Get The App

મમતા-અખિલેશનો કેજરીવાલને ટેકોઃ ઈન્ડિયા મોરચાનું અચ્યુતમ કેશવમ

Updated: Jan 10th, 2025


Google NewsGoogle News
મમતા-અખિલેશનો કેજરીવાલને ટેકોઃ ઈન્ડિયા મોરચાનું અચ્યુતમ કેશવમ 1 - image


- અખિલેશે તો કોંગ્રેસનું અપમાન કરી નાખતા એવી કોમેન્ટ કરી હતી કે કોંગ્રેસમાં ભાજપને હરાવવાની તાકાત નથી માટે સમાજવાદી પક્ષ દિલ્હીમાં 'આપ'ને ટેકો આપશે

- ભાજપને હરાવવા માટે રચાયેલા ઈન્ડિયા બ્લોકનું અચ્યુતમ કેશવમ થઈ ગયું એ દેશના રાજકારણની નોંધપાત્ર ઘટના કહેવાય પણ તેના કારણે દેશના રાજકારણમાં કોઈ ફરક નહીં પડે. ઈન્ડિયા બ્લોકની સૌથી નોંધપાત્ર અસર લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં વર્તાઈ હતી. સપા-કોંગ્રેસ જોડાણે કરેલા જોરદાર દેખાવના કારણે ભાજપની બેઠકોમાં સીધો 30નો ઘટાડો થઈ ગયેલો ને ભાજપને સ્પષ્ટ બહુમતી ના મળી તેમાં મુખ્ય કારણ યુપીમાં ભાજપનો ધબડકો હતો. યુપીમાં ચૂંટણીને સવા બે વરસની વાર છે એ જોતાં ઈન્ડિયા બ્લોકના ઉઠમણાની અત્યારે અસર નહીં પડે, યુપીની ચૂંટણી વખતે કોંગ્રેસ ને સપા પાછાં સાથે બેસી પણ જાય.

નવી દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ એ પહેલાંથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જંગ જામી ગયેલો તેના કારણે કોંગ્રેસ સહિતના વિપક્ષોએ ભાજપ સામે લડવા માટે બનાવેલા ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇન્કલુઝીવ એલાયન્સ (ૈં.શ.ઘ.ૈં.છ.)ના ભાવિ સામે સવાલો ઉભા થવા માંડેલા. 

કેન્દ્રીય ચૂંટણી પંચે દિલ્હી વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી એ સાથે જ ઈન્ડિયા બ્લોકનું નામુ નંખાઈ ગયું હોવાનું સ્પષ્ટ થઈ ગયું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ ચૂંટણીમાં સામસામે લડી રહ્યાં છે ત્યારે ઈન્ડિયા બ્લોકના બીજા પક્ષો તટસ્થ રહેશે એવી ધારણા હતી પણ મમતા બેનરજી અને અખિલેશ યાદવ બંનેએ આ ધારણા ખોટી પાડીને આમ આદમી પાર્ટીને સમર્થન આપવાની જાહેરાત કરી છે. 

અખિલેશ યાદવની લોકસભામાં ૩૭ બેઠકો છે જ્યારે મમતા બેનરજીની ૩૧ બેઠકો છે. કોંગ્રેસની ૯૯ બેઠકો છે તેની સામે આ બે પક્ષોની ૬૮ બેઠકો થઈ જાય છે એ જોતાં ઈન્ડિયા મોરચામાં બંને વજન ધરાવતા પક્ષો છે. આ બંને પક્ષો કોંગ્રેસને બદલે કેજરીવાલને પડખે ઉભા રહ્યા તેનો સીધો અર્થ એ થાય કે, ઈન્ડિયા બ્લોકનું નેતૃત્વ કોંગ્રેસ પાસે રહ્યું નથી.

સમાજવાદી પાર્ટીના મુખિયા અખિલેશ યાદવે તો દિલ્હીની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને સમર્થન આપવાની જાહેરાત જ નથી કરી પણ સમાજવાદી પાર્ટી દિલ્હી વિધાનસભાની ચૂંટણી નહીં લડે એવું એલાન પણ કરી દીધું છે. અખિલેશે તો કોંગ્રેસનું અપમાન કરી નાખતાં એવી કોમેન્ટ પણ કરી કે, કોંગ્રેસમાં ભાજપને હરાવવાની તાકાત નથી. અખિલેશ યાદવે સાફ શબ્દોમાં કહ્યું છે કે, ભાજપને હરાવે તેને સપા સમર્થન આપશે અને કોંગ્રેસ પાસે દિલ્હીમાં મજબૂત સંગઠન નથી તેથી અમારી પાર્ટી આમ આદમી પાર્ટીને સમર્થન આપશે. હું આમ આદમી પાર્ટી માટે પ્રચાર કરીશ અને તેના નેતાઓ સાથે સ્ટેજ શેર કરીશ કેમ કે આપ જ દિલ્હીમાં ભાજપને હરાવી શકે તેમ છે. મમતા અને અખિલેશે કેજરીવાલને ટેકો આપ્યો એ પૂરતું ના હોય એમ જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા અને બિહારમાં મુખ્ય વિરોધ પક્ષ રાષ્ટ્રીય જનતા દળના તેજસ્વી યાદવ પણ કૂદી પડયા છે. બંનેએ ઈન્ડિયા મોરચાનું અસ્તિત્વ હવે રહ્યું નથી એવું સીધા શબ્દોમાં કહી દીધું છે. 

તેજસ્વીના કહેવા પ્રમાણે, ઈન્ડિયા મોરચો લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવા બનાવાયો હતો પણ લોકસભાની ચૂંટણી પતી એટલે ઈન્ડિયા મોરચો પણ ગયો. રાત ગઈ, બાત ગઈ. તેજસ્વીના કહેવા પ્રમાણે, કોંગ્રેસ અને આપ લડે તેમાં કશું અસ્વાભાવિક નથી. કોંગ્રેસ માટે રાહતની વાત એ છે કે. તેજસ્વીએ બિહારમાં કોંગ્રેસને કોરાણે નહીં મૂકે એવું વચન આપ્યું છે. તેજસ્વીના કહેવા પ્રમાણે, કોંગ્રેસ સાથે તેમનું જૂનું ગઠબંધન છે તેથી એ ચાલુ રહેશે. 

ઉમરે પણ તેજસ્વીની વાતમાં સૂર પુરાવ્યો છે. ઉંમરના કહેવા પ્રમાણે; ઈન્ડિયા મોરચા માટે કોઈ સમય મર્યાદા નક્કી કરાઈ ન હતી અને આ જોડાણ લોકસભાની ચૂંટણી માટે હતું એ જોતાં તેને ખતમ કરી દેવું જોઈએ. ઉંમરે પોતાને દિલ્હીની ચૂંટણી સાથે કોઈ લેવાદેવા નથી એવી સ્પષ્ટતા કરીને કહ્યું છે કે, ઈન્ડિયા એલાયન્સની કોઈ બેઠક યોજાતી નથી તેથી તેનો એજન્ડા, નેતૃત્વ કે આપણા અસ્તિત્વ વિશે કોઈ સ્પષ્ટતા નથી. આ સંજોગોમાં તેનો વીંટો વાળી દેવો જોઈએ. 

ઉમરે સત્તાવાર રીતે ઈન્ડિયા મોરચાનો વીંટો વાળવાની વાત કરી છે પણ વાસ્તવમાં તેનો વીંટો લોકસભાની ચૂંટણી પછી તરત જ વળી જ ગયો છે. લોકસભાની ચૂંટણી વખતે મમતા બેનરજી તો કોંગ્રેસની સામે હતાં ને પશ્ચિમ બંગાળમાં એકલા હાથે ચૂંટણી લડેલાં. મમતાએ તો થોડા સમય પહેલાં ઈન્ડિયા મોરચાના નેતૃત્વનો મુદ્દો પણ ઉઠાવેલો તેથી મમતા કેજરીવાલને પડખે ઉભાં રહે એ સ્વાભાવિક છે પણ પણ અખિલેશ યાદવ, અરવિંદ કેજરીવાલ, ઉમર અબ્દુલ્લા અને તેજસ્વી યાદવ એ ચારેય કોંગ્રેસ સાથે બેઠકોની વહેંચણી કરીને લડેલાં. 

ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે જોડાણ કરીને ૮૦માંથી ૩૭ બેઠકો જીતેલી જ્યારે કોંગ્રેસને છ બેઠકો મળેલી. તેની સામે ભાજપને માત્ર ૩૩ બેઠકો મળતાં કારમી હાર થઈ હતી. યુપીમાં કોંગ્રેસના કારણે સપાને ફાયદો થયો કે સપાને કારણે કોંગ્રેસને ફાયદો થયો એ વિશે બંને સામસામા દાવા કરે છે પણ દિલ્હીની ચૂંટણીના મુદ્દે અખિલેશે લીધેલા વલણ પરથી સ્પષ્ટ છે કે, અખિલેશ કોંગ્રેસને ગંભીરતાથી લેતા નથી ને પોતાને કોંગ્રેસની જરૂર છે એવું માનતા પણ નથી. 

આ જ માનસિકતા ઉમર અબ્દુલ્લાની પણ છે. ઉંમર અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સ સાથે તો કોંગ્રેસે લોકસભાની ચૂંટણી માટે જ નહીં પણ જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણીમાં પણ જોડાણ કરેલું. જો કે આ જોડાણ જીત્યું પછી કોંગ્રેસ ઉમરની સરકારમાં નથી જોડાઈ. ઉંમરે કોઈ આગ્રહ પણ કર્યો નહીં કેમ કે સત્તા ટકાવવા માટે ઉમર અબ્દુલ્લાને કોંગ્રેસના ટેકાની જરૂર નથી. તેનો મતલબ એ થાય કે, ઉમરને પણ કોંગ્રેસની પડી નથી. તેજસ્વી કોંગ્રેસ વિરોધી વલણ ખુલ્લેઆમ લીધું નથી કેમ કે હમણાં બિહારમાં કોઈ ચૂંટણી નથી ને દિલ્હીની ચૂંટણીમાં તેજસ્વીને કોઈ રસ નથી પણ ભવિષ્યમાં એ પણ કોંગ્રેસને કોરાણે મૂકી શકે છે.  બિહારમાં આ વરસના એપ્રિલમાં વિધાનસભાની ચૂંટણી છે. નીતિશ કુમાર એ પહેલાં પલટી મારીને તેજસ્વી સાથે હાથ મિલાવી લે તો તેજસ્વી કોંગ્રેસને પણ કોરાણે મૂકી શકે. ઈન્ડિયા બ્લોકનું અચ્યુતમ કેશવમ થઈ ગયું એ દેશના રાજકારણની નોંધપાત્ર ઘટના કહેવાય પણ તેના કારણે દેશના રાજકારણમાં કોઈ ફરક નહીં પડે. ઈન્ડિયા બ્લોકની સૌથી નોંધપાત્ર અસર યુપીની ચૂંટણીમાં વર્તાઈ હતી. સપા-કોંગ્રેસ જોડાણે કરેલા જોરદાર દેખાવના કારણે ભાજપની બેઠકોમાં સીધો ૩૦નો ઘટાડો થઈ ગયેલો ને ભાજપને સ્પષ્ટ બહુમતી ના મળી તેમાં મુખ્ય કારણ યુપીમાં ભાજપનો ધબડકો હતો. 

યુપીમાં ચૂંટણીને સવા બે વરસની વાર છે એ જોતાં ઈન્ડિયા બ્લોકના ઉઠમણાની અત્યારે અસર નહીં પડે, યુપીની ચૂંટણી વખતે કોંગ્રેસ ને સપા પાછાં સાથે બેસી પણ જાય. 

માકને પ્રેસ કોન્ફરન્સ મોકૂફ રાખતાં કોંગ્રેસ-કેજરીવાલ વચ્ચે અંદરખાને સેટિંગની વાત

દિલ્હીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે વિધાનસભાની ચૂંટણીમાં જંગ થશે એ નક્કી જ હતું. 

અરવિંદ કેજરીવાલને કોંગ્રેસના નામથી જ અણગમો છે પણ શરદ પવાર સહિતના નેતા ગમે તે રીતે મનાવીને લઈ આવેલા તેથી કેજરીવાલે લોકસભાની ચૂંટણી વખતે દિલ્હીમાં કોંગ્રેસ સાથે જોડાણ કરેલું જ્યારે પંજાબની તમામ ૧૩ લોકસભા બેઠકો પર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સામસામે લડયાં હતાં. દિલ્હીમાં કોંગ્રેસ સાથે જોડાણ છતાં આમ આદમી પાર્ટી લોકસભાની ચૂંટણીમાં એક પણ બેઠક ના જીતી શકી પછી કેજરીવાલને પણ કોંગ્રેસ સાથે બેસવામાં રસ નહોતો રહ્યો. દિલ્હીમાં તો કેજરીવાલ સળંગ બે વાર જબરદસ્ત બહુમતી સાથે જીત્યા છે એ જોતાં કોંગ્રેસ સાથે જોડાણ કરે એ વાતમાં માલ જ નહોતો.

મીડિયાના એક વર્ગમાં એવી વાતો પણ ચાલી રહી છે કે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અંદરખાને મળી ગયેલાં છે અને દેખાવ ખાતર જાહેરમાં લડવાનો દેખાવ કરે છે. 

કેજરીવાલનું રાહુલ-પ્રિયંકા સાથે સેટિંગ છે જ. કોંગ્રેસના ટોચના નેતા અજય માકને કેજરીવાલ દેશવિરોધી હોવાના પુરાવા આપવા માટે પ્રેસ કોન્ફરન્સની જાહેરાત કરી હતી પણ છેલ્લી ઘડીએ આ પ્રેસ કોન્ફરન્સ મોકૂફ રખાઈ હતી. રાહુલ-પ્રિયંકાના ફરમાનના કારણે માકને છેલ્લી ઘડીએ પાણીમાં બેસવું પડેલું એવું કહેવાય છે.

ઈન્ડિયા મોરચામાં નેતૃત્વના મુદ્દે હુંસાતુસી, હરિયાણા-મહારાષ્ટ્રમાં હારથી કોંગ્રેસ નબળી પડી

ઈન્ડિયા બ્લોકમાં નેતૃત્વના મુદ્દે ભારે હુંસાતુંસી ચાલી રહી છે. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે પ્રમાણમાં સારો દેખાવ કરીને ૯૯ બેઠકો જીતતાં નેતૃત્વનો મુદ્દો દબાઈ ગયેલો પણ હરિયાણા અને પછી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસની ભૂંડી હાર થતાં નેતૃત્વનો મુદ્દો પાછો ગાજ્યો છે. 

મમતા બેનરજીએ ઈન્ડિયા મોરચાનું નેતૃત્વ પોતાને મળવું જોઈએ એવી માગ કરેલી ને લાલુ પ્રયાદ યાદવે આ વાતને ટેકો આપેલો. સમાજવાદી પાર્ટીના નેતા વળી અખિલેશ યાદવને નેતૃત્વ આપવાની તરફેણ કરે છે તેથી ઘમાસાણ જામેલું છે. 

કોંગ્રેસ અત્યારે લોકસભામાં સૌથી મોટો વિપક્ષ છે એ સાચું પણ ભાજપને ટક્કર આપવામાં કોંગ્રેસ કાચી પડે છે એ વાત પણ સાચી છે. ભાજપ અને કોંગ્રેસની સીધી ટક્કર છે એવાં ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, કર્ણાટક, આસામ, હિમાચલ પ્રદેશ વગેરે રાજ્યોમાં લોકસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસ ભાજપને પછાડી શકી નહોતી. આ પૈકી એક પણ રાજ્યમાં કોંગ્રેસને ભાજપ કરતાં વધારે બેઠકો મળી નથી એ જોતાં કોંગ્રેસના નબળા દેખાવના કારણે ભાજપ સત્તામાં છે એ સ્પષ્ટ છે.

News-Focus

Google NewsGoogle News