પુતિનની અમેરિકાને પુષ્પા સ્ટાઈલમાં ચીમકી, ઝૂકેગા નહીં સાલા...
- રશિયાના પુતિનની સ્પષ્ટ વાત : અમેરિકા વિશ્વમાં શાંતિ ઇચ્છતું હોય તો યુક્રેનને શસ્ત્રો અને બીજી સહાય આપવાનું બંધ કરવું જોઈએ
- અમેરિકાનો ટોચનો ટીવી શો હોસ્ટ કાર્લસન પુતિનનો ઈન્ટરવ્યૂ લેવા જવાનો હોવાની વાત બહાર આવી ત્યારથી તેના માથે માછલાં ધોવાવાં શરૂ થઈ ગયેલાં. પુતિન કાર્લસનનો ઉપયોગ પોતાના પ્રોપેગેન્ડા અમેરિકા તથા તેના સાથી દેશોના લોકો સુધી પહોંચાડવા માટે કરવા માગે છે, કાર્લસનને હાથો બનાવવા માગે છે તેથી કાર્લસને ઈન્ટરવ્યૂ લેવાથી દૂર રહેવું જોઈએ એવી વણમાગી સલાહ પણ કેટલાકે આપી હતી. કાર્લસને આ સલાહને ગણકારી નહીં કેમ કે તેને પણ પુતિનનો ઈન્ટરવ્યૂ કરીને છવાઈ જવાના ધખારા હતા. ઈન્ટરવ્યૂ જોયા પછી પુતિને કાર્લસનને વાપરી લીધો છે એ વાત સાવ સાચી પડી છે.
અમેરિકાના સેલિબ્રિટી ટીવી શો એંકર ટકર કાર્લસને લીધેલો રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનનો ઈન્ટરવ્યુ પ્રસારિત થઈ ગયો.
રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું એ પછી કોઈ અમેરિકન કે વેસ્ટર્ન મીડિયાના પત્રકારને પુતિને ઈન્ટરવ્યૂ આપ્યો હોય એવું પહેલી વાર બન્યું તેથી આ ઈન્ટરવ્યુ અંગે ભારે ઉત્તેજના હતી.
પુતિન અમેરિકા સહિતના દેશો સાથે સમાધાનની કોઈ દરખાસ્ત કાર્લસન મારફતે મૂકશે એવું મનાતું હતું પણ એવું કશું થયું નહીં ને ગાજ્યા મેઘ વરસ્યા નહીં જેવો ઘાટ થઈ ગયો.
લગભગ બે કલાકના ઈન્ટરવ્યૂમાં પુતિને ઘણી બધી વાતો કરી છે પણ એ બધી વાતોનો સાર એક જ છે કે, રશિયાએ યુક્રેન પર કરેલા આક્રમણમાં કશું ખોટું નથી અને અમેરિકા તથા યુરોપ ભેગાં મળીને પણ રશિયાને હરાવી શક્યાં નથી ત્યારે યુધ્ધના ધખારા મૂકીને શાંતિ રાખવી જોઈએ. અમેરિકા તથા પશ્ચિમના દેશો યુક્રેનને મદદ કરવાનું બંધ કરશે તો આપોઆપ યુક્રેન ઠંડું પડી જશે ને યુધ્ધ પણ ઠડું પડી જશે. અમેરિકા વિશ્વમાં શાંતિ ઈચ્છતું હોય તો અમેરિકાએ યુક્રેનને શસ્ત્રો આપવાનું બંધ કરવું જોઈએ અને બીજી સહાય પણ ના કરવી જોઈએ.
પુતિનની આ વાતોનું એવું અર્થઘટન કરાયું છે કે, પુતિને અમેરિકા તથા પશ્ચિમના દેશો તરફ દોસ્તીનો હાથ લંબાવ્યો છે પણ વાસ્તવમાં પુતિને અમેરિકા તથા તેના સાથી દેશોને આડકતરી ધમકી આપી દીધી છે કે, બે વર્ષથી ચાલતા યુધ્ધમાં યુક્રેનને તન, મન, ધનથી મદદ કર્યા પછી પણ તમે રશિયાનું કે મારું કશું ઉખાડી શક્યા નથી તો હવે પણ કંઈ ઉખાડી શકવાના નથી. આ વાસ્તવિકતાને સમજીને તમને વારું છું તો પાછા વળી જાઓ, બાકી હારીને પાછા વળવું પડશે. પુતિને અમેરિકાને પુષ્પા સ્ટાઈલમાં કહી જ દીધું છે કે, ગમે તે કરો પણ હું ઝૂકવાનો નથી.
કાર્લસને પુતિનનો ઈન્ટરવ્યૂ લેવા જવાનો હોવાની વાત બહાર આવી ત્યારથી તેના માથે માછલાં ધોવાવાં શરૂ થઈ ગયેલાં. પુતિન કાર્લસનનો ઉપયોગ પોતાના પ્રોપેગેન્ડા અમેરિકા તથા તેના સાથી દેશોના લોકો સુધી પહોંચાડવા માટે કરવા માગે છે, કાર્લસનને હાથો બનાવવા માગે છે તેથી કાર્લસને ઈન્ટરવ્યૂ લેવાથી દૂર રહેવું જોઈએ એવી વણમાગી સલાહ પણ કેટલાકે આપી હતી.
એક જમાનામાં અમરિકાના પત્રકારત્વમાં જેના નામના સિક્કા પડતા એ કાર્લસને આ સલાહને ગણકારી નહીં કેમ કે તેને પણ પુતિનનો ઈન્ટરવ્યૂ કરીને છવાઈ જવાના ધખારા હતા.
કાર્લસનને ગયા વરસે રૂપર્ટ મરડોકની ફોક્સ ન્યુઝે કાઢી નાંખ્યો પછી એ ફરી નામ કરવા મથ્યા કરે છે. તેના માટે તેને મોટી સ્ટોરીની જરૂર હતી. એ માટે પોતાનો ઉપયોગ થાય તો પણ તેની સામે વાંધો નહોતો તેથી તેણે પુતિનના ઈન્ટરવ્યૂમાં આગળ વધવાનું નક્કી કર્યું.
આ ઈન્ટરવ્યૂથી કાર્લસનને શું ફાયદો થશે એ સમય કહેશે પણ પુતિને કાર્લસનને વાપરી લીધો છે એ વાત સાવ સાચી પડી છે. પુતિને આખો ઈન્ટરવ્યુ રશિયન ભાષામાં આપ્યો છે કે જેમાં કાર્લસનને ખબર પડતી નથી, પુતિનને અંગ્રેજીમાં ખબર પડતી નથી તેથી કાર્લસન રોકે ત્યારે પુતિન રોકાતા નથી ને પોતાનું હાંક્યે રાખે છે. આખો ઈન્ચરવ્યૂ પુતિની પબ્લિક રીલેશન ક્વાયત જેવો જ લાગે છે કે જેમાં કાર્લસન ભાગ્યે જ કશું બોલી શકે છે.
પુતિને ઈન્ટરવ્યૂમાં તો પોતે જે કહેવું છે એ કહ્યું જ છે પણ ઈન્ટરવ્યૂનું ટાઈમિંગ પણ પરફેક્ટ પસંદ કર્યું છે.
અમેરિકા યુક્રેનને બીજી ૬૦ અબજ ડોલરની સહાય મંજૂર કરવાની ફિરાકમાં છે ને ત્યારે જ આ ઈન્ટરવ્યુ પ્રસારિત થયો છે. તેના કારણે પુતિને અમેરિકન પ્રજાના મનમાં પણ યુક્રેનને મદદ કરવા અંગે શંકા પેદા કરી દીધી છે. અમેરિકાના સત્તાધીશો પ્રજાનાં નાણાં રશિયાને બતાવી દેવાનો અહમ સંતોષવામાં વેડફી રહ્યા છે એવું આડકતરી રીતે કહી જ દીધું છે. અમેરિકાના મીડિયાએ પણ આ મુદ્દાને ઉઠાવ્યો છે. તેના પગલે સોશિયલ મીડિયા પર તો અમેરિકા દ્વારા યુક્રેનને કરાતી મદદ અંગે સવાલો ઉભા થવા જ માંડયા છે.
આ સવાલોના કારણે વ્હાઈટ હાઉસે સ્પષ્ટતા કરવી પડી કે, પુતિનની વાતોમાં આવવા જેવું નથી કેમ કે પુતિનના ચાવનાના ને બતાવવાના જુદા જુદા છે. પુતિન સામે જે બોલે છે તેના પર જરાય ભરોસો ના કરતા ને યુક્રેનના કરાતી મદદ સામે શંકા ના કરશો. અમેરિકાએ પુતિનના નિવેદનના કારણે અમેરિકનોના મનમાં યુક્રેનને કરાતી મદદ સામે શંકા ઉભી થઈ છે એ વાત નકારી છે પણ આ પ્રકારની સ્પષ્ટતા કરવા આવવું પડે તેનો અર્થ એ જ છે કે, અમેરિકાને પણ ચિંતા તો થઈ જ છે કે પુતિન અમેરિકનોનાં મગજ ફેરવી નાંખશે.
અમેરિકા દ્વારા પુતિનની યુધ્ધખોર તરીકેની ઈમેજ ઉભી કરાઈ છે. આ ઈન્ટરવ્યૂનો ઉદ્દેશ પુતિનની પોતાની યુધ્ધખોર તરીકેની ઈમેજને ધોઈને એક રાજપુરૂષ તરીકેની ઈમેજ ઉભા કરવાનો હતો ને તેમાં પુતિન સફળ થયા છે એવું લાગે જ છે. યુક્રેન સામેનું યુધ્ધ લંબાય છે તેને માટે પોતે જવાબદાર નથી પણ અમેરિકા જવાબદાર છે એ વાત મૂકવામાં પુતિન સફળ થયા છે.
કાર્લસનના ઈન્ટરવ્યૂમાં બીજા મુદ્દા ચર્ચવા જેવા નથી પણ આ ઈન્ટરવ્યૂનો સાર એ જ છે કે, રશિયા અને યુક્રેન વચ્ચેનું યુધ્ધ હમણાં પતે એવાં કોઈ એંધાણ નથી. પુતિનના કહેવાથી અમેરિકા યુક્રેનના કરાતી મદદ બંધ કરવાનું નથી ને અમેરિકા મદદ ના કરે ત્યાં સુધી યુક્રેન હથિયાર હેઠાં મૂકવાનું નથી. પુતિનનો તો મિજાજ જ ઝૂકવાનો નથી એ જોતાં યુધ્ધ હમણાં તો નહીં જ પતે.
કાર્લસનના ઈન્ટરવ્યૂએ વ્લાદિમિર પુતિનના કેરેક્ટરને ફરી દુનિયા સામે મૂકી દીધું છે. રશિયાની જાસૂસી સંસ્થા કેજીબીમાં તૈયાર થયેલા પુતિન પોતાના દુશ્મનો પર દયા દાખવતા નથી ને તેમને કચડી નાંખવામાં જ માને છે એવી ઈમેજ ધરાવે છે. આ ઈન્ટરવ્યૂ જોયા પછી આ ઈમેજ બિલકુલ સાચી લાગે.
પુતિન અમેરિકન પત્રકાર ઈવાનને છોડવા તૈયાર
પુતિને અમેરિકા અને પશ્ચિમના દેશો સાથેના સંબંધો સુધારવા માટે અમેરિકન પત્રકાર ઈવાન ગેરશ્કોલિચને છોડવાની તૈયારી પણ બતાવી છે. ઈવાન ધ વોલ સ્ટ્રીટ જર્નલનો રીપોર્ટર છે કે જે રશિયાની ઘટનાઓનું રીપોર્ટિંગ કરે છે.
ઈવાનને ૨૦૨૩ના માર્ચમાં રશિયાની ફેડરલ સીક્યુરિટી સર્વિસે જાસૂસીના આરોપમાં પકડીને જેલમાં ધકેલી દીધો છે. અમેરિકા તથા બીજા દેશોએ બહુ હોહા કરી પણ રશિયા ઈવાનને છોડવા તૈયાર નથી. રશિયાની કોર્ટ ઈવાનની કસ્ટડી લંબાવ્યા કરે છે પણ હજુ તેને સજા થઈ નથી. ઈવાન દોષિત ઠરે તો તેને ૨૦ વર્ષની જેલ થઈ શકે છે.
પુતિને ઈવાનને છોડવાના બદલામાં વાદિમ ક્રેસિકોવને છોડવાની શરત કાર્લસનના માધ્યમથી મૂકી છે. ક્રેસિકોવ અત્યારે જર્મનીની જેલમાં આજીવન કારાવાસની સજા કાપી રહ્યો છે. રશિયાની જાસૂસી સંસ્થામાં કર્નલ તરીકે કામ કરી ચૂકેલા ક્રેસિકોવે બલનમાં ધોળા દિવસે ભૂતપૂર્વ ચેચન ફાઈટરની હત્યા કરી હતી.
રશિયાએ આ પહેલાં ક્રેસિકોવને છોડાવવા કોશિશ કરી હતી.
કુખ્યાત રશિયન આર્મ્સ ડીલર વિક્ટર બાઉટને અમેરિકન બ્રિટની ગ્રીનરના બદલામાં છોડાયો ત્યારે રશિયાએ બીજા અમેરિકન પૌલ વ્હેલનને છોડવાની તૈયારી બતાવેલી પણ તેના બદલામાં ક્રેસિકોવને છોડવાની શરત મૂકી હતી. અમેરિકાએ આ શરત ના માનતાં વ્હેલન જેલમાં જ છે પણ ઈવાનના બદલામાં ક્રેસિકોવ છૂટી જશે એવું લાગે છે.
કાર્લસનને ૭૮ કરોડ ડોલરના સમાધાનના ભાગરૂપે દૂર કરાયેલો
પુતિનનો ઈન્ટરવ્યૂ લેનારો ટકર કાર્લસન રૂપર્ટ મરડોકના ફોક્સ ન્યુઝમાં સ્ટાર એન્કર હતો. વરસે બે કરોડ ડોલરના પગારની નોકરી કરતા કાર્લસનને ડોમિનિયન વોટિંગ સિસ્ટમ્સ કંપનીએ કરેલા બદનક્ષીના કેસમાં થયેલા સમાધાનન ભાગરૂપે છૂટો કરાયો હતો.
કાર્લસને પોતાના શોમાં આક્ષેપ કરેલો કે, ૨૦૨૦ના અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને હરાવવા માટે ડોમિનિયનનાં વોટિંગ મશીનો સાથે ચેડાં કરાયેલાં.
ડોમિનિયને આ આક્ષેપોને ખોટા ગણાવીને ફોક્સ ન્યુઝ નેટવર્ક સામે ૧.૬૦ અબજ ડોલરનો બદનક્ષીનો દાવો કરી દીધેલો.
કંપનીએ આરોપ મૂકેલો કે, ફોક્સ ન્યુઝના શોના કાર્લસન સહિતના એન્કર્સ તથા ટોચના અધિકારીઓને આ આક્ષેપો ખોટા હોવાની ખબર હોવા છતાં તેમણે જૂઠાણાં ફેલાવ્યાં.
ફોક્સ ન્યુઝના ઈન્ટર્નલ કોમ્યુનિકેશનમાં આ વાતનો ઉલ્લેખ હોવાના પુરાવા પણ કંપનીએ આપેલા.
આ કેસમાં ફોક્સ ન્યુઝે ડોમિનિયનને ૭૮ કરોડ ડોલર ચૂકવીને સમાધાન કરેલું. કાર્લસનને દૂર કરાય તો જ સમાધાન લાગુ થાય તેથી કાર્લસનને દૂર કરી દેવાયેલો.