બાંગ્લાદેશમાં 'ઓપરેશન ડેવિલ હંટ', વિરોધીઓને સાફ કરવા યુનુસનો નવો દાવ
- ઓપરેશન ડેવિલહંટ ખરેખર તો ગુંડાગીરી અને હિંસા રોકવા માટેનું છે પરંતુ હવે શેખ હસીનાના કાર્યકરોને ઉઠાવી જેલ ભેગા કરવા માટેનું બની ગયું છે
- બાંગ્લાદેશમાં કટ્ટરવાદી જમાત સહિતના રાજકીય પક્ષોના કાર્યકરો હિંદુ સહિતની લઘુમતીને તો ટાર્ગેટ કરી જ રહ્યા હતા પણ હવે અવામી લીગના નેતાઓના ઘરો પર હુમલા કરી રહ્યા છે, તેમની સંપત્તિની લૂંટ કરી રહ્યા છે, ઘરોને આગ લગાડી રહ્યા છે અને ઘણા કિસ્સામાં તો બહેન-દીકરીઓને ઉઠાવી જઈને બળાત્કાર પણ કરાયા છે. યુનુસની સરકાર કે લશ્કર તોફાનીઓને રોકવા કશું નથી કરી રહ્યાં તેથી અવામી લીગના કાર્યકરો-નેતાઓએ પોતે જ હથિયારો ઉઠાવીને રક્ષા કરવા માંડી છે. યુનુસની સરકાર તેને દેશદ્રોહ ગણાવીને તેમને જ જેલમાં ધકેલીને કટ્ટરવાદીઓને મોકળું મેદાન આપી રહી છે.
બાંગ્લાદેશ પાછું ભડકે બળવા માંડયું છે અને લોકો સામસામે જતાં મુહમ્મદ યુનુસની વચગાળાની સરકારે 'ઓપરેશન ડેવિલ હંટ' શરૂ કરવું પડયું છે. યુનુસે 'ઓપરેશન ડેવિલ હંટ'નો આદેશ આપવો પડયો તેનિં કારણ વિદ્યાર્થી સંગઠનોની ધમકી છે. શેખ હસીનાની અવામી લીગ સરકારમાં મંત્રી રહી ચૂકેલા એકએમ મુઝમ્મલ હકના ઢાકાની બહારના વિસ્તારમાં આવેલા ઘર પર કટ્ટરવાદીઓએ હુમલો કરીને સળગાવી દીધું હતું.
વિદ્યાર્થીઓને ખબર પડતાં કેટલાક વિદ્યાર્થીઓ હુમલાને રોકવા અને લોકોને બચાવવા માટે ગયા હતા પણ કટ્ટરવાદીઓ અને ગુંડાઓએ તેમને પણ ફટકારીને તગેડી મૂક્યા. તેનાથી ગુસ્સે ભરાયેલાં સંગઠનોએ અલ્ટિમેટમ આપ્યું છે કે, હુમલા અને હિંસા બંધ નહીં થાય તો મંગળવારથી આખા દેશમાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરશે અને ઉગ્ર આંદોલન છેડશે. કટ્ટરવાદીઓના ખોળામાં બેસી ગયેલા યુનુસને આ નવી આફત પરવડે તેમ નથી એટલે તેમણે 'ઓપરેશન ડેવિલ હંટ'નું ફરમાન કરી દીધું.
'ઓપરેશન ડેવિલ હંટ'નો ઉદ્દેશ સત્તાવાર રીતે ગુંડાગીરી અને હિંસાનો રોકવાનો છે પણ વાસ્તવમાં 'ઓપરેશન ડેવિલ હંટ' હેઠળ શેખ હસીનાની અવામી લીગના કાર્યકરો-નેતાઓને ઉઠાવીને જેલભેગા કરાઈ રહ્યા છે. યુનિસ દ્વારા વિરોધીઓને સાફ કરી નાંખવા કટ્ટરવાદીઓને હુમલા કરવા આડકતરું પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. તેના કારણે લોકોમાં ભારે આક્રોશ છે અને આ આક્રોશ બહુ જલદી મોટા વિસ્ફોટમાં ફેરવાશે એવી આગાહીઓ થઈ રહી છે.
બાંગ્લાદેશમાં કટ્ટરવાદી જમાત સહિતના રાજકીય પક્ષોના કાર્યકરો હિંદુ સહિતની લઘુમતીને તો ટાર્ગેટ કરી જ રહ્યા હતા પણ હવે અવામી લીગના નેતાઓના ઘરો પર હુમલા કરી રહ્યા છે, તેમની સંપત્તિની લૂંટ કરી રહ્યા છે, ઘરોને આગ લગાડી રહ્યા છે અને ઘણા કિસ્સામાં તો બહેન-દીકરીઓને ઉઠાવી જઈને બળાત્કાર પણ કરાયા છે.
યુનુસની સરકાર કે લશ્કર તોફાનીઓને રોકવા કશું નથી કરી રહ્યાં તેથી અવામી લીગના કાર્યકરો-નેતાઓએ પોતે જ હથિયારો ઉઠાવીને રક્ષા કરવા માંડી છે. યુનુસની સરકાર તેને દેશદ્રોહ ગણાવીને તેમને જ જેલમાં ધકેલીને કટ્ટરવાદીઓને મોકળું મેદાન આપી રહી છે.
કટ્ટરવાદીઓએ અવામી લીગના નેતાઓને ટાર્ગેટ કરવાની શરૂઆત શેખ હસીનાના પિતા અને બાંગ્લાદેશના સર્જક શેખ મુજીબુર રહેમાનના ઢાકામાં આવેલા ઘર ધનમોન્ડી ૩૨ને સળગાવી દઈને કરેલી. કટ્ટરવાદીઓએ મુજીબુરના ઘરને સળગાવ્યા પછી સંતોષ નહીં થયો હોય એટલે હથોડા, પાવડા, કોદાળી વગેરેથી ઘરમાં તોડફોડ પણ કરી. ક્રેન અને એક્સેવેટર પણ લવાયાં અને મકાનને જમીદોસ્ત જ કરી દેવાયું.
કલાકો લગી ચાલેલી આ તોડફોડને રોકવા માટે ના પોલીસ આવી કે ના લશ્કર આવ્યું. તેના પરથી સ્પષ્ટ છે કે, સત્તામાં બેઠેલા લોકો અને આર્મીની રહેમનજર હેઠળ આ અપકૃત્ય કરાયેલું. એ પાછળનો ઉદ્દેશ પણ સ્પષ્ટ છે. મુજીબુર રહેમાન અને તેમના પરિવાર સાથે જોડાયેલી તમામ યાદોને મિટાવી દો અને બાંગ્લાદેશના ઈતિહાસમાંથી મુજીબુરના યોગદાનને પણ ભૂંસી નાંખો.
શેખ હસીનાએ આ કૃત્યને વખોડતાં રૂંધાયેલા અવાજે રેકોર્ડ કરેલો વીડિયો મેસેજ બહાર પાડેલો. હસીનેએ કહેલું કે, એ લોકો એક બિલ્ડિંગને ખતમ કરી શકે છે પણ ઈતિહાસને નહીં. હસીનાએ આ કૃત્ય કરનારાં તેની કિંમત ચૂકવશે એવી ધમકી આપતાં એમ પણ કહેલું કે, એ લોકોએ યાદ રાખવું પડશે કે, ઈતિહાસ પોતાનો બદલો લે જ છે.
ઈતિહાસ બદલો લેશે કે નહીં એ ખબર નથી પણ મુજીબુરના મકાનને તોડવાથી તેની સાથે ઈતિહાસને ભૂંસી શકાવાનો નથી એ હકીકત છે. મુજીબુર રહેમાને ૧૯૫૦ના દાયકામાં જ પાકિસ્તાનથી અલગ બાંગ્લાદેશની રચનાનો ઝંડો ઉઠાવી દીધેલો તેથી પાકિસ્તાની સત્તાવાળાઓ માટે મુજીબુર વિલન હતા.
મુજીબુર પાસે ઢાકામાં પોતાનું ઘર નહોતું તેથી ભાડે રહેતા પણ પાકિસ્તાની આર્મીના દબાણ હેઠળ થોડા-થોડા મહિને ઘર ખાલી કરી દેવું પડતું.
આ રઝળપાટથી કંટાળીને મુજીબુરનાં પત્ની ફઝિલતુન્નિસાએ ઢાકાની બહારના વિસ્તારમાં પોતાની બચતમાંથી પોતાના નામે પ્લોટ ખરીદેલો અને સંબંધીઓ પાસેથી લોન લઈને ઘર બાંધવા માંડયું. પાકિસ્તાની આર્મીથી બચવા માટે પ્લોટની ખરીદી અને બાંધકામની વિગતો સંપૂર્ણ ખાનગી રખાયેલી. હજુ મકાન બનતું જ હતું ને ત્રણ જ રૂમ બનેલા ત્યારે જ મુજીબુરનો પરિવાર રહેવા આવી ગયેલો કે જેથી લશ્કરને ખબર પડે તો બાંધકામ અટકાવીને મકાનને તોડી ના નાંખે.
એક વાર મુજીબુર રહેવા આવી ગયા પછી તેમના સમર્થક હજારોની સંખ્યામાં આસપાસ રહેતા તેથી આર્મી કશું કરી શકે તેમ નહોતી. મુજીબુરે પછીથી મકાનને મોટું કરાવ્યું અને પોતાની ઓફિસ પણ અહીં શરૂ કરી. પાકિસ્તાન સામે લડવા માટેની યોજનાએ અહીં ઘડાવા લાગી અને ૧૯૬૨માં મુજીબુરે જનરલ અયુબખાન સામેની કૂચ પોતાના ઘરેથી શરૂ કરી પછી તો ધનમોન્ડી ૩૨ આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતું થઈ ગયું. મુજીબુર રહેમાને પૂર્વ પાકિસ્તાનને સ્વાયત્તતા આપવાની માગનું એલાન આ જ ઘરમાં ઉભા રહીને કરેલું અને બાંગ્લાદેશના સર્જન માટેની લડત પણ અહીંથી ચલાવી. ૧૯૭૫માં મુજીબુરના પરિવારનાં ૩૭ લોકોની કત્લ પણ આ જ ઘરમાં થઈ હતી. બિલ્ડિંગ ધરાશાયી થઈ જતાં આ ઈતિહાસ ભૂંસાઈ જવાનો નથી એવી હસીનાની વાત સાચી છે.
જો કે કટ્ટરવાદીઓ હુમલા કરી રહ્યા છે એ બધાં ઘરો સાથે ઈતિહાસ જોડાયેલો નથી. ધનમોન્ડી ૩૨માં કોઈ રહેતું નહોતું પણ મ્યુઝિયમ બનાવી દેવાયેલું તેથી તેને તોડી પાડવાથી કોઈ બેઘર નથી થયું. બીજાં ઘરોમાં લોકો રહે છે અને કટ્ટરવાદીઓના હુમલાનો ભોગ બનીને જીવ પણ ગુમાવે છે, બહેન-દીકરીઓની ઈજ્જત પણ લૂંટાય છે તેથી તેમના માટે તો અસ્તિત્વનો સવાલ છે.
યુનુસને તેની કંઈ પડી નથી. યુનુસને બાંગ્લાદેશના સર્વસત્તાધીશ બનવાના અભરખા છે અને લશ્કર તેમને પંપાળી રહ્યું છે. આ કારણે એ ચૂંટણી કરાવવાનું નામ નથી લેતા ને હવે 'ઓપરેશન ડેવિલ હંટ' મારફતે રાજકીય વિરોધીઓને પણ ઠેકાણે પાડી રહ્યા છે.
- હિંદુઓ પર હુમલાની ૧૨૫૪ ઘટનાઓ પણ માત્ર ૭૦ની ધરપકડ
બાંગ્લાદેશમાં હિંદુઓ પર સતત હુમલા ચાલુ જ છે. ભારત સરકારે આપેલી માહિતી પ્રમાણે, ૨૬ નવેમ્બર, ૨૦૨૪થી ૨૫ જાન્યુઆરી,૨૦૨૫ના બે મહિનાના ગાળામાં જ બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલાની ૭૬ ઘટનાઓ બની છે. ૬૦ દિવસમાં ૭૬ હુમલાનો અર્થ એ થાય કે, દરરોજ ક્યાંક ને ક્યાંક હિંદુઓ પર હુમલો થાય જ છે. હિંદુ સંગઠનોના કહેવા પ્રમાણે, આ આંકડો બાંગ્લાદેશ સરકારે આપેલો છે. હિંદુઓ પર હુમલાના મોટા ભાગના કેસોમાં ફરિયાદ જ નથી નોંધાતી એ જોતાં વાસ્તવિક આંકડો તેના કરતાં દસ ગણો વધારે હોઈ શકે છે. ભારત સરકારે લોકસભામાં આપેલી માહિતી પ્રમાણે, ૨૦૨૪ના ઓગસ્ટથી અત્યાર સુધીમાં બાંગ્લાદેશમાં ૨૩ હિંદુઓની હત્યા કરાઈ છે અને ૧૫૨ મંદિરો પર હુમલા થયા છે. બાંગ્લાદેશે ૧૦ ડીસેમ્બર, ૨૦૨૪ના રોજ ભારત સરકારને માહિતી આપી હતી કે, બાંગ્લાદેશમાં હિંદુઓ સહિતની લઘુમતીઓ પર હુમલાના ૧૨૫૪ બનાવો બન્યા છે. આ પૈકીના ૮૮ કેસોના સંદર્ભમાં ૭૦ લોકોની ધરપકડ કરાઈ છે.
બાંગ્લાદેશે સત્તાવાર રીતે નોંધાયેલા હુમલાના કેસોના ૧૦ ટકા કેસોમાં પણ કાર્યવાહી કરી નથી. ૧૨૫૪ બનાવો સામે માત્ર ૭૦ લોકોની ધકપકડ કરાઈ તેના પરથી સ્પષ્ટ છે કે, મુહમ્મદ યુનુ,ને હિંદુઓ પર હુમલા કરનારાંને કશું પણ કરવામાં રસ નથી. કમનસીબે ભારતની કહેવાતી હિંદુવાદી સરકારને પણ રાજદ્વારી રીતે રજૂઆત કરવા સિવાય બીજું કશું કરવામાં રસ નથી તેથી બાંગ્લાદેશી હિંદુઓ બિલકુલ ભગવાન ભરોસે છે.
- બે એક્ટ્રેસ પર દેશદ્રોહનો કેસ ઠોકીને જેલભેગી કરી દેવાઈ
બાંગ્લાદેશમાં મુહમ્મદ યુનુસ સરમુખત્યાર તરીકે વર્તી રહ્યા છે. યુનુસ પોતાની સામે ઉઠનારા દરેક અવાજને દાબી દેવામાં માને છે તેથી રાજકીય કાર્યકરોને તો ઉઠાવીને જેલમાં ધકેલાઈ રહ્યા જ છે પણ સેલિબ્રિટીઝને પણ અંદર કરાઈ રહ્યા છે. બાંગ્લાદેશની બે જાણીતી અભિનેત્રીઓ મેહર અફરોઝ શાઓન અને સોહાના સબાની ધરપકડ તેનો પુરાવો છે. બંને એક્ટ્રેસ સામે દેશદ્રોહનો કેસ કરીને જેલભેગી કરી દેવાઈ હતી. આ પૈકી હોહા થતાં અફરોઝને બીજા દિવસે છોડી દેવાઈ પણ સબાનો છૂટકારો થયો નથી.
અફરોઝના પિતા મોહમ્મદ અલી એન્જિનિયર છે જ્યારે તેનાં માતા તાહુરા ૧૯૯૬માં શેખ હસીનાની અવામી લીગનાં સાંસદ હતાં. નારુન્દીમાં તેમનું પૈતૃક ઘર આવેલું છે. યુનુસ સમર્થકોએ આ ઘર સળગાવી દીધું તેની અફરોઝે ટીકા કરી હતી તેમાં તો તેને જેલભેગી કરી દેવાઈ. ૪૩ વર્ર્ષની અફરોઝ નેશનલ એવોર્ડ વિજેતા અભિનેત્રી-ગાયિકા છે.
અફરોઝના પતિ હુમાયુ અહમદ બાંગ્લાદેશના સૌથી મહાન લેખક હતા. ૨૦૦ કરતાં વધુ પુસ્તકો લખનારા હુમાયુને પાકિસ્તાની મીડિયાએ બાંગ્લાદેશના કલ્ચરલ લીજેન્ડ ગણાવેલા છે. ૨૦૧૨માં તેમના નિધન પછી અફરોઝે લગ્ન નથી કર્યા અને બે સંતાનોને ઉછેરી રહી છે. અફરોઝની ટીકાને હકારાત્મક રીતે લેવાના બદલે જેલમાં ધકેલી દેવાઈ હતી.
સોહાના સબા પણ નેશનલ એવોર્ડ વિજેતા એક્ટ્રેસ છે. શેખ હસીનાના શાસન વખતે વિદ્યાર્થીઓ તોડફોડ અને હિંસા ફેલાવી રહ્યા હતા તેની સબાએ ટીકા કરી હતી. એ ટીકા બદલ સબાને જેલમાં ધકેલી દેવાઈ હતી.