પાકિસ્તાની જાસૂસ સતેન્દ્રની ધરપકડ, હની ટ્રેપ કે નાણાંની લાલચ?
- સતેન્દ્ર કેટલા સમયથી દેશ સાથે ગદ્દારી કરતો હતો એ ખબર નથી પણ તે લાંબા સમયથી પાકિસ્તાન વતી જાસૂસી કરતો હોવાની આશંકા છે. સતેન્દ્ર ખરેખર હની ટ્રેપમાં ફસાયો કે પછી પહેલેથી પૈસાની લાલચમાં દેશ સાથે ગદ્દારી કરતો હતો એ ખબર નથી પણ સતેન્દ્રના કિસ્સાએ ભારતમાં આઈએસઆઈની જાસૂસી જાળ વ્યાપક હોવાનું ફરી સાબિત કર્યું છે. વધારે ગંભીર બાબત એ છે કે, આઈએસઆઈએ આપણા વિદેશ મંત્રાલયમાં ઘૂસણખોરી કરી છે કેમ કે છેલ્લા સાત મહિનામાં જ આ ત્રીજો કર્મચારી પાકિસ્તાનની જાસૂસી કરતાં ઝડપાયો છે.
મોસ્કોના ભારતીય દૂતાવાસમાં કામ કરતા સતેન્દ્ર સિવાલની પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ સાથે જ પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈના હની ટ્રેપનો મુદ્દો ફરી ચર્ચામાં છે. મોસ્કોમાં ભારતીય દૂતાવાસમાં સીક્યુરિટી આસિસ્ટન્ટ તરીકે કામ કરતો ૨૮ વર્ષનો સિવાલ ઉત્તર પ્રદેશના હાપુર જિલ્લાનો છે અને ભારત સરકારના વિદેશ મંત્રાલયમાં મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ તરીકે ૨૦૧૯માં ભરતી થયો હતો.
સતેન્દ્ર લાંબા સમયથી એજન્સીએના રડારમાં હતો જ. સતેન્દ્ર આઈએસઆઈના હેન્ડલર્સ સાથે સંપર્કમાં હોવાની માહિતી મળી પછી તેના પર નજર રખાતી હતી. પોતાની માસીની દીકરીના લગ્ન માટે આવેલા સતેન્દ્રની ઉત્તર પ્રદેશ એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ) દ્વારા આ સંદર્ભમાં પૂછપરછ કરાઈ હતી પણ તેના જવાબો સંતોષકારક ના લાગતાં છેવટે તેની ધરપકડ કરાઈ. સિવાલ આઈએસઆઈને ઈન્ડિયન આર્મી તથા તેની સ્ટ્રેટેજી વિશેની અત્યંત સંવેદનશીલ માહિતી આપતો હોવાનો આરોપ છે.
એટીએસનું કહેવું છે કે, આઈએસઆઈએ ઉત્તર પ્રદેશમાં પોતાની જાળ ફેલાવી હોવાની ગુપ્તચર સૂત્રોએ માહિતી આપી પછી ઈલેક્ટ્રોનિક સર્વેલન્સ સીસ્ટમને કામે લગાડાઈ હતી. તેમાં સિવાલ આઈએસઆઈ માટે કામ કરતો હોવાનું બહાર આવતાં તેના પર નજર રખાઈ હતી ને તેમાં મજબૂત પુરાવા મળતાં ધરપકડ કરાઈ છે. એટીએસનો દાવો છે કે, સતેન્દ્રે પૂછપરછ દરમિયાન તેનો ગુનો કબૂલી લીધો છે.
સતેન્દ્ર આઈએસઆઈની જાળમાં હની ટ્રેપ દ્વારા ફસાયો હોવાનું બહાર આવ્યું છે. પૂજા નામની યુવતીએ ફેસબુક પર સતેન્દ્રને ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી હતી. સતેન્દ્રે રીક્વેસ્ટ સ્વીકારી પછી ચેટ શરૂ થઈ ને પછી નંબરની આપલે થતાં વાતચીત શરૂ થઈ. પૂજાએ પોતાની ઓળખાણ રીસર્ચર તરીકે આપી હતી. આ વાતચીત દરમિયાન સતેન્દ્ર એ હદે આગળ વધ્યો કે, પૂજા તેને બ્લેકમેઈલ કરવા માંડી અને આઈએએસઆઈને માહિતી આપવાની ફરજ પાડવા માંડી. પોલીસનું કહેવું છે કે, યુવતીએ તેને નાણાંની લાલચ આપી હતી ને સતેન્દ્રે નાણાંના બદલામાં માહિતી આપી છે.
આર્મી અને દૂતાવાસ વચ્ચે નિયમિત રીતે લશ્કરની મૂવમેન્ટ, ડીપ્લોયમેન્ટ, ટ્રુપ્સ વગેરેને લગતી માહિતીની આપ-લે થતી હોય છે. સતેન્દ્ર દૂતાવાસમાં કામ કરતો હોવાથી નિયમિત રીતે તેને આ માહિતી મળતી હતી. સતેન્દ્રે પોતાના હેન્ડલરને આ માહિતી આપીને રોકડી કરી હતી. સતેન્દ્ર કેટલા સમયથી દેશ સાથે ગદ્દારી કરતો હતો એ ખબર નથી પણ તે લાંબા સમયથી પાકિસ્તાન વતી જાસૂસી કરતો હોવાની આશંકા છે.
સતેન્દ્ર ખરેખર હની ટ્રેપમાં ફસાયો કે પછી પહેલેથી પૈસાની લાલચમાં દેશ સાથે ગદ્દારી કરતો હતો એ ખબર નથી પણ સતેન્દ્રના કિસ્સાએ ભારતમાં આઈએસઆઈની જાસૂસી જાળ વ્યાપક હોવાનું ફરી સાબિત કર્યું છે. વધારે ગંભીર બાબત એ છે કે, આઈએસઆઈએ આપણા વિદેશ મંત્રાલયમાં ઘૂસણખોરી કરી છે કેમ કે છેલ્લા સાત મહિનામાં જ આ ત્રીજો કર્મચારી પાકિસ્તાનની જાસૂસી કરતાં ઝડપાયો છે.
ગયા વર્ષના જુલાઈમાં ગાઝિયાબાદ પોલીસે નવીન પાલની ધરપકડ કરેલી. વિદેશ મંત્રાલયમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા નવિને જી ૨૦ સમિટ પહેલાં ચાલી રહેલી બેઠકોને લગતી માહિતી પાકિસ્તાનને મોકલી હતી. ૨૦૨૩ના સપ્ટેમ્બરમાં દિલ્હીમાં યોજાયેલી જી-૨૦ સમિટ પહેલાંની બેઠકોમાં પાકિસ્તાન શું કરવા માગતું હતું એ ખબર નથી પણ પાલે આ અંગેની વિગતો મોકલી હતી. પાલે દાવો કર્યો હતો કે, સોશિયલ મીડિયા પર મળેલી યુવતીએ તેને ફસાવીને આ માહિતી મોકલવા ફરજ પાડી હતી.
પાલની ધરપકડના ચાર મહિના પછી નવેમ્બરમાં વિદેશ મંત્રાલયમાં કામ કરતા ડ્રાઈવરની ધરપકડ કરી હતી. ડ્રાઈવરે પણ ઈન્ડિયન આર્મીને લગતી સંવેદનશીલ માહિતી પાકિસ્તાન મોકલી હતી. ડ્રાઈવરનો દાવો હતો કે, કોલકાત્તાની હોવાનો દાવો કરતી યુવતીએ તેને ફસાવ્યો હતો. પોલીસે તપાસ કરતાં યુવતીનો વર્ચ્યુઅલ નંબર બરેલીનો હોવાનું જણાયું હતું પણ વધારે તપાસ કરતાં સાચું આઈપી એડ્રેસ કરાંચીનું નિકળ્યું હતું.
વિદેશ મંત્રાલયમાં કામ ના કરતા હોય એવા પાકિસ્તાની જાસૂસો પણ ઝડપાયા છે. ૨૦૨૧માં સ્પેશિયલ ટાસ્ક ફોર્સે ઈન્ડિયન આર્મીમાં કામ કરી ચૂકેલા સૌરભ શર્માની ધરપકડ કરી હતી. શર્મા સામે ટેરર ફંડિગનો આરોપ પણ મૂકાયો હતો કેમ કે શર્માએ આઈએસઆઈના કહેવાથી આતંકવાદીઓને મદદ કરી હતી. ૨૨ માર્ચ, ૨૦૨૨ના રોજ લશ્કર સાથેની અથડામણ પછી લશ્કર-એ-તયબ્બાના ચાર આતંકવાદી ઝડપાયા હતા. શર્માએ તેમને નાણાં આપ્યાં હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
ગયા વરસે ગુજરાતમાંથી લાભશંકર દુર્યોધન મહેશ્વરી નામનો પાકિસ્તાની જાસૂસ ઝડપાયો હતો. ૫૩ વર્ષનો મહેશ્વરી ૧૭ વર્ષથી પાકિસ્તાની એજન્ટોને ભારતીય સીમ કાર્ડ મેળવવામાં મદદ કરતો હતો. આ સીમ કાર્ડ્સનો ઉપયોગ આર્મી સ્કૂલોમાં ભણતાં સંરક્ષણ મંત્રાલયના કર્મચારીઓમાં બાળકોના ફોન હેક કરવામાં કરાતો ને એ રીતે જાસૂસી કરાતી હતી.
આ તો બધા છીંડે ચડેલા ચોર છે પણ પાકિસ્તાનની જાસૂસી જાળ બહુ મોટી હોવાની શક્યતા છે. પાકિસ્તાન ભારતનું દુશ્મન છે તેથી પોતાના લશ્કરી અધિકારીઓનું જનરલ નોલેજ વધારવા માટે તો આ બધી માહિતી ના જ મંગાવતું હોય એ કહેવાની જરૂર નથી. આ જાસૂસોની મદદથી પાકિસ્તાન ભારતમાંથી જે માહિતી મેળવે છે તેનો ઉપયોગ ભવિષ્યમાં મોટા હુમલા માટે કરાય એવું બને એ જોતાં આ જાસૂસી જાળને ભેદવી જરૂરી છે.
એક મહત્વની વાત એ છે કે, પાકિસ્તાન માટે જાસૂસી કરતાં ઝડપાયેલા બધા હિંદુ છે. ભારતમાં હિંદુઓ પાકિસ્તાન માટે જાસૂસી કરતા હોય એવો વિચાર પણ કોઈને ના આવે. તેનો લાભ લઈને પાકિસ્તાન રૂપલલનાઓ અને રૂપિયાનો ઉપયોગ કરીને જાસૂસી કરાવડાવે છે.
'આઉટસ્ટેન્ડિંગ સાયન્ટિસ્ટ' કુરૂલકર 'ઝારા દાસગુપ્તા'ની જાળમાં ફસાયેલા
આઈએસએઈએ હની ટ્રેપની જાળમાં ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ઘઇર્ઘં)ના ટોચના વૈજ્ઞાાનિક પ્રદીપ કુરૂલકરને પણ ફસાવ્યા હતા. કુરૂલકર ૨૦૨૩ના નવેમ્બરમાં 'આઉટસ્ટેન્ડિંગ સાયન્ટિસ્ટ' તરીકે નિવૃત્ત થવાના હતા પણ એ પહેલાં આઈએસઆઈના અધિકારીઓ સાથે સંપર્ક કરવા બદલ મહારાષ્ટ્ર એટીએસે ૩ મે, ૨૦૨૩ના રોજ તેમની ધરપકડ કરી હતી.
પ્રદીપ કુરૂલકર હજુ જેલમાં જ છે. તેમની સામે ઓફિશિયલ સીક્રેટ એક્ટના ભંગ બદલ કેસ નોંધાયો છે. 'ઝારા દાસગુપ્તા' તરીકે પોતાની ઓળખ આપનારી પાકિસ્તાની જાસૂસ યુવતીની મોહજાળમાં ફસાયેલા કુરૂલકર 'ઝારા દાસગુપ્તા'ને બ્રહ્મોસ મિસાઈલનો રીપોર્ટ બતાવવા સુધ્ધાં તૈયાર થઈ ગયેલા. બ્રહ્મોસ મિસાઈલ પ્રોજેક્ટ પરનો આ રીપોર્ટ હાઈસી ક્લાસિફાઈડ હતો. વડાપ્રધાન, સંરક્ષણ મંત્રી અને લશ્કરી વડા ઉપરાંત કેટલાક ટોચના અધિકારીઓ સિવાય કોઈ આ રીપોર્ટ જોઈ ના શકે પણ કુરૂલકર 'ઝારા દાસગુપ્તા'ની સેક્સ ચેટ અને વાતોથી એ હદે પિગળી ગયેલા કે રીપોર્ટ બતાવવા તૈયાર થઈ ગયેલા.
ડીઆરડીઓની રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (એન્જીનિયર્સ) લેબોરેટરીના ડિરેક્ટર કુરૂલકરે ન્યુક્લીયર શસ્ત્રો લઈ જવા સક્ષમ અગ્નિ મિસાઈલ તથા ૨૦૧૯માં સફળતાપૂર્વક પાર પડાયેલા એન્ટિ-સેટેલાઈટ મિસાઈલ ટેસ્ટ માટેના મિશન શક્તિ જેવાં મહત્વના પ્રોજેક્ટ સાથે જોડાયેલા હતા.
કુરૂલકરે ૨૦૨૨ના જૂનથી ૨૦૨૨ના ડીસેમ્બર દરમિયાન 'ઝારા દાસગુપ્તા' સાથે બ્રહ્મોસ, શક્તિ, અગ્નિ ૬, અનમેન્ડ એર વ્હીકલ રૂસ્તમ, સરફેસ ટુ એર મિસાઈલ્સ, અનમેન્ડ કોમ્બેટ એર વ્હીકલ્સ, ડ્રોન પ્રોજેક્ટ્સ મુદ્દે ચેટ કરી હતી.
ભારતીય ડિપ્લોમેટ માધુરી પાકિસ્તાની યુવકના હની ટ્રેપમાં ફસાયેલાં
આઈએસઆઈ દ્વારા હની ટ્રેપમાં ફસાવીને પાકિસ્તાન માટે જાસૂસી કરાવવાનો સૌથી રસપ્રદ કિસ્સો માધુરી ગુપ્તાનો છે. સામાન્ય રીતે રૂપકડી યુવતીઓની માયાજાળમાં પુરૂષો ફસાતા હોય છે પણ આ કિસ્સામાં એક આઈએસઆઈના એક યુવા એજન્ટે મહિલા ડિપ્લોમેટને પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી.
ઈસ્લામાબાદના ભારતીય દૂતાવાસમાં ડિપ્લોમેટ ૫૩ વર્ષની માધુરી ગુપ્તા ૩૦ વર્ષના પાકિસ્તાની જાસૂસ જમશેદ ઉર્ફે જિમના સંપર્કમાં આવી પછી તેની સાથે સંબંધ બંધાયા હતા. જમશેદ અને માધુરીના સંબંધો એ હદે આગળ વધેલા કે માધુરી જિમ સાથે લગ્ન પણ કરવા માગતી હતી પણ જમશેદને લગ્નમાં રસ નહોતો. મુબ્સર રાઝા રાણા નામનો આઈએસઆઈનો અધિકારી જમશેદનો હેન્ડલર હતો.
જમશેદે થોડા સમય પછી પોત પ્રકાશ્યું અને બ્લેકમેઈલિંગ શરૂ કરીને માધુરીને ભારતના રહસ્યો આપવાની ફરજ પાડી. માધુરી પાકિસ્તાન માટે જાસૂસી પોતાની મરજીથી કરે છે એ સાબિત કરવા માટે તેને રૂપિયા એક લાખ આપવામાં આવતા હતા. માહિતી મોકલવા માટે માધુરીને મોબાઇલ ફોન અને પાકિસ્તાની સીમકાર્ડ પણ આપવામાં આવ્યા હતા.
માધુરીને પોતે ફસાઈ હોવાની ખબર પડી ગઈ હતી પણ કશું કરી શકે તેમ નહોતી. ૨૦૧૦માં તેનો ભાંડો ફૂટી જતાં તેની ધરપકડ કરાઈ અને સાત વર્ષની જેલની સજા થઈ. સજા ભોગવ્યા પછી માધુરી જેલની બહાર આવીને અત્યારે ભારતમાં જ રહે છે.