Get The App

ટ્રમ્પનું જબરદસ્ત કમબેક, અમેરિકા ફર્સ્ટ કાર્ડ ચાલી ગયું

Updated: Nov 7th, 2024


Google NewsGoogle News
ટ્રમ્પનું જબરદસ્ત કમબેક, અમેરિકા ફર્સ્ટ કાર્ડ ચાલી ગયું 1 - image


- અમેરિકામાં સ્ત્રી - પુરુષની સમાનતાની મોટી વાતો થાય છે પણ  તે વાત ખોટી છે : હિલેરી ક્લિન્ટન જ્યારે ચૂંટણી લડયા ત્યારે પણ આ માનસિકતા છતી થઈ હતી

- અમેરિકાના ઈતિહાસના સૌથી વિવાદાસ્પદ પ્રમુખ એવા ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખપદની ચૂંટણી લડતા હતા ત્યારે પણ જાત જાતના વિવાદોમાં સપડાયા હતા. પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ સાથેના સેક્સ સંબંધોથી માંડીને સંખ્યાબંધ સ્ત્રીઓ પર બળાત્કારના આક્ષેપો ટ્રમ્પ સામે થયા, અદાલતે ટ્રમ્પને કરોડોનો દંડ પણ ફટકાર્યો, કરચોરીના કેસમાં પણ દોષિત ઠર્યા ને એ છતાં અમેરિકન પ્રજાએ ફરી ટ્રમ્પને પ્રમુખપદે બેસાડયા છે. કમલા હેરિસ કરતાં ટ્રમ્પને પોપ્યુલર મત વધારે મળ્યા છે તેના પરથી સ્પષ્ટ છે કે, બહુમતી અમેરિકનોની પસંદગી ટ્રમ્પ છે અને અમેરિકન પ્રજાને ટ્રમ્પ સામેના આક્ષેપોથી કંઈ ફરક પડતો નથી.

અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીનું પરિણામ આવી ગયું અને ડોનાલ્ડ ટ્રમ્પ ઈતિહાસ રચીને ફરી જીતી ગયા. અમેરિકાનાં વર્તમાન વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ ટ્રમ્પને પછાડીને અમેરિકાનાં પહેલાં મહિલા પ્રેસિડેન્ટ બનશે એવી આગાહીઓ થતી હતી પણ અમેરિકનોને એક મહિલા પોતાનાં પ્રમુખ બને એ પસંદ ના પડયું તેથી બદનામ ટ્રમ્પને પાછા ગાદી પર બેસાડી દીધા. અમેરિકનો ટ્રમ્પ પર એ હદે વરસ્યા છે કે, કમલા હેરિસ તો ચિત્રમાં જ નથી. 

ટ્રમ્પ અને કમલા વચ્ચે બે બળિયાનો મુકાબલો છે તેથી જે પણ જીતશે એ દસેક ઈલેક્ટોરલ મતથી વધારેની સરસાઈ નહીં મેળવી શકે એવું લાગતું હતું પણ તેના બદલે ટ્રમ્પ તો ૫૩૮ ઈલેક્ટોરલ વોટમાંથી ૩૦૦ જેટલા ઈલેક્ટોરલ વોટ મેળવીને છવાઈ ગયા. ટ્રમ્પ ૨૦૧૬માં પહેલી વાર હિલેરી ક્લિન્ટનને હરાવીને જીત્યા ત્યારે ૩૦૪ ઈલેક્ટોરલ વોટ લઈ ગયેલા જ્યારે હિલેરીને ૨૨૭ વોટ મળેલા. આ વખતે એ ઈતિહાસ દોહરાવાયો છે કેમ કે કમલાને લગભગ હિલેરી જેટલા જ મત મળ્યા છે. કમલા ૨૨૪ ઈલેક્ટોરલ વોટ મેળવી શક્યાં છે. 

કમલાનાં માતા ભારતીય છે જ્યારે પિતા બ્લેક અમેરિકન હોવાથી બંને સમુદાયના મત તેમને મળશે અને કમલા અમેરિકાનાં પહેલાં મહિલા પ્રમુખ બનીને ઈતિહાસ રચશે એવા દાવા કરાતા હતા. આ દાવા સાચા પડયા નથી અને તેનું કારણ અમેરિકનોની પુરૂષપ્રધાન માનસિકતા છે. 

અમેરિકામાં સ્ત્રી-પુરૂષની સમાનતાની વાતો થાય છે પણ માનસિક રીતે બહુમતી પ્રજા સ્ત્રીઓને પુરૂષોની સમોવડી માનતી નથી. હિલેરી ક્લિન્ટન ચૂંટણી લડયાં ત્યારે પણ આ માનસિકતા છતી થઈ હતી ને હવે કમલા હેરિસના કિસ્સામાં પણ આ માનસિકતા દેખાઈ છે. 

દુનિયાભરમાં અત્યારે અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીનું પિષ્ટપિંજણ ચાલી રહ્યું છે. ટ્રમ્પ કેમ જીતી ગયા ને કમલા કેમ હારી ગયાં તેની ચોવટ ચાલી રહી છે. દરેક વ્યક્તિ પોતપોતાની મતિ પ્રમાણે અભિપ્રાયો આપે છે પણ બહુમતી વિશ્લેષકોનો સૂર એવો છે કે, ટ્રમ્પનું અમેરિકા ફસ્ટ કાર્ડ કામ કરી ગયું છે.

અમેરિકાની નોકરીઓ કે બીજાં સંસાધનો પર અમેરિકનોનો જ અધિકાર હોવો જોઈએ, બહારનાં લોકોને અમેરિકનોના ભોગે નોકરીઓ ના અપાવી જોઈએ, અમેરિકન કંપનીઓના ભોગે આઉટસોર્સિંગ ના થવું જોઈએ એવી બધી વાતો બહુમતી અમેરિકન પ્રજાને ગળે ઉતારવામાં ટ્રમ્પ સફળ રહ્યા છે. અમેરિકામાં અત્યારે આર્થિક રીતે મંદીનો માહોલ છે તેના કારણે સામાન્ય લોકોના હાથ ભીડમાં રહે છે. આ સ્થિતી માટે બહારથી આવેલા લોકો જવાબદાર છે કે જે અમેરિકનોની નોકરીઓ છિનવી રહ્યા છે એવો ટ્રમ્પનો દાવ કામ કરી ગયો છે. 

ટ્રમ્પ સતત અમેરિકાને દુનિયામાં સૌથી તાકાતવર દેશ બનાવવાની વાતો કરતા રહ્યા છે. એક સમયે દુનિયામાં અમેરિકા સામે બોલવાની કોઈની હિંમત નહોતી પણ અત્યારે ઉત્તર કોરીયા ને ઈરાન જેવા ટૂણિયાટ દેશો પણ અમેરિકા સામે ઘૂરકિયાં કરી જાય છે. તેનું કારણ અમેરિકાની નબળી સરકાર અને નબળા શાસકો છે એવી ટ્રમ્પની વાત પણ લોકોને ગળે ઉતરી છે.

આ જીત સાથે ડોનાલ્ડ ટ્રમ્પે જબરદસ્ત કમબેક કર્યું છે. અમેરિકાના ઈતિહાસના સૌથી વિવાદાસ્પદ પ્રમુખ એવા ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખપદની ચૂંટણી લડતા હતા ત્યારે પણ જાત જાતના વિવાદોમાં સપડાયા હતા. 

પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ સાથેના સેક્સ સંબંધોથી માંડીને સંખ્યાબંધ સ્ત્રીઓ પર બળાત્કારના આક્ષેપો ટ્રમ્પ સામે થયા, અદાલતે ટ્રમ્પને કરોડોનો દંડ પણ ફટકાર્યો, કરચોરીના કેસમાં પણ દોષિત ઠર્યા ને એ છતાં અમેરિકન પ્રજાએ ફરી ટ્રમ્પને પ્રમુખપદે બેસાડયા છે. 

કમલા હેરિસ કરતાં ટ્રમ્પને પોપ્યુલર મત વધારે મળ્યા છે તેના પરથી સ્પષ્ટ છે કે, બહુમતી અમેરિકનોની પસંદગી ટ્રમ્પ છે અને અમેરિકન પ્રજાને ટ્રમ્પ સામેના આક્ષેપોથી કંઈ ફરક પડતો નથી. 

ટ્રમ્પ પોર્ન સ્ટાર સાથે સૂઈ જાય કે અમેરિકાની સંસદ પર હુમલો કરાવે કે ગમે તેટલી યુવતીઓ પર રેપ કરે, અમેરિકન્સ ડોન્ટ કેર. અમેરિકનોને ટ્રમ્પના ચારિત્ર્ય કે વર્તન સાથે કંઈ લેવાદેવા નથી.

ખેર, જંગમાં જો જીતા વો હી સિકંદર હોય છે ને અત્યારે તો ટ્રમ્પ પાછા સિકંદર બની ગયા છે. ટ્રમ્પને તેને માટે શાબાશી પણ આપવી જોઈએ કેમ કે ટ્રમ્પે જબરદસ્ત લડાયકતા બતાવી છે. ટ્રમ્પની ઉંમર ૭૮ વર્ષ છે અને આ ઉંમરે મોટા ભાગનાં લોકો શાંતિની જીંદગી જીવવાનું પસંદ કરે છે ત્યારે ટ્રમ્પ સતત દોડતા રહ્યા. ૨૦૨૦ની ચૂંટણી હાર્યા પછી જ ટ્રમ્પે ફરી ચૂંટણી લડવાની તૈયારી શરૂ કરી દીધેલી પણ છેલ્લા એક વર્ષથી તો ટ્રમ્પ સતત જાહેર સભાઓ અને લોકોને મળીને પ્રચાર કરતા રહ્યા છે. 

અમેરિકા દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ છે તેથી અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી સાથે બહુ બધાં લોકોનાં હિતો જોડાયેલાં હોય છે. 

ડોનાલ્ડ ટ્રમ્પના દુશ્મનોની સંખ્યા તો બહુ વધારે છે તેથી ટ્રમ્પને પછાડવા માટે તો મોટી મોટી લોબીઓ સક્રિય હતી. કોર્પોરેટ કંપનીઓથી માંડીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સુધીનાંને ટ્રમ્પ હારે તેમાં રસ હતો. ટ્રમ્પે આ બધાં સામે ઝીંક ઝીલીને પોતાની તાકાત પુરવાર કરી છે. 

ટ્રમ્પ સામે બીજી ટર્મમાં પહેલી ટર્મ કરતાં પણ વધારે પડકારો છે. અમેરિકા સામેના વૈશ્વિક પડકારોથી માંડીને આંતરિક મોરચે પણ ટ્રમ્પે લડવાનું છે. ટ્રમ્પ સામેના કેસોમાં પણ જો બિડેનની સરકારે ટ્રમ્પને બંબૂ લાગી જાય એવા જડબેસલાક પુરાવા મૂક્યા છે તેથી તેમાંથી પણ ટ્રમ્પે નિકળવાનું છે એ જોતાં ટ્રમ્પનો પ્રમુખ તરીકેનો બીજો કાર્યકાળ વધારે રોમાંચક હશે. 

અમેરિકાના નવા વાઈસ પ્રેસિડેન્ટનાં પત્ની મૂળ ભારતીય હિંદુ 

ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બનતાં જ તેમના રનિંગ મેટ જે.ડી. વેન્સ ઉપપ્રમુખ બનશે. ટ્રમ્પે પોતાના પ્રવચનમાં વેન્સને અત્યંત લડાયક તેના ગણાવ્યા અને વેન્સનાં ભારતીય મૂળનાં પત્ની ઉષાને એકદમ ધ્યાનાકર્ષક અને સુંદર પત્ની તરીકે ઉલ્લેખ કર્યો. 

જેડી વેન્સની પત્ની ઉષા હિંદુ છે અને તેમના માતા-પિતા ભારતના આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લાનાં છે.  ઉષા ચિલુકુરીનો જન્મ સાન ડિએગો (કેલિફોર્નિયા)માં થયો છે.  તેલુગુભાષી ભારતીયો વચ્ચે ઉછરેલાં ઉષાના પિતા તા આઈઆઈટી મદ્રાસના મિકેનિકલ એન્જિનિયર છે અને સાન ડિએગો સ્ટેટ યુનિવર્સિટીમાં લેક્ચરર છે. ઉષાનાં માતા લક્ષ્મી કેલિફોર્સિયા યુનિવર્સિટીમાં મોલેક્યુલર બાયોલોજીસ્ટ અને પ્રોવોસ્ટ છે. ઉષાનો પરિવાર તેલુગુભાષી છે અને ૧૯૮૦ના દાયકામાં આંધ્ર પ્રદેશમાંથી અમેરિકા આવ્યો હતો. 

ઉષા અમેરિકામાં માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં ભણ્યાં. પછી ઉષાએ યેલ યૂનિવર્સિટીથી ઈતિહાસમાં બી.એ. અને કેમ્બ્રિજમાંથી મોર્ડન હિસ્ટ્રીમાં એમફિલ કર્યું છે.  કોલેજ બાદ તેમણે યેલ યૂનિવર્સિટીમાંથી લાની ડિગ્રી લીધી. ત્યારબાદ તેમણે ફિલોસોફીમાં કેમ્બ્રિજમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું અને પછી વકીલ અને જ્યૂડિશિયલ ક્લાર્કના રૂપમાં કામ કર્યું. યેલ યુનિવર્સિટીમાં જ ઉષા અને વેન્સ પ્રેમમાં પડયાં હતાં. ઉ। ચિલુકુરી અને વાન્સે ૨૦૧૪માં કેન્ટુકીમાં હિંદુ અને ખ્રિસ્તી બંને વિધીથી લગ્ન કર્યાં હતાં.  તેમને ત્રણ બાળકો છે અને તેઓ સિનસિનાટીમાં રહે છે. ઉષા હજુય હિંદુ છે જ્યારે વેન્સ ખ્રિસ્તી છે.

અમેરિકામાં ગેરકાયદેસર રહેતા 7.25 લાખ ભારતીયોનું શું થશે ? 

ટ્રમ્પની અમેરિકામાં પ્રમુખપદે વાપસી સાથે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ૭.૨૫ લાખ ભારતીયોનું શું થશે એ ચર્ચા શરૂ થઈ છે. ચૂંટણી પ્રચાર દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે એલાન કર્યું હતું કે, પોતે પ્રમુખ બનશે તો અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતાં લોકો સામે ધ એલિયન એનિમીઝ એક્ટ લાગુ કરીને જેલમાં ધકેલી દેશે કે પછી લાત મારીને અમેરિકામાં તગેડી મૂકીશું. આ લોકોએ અમેરિકા પર કબજો કરી લીધો છે પણ ૫ નવેમ્બરનો મતદાનનો દિવસ અમેરિકાની આઝાદીનો દિવસ હશે. આ ક્રૂર ગેંગ્સને હાંકી કાઢવા ૧૭૯૮નો ધ એલિયન એનિમીઝ એક્ટ અમલમાં મૂકીશ.

ટ્રમ્પ આ વચનનું પાલન કરશે તો ભારતીયોનું આવી બનશે એવો ફફડાટ વ્યાપેલો છે. જો કે રાજકીય વિશ્લેષકોના મતે, ટ્રમ્પની ગેરકાયદેસર રહેનારાં લોકોને કાઢી મૂકવાની વાતો ચુનાવી જુમલાથી વિશેષ કંઈ નથી. 

અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેનારા વિદેશીઓ અર્થતંત્રમાં બહુ મોટું યોગદાન આપે છે. ટ્રકો ચલાવવાથી માંડીને ગેસ સ્ટેશન પર નોકરી સુધીનાં કામો ઓછા દરમાં ગેરકાયગેસર રીતે રહેનારા લોકો જ કરે છે. અમેરિકનો તો આ બધાં કામ કરવા તૈયાર જ નથી તેથી ગેરકાયદેસર રહેનારાંને તગેડી મૂકાય તો અર્થતંત્ર તૂટી પડે.

News-Focus

Google NewsGoogle News