રતન તાતાએ સાવ અજાણ્યા મોહિની દત્તાને 500 કરોડ કેમ આપ્યા
- રતન તાતા જ્યારે હોસ્ટેલમાં રહેતા હતા ત્યારે મોહિની દત્તા સાથે તેમની પહેલી મુલાકાત થઈ હતી દત્તા કહે છે કે તાતાએ મારી જીંદગી બદલી નાંખી હતી
- રતનની સાવકી બહેનો શિરીન અને દીનાએ વસિયતના અમલ માટે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી છે. અત્યારની સ્થિતીમાં તાતાના વારસો વાંધો ઉઠાવે એવી શક્યતા ઓછી છે એ જોતાં દત્તાને 500 કરોડથી વધારેની સંપત્તિ મળવા આડે કોઈ અવરોધ આવે એવું લાગતું નથી પણ દત્તાને તાતા આટલી જંગી સંપત્તિ શું કામ આપીને ગયા છે એ સવાલનો જવાબ પણ મળતો નથી.
દત્તા પોતાને તાતાના દત્તક પુત્ર ગણાવે છે પણ તાતાએ વસિયતામાં સાફ લખ્યું છે કે, પોતે કદી કોઈને દત્તક લીધાં નહોતાં કે કદી લગ્ન નહોતાં કર્યાં. બીજું એ કે, તાતા અને દત્તાની ઉંમરમાં બહુ તફાવત નથી. તાતા ૮૬ વર્ષની ઉમરે ગુજરી ગયેલા જ્યારે દત્તાની ઉંમર ૭૪ વર્ષ છે. આ સંજોગોમાં દત્તા તાતાના દત્તક પુત્ર ના હોઈ શકે.
ભારતીય ઉદ્યોગ જગતમાં જ નહીં પણ સામાન્ય લોકોનો પણ ભરપૂર પ્રેમ અને આદર મેળવનારા જીવતા હતા ત્યારે વિવાદોથી દૂર હતા પણ તેમના વસિયતનામાએ સૌને ચોંકાવી દીધા છે ને તેનું કારણ મોહિની મોહન દત્તા છે. રતન તાતા ૨૦૨૪ના ઓક્ટોબરમાં ગુજરી ગયેલા. લગભગ ત્રણ મહિના પછી ગયા અઠવાડિયે તેમનું વસિયતનામું ખોલાયું તેમાં તાતાએ ૫૦૦ કરોડ રૂપિયાથી સંપત્તિ મોહિન મોહન દત્તાને આપી છે.
તાતાનું વસિયત ખોલાયું ત્યારે દત્તા પર તાતા અનહદ વરસ્યા છે એ સાંભળીને પહેલાં તો તાતાની નજીકનાં લોકો દંગ થઈ ગયેલાં. હવે આખો દેશ આશ્ચર્યમાં છે કેમ કે લોકોએ કદી મોહિની મોહન દત્તાનું નામ જ નહોતું સાંભળ્યું અને આવી કોઈ વ્યક્તિ રતન તાતાની એકદમ નજીક છે તેની કોઈને ખબર જ નહોતી.
તાતાએ પોતાની અંગત સંપત્તિમાંથી પોતાના સગા ભાઈ જીમીને માત્ર ૫૦ કરોડ રૂપિયા આપ્યા છે જ્યારે સાવકા ભાઈ નોએલ તાતા કે તેમના પરિવારને ફૂટી કોડી નથી આપી ત્યારે દત્તાને માલામાલ કરી દીધા તેથી સવાલો ઉઠવા સ્વાભાવિક છે.
તાતાએ પોતાના શેર વગેરે તો તાતા ગ્રુપનાં ટ્રસ્ટને આપી દીધેલા પણ બાકી રહેલી સંપત્તિની વહેંચણી બાકી હતી. વસિયત પ્રમાણે, રૂપિયા ૩૫૦ કરોડથી વધુની બેંક ડીપોઝિટ્સ ઉપરાંત પેઇન્ટિંગ્સ અને ઘડિયાળો સહિતની વ્યક્તિગત ચીજોની હરાજીમાંથી મળેલી રકમમાંથી ત્રીજા ભાગની રકમ દત્તાને મળશે જ્યારે બાકીનો બે તૃતીયાંશ હિસ્સો તાતાની સાવકી બહેનો શિરીન જીજીભોય અને દીના જીજીભોયને મળશે.
રતન તાતાએ પોતાના સાવકા ભાઈ નોએલને અંગત સંપત્તિમાંથી કશું ના આપ્યું એ બહુ આશ્યર્યજનક નથી કેમ કે નોએલના પરિવારને રતન તાતાએ જીવતે જીવ જ બધું આપી દીધેલું. રતન તાતાના પિતા નવલે સિમોન સાથે બીજાં લગ્ન કર્યાં હતાં. સિમોન ફ્રાન્સમાં જન્મ્યાં અને સ્વિત્ઝરલેન્ડના જીનીવામાં મોટાં થયાં છે.
સિમોન ખ્રિસ્તી એટલે કે કેથોલિક પરિવારમાંથી આવે છે. ૧૯૫૩માં સિમોન ટુરિસ્ટ તરીકે ભારત આવ્યાં ત્યારે નવલ તાતાના પ્રેમમાં પડી ગયાં હતાં. બે વર્ષ પછી ૧૯૫૫માં નવલ સિમોન સાથે લગ્ન કરીને મુંબઈ સ્થાયી થયા. નોએલ નવલ-સિમોનનું એક માત્ર સંતાન છે.
સિમોન અને નવલનાં લગ્ન પછી તાતા ગ્રુપના ચેરમેન વખતે જેઆરડી તાતાએ સિમોનને લેક્મેની જવાબદારી સોંપી. સિમોન ૧૯૬૨માં જોડાયાં ત્યારે લેક્મે બહુ નાની કંપની હતી. સિમોને મહેનત કરીને લેક્મેને ભારતની ટોચની કોસ્મેટિક બ્રાન્ડ બનાવી.
૧૯૯૧માં રતન તાતા ગ્રુપના ચેરમેન બન્યા ત્યારે તેમણે સિમોનને કંપનીને મોટી કરવામાં મદદ કરી.
સિમોન માત્ર કોસ્મેટિક જ નહીં પણ અન્ય ક્ષેત્રોમાં પણ કંપનીને વિસ્તારવા માગતાં હતાં. આ વાત સ્વીકારીને રતન તાતાએ ૧૯૯૬માં લેક્મે હિંદુસ્તાન લીવરને વેચી નાંખીને તેમાંથી થયેલી ૨૦૦ કરોડની આવકમાંથી ટ્રેન્ટ બનાવી. ટ્રેન્ટના મેનેજિંગ ડિરેક્ટર તરીકે સાવકા ભાઈ નોએલને મૂક્યા. ટ્રેન્ડ પાસે અત્યારે વેસ્ટસાઈડ, ઝુડિયો, ઝારા, સ્ટાર બજાર, ઉત્સા, મિસ્બુ, સામોહ, માસ્સિમો દુત્તી, બુકર ઈન્ડિયા બ્રાન્ડના ૯૦૦થી વધારે સ્ટોર છે.
રતને નોએલના દીકરા નેવિલને ટ્રેન્ટ સોંપી જ્યારે મોટી દીકરી લેહને ઇન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડ આપી દીધી. નોએલની બીજી પુત્રી માયાને ડિજિટલ બિઝનેસમાં આગળ કરી.
આ રીતે નોએલના પરિવારને રતન તાતાએ બહુ પહેલાં થાળે પાડી દીધેલો તેથી કશું આપવાની જરૂર નહોતી.
રતન તાતાની બધી મળીને લગભગ ૧૫૦૦ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે એ જોતાં દત્તાને ૫૦૦ કરોડ રૂપિયાથી વધારે મળશે. દત્તાના કહેવા પ્રમાણે તાતાની સંપત્તિમાંથી તેમને લગભગ ૬૫૦ કરોડ રૂપિયા મળવા જોઈએ.
તાતા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ડેરિયસ ખંભાતા અને મેહલી મિસ્ત્રીની સાથે શિરીન અને દીનાને વસિયતનામાના અમલની જવાબદારી અપાઈ છે. શિરીન અને દીનાએ વસિયતના અમલ માટે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી છે. તેના પગલે હાઈકોર્ટ રતન તાતાના વારસોને નોટિસ આપશે ને કોઈને વાંધો હોય તો કાનૂની વિવાદ ઉભો થઈ જશે.
અત્યારની સ્થિતીમાં તાતાના વારસો વાંધો ઉઠાવે એવી શક્યતા ઓછી છે એ જોતાં દત્તાને ૫૦૦ કરોડથી વધારેની સંપત્તિ મળવા આડે કોઈ અવરોધ આવે એવું લાગતું નથી પણ દત્તાને તાતા આટલી જંગી સંપત્તિ શું કામ આપીને ગયા છે એ સવાલનો જવાબ પણ મળતો નથી.
દત્તા પોતાને તાતાના દત્તક પુત્ર ગણાવે છે પણ તાતાએ વસિયતામાં સાફ લખ્યું છે કે, પોતે કદી કોઈને દત્તક લીધાં નહોતાં કે કદી લગ્ન નહોતાં કર્યાં. બીજું એ કે, તાતા અને દત્તાની ઉંમરમાં બહુ તફાવત નથી. તાતા ૮૬ વર્ષની ઉમરે ગુજરી ગયેલા જ્યારે દત્તાની ઉંમર ૭૪ વર્ષ છે. આ સંજોગોમાં દત્તા તાતાના દત્તક પુત્ર ના હોઈ શકે.
દત્તાના દાવા પ્રમાણે, રતન તાતા સાથે તેમના સંબંધ ૧૯૬૦થી છે. રતન તાતા અમેરિકાથી પાછા આવ્યા પછી ૨૪ વર્ષની વયે જમશેદપુરના ટેલ્કોના પ્લાન્ટમાં ફ્લોર મેનેજર તરીકે કામ કરતા હતા. કંપનીમાં નોકરી કરનારા તેમજ ડીલર્સ માટે પ્લાન્ટની અંદર જ ડીલર્સ હોસ્ટેલ બનાવેલી છે. રતન તાતા આ હોસ્ટેલમાં રહેતા હતા ત્યારે પોતાની તેમની સાથે પહેલી મુલાકાત થઈ હતી અને રતન તાતાએ પોતાની જીંદગી બદલી નાંખી એવો દત્તાનો દાવો છે. અલબત્ત તાતાએ કઈ રીતે તેમની જીંદગી બદલી તેનો ખુલાસો દત્તાએ કર્યો નથી.
તાતા પરિવાર કે તાતા ગ્રુપમાંથી પણ કોઈ આ મુદ્દે કશું બોલવા તૈયાર નથી, દત્તા પહેલાં તાતા ગ્રુપમાં જ નોકરી કરતા હતા, રતન તાતાના અંગત મિત્રો માટેના કાર્યક્રમોમાં પણ આવતા હતા એ સૌ સ્વીકારે છે. દત્તાએ તાતા ગ્રુપમાંથી છૂટા થયા પછી સ્ટેલિયોન ટ્રાવેલ એજન્સી નામે કંપની બનાવેલી. આ કંપનીમાં તાતા ઈન્ડસ્ટ્રીઝે રોકાણ કરેલું અને ૨૦ ટકા હિસ્સો લીધો હતો. વરસો પછી તાતા ગ્રુપે સ્ટેલિયન ખરીદીને તાતા ગ્રુપના તાજ ડિવિઝનમાં તેનું વિલિનીકરણ કરી દીધેલું. એ રીતે રતન તાતા અને દત્તા વચ્ચે બિઝનેસ રીલેશન્સ પણ હતા પણ તેના કારણે તાતા દત્તાને પોતાની સંપત્તિમાં વારસ બનાવી દે એ વાત કોઈને ગળે ઉતરતી નથી.
શિરીન-દીના રતન તાતાની માતાનાં બીજાં લગ્નથી થયેલી દીકરીઓ
રતન તાતાએ પોતાની અંગત સંપત્તિમાંથી બે તૃતિયાંશ સંપત્તિ જેમને આપી એ શિરીન અને દીના જીજીભોય તેમની માતાએ કરેલાં બીજાં લગ્નથી થયેલી દીકરીઓ છે.
રતન તાતાના પિતા નવલ અને માતા સૂનુના ડિવોર્સ થયા ત્યારે રતન માત્ર ૧૦ વર્ષના હતા. ડિવોર્સ પછી નવલ અને સૂનુએ દીકરાઓને સાથે ના રાખ્યા. નવલને દત્તક લેનારાં નવજબાઈએ રતન-જિમીને ઉછેર્યા.
તાતા ગ્રુપના સ્થાપક જમશેદજી તાતાના નાના પુત્ર સર રતનજી તાતાનાં વિધવા નવજબાઈએ બંને ભાઈને મોટા કર્યા જ્યારે રતન તાતાનાં માતા-પિતા ફરી લગ્ન કરીને પોતપોતાની જીંદગીમાં આગળ વધી ગયાં.
રતન તાતાનાં માતા સૂનુએ ડિવોર્સ પછી સર જમસેદજી જેજીભોય સાથે લગ્ન કર્યા હતાં. સૂનુ અને જમસેદજીને શિરીન, દીના અને ગીતા એમ ત્રણ દીકરીઓ થઈ. જમસેદજી ૧૯૬૮માં ગુજરી ગયા ત્યારે આ દીકરીઓ યુવાન થઈ રહી હતી જ્યારે રતન તાતા ગ્રુપમાં જામવા માંડયા હતા.
રતને પોતાની સાવકી બહેનોને મદદ કરીને સારા સંબંધો જાળવ્યા અને હવે બંનેને પોતાની સંપત્તિનાં વારસ પણ બનાવ્યાં છે.
દત્તાનું રતન તાતાની અંગત જીંદગી સાથે કનેક્શન હોવાની ચર્ચા
રતન તાતા પોતાની અંગત જીંદગી વિશે કદી બોલતા નહીં. દત્તાનું કનેક્શન તેમની અંગત જીંદગી સાથે જોડાયેલું હોવાનું કહેવાય છે.
મોહિની મોહન દત્તાને બે દીકરીઓ છે. આ પૈકી એક દીકરીએ તાજ હોટલમાં લગભગ એક દાયકા સુધી નોકરી કરી હતી અને પછી તાતા ટ્રસ્ટમાં કામ કર્યું હતું.
રતન તાતા દત્તાની દીકરીને પોતાની દીકરી માનતા હોય કે પછી એ સાચે જ તેમની દીકરી હોય એવી વાતો પણ સોશિયલ મીડિયા પર ચાલી રહી છે.
રતન તાતાએ પોતાના વસિયતનામામાં પોતે કદી પરણ્યા નહીં કે કોઈને દત્તક ના લીધા તેનો ઉલ્લેખ કર્યો છે પણ પોતાને સંતાન નથી એવો ઉલ્લેખ કેમ કર્યો નથી એવો મુદ્દો પણ ઉઠાવાઈ રહ્યો છે.
રતન તાતા બેદાગ ચારિત્ર્ય ધરાવતા હતા તેથી આ પ્રકારની વાતો શોભાસ્પદ ના કહેવાય પણ વિલમાં દત્તાને અપાયેલું મહત્વ જોતાં કંઈક રહસ્ય તો છે જ.