Get The App

RSS પ્રમુખ ભાગવતનું કહીં પે નિગાહેં, કહીં પે નિશાના, શું સંઘ ભાજપમાં નવું નેતૃત્વ ઈચ્છે છે?

Updated: Sep 8th, 2024


Google NewsGoogle News
RSS પ્રમુખ ભાગવતનું કહીં પે નિગાહેં, કહીં પે નિશાના, શું સંઘ ભાજપમાં નવું નેતૃત્વ ઈચ્છે છે? 1 - image


- રાહુલ ગાંધીએ તો મોદી માટે નોનબાયોલોજિકલ પીએમ વિશેષણ પ્રચલિત કરી દીધું છે, બીજી તરફ સંઘ પણ મોદી વિચારની વિરુદ્ધની વાતો કરી રહ્યું છે

- ભાગવતના ધારદાર વાક્બાણથી મણિપુરમાં સબ સલામત હોવાના મોદી સરકારના દાવાના લીરા ઉડી દીધા છે. ભાગવતે માણસો પોતાને ભગવાન માનવા લાગે છે એ વાત 50 દિવસમાં બીજી વાર કરીને મોદીની ઝાટકણી કાઢી છે. ભાગવતે બંને વાર પોતે કોના સંદર્ભમાં વાત કરી રહ્યા છે એ કહ્યું નથી પણ સમજદાર કો ઈશારા કાફી હોતા હૈ 

ભાજપના પિતૃ સંગઠન મનાતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા (સરસંઘચાલક) મોહન ભાગવતે પૂણેમાં આપેલા નિવેદને દેશભરમા ચર્ચા જગાવી છે. મણિપુરમાં શિક્ષણ માટે જાત ઘસી નાંખનારા સ્વયંસેવક શંકર દિનકર કાણેની જન્મશતાબ્દીના કાર્યક્રમને સંબોધન કરતાં ભાગવતે કહ્યું કે, કોઈએ પણ પોતાને ભગવાન માની લેવા જોઈએ નહીં. લોકોને તમને ભગવાન માને છે કે નહીં તેનો નિર્ણય લોકોને કરવા દેવો જોઈએ. 

ભાગવતે માણસો પોતાને ભગવાન માનવા લાગે છે એ વાત ૫૦ દિવસમાં બીજી વાર કરી છે. આ પહેલાં ૧૮ જુલાઈએ ઝારખંડના ગુમલામાં ગ્રામ્ય સ્તરના કાર્યકર સંવાદ કાર્યક્રમ દરમિયાન ભાગવતે કહેલું કે, માણસની મહેચ્છાનો કોઈ અંત નથી. લોકો સુપરમેન બનવા માંગે છે, પણ સુપરમેન બનીને અટકતા નથી, પછી 'દેવતા', અને પછી 'ભગવાન' બનવા માંગે છે પણ 'ભગવાન' તો 'વિશ્વરૂપ' હોવાનું કહેવાય છે. ભાગવતે બંને વાર પોતે કોના સંદર્ભમાં વાત કરી રહ્યા છે એ કહ્યું નથી પણ સમજદાર કો ઈશારા કાફી હોતા હૈ એ હિસાબે લોકો માને છે કે, ભાગવતનું નિશાન નરેન્દ્ર મોદી છે. 

લોકસભા ચૂંટણી વખતે એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહેલું કે, મારાં માતા હયાત હતા ત્યાં સુધી હું માનતો હતો કે હું જૈવિક રીતે જ જન્મ્યો છું પણ માતાનાં નિધન પછી મને જે  અનુભૂતિઓ થઈ રહી છે તે જોતાં મને ખાતરી થઈ ગઈ છે કે, મને ઈશ્વર દ્વારા મોકલવામાં આવ્યો છે. આ ઊર્જા, આ ચેતના કોઈ બાયોલોજિકલ દેહની હોઈ શકે જ નહીં. 

ખુદ ઈશ્વરે મને આશીર્વાદરૂપે તે પ્રદાન કરી છે. હું જે પણ કરું છું તેમાં ઈશ્વરનું મને માર્ગદર્શન મળે છે.

કોંગ્રેસે મોદીના આ નિવેદનનો ઉપયોગ તેમના પર પ્રહાર કરવા માટે ભરપૂર પ્રમાણમાં કરી રહી છે. રાહુલ ગાંધીએ તો મોદી માટે 'નોન બાયોલોજિકલ પીએમ' વિશેષણ જ પ્રચલિત કરી દીધું છે અને મોદીનો ઉલ્લેખ 'નોન બાયોલોજિકલ પીએમ' તરીકે જ કરે છે. સંઘ અને ભાજપ એક સિક્કાની બે બાજુ જેવાં છે તેથી સંઘ ખુલ્લેઆમ રાહુલની જેમ પ્રહાર ના કરે પણ સંઘના વડા પોતે ૫૦ દિવસના ગાળામાં બીજી વાર માણસની પોતાને ભગવાન ગણાવવાની માનસિકતા વિશે વાત કરે એ અકારણ તો ના જ હોય તેથી ભાગવતના નિવેદનને 'કહીં પે નિગાહેં કહીં પે નિશાના' તરીકે જોવાઈ રહ્યું છે. 

ભાગવતે સ્પષ્ટ રીતે કશું કહ્યું નથી પણ તેમના નિવેદનનું એવું અર્થઘટન કરાઈ રહ્યું છે કે, સંઘ ભાજપમા નેતૃત્વ પરિવર્તન ઈચ્છે છે, નરેન્દ્ર મોદીના સ્થાને નવી નેતાગીરીના હાથમાં ભાજપનું સુકાન જાય એવું ઈચ્છે છે. સાથે સાથે સંઘ સ્પષ્ટ મેસેજ આપી રહ્યો છે કે, ભાજપ સરકાર પોતાને મનફાવે એ રીતે વર્તે ને સંઘ ચૂપ રહેશે એવું હવે બનવાનું નથી.  

લોકસભાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી ના મળી પછી સંઘ સતત મોદી પર પ્રહારો કરી રહ્યો છે. ભાગવત પોતે તો આડકતરી રીતે ભાજપના નેતૃત્વની ટીકા કરી જ રહ્યા છે પણ સંઘનાં મુખપત્ર તથા બીજા નેતા પણ સતત પ્રહારો કરી રહ્યા છે અને ભાજપની નીતિઓથી વિરૂધ્ધ વલણ ખુલ્લેઆમ લઈ રહ્યા છે તેના કારણે આ અર્થઘટન કરાઈ રહ્યું છે.

હજુ આ અઠવાડિયે જ સંઘે ત્રણ મુદ્દે ભાજપ અને મોદી સરકારથી સાવ સામા છેડાનું વલણ અપનાવીને ભાજપનો પોપટ કરી નાંખ્યો હતો. મોદી સરકાર જ્ઞાાતિ આધારિત વસતી ગણતરીની વિરૂદ્ધ છે પણ સંઘે કેરળની સમન્વય બેઠક પછી જ્ઞાાતિ આધારિત વસતી ગણતરીની ખુલ્લેઆમ તરફેણ કરી. કોલકાત્તામાં આર.જી. કાર હોસ્પિટલમાં ટ્રેઈની ડોક્ટર યુવતી પર બળાત્કાર અને હત્યાના મુદ્દે ભાજપ મમતા બેનરજી સરકારને સસ્પેન્ડ કરીને રાષ્ટ્રપતિ શાસન લાદવાની માગ કરી રહ્યો છે ત્યારે ભાજપે લોકશાહી ઢબે ચૂંટાયેલી મમતા બેનરજી સરકારને સસ્પેન્ડ કરવી લોકશાહીનું અપમાન હશે એવું કહીને તેનો વિરોધ કર્યો છે. 

મણિપુરમાં સ્થિતી સામાન્ય થઈ રહી હોવાના મોદી સરકારના દાવાના પણ મોહન ભાગવતે પોતે ધજાગરા ઉડાવી દીધા છે. પૂણેના જે કાર્યક્રમમાં ભાગવતે મોદી પોતાને ભગવાન માનવા માંડયા છે તેની ઝાટકણી કાઢી એ જ કાર્યક્રમમાં તેમણે સાફ શબ્દોમાં કહ્યું છે કે, મણિપુરમાં લોકો સુરક્ષિત નથી અને બહારનાં લોકો તો જઈ શકે એવી સ્થિતીમાં જ નથી. 

ભાગવતે લોકસભાની ચૂંટણીનાં પરિણામો પછી પણ મોદી અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. 

ભાગવતે જૂનમાં  સંઘના સ્વયંસેવકોના કારોબારી વિકાસ વર્ગ-૨ના સમાપન ભાષણમાં પહેલી વાર રાજકીય નિવેદન આપીને કહેલું કે,  દેશને નિઃસ્વાર્થ સેવા અને સાચી સેવાની જરૂર છે. મર્યાદાનું પાલન કરે તેમનામાં અહંકાર હોતો નથી અને એ લોકો જ સેવક તરીકે ઓળખાવાના અધિકારી છે. મોદી પોતાને પ્રધાન સેવક ગણાવે છે તેથી ભાગવતે આડકતરી રીતે મોદીના સંદર્ભમાં આ વાત કહી હતી. 

ભાગવતે લોકસભાની ચૂંટણીમાં ભાજપના પ્રચારની પણ ઝાટકણી કાઢી હતી. ભાગવતે કહેલું કે, ટેકનોલોજીની મદદથી જૂઠાણાં ફેલાવવાં યોગ્ય નથી. ચૂંટણીની એક મર્યાદા હોવી જોઈએ પણ  આ વખતે એ મર્યાદા જોવા નહોતી મળી. ભાગવતે ત્યાં સુધી કહ્યું કે, ચૂંટણી યુદ્ધ નહીં પણ સ્પર્ધા છે પણ આ વખતે સમાજમાં નફરત પેદા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભાગવતે તો કોંગ્રેસ સહિતના પક્ષો સંસદમાં પોતાના વિચારો વ્યક્ત કરે તો  તેનું પણ સન્માન કરવું જોઈએ એવી સલાહ આપી હતી.

સંઘના બીજા નેતાઓએ પણ આવાં નિવેદનો આપ્યાં છે. ઇન્દ્રેશકુમારે ભાજપને 'અહંકારી' ગણાવીને કહેલું કે, જે લોકોમાં રામભક્તિ હતી તેમાનામાં ધીરેધીરે અહંકાર આવી ગયો તેથી ભગવાન રામે તેમને ૨૪૦ બેઠકો પર રોકી દીધા. કેરળમા મળેલી સમન્વય બેઠક પછી ભાજપ સાથે મતભેદો હોવાનું પણ સંઘે પહેલી વાર સ્વીકાર્યું. 

આ ઘટનાક્રમ જોતાં સંઘ ભાજપમાં નવું નેતૃત્વ ઈચ્છે છે એવા અર્થઘટનને સ્પષ્ટ રીતે નકારી શકાય તેમ નથી. સંઘે ભાજપ સાથેના મતભેદો પરિવારનો આંતરિક મામલો છે એવું પણ કહ્યું છે તેના પરથી સંઘ ભાજપ સાથેના સંબંધો પર પૂર્ણવિરામ નથી મૂકવા માગતો એ પણ સ્પષ્ટ છે તો બચ્યું કોણ ?

લોકસભા ચૂંટણી પછી સંઘના મુખપત્રે પણ ભાજપને ઝાટકી નાંખેલો

લોકસભાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી ના મળી પછી આરએસએસના મુખપત્ર 'ઓર્ગેનાઇઝર'માં પણ રતન શારદાએ લખેલા લેખમાં ભાજપના નેતાઓની ટીકા કરવામાં આવી હતી. ઓર્ગેનાઇઝરે લખ્યું હતું કે, લોકસભા ચૂંટણીનાં પરિણામોએ ભાજપના અતિ આત્મવિશ્વાસી નેતા-કાર્યકરોને આઈનો બતાવ્યો છે. 

ભાજપમાં દરેક માણસ ભ્રમમાં હતો અને કોઈએ લોકોનો અવાજ સાંભળ્યો જ નહીં. 

આ લેખમાં ભાજપના નેતા-કાર્યકરો સામાન્ય લોકો સાથે સંપર્ક ગુમાવી બેઠા હોવાનો આક્ષેપ પણ કરાયો હતો.

 ભાજપ પોતાના અહંકાર અને અતિ આત્મવિશ્વાસના કારણે હાર્યો હોવાનું સ્પષ્ટ રીતે લખાયું હતું. 

સંઘે તેનું આ વલણ ચાલુ રાખ્યું છે તેનું કારણ જે.પી. નડ્ડાના નિવેદને સંઘના સ્વયંસેવકોમાં ઉભી કરેલી નારાજગી છે. નડ્ડાએ ઇન્ડિયન એક્સપ્રેસને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ભાજપ હવે પોતની રીતે પોતાન નિર્ણયો લઈ શકે છે અને પોતાની રીતે બધું હેન્ડલ કરવા માટે સક્ષમ છે તેથી ભાજપને હવે સંઘની જરૂર નથી.

સંઘના સ્વયંસેવકોના મતે, નડ્ડા ક્યા ખિલાના જોરે આ કૂદાકૂદ કરી ગયા એ સૌ જાણે છે. આ સંજોગોમાં સંઘે ભાજપને તેની હૈસિયત બતાવવી જ જોઈએ.

સંઘે 2004નાં પરિણામો પછી પણ ભાજપ સામે આક્રમક વલણ લીધેલું

સંઘ-ભાજપના કેટલાક નેતા હાલની સ્થિતીને ૨૦૦૪ની સ્થિતી સાથે સરખાવી રહ્યા છે. ૨૦૦૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપની હાર પછી સંઘના તત્કાલિન વડા કે.એસ. સુદર્શને એનડીટીવીને આપેલા ઇન્ટરવ્યૂમાં અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીની ખુલ્લેઆમ ટીકા કરી હતી. 

સુદર્શને સાફ શબ્દોમાં કહેલું કે. વડા પ્રધાન તરીકે વાજપેયીના કાર્યકાળમાં કેટલાક સારા નિર્ણયો લેવાયા પણ તેમણે બધાની સાથે હળીમળીને કામ ના કર્યું. વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ, અખિલ ભારતીય  વિદ્યાર્થી પરિષદ, ભારતીય મજદૂર સંઘ સાથે તેમણે સંવાદ બંધ કરી દીધો હતો. હવે વાજપેયી અને અડવાણીએ સંન્યાસ લઈ લેવો જોઈએ અને નવી નેતાગીરીને તક આપવી જોઈએ. સુદર્શને સરકારી કામકાજમાં દખલ દેવા માટે વાજપેયીના જમાઈ રંજન ભટ્ટાચાર્યની પણ ટીકા કરી હતી. 

ભાગવત સીધું કોઈનું નામ નથી લઈ રહ્યા. મોદી હજુ વડાપ્રધાન હોવાથી ભાગવત હોદ્દાની ગરિમા જાળવી રહ્યા છે પણ તેમની વાતોનો સૂર સુદર્શન જેવો જ છે. સંઘ પરિવારનાં સંગઠનોની અવગણના કરાતી હોવા સહિતના મુદ્દા પણ એ જ છે.

News-Focus

Google NewsGoogle News