ચીનની હરકતો સામે આક્રમકતાના બદલે ઢાંકપિછોડો કરવાની મથામણ
- મોદી સરકારે શરૂઆતમાં આ વિગતો છૂપાવી હતી પરંતુ સમાચાર માધ્યમોમાં આ વાત આવતા અંતે ચૂપચાપ સ્વીકારવી પડી હતી
- 2020માં ગલવાન ખીણમાં ચીનના સૈનિકોએ ભારતીય સૈનિકો પર હુમલો કરીને 20 ભારતીય સૈનિકોની હત્યા કરી નાંખી ત્યારે પણ મોદી સરકારે શરૂઆતમાં આ વિગતો છૂપાવી હતી. મીડિયામાં આ વિગતો બહાર આવી પછી જખ મારીને સ્વીકારવું પડેલું પણ વલણ તો એ જ રહ્યું છે. એ પછી વિદેશી મીડિયામાં ચીન સરહદ પર ગામો વસાવી રહ્યું છે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવી રહ્યું છે એવા સમાચારો સેટેલાઈટ દ્વારા લેવાયેલી તસવીરોના પુરાવા સાથે અપાતા રહ્યા છે પણ મોદી સરકારે કદી લોકોને તેના વિશે જાણ કરવાની તસદી લીધી નથી. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી ચીને ભારતનો પ્રદેશ પચાવી પાડયો હોવાની ચેતવણીઓ નિયમિત રીતે આપ્યા કરે છે પણ સ્વામી સાચા છે કે ખોટા છે તેનો ખુલાસો કદી કરાતો નથી.
ચીને ફરી પોત પ્રકાશીને લદ્દાખના કેટલાક વિસ્તારોને પોતાના વહીવટી વિસ્તારોમાં સમાવી લીધા તેના કારણે ભારત-ચીન સરહદી વિવાદ પાછો સળગ્યો છે. ગયા મહિને ચીને પોતાના હોતાન પ્રાંતમાં હેઆન અને હેકાંગ નામના બે નવી કાઉન્ટી એટલે કે જિલ્લા બનાવવાની જાહેરાત કરી હતી. આ બંને જિલ્લામાં જે વિસ્તારોને સમાવાયા છે તેમાંથી કેટલાક વિસ્તારો ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખનો ભાગ છે તેથી ભારતે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.
આ વિસ્તાર ભારતનું અભિન્ન અંગ હોવાથી ચીનનો દાવો સંપૂર્ણપણે ગેરકાયદે છે એવી રજૂઆત કરીને ચીન સામે રાજદ્વારી રીતે વિરોધ નોંધાવ્યો છે. ચીન બ્રહ્મપુત્રા નદી પર દુનિયાનો સૌથી મોટો ડેમ બનાવી રહ્યું છે તેની સામે પણ ભારતે વાંધો લીધો છે.
ચીન આ પ્રકારના કોઈ વાંધાઓને ગણકારતું નથી ને એક કાનેથી સાંભળીને બીજા કાનેથી વાતને કાઢી નાંખે છે કે પછી ઉડાઉ જવાબો આપીને ભારતને હડધૂત કરી નાંખે છે. આ બંને કેસમાં પણ એવું થયું છે. ચીન તિબેટમાં યાર્લુપ ત્યાંગપો એટલે કે બ્રહ્મપુત્રા નદી પર હાયડ્રોપાવર પ્રોજેક્ટના ભાગરૂપે સૌથી મોટો બંધ બાંધી રહ્યું છે એ સમાચાર અઠવાડિયા જૂના છે. ભારત બ્રહ્મપુત્રા નદીના નીચાણવાળા વિસ્તારમાં હોવાથી બ્રહ્મપુત્રા નદીનું પાણી ઉપરથી આવે પછી મળે છે.
આ સંજોગોમાં ઉપરવાસમાં ડેમ બને તો તેના કારણે ભારત પર ખતરો વધે તેથી ભારતે રાજદ્વારી માધ્યમો મારફતે ચીન સમક્ષ સતત ચિંતા વ્યક્ત કરેલી પણ ચીને એમ કહીને વાતને ઉડાવી દીધેલી કે, અમારા બંધથી નીચાણવાળા વિસ્તારોને કંઈ નુકસાન થવાનું નથી તેથી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બ્રહ્મપુત્રાના મુદ્દે ચીને જવાબ આપ્યો પણ લદ્દાખમાં ભારતના વિસ્તારોને પોતાના જાહેર કરવાના મુદ્દે તો ચીને જવાબ આપવાની તસદી પણ લીધી નથી. તેના પરથી સ્પષ્ટ છે કે, ચીનને ભારતના વિરોધની કંઈ પરવા નથી.
ભારત દુનિયામાં સૌથી વધારે વસતી ધરાવતો દેશ છે અને દુનિયામાં પાંચમા નંબરની સૌથી મોટી ઈકોનોમી હોવા છતાં ચીન ભારતના વાંધા કે વિરોધને ગણકારે જ નહીં એ અત્યંત અપમાનજનક કહેવાય. નિષ્ણાતોના મતે, ચીન ભારતને આ રીતે અપમાનિત કરે છે તેનું કારણ મોદી સરકારનું ઢીલું વલણ છે ને તેના કારણે ચીન પોચું ભાળી ગયું છે તેથી આ રીતે ઘોંચપરોણા કર્યા કરે છે. ચીનને એવું જ લાગે છે કે, ભારત સાથે કંઈ પણ કરો પણ ભારતમાં કશું કરવાની તાકાત જ નથી.
કમનસીબે મોદી સરકાર ચીનની માન્યતા સાચી લાગે એ રીતે વર્તી રહી છે. ચીન સામે એકદમ આક્રમક બનવાના બદલે મોદી સરકાર જે કંઈ બની રહ્યું છે તેના પર ઢાંકપિછોડો કરીને પોતાની નબળાઈ છૂપાવવા ફાંફાં મારતી હોય એવું લાગે છે. બ્રહ્મપુત્રા પર બંધ અને લડાખના વિસ્તારોનો ચીનની કાઉન્ટીમાં સમાવેશ તેનાં તાજાં ઉદાહરણ છે. ચીને લડાખના વિસ્તારોનો પોતાના વિસ્તારોમાં સમાવેશ કર્યો હોવાની જાહેરાત ગયા અઠવાડિયે કરેલી પણ મોદી સરકાર આ મુદ્દે ચૂપ હતી. વિદેશી મીડિયામાં આ સમાચાર આવ્યા અને ભારતીય પત્રકારોએ સવાલ કર્યા પછી વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ભારતે વિરોધ નોંધાવ્યો છે એવો જવાબ આપ્યો.
આ દેશના વિસ્તારોને ચીન પોતાના વિસ્તારો ગણાવી દે એ બહુ મોટી વાત કહેવાય. આ દેશનાં લોકોને તેની ખબર પડવી જ જોઈએ પણ અઠવાડિયા સુધી સરકારે કશું કહ્યું જ નહીં એ વર્તન શંકાસ્પદ કહેવાય. બ્રહ્મપુત્રા નદી પર ચીનના બંધના મામલે પણ સરકાર ચૂપ છે. રાજદ્વારી રીતે વિરોધ કરાય છે પણ એ વિરોધનું કંઈ મૂલ્ય નથી. ચીનને મન રાજદ્વારી સ્તરે કરાતા વિરોધની કિંમત ફરફરિયાથી વધારે કંઈ નથી એ જોતાં ભારતે બીજા સ્તરે આ મુદ્દો ઉઠાવવો જોઈએ પણ એવું કશું થયું નથી.
મોદી સરકારનું આ વલણ લાંબા સમયથી છે. ૨૦૨૦માં ગલવાન ખીણમાં ચીનની સૈનિકોએ ભારતીય સૈનિકો પર હુમલો કરીને ૨૦ ભારતીય સૈનિકોની હત્યા કરી નાંખી ત્યારે પણ મોદી સરકારે શરૂઆતમાં આ વિગતો છૂપાવી હતી. મીડિયામાં આ વિગતો બહાર આવી પછી જખ મારીને સ્વીકારવું પડેલું પણ વલણ તો એ જ રહ્યું છે. એ પછી વિદેશી મીડિયામાં ચીન સરહદ પર ગામો વસાવી રહ્યું છે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવી રહ્યું છે એવા સમાચારો સેટેલાઈટ દ્વારા લેવાયેલી તસવીરોના પુરાવા સાથે અપાતા રહ્યા છે પણ મોદી સરકારે કદી લોકોને તેના વિશે જાણ કરવાની તસદી લીધી નથી.
ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી ચીને ભારતનો પ્રદેશ પચાવી પાડયો હોવાની ચેતવણીઓ નિયમિત રીતે આપ્યા કરે છે પણ સ્વામી સાચા છે કે ખોટા છે તેનો ખુલાસો કદી કરાતો નથી. ૨૦૨૪ના સપ્ટેમ્બરમાં ચીનના સૈનિકો અરૂણાચલ પ્રદેશના અંજાવ જિલ્લામાં છેક સુધી ઘૂસી ગયેલા. કપાપુ વિસ્તારોમાં ચીનના સૈનિકો છાવણી નાંખીને લાંબો સમય રહેલા. ચીનાઓએ લાલ કલરથી સૂત્રો પણ લખેલાં ને તેના ફોટા પણ છપાયેલા. મોદી સરકારના સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ એ વખતે સાવ બકવાસ દલીલ કરેલી કે, દીવાલો પર ચીનના સૈનિકો ચિત્રો દોરી જાય તેના કારણે ઘૂસણખોરી કરી છે એવું ના કહેવાય. તો ઘૂસણખોરી કોને કહેવાય ?
મોદી સરકાર આ જ વલણ અત્યારે બતાવી રહી છે. ચીન સામે લાલ આંખ કરવાના બદલે જે બન્યું તેના પર પડદો નાંખવાની મથામણ કરી રહી છે.
કાશ્મીરના અક્સાઈ ચીન અને શક્શગામ બાપનો માલ હોય એમ ચીને પચાવી પાડયાં
પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે) મુદ્દે આપણે હોહા કરીએ છીએ પણ કાશ્મીરનો વિસ્તાર પચાવવામાં ચીન પણ પાછળ નથી. ચીને ટ્રાન્સ-કારાકોરમ ટ્રેક્ટ અથવા તો શક્સગામ ટ્રેક્ટ તરીકે ઓળખાતો આશરે ૫,૨૦૦ ચોરસ કિમી વિસ્તાર પણ પચાવી પાડયો છે. શાક્સગામ ખીણ સહિતનો કારાકોરમ વોટરશેડની ઉત્તરે આવેલો આ વિસ્તાર અત્યારે ચીનના ઝિનજિયાંગ ઉઇગુર સ્વાયત્ત પ્રદેશનો ભાગ છે. ભારતના વિસ્તારોને ટેક્સકોર્ગન અને યેચેંગ કાઉન્ટીનો ભાગ બનાવીને ચીન ત્યાં રાજ કરે છે.
૧૯૪૭માં જમ્મુ અને કાશ્મીરના ભારતમાં જોડાણ વખતે શક્સગામ માર્ગ ભારતના નિયંત્રણ હેઠળ હતો પણ ૧૯૪૭ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પછી પાકિસ્તાને તેના પર કબજો કરીને ૧૯૬૩માં ચીનને તાસકમાં ધરીને ભેટમાં આપી દીધો. આ વિસ્તાર ભારતનો છે છતાં ભારતને પૂછયા વિના ચીન-પાકિસ્તાન કરાર દ્વારા ચીન અને પાકિસ્તાન દ્વારા આંતરરાષ્ટ્રીય સરહદ તરીકે માન્યતા આપી દેવાઈ હતી.
ચીને આ રીતે અક્સાઈ ચીન પર પણ કબજો કરી લીધો છે. ગિલગિટ-બાલ્તિસ્તાનની નજીક આવેલો અક્સાઈ ચીન ૩૭,૨૪૪ ચોરસ કિલોમીટર વિસ્તાર ધરાવે છે. મીઠાની સપાટ ભૂમિનો વિશાળ રણપ્રદેશ છે અને સમુદ્રસપાટીથી આશરે ૫,૦૦૦ મીટરની ઊંચાઇએ આવેલા અક્સાઈ ચીનમાં ચીનના અધિકારીઓ તથા આદિવાસીઓની મળીને માંડ દસ લાખની વસતી છે. બર્ફીલી પહાડીઓ પરનો વિસ્તાર હોવાથી બહુ લોકો રહેતાં નથી. પર્વતાળ પ્રદેશમાં છૂટાછવાયા સંખ્યાબંધ સ્થાનિક આદિવાસીઓના કબિલા અહીં રહે છે.
પાકિસ્તાન આ વિસ્તારમાં હતું જ નહીં છતાં ૧૯૬૫માં પાકિસ્તાને ચીન તરફ મિત્રતાનો દાવો કરીને તેને આ વિસ્તાર ભેટમાં આપેલો. ભારતના દાવા પ્રમાણે અક્સાઇ ચીન કાશ્મીર રાજ્યનો ભાગ હતું જ્યારે ચીનના દાવા મુજબ અક્સાઈ ચીન ઝિન્જીયાન્ગનો હિસ્સો છે. અક્સાઈ ચીન ચીને પચાવી પાડેલા તિબેટ અને ઝિન્જીયાન્ગને જોડે છે. ચીને આ વિસ્તારમાં એક રસ્તો બનાવ્યો તેમાં ૧૯૬૨માં ભારત-ચીન યુદ્ધ થઈ ગયેલું.
રેવંત રેડ્ડીનો ગંભીર આક્ષેપ, ચીને 2014 પછી ભારતનો 2000 ચોરસ કિમી વિસ્તાર પચાવી પાડયો
તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ અઠવાડિયા પહેલાં જ આક્ષેપ કરેલો કે, ચીને ૨૦૧૪માં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરાકાર આવી પછી ભારતનો ૨,૦૦૦ ચોરસ કિમીથી વધુ વિસ્તાર પચાવી પાડયો છે પણ આપણા શાસકોમાં એટલે કે મોદી સરકારમાં આ વિષય પર ચર્ચા કરવાની કે હકીકતો જાહેર કરવાની હિંમત નથી.
રેડ્ડી કોંગ્રેસી મુખ્યમંત્રી છે તેથી તેમના નિવેદનને કોંગ્રેસીઓ દ્વારા કરાતા આક્ષેપ ગણાવીને ગંભીરતાથી નહોતા લેવાયા પણ રેવંત રેડ્ડીએ અત્યંત ચોંકાવનારા દાવો કરેલો કે, પોતે લોકસભાની સંરક્ષણ સમિતીના સભ્ય હતા તેથી તેમને ઘણી ગંભીર બાબતોની ખબર છે. રેડ્ડીએ એવો દાવો પણ કરેલો કે, લોકસભાના સભ્ય તરીકે સંરક્ષણ સમિતિની સત્તાવાર બેઠકોમાં ચર્ચા કરાયેલા મુદ્દાઓને જાહેર કરી શકતો નથી પણ ચીને ૨,૦૦૦ ચોરસ કિમીથી વધુ વિસ્તારમાં અતિક્રમણ કર્યું છે એ હકીકત છે.
રેવંત રેડ્ડી ૨૦૨૩ના ડીસેમ્બરમાં તેલંગાણાના મુખ્યમંત્રી બન્યા પહેલાં તેલંગાણાની મલકાજગીરી લોકસભા બેઠક પરથી સાંસદ હતા એ જોતાં તેમની વાત અતિ ગંભીર કહેવાય. લોકસભાની સંરક્ષણ અંગેની સમિતીમાં ચીને ભારતનો ૨૦૦૦ ચોરસ કિલોમીટરથી વધારે પ્રદેશ પચાવી પાડયો હોવાના મુદ્દે ચર્ચા થઈ હોય છતાં મોદી સરકાર એ વાત છૂપાવી રહી હોય તો દેશનાં લોકો સાથે ગદ્દારી કહેવાય. દેશનાં લોકોને સરહદે શું થઈ રહ્યું છે એ જાણવાનો પૂરો અધિકાર છે એ જોતાં મોદી સરકારે કાં સાચી વિગતો જાહેર કરવી જોઈએ કે પછી રેવંત રેડ્ડીને ખોટા સાબિત કરીને તેમની સામે કેસ કરવો જોઈએ.