવામાં અમારી મદદ કરો. મુશાલે આડકતરી ધમકી પણ આપી છે કે, મલિકની બગડતી તબિયતને કારણે પછીથી બદલી ના શકાય એવાં ગંભીર પરિણામો ભોગવવાં પડે એ પહેલાં રાહુલ ગાંધીએ દરમિયાનગીરી કરવી જોઈએ. 

મુશાલનો આક્ષેપ છે કે, ૨૦૧૯થી  ભાજપની સરકાર મલિક સાથે 'અમાનવીય' વર્તન કર્યું છે, અને મલિક સામેના કેસો પણ 'રાજકીય રીતે પ્રેરિત' છે. મલિક પર ૩૫ વર્ષ જૂના રાજદ્રોહના કેસમાં ખટલો ચલાવવામાં આવી રહ્યો છે અને હવે ફાંસી આપવા માટે બનાવટી આરોપો ઘડી કઢાયા છે. મલિક એક સમયે સશસ્ત્ર સંઘર્ષની તરફેણ કરતા હતા પણ વર્ષો પહેલા અહિંસા અને શાંતિનો માર્ગ અપનાવીને હિંસાનો ત્યાગ કર્યો છે તેથી યાસીન મલિક જ કાશ્મીરમાં વાસ્તવિક શાંતિ લાવી શકે છે. 

એર તરફ યાસિન મલિક તિહાર જેલમાં તેના પર થઈ રહેલા કહેવાતા અત્યાચારોના વિરોધમાં અનિશ્ચિત ભૂખ હડતાળ પર ઉતર્યો છે ને બીજી તરફ તેની પત્નીએ પત્ર લખ્યો છે. મલિક દંપતિ અત્યારે શાંતિની વાતો કરી રહ્યું છે તેનું કારણ સામે દેખાઈ રહેલું મોત છે. એરફોર્સના ચાર જવાનોની હત્યાના કેસમાં યાસીન મલિકને ૨૫ મે ૨૦૨૨ના રોજ પટિયાલા હાઉસ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (શૈંછ)એ ઉપલી કોર્ટમાં અપીલ કરીને મલિકને ફાંસીની સજાની માગણી કરી છે. કોર્ટ એનઆઈએની માગણી સ્વીકારીને મલિકને ફાંસીએ લટકાવીને કાયમ માટે તેનું બોર્ડ પતાવી દે એવો ખતરો છે. 

આ ખતરાથી ફફડેલા યાસિન મલિકે પણ યુએપીએ કોર્ટમાં કરેલી એફિડેવિટમાં દાવો કર્યો છે કે, પોતે શસ્ત્રો છોડીચૂક્યો છે અને હવે ગાંધીવાદી વિચારધારા પ્રમાણે જીવે છે. તેને હથિયારોના ઉપયોગ કરીને વિરોધ કરવાની પદ્ધતિમાં વિશ્વાસ રહ્યો નથી પણ ગાંધીવાદી પદ્ધતિમાં વધારે વિશ્વાસ હોવાથી ફાંસીની સજા ના થવી જોઈએ. પોતાના સંગઠનને આતંકવાદી સંગઠન ગણાવીને મૂકાયેલા પ્રતિબંધ પણ હટાવી લેવો જોઈએ. 

મુશાલ અને યાસિન મલિક બંને અત્યારે શાંતિ અને અહિંસાની વાતો કરી રહ્યાં છે પણ યાસિન મલિકનો ભૂતકાળ હિંસાથી ખરડાયેલો છે અને તેના હાથ સેંકડો નિર્દોષ લોકોના લોહીથી રંગાયેલા છે. કાશ્મીરમાં ૧૯૯૦ની આસપાસ હિંદુઓને નિશાન બનાવીને શરૂ થયેલા આતંકવાદી હુમલાના ત્રણ મુખ્ય ખલનાયકો સૈયદ સલાહુદ્દીન, યાસિન મલિક અને હઝરત અલી શાહ ગિલાની હતા. 

મલિક બહુ નાની ઉંમરથી આતંકવાદના રવાડે ચડીને હત્યાઓ કરવા માંડેલો. ૧૯૮૩માં ૧૭ વર્ષની ઉંમરે શ્રીનગરમાં ભારત-વેસ્ટ ઈન્ડિઝ વન ડે મેચમાં હુમલાનું કાવતરું ઘડયું ત્યારે એ પહેલી વાર ચર્ચામાં આવેલો. આ કેસમાં જેલમાં ધકેલી દેવાયો પછી ૧૯૮૬માં એ બહાર આવ્યો. બહાર આવીને ઈસ્લામિક સ્ટુડન્ટ્સ લીગ નામે પક્ષ બનાવ્યો. જમ્મુ અને કાશ્મીરમાં ૧૯૮૭માં વિધાનસભાની ચૂંટણી આવી ત્યારે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસનું જોડાણ હતું. એ વખતે પાકિસ્તાનના ઈશારે કાશ્મીરમાં ચૂંટણી રોકવા આતંકવાદ ભડકાવાયો અને સૈયદ સલાહુદ્દીન તથા યાસિન મલિક તેના સૂત્રધાર હતા. 

યાસિન મલિકે પોતે  ભારતના બંધારણને નથી માનતો એવું જાહેર કરીને ૧૯૮૭માં કાશ્મીરની ચૂંટણી વખતે ઉમેદવારો ઉભા નહોતા રાખ્યા પણ સલાહુદ્દીનને મદદ કરેલી.  મલિકે સલાહુદ્દીનની પાર્ટીના ઉમેદવારોને શ્રીનગરની તમામ બેઠકો પરથી જીતાડવાની જવાબદારી લીધેલી. મલિક તેમાં સફળ ના થતાં તોફાન કરાવતાં જેલભેગો કરાયેલો. 

મલિક અને સલાહુદ્દીન બહાર આવ્યા ત્યારે કાશ્મીરમાં લશ્કર આતંકવાદીઓની લાશો પાડતું હતું તેથી બંને પાકિસ્તાન ભાગી ગયા. યાસિન થોડા મહિના પછી પાછો કાશ્મીરમાં આવી ગયો. કાશ્મીરી યુવાનોની આતંકવાદીઓ તરીકે ભરતી કરીને જેકેએલએફના માધ્યમથી કાળો કેર વર્તાવી દીધેલો. પાકિસ્તાનમાં રહીને સલાહુદ્દીન આઈએસઆઈ સાથે મળીને કામ કરતો જ્યારે મલિક ભારતમાં રહીને આતંકવાદ ફેલાવતો. ૧૯૯૨માં એક હુમલામાં ઘાયલ થતાં લશ્કરે તેને ઝડપી લીધેલો. ૧૯૯૪ લગી તે  જેલમાં હતો ત્યારે તેના મોટા ભાગના સાથીઓ લશ્કરની ગોળીઓ ખાઈને પતી ગયેલા કે પછી જેલની હવા ખાતા થઈ ગયેલા. મે ૧૯૯૪માં મલિક બહાર આવ્યો ત્યારે મલિકને લશ્કર પોતાને પણ પતાવી દેશે એવો ખતરો લાગતાં એલાન કર્યું કે, કાશ્મીરની આઝાદી માટે હવે હિંસા નહીં કરીએ ને મહાત્મા ગાંધીના રસ્તે ચાલીને અહિંસક લડત ચલાવીશું.

મલિક ત્યારથી અહિંસક લડતની વાતો કરીને લોકોને ઉલ્લુ બનાવે છે પણ તેનો અસલી ચહેરો આતંકવાદીનો જ છે. એનઆઈએએ કલમ ૩૭૦ની નાબૂદી પછી તેના ફરતે ગાળિયો કસીને તેને ટેરર ફંડિંગના કેસમાં જેલમાં ધકેલી દીધો ત્યારથી મલિક જેલમાં જ છે. યાસીન મલિક એરફોર્સના ચાર જવાનોની હત્યામાં સામેલ હતો. મલિકના સાથીઓએ ૧૯૮૯મા તત્કાલિન કેન્દ્રીય ગૃહમંત્રી મુફતી મોહમ્મદ સઈદની પુત્રી રૂબિયા સઈદનું અપહરણ કરીને ગુસામ નબી ભાટ, નૂહ મુહમ્મદ કંવલ, મુહમ્મદ અલ્તાફ, મુશ્તાક અહમદ ઝરગર એ પાંચ આતંકવાદીને છોડીને રૂબિયાને મુક્ત કરાવી હતી. આ આતંકવાદીઓએ કાશ્મીરમાં સંખ્યાબંધ નિર્દોષ લોકોની હત્યા કરી છે.  મલિકનાં પાપોની યાદી બહુ લાંબી છે એ જોતાં એ ફાંસીને જ લાયક છે. મુશાલ પતિનાં પાપો પર ઢાંકપિછોડો કરવા ભલે મથે પણ મલિક બચે એવી શક્યતા નથી. 

- ખ્યાતનામ અર્થશાસ્ત્રીની પુત્રી મુશાલ ૨૩ વર્ષની ઉંમરે ૨૦ વર્ષ મોટા મલિકના પ્રેમમાં પડેલી

મુશાલ હુસૈન મલિક પાકિસ્તાનના સુધારાવાદી પરિવારની દીકરી છે પણ લગ્ન એકદમ કટ્ટરવાદી રૂઢિચુસ્ત યાસિન મલિક સાથે કર્યાં છે. મુશાલ પાકિસ્તાનના રાજકારણમાં પણ સક્રિય છે અને થોડા સમય પહેલાં પાકિસ્તાનના વડાપ્રધાનની સલાહકાર પણ નિમાઈ હતી. 

 લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં ભણેલી મુશાલના  પિતા એમ.એ. હુસૈન જાણીતા અર્થશાસ્ત્રી હતા જ્યારે માતા રેહાના પાકિસ્તાની મુસ્લિમ લીગનાં નેતા છે. 

ભાઈ હૈદર અલી હુસૈન અમેરિકામાં રહે છે. વિદેશી બાબતોનો નિષ્ણાત હૈદર નેવલ પોસ્ટ ગ્રેજ્યુએટ સ્કૂલમાં પ્રોફેસર છે. મુશાલની બહેન સેબિયન સામાજિક કાર્યકર છે. એમ.એ. હુસૈન જર્મનીમાં બોન યુનિવર્સિટીમાં ઈકોનોમિકિસ ડીપાર્ટમેન્ટના વડા હતા તેથી મુશાલ તથા તેનાં ભાઈ-બહેન વિદેશમાં ઉછર્યાં છે. 

૨૦૦૯માં યાસીન મલિકે મુશાલ હુસૈન સાથે પાકિસ્તાનમાં લગ્ન કર્યા ત્યારે મુશાલ માત્ર ૨૩ વર્ષની હતી જ્યારે મલિક ૪૩ વર્ષનો હતો. 

બંને વચ્ચે ૨૦ વર્ષનો તફાવત હતો. મુશાલનો પરિવાર મૂળ કાશ્મીરી છે તેથી કાશ્મીરને લગતી એક કોન્ફરન્સમાં ૨૦૦૫માં ઇસ્લામાબાદમાં મુશાલની મલિક સાથે મુલાકાત થઈ હતી. 

મુશાલ મલિકના  પ્રેમમાં પડી ગઈ હતી. ચાર વર્ષ સુધી બંને ખાનગીમાં મળતાં રહ્યાં ને છેવટે પરણી ગયાં. એ વખતે એવી ચર્ચા જાગેલી કે, પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈએ પોતાના એજન્ડાને પાર પાડવા બંનેનાં લગ્ન કરાવ્યાં છે. મલિક અસાનીથી પાકિસ્તાન આવન-જાવન કરી શકે એ માટે આ ગોઠવણ કરાઈ છે તેથી લગ્ન લાબું નહીં ટકે પણ આ માન્યતા ખોટી સાબિત થઈ છે. બંનેનાં લગ્નને ૧૫ વર્ષ થઈ ગયાં. આ લગ્નથી થયેલી દીકરી રઝિયા સુલ્તાના ૧૧ વર્ષની છે.

- ન્યુડ પેઈન્ટિંગ્સ માટે જાણીતી મુશાલ કટ્ટરવાદી અને રૂઢિચુસ્તોને નાપસંદ 

મુશાલ હુસૈનનાં યાસિન મલિક સાથેનાં લગ્ને મલિકના કટ્ટરવાદી અને રૂઢિચુસ્ત સાથીઓને નારાજ કરી દીધા હતા. 

મુશાલ પાકિસ્તાનમાં ઈસ્લામના સિધ્ધાંતોને નહીં ગણકારતી બંડખોર મહિલા ગણાય છે. મુશાલ ન્યુડ પેઈન્ટિંગ્સ માટે જાણીતી છે.  મુશાલની કવિતાઓ સ્ત્રીની આઝાદીને લગતી હોવાથી રૂઢિચુસ્ત મુસ્લિમો ભડકે છે.  મલિકના સાથીઓ મહિલાઓએ બુરખો પહેરવો જોઈએ અને શરીરનું એક પણ અંગ બહાર ના દેખાય એ રીતે રહેવું જોઈએ એવી રૂઢિચુસ્ત વિચારધારામાં માને છે ત્યારે મુશાલ પાકિસ્તાનમાં 'રેસી પેઈન્ટર' તરીકે પંકાઈ ગઈ હતી.  

'રેસી પેઈન્ટિંગ'નો અર્થ અશ્લીલ અને અભદ્ર ચિત્રો છે. મુશાલનાં પેઈન્ટિંગ્સમાં એક પણ વ વિના યુવતીઓ પોતાનાં અંગોને હાથથી કે વાળથી ઢાંકતી હોય એવું ચિત્રણ કરાયેલું છે. આ કારણે મલિકના પરિવારમાં મુશાલ સાથેના લગ્નનો વિરોધ થયેલો પણ મલિક ૨૦ વર્ષ નાની બેહદ ખૂબસૂરત અને યુવાન મુશાલ તરફના આકર્ષણને ના દબાવી શકતાં ૪ વર્ષ પછી લગ્ન કરી લીધાં. 

લગ્ન પછી મુશાલે મોટો ભાગ પાકિસ્તાનમાં એકલાં જ પસાર કર્યો છે. મુશાલ સિંગલ પેરન્ટ તરીકે દીકરીનો ઉછેર કરી રહ્યાં છે. મુશાલ ૨૦૧૪ સુધી પાંચ વખત ભારત આવ્યાં હતાં પણ કેન્દ્રમાં મોદી સરકાર આવી પછી ભારતના વિઝા મળતા બંધ થઈ ગયા તેથી મલિક પાકિસ્તાન આવે ત્યારે જ બંનેનું મિલન શક્ય બનતું. 

છેલ્લે ૨૦૧૯માં કલમ ૩૭૦ નાબૂદ કરાઈ તેના એક દિવસ પહેલાં ૪ ઓગસ્ટે મુશાલ અને મલિક મળ્યાં હતાં.

News-Focus

Google NewsGoogle News