આખલાઓ વચ્ચેની લડાઈમાં આખી દુનિયાનો ખો નીકળી રહ્યો છે
- સાઉદીએ અમેરિકાનું નાક દબાવતા ક્રૂડ 200 ડૉલર થશે જેના કારણે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો થશે : અમેરિકાની મનની મનમાં રહી ગઈ
- અમેરિકા સાઉદીની આગેવાની હેઠળના 'ઓપેક'ના નિર્ણયથી તમતમી ગયું છે. અમેરિકાએ રશિયાનું નાક દબાવવા માટે તેના ક્રૂડની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો. અમેરિકા એ વખતે 'ઓપેક' પર પોતાના વર્ચસ્વના જોરે મુશ્તાક હતું, અમેરિકાને ભરોસો હતો કે, સાઉદી અરેબિયાના જોરે રશિયાને નમાવી શકીશું પણ આ ભરોસાની ભેંસે પાડો જણ્યો છે
પેટ્રોલ-ડીઝલના ભાવો લાંબા સમયથી ઘટતા જ નથી ત્યાં ક્રૂડ ઉત્પાદક ઓઈલ દેશોના સંગઠન ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલીયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ (ઓપેક)એ ક્રૂડના ઉત્પાદનમાં રોજના ૨૦ લાખ બેરલના કાપનો નિર્ણય લેતાં પેટ્રોલ-ડીઝલના ભાવો ફરી ભડકે બળે એવાં એંધાણ છે. 'ઓપેક' દ્વારા ૨૦૨૦ના માર્ચ પછી પહેલી વાર આટલા મોટા પાયે ઉત્પાદન કાપનો નિર્ણય લેવાયો છે. એ વખતે આખી દુનિયામાં કોરોનાનો કાળો કેર હતો ને દુનિયાના મોટા ભાગના દેશોમાં લોકડાઉન લદાઈ ગયેલું તેથી પેટ્રોલ-ડીઝલની ખપત જ નહોતી.
એ સંજોગોમાં ક્રૂડના ઉત્પાદનનો અર્થ નહોતો તેથી કાપનો નિર્ણય બરાબર હતો. અત્યારે તો દુનિયામાં આર્થિક પ્રવૃત્તિઓ ધમધમે છે ત્યારે જ 'ઓપેક'એ આ નિર્ણય લઈને સૌને આંચકો આપી દીધો છે.
આ નિર્ણયમાં પાછી મહત્વની વાત એ છે કે, અમેરિકા ક્રૂડ ઉત્પાદન ઘટાડાની વિરૂધ્ધ છે. 'ઓપેક' ૧૩ દેશોનું બનેલું સંગઠન છે. અલ્જીરીયા, અંગોલા, ઈક્વેટોરીયલ ગિનીયા, ગેબોન, ઈરાન, ઈરાક, કુવૈત, લિબિયા, નાઈજીરિયા, સાઉદી અરેબિયા, યુએઈ, રીપબ્લિક ઓફ કોંગો અને વેનેઝુએલા એ ૧૩ 'ઓપેક'ના સભ્ય દેશો છે. સાઉદી અરેબિયા 'ઓપેક'નું આગેવાન છે અને સાઉદી અમેરિકાનું આંગળિયાત છે. સાઉદીના શાસકો અમેરિકા કહે એમ નાચતા તેથી અત્યાર લગી 'ઓપેક' અમેરિકાના ઈશારે વર્તતું. અમેરિકા કહે ત્યારે ક્રૂડનું ઉત્પાદન વધારી દે અને અમેરિકા કહે ત્યારે ઘટાડીને દુનિયાના બીજા દેશોના નાક દબાવે.
હવે પહેલી વાર એવું બન્યું છે કે 'ઓપેક' એટલે કે સાઉદી અરેબિયાએ અમેરિકાની વાતને ગણકારી નથી ને ધરાર પોતાની મનમાની કરીને ઉત્પાદન ઘટાડી દીધું છે. અમેરિકા માટે શરમજનક વાત એ કહેવાય કે, અમેરિકા તો 'ઓપેક' ઉત્પાદન વધારે એવું ઈચ્છતું હતું. રશિયા અને યુક્રેનના યુધ્ધના કારણે અમેરિકા સહિતના દેશોએ રશિયાના ક્રૂડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો તેના કારણે યુરોપના દેશોની હાલત ખરાબ છે.
રશિયા પાસેથી મળતું ક્રૂડ બંધ થયું તેમાં યુરોપના દેશોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. અમેરિકામાં પણ પ્ચેરોલ-ડીઝલના ભાવોમાં જોરદાર ઉછાળો આવ્યો છે કેમ કે વૈશ્વિક સ્તરે ભવા વધ્યા છે. 'ઓપેક' ક્રૂડ ઓઈલનું ઉત્પાદન વધારે તો ક્રૂડ સસ્તું થાય. તેના કારણે પેટ્રોલ-ડીઝલ સસ્તાં થાય તેથી પોતાના સાથી દેશોની ને પોતાની પણ તકલીફો ઘટે એવી અમેરિકાની ગણતરી હતી. આ કારણે અમેરિકા ક્યારનુંય સાઉદીને ઉત્પાદન વધારવા આજીજી કર્યા કરતું હતું.
અમેરિકાના પ્રમુખ જો બાઈડન જુલાઈ મહિનામાં સાઉદી ગયા ત્યારે તેમણે સાઉદીના કિંગ સલમાનને ક્રૂડ ઉત્પાદન વધારવા વિનંતી કરી જોયેલી પણ સલમાને આ વિનંતી એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાંખેલી. અમેરિકાએ એ પછી પણ વારંવાર વિનંતી કરી પણ સાઉદીએ આ વિનંતીને ગણકારી જ નહી.
'ઓપેક'ના ૧૩ દેશમાંથી ૯ દેશ ફુલ કેપેસિટી સાથે ક્રૂડ ઉત્પાદન કરતા હતા તેથી એ દેશો ઉત્પાદન વધારી શકે તેમ નહોતા પણ સાઉદી અરેબિયા, કુવૈત, યુએઈ અને ઈરાક એ ચાર દેશ ઉત્પાદન વધારી શકે એમ હતા. આ ચારેય દેશો ફુલ કેપેસિટી સાથે કામ કરે તો રોજના ૨૫ લાખ બેરલ વધારાનું ક્રૂડ ઉત્પન્ન કરી શકે તેમ હતા. રશિયા પરના પ્રતિબંધના કારણે રોજના ૯૦ લાખ બેરલની પડેલી ઘટ તેના કારણે ના પૂરાય ને ૬૫ લાખ બેરલની ઘટ તો રહે જ. આમ છતાં રોજના ૨૫ લાખ બેરલ ઉત્પાદન વધે તો ફરક પડે જ તેથી અમેરિકા વિનંતી કર્યા કરતું હતું પણ સાઉદી ધ્યાને જ નહોતું ધરતું. હવે અચાનક અમેરિકાની સામે પડીને ઉત્પાદનમાં કાપનો નિર્ણય લઈ લીધો છે.
અમેરિકા સાઉદીની આગેવાની હેઠળના 'ઓપેક'ના નિર્ણયથી તમતમી ગયું છે. અમેરિકાએ રશિયાનું નાક દબાવવા માટે તેના ક્રૂડની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો. અમેરિકા એ વખતે 'ઓપેક' પર પોતાના વર્ચસ્વના જોરે મુશ્તાક હતું, અમેરિકાને ભરોસો હતો કે, સાઉદી અરેબિયાના જોરે રશિયાને નમાવી શકીશું પણ આ ભરોસાની ભેંસે પાડો જણ્યો છે.
અમેરિકાએ સત્તાવાર રીતે આ નિર્ણયની ઝાટકણી કાઢીને ટૂંકી દ્રષ્ટિનો ગણાવ્યો છે. બિનસત્તાવાર રીતે અમેરિકાએ સાઉદી અરેબિયાને આ નિર્ણયનાં માઠાં પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે એવી ધમકી આપી હોવાનું કહેવાય છે. અમેરિકા શું કરશે એ ખબર નથી પણ અત્યારે તો 'ઓપેક'ના નિર્ણયના કારણે આખી દુનિયાની હાલત બગડે એનાં એંધાણ છે.
અત્યારે વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ ૯૫ ડોલરની આસપાસ છે. રશિયાના ક્રૂડની નિકાસ પર પ્રતિબંધ મૂકાયો ત્યારે ક્રૂડના ભાવ અંધાધૂંધ વઘી ગયેલા. લાંબા સમયથી ક્રૂડ પ્રતિ બેરલ ૧૦૦ ડોલરની નીચે હતું. રશિયા-યુક્રેન યુધ્ધના કારણે વરસો પછી પહેલી વાર ભાવ ૧૦૦ ડોલરને પાર થયા ને ૧૩૯ ડોલર પર પહોંચી ગયા હતા. છેલ્લે ૨૦૦૮માં ક્ડે ૧૩૯ ડોલરનો આંક જોયેલો તેથી ક્રૂડના ભાવનો ૧૪ વર્ષનો રેકોર્ડ તૂટી ગયો હતો.
એ વખતે ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ ૨૦૦ ડોલર થઈ શકે એવી આગાહી બેંક ઓફ અમેરિકાના નિષ્ણાતોએ કરેલી.
સિંગાપોરની ઓસીબીસી બેંકના અર્થશાસ્ત્રી હોવી લીએ તેમાં સૂર પુરાવેલો જ્યારે જે.પી. મોર્ગને ૧૮૫ ડોલરનો ભાવ થવાની આગાહી કરી હતી. સદનસીબે એ વખતે ભાવ ૧૩૯ ડોલરથી પાછા વળી ગયેલા પણ હાલના 'ઓપેક'ના નિર્ણયના કારણે ભાવ ફરી ૧૫૦ ડોલરને પાર થઈ જશે એવું નિષ્ણાતો માને છે.
'ઓપેક'ના નિર્ણયને કારણે ક્રૂડ ક્યાં પહોંચે છે એ જોવાનું રહે છે પણ અત્યારે વિશ્વમા ચર્ચા અમેરિકા અને સાઉદી અરેબિયા સામસામે આવી ગયાં તેની છે. એવી વાતો પણ ચાલ છે કે, સાઉદીના કિંગ સલમાને ખાનગીમાં રશિયાના વ્લાદીમિર પુતિન સાથે હાથ મિલાવી લીધા છે કે જેથી હાલની સ્થિતીનો ફાયદો ઉઠાવીને જંગી કમાણી કરી શકાય.
આ વાત કેટલી સાચી છે એ રામ જાણે પણ સાઉદી અને અમેરિકા સામસામે આવી ગયાં એ માટે જમાલ ખાશોગીની હત્યા એક કારણ છે જ. જમાલ ખાશોગી આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત જર્નલિસ્ટ હતો. ખાશોગીની ૨૦૧૮માં તુર્કીના ઈસ્તંબુલમાં હત્યા થયેલી. આ હત્યા બદલ અમેરિકામાં કેસ ચાલે છે. સાઉદીના પ્રાઈમ મિનિસ્ટર અને ભાવિ રાજા મોહમ્મદ બિન સલમાને આ હત્યા કરાવી છે એ જગજાહેર છે.
અમેરિકા પ્રિન્સ સલમાનને અમેરિકાની કોર્ટમાં હાજર થવા ફરમાન કરાયું છે. પ્રિન્સ સલમાનની દલીલ છે કે, પોતે સાઉદીના પ્રાઈમ મિનિસ્ટર હોવાથી પોતાને આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે ઈમ્યુનિટી એટલે કે છૂટછાટ મળવી જોઈએ પણ અમેરિકા તેના માટે તૈયાર નથી તેથી અમેરિકાને નમાવવા સાઉદીએ નાક દબાવ્યું છે. એક રીતે જોઈએ તો બે આખલાની આ લડાઈ છે ને તેમાં આખી દુનિયાનો ખો નિકળી રહ્યો છે.
અમેરિકા અને સાઉદી વચ્ચે જેના કારણે અંટસ પડી એ જમાલ ખાશોગીની હત્યાની ઘટના કોઈ થ્રીલરથી કમ નથી.
સાઉદીના પ્રિન્સે આ હત્યા કેમ કરાવી તેની વાત કાલે કરીશું.
સાઉદીના સલમાને પુત્રને બચાવવા પુતિન સાથે હાથ મિલાવ્યા ?
અલ્જીરીયા, અંગોલા, ઈક્વેટોરીયલ ગિનીયા, ગેબોન, ઈરાન, ઈરાક, કુવૈત, લિબિયા, નાઈજીરિયા, સાઉદી અરેબિયા, યુએઈ, રીપબ્લિક ઓફ કોંગો અને વેનેઝુએલા એ ૧૩ 'ઓપેક'ના સભ્ય દેશો છે. સાઉદી અરેબિયા 'ઓપેક'નું આગેવાન છે. દુનિયામાં ક્રૂડ ઓઈલના કુલ જથ્થામાંથી ૭૩ ટકા જથ્થો આ ૧૩ દેશોમાં છે. તેના કારણે 'ઓપેક'ના સભ્ય દેશો ભેગા મળીને ક્રૂડ ઓઈલના આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવ નક્કી કરે છે. 'ઓપેક' ક્રૂડનું નોંધપાત્ર ઉત્પાદન કરતા બીજા ૧૦ દેશોને ઉમેરીને ઓપેક પ્લસ બનાવાયું છે. 'ઓપેક'ના ૧૩ સભ્યો ઉપરાંત રશિયા, અઝરબૈઝાન, બહેરીન, બ્રુનેઈ, કઝાખસ્તાન, મલેશિયા, મેક્સિકો, ઓમાન દક્ષિણ સુદાન અને સુદાન એમ કુલ ૨૩ દેશો મળીને ઓપેક પ્લસ બન્યું છે. ઓપેક પ્લસની નિયમિત બેઠકો મળે છે. વૈશ્વિક સ્તરે ક્રૂડના ભાવ નક્કી કરવામાં તેની પણ ભૂમિકા છે. સાઉદીના કિંગ સલમાને પુત્રને બચાવવા રશિયા સાથે હાથ મિલાવી લીધા એવું કહેવાય છે.
અમેરિકાના રશિયાના પ્રતિબંધોની અસર નહીં
અમેરિકાએ રશિયાના ક્રૂડની નિકાસ પર પ્રતિબંધ તો મૂકી દીધો પણ તેની કોઈ અસર થઈ નથી તેનો ધૂંધવાટ પણ અમેરિકાને છે. આ પ્રતિબંધના કારણે અમેરિકા તથા યુરોપના દેશોમાં મોંઘવારી બેફામ વધી છે. બ્રિટનમાં તો ફુગાવો ૪૦ વર્ષની ટોચે છે. અમેરિકા અને બ્રિટન રશિયા પાસેથી ક્રૂડ નથી લેતાં પણ યુરોપના દેશો અમેરિકાના પ્રતિબંધને વળગી રહ્યા નથી. યુરોપના મોટા ભાગના દેશો અને ખાનગી કંપનીએ રશિયા પાસેથી ખાનગીમાં ક્રૂડ ખરીદે જ છે. ભારત પણ રશિયા પાસેથી જંગી પ્રમાણમાં ક્રૂડ લે છે. અત્યારે રશિયા ભારત માટે સૌથી મોટું ક્રૂડ સપ્લાયર છે. અમેરિકા આ બધાંને સીધા કરવા 'ઓપેક'નો ઉપયોગ કરવા માંગતું હતું પણ સાઉદીએ તેનો પોપટ કરી નાંખ્યો.