Get The App

મમતા વર્સીસ અભિષેક, તૃણમૂલ પર વર્ચસ્વ માટે ખરાખરીનો જંગ

Updated: Jan 9th, 2025


Google NewsGoogle News
મમતા વર્સીસ અભિષેક, તૃણમૂલ પર વર્ચસ્વ માટે ખરાખરીનો જંગ 1 - image


- અભિષેકે બે મહિના પહેલાં પક્ષના સંગઠનમાં મોટા પાયે ફેરફારો કરવાની તરફેણ કરીને કહેલું કે, હવે પક્ષમાં નવા હોદ્દા અપાય ત્યારે માત્ર વફાદારી જ ધ્યાનમાં ના રખાવી જોઈએ પણ પરફોર્મન્સ પણ ધ્યાનમાં રખાવું જોઈએ. અભિષેકે એવું પણ કહેલું કે, માત્ર વફાદારીને ધ્યાનમાં રખાય તો શું થાય તેનું શ્રેષ્ઠ ઉદાહરણ સીપીએમ છે. 35 વર્ષ સત્તા ભોગવ્યા પછી સીપીએમ બંગાળમાં પતી ગઈ તેનું કારણ પરફોર્મન્સને ધ્યાનમાં રાખ્યા વિના જૂના નેતાઓને અપાયેલું મહત્વ હતું. અભિષેકને હતું કે, મમતા પોતાની વાત માનીને તાત્કાલિક ફેરફારો કરશે પણ મમતાએ અભિષેકની વાત કાને જ ના ધરતાં જંગ ઉગ્ર બન્યાની ચર્ચા છે.

પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજી અને તેમના  રાજકીય વારસ મનાતા ભત્રીજા અભિષેક બેનરજી વચ્ચે તૃણમૂલ કોંગ્રેસ પર વર્ચસ્વ માટે જોરદાર જંગ ચાલી રહ્યો હોવાની વાતો ફરી વહેતી થઈ છે. ૩૭ વર્ષના અભિષેક બેનરજી ચોવીસ પરગણા જિલ્લામાં આવેલી ડાયમંડ હાર્બર લોકસભા બેઠકના સાંસદ છે અને તૃણમૂલમાં મમતા પછી નંબર ટુ ગણાય છે. મમતા નિવૃત્ત થાય પછી અભિષેક મુખ્યમંત્રી બનશે એવું નક્કી મનાય છે ત્યારે હવે એવી વાતો વહેતી થઈ છે કે, મમતા અને અભિષેક વચ્ચે વધતા જતા મતભેદોના કારણે અભિષેક બેનરજી સવા વરસ પછી એટલે કે ૨૦૨૬ના એપ્રિલમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં જ બગાવત કરી દેશે અને મમતા સહિતના જૂના નેતાઓને બાજુ પર બેસાડીને તૃણમૂલ કોંગ્રેસ પર કબજો કરી લેશે. 

મમતા અને અભિષેક વચ્ચે ખટરાગ હોવાની વાતો લાંબા સમયથી ચાલે જ છે. અત્યારે ખટરાગ વધ્યો તેનું કારણ કોલકાત્તામાં તૃણમૂલ કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો દ્વારા શરૂ કરાયેલી કેટલાક બંગાળી કલાકારોના બહિષ્કારની ઝુંબેશ હોવાનું કહેવાય છે. કોલકાત્તાની આર.જી. કાર હોસ્પિટલમાં ૩૧ વર્ષની મેડિકલ યુવતી પર પાશવી બળાત્કાર ગુજારીને હત્યા કરી દેવાઈ ત્યારે કેટલાક કલાકારોએ મમતા સરકારનો વિરોધ કરીને બરતરફ કરવાની માગ કરી હતી. ગાયિકા લગ્નજીતા ચક્રવર્તી અને દેબલિના દત્તા આ કલાકારોમાં હતાં. 

હમણાં થર્ટી ફસ્ટ વખતે લગ્નજીતા અને દેબલિનાના કોલકાત્તામાં કાર્યક્રમ હતા પણ તૃણમૂલના ધારાસભ્યે આ કાર્યક્રમ રદ કરાવી દીધેલો. તૃણમૂલના સીનિયર પ્રવક્તા કુણાલ ઘોષે ૩૧ ડીસેમ્બરે એક્સ પર પોસ્ટ મૂકી કે કલાકારો કૂચ કરવા માટે સ્વતંત્ર છે ને લોકો વિરોધ કરવા માટે સ્વતંત્ર છે. જે કલાકારોએ જાણીજોઈને સરકારની બદનામી કરી, મુખ્યમંત્રી અને પક્ષ પર પ્રહારો કર્યા, સરકારને ગબડાવી દેવાની વાત કરી, તૃણમૂલ સમર્થકોનું અપમાન કર્યું અને જૂઠાણાં ફેલાવ્યાં તેમનો બહિષ્કાર કરાવો જોઈએ, તૃણમૂલના નેતાઓ તરફથી યોજાતા કોઈ પણ કાર્યક્રમમાં આ કલાકારો સ્ટેજ પર ના દેખાવા જોઈએ. કોઈને આ વાતમાં શંકા હોય તો તૃણમૂલ હાઈકમાન્ડ પાસે જઈને પાસે સલાહ લઈ લેવી જોઈએ.

ઘોષની પોસ્ટ પછી સોશિયલ મીડિયા પર સંખ્યાબંધ કલાકારોના બહિષ્કારની ઝુંબેશ શરૂ થઈ ગઈ. તેનાથી ભડકેલા અભિષેકે સવાલ કર્યો કે, તૃણમૂલ કોંગ્રેસ તરફથી કોઈએ કલાકારોનો બહિષ્કાર કરવા કહ્યું છે ? કોઈએ આવી નોટિસ જોઈ છે ? મેં કે મમતા બેનરજીએ બહિષ્કાર કરવા રહ્યું છે ? આ દેશમાં બધાંને આઝાદી છે અને કોણે કોની સાથે ગાવું એ માટે હું કોઈને મજબૂર કરવા નથી માગતો. અભિષેકની પોસ્ટના કલાકમાં ઘોષે વળતો જવાબ આપીને કહી દીધું કે, આ મુદ્દે સૌથી વધારે પ્રહારો જેમના પર થાય છે એ મમતા બનેરજીનો બોલ આખરી ગણાશે.

ઘોષે આ પોસ્ટ મમતાના કહેવાથી મૂકી એવું અર્થઘટન કરાઈ રહ્યું છે. મમતાએ આ પોસ્ટ દ્વારા તૃણમૂલમાં અભિષેક બેનરજી કે બીજું કોઈ નહીં પણ પોતે જ સર્વેસર્વા છે અને તૃણમૂલના કાર્યકરોએ કંઈ પણ કરવું હોય તો અભિષેકને પૂછવાની જરૂર નથી એવો સાફ સંકેત આપી દીધો છે એવું પણ અર્થઘટન કઢાઈ રહ્યું છે.  

મમતા અને અભિષેક વચ્ચે લાંબા સમયથી કોલ્ડ વોર ચાલે છે એવી વાતો સાંભળવા મળે છે. અભિષેકની મહત્વાકાંક્ષા બંગાળની ગાદી પર બેસવાની છે પણ મમતા ખસવાનું નામ નથી લેતાં તેથી તેની ધીરજ ખૂટી હોવાનું પણ કહેવાય છે. 

અભિષેક તૃણમૂલ પર કબજો કરવા માટે જૂના જોગીઓને રવાના કરીને યુવાઓને તક આપવાની તરફેણ કરે છે.  અભિષેકે બે મહિના પહેલાં પક્ષના સંગઠનમાં મોટા પાયે ફેરફારો કરવાની તરફેણ કરીને કહેલું કે, હવે પક્ષમાં નવા હોદ્દા અપાય ત્યારે માત્ર વફાદારી જ ધ્યાનમાં ના રખાવી જોઈએ પણ પરફોર્મન્સ પણ ધ્યાનમાં રખાવું જોઈએ. અભિષેકે એવું પણ કહેલું કે, માત્ર વફાદારીને ધ્યાનમાં રખાય તો શું થાય તેનું શ્રેષ્ઠ ઉદાહરણ સીપીએમ છે. ૩૫ વર્ષ સત્તા ભોગવ્યા પછી સીપીએમ બંગાળમાં પતી ગઈ તેનું કારણ પરફોર્મન્સને ધ્યાનમાં રાખ્યા વિના જૂના નેતાઓને અપાયેલું મહત્વ હતું. અભિષેકને હતું કે, મમતા પોતાની વાત માનીને તાત્કાલિક ફેરફારો કરશે પણ મમતાએ અભિષેકની વાત કાને જ ના ધરતાં જંગ ઉગ્ર બન્યાની ચર્ચા છે.  

જો કે આ જંગ છતાં અભિષેક જ મમતાનો રાજકીય વારસ રહેશે એવું પણ સ્વીકારાય છે. મમતાના પરિવારમાંથી બીજું કોઈ રાજકારણમાં છે નહીં. મમતાની પાર્ટીમાં પણ કોઈ એવો નેતા નથી કે જે મમતાનું સ્થાન લઈ શકે. ભાજપ તૃણમૂલ કોંગ્રેસમાં બહુ મજબૂત મનાતા મુકુલ રોય અને શુભેન્દુ અધિકારી સહિતના નેતાઓને લઈ ગયો છતાં મમતાનું કશું ઉખાડી શક્યો નથી કેમ કે બંગાળમાં બીજા કોઈના નેતાના નામનો નહીં પણ મમતાના નામનો જ જાદુ ચાલે છે. આ કારણે તૃણમૂલમાં અભિષેકને પોતાનો રાજકીય વારસ બનાવવાના નિર્ણય સામે કોઈ અવાજ ઉઠે તેની મમતાને પરવા નથી.

બીજું એ કે, અભિષેક પણ મમતાના કરિશ્મા વિના જીતી શકાય એમ નથી એ વાત ના સમજે એટલો નાદાન નથી. અભિષેકની ઉંમર અત્યારે માત્ર ૩૭ વર્ષ છે એ જોતાં તેની પાસે પૂરતો સમય છે તેથી મમતા સામે ભિડાવાનું કે બગાડવાનું દુસ્સાહસ એ કરે એ વાતમાં માલ નથી. આ સંજોગોમાં મમતા વર્સીસ અભિષેક જંગની વાતો મીડિયાઓ ઉભું કરેલું ચાના કપનું તોફાન વધારે લાગે છે.

મમતા-અભિષેકના ઝગડાની વાતો હમ્બગ, રાજકીય ફાયદા માટે ભાજપ આ વાતો ફેલાવે છે ? 

રાજકીય વિશ્લેષકોનો એક વર્ગ માને છે કે, મમતા અને અભિષેક વચ્ચે અણબનાવની વાતો હમ્બગ છે.

 તૃણમૂલ કોંગ્રેસ પર વર્ચસ્વ માટે મમતા અને ભત્રીજા વચ્ચે લડાઈ ચાલે છે એવી વાતો ફેલાવીને ભાજપ બંગાળના મતદારોમાં ભ્રમ ફેલાવવા માગે છે. આ પ્રકારની વાતો ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલાં પણ ફેલાયેલી અને ૨૦૨૧ની વિધાનસભાની ચૂંટણી પહેલાં પણ ફેલાયેલી. લોકસભાની ચૂંટણી પહેલાં પણ ટિકિટોના મુદ્દે મમતા અને અભિષેક સામસામે આવી ગયાં હોવાની વાતો ચાલી હતી. હવે બંગાળમાં સવા વર્ષ પહેલાં વિધાનસભાની ચૂંટણી છે એટલે ફરી આવી વાતો ફેલાવીને ભાજપે મમતાને હરાવવા માટેનો પ્રચાર શરૂ કરી દીધો છે. 

વિશ્લેષકોના મતે, મમતા અભિષેક સિવાય કોઈને સત્તા સોંપે એ વાતમાં માલ નથી. મમતાએ ૨૦૧૧માં ૩૫ વર્ષથી જામેલા ડાબેરીઓને બંગાળમાંથી ઉખાડી ફેંકીને સત્તા કબજે કરી કે તરત જ ભત્રીજા અભિષેકને રાજકારણમાં લાવીને અભિષેક પોતાનો રાજકીય વારસ હશે તેનો સંકેત આપી દીધેલો. મમતાએ અભિષેકને સૌથી પહેલાં ૨૦૧૧માં જ ઓલ ઈન્ડિયા તૃણમૂલ યુથ કોંગ્રેસનો રાષ્ટ્રીય પ્રમુખ બનાવેલો.

અભિષેક ૨૦૧૪માં પહેલી વાર ડાયમંડ હાર્બર બેઠક પરથી લોકસભાની ચૂંટણી જીત્યો ત્યારે તેની ઉંમર માત્ર ૨૭ વર્ષ હતી. બેનરજી પછી વધુ બે વાર લોકસભામાં ચૂંટાયો છે. અભિષેક દિલ્હીમાં મમતાનો રાજકીય પ્રતિનિધી છે. તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રીપદ ઉપરાંત ભાજપ વિરોધી પક્ષોના બનેલા ઈન્ડિયા મોરચામાં પણ અભિષેક કો-ઓર્ડિનેશન કમિટીમાં છે.

પી.કે.ને ઉમેદવારોની પસંદગીનું કામ સોપાયું તેમાં બબાલ શરૂ થઈ

તૃણમૂલમાં અભિષેક અને જૂની પેઢી વચ્ચેના નેતાઓની ખેંચતાણ જૂની છે. ૨૦૨૧ની વિધાનસભા ચૂંટણી વખતે ભાજપે તૃણમૂલને હરાવવા એકદમ આક્રમક પ્રચાર કર્યો હતો. એ વખતે અભિષેક બેનરજી ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર ઉર્ફે પી.કે.ને લઈ આવેલા. પી.કે.ની કંપની આઈપેક દ્વારા તમામ વિધાનસભા બેઠકો પર સર્વે કરીને પછી ટિકિટો અપાઈ તેની સામે જૂના જોગીઓ ભડકી ગયેલા. 

હમણાં વકફ બોર્ડને લગતા કાયદામાં સુધારો કરવા માટે રચાયેલી જેપીસીમાં બબાલ કરનારા કલ્યાણ બેનરજીએ તો પી.કે.ને  'કોન્ટ્રાક્ટર' ગણાવીને સીધો અભિષેક સામે મોરચો માંડી દીધેલો. બેનરજીએ કહેલું કે, પક્ષને કોન્ટ્રાક્ટરની મદદથી ના ચલાવી શકાય. હું લાંબા સમયથી સાંસદ છું પણ સ્થાનિક ચૂંટણીમાં ટિકિટો આપતાં પહેલાં મને કદી પૂછાયું નથી જ્યારે આઈપેક સર્વે કરીને કાર્યકરોને ટિકિટ આપવાનાં વચન આપે છે.અભિષેકે પણ કલ્યાણ બેનરજી સહિતના નેતાઓને એ જ ભાષામાં જવાબ આપતાં જંગ છેડાઈ ગયેલો. છેવટે મમતા બેનરજીએ વચ્ચે પડીને અભિષેકને જૂના નેતાઓનું માન જાળવવાનું કહીને ઠપકો આપ્યો પછી ઝગડો શાંત પડી ગયો હતો. પી.કે.ની વ્યૂહરચનાના કારણે તૃણમૂલે ફરી સત્તા કબજે કરી તેના કારણે પણ જૂના નેતા ઠંડા પડી ગયા હતા.

News-Focus

Google NewsGoogle News