Get The App

લાલદુહોમાએ હાથથી ગયેલું મુખ્યમંત્રીપદ મેળવવા 40 વર્ષ સંઘર્ષ કર્યો

Updated: Dec 6th, 2023


Google NewsGoogle News
લાલદુહોમાએ હાથથી ગયેલું મુખ્યમંત્રીપદ મેળવવા 40 વર્ષ સંઘર્ષ કર્યો 1 - image


- લાલદુહોમા મેટ્રિક પાસ કર્યા પછી 1972માં મિઝોરમના પહેલા મુખ્યમંત્રીના પ્રિન્સિપલ આસિસ્ટન્ટ બન્યા હતા, ૧૯૭૭માં આઈપીએસ ઓફિસર બન્યા હતા

- ઈન્દિરા ગાંધીના સીક્યુરિટી ઈન-ચાર્જ લાલદુહોમા ઈન્દિરાના કહેવાથી રાજકારણમાં આવેલા. મિઝોરમમાં અશાંતિ અને આતંકવાદ દૂર કરવા ઈન્દિરાએ લાલદુહોમાને આઈપીએસમાંથી રાજીનામું અપાવ્યું અને 1983માં લાલદુહોમાને રાજકારણમાં લાવ્યાં. પહેલી ચૂંટણી લડયા ત્યારે 34 વર્ષના લાલદુહોમા મુખ્યમંત્રી બનશે એ નક્કી હતું પણ આ પાકુ મનાતું મુખ્યમંત્રીપદ હાથતાળી આપીને છટકી ગયું પછી લાલદુહોમાએ ફરી મુખ્યમંત્રીપદ માટે 40 વર્ષ સંઘર્ષ કરવો પડયો. હવે  74 વર્ષની ઉંમરે લાલદુહોમા રાજ્યના મુખ્યમંત્રી બનવામાં સફળ થશે.

રાજસ્થાન, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને તેલંગાણાની સાથે ભારતના પાંચમા રાજ્ય મિઝોરમમાં પણ ચૂંટણી થયેલી પણ મિઝોરમમાં રવિવારના બદલે સોમવારે મતગણતરી થઈ તેમાં તેનાં પરિણામ તરફ કોઈનું ધ્યાન ગયું નથી. મિઝોરમમાં ભાજપના સાથી મિઝો નેશનલ ફ્રન્ટ (એમએનએફ)ની સરકાર હતી અને જોરમથંગા મુખ્યમંત્રી હતા. સોમવારે થયેલી મતગણતરીમાં મિઝો નેશનલ ફ્રન્ટ ધોવાઈ ગયો અને મુખ્યમંત્રી જોરમથંગા પોતે હારી ગયા છે જ્યારે ઝોરમ પીપલ્સ મૂવમેન્ટ (ઝેડપીએમ)એ બહુમતી મેળવીને સત્તા કબજે કરી છે. 

મિઝોરમની ૪૦ બેઠકો ધરાવતી વિધાનસભાની ચૂંટણીમાં એમએનએફ, ઝેડપીએમ અને કોંગ્રેસ વચ્ચે ત્રિપાંખિયો જંગ હતો. આ ત્રણેય પક્ષો તમામ ૪૦ બેઠકો પર ચૂંટણી લડેલા. ઝેડપીએમ  ૨૭ બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી સાથે સરકાર રચશે. મિઝો નેશનલ ફ્રંટને ૯ બેઠકો મળી છે જ્યારે ભાજપને ૨ અને કોંગ્રેેસને ૧ બેઠક મળી છે.  ઝોરમ પીપલ્સ મૂવમેન્ટ (ઝેડપીએમ) ૧૯૯૭માં અસ્તિત્વમાં આવેલો પણ સફળ નહોતો થતો.  હવે સ્થાપનાનાં ૨૬ વરસે તેને સફળતા અને સત્તા બંને મળ્યાં છે.  

મિઝોરમ સાવ ટચૂકડું રાજ્ય છે. માત્ર એક લોકસભા બેઠક ધરાવતા મિઝોરમનું રાષ્ટ્રીય રાજકારણમાં બહુ મહત્ત્વ નથી. આ કારણે મિઝોરમનાં ચૂંટણી પરિણામોની બહુ ચર્ચા ના થાય એ સ્વાભાવિક છે પણ આ પરિણામોને કારણે લાલદુહોમા તરફ સૌનું ધ્યાન ગયું છે. મિઝોરમમાં ઝેડપીએમને સત્તા સુધી પહોંચાડનારા લાલદુહોમાની સ્ટોરી બહુ રસપ્રદ છે. એક સમયે આતંકવાદથી ગ્રસ્ત મિઝોરમાં શાંતિ સ્થાપવાનું શ્રેય લાલદુહોમાને જાય છે.

લાલદુહોમા ૧૯૮૩થી મિઝોરમના રાજકારણમાં છે અને પહેલી વાર ચૂંટણી લડયા ત્યારે જીતશે તો મુખ્યમંત્રી બનશે એ નક્કી હતું પણ તેમનાં નસીબમાં નકૂચો કે હારી ગયા. એ પછી એવો સંઘર્ષ ચાલુ થયો કે, કદી સત્તાની નજીક પણ ના આવ્યા. ૩૪ વર્ષની ઉંમરે પાકુ મનાતું મુખ્યમંત્રીપદ હાથતાળી આપીને છટકી ગયું પછી ફરી મુખ્યમંત્રીપદ માટે ૪૦ વર્ષ  સંઘર્ષ કરવો પડયો. હવે  ૪૦ વર્ષના સંઘર્ષ પછી ૭૪ વર્ષની ઉંમરે લાલદુહોમા રાજ્યના મુખ્યમંત્રી બનવામાં સફળ થશે. 

સાવા સામાન્ય પરિવારમાંથી આવેલા  લાલદુહોમા મેટ્રિક પાસ કર્યા પછી ૧૯૭૨માં મિઝોરમના પહેલા મુખ્યમંત્રી સી. છુંગાના પ્રિન્સિપાલ આસિસ્ટન્ટ બનેલા. નોકરી કરતાં કરતાં એ ગ્રેજ્યુએટ થયા ને સિવિલ સર્વિસીસની પરીક્ષા આપીને ૧૯૭૭માં આઈપીએસ ઓફિસર બન્યા. લાલદુહોમાનું પહેલું પોસ્ટિંગ ગોઆમાં તરીકે હતું. ગોઆમાં એ વખતે ્રડ્રગ્સનું દૂષણ જબરદસ્ત હતું ને હિપ્પીઓનો ભારે ત્રાસ હતો. 

લાલદુહોમાએ દંડો ચલાવીને હિપ્પીઓને ભગાડી મૂક્યા અને ડ્રગ્સના દૂષણને કાબૂમાં લાવ્યું તેથી નેશનલ મીડિયામાં તેમનાં પરાક્રમો છપાવા માંડયાં. તેના કારણે વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનું તેમના તરફ ધ્યાન ગયું. ઈન્દિરા તેમને ડેપ્યુટી કમિશ્રર ઓફ પોલીસનું ખાસ પ્રમોશન આપીને ૧૯૮૨માં દિલ્હી લઈ ગયાં. એ વખતે રાજીવ ગાંધી એશિયન ગેમ્સના આયોજનમાં વ્યસ્ત હતા. ઈન્દિરાએ લાલદુહોમાને એશિયન ગેમ્સ ઓર્ગેનાઈઝિંગ કમિટીના સેક્રેટરી બનાવ્યા. એશિયન ગેમ્સ પત્યા પછી લાલદુહોમા  ઈંદિરા ગાંધીના સીક્યુરિટી ઈન-ચાર્જ બન્યા.   

મિઝોરમમાં એ વખતે લાલડેંગાનો કેર હતો. લંડનમાં રહીને મિઝોરમને ભારતથી અલગ કરવા માટે ઉગ્રવાદી લડત ચલાવતા લાલડેંગાના કારણ મિઝોરમમાં કાયમી અશાંતિ રહેતી. આ અશાંતિ દૂર કરવા ઈન્દિરાએ લાલદુહોમાને આઈપીએસમાંથી રાજીનામું અપાવ્યું અને ૧૯૮૩માં લાલદુહોમાને રાજકારણમાં લાવ્યાં. ઈન્દિરાના કહેવાથી લાલદુહોમા લંડનમાં લાલડેંગાને મળ્યા ને તેમને ભારત સરકાર સાથે મંત્રણા કરવા સમજાવ્યા. લાલદુહોમાના કહેવાથી લાલડેંગાએ મિઝો પ્રજાને એક રેકોર્ડેડ મેસેજ મોકલેલો કે, કોંગ્રેસ મિઝો પ્રજાની વિરૂધ્ધ નથી અને મિઝો નેશનલ ફ્રન્ટ સાથેની મંત્રણામાં મહત્વની ભાગીદાર છે. 

આ મેસેજના કારણે લોકોમાં કોંગ્રેેસની તરફેણમા મોજું પેદા થયું ને ૧૯૮૩માં મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણી થઈ તેમાં કોંગ્રેસ જીતી ગયેલી. જો કે કોંગ્રેસ માટે ગઢ આલા પણ સિંહ ગેલા જેવી હાલત થયેલી કેમ કે લાલદુહોમા હારી ગયેલા. લાલદુહોમા જીત્યા હોત તો મુખ્યમંત્રી બન્યા હોત પણ હારના કારણે લટકી ગયા ને લાલથાનવાલા પહેલી વાર મુખ્યમંત્રી બનેલા. 

લાલદુહોમાએ એ પછી લાલડેંગા સાથે મંત્રણ પર ધ્યાન આપ્યું. ૩૧ ઓક્ટોબર, ૧૯૮૪ના દિવસે ઈન્દિરા ગાંધીની હત્યા થઈ ગઈ એ સાંજે લાલડેંગા ઈન્દિરાને મળવાના હતા પણ હત્યાના કારણે મંત્રણા ખોરવાઈ ગઈ. ઈન્દિરા પછી વડાપ્રધાન બનેલા રાજીવ ગાંધીએ લાલદુહોમામાં વિશ્વાસ જાળવીને  ૧૯૮૪માં લોકસભાની ચૂંટણીમાં ટિકિટ આપેલી. લાલદુહોમા ૧૯૮૪માં લોકસભાના સભ્ય બનેલા. 

લાલદુહોમાના પ્રયત્નોના કારણે ૧૯૮૬માં  રાજીવ ગાંધીએ લાલડેંગા સાથે સમજૂતી કરતા લાલડેંગાએ હથિયારો છોડી દીધાં. લાલડેંગા રાજકારણમાં આવ્યા અને મિઝો નેશનલ ફ્રન્ટ બનાવ્યો. રાજીવ ગાંધીએ લાલડેંગા સાથે સમજૂતી તો કરી પણ લાલદુહોમાને તેના અમલથી સંતોષ નહોતો. આ કારણે તેમણે ૧૯૮૬માં કોગ્રેેસમાંથી રાજીનામું ધરી દીધેલું. એક વર્ષ પહેલાં જ બનેલા પક્ષપલટા વિરોધી ધારો તેમને લાગુ પડયો અને લાલદુહોમા પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ ગેરલાયક ઠરનારા દેશના પહેલા સાંસદ બન્યા હતા. રસપ્રદ વાત એ છે કે, લાલદુહોમા ૨૦૨૦માં પણ પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ ધારાસભ્યપદેથી ગેરલાયક ઠરેલા. 

લાલડેંગા મુખ્યમંત્રી બન્યા પછી તેમણે લાલદુહોમાના કામની કદર કરીને તેમને સલાહકાર બનાવેલા પણ લાલદુહોમાને તેમની સાથે ના ફાવ્યું. ૧૯૮૭માં લાલ ડેંગાની મિઝો નેશનલ ફ્રન્ટમાં ભાગલા પડયા ત્યારે લાલદુહોમા બીજા જૂથ મિઝો નેશનલ ફ્રન્ટ (નેશનલ)માં ગયેલા ને એ કારણે ખોવાઈ ગયા. મિઝો નેશનલ ફ્રન્ટ (નેશનલ)ને ૧૯૯૭માં તેમણે ઝોરમ નેશનાલિસ્ટ પાર્ટીમાં ફેરવી અને ૧૯૯૭થી લડતા હતા. લાલદુહોમા પોતે ઘણી વાર ધારાસભ્યપદે ચૂંટાયા પણ તેમના પક્ષને સત્તા નહોતી મળતી. આ વખતે સફળતા મળતાં પહેલાં છટકી ગયેલું મુખ્યમંત્રીપદ પણ મળશે.

મિઝોરમમાં 6 ટકા વસતી ખ્રિસ્તી, 89.1 ટકા વિસ્તારમાં જંગલ, 92 ટકા સાક્ષરતા

ભારતનાં સૌથી નાનાં રાજ્યોમાં એક મિઝોરમ ઘણી બધી રીતે અનોખું છે પણ તેના તરફ લોકોનું બહુ ધ્યાન નથી ગયું. મિઝોરમનો કુલ વિસ્તાર ૨૧,૦૮૧ ચોરસ કિલોમીટર છે ને તેમાંથી ૯૧ ટકા વિસ્તારમાં જંગલો છે. ભારતમાં બીજા કોઈ રાજ્યમાં આટલા મોટા પ્રમાણમાં ગ્રીન કવર નથી.  

ભારતમાં વિસ્તારની રીતે મિઝોરમ કરતાં ઘણાં નાનાં રાજ્યો છે પણ વસતીની રીતે માત્ર સિક્કિમ મિઝોરમથી નાનું છે. સિક્કિમની વસતી ૬ લાખની આસપાસ છે જ્યારે મિઝોરમની વસતી ૧૧ લાખની આસપાસ છે. સામે સિક્કિમનો વિસ્તાર મિઝોરમ કરતાં ત્રીજા ભાગનો એટલે કે ૭૦૯૬ ચોરસ કિલોમીટર છે તેથી પ્રતિ કિલોમીટર વસતીની રીતે સૌથી છૂટીછવાયી વસતી મિઝોરમમાં છે. 

ભારતમાં ખ્રિસ્તીઓની વસતી ૫૦ ટકાથી વધારે હોય એવાં નાગાલેન્ડ, મિઝોરમ અને મેઘાલય એમ ત્રણ રાજ્ય છે. નાગાલેન્ડમાં કુલ વસતીના ૮૭ ટકા, મિઝોરમમાં ૮૬ ટકા અને મેઘાલયમાં ૭૫ ટકા લોકો ખ્રિસ્તી છે. મિઝોરમ દેશમાં સૌથી વધારે સાક્ષરતા ધરાવતું રાજ્ય પણ છે. મિઝોરમમાં સાક્ષરતા દર ૯૨ ટકા છે. ભારતમાં કેરળ ૯૪ ટકા સાક્ષરતા દર સાથે સૌથી શિક્ષિત રાજ્ય છે. મિઝોરમ બીજા સ્થાને છે.

મિઝોરમમાં 36 વર્ષમાં બે જ મુખ્યમંત્રી આવ્યા

મિઝોરમમાં છેલ્લાં ૪૦ વર્ષથી કોંગ્રેસ અને મિઝો નેશનલ ફ્રંટ એ બે પક્ષો વચ્ચે જ સત્તા ફર્યા કરતી હતી અને ૩૬ વર્ષથી મુખ્યમંત્રીપદે પણ કોંગ્રેેસના લાલથાનવાલા કે મિઝો નેશનલ ફ્રન્ટના જોરામથંગામાંથી કોઈ એક જ બનતું હતું. આ ચૂંટણીમાં લાલદુહોમા જીતતાં ૩૬ વર્ષ પછી મિઝોરમને લાલથાનવાલા અને જોરમથંગા સિવાય કોઈ નવા  મુખ્યમંત્રી મળશે.  

મિઝોરમમાં ૧૯૭૯થી ૧૯૮૪ દરમિયાન મિઝો પીપલ્સ કોન્ફરન્સના ટી. સૈલો મુખ્યમંત્રી હતા. ૧૯૮૪માં કોંગ્રેેસના લાલથાનવાલા મુખ્યમંત્રી બન્યા પછી સત્તા કોંગ્રેસ અને મિઝો નેશનલ ફ્રંટ વચ્ચે ફર્યા કરે છે. રાજીવ ગાંધીએ ૧૯૮૬માં લાલડેંગા સાથે સમજૂતી કરી પછી લાલડેંગાને મુખ્યમંત્રી બનાવાયેલા. લાલડેંગા ૧૯૮૬થી ૧૯૮૭ના એક વર્ષ માટે મુખ્યમંત્રી રહ્યા પછી ૧૯૮૭માં યોજાયેલી ચૂંટણીમાં તેમની મિઝો નેશનલ ફ્રન્ટ જીતતાં ફરી મુખ્યમંત્રી બનેલા. ૧૯૮૮માં મિઝો નેશનલ ફ્રન્ટમાં બળવો થતાં લાલડેંગા ઘરભેગા થયા પછી ચાર મહિના રાષ્ટ્રપતિ શાસન રહ્યું. ૧૯૮૯માં ચૂંટણી થઈ ને  કોંગ્રેસને બહુમતી મળતાં પાછા લાલથાનવાલા ગાદી પર આવ્યા પછી કોંગ્રેેસ તરફથી લાલથાનવલા અને મિઝોરમ નેશનલ ફ્રન્ટ તરફથી જોરમથંગા જ મુખ્યમંત્રી બનતા રહ્યાં છે. લાલથનાવાલા તો ૨૨ વર્ષ મુખ્યમંત્રી રહ્યા છે. આ વખતે એ સિલસિલો તૂટયો છે ને લાલદુહોમાના રૂપમાં મિઝોરમને નવા મુખ્યમંત્રી મળ્યા છે.

News-Focus

Google NewsGoogle News