Get The App

ટ્રમ્પની જીતથી મસ્ક સૌથી વધુ ફાયદામાં, રિસ્ક હૈ તો ઈશ્ક હૈ....

Updated: Nov 8th, 2024


Google NewsGoogle News
ટ્રમ્પની જીતથી મસ્ક સૌથી વધુ ફાયદામાં, રિસ્ક હૈ તો ઈશ્ક હૈ.... 1 - image


- મસ્કે ટ્રમ્પની તરફેણમાં માહોલ ઊભો કરવા રાત-દિવસ એક કરી નાખ્યા હતા, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સનો ઉપયોગ કરવાની છૂટ આપી દીધી હતી

- મસ્કે કમલા હેરિસ સામે પડીને ડોનાલ્ડ ટ્રમ્પની ખુલ્લેઆમ તરફેણ કરીને પોતાના અબજોના બિઝનેસ એમ્પાયરને જોખમમાં મૂકી દેવાનો જુગાર ખેલ્યો હતો એ ફળ્યો છે. ટ્રમ્પ સરકારમાં મસ્ક કોસ્ટ કટિંગના મંત્રી બનશે એ નક્કી મનાય છે ત્યારે મસ્કને બીજા પણ ઘણા મોટા આર્થિક ફાયદા થશે એ સ્પષ્ટ છે. મસ્કની ટેસ્લા અને સ્પેસએક્સને મળતા કોન્ટ્રાક્ટ્સ અને સબસિડી તો વધશે જ પણ મસ્કની સ્પેસલિંક  સહિતની બીજી કંપનીઓને પણ ફાયદો થશે. ભારતમાં સ્પેસલિંકની એન્ટ્રી આડેના અવરોધ ટ્રમ્પ દબાણ લાવીને દૂર કરાવે એ સહિતના ઘણા ફાયદા મસ્કને થશે. 

અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં જીત્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કનો ખાસ આભાર માનતાં ચોતરફ મસ્કની ચર્ચા છે. મસ્કનો ટ્રમ્પે વિજય પછીના પ્રવચનમાં ખાસ ઉલ્લેખ કર્યો. ટ્રમ્પે મસ્કને ખાસ વ્યક્તિ અને સુપર જીનિયસ ગણાવ્યા. ટ્રમ્પે મસ્કને સ્ટાર ગણાવીને કહ્યું કે, એલન મસ્કના રૂપમાં અમેરિકામાં એક નવા સ્ટારનો જન્મ થયો છે અને એલન અદભૂત વ્યક્તિ છે. 

મસ્કે બધું બાજુ પર મૂકીને ટ્રમ્પના ચૂંટણી પ્રચાર માટે છેલ્લે છેલ્લે ફિલાડેલ્ફિયા અને પેન્સિલ્વાનિયામાં બે અઠવાડિયાં ગાળેલાં તેનો ઉલ્લેખ કરીને ટ્રમ્પે કહ્યું કે, માત્ર એલન જ આ કરી શકે અને હું એટલે જ એલનને પ્રેમ કરું છું. ટ્રમ્પે એલનની ઈન્ટરનેટ સેવા પૂરી પાડતી કંપની સ્ટારલિંકનો ઉલ્લેખ કરીને કહ્યું કે, આ વર્ષની શરૂઆતમાં અમેરિકામાં આવેલા હેલેના વાવાઝોડા વખતે સ્ટારલિંકની ઈન્ટરનેટ સેવાએ હજારો લોકોના જીવ બચાવ્યા હતા. 

ટ્રમ્પે મસ્કની તારીફમાં કસિદા એ વાતનો સ્પષ્ટ સંકેત છે કે, મસ્કે કમલા હેરિસ સામે પડીને ડોનાલ્ડ ટ્રમ્પની ખુલ્લેઆમ તરફેણ કરીને પોતાના અબજોના બિઝનેસ એમ્પાયરને જોખમમાં મૂકી દેવાનો જુગાર ખેલ્યો હતો એ ફળ્યો છે. રિસ્ક હૈ તો ઈશ્ક હૈ ને મસ્કે લીધેલું રિસ્ક ફાયદાકારક સાબિત થશે. 

જુલાઈમાં ટ્રમ્પ પર પહેલી વાર હુમલો થયો પછી મસ્કે ટ્રમ્પને ટેકો જાહેર કરેલો. મસ્કે ટ્રમ્પને જીતાડવા પોતાનો ખજાનો ખુલ્લો મૂકીને ૧૦ કરોડ ડોલર (લગભગ ૮૪૦ કરોડ રૂપિયા)નું દાન આપેલું. અમેરિકામાં પ્રમુખપદન ચૂંટણીમાં નિર્ણાયક મનાતાં ૭ સ્વિંગ સ્ટેટમાં ધામા નાંખીને મસ્કે ટ્રમ્પની તરફેણમાં માહોલ ઉભો કરવા માટે રાત-દિવસ એક કરી નાંખ્યા હતા. ટ્રમ્પના વિરોધીઓને જવાબ આપવા માટે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સનો ઉપયોગ કરવાની ટ્રમ્પના કેમ્પને છૂટ આપી દીધેલી. 

મસ્ક ટ્રમ્પના સમર્થનમાં કૂદ્યા ત્યારે કમલા હેરિસની તરફેણમાં માહોલ હતો અને ટ્રમ્પની જીત વિશે તેમના જ ખાસ લોકો અવઢવમાં હતા. મસ્ક શ્યોર શોટ નહીં ગણાતા ટ્રમ્પને ટેક આપીને બરબાદી વહોરી રહ્યા છે એવી ટીકાઓ પણ થઈ હતી પણ મસ્કે તેનાથી ડર્યા વિના ટ્રમ્પનો ઉગ્રતાથી પ્રચાર કરીને પોતાની ટીકા કરનારાંને ચાટ પાડી દીધા છે. પરિણામો પછી મસ્કની બુધ્ધિ સાઠ પહેલાં જ નાઠી છે એવી ટીકા કરનારાંની બોલતી બંધ કરી દીધી છે. ડોનાલ્ડ ટ્રમ્પની જીતના કારણે હવે પછી કોને કોને ફાયદો થશે એ સમય કહેશે પણ પોતે જીતશે તો સૌથી વધારે ફાયદામાં મસ્ક રહેશે તેનો સ્પષ્ટ સંકેત ટ્રમ્પે પહેલાં જ આપી દીધેલો. મસ્કે કરેલી મદદના બદલામાં ટ્રમ્પે પોતાની કેબિનેટમાં લેવાની ઓફર કરેલી. ટ્રમ્પે મસ્ક માટે પોતાના વહીવટી તંત્રમાં ખાસ હોદ્દો ઉભો કરવાનો સંકેત પણ આપ્યો છે. સરકારી તંત્રની કામગીરીને અસરકારક બનાવવા અને ખર્ચ ઘટાડવા માટે ટ્રમ્પ 'સેક્રેટરી ઓફ કોસ્ટ-કટિંગ' નામે નવો હોદ્દો ઉભો કરવાના છે. અમેરિકામાં મંત્રી માટે સેક્રેટરી શબ્દ વપરાય છે તેથી ટ્રમ્પ સરકારમાં મસ્ક કોસ્ટ કટિંગના મંત્રી બનશે એ નક્કી મનાય છે. 

મસ્કને બીજા પણ ઘણા મોટા આર્થિક ફાયદા થશે એ સ્પષ્ટ છે. ટેસ્લા અને સ્પેસએક્સ  એલન મસ્કની સૌથી મોટી બે કંપનીઓ છે. આ બંને કંપનીઓને અમેરિકાની સરકાર તરફથી તોતિંગ કોન્ટ્રાક્ટ્સ અને સબસિડી મળે છે. કમલા હેરિસ પ્રમુખ બન્યાં હોત તો મસ્કને મળતા કોન્ટ્રાક્ટ્સ અને સબસિડીમાં તોતિંગ કામ આવી ગયો હોત એ કહેવાની જરૂર નથી પણ એવું ના થયું. હેરિસ હાર્યા ને ટ્રમ્પ જીત્યા તેથી ટેસ્લા અને સ્પેસએક્સને મળતા કોન્ટ્રાક્ટ્સ અને સબસિડી તો વધશે જ પણ મસ્કની સ્પેસલિંક  સહિતની બીજી કંપનીઓને પણ ફાયદો થશે. 

સ્પેસએક્સને નાસાનો ૮૫ કરોડ ડોલર અને યુએસ સ્પેસ ફોર્સનો ૭૦ કરોડ ડોલરનો કોન્ટ્રાક્ટ મળેલો છે. અમેરિકામાં નાસાના અડધાથી વધારે સેટેલાઈટ સ્પેસએક્સ લોંચ કરે છે. નાસાના સ્પેસ મિશન પ્રોગ્રામમાં પણ સ્પેસએક્સ મહત્વની ભૂમિકા ભજવે છે. ટ્રમ્પ પ્રમુખ બનતાં અમેરિકાના બધા સેટેલાઈટ લોંચ કરવાનો કોન્ટ્રાક્ટ મસ્કની કપનીને મળી જાય એવું બને. નાસાના સ્પેસ પ્રોગ્રામમાં પણ બોઈંગને ઘૂસાડવાના પ્રયત્નો બધ કરીને માત્ર સ્પેસએક્સ જ બધું કરે એવો કોન્ટ્રાક્ટ પણ થઈ જશે. 

મસ્કની ટેસ્લા દુનિયામાં સૌથી વધારે વેચાતી ઈલેક્ટ્રિક કાર છે. ઈલેક્ટ્રિક કાર હોવાથી ટેસ્લાની કાર કાર્બન ડાયોક્સાઈડ હવામાં છોડતી નથી અને પર્યાવરણને બચાવે છે એ બહાને અમેરિકાની સરકાર ટેસ્લાની કાર ખરીદવા પર સબસિડી આપે છે. આ સબસિડીની રકમ વધશે તેથી ટેસ્લાનું વેચાણ વધશે ને મસ્કને ફાયદો થશે. 

ટ્રમ્પ બીજા દેશોમાં પણ મસ્કને આર્થિક ફાયદો કરાવી શકે છે. ઉદાહરણ તરીકે ભારતમાં ઈન્ટરનેટ સેવા પૂરી પાડવા માટે સ્ટારલિંક એન્ટ્રી ઈચ્છે છે પણ નરેન્દ્ર મોદી સરકાર વિદેશી કંપની હોવાના કારણે સ્ટારલિંકને મંજૂરી નથી આપતી. ટ્રમ્પ દબાણ કરાવીને મસ્કની કંપનીની ભારતમાં એન્ટ્રી કરાવી દે તો સ્ટારલિંકને જબરદસ્ત ફાયદો થાય. દુનિયાના સૌથી મોટા બજાર એવા ભારત પર કબજો કરીને મસ્ક ડોલર પર ડોલર છાપી શકે. ભારત સહિતના દેશોમાં ટેસ્લાની એન્ટ્રી પણ સરળ કરાવીને ટ્રમ્પ મસ્કને ફાયદો કરાવી શકે. 

ટૂંકમાં ટ્રમ્પ જીતતાં મસ્કના ચારે હાથ ઘીમાં ને મોં કઢાઈમાં છે. મસ્કની ને તેની કંપનીઓની સંપત્તિ હવે દિવસે નહીં એટલી રાત્રે ને રાત્રે ને રાત્રે નહીં એટલી દિવસે વધે તો નવાઈ નહીં લાગે.

મારા સારા મિત્ર મસ્કનું વિઝન અમેરિકા અને ઇટાલી બંને માટે ફાયદાકારક : મેલોની

ઇટાલિયન વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ગુરુવારે ઇલોન મસ્ક સાથે વાત કરી હતી. તેણે ડોનાલ્ડ ટ્રમ્પના સફળ પ્રેસિડેન્સિયલ કેમ્પેઇનને સમર્થન આપ્યું હતું.

તેણે જણાવ્યું હતું કે ટેક બિલિયોનરનું વિઝન અમેરિકા અને ઇટાલી માટે મહત્ત્વનું છે. મેલોનીએ જણાવ્યું હતું કે મેં છેલ્લા કેટલાક કલાકોમાં મારા મિત્ર મસ્કની વાત સાંભળી છે. હું તેમની પ્રતિબદ્ધતા અને વિઝનને સન્માન આપું છું અને તે અમેરિકા તથા ઇટાલી બંને માટે મહત્ત્વના છે. ભાવિ પડકારોને પહોંચી વળવા બંને વચ્ચે સહયોગ જરૂરી છે. ૫૩ વર્ષની મેલોની અને ૪૭ વર્ષનો મસ્ક તાજેતરના મહિનાઓમાં એકબીજાની પ્રશંસા કરતાં નજરે પડયા છે. સપ્ટેમ્બરમાં મસ્કે ટ્વિટર પર મજાક કરતાં જણાવ્યું હતું કે તેઓને વિચારો ભલે મળતાં હોય, પરંતુ તેઓ ડેટિંગ કરી રહ્યા નથી. 

સપ્ટેમ્બરમાં મસ્કે મેલોનીને એટલાન્ટિક કાઉન્સિલ થિન્ક ટેન્ક એવોર્ડ આપતા જણાવ્યું હતું કે ઇટાલિયન વડાપ્રધાન બાહ્ય રીતે છે તેના કરતાં વધારે આતરિક રીતે સુંદર છે. તેના જવાબમાં મેલોનીએ મસ્કને જિનિયસ ગણાવ્યા હતા. તેના પછી બંનેએ સાથે ફોટો સેશન પણ કરાવ્યું હતું. બંને રિલેશનમાં હોવાની અફવાઓ પણ સોશિયલ મીડિયા પર ઉડી હતી, જેને મસ્કે નકારી કાઢી હતી. ગયા વર્ષે ડિસેમ્બરમાં મસ્ક મેલોનીને મળવા બે વખત ઇટાલી ગયો હતો. મસ્કે મેલોનીના પક્ષ બ્રધર્સ પાર્ટીમાં હાજરી આપી હતી અને જણાવ્યું હતું કે નીચો જન્મદર કેટલો જોખમકારક છે. તેની સાથે ગેરકાયદે માઇગ્રેશનને લઈને પણ ચેતવણી આપી હતી.

મસ્કની મહત્વાકાંક્ષા અમેરિકાના પ્રમુખ બનવાની, 2028માં મેદાનમાં ઉતરી શકે

ડોનાલ્ડ ટ્રમ્પને સાથ આપીને એલન મસ્કે ભવિષ્યમાં પોતાની રાજકીય કારકિર્દીનો તખ્તો તૈયાર કરી નાંખ્યો હોવાનું કહેવાય છે. ટ્રમ્પ સફળ બિઝનેસમેનમાંથી સફળ રાજકારણી બની શક્યા અને બે વાર અમેરિકાના પ્રમુખપદે ચૂંટાયા એ રીતે પોતે પણ ભવિષ્યમાં અમેરિકાનો પ્રમુખ બની શકે છે એવું મસ્કને લાગી રહ્યું છે. 

ટ્રમ્પ પણ મસ્કને મદદ કરવા તૈયાર હોવાનું કહેવાય છે. ટ્રમ્પની આ બીજી ટર્મ છે અને અમેરિકાના બંધારણ પ્રમાણે કોઈ પણ વ્યક્તિ વધુમાં વધુ બે ટર્મ માટે અમેરિકાના પ્રમુખપદે રહી શકે એ જોતાં હવે પછી ટ્રમ્પ ચૂંટણી લડી શકે તેમ નથી. આ સંજોગોમાં ટ્રમ્પ અને મસ્ક વચ્ચે કોઈ હરીફાઈ નથી તેથી ટ્રમ્પ રાજકીય રીતે મસ્કને સમર્થન આપી શકે અને મસ્ક પણ ટ્રમ્પની જેમ ભવિષ્યમાં અમેરિકાનો પ્રમુખ બની શકે છે. 

રાજકીય વિશ્લેષકોના મતે, મસ્ક માટે અમેરિકાના પ્રમુખ બનવાની સફર ટ્રમ્પની સરખામણીમાં સરળ હશે. ટ્રમ્પે ૨૦૦૦માં પહેલી વાર રીફોર્મ પાર્ટીના પ્રમુખપદના ઉમેદવાર બનવાનો પ્રયત્ન કરીને પોતાની રાજકીય મહત્વાકાંક્ષા છતી કરી હતી પણ પછી ખસી ગયેલા. ટ્રમ્પે એ પછી રીપબ્લિકન પાર્ટીમાં ટોચના સ્થાને પહોંચવા બહુ મહેનત કરવી પડી ને છેવટે ૨૦૧૬માં પ્રમુખ બન્યા. 

મસ્ક પાસે અઢળક નાણાં છે અને ટ્રમ્પ જેવા ધુરંધરનું પીઠબળ છે. રશિયાના પુતિન સહિતના વૈશ્વિક નેતાઓ સાથે ઘરોબો છે તેથી મસ્ક ૨૦૨૮ની ચૂંટણીમાં જ રીપબ્લિકન પાર્ટીનો પ્રમુખપદનો ઉમેદવાર બની જાય તો પણ નવાઈ નહીં લાગે.

News-Focus

Google NewsGoogle News