યુપીમાં જીજા-સાળી તો પ્યાદાં, અસલી જંગ મોદી-શાહ વર્સીસ યોગી
- રાજકીય વિષ્લેશકોના મતે, પલ્લવી પટેલ વર્સીસ આશિષ પટેલ પ્યાદાં છે, અનુપ્રિયા પટેલ ભાજપ હાઈકમાન્ડના ઈશારે યોગીને ભીંસમાં મૂકવા મથે છે
- અનુપ્રિયા પટેલ ભાજપ હાઈકમાન્ડના ઈશારે યોગીને ભીંસમાં મૂકવા મથે છે. લોકસભાની ચૂંટણીમાં યુપીમાં ભાજપની હાર માટે અનુપ્રિયાએ યોગી સરકાર દ્વારા ઓબીસીની અવગણને કારણભૂત ગણાવી હતી. અનુપ્રિયા દર મહિને પત્ર લખીને યુપી સરકારના આઉટસોર્સિંગમાં કેટલા ઓબીસીને નોકરી અપાઈ, કેટલા ઓબીસીને પ્રમોશન મળ્યાં સહિતના સવાલ ઉઠાવીને યોગી ઓબીસી વિરોધી હોવાની છાપ ઉભી કરવા મથે છે. યોગીએ પહેલાં તો તેની અવગણના કરી પણ અનુપ્રિયાના હુમલા વધી રહ્યા છે તેથી તેની સામે યોગીએ અનુપ્રિયાના પતિ આશિષ પટેલનું પત્તું કાપવાનો તખ્તો તૈયાર કરવા તેમનાં સાળી પલ્લવી પટેલને મેદાનમાં ઉતારી દીધાં છે. જીજા-સાળીના જંગના ફેમિલી ડ્રામાએ યુપીના રાજકારણમાં ગરમી લાવી દીધી છે.
અત્યારે સૌની નજર અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ બને એ પહેલાંના ડ્રામા પર મંડાઈ છે તેના કારણે દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં ચાલતા રાજકીય ઘમાસાણ તરફ કોઈનું ધ્યાન ગયું નથી. અપના દળ (સોનેલાલ)ના નેતા કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલના પતિ આશિષ પટેલ યુપીમાં યોગી આદિત્યનાથની સરકારમાં ટેકનિકલ એજ્યુકેશન મંત્રી છે જ્યારે અનુપ્રિયાની બહેન એટલે કે આશિષ પટેલની સાળી પલ્લવી પટેલ સમાજવાદી પાર્ટીનાં ધારાસભ્ય છે.
આશિષ પટેલે યુપી સરકારની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ) ઓબીસીનાં એન્કાઉન્ટર કરી રહી હોવાનો આક્ષેપ કરીને જંગનું એલાન કર્યું પછી પલ્લવીએ આશિષ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે. ટેકનિકલ એજ્યુકેશન વિભાગે ૧૭૭ કર્મચારીઓને પ્રમોશન આપ્યાં તેમાં બેફામ ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો સાથે પલ્લવી પટેલે રાજ્યપાલને રજૂઆત કરી છે. આશિષ પટેલના ભૂતપૂર્વ ઓએસડી રાજબહાદુર પટેલે પણ આ આક્ષેપોમાં સૂર પૂરાવ્યો છે. આશિષે પણ યોગી સરકારના ઉચ્ચ અધિકારીઓ પોતાની સામેના ષડયંત્રમાં સામેલ હોવાના આક્ષેપો કર્યા છે. યુપી સરકારનું માહિતી ખાતું પોતાની વિરૂધ્ધ સમાચારો છપાવડાવે છે એવા ગંભીર આક્ષેપો તેમણે કર્યા તેના કારણે બરાબરનો જંગ જામ્યો છે.
રાજકીય વિષ્લેશકોના મતે, પલ્લવી પટેલ વર્સીસ આશિષ પટેલ પ્યાદાં છે પણ અસલી લડાઈ ભાજપમાં વર્ચસ્વની છે, દિલ્હી વર્સીસ લખનઉની છે. અનુપ્રિયા પટેલ ભાજપ હાઈકમાન્ડના ઈશારે યોગીને ભીંસમાં મૂકવા મથે છે. લોકસભાની ચૂંટણીમાં યુપીમાં ભાજપની હાર માટે અનુપ્રિયાએ યોગી સરકાર દ્વારા ઓબીસીની કરાયેલી અવગણને કારણભૂત ગણાવી હતી.
અનુપ્રિયા દર મહિને પત્ર લખીને યુપી સરકાર દ્વારા કરાતા આઉટસોર્સિંગમાં કેટલા ઓબીસીને નોકરી અપાઈ, સરકાર દ્વારા અપાતાં પ્રમોશનોમાં કેટલા ઓબીસીને પ્રમોશન મળ્યાં સહિતના સવાલ ઉઠાવીને યોગી ઓબીસી વિરોધી હોવાની છાપ ઉભી કરવા મથે છે. યોગીએ પહેલાં તો તેની અવગણના કરી પણ અનુપ્રિયાના હુમલા વધી રહ્યા છે તેથી તેની સામે યોગીએ અનુપ્રિયાના પતિ આશિષ પટેલનું પત્તું કાપવાનો તખ્તો તૈયાર કરવા તેમનાં સાળી પલ્લવી પટેલને મેદાનમાં ઉતારી દીધાં છે. જીજા-સાળીના જંગના ફેમિલી ડ્રામાએ યુપીના રાજકારણમાં ગરમી લાવી દીધી છે.
ભાજપમાં યોગી વર્સીસ હાઈકનાન્ડનો જંગ જૂનો છે. યોગી આદિત્યનાથે યુપીમાં ૨૦૧૭માં મુખ્યમંત્રીપદ સંભાળ્યું પછી આક્રમક હિંદુત્વની વાત કરીને જોરદાર ઈમેજ બનાવી છે. તેના કારણે ભાજપના કટ્ટર હિદુવાદીઓ યોગીને નરેન્દ્ર મોદીના વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે પણ મોદી યોગીના બદલે અમિત શાહને પોતાના રાજકીય વારસ બનાવવા માગે છે. આ કારણે ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી વખતે યોગીને કાપી નાંખવાના ભરચક પ્રયાસો અમિત શાહ દ્વારા કરાયા હતા.
મોદીએ શાહને યુપી વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો પસંદ કરવાની છૂટ આપીને યોગીનું પત્તુ કાપી નાંખવાના શાહના પ્રયત્નોને મૂક સમર્થન આપેલું. અમિત શાહ યોગીને બદલીને કેશવ પ્રસાદ મૌર્યને મુખ્યમંત્રીપદે બેસાડવા માગતા હતા. શાહની ગણતરી પોતાના બહુમતી ધારાસભ્યો હોય તો ચૂંટણી પછી યોગીએ ચૂં કે ચાં કર્યા વિના ખસી જવું પડે ને મૌર્યનો માર્ગ મોકળો થઈ જાય એવી હતી પણ યોગી માથાભારે નિકળ્યા. યોગીએ અમિત શાહે નક્કી કરેલા ઉમેદવારોને મંજૂરી આપવાનો ઈન્કાર કરીને સીધા બગાવતી તેવર બતાવી દીધેલા.
યોગીએ હું તો મરું પણ તનેય રાંડ કરું એવો અભિગામ અપનાવીને ભાજપને હરાવી દેવાની સીધી ધમકી આપી હોવાનું કહેવાય છે, લોકસભાની ચૂંટણીમાં જીતવું હોય તો ઉત્તર પ્રદેશ કબજે કરવું જ પડે તેથી આ ધમકી સાંભળીને મોદી સફાળા ઉભા થઈ ગયા ને યોગીને મનાવવા દોડયા એ સૌને ખબર છે. મોદી યોગીના ખભે હાથ મૂકીને ચાલતા હોય ને બંને કોઈ મતભેદો ના હોય એ રીતે ચર્ચા કરતા હોય એવા ફોટા પબ્લિશ કરાવવાની પી.આર. એક્સરસાઈઝ કરીને ભાજપમાં ઓલ ઈઝ વેલનો મેસેજ આપવાનો પ્રયત્ન કરાયો. યોગીના સમર્થક ધારાસભ્યોનાં પત્તાં કાપી નાંખવાનો વિચાર કમને પડતો મૂકીને યોગી કહે એ બધાંને ટિકિટો અપાઈ.
યોગીએ સમાધાન કરી લીધું પણ મોદી-શાહને પરચો તો આપી જ દીધો. શાહ જેમને મુખ્યમંત્રી બનાવવા માગતા હતા એ કેશવ પ્રસાદ મૌર્ય સામે સિરાથુ બેઠક પરથી સમાજવાદી પાર્ટીનાં પલ્લવી પટેલ જીત્યાં તેમાં યોગીનું મોટું યોગદાન હતું એવું કહેવાય છે. પલ્લવી પટેલ ત્યારથી યોગીનાં માનીતાં છે અને પલ્લવીનાં બહેન અનુપ્રિયા અળખામણાં છે. અનુપ્રિયાએ યોગી વિરૂધ્ધ પ્રહારો કર્યા તેના કારણે આ દુશ્મનાવટ ઘેરી બની છે.
૨૦૨૨ની ચૂંટણીમાં યોગીએ શાહના માનીતા બીજા ઘણા નેતાઓને હરાવી દીધેલા એવું કહેવાય છે. તેના કારણે ભાજપની બેઠકો ૩૦૪ પરથી ઘટીને ૨૫૫ પર આવી ગઈ પણ યોગી રાજકીય રીતે મજબૂત બની ગયા.
યોગી અને શાહ વચ્ચેનો જંગ એ પછી પણ ચાલુ જ રહ્યો છે. શાહ દારાસિંહ અને ઓમપ્રકાશ રાજભરને ભાજપમા લઈ આવ્યા ત્યારે યુપીમાં મંત્રીપદ આપવાનો સોદો થયેલો પણ યોગીએ બંનેને લાંબા સમય સુધી લટકાવી રાખેલા. લોકસભાની ચૂંટણીમાં ટિકિટોની વહેંચણીમાં મોદી-શાહે પોતાનું ધાર્યું કરીને પોતાને ગમે એ ઉમેદવારોને ટિકિટો આપીને યોગીને સાવ કોરાણે મૂકી દીધેલા. ચૂંટણી પ્રચારમાં પણ યોગીની અવગણના કરાયેલી.
યોગીએ તેનો બદલો ભાજપના ઉમેદવારોને હરાવડાવીને આપ્યો એવું કહેવાય છે. યુપીની લોકસભાની ૮૦ બેઠકોમાંથી સમાજવાદી પાર્ટી ૩૭ અને કોંગ્રેસ ૬ બેઠકો જીતીને ૪૩ બેઠકો લઈ ગયાં જ્યારે ભાજપને ૩૩ બેઠકો જ મળી તેની પાછળ યોગીની નારાજગી કામ કરી ગઈ હોવાનું કહેવાય છે. યોગીએ યુપીમાં પોતાની મરજી વિના મોદી-શાહ પણ ભાજપને ના જીતાડી શકે તેનો પરચો આપ્યો હોવાની ચર્ચા ભાજપના નેતા જ કરે છે.
ભાજપનો એક વર્ગ માને છે કે, મોદી-શાહ અને યોગી વચ્ચે પ્યાદાં મારફતે જંગ ચાલી રહ્યો છે. યુપીમાં ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણી નજીક આવશે તેમ તેમ આ જંગ ઉગ્ર બનશે ને છેવટે ખુલ્લો જંગ જ છેડાઈ જશે કેમ કે વાત સત્તાની છે, સત્તા પર વર્ચસ્વની છે.
અનુપ્રિયા-પલ્લવીના પિતા સોનેલાલે માયાવતીને મુખ્યમંત્રી બનાવાતાં બસપા છોડી અપના દલ બનાવ્યો
અનુપ્રિયા પટેલ અને પલ્લવી પટેલ કુર્મી નેતા ડો. સોનેલાલની દીકરીઓ છે. સોનેલાલને અનુપ્રિયા અને પલ્લવી ઉપરાંત પારુલ અને અમન એમ ચાર દીકરી છે. પલ્લવી બીજા નંબરની અને અનુપ્રિયા કરતાં એક વર્ષ મોટી છે.
સોનેલાલ પટેલે રાજકીય કારકિર્દીની શરૂઆત ૧૯૭૦ના દાયકામાં ચૌધરી ચરણસિંહ સાથે કરી હતી. સોનેલાલ પટેલ કાનપુર યુનિવર્સિટીમાંથી ફિઝિક્સમાં પીએચડી થયેલા છે પણ શિક્ષણના બદલે રાજકારણમાં આવી ગયેલા. ચરણસિંહ સાથે કામ કરતા હતા એ દરમિયાન જ તેમનો પરિચય કાંશીરામ સાથે થયો. કાંશીરામ ત્યારે યુનિયન ચલાવતા ને રાજકીય કારકિર્દી શરૂ કરવા માગતા હતા. સોનેલાલ જ્ઞાાતિવાદમાં નહોતા માનતા તેથી કાંશીરામ સાથે તેમનો મેળ બેસી ગયો અને ૧૯૮૪માં તેમણે કાંશીરામ સાથે હાથ મિલાવીને બહુજન સમાજ પાર્ટી (બસપા)ની સ્થાપના કરી. સોનેલાલ કાંશીરામ પછી નંબર ટુ હતા પણ કાંશીરામે તેમના બદલે માયાવતીને પોતાનાં રાજકીય વારસ જાહેર કર્યાં તેથી તેમણે બસપા છોડીને ૧૯૯૫માં અપના દલની સ્થાપના કરી.
સોનેલાલ ઘણી ચૂંટણી લડયા પણ જીત્યા નહીં પણ તેમણે કરેલી મહેનતું ફળ તેમના પરિવારને મળ્યું. ૨૦૦૯માં રોડ એક્સિડન્ટમાં સોનેલાલ રહસ્યમય સંજોગોમાં ગુજરી ગયા પછી તેમનાં પત્ની કૃષ્ણા પટેલે અપના દલની કમાન સંભાળીને ૨૦૧૨ની ચૂંટણીમાં ભાજપ સાથે જોડાણ કર્યું ને અનુપ્રિયા જીત્યાં એ સાથે અપના દલનું ખાતું ખૂલ્યું. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં અનુપ્રિયા મિર્ઝાપુરમાંથી જીત્યા પછી ખાલી કરેલી બેઠક પર પતિ આશિષને ઉભાં રાખવા માગતાં હતાં પણ કૃષ્ણા પટેલ પોતે ઉભાં રહ્યાં. અનુપ્રિયાએ માતાનો પ્રચાર ના કર્યો તેમાં કૃષ્ણા હાર્યાં પછી અપના દલ બે ભાગમાં વહેંચાઈ ગયો. અપના દલ (સોનેલાલ)નું નેતૃત્વ અનુપ્રિયા પાસે જ્યારે અપના દલ (કમેરાવાદી)નું નેતૃત્વ કૃષ્ણા-પલ્લવી પાસે છે.
મોદી મનોજ સિંહાને, શાહ મૌર્યને મુખ્યમંત્રી બનાવવા માગતા હતા
યુપીમાં યોગી આદિત્યનાથ દાદાગીરીથી ગાદી પર બેઠા અને દાદાગીરીથી ટક્યા છે. ૨૦૧૭માં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી ત્યારે મોદી હાલના જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાને જ્યારે અમિત શાહ કેશવ પ્રસાદ મૌર્યને મુખ્યમંત્રી બનાવવા માગતા હતા. એ વખતે ભાજપ અને સંઘ વચ્ચે સંકલનનું કામ કરતા ડો. કૃષ્ણ ગોપાલે યોગી આદિત્યનાથની તરફેણમાં વધારે ધારાસભ્યો હોવાનો અભિપ્રાય આપીને સિંહા અને મૌર્ય બંનેનાં પત્તાં કપાવી નંખાવેલાં. મોદી-શાહ ત્યારે ભાજપ પર સંપૂર્ણ પકડ નહોતા ધરાવતા ને યોગી પણ બહુ આક્રમક નહોતા તેથી આ નિર્ણય સ્વીકારી લેવાયેલો. યોગીએ મુખ્યમંત્રી બન્યા પછી નવું સ્વરૂપ બતાવ્યું. ગેંગસ્ટરોનાં એન્કાઉન્ટર અને અપરાધીઓનાં ઘરો પર બુલડોઝર ફેરવવાની સાથે સાથે ઉગ્ર હિંદુત્વ અપનાવીને યોગી અત્યંત લોકપ્રિય બની ગયા તેથી હાઈકમાન્ડને પડકારરૂપ લાગી રહ્યા છે.