એક્ટ્રેસ કાદંબરીની ફરિયાદથી રાજકીય ભૂકંપ, જગન ફરતે ગાળિયો
- જગનની છાવણી માને છે કે ચંદ્રાબાબુ નાયડુ રાજકીય હિસાબ સરભર કરવા કાદંબરીનો પ્યાદા તરીકે ઉપયોગ કરી રહ્યા છે
- મૂળ ગુજરાતી એક્ટ્રેસ કમ મોડલ કાદંબરીએ આંધ્ર પ્રદેશ પોલીસ સામે પોતાને વૃધ્ધ માતા-પિતા સાથે 45 દિવસ સુધી ગેરકાયદેસર રીતે જેલમાં ગોંધી રાખીને શારીરિક અને માનસિક અત્યાચારો ગુજારવા ઉપરાંત સેક્સ્યુઅલસ હેરેસમેન્ટ કર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી, ઉદ્યોગપતિ સજજન જિંદાલ, જગન પાર્ટીનો નેતા અને ફિલ્મ પ્રોડયુસર વિદ્યાસાગર રાવ, ત્રણ આઈપીએસ અધિકારી સહિતના હાઈ પ્રોફાઈલ લોકો સામે કાદંબરીએ આક્ષેપ કર્યા છે. જગનની બહેન શર્મિલા કાદંબરીને પડખે હોવાથી ફરી ભાઈ-બહેન સામસામે આવી ગયાં છે.
આંધ્ર પ્રદેશમાં અત્યારે મૂળ ગુજરાતી એક્ટ્રેસ કમ મોડલ કાદંબરી જેઠવાણીની સતામણીનો મુદ્દો ગાજી રહ્યો છે. કોઈ થ્રીલરને ટક્કર મારે એવી ઘટનામાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી, ઉદ્યોગપતિ સજજન જિંદાલ, જગન પાર્ટીનો નેતા અને ફિલ્મ પ્રોડયુસર વિદ્યાસાગર રાવ, ત્રણ આઈપીએસ અધિકારી સહિતના હાઈ પ્રોફાઈલ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કાદંબરીએ પોતાને વૃધ્ધ માતા-પિતા સાથે ૪૫ દિવસ સુધી ગેરકાયદેસર રીતે જેલમાં ગોંધી રાખીને શારીરિક અને માનસિક અત્યાચારો ગુજારવા ઉપરાંત સેક્સ્યુઅલસ હેરેસમેન્ટ કરાયું હોવાની ફરિયાદ નોંધાવી છે.
જગનનો બચાવ કરવા તેનું પોતાનું સાક્ષી મીડિયા હાઉસ અને બીજી ચેનલો કામે લાગી છે. એ લોકો કાદંબરી જેઠવાણીને ધનિકોને હની ટ્રેપમાં ફસાવીને બ્લેકમેઈલ કરનારી યુવતી ચિતારવા મચી પડયાં છે. બીજી તરફ કાદંબરીના બચાવમાં જગનની બહેન અને કોંગ્રેસની નેતા વાયએસ શર્મિલા મેદાનમાં આવી ગઈ છે. શર્મિલાએ સગા ભાઈ જગન પર ઉદ્યોગપતિ સજ્જન જિંદાલને બચાવવા માટે કાદંબરીને પરેશાન કર્યાનો આક્ષેપ મૂક્યો છે. આંધ્રના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ કાદંબરીની ફરિયાદમાં યોગ્ય તપાસ થાય એ માટે સ્પેશિયલ મહિલા ઓફિસરની નિમણૂક કરી તેના કારણે જગનની છાવણી ચંદ્રાબાબુ રાજકીય હિસાબ સરભર કરવા કાદંબરીનો પ્યાદા તરીકે ઉપયોગ કરીને રહ્યા હોવાનો આક્ષેપ કરી રહી છે. પોલીસ ફરિયાદ અને આક્ષેપો-પ્રતિ આક્ષેપોના કારણે કાદંબરી કેસ પોલીટિકલ કેસ બની ગયો છે.
કાદંબરીની ફરિયાદ પ્રમાણે, આ ઘટનાની શરૂઆત પોતે ૨૦૨૩ના ડીસેમ્બરમાં સજ્જન જિંદાલ સામે બળાત્કારની પોલીસ ફરિયાદ નોંધાવી ત્યારે થઈ. કાદંબરીની ફરિયાદ હતી કે, જિદાલની કંપનીના હેડક્વાર્ટરના પેન્ટહાઉસમાં ૨૦૨૨ના જાન્યુઆરીમાં તેનું સજ્જન જિંદાલે મોલેસ્ટેશન કર્યું હતું. મુંબઈ પોલીસે તેની ફરિયાદ ના લેતાં કાદંબરી કોર્ટમાં ગઈ, કોર્ટના આદેશના પગલે મુંબઈમાં બીકેસી પોલીસ સ્ટેશનમાં જિંદાલ સામે બળાત્કાર, મહિલા સાથે બળજબરી કરીને ગૌરવભંગ કરવાનો તથા ગુનાઈત કૃત્ય આચરવાનો કેસ નોંધાયો.
આ કેસમાં ૫ ફેબુ્રઆરી, ૨૦૨૪ના રોજ કાદંબરી કોર્ટમાં નિવેદન આપવાની હતી અને જિંદાલ સામે પુરાવા રજૂ કરવાની હતી પણ એ પહેલાં ૨ ફેબુ્રઆરીએ વિજયવાડાના પોલીસ કમિશ્નર ક્રાન્તિરાણા તાતા અને આઈપીએસ વિશાલ ગુન્ની સહિત ત્રણ આઈપીએસ તથા બીજા બે ઈન્સ્પેક્ટર મળીને પાંચ પોલીસો મુંબઈમાં કાદંબરીના ઘરે આવ્યા અને તેનાં માતા-પિતા સાથે તેને ઉઠાવી ગયા. પોલીસનો દાવો હતો કે, કુક્કલા વિદ્યાસાગર નામના વાયએસઆર કોંગ્રેસના નેતાએ કાદંબરી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હોવાથી ધરપકડ કરાઈ છે.
આંધ્ર પોલીસે કાદંબરીનો આઈ ફોન અને આઈ પેડ જપ્ત કરી લીધાં કે જેમાં સજ્જન જિંદાલ વિરૂધ્ધ પુરાવા હતા. કાદંબરીને માતા-પિતા સાથે વિજયવાડા લઈ જવાઈને કોર્ટમાં રજૂ કરાઈ પણ આઈફોન કે આઈ પેડ રજૂ ના કરાયાં. કોર્ટમાં પહેલેથી કરાયેલી ગોઠવણના કારણે રીમાન્ડ મંજૂર થઈ ગયા પછી ત્રણેયને ૩ માર્ચ, ૨૦૨૪થી ૧૫ માર્ચ ૨૦૨૪ સુધી સળંગ ૪૫ દિવસ વિજયવાડા જેલમાં રખાયાં. જેલમાં ત્રણેયને માનસિક અને શારીરિક ત્રાસ અપાતો. જેલમાં હોવાથી કાદંબરી મુંબઈમાં જિંદાલ સામેના રેપ કેસમાં હાજર ના થઈ શકી તેથી મુંબઈ પોલીસે જિંદાલને ક્લીચ ચીટ આપીને કેસ બંધ કરી દીધો.
કાદંબરીને જેલમાંથી મુક્ત કરાઈ પછી પણ વિજયવાડાના ઈબ્રાહીમપટનમમાં રહેવાની ફરજ પડાઈ હતી. એ દરમિયાન પોલીસનો ત્રાસ ચાલુ જ હતો ને વિદ્યાસાગર પણ ગંદી હરકતો કરતો. વિદ્યાસાગર અને તેનો દીકરો નગ્ન થઈને વીડિયો કાલ કરતા અને અશ્લીલ હરકતો કરતા એવો કાદંબરીનો આક્ષેપ છે. કાદંબરીએ તેના પુરાવા પણ રજૂ કર્યા છે.
આંધ્ર પ્રદેશમાં લોકસભાની ચૂંટણીની સાથે જ વિધાનસભાની ચૂંટણી હતી. આ ચૂંટણીમાં જગન હારી ગયો ને ચંદ્રાબાબુ મુખ્યમંત્રી બન્યા પછી કાદંબરીનો પરિવાર સાથે છૂટકારો થયો. છોડતી વખતે પણ તેમની પાસે અલગ અલગ પ્રકારના પેપરો પર સહી કરાવી લેવાઈ હતી કે જેથી ભવિષ્યમાં કોઈ મુસીબત ઉભી ના થાય. કાદંબરી તથા તેનો પરિવાર એટલો ડરેલો હતો કે, કશું કર્યા વિના ચૂપચાપ મુંબઈ પાછો આવી ગયો.
ચંદ્રાબાબુની સરકારે જગન મોહનની સરકારના શાસનકાળમાં થયેલાં ખોટાં કામોમાં તપાસ શરૂ કરાવી પછી કાદંબરીની હિંમત આવી તેથી તેણે સરકારના સંપર્ક કર્યો. ચંદ્રાબાબુના દીકરા નારા લોકેશે કાદંબરીને ન્યાયની ખાતરી આપીને સ્પેશિયલ ઓફિસરની નિમણૂક કરી પછી કાદંબરીએ વિજયવાડા આવીને પોલીસ સામે નિવેદન આપીને ફરિયાદ નોંધાવતાં જ રાજકીય રીતે મામલો ગરમ થઈ ગયો છે.
આ કેસમાં જગનના ટટ્ટુ જેવા વિદ્યાસાગરે કાદંબરી સામે નોંધાવેલી ફરિયાદમાં રજૂ કરેલા પુરાવા શંકાસ્પદ છે. કાદંબરી સામેની ફરિયાદ ૨૦૧૮ની હોવાનો દાવો કરાયો છે પણ તેમાં જે સરનામું છે એ ફ્લેટ કાદંબરીએ ૨૦૨૦માં ખરીદ્યો હતો. આંધ્ર પ્રદેશ પોલીસે નકલી દસ્તાવેજો બનાવ્યા હોવાનો કાદંબરીનો આક્ષેપ છે. સ્ટેમ્પ પેપર પણ ૨૦૨૩માં ખરીદાયો હતો તેથી કાદંબરીના ખોટો કેસ કરાયો હોવાના દાવામાં દમ છે.
આંધ્રમાં અત્યારે જગનના વિરોધી ચંદ્રાબાબુની સરકાર હોવાથી જગન માટે કપરા દાડા છે. અધૂરામાં પૂરું જગન સામે તેની સગી બહેન શર્મિલા જ પડી છે. સજ્જન જિંદાલ આંધ્રના કડપ્પામાં ૮૮૫૦ કરોડ રૂપિયાનો સ્ટીલ પ્લાન્ટ નાંખવાના હતા પણ તેના ખાતમૂહુર્ત સિવાય કશું થયું નહીં ને જગને જિંદાલને ૩૬૦૦ એકર જમીન પાણીના ભાવે આપીને સરકારને અબજોને ચૂનો લગાડી દીધો એવો આક્ષેપ શર્મિલાએ કર્યો છે. જિંદાલ અને જગન પ્રોજેક્ટ આગળ વધારવાની મીટિંગના બહાને કાદંબરીને ઠેકાણે પાડવાનાં કાવતરાં કરતા હતા એવો પણ શર્મિલાનો આક્ષેપ છે.
ઉદ્યોગપતિ જિંદાલ સામે રેપની ફરિયાદ, એશિયન પેઈન્ટ્સના માલવ દાણી સાથે અફેરની ચર્ચા
કાદંબરી જેઠવાણી મૂળ ગુજરાતી અને અમદાવાદમાં સિંધી પરિવારમાં જન્મેલી છે. તેના પિતા નરેન્દ્રકુમાર મર્ચન્ટ નેવી ઓફિસર હતા જ્યારે માતા આશાબેન રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયામાં મેનેજર હતાં.
કાદંબરી ક્વોલિફાઈડ મેડિકલ ડોક્ટર છે પણ એક્ટિંગમાં રસ હોવાથી ફિલ્મોમાં આવી.
કાદંબરીએ ક્લાસિકલ અને વેસ્ટર્ન ડાન્સની તાલીમ લીધી છે. ફિલ્મોમાં આવતાં પહેલાં કાદંબરી ઘણી બ્યુટી કન્ટેસ્ટ જીતી ચૂકી છે. ૨૦૧૧માં આવેલી સાડ્ડા અડ્ડા કાદંબરીની પહેલી ફિલ્મ હતી. કાદંબરીએ એ પછી મલયાલમ, તેલુગુ, પંજાબી ભાષાની ગણીગાંઠી ફિલ્મોમાં કામ કર્યું છે.
કાદંબરીની ફિલ્મી કારકીર્દી બહુ સફળ નથી તેથી એ બહુ જાણીતી નહોતી પણ થોડાં વરસો પહેલાં જિંદાલ સ્ટીલ વર્ક્સ (જેએસડબલ્યુ) ગુ્રપના સજ્જન જિંદાલ સામે બળાત્કારનો કેસ કરીને કાદંબરી દેશભરમાં જાણીતી થઈ ગઈ હતી. કાદંબરીએ ૨૦૨૩માં સજ્જન જિંદાલ સામે મુંબઈમાં બળાત્કારની પોલીસ ફરિયાદ પણ કરી હતી.
કાદંબરીનો આક્ષેપ હતો કે, પોતાનાથી ૩૦ વર્ષ મોટા ૬૦ વર્ષના જિંદાલે લગ્ન કરવાનું વચન આપીને શરીર સંબંધ બાંધ્યા હતા અને બે વર્ષ સુધી પોતાનું શારીરિક શોષણ કર્યા પછી ફરી ગયા હતા.
કાદંબરીના બીજા એક ટોચના બિઝનેસમેન માલવ દાણી સાથે સંબંધો હોવાની અને દાણી સામે પણ કાદંબરીએ કેસ કર્યો હોવાની વાતો પણ સોશિયલ મીડિયા પર ફરી રહી છે.
માલવ દાણી એશિયન પેઈન્ટ્સના માલિક અશ્વિન દાણીનો પુત્ર છે. સાક્ષીએ માલવ દાણીને બ્લેકમેઈલ કર્યો હોવાનો આક્ષેપ તેલુગુની જગનતરફી કેટલીક ટીવ ચેનલો કરી રહી છે.
સાક્ષી ટીવીનો આક્ષેપઃ કાદંબરીનો ભાઈ ઈન્ટરનેશનલ સ્મગલર, માફિયા સાથે કનેક્શન
જગનનું મીડિયા હાઉસ આક્ષેપ કરી રહ્યું છે કે, કાદંબરીનો પરિવાર દીકરીને આગળ કરીને ધનિકોને હની ટ્રેપમાં ફસાવીને બ્લેકમેઈલ કરવાનો અને તેમની સંપત્તિ પડાવી લેવાનો ધંધો કરે છે. કાદંબરીનો ભાઈ અંબરીશ દુબઈના અંડરવર્લ્ડ માફિયા સાથે સંબધો ધરાવતો ઈન્ટકનેશનલ સ્મગલર હોવાનો તથા અમદાવાદ એરપોર્ટ પર ૩૦ ડીસેમ્બર, ૨૦૨૧ના રોજ ૬૦૦ ગ્રામ દાણચોરીના સોના સાથે ઝડપાયેલો એવો પણ સાક્ષી ટીવીનો દાવો છે. સજ્જન જિંદાલ સહિતના ઉદ્યોગપતિઓને બ્લેકમેઈલ કરીને સંપત્તિ પડાવી લેવામાં અંબરીશની પણ ભૂમિકા હોવાનો તેમનો દાવો છે.
સાક્ષી ટીવીએ વિદ્યાસાગરનો ઈન્ટરવ્યૂ પણ પ્રસારિત કરેલો. વિદ્યાસાગરના દાવો હતો કે, કાદમ્બરી ધનિકોને પોતાની સાથે લગ્ન કરવા નહીં તો સંપત્તિ પોતાના નામે કરવા ધમકી આપે છે. આખો પરિવાર બોગસ દસ્તાવેજો બનાવે છે, બીજાંની બનાવટી સહીઓ કરે છે અને સંપત્તિઓ પર કબજો કરવામાં કાવતરાંને પાર પાડે છે.
વિદ્યાસાગરના દાવા પ્રમાણે, ૨૦૦૯માં કાદંબરી પોતાને મળી ત્યારે નતાશા તરીકે પોતાનો પરિચય આપ્યો હતો. તેની પાસે ઘણા પાસપોર્ટ અને આધાર કાર્ડ છે. કાદંબરી મોર્ફ કરેલા ફોટો દ્વારા પણ લોકોને બ્લેકમેઈલ કરે છે. ૨૦૨૪ના ફેબુ્રઆરીમાં મને ખબર પડી કે, બનાવટી દસ્તાવેજો દ્વારા કાદંબરી જગ્ગાય્યાપેટની મારી ૫ એકર જમીન વેચવા મથી રહી છે ત્યારે મેં પોલીસ ફરિયાદ કરી હતી તેથી પોલીસે તેની ધરપકડ કરી અને કાયદા પ્રમાણે કોર્ટમાં રજૂ કરી હતી. વિદ્યાસાગરે પોતાને જગનની પાર્ટી સાથે કોઈ લેવાદેવા નહીં હોવાનો દાવો પણ કરેલો.