અમેરિકાની ચૂંટણીની વિચિત્રતા, 2000માં ગોરથી ઓછા મત છતાં બુશ પ્રમુખ બનેલા
- ઉમેદવારને મળેલા વ્યક્તિગત મતને પોપ્યુલર મત કહેવાય છે. ગોરને બુશ કરતાં સાડા પાંચ લાખ મત વધારે મત મળેલા પણ ઈલેક્ટોરલ કોલેજની બલિહારી કે જ્યોર્જ બુશ વિજેતા જાહેર થયા હતા. બુશ અને ગોર વચ્ચેના કાનૂની જંગના કારણે વિજેતાની મતદાનના 36 દિવસ પછી જાહેરાત થઈ હતી. એક જ સ્ટેટમાં માત્ર 539 મત વધારે લઈ જનારા બુશ અમેરિકાના પ્રમુખ બની ગયા હતા. બુશના કાર્યકાળમાં જ ઓસામા બિન લાદેને નાઈન ઈલેવનનો હુમલો કરીને અમેરિકાને હચમચાવી દીધેલું. બુશે તેની સામે આકરું વલણ અપનાવીને અલ કાયદાના આશ્રયદાતા અફઘાનિસ્તાનને ખેદાનમેદાન કરી નાંખ્યું હતું. બુશના મર્દાના મિજાજ પર અમેરિકનો ફિદા થઈ ગયા તેમાં બુશ બીજી ટર્મ પણ જીતીને સળંગ 8 વર્ષ પ્રમુખપદે રહ્યા હતા.
અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી માટે મતદાન પતી ગયું છે અને આજે એટલે કે ૬ નવેમ્બરે મોટા ભાગે પરિણામ આવી જશે. અમેરિકાના પ્રમુખપદે ચાર વર્ષ માટે કમલા હેરિસ બેસશે કે ડોનાલ્ડ ટ્રમ્પ બેસશે તેની ખબર આજે સાંજ સુધીમાં પડી જશે. આ વખતે કમલા અને ટ્રમ્પ વચ્ચે ચાલેલા જોરદાર જંગના કારણે કોણ જીતશે એ કળવું મુશ્કેલ છે તેથી રાજકીય વિશ્લેષકો ૨૦૦૦ની ચૂંટણી જેવી સ્થિતી સર્જાઈ શકે એવી આગાહી કરી રહ્યા છે.
અમેરિકામાં ૨૦૦૦ની પ્રમુખપદની ચૂંટણી રીયલ થ્રીલર જેવી હતી. જ્યોર્જ બુશ વર્સીસ અલ ગોરના જંગમાં જે ચડાવઉતાર જોવા મળ્યા એવા ચડાવઉતાર કોઈ ચૂંટણીમાં જોવા નથી મળ્યા. આ ચૂંટણીમાં કુલ મતદાનમાં અલ ગોર જ્યોર્જ બુશથી વધારે મત મેળવવા છતાં હારી ગયા હતા ને એક સ્ટેટમાં માત્ર ૫૩૬ મત વધારે મેળવીને બુશ પ્રમુખ બની ગયેલા. ઈલેક્ટોરલ સિસ્ટમના કારણે એક સ્ટેટ આખું પરિણામ ફેરવી શકે છે તેનો અહેસાસ લોકોને ૨૦૦૦માં જ્યોર્જ બુશ પહેલી વાર પ્રમુખ બન્યા ત્યારે થયો હતો.
બુશ અને ગોર વચ્ચે કસોકસ સ્પર્ધામાં છેલ્લે ફ્લોરિડાના ઈલેક્ટોરલ મત કોને મળે તેના પર કોણ પ્રમુખ બનશે તેનો મદાર હતો. ફ્લોરિડામાં ૨૫ ઈલેક્ટોરલ વોટ હતા. ફ્લોરિડા સિવાયના સ્ટેટના મતોના આધારે અલ ગોર બહુ આગળ નિકળી ગયેલા.
ગોરને ૨૬૬ મત મળેલા જ્યારે બુશને ૨૪૬ મત મળેલા. અલ ગોરને જીતવા ચાર મતની જરૂર હતી. ફ્લોરિડામાં ગોરની સ્થિતી મજબૂત હતી તેથી બધાંએ માની લીધેલું કે ગોર જીતી જશે પણ પરિણામ કંઈક અલગ જ આવ્યું. ફ્લોરિડામાં મતગણતરી શરૂ થઈ પછી જે ચડસાચડસી જોવા મળી એ થ્રીલરને ટક્કર મારે એવી હતી. બુશ એક તબક્કે ગોર કરતાં ૧ લાખ મતથી આગળ નિકળી ગયેલા. પછી ગોરનાં બૂથ ખોલવા માંડયાં એટલે બુશની લીડ ઘટવા માંડી. છેવટે બુશ માત્ર ૩૦૦ મતે આગળ રહેલા. ફ્લોરિડા સ્ટેટની બહાર રહેતા સૈનિકોના મતોની ગણતરી કરાઈ પછી બુશની લીડ વધીને ૫૩૯ મત થઈ. બુશ વધારે મત મેળવીને સીધી રીતે વિજેતા થયેલા પણ આ લીડ બહુ ઓછી હતી તેથી ગોરએ રીકાઉન્ટ માંગ્યું.
ગોરએ આખા ફ્લોરિડાના મતોની ફરી ગણતરી કરવાની માગણી કરેલી. આ મામલો કોર્ટમાં પહોંચ્યો ને છેવટે બુશની તરફેણમાં ચુકાદો આવ્યો. આખા ફ્લોરિડાની મતગણતરી કરાવવાનો સુપ્રીમ કોર્ટે ઈન્કાર કરી દીધો. મતગણતરી અટકાવી દેવાઈ ત્યારે બુશ ગોર કરતાં આગળ હતા તેથી તેમને ફ્લોરિડાના ૨૫ ઈલેક્ટોરલ મત મળી ગયા ને તેમના મત ૨૭૧ થઈ ગયા. બહુમતી માટે જરૂરી ૨૭૦ મત કરતાં માત્ર એક મત વધારે મેળવીને બુશ પ્રમુખ બની ગયા હતા. ઉમેદવારને મળેલા વ્યક્તિગત મતને પોપ્યુલર મતો કહેવાય છે. આખા અમેરિકામાં બંને ઉમેદવારને મળેલા કુલ મતોનો સરવાળો કરો તો અલ ગોરને બુશ કરતાં લગભગ સાડા પાંચ લાખ મત વધારે મત મળેલા પણ ઈલેક્ટોરલ કોલેજની બલિહારી કે જ્યોર્જ બુશ વિજેતા જાહેર થયા હતા.
બુશ અને અલ ગોર વચ્ચે ચાલેલા જોરદાર કાનૂની જંગના કારણે અમેરિકાના પ્રમુખની ચૂંટણીના વિજેતાની મતદાનના ૩૬ દિવસ પછી જાહેરાત થઈ હતી. માત્ર ૫૩૯ મત વધારે લઈ જનારા બુશ અમેરિકાના પ્રમુખ બની ગયા હતા. બુશના કાર્યકાળમાં જ ઓસામા બિન લાદેને નાઈન ઈલેવનનો હુમલો કરીને અમેરિકાને હચમચાવી દીધેલું. બુશે તેની સામે આકરું વલણ અપનાવીને અલ કાયદાના આશ્રયદાતા અફઘાનિસ્તાનને ખેદાનમેદાન કરી નાંખ્યું હતું. બુશના મર્દાના મિજાજ પર અમેરિકનો ફિદા થઈ ગયા તેમાં બુશ બીજી ટર્મ પણ જીતીને સળંગ ૮ વર્ષ પ્રમુખપદે રહ્યા હતા. બીજી તરફ અમેરિકાના પ્રમુખ બનવાના પ્રબળ દાવેદાર મનાતા અલ ગોર માત્ર ૫૩૯ મત ઓછા મળ્યા તેમાં ક્યાં ખોવાઈ ગયા તેની પણ કોઈને ખબર નથી.
જ્યોર્જ બુશ તો ૨૦૦૪માં ફરી પ્રમુખપદે ચૂંટાયા ત્યારે પણ વિવાદ થયેલો. જ્યોર્જ બુશ ૨૦૦૪માં બીજી વાર પ્રમુખપદે ચૂંટાયા પછી તેમની જીત સામે ડેમોક્રેટિક પાર્ટીએ વાંધો લીધો હતો.. બુશને પ્રમુખપદે ચૂંટી કાઢવા કોંગ્રેસની બેઠક મળી ત્યારે રીપબ્લિકન પાર્ટીનાં સ્ટીફની ટયુબ્સ જોન્સ અને સેનેટર બાર્બરા બોક્સરે લેખિતમાં ઓહાયોના મતદાન સામે વાંધો ઉઠાવેલો. આ વાંધાને માન્ય રાખીને ચર્ચા થઈ પછી મતદાન કરાવાયું તેમાં આ વાંધા ઉડી ગયેલા પણ બે સભ્યોના વાંધાના કારણે પણ બે કલાક લગી ચર્ચા કરાઈ હતી. 'ડૂબ્યા' તરીકે ઓળખાતા બુશ નસીબના બળિયા હતા કે, બંને વાર તરી ગયા હતા.
અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં એક રસપ્રદ વાત એ છે કે, અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખના નામની જાહેરાત વાઈસ પ્રેસિડેન્ટ પોતે કરે છે કેમ કે અમેરિકાની કોંગ્રેસ એટલે કે સંસદના ચેરપર્સન વાઈસ પ્રેસિડેન્ટ ગણાય છે. ૨૦૨૦માં ડોનાલ્ડ ટ્રમ્પના રનિંગ મેટ તત્કાલિન વાઈસ પ્રેસિડેન્ટ માઈક પેન્સ હતા પણ ટ્રમ્પ હારી જતાં પેન્સ પણ હારી ગયેલા. પેન્સે પોતાની હાર અને બાઈડનની જીતની જાહેરાત સંસદમાં કરવી પડેલી.
પેન્સ જેવી સ્થિતીમાં ભૂતકાળમાં ઘણા વાઈસ પ્રેસિડેન્ટ મૂકાયા છે. બરાક ઓબામા પ્રેસિડેન્ટ હતા ત્યારે બાઈડન વાઈસ પ્રેસિડેન્ટ હતા. ૨૦૧૬માં ડેમોક્રેટિક પાર્ટીએ હિલેરી ક્લિન્ટનને ઉમેદવાર બનાવ્યાં પછી હિલેરીએ રનિંગ મેટ તરીકે બાઈડનને પસંદ કરેલા પણ ટ્રમ્પ જીતી જતાં પોતાની હારની જાહેરાત બાઈડને પોતે કરેલી.
૨૦૦૧માં અલ ગોર તો અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટ પણ હતા ને ૨૦૦૦ની ચૂંટણીમાં પ્રમુખપદના ઉમેદવાર પણ હતા. જ્યોર્જ ડબલ્યુ બુશ સામે હારના પગલે અલ ગોરએ પોતે કોંગ્રેસના ચેરપર્સન તરીકે પોતાના હરીફ બુશને વિજેતા અને પોતાને પરાજિત જાહેર કરવા પડેલા.
આ વખતે કમલા હેરિસ પણ એ જ સ્થિતીમાં છે. કમલા હેરિસ વાઈસ પ્રેસિડેન્ટ પણ છે અને પ્રમુખપદનાં ઉમેદવાર પણ છે. કમલા પોતાની જીતની જાહેરાત કરે છે કે પછી હારની જાહેરાત કરવી પડે છે એ જોઈએ.
બુધવાર સાંજ સુધીમાં અમેરિકાના નવા પ્રમુખ કોણ તેની ખબર પડી જશે
અમેરિકામાં સામાન્ય રીતે પ્રમુખપદની ચૂંટણીના વિજેતાની જાહેરાત ચૂંટણીની રાત્રે જ કરી દેવામાં આવે છે.
દરેક વખતે ચૂંટણી નવેમ્બરના પહેલા સોમવાર પછીના મંગળવારે યોજાય છે તેથી દરેક વખતે તારીખ અલગ અલગ હોય છે. ૨૦૨૦માં ૩ નવેમ્બરે ચૂંટણી થયેલી પણ ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બિડેન વચ્ચે રસાકસીનો જંગ હતો તેથી ૨૦૨૦માં વિજેતા જાહેર કરવામાં ૪ દિવસ લાગ્યા હતા. એ પહેલાં તમામ મતોની ગણતરી કરવી પડેલી ને તેમાં ૪ દિવસો લાગ્યા હતા તેથી ૭ નવેમ્બરે પ્રમુખપદે કોણ જીત્યું હતંક તેની જાહેરાત થઈ હતી.
આ વખતે ૫ નવેમ્બરે મતદાન છે તેથી મતદાન પતતાં જ મતગણતરી શરૂ થઈ જશે અને મોટા ભાગે અમેરિકાના સમય પ્રમાણે ૫ નવેમ્બરની રાત્રે પ્રમુખપદે કોણ જીત્યું તેની ખબર પડી જશે.
ભારત અમેરિકા કરતાં ૧૨ કલાક આગળ હોવાથી અમેરિકામાં ૫ નવેમ્બરનો દિવસ હશે ત્યારે ભારતમાં ૫ નવેમ્બરની રાત હશે. અમેરિકામાં ૫ નવેમ્બરની રાત હશે ત્યારે ભારતમાં ૬ નવેમ્બર થઈ ગઈ હશે તેથી ૬ નવેમ્બર ને બુધવાર બપોર સુધીમાં કે પછી મોડામાં મોડા બુધવારની સાંજ સુધીમાં અમેરિકાના પ્રમુખની ચૂંટણીમાં કોણ જીત્યું તેની ખબર પડી જશે. ચૂંટણીમાં કોણ વિજેતા બન્યું તેની ખબર તરત પડી જાય છે પણ અંતિમ પરિણામ તૈયાર કરવામાં કેટલાક મહિના નિકળી જાય છે. અમેરિકામાં સંસદ અને સ્ટેટની ચૂંટણી પણ સાથે હોવાથી અઠવાડિયા સુધી મતગણતરી ચાલ્યા કરે છે.
7 સ્વિંગ સ્ટેટ અમેરિકાના નવા પ્રમુખ નક્કી કરશે
અમેરિકામાં મીડિયા રિપબ્લિકન પાર્ટીને લાલ રંગમાં અને ડેમોક્રેટિક પાર્ટીને વાદળી રંગમાં દર્શાવે છે. ૨૦૦૦ની ચૂંટણીમાં જ્યોર્જ ડબલ્યુ બુશ અને અલ ગોરનો જંગ દિવસો લગી ચાલ્યો ત્યારે મીડિયાએ બે મુખ્ય પાર્ટી માટે આ બે રંગો વાપર્યા ને હવે એ બંનેની ઓળખ બની ગયા છે.
અમેરિકામાં કેટલાંક સ્ટેટ પરંપરાગત રીતે બ્લુ એટલે ડેમોક્રેટિક પાર્ટીના ગઢ છે જ્યારે કેટલાંક સ્ટેટ રેડ એટલે કે રીપબ્લિકન પાર્ટીના ગઢ છે પણ કેટલાંક સ્ટેટ પર્પલ સ્ટેટ્સ ગણાય છે કેમ કે ત્યાં કોઈનું વર્ચસ્વ નથી હોતું ને ગમે તેની તરફ ઢળી શકે છે. સ્વિંગ સ્ટેટ્સ તરીકે ઓળખાતાં સ્ટેટ દરેક ચૂંટણીમાં બદલાય છે. આ વખતે વિસ્કોન્સિન, મિશિગન, પેન્સિલ્વાનિયા, નેવાડા, એરિઝોના, જ્યોર્જિયા અને નોર્થ કેરોલિના એ ૭ સ્વિંગ સ્ટેટ છે કે જેમાં કુલ ૯૩ ઈલેક્ટોરલ વોટ છે. સ્વિંગ સ્ટેટમાં પેન્સિલવેનિયા ૧૯ ઈલેક્ટોરલ વોટ સાથે સૌથી મોટું સ્ટેટ છે જ્યારે નેવાડા ૬ ઈલેક્ટોરલ વોટ સાથે સૌથી ઓછા ઈલેક્ટોરલ વોટ ધરાવે છે. આ ૭ રાજ્યોમાં જે મેદાન મારશે એ અમેરિકાના પ્રમુખપદે બેસશે એવું મનાય છે.