શ્રીદેવીની હત્યામાં દાઉદનો હાથ ? 250 કરોડના વીમા માટે હત્યા થયેલી ?
- યુ-ટયૂબર દીપ્તિ સામે સીબીઆઇની ચાર્જશીટથી શ્રીદેવીના રહસ્યમય મોતનો મુદ્દો ફરી ચર્ચામાં
- લેડી સુપરસ્ટાર ગણાવાયેલી શ્રીદેવીનો મૃતદેહ 24 ફેબ્રુઆરી, 2018ના રોજ દુબઈની હોટલના 1201 નંબરના રૂમના બાથરૂમમાંથી મળેલો. દિલ્હી પોલીસના ભૂતપૂર્વ એસીપી વેદભૂષણે પણ દાવો કરેલો કે, શ્રીદેવીની હત્યા ઈન્ટરનેશનલ ટેરરિસ્ટ દાઉદ ઈબ્રાહીમે કરાવી હતી. તેણે આડકતરી રીતે શ્રીદેવીના ફિલ્મ નિર્માતા પતિ બોની કપૂર સામે આંગળી ચીંધતાં શ્રીદેવીની હત્યા 250 કરોડ રૂપિયાના ઓમાનમાં ઉતારાયેલા લાઈફ ઈન્સ્યોરન્સની રકમ મેળવવા માટે કરાઈ હોવાનો દાવો કરેલો. ઓમાનની વિમા કંપનીએ ઉતારેલા વિમામાં મુખ્ય શરત એ હતી કે. શ્રીદેવીનું મોત દુબઈમાં થાય તો જ વીમાની 250 કરોડ રૂપિયાની રકમ મળે.
સીબીઆઈએ ઓડિશાના ભુવનેશ્વરની દીપ્તિ પિન્નીતી સામે વિખ્યાત એક્ટ્રેસ શ્રીદેવીના રહસ્યમય મોતના સંદર્ભમાં ચાર્જશીટ દાખલ કરી એ સાથે જ શ્રીદેવીના મોતનો મુદ્દો ફરી ચર્ચામાં છે. દીપ્તિએ યુ-ટયુબ ચેનલ પર દાવો કરેલો કે, ભારત અને યુએઈની સરકારે સાંઠગાંઠ કરીને શ્રીદેવીના ભેદી મોતની તપાસમાં ભીનું સંકેલી લીધું છે.
દીપ્તિએ પોતાની વાતને સાચી સાબિત કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની નકલી સહી સાથેના બનાવટી દસ્તાવેજો ઉભા કરીને યુ-ટયુબ ચેનલ પર બતાવેલા. વાસ્તવમાં ભારત અને યુએઈ વચ્ચે શ્રીદેવીના મોત મુદ્દે આવો કોઈ પત્રવ્યવહાર જ નહોતો થયો તેથી મોદી કે રાજનાથે સહી કરી હોય એવો સવાલ જ ઉઠતો નહોતો. દીપ્તિએ સુપ્રીમ કોર્ટના ખોટા દસ્તાવેજો પણ બનાવ્યા હતા.
પ્રાઈમ મિનિસ્ટર્સ ઓફિસ (પીએમઓ)ના ધ્યાનમાં આ વાત આવતાં સીબીઆઈને પગલાં લેવા કહેલું. તેના આધારે મુંબઈનાં સીબીઆઈનાં વકીલ ચાંદની શાહે દીપ્તિ અને તેના વકીલ ભરત સુરેશ કામથ સામે ફરિયાદ નોંધાવેલી. ફરિયાદના પહલે સીબીઆઈએ વધારે તપાસ કરીને પછી અંતે દીપ્તિ સામે આરોપનામું દાખલ કર્યું છે. દીપ્તિનો દાવો છે કે, પોતાનું નિવેદન નોંધ્યા વિના જ સીબીઆઈએ આરોપનામું દાખલ કરી દીધું છે અને પોતે પોતાની પાસેના પુરાવા કોર્ટમાં રજૂ કરશે.
દીપ્તિ સામેના આરોપો ગંભીર છે. દીપ્તિએ સનસનાટી ઉભી કરીને ચીપ પબ્લિસિટી મેળવવા માટે વડાપ્રધાન, સંરક્ષણ મંત્રી, સુપ્રીમ કોર્ટના નામે ખોટા દસ્તાવેજો બનાવ્યા હોવાનો સીબીઆઈનો આરોપ છે. આ આરોપ સાચો છે કે નહીં એ કોર્ટ નક્કી કરશે તેથી તેના વિશે વાત કરવાનો મતલબ નથી પણ દીપ્તિ સામેના આરોપનામા સાથે જ શ્રીદેવીના રહસ્યમય મોત સાથે સંકળાયેલા ગંભીર સવાલો પાછા તાજા થયા છે.
દીપ્તિએ ભલે જૂઠાણાંનો સહારો લીધો પણ શ્રીદેવીનું મોત રહસ્યમય છે તેમાં બેમત નથી. બોલીવુડના ઈતિહાસની એક માત્ર લેડી સુપરસ્ટાર ગણાવાયેલી શ્રીદેવીનો મૃતદેહ ૨૪ ફેબ્રુઆરી, ૨૦૧૮ના રોજ દુબઈની જુમૈરાહ અમિરાત્સ ટાવર્સ હોટલના ૧૨૦૧ નંબરના રૂમના બાથરૂમમાંથી મળેલો. પહેલાં દુબઈ પોલીસે દાવો કરેલો કે, શ્રીદેવીનું મોત કાર્ડિયાક એરેસ્ટના કારણે થયેલું પણ પોસ્ટ મોર્ટમ રીપોર્ટમા એવું બહાર આવ્યું કે, શ્રીદેવીનું મોત અકસ્માતે ડૂબી જવાથી થયું છે. શ્રીદેવીના લોહીમાં આલ્કોહોલ મળ્યો હતો તેથી વધારે દારૂ પીવાથી શરીર પર કાબૂ ના રહ્યો તેમાં બાથટબમાં ડૂબી જવાથી શ્રીદેવી ગુજરી ગઈ એવો દાવો પોસ્ટ મોર્ટમ રીપોર્ટમાં કરાયેલો.
આ પોસ્ટ મોર્ટમ રીપોર્ટે જ ઘણા સવાલો ઉભા કરેલા. પહેલો સવાલ એ હતો કે, શ્રીદેવી દારૂના નશામાં હતી તો બાથટબ સુધી કઈ રીતે પહોંચી ? બીજા સવાલ એ હતો કે, શ્રીદેવી બાથટબમાં બેસીને દારૂ ઢીંચતી હતી તો બાથટબ પાસેથી દારૂની બોટલો કેમ ના મળી ?
પોસ્ટ મોર્ટમ રીપોર્ટ પછી શ્રીદેવી તથા બોની કપૂર સાથે ઘરોબો ધરાવતા નેતા અમરસિંહે દાવો કરેલો કે, શ્રીદેવી દારૂ પીને નશામાં ચૂર હોવાથી બાથટબમાં ડૂબી ગઈ હોવાની વાત જ ખોટી છે કેમ કે શ્રીદેવી દારૂ પીતી જ નહોતી. શ્રીદેવી સોફ્ટ ડ્રિંક પીતી હતી કે વાઈન પીતી હતી તેથી નશામાં ચૂર હોવાની વાતમાં દમ નથી. અમરસિંહના દાવા પછી શ્રીદેવીને કોઈએ પરાણે દારૂ પિવડાવેલો કે શું એ સવાલ ઉઠેલો.
ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પણ શ્રીદેવીના મોતમાં અંડરવર્લ્ડની સંડોવણીની શંકા વ્યક્ત કરી હતી. સ્વામીએ આક્ષેપ કરેલો કે, હિન્દી ફિલ્મોની હીરોઈનો દાઉદ ઈબ્રાહીમ સહિતના ગેંગસ્ટર્સ સાથે સંબંધો ધરાવે છે તેની તપાસ થવી જોઈએ. સ્વામીએ શ્રીદેવી નશામાં ચૂર હતી એ વાત સામે પણ વાંધો ઉઠાવેલો ને તેની તપાસ કરવા કહેલું. શ્રીદેવીના મોતને મામલે બીજા પણ ઘણા સવાલો પોસ્ટ મોર્ટમ રીપોર્ટ અને પોલીસ તપાસના કારણે ઉભા થયા હતા પણ છ વર્ષ પછી પણ આ સવાલોના જવાબો મળ્યા નથી.
શ્રીદેવીના રહસ્યમય મોતના સંદર્ભમાં દિલ્હી પોલીસના ભૂતપૂર્વ આસિસ્ટન્ટ પોલીસ કમિશ્નર (એસીપી) વેદભૂષણે કેટલાક રસપ્રદ સવાલો ઉઠાવ્યા હતા. વેદભૂષણે દાવો કરેલો કે, શ્રીદેવીની હત્યા ઈન્ટરનેશનલ ટેરરિસ્ટ દાઉદ ઈબ્રાહીમે કરાવી હતી. વેદભૂષણે તો આડકતરી રીતે શ્રીદેવીના ફિલ્મ નિર્માતા પતિ બોની કપૂર સામે પણ આંગળી ચીંધી હતી.
શ્રીદેવીની હત્યા ૨૫૦ કરોડ રૂપિયાના ઓમાનમાં ઉતારાયેલા લાઈફ ઈન્સ્યોરન્સની રકમ મેળવવા માટે કરાઈ હોવાનો દાવો વેદભૂષણે કરેલો. ઓમાનની વિમા કંપનીએ ઉતારેલા વિમામાં મુખ્ય શરત એ હતી કે. શ્રીદેવીનું મોત દુબઈમાં થાય તો જ વીમાની ૨૫૦ કરોડ રૂપિયાની રકમ મળે. આ કારણે કાવતરું ઘડીને દુબઈમાં શ્રીદેવીને પતાવી દેવાયેલી.
શ્રીદેવી જે હોટલમાં રોકાઈ હતી એ દુબઈની જુમૈરાહ એમિરેટ્સ હોટલ દાઉદ ઈબ્રાહીમની માલિકીની હોવાનો દાવો કરીને વેદભૂષણે કહેલું કે, શ્રીદેવીના મોત પછી હોટલના ફ્રન્ટ સ્ટાફને બદલી દેવાયેલો, નવા સ્ટાફને આ મુદ્દે ચૂપ રહેવા આદેશ અપાયેલો. શ્રીદેવનું મોત થયું એ રૂમ કાયમ માટે બંધ કરી દેવાયો ને કોઈને અપાતો નથી. હોટલમાં પ્રાઈવેટ વીડિયોગ્રાફી પર પણ પ્રતિબંધ મૂકી દેવાયેલો.
વેદભૂષણ પોતે પ્રાઈવેટ ડીટેક્ટિવ એજન્સી ચલાવે છે. એજન્સીની ટીમ સાથે વેદભૂષણ શ્રીદેવીનું મોત થયું તેના બિલકુલ નીચેના ૧૨૦૮ નંબરના રૂમમાં રોકાયેલા કેમ કે ૧૨૦૧ નંબરના રૂમમાં તેમને નહોતા જવા દેવાયા. રૂમમાં જઈને ટીમે મોતની ઘટનાનું રીક્રીએશન કરેલું પણ દુબઈ પોલીસ કહે છે તેમ ફેફસાંમાં પાણી ભરાઈ જવાથી મોતની કોઈ શક્યતા નહોતી લાગી.
દુબઈ પોલીસ પાસે વેદભૂષણે શ્રીદેવીનાં બ્લેડ સેમ્પલ માંગેલાં, શ્રીદેવીનાં ફેફસાંમાં કેટલું પાણી ગયેલું તેનો રીપોર્ટ પણ માંગેલો પણ પોલીસે પોસ્ટ મોર્ટમ રીપોર્ટ પકડાવીને તેમને રવાના કરી દીધેલા. પોલીસે હોટલમાં શ્રીદેવીના મોતના દિવસે કોણ કોણ હાજર હતું, સીસીટીવીની પોઝિશન શું હતી એવી કોઈ વિગત નહોતી આપી. દુનિયામાં કોઈ પણ વ્યક્તિની હત્યા થાય ત્યારે સૌથી પહેલાં મૃતક અને તેની નજીકનાં લોકોની કોલ ડીટોઈલ્સ સૌથી પહેલાં કઢાવાય છે પણ શ્રીદેવીના મોતના કેસમાં પોલીસે શ્રીદેવીની કોલ ડીટેઈલ્સ પણ નહોતી કઢાવી કે બોની કપૂરના કોલ રેકોર્ડ પણ ચકાસ્યા નહોતા. બોનીના કોલ રેકોર્ડ્સની ડીટેઈલ કઢાવાઈ હોત તો આખા કાવતરાનો ભાંડો ફૂટી ગયો હોત એવો આડકતરો દાવો વેદભૂષણે કરેલો.
આ દાવામાં સાચું શું ને ખોટું શું એ ખબર નથી કેમ કે દુબઈ પોલીસે બહુ પહેલાં જ શ્રીદેવીના મોતની તપાસને અકસ્માતમાં ખપાવીને તપાસનો વીંટો વાળી દીધો છે. ભારતીય સુપ્રીમ કોર્ટમાં શ્રીદેવીના મોતની તપાસની માગ સાથેની અરજી થયેલી પણ દુબઈના મામલામાં સુપ્રીમ કોર્ટ કશું કરી ના શકે તેથી અરજી ફગાવી દેવાયેલી. આ સંજોગોમાં શ્રીદેવીનું મોત હંમેશાં રહસ્યમય જ રહેશે.
દીપ્તિએ સુશાંતની સીક્રેટ ડાયરી હોવાનો દાવો કરેલો
દીપ્તિ પિન્નીતીએ દાવો કરેલો કે, સુશાંતસિંહ રાજપૂતે પણ આપઘાત નહોતો કર્યો પણ તેની પણ હત્યા કરી હતી. દીપ્તિનો દાવો હતો કે તેની પાસે સુશાંતની સીક્રેટ ડાયરી છે. ડાયરીનો મતલબ, હાથે લખાયેલી ડાયરી નહીં પણ સુશાંતના કોમ્પ્યુટર, લેપટોપ વગેરેની ડ્રાઈવ્સ હતી. દીપ્તિના દાવા પ્રમાણે, આ ડ્રાઈવ્સ પ્રશાંતની જ હોવાની ખાતરી થયા પછી તેમણે દિલ્હી સીબીઆઈને માહિતી આપી હતી. દિલ્હીથી મળેલી સૂચનાના આધારે પોતે મુંબઈમાં સુશાંત કેસની તપાસ કરી રહેલી મહિલા સીબીઆઈ અધિકારીને આ પુરાવા આપવા ગયેલાં પણ મુંબઈમાં સીબીઆઈએ પુરાવાને ગણકાર્યા જ નહીં.
આ ડ્રાઈવ્સમાં સુશાંતસિંહ રાજપૂતે પોતાની ક્યારે હત્યા થશે એવું લખ્યું હોવાનો દાવો દીપ્તિએ કરેલો. સુશાંતે પોતાની આસપાસના ક્યાં લોકો પોતાને દગો આપી રહ્યા છે, પોતાને કોના કોના તરફથી ખતરો છે એ સહિતની વિગતો આપી હોવાનો દાવો પણ દીપ્તિએ કર્યો હતો. નાર્કોટિક્સ બ્યુરોના સમીર વાનખેડેને પોતે મળી હોવાનો દાવો પણ દીપ્તિએ કર્યો હતો. દીપ્તિના દાવાના પગલે થોડો સમય સનસનાટી મચેલી પણ પછી બધું શાંત થઈ ગયું.
દીપ્તિનો દાવો, સુશાંતે જિયા ખાનના મોતમા રસ લેતાં હત્યા કરાઈ
દીપ્તિએ સુશાંત સિંહ રાજપૂત અને શ્રીદેવીના મોત વચ્ચે સંબંધ હોવાનો દાવો પણ કર્યો હતો. બોની કપૂર ડ્રગ્સ કાર્ટે સાથે સંકળાયેલો હોવાનો આક્ષેપ પણ દીપ્તિએ કર્યો હતો. સુશાંતે પોતાની સીક્રેટ ડાયરીમાં જિયા ખાનના મોત અંગે સવાલ ઉઠાવતાં તેની હત્યા કરી દેવાઈ હોવાનો આક્ષેપ પણ દીપ્તિએ કર્યો હતો. સુશાંત મુંબઈની ડ્રગ્સ કાર્ટેલને ખુલ્લી પાડવા માગતો હતો તેથી તેની હત્યા કરી દેવાઈ.
જિયા ખાનના આદિત્ય પંચોલીના પુત્ર સૂરજ પંચોલી સાથે સંબંધ હતા ને આ સંબંધના કારણે પ્રેગનન્ટ થતાં એબોર્શન કરાવ્યું હતું.
જિયા ખાને આપઘાત કરી લીધો પછી તેના આપઘાત માટે દુષ્પ્રેરણાના કેસમાં સૂરજની ધરપકડ પણ થઈ હતી પણ કોર્ટે આ કેસમાં સૂરજ પંચોલીને નિર્દોષ છોડી દીધો હતો.