Get The App

એપસ્ટેઈન ફાઈલ્સનો ધડાકો, અમેરિકાનાં મોટાં માથાંની વિકૃતિનો પર્દાફાશ

Updated: Jan 6th, 2024


Google NewsGoogle News
એપસ્ટેઈન ફાઈલ્સનો ધડાકો, અમેરિકાનાં મોટાં માથાંની વિકૃતિનો પર્દાફાશ 1 - image


- અમેરિકામાં સગીર વયની છોકરીઓને મોટા માથાઓની હવસ સંતોષવા માટે વેશ્યાવૃત્તિમાં ધકેલનારો વિકૃત જેફરી એપેસ્ટેઇનના કારણે ખળભળાટ મચ્યો

- એપસ્ટેઈન પોતે સગીર છોકરીઓ સાથે શારીરિક સંબધો બાંધતો અને તેમને અમેરિકાના ટોચના લોકોની હવસ સંતોષવા મોકલતો હતો. એપસ્ટેઈનના પાપમાં અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખો બિલ ક્લિન્ટન અને ડોનાલ્ડ ટ્રમ્પ, પોપ સિંગર માઈકલ જેક્સન, મહાન વિજ્ઞાાની સ્ટીફન હોપકિન્સ, બ્રિટનના રાજા કિંગ ચાર્લ્સના નાના ભાઈ પ્રિન્સ એન્ડ્રુ, જાદુગર ડેવિડ કોપરફિલ્ડ સહિતના લોકો સામેલ હતા. એપસ્ટેઈનની 'સર્વિસ'નો લગભગ 150 જેટલી ટોચની હસ્તીઓએ લાભ લીધો હોવાનો રીપોર્ટમાં દાવો કરાયો છે એ જોતાં હજુ કેવા કેવા ધુરંધરોનાં કપડાં ઉતરશે તેના પર સૌની નજર છે.

અમેરિકામાં સગીર વયની છોકરીઓને મોટાં માથાંની હવસ સંતોષવા માટે વેશ્યાવૃત્તિમાં ધકેલનારો વિકૃત જેફરી એપસ્ટેઈન પાછો ચર્ચામાં છે, બલ્કે તેના કારણે ખળભળાટ મચ્યો છે એવું કહી શકાય. ન્યુ યોર્કની કોર્ટમાં એપસ્ટેઈન સામેની તપાસને લગતા દસ્તાવેજો રજૂ કરાયા છે. આ દસ્તાવેજો પ્રમાણે એપસ્ટેઈનના પાપમાં અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખો બિલ ક્લિન્ટન અને ડોનાલ્ડ ટ્રમ્પ, પોપ સિંગર માઈકલ જેક્સન, મહાન વિજ્ઞાાની સ્ટીફન હોપકિન્સ, બ્રિટનના રાજા કિંગ ચાર્લ્સના નાના ભાઈ પ્રિન્સ એન્ડ્રુ, જાદુગર ડેવિડ કોપરફિલ્ડ સહિતના લોકો સામેલ હતા. 

ન્યુ યોર્કની કોર્ટમાં હજુ તો દસ્તાવેજોનો પહેલો સેટ જ ખોલાયો છે તેથી જેમ જેમ દસ્તાવેજો ખૂલતા જશે તેમ તેમ નામો બહાર આવતાં જશે. એપસ્ટેઈનની 'સર્વિસ'નો લગભગ ૧૫૦ જેટલી ટોચની હસ્તીઓએ લાભ લીધો હોવાનો રીપોર્ટમાં દાવો કરાયો છે એ જોતાં હજુ કેવા કેવા ધુરંધરોનાં કપડાં ઉતરશે તેના પર સૌની નજર છે. 

એપસ્ટેઈન સામેની તપાસમાં લીધેલી જુબાનીઓ, ઈ-મેલ તથા બીજા પુરાવાના આધારે પોલીસે કોર્ટમાં રીપોર્ટ આપ્યો ત્યારે આ કહેવાતાં મોટાં માથાં માટે સ્યુડો નામોનો ઉપયોગ કરેલો. આ રીપોર્ટના આધારે એપસ્ટેઈનની ગર્લફ્રેન્ડ અને તેના પાપમાં ભાગીદાર ઘિલસેઈન મેક્સવેલને ૨૦ વર્ષની સજા થયેલી. આ કહેવાતાં મોટાં માથાં  પોતાનાં નામ જાહેર નહી કરવા કોર્ટમાં ગયેલાં પણ કોર્ટે તેમને ધૂત્કારીને તગેડી મૂકેલા. ગયા મહિને પંદર દાડામાં સીલબંધ રીપોર્ટ ખોલીને નામો જાહેર કરવા ફરમાન કર્યું તેના પગલે આ નામો જાહેર થઈ રહ્યાં છે. 

અમેરિકામાં 'એપસ્ટેઈન ફાઈલ્સ' તરીકે જાણીતા આ દસ્તાવેજોએ લોકોને આઘાતમાં ગરકાવ કરી દીધા છે કેમ કે આ દસ્તાવેજો અમેરિકા જ નહીં પણ દુનિયાના ઘણાં મોટા માથાંનો અસલી વિકૃત ચહેરો લોકો સામે છતો કરે છે. આ ધુરંધરોએ હાઈસ્કૂલમાં ભણતી છોકરીઓ સાથે કેવી કેવી વિકૃતિઓ આચરેલી તેની વિગતો આપણાથી લખી શકાય તેમ નથી પણ ઘણાં મીડિયામાં તેની વિગતો આવી પણ છે તેથી લોકો હતપ્રભ છે. અબજોમાં આળોટતા આ લોકો ૧૪-૧૫ વર્ષની છોકરીઓ સાથે શરીર સંબંધ બાંધીને તેમની જીંદગી બરબાદ કરતાં જરા પણ વિચાર કરતા નહોતા. લોકો જેમને મોટા માને છે એ કેવી વિકૃત માનસિકતા ધરાવે છે એ આ દસ્તાવેજોએ ઉઘાડું પાડી દીધું છે.

એપસ્ટેઈન પોતે અબજોપતિ હતો પણ મહાવિકૃત હતો.  એપસ્ટેઈન પોતે સગીર છોકરીઓ સાથે શારીરિક સંબધો બાંધતો અને તેમને અમેરિકાના ટોચના લોકોની હવસ સંતોષવા મોકલતો હતો. આ છોકરીઓને વેશ્યાવૃત્તિમાં ધકેલીને તેમની પાસે દેહવિક્રિય કરાવતો હતો. ન્યુ યોર્ક સિટી, ફ્લોરિડા, વર્જિન આઈલેન્ડ્સ, ન્યુ મેક્સિકોમાં આવેલાં પોતાનાં મહેલ જેવાં ઘરોમાં લેવિશ પાર્ટીઓ આપતો. આ પાર્ટીઓમાં દુનિયાભરથી સેલિબ્રિટીઝ આવતી હતી. અમેરિકાના ટોચના રાજકારણીઓ, અધિકારીઓ વગેરે તો નિયમિત રીતે આવતા હતા. ૧૨-૧૪ વર્ષની છોકરીઓને તેમની પાસે મોકલીને એપસ્ટેઈન તેમને ખુશ કરતો. એપસ્ટેઈનની ગર્લફ્રેન્ડ ઘિલસેઈન તેને આ મહાપાતકમાં મદદ કરતી. 

એપસ્ટેઈન વરસોથી આ ધંધો કરતો ને સેંકડો છોકરીઓને હવસનો શિકાર બનાવી હતી પણ ધનિક હોવાથી કોઈને ખબર નહોતી.  ૨૦૦૮માં એ પહેલી વાર પકડાયો ત્યારે લોકોને તેનો અસલી ચહેકો દેખાયો. જો કે એ વખતે પણ એપસ્ટેઈન પોતાની વગનો ઉપયોગ કરીને આસાનીથી છૂટી ગયેલો. એપસ્ટેઈને બહુ બધા પાવરફુલ લોકોને ખુશ રાખેલા તેથી માત્ર ૧૩ મહિના જેલમાં રહ્યા પછી એ બહાર આવી ગયેલો. 

એપસ્ટેઈને જેલમાંથી બહાર આવ્યા પછી પાછો એ ધંધો શરૂ કર્યો. કાયદો તેનું કશું બગાડી શક્યો નહોતો તેથી છાટકા થયેલા એપસ્ટેઈને ફરી પાર્ટીઓ કરવા માંડી. એપસ્ટેઈનને ૨૦૦૮માં જેલમાં ધકેલાયો ત્યારે તેનો શિકાર બનેલી કેટલીક છોકરીઓ તેની સામે પડવાની હિંમત બતાવેલી પણ એપસ્ટેઈનને કશું ના થતાં એ હતાશ હતી. એ વખતે શેરોન ચર્ચર નામની પત્રકાર તેમની મદદે આવી. બીજી છોકરીઓ તો તૈયાર ના થઈ પણ વર્જિનિયા ગ્વાફરેએ શેરોનને પોતાની આપવિતી કહી. ચર્ચરે વર્જિનિયાને બીજી છોકરીઓનાં નામ આપ્યાં ને તેના આધારે ચર્ચર એક પછી એક છોકરીઓ સુધી પહોંચી. 

ચર્ચર ઈન્વેસ્ટિગેશન કરતી હતી ત્યારે પણ એપસ્ટેઈને તેને રોકવા બહુ ધમપછાડા કરેલા. બિલ ક્લિન્ટને પોતે અમેરિકાના જાણીતા મેગેઝિન વેનિટી ફેરની ઓફિસમાં જઈને એપસ્ટેઈન સામે સ્ટોરી નહીં કરવા કહેલું ને સ્ટોરી છપાય તો પતાવી દેવા ધમકી આપેલી એવો આક્ષેપ વર્જિનિયાએ કરેલો. બીજા પત્રકારોને પણ ધમકીઓ મળેલી પણ મીડિયાએ આ બધાથી ડર્યા વિના એપસ્ટેઈનની ગર્લફ્રેન્ડ ઘિલસેઈન મેક્સવેલે વર્જિનિયા સામે ગંદા આક્ષેપો કરેલા. વર્જિનિયાએ તેની સામે ૨૦૧૫માં બદનક્ષીનો કેસ કરી દીધો ને તેમાં એપસ્ટેઈનની પોલ ખૂલી ગઈ. 

એપસ્ટેઈનને બીજી વાર ૨૦૧૯માં જેલભેગો કરાયો ત્યારે તેનાં કરતૂતોના મજબૂત પુરાવા પણ રજૂ કરાયેલા તેથી એપસ્ટેઈન છટકી શકે તેમ નહોતો તેથી તેણે જેલમાં જ આપઘાત કરી લીધો. ઘિલસેઈન બેશરમ નિકળી તેથી દોષિત ઠર્યા પછી જેલમાં દિવસો કાઢે છે. 

એપસ્ટેઈન ફાઈલ્સમાં જેમનો ઉલ્લેખ છે એ લોકો સામે કોઈ આરોપો મૂકાયા નથી પણ તેમનો માત્ર ઉલ્લેખ છે. આ કારણે એપસ્ટેઈનના સાથીઓને તેના પાપમાં ભાગીદાર હોવા છતાં કોઈ સજા નહીં થાય એ કમનસીબી કહેવાય. થોડા દિવસોની બદનામી પછી લોકો એપસ્ટેઈનને ભૂલી ગયા એ રીતે તેમનાં પાપ પણ ભૂલાઈ જશે. 

એપસ્ટેઈને 36 સગીર છોકરીઓને હવસનો શિકાર બનાવેલી

સગીર વયની છોકરીઓ સાથે સંબંધો બાંધવા માટે દોષિત ઠરેલા અમેરિકન અબજોપતિ જેફરી એપસ્ટેઈન સામે પહેલી ફરિયાદ ૨૦૦૫માં થઈ હતી. ફ્લોરિડાના પામ બીચમાં એક વાલીએ પોલીસમાં ફરિયાદ કરી હતી કે, એપસ્ટેઈને તેની ૧૪ વર્ષની છોકરી સાથે શરીર સંબંધ બાંધીને તેનું જાતિય શોષણ કર્યું હતું. પોલીસે આ કેસમાં  તપાસ શરૂ કરી પછી એપસ્ટેઈનનાં કરતૂતોની જે વિગતો બહાર આવી તે સાંભળીને આખું અમેરિકા આઘાતમાં ગરકાવ થઈ ગયું હતું.

એપસ્ટેઈને ૩૬ સગીર છોકરીઓને તેની હવસનો શિકાર બનાવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવેલું. પોલીસનું માનવું હતું કે, વાસ્તવિક રીતે આ આંકડો બહુ વધારે હોઈ શકે કેમ કે ભોગ બનેલી તમામ છોકરીઓનો સંપર્ક કરી શકાયો નહોતો. 

એપસ્ટેઈનને આકરી સજા કરવાની માગ ઉઠેલી પણ એપસ્ટેઈનના પાપમાં ભાગીદાર  વગદાર લોકોએ તેને મદદ કરતાં માત્ર ૧૩ મહિનાની જ સજા થઈ હતી. ફ્લોરિડા પોલીસે એપસ્ટેઈન તપાસમાં મદદ કરે તેના બદલામાં તેને ઓછી સજા થાય એ માટે કરેલ પ્લીયા ડીલ સામે સમગ્ર અમેરિકામાં આક્રોશ ફાટી નિકળ્યો હતો. આ આક્રોશ છતાં એપસ્ટેઈન છટકી ગયેલો.  ફ્લોરિડા સ્ટેટ કોર્ટે ૨૦૦૮માં એપસ્ટેઈનને દોષિત ઠેરવ્યો તેના વરસ પછી એ જેલની બહાર આવી ગયેલો. ૨૦૧૯માં એપસ્ટેઈનની ફરી ધરપકડ કરાઈ ત્યારે તેની સામે સગીર છોકરીઓના સેક્સ ટ્રાફિકિંગનો ગંભીર આરોપ મૂકાયેલો. એપસ્ટેઈન સામેનો કેસ ચાલે એ પહેલાં ૧૦ ઓગસ્ટ, ૨૦૧૯ના રોજ એ ગુજરી ગયો પછી ૨૯ ઓગસ્ટે જજે તેની સામેના તમામ આરોપો રદ કરી દીધા હતા. 

બ્રિટિશ અબજોપતિની દીકરીએ એપસ્ટેઈનને સગીર છોકરીઓને ફસાવવામાં મદદ કરી

એપસ્ટેઈનને સેક્સ અને વેશ્યાવૃત્તિ માટે સગીર છોકરીઓ પૂરી પાડવા બદલ બ્રિટનની ઘિસલેઈન મેક્સવેલને ૨૦ વર્ષની સજા થઈ છે. ન્યુ યોર્કની કોર્ટે ૨૦૨૨ના જૂનમાં મેક્સવેલને દોષિત ઠેરવી હતી. મેક્સવેલ બ્રિટનના મીડિયા મોગલ રોબર્ટ મેક્સવેલની દીકરી હતી ને અત્યારે જેલમાં બંધ છે. યુકેના ટોચના અખબાર જૂથ મિરર ગ્રુપના માલિક રોબર્ટ મેક્સવેલની દીકરી એક જમાનામાં બ્રિટનનાં સોશિયાલિટ તરીતે જાણીતી હતી. બ્રિટનના અખબારોમં પેજ થ્રી પર તેની તસવીરો છપાતી રહેતી. 

રોબર્ટ મેક્સવેલના પાછલા દિવસો બદનામીમાં ગુજરેલા. મેક્સવેલે ૫૦ કરોડ પાઉન્ડની લોન નહોતી ભરી તેથી આર્થિક રીતે તંગીમાં હતા. ૧૯૯૧માં એટલાન્ટિક મહાસાગરમાંથી મેક્સવેલની નગ્નાવસ્થામાં લાશ મળી પછી મેક્સવેલ પરિવાર પર સૌ થૂ થૂ કરતાં હતાં. તેનાથી ભાગવા માટે ૩૦ વર્ષની ઘિસલેઈન ન્યુ યોર્ક આવી ગઈ અને એપસ્ટેઈનના સંપર્કમાં આવી. બંને વચ્ચે બહુ જલદી સંબંધો બંધાયા કે જે આજીવન રહ્યા. 

એપસ્ટેઈનની ૨૦૧૯માં ધરપકડ કરાઈ ત્યારે ચાલી રહેલી તપાસમાં તેનું નામ બહાર આવતાં ૨૦૨૦ના જુલાઈમાં તેની ધરપકડ કરાયેલી.  ઘિસલેઈને એપસ્ટેઈન સામેના કેસમાં ખોટી જુબાની આપેલી તેથી તેનો પણ કેસ ચાલ્યો. સગીર છોકરીઓને પરિવારથી અલગ કરીને વેશ્યાવૃત્તિમાં ધકેલવાના આરોપમાં ઘિસલેઈ દોષિત ઠરી પછી ફ્લોરિડાની તાલ્લાહાસ્સીની જેલમાં હવા ખાય છે.

News-Focus

Google NewsGoogle News