Get The App

દિલ્હીમાં ભાજપની જીત, રાજકારણમાંથી હવે રેવડી કલ્ચર ના જાય

Updated: Feb 9th, 2025


Google NewsGoogle News
દિલ્હીમાં ભાજપની જીત, રાજકારણમાંથી હવે રેવડી કલ્ચર ના જાય 1 - image


- કેજરીવાલ અને આમ આદમી પાર્ટીનો નકાબ ચીરાઈ ગયો છે, ભ્રષ્ટ ચહેરો ઉઘાડો પડી જતાં લોકોએ તેમને લાત મારીને તગેડી મૂક્યા છે

- રાજકીય પક્ષો કોઈ પણ વ્યક્તિના ખાતામાં દર મહિને રકમ જમા કરાવવાનું વચન આપે તેનો મતલબ રૂપિયા આપીને તેનો મત ખરીદવાની સીધી ઓફર એવો જ થાય. દરેકના મતની કિંમત અલગ અલગ આંકવામાં આવે છે, બાકી વાત એ જ છે. જો કે આ ટ્રેન્ડ માટે ભાજપ પર દોષારોપણ ના કરી શકાય કેમ કે ભાજપે તેની શરૂઆત કરી નથી.  ભાજપ એકલો જ આ રીતે રેવડીઓ વહેંચીને મત લેતો નથી. આપ દિલ્હીમાં બે ચૂંટણી એ રીતે જ જીતી હતી,  કોંગ્રેસ કર્ણાટકને હિમાચલ પ્રદેશમાં એ રીતે જ જીતી છે. તમિલનાડુમાં તો વરસોથી દરેક પરિવારને ટીવી, વોશિંગ મશીન, મિક્સર વગેરે આપીને ચૂંટણીઓ જીતાય જ છે. ટૂંકમાં બધા પક્ષો આ જ ખેલ કરે છે તેથી ભાજપે પણ પવન પ્રમાણે ચાલવું પડે છે. બાકી ભાજપ એક સમયે તેની વિરૂધ્ધ હતો.

દિલ્હી વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવી ગયાં અને અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી સાવ ધોવાઈ ગઈ. ૭૦ બેઠકોની વિધાનસભામાં ૪૮ બેઠકો જીતીને ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી છે જ્યારે આપ ૨૨ બેઠકો પર સમેટાઈ ગઈ છે. ૨૦૧૫ અને ૨૦૨૦માં ૬૦ કરતાં વધારે બેઠકો જીતીને ભાજપનાં સૂપડાં સાફ કરનારા કેજરીવાલ ત્રીજી વાર આમ આદમી પાર્ટીને જીતાડીને હેટ્રિક કરવા માગતા હતા પણ દિલ્હીની જનતાએ તેમની મનસા પૂરી ના કરી.

 છેલ્લી ચૂંટણીમાં ૭૦માંથી ૬૨ બેઠકો જીતીનારા કેજરીવાલની પાર્ટીએ ૪૦ બેઠકો ગુમાવી છે એ જોતાં આ દેખાવ શરમજનક કહેવાય. કેજરીવાલ માટે તો અંગત રીતે પણ આ પરિણામ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવાં છે કેમ કે ભાજપના પ્રવેશ વર્મા સામે એ પોતે નવી દિલ્હી બેઠક પરથી હારી ગયા છે. દિલ્હીનાં મુખ્યમંત્રી આતિસી કાલકાજી બેઠક પરથી જીતતાં આપની આબરૂનું સાવ ધોવાણ ના થયું પણ મનિષ સિસોદિયા સહિતના આપના ઘણ ધુરંધરો હારી ગયા છે. 

આમ આદમી પાર્ટીની હાર માટે કેજરીવાલના ભ્રષ્ટાચારને કારણભૂત ગણાવાય છે. ૨૦૦૦ કરોડ રૂપિયાથી વધારેનું લિકર સ્કેમ, સરકારી તિજોરીમાંથી ૪૦૦ કરોડ ખર્ચીને કેજરીવાલ માટે બનાવાયેલો શીશ મહલ વગેરેને કારણે દિલ્હીની પ્રજા સામે કેજરીવાલ અને આદમી પાર્ટીનો નકાબ ચિરાઈ ગયો અને ભ્રષ્ટ ચહેરો ઉઘાડો પડી ગયો તેથી લોકોએ કેજરીવાલને લાત મારીને તગેડી મૂક્યા એવો દાવો ભાજપ કરી રહ્યો છે. 

કેટલાક રાજકીય વિશ્લેષકો પણ આ વાતમાં સૂર પુરાવી રહ્યા છે પણ વાસ્તવમાં દિલ્હીની  લડાઈમાં ભ્રષ્ટાચાર મુદ્દો જ નહોતો. દિલ્હીમાં જંગ ફ્રીબીઝ એટલે કે રેવડીઓની ખેરાત કરવાના મુદ્દા પર લડાયો હતો. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એ ત્રણ મુખ્ય પક્ષો વચ્ચે પ્રજાના કરવેરાના પૈસે ભરાતી સરકારી તિજોરીમાંથી મફતની લહાણી કરવાની હોડ જામી હતી. બહુમતી મતદારોને આવરી લેતી રેવડીઓનાં વચન આપવામાં ત્રણેય પક્ષે કોઈ કસર નહોતી છોડી ને તેમાં ભાજપ મેદાન મારી ગયો છે કેમ કે ભાજપે આપ અને કોંગ્રેસ કરતાં વધારે રેવડીઓ વહેંચવાનું વચન આપ્યાં હતાં.  

ભાજપના રેવડીઓની ખેરાતનાં વચનોમાં પણ માસ્ટરસ્ટ્રોક મહિલા સમૃધ્ધિ યોજના હેઠળ દર મહિને ગરીબ મહિલાઓના ખાતામાં ૨૫૦૦ રૂપિયા જમા કરાવવાનું વચન છે. ભારતમાં કોઈ પણ રાજ્યમાં ૫૦ ટકા મતદારો મહિલાઓ હોય છે ને તેમાંથી ૬૦ ટકા મહિલા ગરીબ પરિવારની છે તેથી દર મહિને ખાતામાં રકમ આવે એ તેમના માટે આશિર્વાદરૂપ છે. ભાજપે હરિયાણા અને મહારાષ્ટ્રમાં આ સ્કીમ મૂકીને તેનાં મીઠાં ફળ ચાખેલાં તેથી દિલ્હીમાં પણ એ યોજના અમલમાં મૂકવાનું વચન આપીને જોરદાર ફાયદો મેળવી લીધો. 

ભાજપે ગેરકાયદેસર કોલોનીઓને કાયદેસર કરવી, દલિત વિદ્યાર્થીઓને દર મહિને ૧૦૦૦ રૂપિયા સ્કોલરશીપ, ટેકનિકલ અને આઈઆઈટીમાં ભણતા વિદ્યાર્થીઓને મેટ્રો-બસમાં મફત મુસાફરીની સાથે દર વરસે ૪૦૦૦ રૂપિયા ખાતામાં જમા કરાવવા, સીનિયર સિટિઝન્સ, વિધવાઓનું માસિક પેન્શન વધારીને ૩૫૦૦ રૂપિયા કરવું, યુપીએસસીની તૈયારી કરતા વિદ્યાર્થીઓને વરસે ૨૦ હજાર રૂપિયાની સહાય કરવા સહિતનાં વચનો પણ આપેલાં. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે પણ મહિલાઓના ખાતામાં દર મહિને રોકડ ટ્રાન્સફ કરવા સહિતનાં વચનો આપેલાં જ પણ ભાજપે ભાજપ કેન્દ્રમાં સત્તામાં છે તેથી ભાજપ પાસે વચનો પૂરાં કરવા માટે નાણાંની કોઈ કમી નહીં રહે એવું મતદારોને લાગ્યું તેથી લોકોએ ભાજપ પર ભરોસો મૂકી દીધો. નરેન્દ્ર મોદી સરકારે બજેટમાં નોકરીયાતો માટે આવકવેરાની મર્યાદા વધારીને ૧૨ લાખ રૂપિયા કરી નાંખી તેથી મધ્યમ વર્ગ ખુશખુશાલ છે. ભાજપને મધ્યમ વર્ગનો સાથ પણ ફળ્યો છે. 

આ ટ્રેન્ડ ખતરનાક છે ને લોકશાહીને ફારસરૂપ બનાવનારો છે. રાજકીય પક્ષો કોઈ પણ વ્યક્તિના ખાતામાં દર મહિને રકમ જમા કરાવવાનું વચન આપે તેનો મતલબ રૂપિયા આપીને તેનો મત ખરીદવાની સીધી ઓફર એવો જ થાય. દરેકના મતની કિંમત અલગ અલગ આંકવામાં આવે છે, બાકી વાત એ જ છે. 

ગરીબ મહિલાના ખાતામાં દર મહિને ૨૫૦૦ રૂપિયા જમા થાય એ હિસાબે ૫ વર્ષમાં તેને ૧.૫૦ લાખ રૂપિયા મળે તેથી તેનો એક વોટ દોઢ લાખમાં પડે જ્યારે ખેડૂતોને વરસે ૬ હજાર રૂપિયા અપાય એટલે તેમનો મત ૩૦ હજાર રૂપિયામાં પડે. વિદ્યાર્થીઓને વરસે ૪૦૦૦ રૂપિયા આપો એટલે તેમનો મત ૨૦ હજાર રૂપિયામાં પડે. 

આ ટ્રેન્ડ માટે ભાજપ પર દોષારોપણ ના કરી શકાય કેમ કે ભાજપે તેની શરૂઆત કરી નથી ને ભાજપ એકલો જ આ રીતે લોકોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરીને મત મેળવતો નથી. આપ દિલ્હીમાં બે ચૂંટણી એ રીતે જ જીતી હતી ને કોંગ્રેેસ કર્ણાટકને હિમાચલ પ્રદેશમાં એ રીતે જ જીતી છે. તમિલનાડુમાં તો વરસોથી દરેક પરિવારને ટીવી, વોશિંગ મશીન, મિક્સર વગેરે આપીને ચૂંટણીઓ જીતાય જ છે. ટૂંકમાં બધા પક્ષો આ જ ખેલ કરે છે તેથી ભાજપે પણ પવન પ્રમાણે ચાલવું પડે છે. બાકી ભાજપ એક સમયે તેની વિરૂધ્ધ હતો.

ગરીબોને સરકાર સહાય કરે તેની સામે વાંધો નથી પણ સવાલ ચૂંટણી જીતવા માટે તેનો ઉપયોગ કરાય છે તેનો છે. આ દેશમાં દરેક નાગરિકોને સમાન અધિકારો છે ત્યારે એક વર્ગ કરવેરા ભર્યા કરે ને રાજકારણીઓ તેનો ઉપયોગ નાગરિકોની સુવિધાએ વધારવાના બદલે બારોબાર બીજાં લોકોને આપી દે એ યોગ્ય ના કહેવાય. 

આ પ્રકારનાં વચનો પૂરાં કરવામાં ઘણાં રાજ્યો લાંબાં થઈ ગયાં છે. કર્મચારીઓને ચૂકવવા માટે પગારનાં ફાંફાં પડી જાય એવી હાલત થઈ ગઈ છે. માથે દેવું સતત વઘતું જાય છે ને આવકના સ્રોત નથી. સુપ્રીમ કોર્ટે પણ તેની સામે ચેતવણી આપી છે પણ હવે આ ટ્રેન્ડને રોકી શકાય તેમ નથી. ચૂંટણી પંચ રોકી શકે પણ તેનામાં પાણી નથી તેથી રેવડી કલ્ચર હવે દેશના રાજકારણનો અભિન્ન હિસ્સો બની ગયું છે. રાજકીય પક્ષો તેના જોરે ચૂંટણી જીતે છે તેથી એ પાછા નહીં હટે ને લોકોને મફતના રૂપિયા મલે છે તેથી લોકો પણ જવા નહીં દે.

ભાજપે કેજરીવાલને તેમના જ દાવથી પછાડી દીધા

અરવિંદ કેજરીવાલને ભારતીય રાજકારણમાં રેવડી કલ્ચરના પ્રણેતા ગણવામાં આવે છે ત્યારે ભાજપે કેજરીવાલને તેમના જ દાવથી પછાડી દીધા છે. મજાની વાત એ છે કે, રેવડી કલ્ચર શબ્દ નરેન્દ્ર મોદીએ અરવિંદ કેજરીવાલ દ્વારા લોકોને અપાતી મફતની ચીજો-સેવાઓની મજાક ઉડાવવા માટે વાપર્યો હતો. ૨૦૨૨માં મોદીએ ઉત્તર પ્રદેશમાં બુંદેલખંડ એક્સપ્રેસવેના ઉદઘાટન પ્રસંગે રેવડી કલ્ચર શબ્દ વાપરીને દાવો કરેલો કે, ભાજપ વિકાસના રાજકારમમાં માને છે, રેવડી કલ્ચરમાં નહીં. મોદીના પગલે ભાજપના નેતાઓમાં પણ રેવડી કલ્ચરનો શબ્દપ્રયોગ કરવાની ફેશન ચાલેલી. 

કેજરીવાલે દિલ્હીમાં ચૂંટણી જીતવા માટે મફત વીજળી, પાણી વગેરે આપવાનાં વચનો આપીને ભારતના રાજકારણમાં નવો ટ્રેન્ડ સેટ કર્યો હતો. એ પહેલાં રાજકીય પક્ષો લોકોને સીધી રાહત મળે એ પ્રકારનાં વચનો નહોતા આપતા. ભાજપે ૨૦૧૯ની લોકસભા ચૂંટણી વખતે  દરેક ખેડૂતના ખાતામાં વરસે ૬૦૦૦ રૂપિયા સીધા જમા કરાવવાનું વચન આપેલું અને તેનું પાલન પણ કરેલું પણ ભાજપ અમે કરીએ એ લીલા ને બીજાં કરે એ છિનાળુ એ માનસિકતામાં માને છે તેથી પોતે કર્યું તેની વાત નહોતો કરતો ને બીજા પક્ષોની મજાક ઉડાવતો હતો.  

હવે ભાજપના નેતા રેવડી કલ્ચરની વાત જ નથી કરતા કેમ કે હવે ભાજપ રેવડી કલ્ચરનો સૌથી મોટો ચેમ્પિયન છે અને બધા પક્ષોને પાછા છોડી દીધા છે. 

હવે રીઝર્વેશન નહીં પણ રેવડીઓ ચૂંટણી જીતવાનું અક્સિર શસ્ત્ર 

ભારતમાં એક સમયે રીઝર્વેશન એટલે કે અનામત પ્રથા ચૂંટણી જીતવા માટેનું અક્સિર હથિયાર મનાતું હતું પણ હવે ચૂંટણીઓમાં રીઝર્વેશન નહીં પણ રેવડીની બોલબાલા છે. પહેલાં ચૂંટણી નજીક આવે ત્યારે મોટી મતબેંક ધરાવતા સમુદાયને ખુશ કરવા માટે અનામતનું કાર્ડ ખેલીને જે તે સમુદાય માટે સરકારી નોકરીઓ અને શિક્ષણમાં અનામતની જાહેરાત કરી નંખાતી હતી. લોકો પણ ભોળવાઈ જતા અને સરકારી નોકરીની લાલચમાં મત આપી દેતા. 

હવે રીઝર્વેશનનું હથિયાર બુઠ્ઠું થઈ ગયું છે કેમ કે ચૂંટણી સમયે અપાયેલાં અનામતનાં વચન પૂરાં નથી થતાં. અનામત માટેની ૫૦ ટકાની મર્યાદાથી માંડીને બીજા ગણા બધા બંધારણીય પ્રશ્નોના કારણે કોઈ પણ સમુદાયને અનામત આપવી શક્ય જ નથી. 

આ વાત મતદારો પણ સમજી ગયા છે અને રાજકારણીઓ પણ સમજી ગયા છે તેથી તેમણે રેવડીનો નવો રસ્તો શોધી કાઢયો છે. મતદારોને પણ આ રસ્તો ફાવવા માંડયો છે કેમ કે સીધા ખાતામાં રૂપિયા આવી જાય એટલે બીજી કોઈ ઝંઝટ જ ના રહે. ભારતમાં છાસવારે ચૂંટણીઓ આવ્યા કરે છે તેથી મતદારોને દર વરસે કશુંક ને કશુંક મળતું જ રહે છે. લોકસભા ને વિધાનસભાની ચૂંટણીઓમાં સીધાં બેંકમાં રૂપિયા જમા કરાવાય છે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં બાર મહિનાનું કરિયાણું-સીધું ભરી અપાય છે તેથી મતદારો પણ ખુશ છે.

News-Focus

Google NewsGoogle News