Get The App

પત્ની, પત્ની ઓર વોઃ મહારાષ્ટ્રના મંત્રી ઘરેલુ હિંસામાં દોષિત

Updated: Feb 7th, 2025


Google NewsGoogle News
પત્ની, પત્ની ઓર વોઃ મહારાષ્ટ્રના મંત્રી ઘરેલુ હિંસામાં દોષિત 1 - image


- ધનંજય મુંડેના મામલે મહારાષ્ટ્રની ભાજપ સરકારની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી, મુંડે દોષી ઠરે તો ભાજપ ભીંસમાં આવે અને સાથીપક્ષો વચ્ચે મતભેદો થાય

- ધનંજ્યે ચૂંટણીના એફિડેવિટમાં પોતાની પત્ની તરીકે રાજશ્રીનું નામ લખ્યું છે પણ કરૂણાનો દાવો છે કે, રાજશ્રી તેની બીજી પત્ની છે જ્યારે પહેલી પત્ની પોતે છે. કરૂણાએ થોડા સમય પહેલાં સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને જાહેરાત કરેલી કે, પોતે ધનંજ્ય મુંડે સાથેના સંબંધો પર પુસ્તક લખવાની છે. આ પુસ્તક બહાર ના આવ્યું પણ હવે કદાચ કરૂણા લખી શકે છે. ધનંજ્ય મુંડે સામે કરૂણાની બહેન રેણુ શર્માએ 2021માં બળાત્કારની ફરિયાદ કરી ત્યારે ધનંજયે જાહેરમાં કબૂલાત કરી હતી કે, રેણુની બહેન કરૂણા શર્મા સાથે પોતાને 2003થી લગ્નેતર સંબંધો છે. આ લગ્નથી પોતાને બે સંતાનો થયાં છે અને બંનેના પિતા તરીકે પોતે તેમને નામ પણ આપ્યું છે અને પોતાના પરિવાર, મિત્રો સહિત બધાંને આ સંબંધોની ખબર છે એવો દાવો પણ મુંડેએ કરેલો.

ભારતમાં રાજકારણીઓને કોઈ કેસમાં દોષિત ઠરાવવામાં આવે એવું ભાગ્યે જ બને છે ત્યારે મહારાષ્ટ્રના મંત્રી ધનંજ્ય મુંડે ઘરેલુ હિંસાના કેસમાં દોષિત ઠર્યા છે. અજીત પવારની એનસીપીના નેતા અને મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવિસ સરકારમાં ફૂડ, સિવિલ સપ્લાય અને કન્ઝયુમર પ્રોટેક્શન મંત્રાલયના કેબિનેટ મંત્રી મુંડે સામે તેમની જ પત્ની કરૂણા શર્માએ ફેમિલી કોર્ટમાં ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવીને પોતાના તથા પોતાનાં બંને સંતાનો માટે મહિને પાંચ-પાંચ લાખ રૂપિયાનું ભરણપોષણ માગેલું. 

કરૂણા શર્માએ ફરિયાદ કરેલી કે, ૧૬ ઓક્ટોબર, ૨૦૨૩ના દિવસે પોતે બિડ જિલ્લા અધિકારીની ઓફિસમાં ગયેલી ત્યારે મુંડે તથા તેના ગુંડોએ પોતાની સાથે મારપિટ કરેલી. એ પછી મારી કારમાં રીવોલ્વર મૂકીને મારી સામે આર્મ્સ એક્ટ હેઠળ ખોટો કેસ કરેલો. મારો વીડિયો વાયરલ કરીને મારી બદનામી કરીને ૧૬ દિવસ બિડની જેલમાં રાખેલી. પૂણેમાં રહેતી સેક્સ રેકેટ સાથે સંકળાયેલી એક મહિલાને નાણાં આપીને મારી સામે એટ્રોસિટી એક્ટ હેઠળ કેસ કરાવીને બીજા ૪૫ દિવસ જેલમાં રાખી હતી. દરમિયાનમાં મારા દીકરી-દીકરાના આધાર કાર્ડ પર મારું એડ્રેસ કઢાવીને તેમની બીજી પત્ની રાજશ્રીનું એડ્રેસ દર્શાવી દીધું હતું. કરૂણા આ બધામાંથી માંડ માંડ છૂટી પછી તેણે કોર્ટમાં ફરિયાદ કરેલી કેમ કે પોલીસ તો કશું કરતી નહોતી. 

કરૂણાએ મુંડે સામે ઘરેલુ હિંસાનો કેસ પણ ઠોકી દીધેલો. આ કેસમાં બાંદ્રાની ફેમિલી કોર્ટમાં મુંડેને દોષિત ઠેરવીને કરૂણાને ૧.૨૫ લાખ રૂપિયા જ્યારે દીકરીને ૭૫ હજાર રૂપિયા ભરણપોષણ આપવા આદેશ કર્યો છે. દીકરો સગીર નથી તેથી તેને ભરણપોષણ નહીં આપવું પડે. કરૂણાને બે લાખ રૂપિયાના ભરણપોષણથી સંતોષ નથી તેથી હાઈકોર્ટમાં અપીલ કરવાની છે પણ લોકોને વધારે રસ મુંડેનું શું થાય છે એ જાણવામાં છે કેમ કે મુંડેને બે વર્ષથી વધારે સજા થાય તો મુંડેનું મંત્રીપદ પણ જઈ શકે છે.

મુંડેના ગઢ મનાતા બિડ જિલ્લામાં મસ્સાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખની ગેંગસ્ટર વાલ્મિક કરાડ દ્વારા કરાયેલી હત્યાના કારણે મુંડે દબાણમાં છે જ. મુંડે સામે ૭૮ કરોડ રૂપિયાની ઘાલમેલના આક્ષેપો પણ થઈ રહ્યા છે ત્યાં ફેમિલી કોર્ટના ચુકાદાએ મુંડે પર દબાણ વધાર્યું છે. સાથે સાથે મુંડેની રંગીન તબિયતનાં પ્રકરણની પણ લોકોને યાદ અપાવી દીધી છે. 

ધનંજ્ય મુંડે મહારાષ્ટ્રમાં ભાજપને મજબૂત કરનારા ગોપીનાથ મુંડેનો ભત્રીજો છે. ગોપીનાથના ભાઈ પંડિતરાવ મુંડેનો પુત્ર ધનંજ્ય ગોપીનાથ જીવતા હતા ત્યારે તેમની છત્રછાયામાં યુવા નેતા તરીકે ઉભરેલો અને ભારતીય જનતા યુવા મોરચામાં હતો. ૨૦૧૪માં નરેન્દ્ર મોદીની સરકાર બની ત્યારે મુંડે મંત્રી બનેલા. ૨૦૧૪માં જ રહસ્યમય કાર એક્સિડન્ટમાં ગોપીનાથ ગુજરી ગયા પછી તેમના રાજકીય વારસ બનવા ધનંજ્ય અને ગોપીનાથની દીકરી પંકજા વચ્ચે થયેલા જંગમાં ભાજપે પંકજાને મહત્વ આપતાં ધનંજ્ય ભાજપ છોડીને શરદ પવારની એનસીપીમાં જતો રહેલો.

ધનંજ્ય પછી પંકજાને હરાવીને ધારાસભ્ય બન્યો ને ઉદ્ધવ ઠાકરેની શિવસેના, એનસીપી અને કોંગ્રેસે સરકાર રચી ત્યારે તેમાં મંત્રી હતો. અજીત પવારે કાકા શરદ પવારને તરછોડીને ભાજપ સાથે હાથ મિલાવ્યા ત્યારે ધનંજ્ય અજીત સાથે ગયેલો તેથી મંત્રીપદ જળવાયું ને હજુ પણ મંત્રી છે. 

ધનંજ્ય અને કરૂણા શર્માની લવ સ્ટોરી બહુ જૂની છે. કરૂણા શર્મા મુંબઈમાં ભાજપની કાર્યકર તરીકે કામ કરતી હતી ત્યારે બંને વચ્ચે પરિચય થયેલો ને બહુ જલદી બંને વચ્ચે સંબંધો બંધાયા હતા. 

બંને વચ્ચે ૨૬ વર્ષથી એટલે કે ૧૯૯૭થી સંબંધો છે. મુંડે અત્યારે ૪૯ વર્ષના છે જ્યારે કરૂણા ૪૭ વર્ષની છે. ધનંજ્યે ચૂંટણીના એફિડેવિટમાં પોતાની પત્ની તરીકે રાજશ્રીનું નામ લખ્યું છે પણ કરૂણાનો દાવો છે કે, રાજશ્રી તેની બીજી પત્ની છે જ્યારે પહેલી પત્ની પોતે છે. કરૂણાએ થોડા સમય પહેલાં સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને જાહેરાત કરેલી કે, પોતે ધનંજ્ય મુંડે સાથેના સંબંધો પર પુસ્તક લખવાની છે. આ પુસ્તક બહાર ના આવ્યું પણ હવે કદાચ કરૂણા લખી શકે છે. 

ધનંજ્ય મુંડે સામે કરૂણાની બહેન રેણુ શર્માએ ૨૦૨૧માં બળાત્કારની ફરિયાદ કરી ત્યારે ધનંજયે જાહેરમાં કબૂલાત કરી હતી કે, રેણુની બહેન કરૂણા શર્મા સાથે પોતાને ૨૦૦૩થી લગ્નેતર સંબંધો છે. આ લગ્નથી પોતાને બે સંતાનો થયાં છે અને બંનેના પિતા તરીકે પોતે તેમને નામ પણ આપ્યું છે અને પોતાના પરિવાર, મિત્રો સહિત બધાંને આ સંબંધોની ખબર છે એવો દાવો પણ મુંડેએ કરેલો. મુંડેએ રેણુને બ્લેકમેઈલર ગણાવીને કહેલું કે, રેણુએ પોતાની પાસેથી ૫ કરોડ રૂપિયા લીધા છે અને મુંબઈમાં એક દુકાન પણ લીધો છે. રેણુને ઈન્દોરની પ્રોપર્ટી પણ જોઈએ છે તેથી આ બધા ઉધામા કર્યા કરે છે.

મુંડેએ પોતાના બચાવમાં ભાજપના નેતા કૃષ્ણા હેગડેને ઉતારેલા. હેગડેએ મુંડેને ટેકો આપીને કહેલું કે, મુંડે સામે બળાત્કારની ફરિયાદ કરનારી રેણુ હની ટ્રેપમાં મોટાં લોકોને ફસાવનારી સ્ત્રી છે. હેગડેનો દાવો હતો કે, રેણુ ૨૦૧૦થી તેમને પણ પોતાની સાથે સંબંધ રાખવા માટે સતત દબાણ કરતી હતી અને પોતાને મેસેજ અને કોલ કર્યા હતા. મુંડે ગમે તે રીતે રેણુ શર્માને કેસ પાછો ખેચાવડાવી દીધો હતો પણ એ પછી કરૂણા અને રેણુ બંનેની હાલત ખરાબ થઈ ગયેલી. સામે શર્મા બહેનોએ પણ રણચંડી બનીને મુંડે સામે કેસો ઠોકી દીધા તેમાં મુંડે ભેરવાઈ ગયા છે. 

સરપંચ સંતોષ દેશમુખના કેસમાં ફસાયેલા મુંડે માટે આ નવી આફત છે. સંતોષ દેશમુખની હત્યાને પગલે લોકોમાં ભારે આક્રોશ છે. દેશમુખની હત્યામાં સંડોવાયેલા વાલ્મિક કરાડ સામે બે કરોડની કંડણીનો કેસ થયો છે પણ ધનંજ્ય મુંડે તેને છાવરતા હોવાથી તેની ધરપકડ કરાતી નથી. ભડકેલાં લોકોએ મુખ્યમંત્રી ફડણવિસને ફરિયાદ કરતાં મુંડે પર તવાઈ છે જ. 

મુંડેના મામલે ભાજપની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી છે. મુંડે સામે રેપની ફરિયાદ થઈ ત્યારે ભાજપે આ મુદ્દાને બહુ ચગાવેલો પણ પછી મુંડે ભાજપના સાથી બની જતાં ભાજપ ચૂપ થઈ ગયેલો. હવે મુંડે ઘરેલુ હિંસાના કેસમાં દોષિત ઠરતાં ભાજપ ભીંસમાં છે. ભાજપે લાડલી બહેના યોજના દ્વારા ચૂંટણી જીતી પણ હવે બહેન પર હિંસાના કેસમાં દોષિત ઠરેલા મંત્રીને છાવરવા જાય તો ઈમેડ બગડે ને સાચવવા જાય તો અજીત પવાર બગડે.

સાળીનો આક્ષેપઃ મુંડેએ મારી સાથે પરાણે સેક્સ માણ્યું, દર બીજા દિવસે આવીને શરીર સુખ ભોગવતા

ધનંજ્ય મુંડે મહારાષ્ટ્રની ઉધ્ધવ ઠાકરે સરકારમાં મંત્રી હતા ત્યારે ગાયિકા અને કરૂણાની બહેન રેણુ શર્માએ આક્ષેપ કરેલો કે, મુંડેએ ૨૦૦૬માં પોતે ૨૫ વર્ષની હતી ત્યારે પહેલી વાર બળાત્કાર ગુજારેલો અને પછી વારંવાર પોતાને હવસનો શિકાર બનાવી છે. રેણુ શર્માએ ૨૦૨૧માં કરેલી ફરિયાદ પ્રમાણે, ૧૯૯૭માં ધનંજ્યે તેની બહેન કરૂણા સાથે પ્રેમલગ્ન કરેલાં. આ કારણે પોતે ૧૬ વર્ષની હતી ત્યારથી મુંડેને ઓળખતી હતી. 

રેણુના દાવા પ્રમાણે, ૨૦૦૬માં બહેન કરૂણા ડીલિવરી માટે પિયર ઈન્દોર ગયેલી ત્યારે પોતે ઘરે એકલી છે તેની મુંડેને ખબર હતી. મુંડે રાત્રે જાણ કર્યા વિના ઘરે આવી ગયા અને મારી ઈચ્છા વિરૂધ્ધ મારી સાથે સેક્સ માણ્યું હતું. એ પછી દર બે દિવસે મુંડે મારી પાસે આવતો અને મારી સાથે સેક્સ માણીને તેના વીડિયો પણ બનાવતો હતો. 

રેણુના દાવા પ્રમાણે, મુંડેએ તેને લગ્નની અને મુંબઈની ફિલ્મી દુનિયામાં મોટા નિર્માતા-નિર્દેશકો સાથે ઓળખાણ કરાવીને કારકિર્દી બનાવી આપવાની લાલચ આપીને અસંખ્ય વાર પોતાની સાથે સેક્સ માણ્યું હતું. મુંડે ફોન કરીને મને પ્રેમ કરતો હોવાની વાતો પણ કરતો હતો. 

રેણુના આક્ષેપોએ ખળભળાટ મચાવેલો અને વિપક્ષ ભાજપે હોહા કરી મૂકેલી. થોડા દિવસ પછી રેણુએ કેસ પાછો ખેંચી લીધો હતો. એ પછી મુંડેએ તેના પર બદનક્ષીનો અને ૫ કરોડ રૂપિયાની ખંડણીનો કેસ કરી દેતાં રેણુ શર્માને જેલભેગી કરી દેવાઈ હતી. રેણુ શર્મા આ કેસમાં માંડ માંડ જામીન પર છૂટીને બહાર આવી છે. 

કરૂણાનો ગંભીર આક્ષેપઃ ધનંજ્ય મુંડેને અનેક સ્ત્રીઓ સાથે સંબંધ, સેક્સ રેકેટ ચલાવે છે

કરૂણા શર્માએ ૨૦૨૨માં ધનંજ્ય મુંડે સામે ગંભીર આક્ષેપો કરેલા. કરૂણાએ કહેલું કે, ધનંજ્ય મુંડે સેક્સ રેકેટ ચલાવે છે અને અનેક સ્ત્રીઓ સાથે તેને સેક્સ સંબંધો છે. 

પોતાની સત્તાનો દુરૂપયોગ કરીને મુંડે પોતાની હવસનો શિકાર બનેલી છોકરીઓને બ્લેકમેઈલ કરે છે અને તેમને ભોગવે છે. 

કરૂણાએ એવો આક્ષેપ પણ કરેલો કે, પોતાની દીકરી માત્ર છ મહિનાની હતી ત્યારે જ ધનંજ્ય મુંડે તેને ઉઠાવીને લઈ ગયેલો. પોતે પોલીસમાં ગઈ હતી પણ પોલીસે મુંડે સામે કેસ પણ ના નોંધ્યો કે કઈ ફરિયાદ ના કરી. મુંડેએ પોતાના સિવાય પોતાની બહેન અને પોતાની માતાને માર મારી હોવાનો આક્ષેપ પણ કરૂણાએ કર્યો હતો.

News-Focus

Google NewsGoogle News