Get The App

39 લાખ અફઘાનોને તગેડવાના એલાનથી પાકિસ્તાનમાં સ્ફોટક સ્થિતિ

Updated: Oct 6th, 2023


Google NewsGoogle News
39 લાખ અફઘાનોને તગેડવાના એલાનથી પાકિસ્તાનમાં સ્ફોટક સ્થિતિ 1 - image


- આ બેલ મુજે માર : પાકિસ્તાનનું ફરમાન આંતરિક યુદ્ધ છે તે નક્કી છે, પાકિસ્તાન વધુ એક સમસ્યામાં અટવાશે

- પાકિસ્તાનની રખેવાળ સરકારે ધમકી આપી છે કે, 1 નવેમ્બર સુધીમાં પાકિસ્તાનમાં રહેતા અફઘાન પોતાના દેશ પાછા નહીં જાય તો પાકિસ્તાન તેમને ડીપોર્ટ કરશે. પાકિસ્તાનમાં જાન્યુઆરીથી અત્યાર સુધીમાં થયેલા 26 આત્મઘાતી આતંકી હુમલામાંથી 14 હુમલામાં અફઘાન નિરાશ્રિતો સામેલ હતા તેથી પાકિસ્તાનમાં શાંતિ જોઈતી હોય તો અફઘાનોને કાઢયા વિના છૂટકો નથી. અફઘાનિસ્તાને કહ્યું છે કે,  અફઘાનો સ્વૈચ્છિક રીતે પાકિસ્તાન ના છોડે ત્યાં સુધી પાકિસ્તાન તેમને તગેડી ના શકે એટલે પાકિસ્તાને તેમને સહન કરવા જ પડશે.  આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે પાકિસ્તાન અફઘાનોને રાખવા બંધાયેલું છે. 

પાકિસ્તાનની સરકારે પાકિસ્તાનમાં થઈ રહેલા આતંકવાદી હુમલા માટે અફઘાનોને જવાબદાર ગણાવીને પાકિસ્તાનમાં રહેતા તમામ અફઘાનોને ૧ નવેમ્બર સુધીમાં પોતાના દેશ અફઘાનિસ્તાન પાછા ફરવા ફરમાન કરતાં સ્થિતી વિસ્ફોટક થઈ ગઈ છે.  પાકિસ્તાન અને અફઘાનિસ્તાન બંને ભૂખડી બારસ દેશ છે. બંનેમાંથી કોઈને પોતાને ત્યાં વધારાનો માણસો જોઈતા નથી તેથી સામસામે આવી ગયા છે. 

અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસન આવ્યું ત્યારથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ઘર્ષણ થયા કરે છે પણ પાકિસ્તાનના ફરમાનને પગલે હવે બંને વચ્ચે યુધ્ધના ભણકારા વાગી રહ્યા છે. બલ્કે પાકિસ્તાનમાં જ પાકિસ્તાની આર્મી અને અફઘાનો સામસામે આવી જાય તેના કારણે આંતરિક યુધ્ધ ફાટી નિકળે એવી પ્રબળ શક્યતા છે કેમ કે અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે પણ આક્રમક વલણ અપનાવ્યું છે. 

પાકિસ્તાનની રખેવાળ સરકારે ધમકી આપી છે કે, ૧ નવેમ્બર સુધીમાં પાકિસ્તાનમાં રહેતા અફઘાનિસ્તાનના નાગરિકો પોતાના દેશ પાછા નહીં જાય તો પાકિસ્તાન તેમને ડીપોર્ટ કરશે અને ઉઠાવીને અફઘાનિસ્તાનમાં ખદેડી મૂકશે. પાકિસ્તાનની વાતે ગૂંચવાડો સર્જ્યો છે કેમ કે જે લોકો રાજ્યાશ્રય માંગીને પાકિસ્તાનમાં રહે છે તેમને પણ તગેડી મૂકાશે કે નહીં એ મુદ્દે પાકિસ્તાને કશું કહ્યું નથી. પાકિસ્તાન એ લોકોને પણ તગેડવા માગતું હોય તો નવો બખેડો ખડો થઈ જશે કેમ કે આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે રાજ્યાશ્રય માંગીને રહેનારાં લોકોને કોઈ સરકાર તગેડી શકતી નથી. રશિયાએ ૧૯૮૦ના દાયકામાં પોતાના લશ્કરને અફઘાનિસ્તાનમાં મોકલ્યું પછી મુસ્લિમ કટ્ટરવાદીઓએ રશિયાના લશ્કર પર હુમલા શરૂ કરેલા. તેના કારણે અફઘાનિસ્તાનમાં જંગલ રાજ જેવી સ્થિતી થઈ ત્યારથી અફઘાન પ્રજા ભાગીને પાકિસ્તાનમાં આવી રહી છે.  યુનાઈટેડ નેશન્સના આંકડા પ્રમાણે, અત્યાર સુધીમાં ૧૩ લાખ અફઘાનો પાકિસ્તાનમાં રાજ્યાશ્રય માગી ચૂક્યા છે અને સત્તાવાર રીતે નિરાશ્રિત તરીકે રહે છે. 

આ સિવાય ૮.૮૦ લાખ લોકોએ રાજ્યાશ્રય માંગ્યો છે પણ એ અંગે પાકિસ્તાન સરકાર દ્વારા નિર્ણય લેવાયો નથી પણ યુનાઈટેડ નેશન્સે તેમને પણ નિરાશ્રિત તરીકે માન્યતા આપી હોવાથી કાનૂની રીતે એ લોકોને પણ પાકિસ્તાનમાં રહેવાનો અધિકાર મળેલો છે. તેમાંથી ૬ લાખ લોકો તો એવા છે કે જે અમેરિકાનું લશ્કર અફઘાનિસ્તાન છોડીને ગયું ને તાલિબાનનું શાસન આવ્યું પછી પાકિસ્તાન આવ્યા છે. 

પાકિસ્તાનનું કહેવું છે કે, આ સિવાય બીજા ૧૭ લાખ અફઘાન પણ પાકિસ્તાનમાં ઘૂસ્યા છે અને બિલકુલ ગેરકાયદેસર રીતે પાકિસ્તાનમાં ધામા નાંખીને પડયા છે. આ અફઘાનો તાલિબાનના માણસો જ છે અને તેમનું કામ પાકિસ્તાનમાં આતંકવાદને ભડકાવવાનું છે. પાકિસ્તાનમાં જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ૨૬ આત્મઘાતી આતંકી હુમલા થયા છે. પાકિસ્તાનની વચગાળાની સરકારના ગૃહ મંત્રી સરફરાઝ બુગતીનો દાવો છે કે, આ ૨૬ આતંકી હુમલામાંથી ૧૪ હુમલામાં અફઘાન નિરાશ્રિતો સામેલ હતા તેથી પાકિસ્તાનમાં શાંતિ જોઈતી હોય તો અફગાનોને કાઢયા વિના છૂટકો નથી. 

અફઘાનિસ્તાને પોતાના નાગરિકો પાકિસ્તાનમાં થઈ રહેલા સુસાઈડ બોમ્બ એટેક માટે જવાબદાર હોવાની વાતને જૂઠાણું ગણાવીને કહ્યું છે કે, પાકિસ્તાને પોતે આતંકવાદને પોષ્યો તેનાં પરિણામ એ ભોગવે છે. પાકિસ્તાનથી આતંકવાદીઓને કાબૂમાં લેવાતા નથી તેથી અફઘાનિસ્તાન પર દોષારોપણ કરી રહ્યું છે. 

અફઘાનિસ્તાને પાકિસ્તાન દ્વારા ડીપોર્ટ કરાનારા અફઘાનિસ્તાનના નાગરિકોને પાછા લેવાનો સીધો ઈન્કાર નથી કર્યો પણ આંતરરાષ્ટ્રીય કાયદાની દુહાઈ આપીને આડકતરી રીતે કહી દીધું છે કે, અમને આ નાગરિકો પાછા જોઈતા નથી, તેમને તમે જ રાખો, ખવડાવો-પિવડાવો અને પોષો.  અફઘાનિસ્તાનની તાલિબાન સરકારના પ્રવક્તા ઝબિબુલ્લાહ મુજિહાદે તો સાફ શબ્દોમાં કહ્યું છે કે,  અફઘાન નાગરિકો સ્વૈચ્છિક રીતે પાકિસ્તાન ના છોડે ત્યાં સુધી પાકિસ્તાન તેમને તગેડી ના શકે એટલે પાકિસ્તાને તેમને સહન કરવા જ પડશે.  આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે પાકિસ્તાન અફઘાનિસ્તાનથી આવેલા લોકોને રાખવા બંધાયેલું છે. 

અફઘાનિસ્તાનના આકરા વલણના કારણે પાકિસ્તાનની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે. પાકિસ્તાને અલ્ટિમેટમ તો આપી દીધું પણ અફઘાનિસ્તાન તેમને ના સ્વીકારે તો એ લોકોને ક્યાં મોકલવા એ સવાલ આવીને ઉભો રહી ગયો છે. પાકિસ્તાને આપેલા આંકડા પ્રમાણે જ બધા મળીને ૩૯ લાખ જેટલા અફઘાન પાકિસ્તાનમાં છે. આટલી મોટી સંખ્યામાં લોકોન ડીપોર્ટ કરવા નાની માના ખેલ નથી. 

પાકિસ્તાન થોડા ઘણાને ઉઠાવીને અફગાનિસ્તાનની સરહદમાં મૂકવા જાય ને સામે અફઘાનિસ્તાનનું લશ્કર તેમને ઘૂસવા ના દે તો સરહદે જ યુધ્ધ ફાટી નિકળે. આ અફઘાનોમાં ઘણા બધા તો એવા છે કે જે તાલિબાન સામે લડતા હતા પણ તાલિબાનનું શાસન આવતાં ડરીને ભાગી આવેલા છે. મતલબ કે એ બધા આતંકવાદીઓથી કમ નથી. પાકિસ્તાન કહે છે તેમ તાલિબાનના માણસો મોટી સંખ્યામાં હોય તો એ પણ સરળતાથી ના નિકળે. તેમની સાથે બળજબરી કરાય તો હથિયારો ઉઠાવી લે એવું બને. એ સંજોગોમાં પાકિસ્તાનમાં જ યુધ્ધ છેડાઈ જાય એવું બને. પાકિસ્તાન પાસે ૯ લાખ સૈનિકોનું લશ્કર છે એ જોતાં આખું લશ્કર અફઘાનો સામે ઉતારી દેવું પડે. ટૂંકમાં પાકિસ્તાને ધમકી તો આપી દીધી પણ ધમકી આપીને પોતે જ ભેરવાઈ ગયું છે. 

પાકિસ્તાનની આ હાલત માટે પાકિસ્તાન જ જવાબદાર છે કેમ કે છેલ્લા ત્રણ-ચાર દાયકામાં પાકિસ્તાને જ દુનિયાભરના આતંકવાદીઓને આશ્રય આપીને પોષ્યા છે.  રશિયાએ અફઘાનિસ્તાનમાં લશ્કર મોકલ્યું પછી તે સામે લડવા દુનિયાભરના આતંકીઓ ઉતરી પડયા ત્યારે પાકિસ્તાન જ તેમનો અડ્ડો બનેલું. એ જ આતંકીઓ તાલિબાન પેદા કર્યા ને પાકિસ્તાનમાં તાલિબાની શાસન સ્થાપવાના મનસૂબા સેવતું પાકિસ્તાન તહરીક એ તાલિબાન (પીટીટી) પણ બનાવ્યું કે જેણે કાળો કર વર્તાવીને પાકિસ્તાનનાં લોકનું જીવવું હરામ કરી નાંખ્યું છે. 

પાકિસ્તાનને ખરેખર છૂટકારો પીટીટીના આતંકીઓથી જોઈએ છે પણ તેમનો ખાતમો કરવાની તાકાત નથી તેથી અફઘાનોને ટાર્ગેટ બનાવ્યા છે. જો કે તેમાં પણ પાકિસ્તાન ફાવવાનું નથી. બલ્કે પાકિસ્તાનની તકલીફો વધશે, હિંસા વધશે ને આતંકવાદ પણ વધશે. 

પાકિસ્તાની લુચ્ચાઈ, મદદ મળી ત્યાં સુધી શરણાર્થીઓને સાચવ્યા

અફઘાનિસ્તાનના નાગરિકોને ૧ નવેમ્બર, ૨૦૨૩ સુધીમાં પાકિસ્તાન છોડી જવાનું ફરમાન પાકિસ્તાનની નાલાયકી અને લુચ્ચાઈનો વધુ એક નાદાર નમૂનો છે. અમેરિકાએ નાઈન ઈલેવનના હુમલા પછી અફઘાનિસ્તાન પર આક્રમણ કરતાં અફઘાનિસ્તાનમાં અંધાધૂંધી અને અરાજકતા સર્જાઈ હતી. એ વખતે અફઘાનિસ્તાન છોડીને જઈ રહેલા લોકોને પાકિસ્તાને લીલા તોરણે આવકારેલા ને તેમને રાખ્યા હતા કેમ કે અમેરિકાનું દબાણ હતું.

અમેરિકાનું ટાર્ગેટ ઓસામા બિન લાદેન અને અલ કાયદા હતાં. તાલિબાન અલ કાયદાને મદદ કરતું હતું તેથી તેમને સત્તામાંથી ઉખાડી ફેંકવા અમેરિકાએ હુમલો કર્યો. આ હુમલાના કારણે અફઘાનિસ્તાનના નાગરિકોએ વેઠવું ના પડે એટલે અમેરિકાના કહેવાથી અફઘાનિસ્તાનથી આવતા લોકોને પાકિસ્તાને રાખ્યા હતા. તેમની નિરાશ્રિતો તરીકે નોંધણી કરી હતી અને તેમને મદદ કરવા માટે અમેરિકા પાસેથી જંગી રકમ પડાવી હતી. 

અમેરિકાનું લશ્કર અફઘાનિસ્તાનમાંથી ગયા વરસે વિદાય થયું ત્યાં સુધી પાકિસ્તાન આ મદદ લેતું હતું. નિરાશ્રિતોને નામે મુસ્લિમ રાષ્ટ્રો પાસેથી પણ પાકિસ્તાને નાણાં પડાવ્યાં પણ અમેરિકાની મદદ બંધ થઈ એટલે નિરાશ્રિતો બોજરૂપ લાગવા માંડયા તેથી પાકિસ્તાન તેમને તગેડી મૂકવા માગે છે. 

તાલિબાન પખ્તુનવાલાને પાકિસ્તાનથી અલગ કરવા માગે છે

પાકિસ્તાન વહીવટી રીતે બલુચિસ્તાન, પંજાબ, સિંધ અને ખૈબર પખ્તુનવાલા એમ ચાર પ્રાંતમાં વહેંચાયેલું છે. પશ્તુનવાલાને પખ્તુનવાલા પણ કહે છે. ઈસ્લામાબાદ અને પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદે સંખ્યાબંધ આદિવાસી વિસ્તારો ફેડરલ કેપિટલ ટેરિટરી એટલે કે કેન્દ્રશાસિત પ્રદેશો છે કે જેનો વહીવટ સીધો  ઈસ્લામાબાદથી થાય છે. ખૈબર પખ્તુનવાલામાં પશ્તુન પઠાણોની બહુમતી છે પણ  અફઘાનિસ્તાનથી આવેલા શરણાર્થીઓ પણ મોટી સંખ્યામાં છે. આ વિસ્તારમાં કબિલાઓ હોવાથી પાકિસ્તાની લશ્કર પણ જઈ શકતું નથી તેથી તાલિબાને અંદર ઘૂસીને વર્ચસ્વ જમાવ્યું છે. તાલિબાન ખૈબર પખ્તુનવાલાને પાકિસ્તાનથી અલગ કરીને અફઘાનિસ્તાનમાં ભેળવી દેવા માગે છે તેથી પાકિસ્તાન ભડક્યું છે. પાકિસ્તાન પોતાના લશ્કરને મોકલીને આદિવાસીઓને ખતમ કરી દેવા માગે છે પણ ફાવતું નથી તેથી અફઘાન નિરાશ્રિતો પર ખિજ કાઢી રહ્યું છે.

News-Focus

Google NewsGoogle News