Get The App

દુષ્કર્મી રામ રહીમ-પક્ષપલટુઓને મહત્ત્વ ભાજપને ભારે પડ્યું, હરિયાણામાં ભડકાનું કારણ પણ આ...

Updated: Sep 7th, 2024


Google NewsGoogle News
દુષ્કર્મી રામ રહીમ-પક્ષપલટુઓને મહત્ત્વ ભાજપને ભારે પડ્યું, હરિયાણામાં ભડકાનું કારણ પણ આ... 1 - image


- નાના-મોટા 50 જેટલા નેતા ભાજપને રામરામ કરી ચૂક્યા છે, બળવાના કારણે ભાજપની હાલત એટલી કફોડી થઈ છે કે તેણે બાકીની બેઠકોની યાદી બહાર નથી પાડી

- ભાજપમાં આટલા મોટા પાયે બળવો થયો હોય એવું પહેલી વાર બન્યું છે. તેનું કારણ ભાજપ હાઈકમાન્ડની પાડાના વાંકે પખાલીને ડામની નીતિ છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપને જે રાજ્યોમાં કારમી પછડાટ મળી તેમાં એક રાજ્ય હરિયાણા પણ હતું. લોકસભાની ચૂંટણીમાં ભાજપના ખરાબ દેખાવ માટે નરેન્દ્ર મોદી સરકાર સામેનો આક્રોશ જવાબદાર હતો પણ ભાજપ હાઈકમાન્ડમાં આ વાસ્તવિકતાને સ્વીકારવાની હિંમત નથી તેથી ભાજપની રાજ્ય સરકારો પર દોષારોપણ કરીને તેમને ઘોંચપરોણા કરાય છે. 

જમ્મુ અને કાશ્મીરમાં ભાજપે વિધાનસભા ચૂંટણી માટે ૪૩ ઉમેદવારોની યાદી જાહેર કરીને કલાકમાં જ રદ કરી દેવાઈ તેના કારણે ભાજપની ઈજ્જતનો ધજાગરો થઈ ગયેલો. આ ઘટના હજુ તાજી જ છે ત્યાં હરિયાણામાં ભાજપની શિસ્તબધ્ધ પાર્ટી તરીકેની ઈમેજના ધજાગરા ઉડી રહ્યા છે. હરિયાણા વિધાનસભાની ૯૦ બેઠકો માટે ભાજપે ૬૭ ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી તેમાં ભડકો થઈ ગયો છે અને ધડાધડ રાજીનામાં પડી રહ્યાં છે. ભાજપે ૨૦૧૯ની વિધાનસભા ચૂંટણીમાં ટિકિટો આપેલી તેમાંથી ૪૦ ઉમેદવારોને બદલે કોરાણે મૂકી દીધા છે. તેમાંથી મોટા ભાગનાંએ બગાવત કરી દીધી છે.

ભાજપે યાદી બહાર પાડી તેની મિનિટો પછી જ જેમની ટિકિટો કપાયેલી કે આશા રાખવા છતાં ટિકિટ નહોતી મળી તેમનાં રાજીનામાંનો સિલસિલો શરૂ થઈ ગયેલો.  

શુક્રવારે પણ આ રાજીનામાં પડવાનો ક્રમ યથાવત હતો ને નાના-મોટા પચાસેક નેતા રામ રામ કરીને ભાજપ છોડી ચૂક્યા છે. હરિયાણા સરકારમાં મંત્રી રણજીતસિંહ ચૌટાલાથી માંડીને ભાજપનાં સાંસદ સાવિત્રી જિંદાલ સુધીનાં ઘણાં મોટાં માથાંએ તો અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવવાની જાહેરાત પણ કરી દીધી છે. આ બળવાના કારણે ભાજપની હાલત એ હદે કફોડી થઈ ગઈ કે, બાકીની ૨૩ બેઠકો પર ઉમેદવારોનાં નામ જાહેર કરવાનું ભાજપે મોકૂફ રાખવું પડયું છે.

ભાજપમાં આટલા મોટા પાયે બળવો થયો હોય એવું પહેલી વાર બન્યું છે. તેનું કારણ ભાજપ હાઈકમાન્ડની પાડાના વાંકે પખાલીને ડામની નીતિ છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપને જે રાજ્યોમાં કારમી પછડાટ મળી તેમાં એક રાજ્ય હરિયાણા પણ હતું. ૨૦૧૪ અને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપે હરિયાણાની તમામ ૧૦ લોકસભા બેઠકો જીતી હતી. 

૨૦૨૪માં ચિત્ર સાવ બદલાઈ ગયું અને ભાજપના ફાળે ૫ બેઠકો આવી જ્યારે કોંગ્રેસ ૫ બેઠકો લઈ ગઈ. 

લોકસભાની ચૂંટણીમાં ભાજપના ખરાબ દેખાવ માટે નરેન્દ્ર મોદી સરકાર સામેનો આક્રોશ જવાબદાર હતો પણ ભાજપ હાઈકમાન્ડમાં આ વાસ્તવિકતાને સ્વીકારવાની હિંમત નથી તેથી ભાજપની રાજ્ય સરકારો પર દોષારોપણ કરીને તેમને ઘોંચપરોણા કરાય છે. હરિયાણામાં પણ એ જ હાલત છે અને રાજ્ય સરકારની નબળી કામગીરીના કારણે એન્ટિ ઈન્કમ્બન્સી હોવાનું તૂત ઉભું કરીને પક્ષપલટુઓ અને બળાત્કારી-હત્યારા ગુરમીત રામ રહીમના દલાલોને ટિકિટો આપી દેવાઈ તેમાં નેતા બગડયા છે. 

હરિયાણામાં ભાજપને પછડાટ મળી તેનું કારણ ખેડૂત આંદોલન અને બળાત્કારી-હત્યારા ગુરમીત રામ રહીમની ખુલ્લી તરફેણ હતી. મોદી સરકારે બનાવેલા ત્રણ કૃષિ કાયદા સામે સૌથી ઉગ્ર વિરોધ પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં થયો હતો.  મોદી સરકારે સત્તાના તોરમાં ખેડૂત આંદોલનને ગણકાર્યું નહીં તેની કિંમત લોકસભામાં આ ત્રણેય રાજ્યોમાં કારમી હાર સાથે ચૂકવી.

હરિયાણામાં તો પોતાના જ આશ્રમની સાધ્વીઓ પર બળાત્કાર અને પત્રકારની હત્યાના કેસમાં દોષિત રામ રહીમ પર રીઝીને ભાજપ વારંવાર તેમને જામીન ને ફર્લો આપીને છોડી મૂકતો તેના કારણે પણ લોકોમાં ભારે આક્રોશ હતો. યુપી અને પંજાબમાં પણ સ્થાનિક કારણો જવાબદાર હતાં. આ કારણોસર યુપીમાં ભાજપ ૬૨ બેઠકો પરથી ૩૩ બેઠકો પર આવી ગયો, હરિયાણામાં ૧૦ બેઠકો પરથી ૫ બેઠકો પર આવી ગયો અને પંજાબમાં તો એક પણ બેઠક ના મળી. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપે યુપીમાં ૬૨, હરિયાણામાં ૧૦ અને પંજાબમાં ૨ મળીને ૧૦૩માંથી ૭૪ બેઠકો જીતી હતી. ૨૦૨૪માં આંકડો અડધો થઈને સીધો ૩૮ થઈ ગયો.

આ પરિણામો પછી ભાજપે બોધપાઠ લેવાની જરૂર હતી પણ ભાજપ હાઈકમાન્ડના વલણમાં કોઈ ફરક પડયો નથી. ભાજપ હજુય રામ રહીમના પગમાં આળોટે છે અને પક્ષપલટુઓની પાલખી ઉંચકીને ફરે છે. 

ભાજપની ૬૭ ઉમેદવારોની પહેલી યાદીમાં ૨૦ તો રામ રહીમે સૂચવેલાં નામ હોવાનું કહેવાય છે જ્યારે ૧૫ જેટલા પક્ષપલટુ છે. રામ રહીમને વારંવાર જામીન ને ફરલો અપાવવામાં જેમની મુખ્ય ભૂમિકા છે એ સુનારિયા જેલના જેલર સુનિલ સાંગવાનને ભાજપે દાદરી બેઠક પરથી ઉમેદવાર બનાવી દીધા છે.

દાદરીની ધારાસભ્ય દંગલ ગર્લ બબિતા ફોગાટ હતી. દેશને ગૌરવ અપાવનારી અને સ્વચ્છ ઈમેજ ધરાવતી બબિતાનું પત્તુ કાપીને ભાજપ બળાત્કારી-હત્યારા રામ રહીમના દલાલ જેવા ભૂતપૂર્વ જેલરને ટિકિટ આપે તેના પરથી જ ભાજપની રણનીતિ શું છે એ સ્પષ્ટ છે. ભાજપ સારા ઉમેદવારોના જોરે નહીં ગુંડા ને ગેંગસ્ટર જેવા બાવાઓના જોરે જીતવા માગે છે.

ભાજપે વરસોથી પક્ષ માટે કામ કરતા પક્ષના વફાદારોના બદલે  પક્ષપલટુઓ પર વધારે ભરોસો કર્યો છે. કોંગ્રેસ છોડીને આવેલા કુલદીપ બિશ્નોઈના ત્રણ સમર્થકોને ટિકિટ આપી દેવાઈ છે જ્યારે ભાજપ સંગઠનમાંથી માત્ર એક ઉપપ્રમુખ વિપુલ ગોયલને ટિકિટ અપાઈ છે. પ્રદેશ પ્રમુખ, મોહનલાલ બડૌલી, ઉપપ્રમુખો જી.એલ. શર્મા અને કવિતા જૈન, મહામંત્રીઓ કૃષ્ણકુમાર બેદી, ડો. અર્ચના ગુપ્તા અને સુરેન્દ્ર પુનિયાની ટિકિટો કાપી દેવાઈ છે. 

છેલ્લાં ૧૦ વર્ષ દરમિયાન મુખ્યમંત્રીની ઓફિસ (સીએમઓ)માં કામ કરનારા તમામ ૯ લોકોને પણ ટિકિટ નથી અપાઈ. જવાહર યાદવ, અભિમન્યુ સિંહ, અજય ગૌડ, ભૂપેશ્વર દયાલ, ભૂપેન્દ્રસિંહ, અમરજીતસિંહ, તરુણ ભંડારી, રાજીવ જેટલી અને કૃષ્ણ બેદીને ટિકિટ નથી મળી. આ પૈકી મોટા ભાગના નેતા બગાવત કરીને અપક્ષ લડવાના છે. 

આ નેતાઓનું કહેવું છે કે, હાઈકમાન્ડે પહેલાં સત્તા ટકાવવા માટે કરેલા સમાધાનના ભાગરૂપે બીજી પાર્ટીના નેતાઓને મહત્વ આપીને અમારી અવગણના કરી ને હવે રામ રહીમ જેવા લોકોને સાચવવા અવગણના કરાઈ રહી છે. આ રીતે અમારી સાથે અન્યાય થતો જ રહેશે ને એ સહન કરવાની હવે અમારી તૈયારી નથી.

ભાજપે ભૂપિન્દર હુડ્ડાને હરાવવા ગેંગસ્ટર રાજેશ સરકારીની પત્નીને ટિકિટ આપી

કોંગ્રેસના ધુરંધર ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપિન્દરસિંહ હુડ્ડાને હરાવવા માટે ભાજપ રોહતકના કુખ્યાત ગેંગસ્ટર રાજેશ હુડ્ડાને શરણે ગયો છે. હુડ્ડા વરસોથી ગઢ સાંપલા-કિલોઈ બેઠક પરથી જીતે છે. ભાજપે આ બેઠક પર રાજેશ હુડ્ડાની પત્ની મંજુ હુડ્ડાને ટિકિટ આપી છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા કૃષ્ણ હુડ્ડા ઉમેદવારીના પ્રબળ દાવેદાર હતા પણ ભાજપે તેમને કોરાણે મૂકીને મંજુને પસંદ કર્યાં છે. 

રાજેશ હુડ્ડા સામે હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ, લૂંટ વગેરેના કુલ ૧૮ કેસ નોંધાયેલા છે. રોહતકમાં હુડ્ડાનું ખંડણીખોરીનું નેટવર્ક ભાજપની મહેરબાનીથી ધમધોકાર ચાલે છે. રાજેશ સરકારી તરીકે જાણીતા હુડ્ડા સામે હરિયાણા ઉપરાંત યુપી અને રાજસ્થાનમાં પણ કેસ નોંધાયેલા છે. 

મંજુ રોહતક જિલ્લા પરિષદની ચેરપર્સન છે. મંજુ બે વર્ષ પહેલાં અપક્ષ તરીકે જિલ્લા પંચાયતની ચૂંટણી જીતી હતી. ચેરપર્સનની ચૂંટણીમાં રાજેશ હુડ્ડાએ પોતાની તાકાતનો પરચો આપીને પત્નીને જીતાડી દીધી હતી. ભાજપના નેતાઓએ તરત મંજુને પાર્ટીમાં લઈ લીધી હતી. ચૂંટણી પહેલાં રાજેશ હુડ્ડા જેલમાં હતો પણ કોંગ્રેસ અને જેજેપીનું વર્ચસ્વ તોડવા ભાજપ સરકારે હુડ્ડાને બહાર કાઢયો હોવાનું કહેવાય છે. મંજુ ભાજપમાં આવતાં જ રાજેશ હુડ્ડાને કાયમી રાહત મળી ગઈ. હુડ્ડાને હાઈકોર્ટમાંથી કાયમી જામીન મળી જતાં જામીન પર જેલની બહાર જ છે. 

મંજુના પિતા પ્રદીપ યાદવ હરિયાણા પોલીસમાં ડીએસપી હતા. ગુરગ્રામમાં જન્મેલી મંજુ કોલેજમાં ભણતી ત્યારે રાજેશ સાથે પ્રેમ થઈ જતાં બંનેએ લગ્ન કરી લીધાં હતાં.

લોકસભામાં ભાજપની 44, કોંગ્રેસ-આપની 46 બેઠકો પર લીડ

હરિયાણામાં લોકસભાની ચૂંટણીમાં ભાજપ તમામ ૧૦ બેઠકો પર લડયો હતો જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળીને લડયાં હતાં. 

કોંગ્રેસ ૯ બેઠકો પર જ્યારે આમ આદમી પાર્ટી ૧ બેઠક પર લડી હતી. ભાજપ ૧૦માંથી ૫ અને કોંગ્રેસ ૯માંથી ૫ બેઠકો પર જીતી હતી જ્યારે આમ આદમી પાર્ટી તેને ફાળવાયેલી એક માત્ર બેઠક હારી ગઈ હતી. વિધાનસભા બેઠકો પ્રમાણે જોઈએ તો કોંગ્રેસને ૪૨ અને આમ આદમી પાર્ટીને ૪ મળીને ઈન્ડિયા બ્લોકને કુલ ૪૬ બેઠકો પર જ્યારે ભાજપને ૪૪ બેઠકો પર બહુમતી મળી હતી. આ કારણે વિધાનસભાની ચૂંટણીમાં જોરદાર ટક્કર થશે એ નક્કી છે. કોંગ્રેસ અને આપ સાથે મળીને લડે તો ભાજપને ભારે પડી જશે એવું મનાય છે. 

ભાજપને ડર છે કે, લોકસભાની ચૂંટણીમાં વિધાનસભા કરતાં પણ ખરાબ પરિણામો આવશે કેમ કે કેન્દ્ર સરકાર ઉપરાંત રાજ્ય સરકારની કામગીરી સામેની નારાજગી પણ અસર કરશે. ખેડૂતોના પ્રશ્નો, લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી), અગ્નિવીર યોજના, બેરોજગારી સહિતના મુદ્દે રાજ્ય સરકારની કામગીરી સામેની નારાજગીના કારણે લોકો ભાજપ વિરૂધ્ધ મતદાન કરશે એવું ભાજપને લાગે છે તેથી ભાજપ બીજા પક્ષોના જીતી શકે એવા ઉમેદવારો અને રામ રહીમ જેવા ચોક્કસ મતબેંક પર પ્રભાવ ધરાવતા નેતાઓ પર વધુ નિર્ભર છે.

News-Focus

Google NewsGoogle News