ટ્રમ્પ ઝુકરબર્ગને જેલમાં ધકેલશે કે ટિકટોકના હથિયારથી તબાહ કરશે?
- 20 જાન્યુઆરીએ ટ્રમ્પ પ્રમુખ બને એ સાથે જ ઝુકરબર્ગના ખરાબ દિવસો શરૂ થઈ જશે, રાજકીય સમીક્ષકો માને છે કે ટ્રમ્પ અનપ્રીડિક્ટેબલ છે
- ટ્રમ્પે ચૂંટણી પ્રચાર દરમિયાન ધમકી આપેલી કે, પોતે સત્તામાં આવશે તો મેટાના સીઈઓ ઝુકરબર્ગની બાકીની જીંદગી જેલમાં જશે. રાજકીય વિશ્લેષકોના મતે, ટ્રમ્પ ભલે ગમે તેવી ધમકી આપે પણ ઝુકરબર્ગને જેલમાં નાંખી શકે તેમ નથી. ટ્રમ્પ ભૂતકાળમાં આવી ધમકીઓ બહુ બધાંને આપી ચૂક્યા છે. 2016ની ચૂંટણી વખતે ટ્રમ્પ ખુલ્લેઆમ ધમકી આપતા કે, પોતે પ્રમુખ બનશે તો હિલેરીને જેલમાં નાંખી દેશે. ટ્રમ્પ ચાર વર્ષ પ્રમુખ રહ્યા પણ હિલેરીને કશું કર્યું નહોતું. ઝુકરબર્ગ સામે પુરાવા પણ નથી એ જોતાં ટ્રમ્પ ઝુકરબર્ગને ભલે જેલમાં ના નાંખી શકે પણ તેને તબાહ કરવામાં કોઈ કસર નહીં છોડે તેમાં બેમત નથી.
ડોનાલ્ડ ટ્રમ્પ ફરી અમેરિકાના પ્રમુખપદે ચૂંટાતાં અમેરિકાની ટેકનોલોજી કંપનીઓના માલિકો ખુશ છે કેમ કે ટ્રમ્પની અમેરિકા ફસ્ટની નીતિથી અમેરિકન કંપનીઓને ફાયદો થશે પણ મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગ ચિંતામાં છે. તેનું કારણ ટ્રમ્પે ચૂંટણી પ્રચાર દરમિયાન આપેલી ધમકી છે. ટ્રમ્પે ધમકી આપેલી કે, પોતે સત્તામાં આવશે તો ઝુકરબર્ગની બાકીની જીંદગી જેલમાં જશે. ટ્રમ્પ ઝુકરબર્ગ માટે ઝુકરસ્કમ્સ શબ્દો વાપરે છે.
ટ્રમ્પે જુલાઈમાં સેવ અમેરિકા બુક લોંચ કરી તેમાં લખેલુ કે, ૨૦૨૦ની ચૂંટણીમાં માર્ક ઝુકરબર્ગે ફેસબુકનો ઉપયોગ પોતાની વિરૂધ્ધના પ્રચાર માટે થવા દીધો હતો.
ઝુકરબર્ગ ૨૦૨૪ની ચૂંટણીમાં પણ એ જ ધંધો કરશે તો ચૂંટણીમાં ગરબડ કરનારાં બીજાં બધાંની સાથે ઝુકરબર્ગની જીંદગી પણ જેલમાં જશે. ઝુકરબર્ગે ભૂતકાળમાં કરેલી ગરબડોની તપાસ કરવાની જાહેરાત કરીને ટ્રમ્પે કહેલું કે, ઝુકરબર્ગે ભૂતકાળમાં કરેલાં બધાં કાળાં કામોની તપાસ થશે તેથી ઝુકરબર્ગ માટે ખરાબ દિવસો આવવાના છે.
ટ્રમ્પ જીતી જતાં આ ધમકીનો અમલ કરશે કે નહીં તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે. ટ્રમ્પ અનપ્રેડિક્ટેબલ ગણાય છે તેથી ક્યારે શું કહેવાય એ નક્કી નહીં એટલે ઘણાંને લાગે છે કે, ૨૦ જાન્યુઆરીએ ટ્રમ્પ પ્રમુખ બને એ સાથે જ ઝુકરબર્ગના ખરાબ દિવસો શરૂ થઈ જશે. મોટા ભાગના રાજકીય વિશ્લેષકોના મતે, ટ્રમ્પ ભલે ગમે તેવી ધમકી આપે પણ ઝુકરબર્ગને જેલમાં નાંખી શકે તેમ નથી. ઝુકરબર્ગે ૨૦૨૦ની ચૂંટણીમાં કશું ખોટું કર્યું હોય તો પણ તેના પુરાવા નથી એ જોતાં ટ્રમ્પથી કશું થાય એમ નથી. ટ્રમ્પે ઝુકરબર્ગને જેલમાં નાંખવાની ધમકી આપેલી પણ ક્યા કાયદા હેઠળ જેલભેગો કરાશે એ કહ્યું નહોતું કેમ કે ટ્રમ્પને પણ ખબર છે કે, અમેરિકામાં લોકશાહી છે, સરમુખત્યારશાહી નથી.
બીજું એ કે, ટ્રમ્પ ભૂતકાળમાં આવી ધમકીઓ બહુ બધાંને આપી ચૂક્યા છે. ૨૦૧૬ની ચૂંટણીમાં હિલેરી ક્લિન્ટન તેમની સામે ઉભાં રહેલાં. ટ્રમ્પ એ વખતે ચૂંટણી પ્રચાર દરમિયાન ખુલ્લેઆમ ધમકી આપતા કે, હિલેરી તથા તેમના પતિ બિલ ક્લિન્ટને કરેલાં કૌભાંડોની તેમને સજા અપાશે અને પોતે પ્રમુખ બનશે તો હિલેરીને જેલમાં નાંખી દેશે. ટ્રમ્પ ચાર વર્ષ પ્રમુખ રહ્યા પણ હિલેરીને કશું કર્યું નહોતું. ટ્રમ્પ પોતાની સામે લખનારા ઘણા પત્રકારોનાં નામ લઈને તેમને પણ જેલમાં ધકેલવાની ધમકી આપતા પણ કોઈને કશું કર્યું નહોતું.
બીજું એ કે, આ ધમકી પછી ઝુકરબર્ગ સામે ટ્રમ્પ થોડા કૂણા પણ પડી ગયા હતા. ટ્રમ્પની ધમકીથી ડરીને કે ગમે તે કારણોસર, ઝુકરબર્ગ ૨૦૨૪ની ચૂંટણીમાં બહુ સક્રિય નહોતો રહ્યો. મેટાનાં ફેસબુક સહિતનાં પ્લેટફોર્મે કમલા હેરિસ કે ડોનાલ્ડ ટ્રમ્પમાંથી કોઈની તરફેણ કરી નહોતી. તેના પગલે ટ્રમ્પે ગયા મહિને કટાક્ષ કરેલો કે, ઝુકરબર્ગ નવા સ્વરૂપમાં પોતાને વધારે ગમે છે.
ટ્રમ્પ ઝુકરબર્ગને ભલે જેલમાં ના નાંખી શકે પણ તેને તબાહ કરવામાં કોઈ કસર નહીં છોડે તેમા બેમત નથી. અત્યારે ટ્રમ્પના સૌથી લાડકા એલન મસ્ક પણ એક્સને દુનિયાનું સૌથી શક્તિશાળી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બનાવવા માટે મેટાનાં પ્લેટફોર્મ્સની તબાહી ઈચ્છે જ છે તેથી ટ્રમ્પ અને ઝુકરબર્ગ વચ્ચે જંગ જામશે એ નક્કી છે. નિષ્ણાતોના મતે, આ જંગમાં ટ્રમ્પ એક તરફ ફેસબુક સહિતનાં મેટાનાં પ્લેટફોર્મ માટેના નિયમો આકરા બનાવશે ને બીજી તરફ ટિક ટોકને પાવરફુલ બનાવશે.
અમેરિકામાં ટિક ટોકની વધતી લોકપ્રિયતાથી ખતરો લાગતાં ઝુકરબર્ગે જો બિડેન સાથે મળીને ટિકટોકનો ઘડોલાડવો કરવાનો પ્લાન બનાવેલો. તેના ભાગરૂપે અમેરિકાની કોંગ્રેસ એટલે કે સંસદે ટિકટોકની માલિક કંપની બાઈટડાન્સને છ મહિનામાં પોતાનો હિસ્સો અમેરિકન કપનીને વેચી દેવાની મુદત આપતો ખરડો પસાર કરાયેલો. બાઈટડાન્સ છ મહિનામાં એટલે કે ૩૦ સપ્ટેમ્બર સુધીમાં પોતાનો હિસ્સો અમેરિકાની કંપનીને ના વેચે તો અમેરિકામાં ટિકટોક પર સંપૂર્ણ પ્રતિબંધ આવી જશે એવી જોગવાઈ આ ખરડામાં છે. આ જોગવાઈ પ્રમાણે, અમેરિકાની સરકાર તમામ એપ સ્ટોરના પરથી ટિકટોકને દૂર કરાવી દેશે કે જેથી કોઈ પણ મોબાઈલ ફોનમાં ટિકટોકનો ઉપયોગ ના કરી શકાય.
બાઈટડાન્સે સુપ્રીમ કોર્ટમાં આ કાયદાને પડકાર્યો છે અને ૭ ડીસેમ્બરે ચુકાદો આવવાની શક્યતા છે. આ ચુકાદો ટિકટોકની તરફેણમાં આવવાની શક્યતા વધારે છે કેમ કે બિડેન સરકારે તેની સામે બકવાસ આક્ષેપો કર્યા છે. માનો કે ટિકટોકની વિરૂધ્ધમાં ચુકાદો આવે તો પણ તેની પાસે અપીલનો વિકલ્પ છે. આ વિકલ્પ અજમાવાય ત્યાં સુધીમાં ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બની જશે તેથી એ ટિકટોક પરનો પ્રતિબંધ સરળતાથી હટાવી શકશે.
ટ્રમ્પ ટિકટોકનો ઉપયોગ કરીને ઝુકરબર્ગને પાણી ભરાવી શકે. ટિકટોકના અત્યારે જ દુનિયાભરમાં ૧૦૫ કરોડ એક્ટિવ યુઝર છે.
અમેરિકામાં તો ટિકટોક સામાન્ય યંગસ્ટર્સમાં જ લોકપ્રિય નથી પણ જેનિફર લોપેઝ સહિતની સંખ્યાબંધ સેલિબ્રિટી પણ ટિકટોક પર પોતાના વીડિયો મૂકે છે. અમેરિકનો જેની પાછળ પાગલ છે એ નેશનલ ફૂટબોલ લીગ (એનએફએલ) સુધ્ધાંએ ટિકટોક સાથે ટાઈ-અપ કરવું પડયું છે. ટ્રમ્પ ઝુકરબર્ગને ટિકટોકના હથિયારથી ધરાશાયી કરવામાં કોઈ કસર નહીં છોડે એવું અત્યારે તો લાગી રહ્યું છે.
એક્સને નંબર વન બનાવવા ઝુકરબર્ગને જેલભેગો કરાવવામાં મસ્કને રસ
ડોનાલ્ડ ટ્રમ્પ અને માર્ક ઝુકરબર્ગ વચ્ચેની દુશ્મનાવટનું કારણ ઝુકરબર્ગે ૨૦૨૦ની ચૂંટણીમાં લીધેલું બિડેનતરફી વલણ છે. ઝુકરબર્ગે ૨૦૨૦ની અમેરિકાની પ્રમુખપદની ચૂંટણીમાં ટ્રમ્પને હરાવવામાં મદદ કરેલી તેથી ટ્રમ્પ સાથે તેને ખુલ્લી દુશ્મનાવટ થઈ ગઈ.
ટ્રમ્પે બિડેન સામે હારી ગયા પછી ઝુકરબર્ગે પોતાને હરાવવાની સોપારી લીધી હોવાનો આક્ષેપ કરેલો. ઝુકરબર્ગને સોશિયલ મીડિયા પર ટક્કર આપવા ટ્રમ્પે પોતાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પણ શરૂ કરેલું પણ એ ચાલ્યું નથી એટલે ટ્રમ્પે એલન મસ્ક સાથે હાથ મિલાવીને મસ્કને ટ્વિટર ખરીદવા પ્રોત્સાહિત કર્યો હોવાનું કહેવાય છે. મસ્કે ટ્રમ્પની મદદથી ટ્વિટર હસ્તગત કર્યું પછી બંને વધારે નજીક આવ્યા છે. મસ્કે ટ્રમ્પની ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવી છે.
ઝુકરબર્ગ ટ્રમ્પ અને મસ્ક બંનેનો દુશ્મન છે અને બંને ઝુકરબર્ગને પછાડવા મથે છે. માર્ક ઝુકરબર્ગ અત્યારે આખી દુનિયામાં સોશિયલ મીડિયા કિંગ છે. ઝુકરબર્ગની ફેસબુકનો પહેલાં જેવો પ્રભાવ નથી પણ ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જોરદાર ચાલી રહ્યાં છે. ઝુકરબર્ગ સોશિયલ મીડિયાના માધ્યમથી ટ્રમ્પ અને મસ્ક બંનેને પરેશાન કરી શકે છે તેથી ટ્રમ્પ-મસ્ક બંને ઝુકરબર્ગને નાથવા માગે છે.
એલન મસ્કના એક્સ (અગાઉનું ટ્વિટર)નો પહેલાં જેવો દબદબો નથી તેથી સીધી રીતે મેટાનાં પ્લેટફોર્મને પછાડી શકે તેમ નથી પણ ટ્રમ્પ ફરી સત્તામાં આવતાં સરકારી તંત્રનો ઉપયોગ કરીને ઝુકરબર્ગને પછાડી શકાશે.
મેટાનાં પ્લેટફોર્મને નાથવાની નીતિઓ બનાવડાવીને એક્સને નંબર વન બનાવી શકાય છે એવું મસ્કને લાગે છે ઝુકરબર્ગ જેલમાં જાય અને મેટા પર તવાઈ આવે તો મસ્કને મોકળું મેદાન મળી જાય. આ કારણે મસ્કને પણ ઝુકરબર્ગને જેલભેગો કરાવવામાં રસ છે.
ટ્રમ્પ જીતતાં બીજા ધનિકોની સંપત્તિ વધી, માત્ર ઝુકરબર્ગની ઘટી
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં જીત્યા પછી શેરબજારમાં આવેલી તેજીમાં દુનિયાના સૌથી ધનિક ટોપ ટેનમાંથી ૮ ધનિકોની સંપત્તિ વધી છે અને માત્ર ૨ અબજોપતિની સંપત્તિ ઘટી છે. આ ૨ અબજોપતિમાંથી એક માર્ક ઝુકરબર્ગ છે.
ટ્રમ્પના આગમન સાથે ઝુકરબર્ગના દાડા ભરાઈ ગયા છે એવી હવા જામવા માંડી છે તેથી ઝુકરબર્ગને ફટકો પડયો છે. બીજા અબજોપતિ બર્નાર્ડ આર્નોલ્ટ છે પણ તેમને ટ્રમ્પ સાથે સીધી કોઈ લેવાદેવા નથી.
ટ્રમ્પ જીત્યા પછીના દિવસે શેરબજારમાં આવેલી તેજીમાં દુનિયાના ટોપ ટેન ધનિકોની સંપત્તિ ૬૪ અબજ ડોલર વધી હતી. સૌથી વધારે ફાયદો એલન મસ્કને થયો. મસ્કની કંપનીઓના શેરોમાં આવેલી તેજીના કારણે મસ્કની સંપત્તિ બે દિવસમાં જ ૨૬.૫ અબજ ડોલર વધીને ૨૯૦ અબજ ડોલર થઈ ગઈ છે. એમેઝોનાના જેફ બેઝોસની સંપત્તિ ૭.૧૪ અબજ ડોલર વધીને ૨૨૮ અબજ ડોલર જ્યારે ઓરેકલના લેરી એલિસનની સંપત્તિ ૯.૮૮ અબજ ડોલર વધીને ૧૯૩ અબજ ડોલર થઈ ગઈ છે.
ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ નીતિના કારણે અમેરિકાની ટેક કંપનીઓને ફાયદો થશે તેથી તેમના શેરોના ભાવ વધ્યા છે પણ ઝુકરબર્ગ અપવાદ છે. મેટાના શેરના ભાવ વધ્યા પણ ઝુકરબર્ગની બીજી કંપનીઓના શેરના ભાવ ઘટતાં ઝુકરબર્ગની સંપત્તિ ૮ કરોડ ડોલર ઘટી છે. ઝુકરબર્ગની ૨૦૨ અબજ ડોલરની સંપત્તિમાં આ બહુ મોટું નુકસાન નથી પણ સંપત્તિમાં ઘટાડો ઝુકરબર્ગ માટે કપરા દિવસો આવશે તેનો સંકેત મનાય છે.