બે લાખ ગુજરાતીઓને પાછા ધકેલાશે : ડીપોર્ટેશનનો ખેલ
- અમેરિકાના લોકોને નોકરી પર રાખો તો કાયદા પ્રમાણે તગડા પૈસા ચૂકવવા પડે, જે કામ ગેરકાયદે રહેતા લોકો કરે તેમાં નિશ્ચિત દર કરતાં ઓછા ચૂકવવા પડે
- અમેરિકાની સરકારના આંકડા પ્રમાણે, 2024ના એપ્રિલ સુધીમાં કુલ મળીને 1.33 કરોડ લોકો અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતાં હતાં. 1.33 કરોડ લોકોને પાછાં મોકલવામાં ઓછામાં ઓછાં 10 વર્ષ લાગે, 10 વર્ષમાં કુલ ખર્ચ 968 અબજ ડોલર થાય. ૨૦૨૪ના એપ્રિલ પછી અત્યાર સુધીમાં બીજાં 7 લાખ લોકો ઘૂસ્યા હોવાનો અંદાજ મૂકીએ ને તેમને પણ પાછાં મોકલવાનો ખર્ચ અડસટ્ટે 32 અબજ ડોલર મૂકીએ તો અમેરિકાને 1000 અબજ ડોલર (લગભગ 87 લાખ કરોડ રૂપિયા)નો ચાંલ્લો થઈ જાય. ટ્રમ્પ પોતાની ખંજવાળ મટાડવા હજાર અબજ ડોલરનો ધુમાડો કરી નાંખે ને અમેરિકાની સંસદ ચૂપચાપ તમાશો જોયા કરે એ શક્ય નથી. અમેરિકામાં સરકાર દ્વારા કરાતો કોઈ પણ ખર્ચ સંસદ પાસે મંજૂર કરાવવો પડે છે એ જોતાં બહુ જલદી અમેરિકાની સંસદ જ ટ્રમ્પના તમાશા પર બ્રેક મારી દેશે.
ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખ બનતાં જ અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશીઓને તગેડવાનો કાર્યક્રમ શરૂ કરી દીધો તેમાં ભારતીયોનો વારો પણ પડી ગયો છે. અમેરિકાએ સોમવારે ટેક્સાસથી યુએસ આર્મીના પ્લેનમાં પાર્સલ કરેલા ૨૦૫ ભારતીયોએ બુધવારે અમૃતસર એરપોર્ટ પર પધરામણી કરી એ સાથે જ અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયોની ઘરવાપસીનો સિલસિલો શરૂ થઈ ગયો છે.
અમેરિકામાં કુલ ૧.૩૦ કરોડ લોકો ગેરકાયદેસર રીતે રહે છે અને તેમાં સવા સાત લાખ ભારતીયો છે. આ સત્તાવાર રીતે અપાયેલો આંકડો છે. રાજ્યસભાના સાંસદ રાજીવ શુકલાએ બુધવારે કરેલી ટ્વિટ પ્રમાણે, સંસદની વિદેશી બાબતોની કમિટીમાં સરકારે આપેલી માહિતી પ્રમાણે અમેરિકા તમામ સવા સાત લાખ ભારતીયોને પાછા ધકેલવાનું છે. આ સવા સાત લાખ ભારતીયોમાં ક્યા રાજ્યના કેટલા છે તેની વિગતો સરકારે આપી નથી પણ ૨૫ ટકાથી વધારે એટલે કે લગભગ ૨ લાખ લોકો ગુજરાતીઓ હોવાનું કહેવાય છે.
રાજીવ શુકલાએ બહુ મહત્વની વાત કરી છે કે, આ લાખો લોકો વીસ વર્ષથી વધારે સમયથી અમેરિકામાં રહે છે અને સારી કમાણી કરીને જીવે છે. ભારતમાં તેમનું કશું બચ્યું જ નથી ત્યારે એ લોકો ભારત આવીને શું કરશે ? આ લોકો બિચારા રાતોરાત ગરીબ થઈ ગયા.
શુકલાનો સવાલ એકદમ વ્યાજબી છે તેથી ઘણાંને ચિતા થઈ ગઈ પણ એટલી ચિંતા કરવાની જરૂર નથી કેમ કે ટ્રમ્પનું આ નાટક લાંબું ચાલવાનું નથી. શુકલા કહે છે એ રીતે અત્યારે પણ તમામ સવા સાત લાખ ભારતીયો રાતોરાત ગરીબ નથી થઈ ગયા કેમ કે અમેરિકાએ બધાંને રાતોરાત પાછા ધકેલી નથી દીધા. હજુ પહેલી ખેપ આવી છે અને ૨૦૫ લોકો જ આવ્યા છે. અમેરિકા બસ્સો-બસ્સો લોકોને પાછા મોકલે તો પણ સવા સાત લાખ લોકોને પાછા ભારત ધકેલવા માટે ૩૬૨૫ ખેપ મારવી પડે. એક પણ દિવસ પાડયા વિના રોજ જ અમેરિકા ભારતીયોને ધકેલ્યા કરે તો પણ સવા સાત લાખ લોકોને પાછા મોકલતાં ૧૦ વર્ષ લાગે. ટ્રમ્પ ૧૦ વર્ષ સત્તામાં રહેવાના નથી કેમ કે તેમની આ બીજી ટર્મ છે. અમેરિકાના બંધારણ પ્રમાણે, કોઈ પણ વ્યક્તિ વધુમાં વધુ બે ટર્મ માટે પ્રમુખપદે રહી શકે છે એ જોતાં ચાર વર્ષ પછી ટ્રમ્પ વિદાય થઈ જશેટ ટ્રમ્પના બદલે આવનારા નવા પ્રમુખ ટ્રમ્પ જેવો સનકી હોય એ જરૂરી નથી.
ટ્રમ્પ પણ નવા નવા પ્રમુખ બન્યા છે એટલે પ્રચાર દરમિયાન પોતે આપેલાં વચનો પૂરાં કરવાની ધૂન માથે સવાર છે તેમાં આ ખેલ માંડીને બેસી ગયા છે પણ આ ખેલ લાંબો નહીં ચલાવી શકે. અમેરિકાના રાજકીય વિશ્લેષકો માને છે કે, ટ્રમ્પ મહિનામાં ને બે મહિનામાં તો હાંફી જવાના ને ઓપરેશન ડીપોર્ટેશનનાં પાટિયાં પડી જવાનાં. વિશ્લેષકો તેના માટે બે કારમોને જવાબદાર માને છે. પહેલું કારણ, ઓપરેશન ડીપોર્ટેશનના કારણે અમેરિકા પર પડનારો આર્થિક બોજ છે. બીજું કારણ ગેરકાયદેસર રીતે રીતે વિદેશીઓને પાછા ધકેલી દેવાથી અમેરિકામાં ઉભી થનારી કામદારોની અછત છે.
અમેરિકાની સરકારના આંકડા પ્રમાણે, ૨૦૨૨ના અંત સુધીમાં અમેરિકામાં ૧.૧૦ કરોડ લોકો ગેરકાયદેસર રીતે રહેતા હતા. જેમના વિઝા પતી ગયા હોય અને ઓવરસ્ટે કર્યો હોય એવાં લોકોના આ યાદીમાં સમાવેશ નથી કરાતો. ગેરકાયદેસર રહેનારાં લોકોનો મતલબ જેમની પાસે અમેરિકામાં પ્રવેશવાના કોઈ સત્તાવાર દસ્તાવેજ નથી એવા લોકો થાય છે.
યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સીક્યુરિટીના આંકડા પ્રમાણે, ૨૦૨૩ના જાન્યુઆરીથી ૨૦૨૪ના એપ્રિલ સુધીમાં બીજાં ૨૩ લાખ લોકો દક્ષિણની સરહદેથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસ્યાં છે. આમ ૨૦૨૪ના એપ્રિલ સુધીમાં કુલ મળીને ૧.૩૩ કરોડ લોકો અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતાં હતાં.
આ લોકોને પાછાં પોતાના દેશમાં મોકલવાનો ખર્ચ દર વરસે ૮૮ અબજ ડોલર (લગભગ ૭.૭૦ લાખ રૂપિયા કરોડ) છે. ૧.૩૩ કરોડ લોકોને પાછાં મોકલવામાં ઓછામાં ઓછાં ૧૦ વર્ષ લાગે, ફુગાવો ને બીજી ગણતરી કરો તો ૧૦ વર્ષમાં કુલ ખર્ચ ૯૬૮ અબજ ડોલર થાય. ૨૦૨૪ના એપ્રિલ પછી અત્યાર સુધીમાં બીજાં ૭ લાખ લોકો ઘૂસ્યા હોવાનો અંદાજ મૂકીએ ને તેમને પણ પાછાં મોકલવાનો ખર્ચ અડસટ્ટે ૩૨ અબજ ડોલર મૂકીએ તો અમેરિકાને ૧૦૦૦ અબજ ડોલર (લગભગ ૮૭ લાખ કરોડ રૂપિયા)નો ચાંલ્લો થઈ જાય.
ટ્રમ્પ તો ગેરકાયદેસર રહેનારાંને જેલમાં ધકેલવાની ધમકીઓ આપે છે. જેલમાં પણ તેમનો ખર્ચ સરકારે જ ઉઠાવવો પડે. જેલમાં તેમને સાચવવાનો ખર્ચ પણ ગણો તો આંકડો ક્યાંય પહોંચે. ટ્રમ્પ પોતાની ખંજવાળ મટાડવા અમેરિકાના હજાર અબજ ડોલરનો ધુમાડો કરી નાંખે ને અમેરિકાની સંસદ ચૂપચાપ તમાશો જોયા કરે એ શક્ય નથી. અમેરિકામાં સરકાર દ્વારા કરાતો કોઈ પણ ખર્ચ સંસદ પાસે મંજૂર કરાવવો પડે છે એ જોતાં બહુ જલદી અમેરિકાની સંસદ જ ટ્રમ્પના તમાશા પર બ્રેક મારી દેશે.
ગેરકાયદેસર રીતે રહેતાં લોકો અમેરિકાની ઈકોનોમી માટે ફાયદાકારક પણ છે. અમેરિકામાં નગણ્ય કહેવાય એવાં કામ આ લોકો જ કરે છે અને ઓછી મજૂરીમાં કરે છે. અમેરિકાના નાગરિકોને કામ પર રાખો તો સરકારે મંજૂર કરેલો પગાર આપવો પડે, રજાઓ આપવી પડે ને બીજા ફાયદા પણ આપવા પડે. તેની સામે ગેરકાયદેસર રીતે રહેનારાં જે મળે એ સોનાનું સમજીને લઈ લે છે ને કામ કર્યા કરે છે. અમેરિકામાં ગેસ સ્ટેશનો એટલે કે પેટ્રોલ પંપોથી માંડીને મોટલોમાં સાફસફાઈ અને ડ્રાઈવિંગથી માંડીને ખેત મજૂરી સુધીમાં કામો આ લોકો જ કરે છે.
અમેરિકન યુથને તો આ બધાં કામ કરવાં નથી ને વીક-એન્ડમાં જલસા કરવા છે એ જોતાં ટ્રમ્પ બધાંને તગેડી મૂકે તો કામ કરવા નવા માણસો ક્યાંથી લાવશે ?
ટ્રમ્પ બિઝનેસમેન છે તેથી આ વાત ના સમજે એટલા નાદાન નથી. ચૂંટણી પ્રચારમાં તેમમે ગેરકાયદેસર રહેનારાંને તગેડવાની ધમકી આપેલી એટલે વટને ખાતર અમલ કરવો પડે છે પણ વટનાં ગાજર બહુ ના ખાઈ શકાય, આફરો ચડી જાય. ટ્રમ્પને પણ બહુ જલદી ચડી જશે.
અમેરિકામાં કાયદેસર રહેતા 55 લાખ ભારતીયો પર કોઈ ખતરો નહીં
અમેરિકામાં કાયદેસર રીતે રહેતા ભારતીયો એટલે કે ઈન્ડિયન અમેરિકનોની કુલ વસતી ૫૫ લાખની આસપાસ છે જ્યારે ગેરકાયદેસર રીતે લગભગ ૭.૨૫ લાખ ભારતીયો અમેરિકામાં રહે છે.
અમેરિકામાં મૂળ પ્રજાને ઈન્ડિયન્સ અથવા રેડ ઈન્ડિયન્સ કહેવામાં આવે છે જ્યારે ભારતીયોનો ઉલ્લેખ એશિયન ઈન્ડિયન અથવા ઈસ્ટ ઈન્ડિયન તરીકે કરાય છે કે જેથી ગૂંચવાડો ના થાય. અમેરિકાની લગભગ ૩૩ કરોડથી વધુની કુલ વસતીમાં ભારતીયોનું પ્રમાણ ૧.૪૭ ટકા જેટલું છે.
અમેરિકાનાં સ્ટેટમાં કેલિફોર્નિયામાં સૌથી વધુ ૮,૧૫ લાખ ભારતીયો છે. ૪.૮૩ લાખ ભારતીયો સાથે ટેક્સાસ બીજા સ્થાને. ૩.૮૪ લાખ ભારતીયો સાથે ન્યુ જર્સી ત્રીજા સ્થાને, ૩.૭૨ લાખ ભારતીયો સાથે ન્યુ યોર્ક ચોથા સ્થાને, ૨.૪૨ લાખ ભારતીયો સાથે ઈલિનોય પાંચમા સ્થાને અને ૧.૭૭ લાખની વસતી સાથે ફ્લોરિડા છઠ્ઠા સ્થાને છે. ભારતીયોની કુલ વસતીમાંથી લગભગ ૫૦ ટકા ભારતીયો આ છ સ્ટેટમાં રહે છે. આ સિવાય વર્જિનિયા, જ્યોર્જિયા, પેન્સિલ્વાનિયા, વોશિંગ્ટન, મેસેશ્યુએટ્સ, મિશિગન વગેરે સ્ટેટ એવાં છે કે જ્યાં એક લાખથી વધુ ભારતીયો રહે છે.
અમેરિકાના નાગરિક હોય કે પછી અમેરિકામાં પરમેનન્ટ રેસિડેન્ટ્સ હોય એવા ભારતીયો કે ભારતીય મૂળનાં આ લોકોને કોઈ ખતરો નથી. અમેરિકામાં વર્ક પરમિટ પર રહેતા હોય એવા લોકોને પણ કોઈ ખતરો નથી કેમ કે અમેરિકાના કાયદા તેમને રક્ષણ આપે છે. જે લોકો બિલકુલ ગેરકાયદેસર રીતે ઘૂસ્યા છે તેમને કોઈ રક્ષણ નથી તેથી ટ્રમ્પ તેમને તગેડી રહ્યા છે.
અમેરિકામાં રહેતા ભારતીયોમાં સૌથી વધુ 16 લાખ ગુજરાતીઓ
અમેરિકામાં રહેતા ભારતીયોમાં ગુજરાતી, પંજાબી, તેલુગુ અન તમિલ એ ચાર મુખ્ય જૂથ છે અને આ પૈકી ગુજરાતીઓ સૌથી વધારે છે. અમેરિકામાં કાયદેસર રીતે રહેતા ભારતીયોમાં લગભગ ૨૯ ટકા એટલે કે લગભગ ૧૬ લાખ ગુજરાતીઓ છે. પંજાબીઓ ૨૭ ટકા એટલે કે ૧૪ લાખની વસતી સાથે બીજા સ્થાને છે. પંજાબીઓમાં સીખો અને હિંદુ બંનેનો સમાવેશ થાય છે. તેલુગભાષીઓ લગભગ ૧૨ લાખ એટલે કે ૨૨ ટકા વસતી સાથે ત્રીજા સ્થાને જ્યારે તમિલો ૧૨ ટકા એટલે કે લગભગ ૬.૫ લાખની વસતી સાથે ચોથા સ્થાને છે.
અમેરિકામાં રહેતા ભારતીયોમાં આ સિવાય કેરળના મલયાલી અને બંગાળીઓની થોડીક વસતી છે. બાકીની વસતીમાં ઉત્તર પ્રદેશ, બિહાર. રાજસ્થાન, હરિયાણા, દિલ્હી વગેરે ઉત્તર ભારતનાં લોકોની બહુમતી છે તેથી હિંદી અમેરિકામાં સૌથી વધારે બોલાતી ભાષા છે. ગુજરાતમાં મૂળિયાં ધરાવતાં લોકોની વસતી વધારે છે પણ ગુજરાતીઓની નવી પેઢી ગુજરાતી બોલતી નથી તેથી ગુજરાતી ભારતીય ભાષાઓમાં બીજા નંબરે છે.
અમેરિકામાં રહેતા ભારતીયોમાંથી લગભગ ૯ લાખ લોકોની ભાષા હિદી છે જ્યારે ગુજરાતીઓમાંથી ૩૫ ટકા લોકોની ભાષા ગુજરાતી છે જ્યારે બાકીના ૬૫ ટકા અંગ્રેજી બોલે છે. ભારત અને ગુજરાત સાથે તેમના સંપર્કો જળવાયા છે પણ ગુજરાતી સાથેનો સંપર્ક નથી જળવાયો. તેલુગુ અને તમિલભાષી લોકો મુખ્યત્વે આઈટી સાથે જોડાયેલા છે પણ પોતાની ભાષા બોલે છે.