ટ્રમ્પ કેનેડાને અમેરિકામાં ભેળવી દેવા કેમ ઉંચાનીચા થઈ રહ્યા છે
- ટ્રમ્પ મજાકના મૂડમાં નથી, અમેરિકા દુનિયાના બધા દેશોની આંતરિક બાબતોમાં દખલ કરતું આવ્યું છે પરંતુ ક્યારેય કોઈ દેશ પર કબજો કરવાની માનસિકતા બતાવી નથી
- અમેરિકાના ક્રૂડ ઓઈલની આયાતમાંથી 60 ટકા અને વીજળીની જરૂરીયાતમાંથી 85 ટકા કેનેડાથી આવે છે. અમેરિકાએ અત્યારે બજાર ભાવે ખરીદવું પડે છે પણ કેનેડા અમેરિકાનું સ્ટેટ બની જાય તો બધું મફતમાં પડે એવી ટ્રમ્પની ગણતરી છે. ટ્રમ્પની અમેરિકા કેનેડાના માલ પર ઓછી ડયુટી લાદીને 100 અબજ ડોલરની સબસિડી આપે છે એ દલીલ વાહિયાત છે. કેનેડા અમેરિકાનું સ્ટીલ, એલ્યુમિનિયમ અને યુરેનિયમનું સૌથી મોટું સપ્લાયર છે. અમેરિકાને કેનેડા પાસેથી આ માલ લેવો સસ્તો પડે છે તેથી આયાત કરાય છે. ટ્રમ્પ આ ભંડારો પર પણ કબજો કરવા માગે છે કે જેથી અમેરિકાના ઉદ્યોગોને ફાયદો થાય. આ સિવાય કેનેડાના 4 કરોડ લોકોના બજાર પર પણ ટ્રમ્પની નજર છે તેથી ટ્રમ્પ કેનેડાને અમેરિકાનું સ્ટેટ બનાવવાની રેકર્ડ વગાડયા કરે છે.
કેનેડાના વડાપ્રધાપનપદેથી જસ્ટિન ટ્રુડોના રાજીનામા પછી કેનેડામાં નવા વડાપ્રધાન આવશે કે ચૂંટણી આવશે તેની ચર્ચા વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે ફરી કેનેડાના અમેરિકામાં વિલિનીકરણની ઓફર કરી નાંખી છે. ટ્રમ્પ અમેરિકાના પ્રમુખપદે ચૂંટાયા પછી જસ્ટિન ટ્રુડો ફ્લોરિડામાં તેમના માર-અ-લાગોના લેવિશે રીસોર્ટના ઘરે મળવા ગયા ત્યારે ટ્રમ્પે કેનેડાને અમેરિકાનું ૫૧મું રાજ્ય બનાવવાની વાત કરેલી. ટ્રુડોએ કેનેડાના માલ પર ટેક્સ લાદવાની ટ્રમ્પની ધમકીના મુદ્દે રોદણાં રડયાં તેના જવાબમાં ટ્રમ્પે આ વાત કરેલી તેથી બધાંએ તેને જોક માની લીધેલી.
જસ્ટિન ટ્રુડોના રાજીનામા પછી ટ્રમ્પે ફરી આ વાત ઉચ્ચારી ત્યારે એ જરાય મજાકના મૂડમાં નથી એ સ્પષ્ટ છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ ટ્રુથ પર લખ્યું છે કે, કેનેડામાં ઘણાં લોકોને અમેરિકાનું ૫૧મું રાજ્ય બનવાનું પસંદ છે. કેનેડાને પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે અમેરિકા તરફથી મળતી સબસિડીએ ચાલુ રહે એ જરૂરી છે પણ અમેરિકા હવે આ સબસિડીઓ અને વેપાર ખાધનો બોજ ઉઠાવી શકે તેમ નથી. ટ્રુડોને આ વાતની ખબર હતી તેથી તેમણે રાજીનામું ધરી દીધું. ટ્રમ્પે લખ્યું છે કે, કેનેડા અમેરિકામાં ભળી જાય તો માલ પર કોઈ ટેરિફ નહીં હોય, કરવેરા ઘટશે અને કેનેડાની ફરતે આંટા મારી રહેલાં રશિયન અને ચીનનાં જહાજોથી સંપૂર્ણ સુરક્ષા મળશે. કેનેડા અને અમેરિકા બંને ભેગાં મળીને એક મહાન રાષ્ટ્રનું નિર્માણ કરશે.
ટ્રમ્પની પોસ્ટે દુનિયાભરમાં ચર્ચા જગાવી દીધી છે કે, આખરે ટ્રમ્પને કેનેડાના અમેરિકામાં વિલિનીકરણમાં આટલો રસ કેમ છે ? અમેરિકાનો ઈતિહાસ સામ્રાજ્યવાદી માનસિકતાનો નથી. અમેરિકા દુનિયાના બધા દેશોની આંતરિક બાબતોમાં દખલ કરે છે. કોલ્ડ વોરના સમયમાં સંખ્યાબંધ દેશોમાં અમેરિકાએ લશ્કર પણ મોકલ્યાં છે અને પોતાની કઠપૂતળી સરકારો પણ બેસાડી છે પણ કોઈ દેશ પર કબજો કરવાની માનસિકતા નથી બતાવી.
બીજા વિશ્વ યુદ્ધ પછી જાપાન, કોરીયા સહિતના ઘણા દેશો અમેરિકાના તાબા હેઠળ આવી ગયેલા. એ વખતે પણ અમેરિકાએ આ દેશો પર કબજો કરી રાખવાના બદલે આઝાદ કરી નાંખેલા. ટ્રમ્પે તેનાથી અલગ વલણ અપનાવીને પહેલાં પનામા કેનાલ પર અમેરિકાના કબજાની વાત કરી, પછી ફિનલેન્ડ પર કબજાની વાત કરી ને હવે કેનેડાને અમેરિકાનો હિસ્સો બનાવવાની વાત કરી રહ્યા છે. ટ્રમ્પ અચાનક અમેરિકાની માનસિકતાથી અલગ માનસિકતા કેમ બતાવી રહ્યા છે એ સવાલ પણ ચર્ચાઈ રહ્યો છે.
ગ્રીનલેન્ડ અત્યારે ડેન્માર્કના કબજામાં છે. ટ્રમ્પ ગ્રીનલેન્ડ પર કબજો કરીને રશિયાને કાબૂમાં રાખવા માગે છે. ગ્રીનલેન્ડ અમેરિકા અને યુરોપ વચ્ચે આવેલો ટાપુ છે. રશિયાથી સીધું ગ્રીનલેન્ડ જઈ શકાય છે. ટ્રમ્પને લાગે છે કે, ભવિષ્યમાં રશિયા ગ્રીનલેન્ડ પર કબજો કરીને એટલાન્ટિક મહાસાગર પર કબજો કરી શકે છે. એટલાન્ટિક મહાસાગર સમુદ્રી જીવો અને ખનિજોનો ખજાનો છે તેથી ટ્રમ્પ રશિયાના હાથમાં જવા દેવા માગતા નથી.
પનામા કેનાલ મારફતે ચીન મધ્ય અમેરિકા અને દક્ષિણ અમેરિકાના દેશો સાથેનો વ્યાપાર વધારી રહ્યું છે, બ્રાઝિસ, વેનેઝુએલા, આર્જેન્ટિના સહિતના દક્ષિણ અમેરિકાના અને ગ્વાટેમાલા, ક્યુબાસ મેક્સિકો સહિતના મધ્ય-ઉત્તર અમેરિકાના દેશોમાં ઘૂસી રહ્યું છે. પનામા કેનાલ પર કબજો કરીને ટ્રમ્પ ચીનની આર્થિક આક્રમકતાને રોકવા માગે છે.
કેનેડાના કેસમાં પણ રશિયા અને અમેરિકાનો ખતરો તો છે જ પણ બીજાં કારણો પણ છે. અમેરિકાની એજન્સીઓને લાગે છે કે, અમેરિકામાં ડ્રગ્સ ઘૂસાડવા માટે કેનેડાના રૂટનો ઉપયોગ થાય છે અને તેમાં કેનેડાના રાજકારણીઓની ભાગીદારી છે. એ જ રીતે અમેરિકામાં ગેરકાયદેસર રીતે વિદેશીઓને ઘૂસાડવામાં પણ કેનેડા મદદરૂપ થાય છે. આ વિદેશીઓ અમેરિકા પર બોજારૂપ બનતા જાય છે પણ કેનેડા અલગ દેશ હોવાથી અમેરિકા કશું કરી શકતું નથી. કેનેડા અમેરિકાનું જ રાજ્ય હોય તો અમેરિકા આસાનીથી આ ઘૂસણખોરી પર નિયંત્રણ મેળવી શકે.
વિશ્લેષકોના મતે, ટ્રમ્પનો ડોળો કેનેડાના ક્રૂડ અને વીજળી પર છે. અમેરિકાના ક્રૂડ ઓઈલની આયાતમાંથી ૬૦ ટકા અને વીજળીની જરૂરીયાતમાંથી ૮૫ ટકા કેનેડાથી આવે છે. અમેરિકાએ અત્યારે બજાર ભાવે ખરીદવું પડે છે પણ કેનેડા અમેરિકાનું સ્ટેટ બની જાય તો બધું મફતમાં પડે એવી ટ્રમ્પની ગણતરી છે.
ટ્રમ્પની અમેરિકા કેનેડાના માલ પર ઓછી ડયુટી લાદે છે એ સબસિડી છે એ દલીલ પણ વાહિયાત છે. કેનેડા અમેરિકાનું સ્ટીલ, એલ્યુમિનિયમ અને યુરેનિયમનું સૌથી મોટું સપ્લાયર છે. આ બધી ચીજો પર ઓછી ડયુટી લાદીને અમેરિકા કેનેડાને વરસે ૧૦૦ અબજ ડોલરનો ફાયદો કરાવીને સબસિડી આપે છે એવું ટ્રમ્પ કહે છે પણ વાસ્તવમાં અમેરિકાને કેનેડા પાસેથી આ માલ લેવો સસ્તો પડે છે તેથી આયાત કરાય છે. ટ્રમ્પ આ ભંડારો પર પણ કબજો કરવા માગે છે કે જેથી અમેરિકાના ઉદ્યોગોને ફાયદો થાય. આ સિવાય કેનેડાના ૪ કરોડ લોકોના બજાર પર પણ ટ્રમ્પની નજર છે તેથી ટ્રમ્પ કેનેડાને અમેરિકાનું સ્ટેટ બનાવવાની રેકર્ડ વગાડયા કરે છે.
ટ્રમ્પની દરખાસ્ત સામે કેનેડામાંથી કોઈ પ્રતિસાદ નથી આવ્યો પણ આ પોસ્ટ દ્વારા ટ્રમ્પે ભવિષ્યમાં તેમનો ઈરાદો શું છે એ સ્પષ્ટ કરી દીધું છે. ટ્રમ્પ કોઈ પણ ભોગે કેનેડાને અમેરિકામાં ભેળવવા માગે છે. એ માટે ટ્રમ્પ સામ, દામ, દંડ, ભેદ એમ ગમે તે રસ્તા અપનાવશે. સૌથી સરળ રસ્તો આર્થિક રીતે કેનેડાને બેવડ કરી દેવાનો છે ને તેમાં ટ્રમ્પ કોઈ કસર નહીં છોડે. આ સંજોગોમાં કેનેડા સામે હવે સૌથી મોટો પડકાર અમેરિકાની દાદીગીરી સામે ઝીંક ઝીલવાનો છે.
ટ્રુડોની પ્રેમિકા જોલી કે ભારતીય મૂળનાં અનિતા ? કોણ બનશે કેનેડાનાં વડાપ્રધાન ?
જસ્ટિન ટ્રુડોના રાજીનામા પછી તેમના સ્થાને વડાપ્રધાન આવશે કે તાત્કાલિક ચૂંટણી કરાશે એ મુદ્દો ચર્ચામાં છે. લિબરલ પાર્ટી પાસે સ્પષ્ટ બહુમતી નથી પણ ખાલિસ્તાનવાદી જગમીતસિંહની ન્યુ ડેમોક્રેટિક પાર્ટીના ટેકાથી નવા વડાપ્રધાન બનાવી શકે છે. અત્યારે લિબરલ પાર્ટીમાંથી ટ્રુડોની પ્રેમિકા મનાતાં વિદેશ પ્રધાન મેલાની જોલી અને ભારતીય મૂળનાં અનિતા ઈન્દિરા આનંદ સહિત છ નામ ચાલી રહ્યાં છે.
મેલાની જોલી ૪૫ વર્ષની છે પણ ટ્રુડો કરતાં ૭ વર્ષ નાની છે, પરણિત છે પણ વરસોથી ટ્રુડોની સાથે છે.
જોલીનો પતિ ફેલિક્સ માર્ઝેલ બિઝનેસમેન અને આર્ટિસ્ટ છે પણ જોલીનું વરસોથી ટ્રુડો સાથે અફેર હોવાનું કહેવાય છે. જોલીએ રાજકીય રીતે કરેલી પ્રગતિનો યશ પણ ટ્રુડો સાથેના અફેરને અપાય છે. જોલી ક્યુબેકની હોવાથી સંસદમાં ૩૩ સભ્યો ધરાવતી બ્લોક ક્યુબેકોઈસ પણ તેને સમર્થન આપી શકે છે.
અનિતા આનંદ મૂળ ભારતીય માતા-પિતાનું સંતાન છે. માતા સરોજ ડી. રામ પંજાબી અને પિતા એસ.વી. આનંદ તમિલનાડુના હતા. અનિતાનો પરિવાર નાઈજીરિયાથી કેનેડા આવેલો છે. અનિતાનાં માતા-પિતા બંને ડોક્ટર હતાં જ્યારે અનિતા પોતે યુનિવર્સિટી ઓફ ટોરન્ટોમાં કાયદાનાં પ્રોફેસર હતાં. ૫૭ વર્ષનાં અનિતા ૨૦૧૯થી સાંસદ છે અને ટ્રુડો સરકારમાં મંત્રી હતાં.
જો કે સૌથી પ્રબળ દાવેદાર ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન ક્રિસ્ટિયા ફ્રીલેન્ડ અને માર્ક કાર્ની મનાય છે. ટ્ડો સરકારમાં નાયબ વડાપ્રધાન અને નાણાં મંત્રી ક્રિસ્ટિયાએ ગયા મહિને રાજીનામું આપી દીધું હતું. કાર્ની બેંક ઓફ કેનેડા અને બેંક ઓફ ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ગવર્નર અને વિશ્વવિખ્યાત અર્થશાસ્ત્રી છે.
ટ્રુડોના મેલાનિયા સાથેના અફેરના કારણે ટ્રમ્પે ટ્રુડોનો ઘડો લાડવો કર્યાની ચર્ચા
ડોનાલ્ડ ટ્રમ્પે જસ્ટિન ટ્રુડો સામે લીધેલા આક્રમક વલણ માટે ડોનાલ્ડ ટ્રમ્પનાં પત્ની મેલાનિયા અને જસ્ટિન ટ્રુડો વચ્ચે અફેરની ચર્ચા હોવાનું કહેવાય છે. મેલાનિયા-ટ્રમ્પ વચ્ચે ૨૦૧૯થી અફેર હોવાની વાતો લાંબા સમયથી ચાલે છે.
મેલાનિયા અત્યારે ૫૪ વર્ષની છે, જસ્ટિન ૫૨ વર્ષના છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ૮૨ વર્ષના છે. આ કારણે મેલાનિયા પોતાની ઉંમરના જસ્ટિન તરફ આકર્ષાયાં હોવાનું કહેવાય છે. અમેરિકામાં સોશિયલ મીડિયા પર મેલાનિયા અને જસ્ટિન નિયમિત રીતે મળતાં હોવાની વાતો પણ લાંબા સમયથી ચાલે છે.
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ હતા ત્યારે ૨૦૧૯માં ટ્રમ્પ અને ટ્રુડોની મુલાકાત દરમિયાન મેલાનિયાની બોડી લેંગ્વેજ એકદમ બદલાઈ ગઈ હતી. મેલાનિયા જસ્ટિન પોતાનો પ્રેમી હોય એ રીતે વર્તતાં બંને વચ્ચે અફેર હોવાની વાતો શરૂ થઈ હતી.
મેલાનિયાની ટ્રુડો પોતાનો લવર હોય એ રીતે તેની એકદમ નજીક જઈને અને તેની આંખોમાં આંખો નાંખીને વાત કરતી હોય કે પછી તેને ગાલ પર કિસ કરતી હોય એવી તસવીરો પણ વાયરલ થઈ હતી.
આ તસવીરોના આધારે બંનેનું અફેર હોવાનું સાબિત ના થાય પણ અમેરિકાના કહેવાતા કેટલાક બોડી લેંગ્વેજ એક્સપર્ટ્સે બંને વચ્ચે નિકટતા હોવાના અભિપ્રાય આપીને બળતામાં ઘી હોમવાનું કામ કર્યું. ૨૦૨૩માં ટ્રમ્પે પ્રમુખપદનો ચૂંટણી પ્રચાર શરૂ કર્યો ત્યારે મેલાનિયા પ્રચારમાં દેખાતાં નહોતાં. તેના કારણે અફેરની વાતો જોરશોરથી ચગેલી. ટ્રમ્પે ટ્રુડો સામે આક્રમક વલણ લઈને બધો હિસાબ કરી નાંખ્યો હોવાનું મનાય છે.