લાલો લાભ વિના ના લોટેઃ US ઈમિગ્રન્ટસ-અપરાધીઓને લેવામાં બકીલીનો ફાયદો
- એલ સાલ્વાડોરની કુલ 85 લાખની વસતીમાંથી ૨૫ લાખ લોકો અમેરિકામાં રહે છે જ્યારે 60 લાખ લોકો એલ સાલ્વાડોરમાં રહે છે. અમેરિકાના રહેનારા એલ સાલ્વાડોરિયને 2023માં 8.1 અબજ ડોલર પોતાના દેશમાં મોકલ્યા હતા. એલ સાલ્વાડોરની 34 અબજ ડોલરની જીડીપીમાં 24 ટકા હિસ્સો અમેરિકાથી આવતા રેમિટન્સનો છે, એલ સાલ્વાડોરનો લગભગ દરેક પરિવાર અમેરિકાથી નાણાં મેળવે છે અને સુખી છે. એલ સાલ્વાડોરમાં આ નાણાંનું રોકાણ થાય છે તેથી નવા નવા પ્રોજેક્ટ હાથ ધરાય છે. બકીલી ડોલરનો પ્રવાહ ના રોકાય એવું ઈચ્છે છે તેથી અમેરિકા સાથેના સંબંધો ગાઢ બનાવવા માગે છે. ટીપીએસ સ્ટેટસ ચાલુ રહે એ બકીલીનો સૌથી મોટો ઉદ્દેશ છે.
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના પ્રમુખ બનતાં જ અમેરિકામાં ગેરકાયદેસર રીતે જામી પડેલા વિદેશીઓને વિમાનોમાં ભરી ભરીને તગેડવા માંડયા છે. તેના કારણે બબાલ પણ થઈ ગઈ છે કેમ કે કોલંબિયા સહિતના દેશો જેમની પાસે સત્તાવાર દસ્તાવેજો નથી તેમને સ્વીકારવા તૈયાર નથી. આ માહોલમાં એલ સાલ્વાડોરના પ્રમુખ નયીબ બકીલીએ આશ્ચર્યજનક ઓફર કરી છે.
બકીલીએ અમેરિકા પોતાને ત્યાં રાખવા ના માગતું હોય એવા કોઈ પણ દેશનાં લોકોને એલ સાલ્વાડોરમાં આવકારવાની તૈયારી બતાવી છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોને કરેલી ઓફરમાં બકીલીએ તો અમેરિકાની જેલોમાં બંધ ખતરનાક કેદીઓને પણ એલ સાલ્વાડોર પાર્સલ કરી દેવા કહ્યું છે. સ્વાભાવિક રીતે જ અમેરિકાને આ ઓફરમાં રસ પડી ગયો છે તેથી અમેરિકા એલ સાલ્વાડોરને 'સેફ થર્ડ કન્ટ્રી' ગણીને બહુ જલદી એલ સાલ્વાડોર સાથે માઈગ્રેટરી એગ્રીમેન્ટ કરે એવી શક્યતા છે.
બકીલીની ઓફર આશ્ચર્યજનક છે પણ અનપેક્ષિત નથી. બકીલી ૨૦૧૯માં પ્રમુખપદે ડોનાલ્ડ ટ્રમ્પની મદદથી બેઠા હતા એવું કહેવાય છે. બકીલી પ્રમુખ બન્યા પછી તરત ટ્રમ્પને મળવા ગયા હતા અને બંનેના સંબંધો ગાઢ છે. આ વખતે પણ ટ્રમ્પ પ્રમુખ બન્યા પછી જેમને શપથવિધીમાં વ્યક્તિગત રીતે નિમંત્રણ આપ્યું તેમાં એક બકીલી હતા. ટ્રમ્પને પોતાના મિત્ર ગણાવતા નરેન્દ્ર મોદીનો ટ્રમ્પે ભાવ પણ ના પૂછયો જ્યારે બકીલીને બોલાવેલા એ સૂચક છે.
બકીલી ટ્રમ્પને રાજી રાખવા માટે મથે છે તેનાં કારણો છે. લાલો લાભ વિના લોટે નહીં એ હિસાબે બકીલી પણ અમેરિકાને મદદના બદલામાં ખંખેરવાનો તો છે જ. બકીલી ટ્રમ્પને મદદના બદલામાં ટ્રમ્પ એલ સાલ્વાડોરનાં લોકોને અપાયેલું ટેમ્પરરી પ્રોટેક્ટેડ સ્ટેટસ (ટીપીએસ) ચાલુ રાખવાની સોદાબાજી કરી હોવાનું કહેવાય છે. અમેરિકામાં ગૃહ વિભાગ આંતરિક વિગ્રહમાં સપડાયેલા કે પછી ભયંકર કુદરતી હોનારતનો ભોગ બનેલા દેશોના અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા નાગરિકોને રક્ષણ આપે છે.
આ દેશોના નાગરિકોને અમેરિકામાંથી ડીપોર્ટ કરીને તગેડી મૂકાતા નથી. અત્યારે અફઘાનિસ્તાન, નેપાળ, કેમેરૂન, ઈથિયોપિયા, એલ સાલ્વાડોર, હૈતી, હોન્ડુરાસ, લેબેનોન, મ્યાનમાર, નિકારાગુઆ, સોમાલિયા, સાઉથ સુદાન, સુદાન, સીરિયા, યુક્રેન, યમન એટલા દેશોના નાગરિકોને રક્ષણ મળે છે.
એલ સાલ્વાડોરમાં ૨૦૦૧ના જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં આવેલા ભૂકંપે ભારે તબાહી વેરી હતી. એ વખતે ૯ માર્ચ, ૨૦૨૧થી એલ સાલ્વાડોરના નાગરિકોને ટીપીએસ મળ્યું. તેની મુદત ૯ માર્ચ, ૨૦૨૫ના રોજ પૂરી થાય છે. અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા એલ સાલ્વાડોરનાં લોકો કરોડો ડોલર રેમિટન્સ તરીકે એલ સાલ્વાડોરમાં મોકલે છે અને તેના જોરે એલ સાલ્વાડોરની ઈકોનોમી ચાલે છે.
એલ સાલ્વાડોરની કુલ વસતી ૮૫ લાખની હતી તેમાંથી ૨૫ લાખ લોકો અમેરિકામાં રહે છે જ્યારે ૬૦ લાખ લોકો એલ સાલ્વાડોરમાં રહે છે. અમેરિકાના રહેનારા એલ સાલ્વાડોરિયને ૨૦૨૩માં ૮.૧ અબજ ડોલર પોતાના દેશમાં મોકલ્યા હતા. એલ સાલ્વાડોરની ૩૪ અબજ ડોલરની જીડીપીમાં ૨૪ ટકા હિસ્સો અમેરિકાથી આવતા રેમિટન્સનો છે, એલ સાલ્વાડોરનો લગભગ દરેક પરિવાર અમેરિકાથી નાણાં મેળવે છે અને સુખી છે. એલ સાલ્વાડોરમાં આ નાણાંનું રોકાણ થાય છે તેથી નવા નવા પ્રોજેક્ટ હાથ ધરાય છે. બકીલી ડોલરનો પ્રવાહ ના રોકાય એવું ઈચ્છે છે તેથી અમેરિકા સાથેના સંબંધો ગાઢ બનાવવા માગે છે. ટીપીએસ સ્ટેટસ ચાલુ રહે એ બકીલીનો સૌથી મોટો ઉદ્દેશ છે.
અમેરિકા સાથે સંબધો ગાઢ બનાવવા માટે બકીલીએ અમેરિકાના માલ-સામાન માટે એલ સાલ્વાડોરના દરવાજા ખોલી નાંખ્યા હતા તેથી અમેરિકા થોકબંધ માલ એલ સાલ્વાડોરમાં ઠાલવે છે. બંને દેશોના વેપારમાં અમેરિકા ૨૦૨૩માં ૨.૨ અબજ ડોલર સરપ્લસ હતું તેથી ટ્રમ્પ માટે પણ બકીલી સાથેના સંબંધો તેમના એજન્ડાને અનુરૂપ છે.
બકીલી અમેરિકાએ બીજા દેશોના નાગરિકોને પોતાને ત્યાં આવકારવા તૈયાર છે એ પાછળ પણ કારણ છે. એલ સાલ્વાડોરની ઈકોનોમી મુખ્યત્વે રેમિટન્સ અને કોફી પર આધારિત છે. એલ સાલ્વાડોરમાં વિશ્વની શ્રેષ્ઠ કોફી બને છે પણ કોફીનાં ખેતરોમાં કામ કરવા માટે મજૂરો નથી. મોટા ભાગના ભણેલા-ગણેલા યુવક-યુવતીઓ અમેરિકામાં રહે છે તેથી દેશમાં પ્રૌઢ, વૃદ્ધો, મહિલાઓ અને બાળકો જ બચ્યાં છે. અમેરિકામાંથી લાખેક લોકોને પણ એલ સાલ્વાડોર મોકલાય તો બકીલી તેમને કોફીનાં ખેતરોમાં કામે લગાડીને કોફીનું ઉત્પાદન વધારી શકે અને ઈકોનોમીને ઉપર લાવી શકે. સીધી રીતે બીજાં દેશોમાંથી કોઈ એલ સાલ્વાડોર આવતું નથી પણ આ રીતે વિદેશીઓને લાવી શકાય. એલ સાલ્વાડોરની કોફીની જોરદાર ડીમાન્ડ છે જ તેથી બહારનાં લોકોને સારી મજૂરી પણ ચૂકવી શકાય. આ પરિવારો એલ સાલ્વાડોરમાં જ સ્થાયી થઈ જાય તો લાંબા ગાળે એલ સાલ્વાડોર ફાયદામાં રહે.
બકીલી અમેરિકાન ગુનેગારોને સંઘરવા તૈયાર છે એ પાછળનું કારણ પણ આર્થિક ફાયદો છે. અમેરિકાની જેલોમાં અત્યારે ૧૨.૫૦ લાખ કેદીઓ છે. આ કેદીઓને સાચવવા માટે ઉભી કરાયેલી જેલોની જાળવણી, સ્ટાફનમા પગાર વગેરે પાછળ અમેરિકાએ અબજો ડોલરનું આંધણ કરવું પડે છે. અમેરિકામાં માનવાધિકાર સહિતની બબાલો બહુ છે તેથી કેદીઓને ધોકાવાળી કરીને રાખી શકાતા નથી પણ સારી રીતે રાખવા પડે છે. આ કેદીઓમાંથી લગભગ ૨૦ ટકા કેદીઓ બીજા દેશોના ખૂંખાર અપરાધીઓ છે. અમેરિકા પોતાના નાગરિકોને અમેરિકાની જેલોમાં રાખે ને વિદેશી કેદીઓને એલ સાલ્વાડોર ધકેલી દેવાય તો અમેરિકાને બહુ મોટી રાહત થઈ જાય. અમેરિકા એલ સાલ્વાડોરને તેના બદલામાં નિશ્ચિત રકમ ચૂકવે તેથી બકીલીને પણ ફાયદો ને ટ્રમ્પનો સરકારી ખર્ચ ઘટાડવાનો એજન્ડા પણ પાર પડે. બકીલી તો ખૂંખાર અપરાધીઓ પાસે પણ કામ લઈ શકે તેમ છે એ જોતાં બેવડો ફાયદો થાય.
બકીલી મુસ્લિમ હોવાનો વિવાદઃ પિતા ઈમામ, સંખ્યાબંધ સ્ત્રીઓ સાથે સંબંધોથી ઢગલાબંધ સંતાનો
એલ-સાલ્વાડોરનો પ્રમુખ નયીબ બકીલી રહસ્યમય વ્યક્તિત્વ ધરાવે છે. બિઝનેસમેનમાંથી સફળ રાજકારણી બનેલા બકીલીના વડવા પેલેસ્ટાઈનના ખ્રિસ્તી હતા અને ૧૯૨૧માં એલ સાલ્વાડોર આવેલા.
બકીલીના પિતા અરમાન્ડો બકીલી કત્તાન સફળ બિઝનેસમેન હતા. અરમાન્ડોએ કેથોલિક ઓલ્ગા મારીના ઓર્ટેઝ સાથે લગ્ન કરેલાં. બકીલી તેમનું પહેલું સંતાન હતો ને તેના જન્મ પહેલાં અરમાન્ડો ધર્માંચરણ કરીને મુસ્લિમ બની ગયેલા તેથી તેમનાં સંતાનોનાં નામ મુસ્લિમો જેવાં છે. બકીલીને કરીમ, યુસુફ અને ઈબ્રાહીમ એમ ત્રણ ભાઈઓ છે. અરમાન્ડો રંગીન તબિયતના માણસ હતા તેથી સંખ્યાબંધ સ્ત્રીઓ સાથે તેમના સેક્સ સંબંધ હતા.
આ પૈકી ૫ સ્ત્રીઓ સાથેના સંબંધોથી ૪ દીકરી અને ૨ દીકરા જન્મ્યાં તેથી બકીલીને ૬ ઓરમાન બાઈ-બહેન છે. અરમાન્ડોએ એલ-સાલ્વાડોરમાં ૪ મસ્જિદ બનાવી.પોતે ઈમામ બન્યા અને મુસ્લિમોના ટોચના નેતા તરીકે સ્થાપિત થયા. બકીલી ૨૦૧૯માં પ્રમુખપદની ચૂંટણી લડતા હતા ત્યારે ૨૦૧૧માં મસ્જિદમાં પિતા તથા ભાઈઓ સાથે નમાઝ પઢતો હતો એવા ફોટા વાયરલ કરાયેલા. એલ સાલ્વાડોરમાં ૮૪ ટકા વસતી ખ્રિસ્તીઓની છે.
એક મુસ્લિમ દેશનો પ્રમુખ બનશે તો આવી બનશે એનો પ્રચાર જોરશોરથી કરાયેલો. બકીલીએ પોતે જીસસ ક્રાઈસ્ટમાં માને છે એવી સ્પષ્ટતા કરવી પડેલી. બકીલીએ સાયકોલોજિસ્ટ અને બેલે ડાન્સર ગેબ્રિયેલા રોડ્રિગ્ઝ સાથે લગ્ન કર્યાં છે અને તેમને બે દીકરી છે. બકીલી પોતે કોફીનાં ફાર્મનો માલિક છે પણ આ ફાર્મની કોફી બજારમાં વેચવાના બદલે દાનમાં આપી દે છે.
અમેરિકામાં ૧૪ લાખ ગેંગસ્ટર્સ, સાલ્વાડોરની એમએસ 13 સૌથી ખતરનાક
અમેરિકામાં ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ ભયંકર સમસ્યા છે. અમેરિકન સરકારના ડેટા બેઝ પ્રમાણે, અમેરિકામાં ૩૩ હજારથી વધારે ગેંગ્સમાં કુલ ૧૪ લાખ ગેંગસ્ટર્સ કામ કરે છે. આ પૈકી ૧૦ ટકાથી વધારે એટલે કે ૧.૫૦ લાખ તો શિકાગોમાં જ છે. ઈટાલીના સિસિલિયન માફિયાઓની બનેલી ડ્રગ્સ કાર્ટેલ કોસા નોસ્ત્રાનો પથારો આખા અમેરિકા અને યુરોપમાં ફેલાયેલો છે. અમેરિકામાં કોસા નોસ્ત્રા સૌથી પાવરફુલ ગેંગ મનાય છે પણ અમેરિકન એજન્સીઓને મુખ્ય રસ એમએસ ૧૩ અને એઈટીન્થ સ્ટ્રીટ ગેંગનો સફાયો કરવામાં છે. બંને ગેંગ પાસે લગભગ ૫૦-૫૦ હજાર જેટલા ટપોરી છે અને અમેરિકામાં છેક નીચલા સ્તર સુધી કોકેઈન, હેરોઈન, એમએસડી, મારીજુઆના સહિતનાં ડ્રગ્સ પહોંચાડવાનું કામ કરે છે.
એમએસ ૧૩ એલ સાલ્વાડોરથી આવેલા નિરાશ્રિતોના રક્ષણ માટે લોસ એન્જલસમાં ૧૯૮૦ના દાયકામાં શરૂ થયેલી.
લોસ એન્જલસમાં એ વખતે ૧૯૬૦ના દાયકામાં સ્થપાયેલી મેક્સિકન-અમેરિકન એઈટીન્થ સ્ટ્રીટ ગેંગ સક્રિય હતી કે જે બહારથી આવેલા લોકો પાસેથી ખંડણી વસૂલતી. મારા સાલ્વાત્રુચા ૧૩ (એમએસ ૧૩) ગેંગે તેનો મુકાબલો કરવા માંડયો તેથી બંને વચ્ચે ગેંગ વોર ચાલ્યા કરે છે. તેના કારણે લોસ એન્જલસ જેવું સમૃધ્ધ શહેર અસલામત બની ગયું છે.
અમેરિકા આ બંને ગેંગ ઉપરાંત બીજી ગેંગ્સના ૧૪ લાખ જેટલા ગેંગસ્ટર્સને ઉઠાવીને એલ સાલ્વાડોર મોકલી શકે છે. તેના કારણે અમેરિકામાં ડ્રગ્સ ડિસ્ટ્રિબ્યુશનનું શેરીઓ સુધી ફેલાયેલું નેટવર્ક છિન્નભિન્ન થઈ જશે અને ટ્રમ્પનો ડ્રગ્સ મુક્ત અમેરિકાનો ઉદ્દેશ પાર પડશે.