જર્મની પછી અમેરિકાઃ મોટા આતંકવાદી હુમલાના ભણકારા
- ન્યુ ઓર્લિયન્સ શહેર પર હુમલો કરનાર જબ્બાર પાસે મોટા પ્રમાણમાં વિસ્ફોટકો મળ્યા એ ખતરાની ઘંટી છે ઃ અમેરિકામાં ઇસ્લામિક સ્ટેટની હાજરી છે તેની તે સાબિતી છે
- અમેરિકામાં નાઈન ઈલેવનના હુમલા પહેલાં લોસ એન્જલસ એરપોર્ટ પરના હુમલા, મિયામી એરપોર્ટ પર શૂ બોમ્બ હુમલો સહિતના નાના નાના હુમલા થયા હતા. અમેરિકનોને લાગે છે કે, ઈસ્લામિક સ્ટેટ સહિતનાં સંગઠનો અત્યારે વોર્મ-અપ કરી રહ્યાં છે અને નાઈન ઈલેવન જેવા મોટા હુમલાનો ખતરો તોળાઈ રહ્યો છે. યોગાનુયોગ એક અઠવાડિયા પહેલાં જ જર્મનીમાં ક્રિસમસ માર્કેટમાં એક મુસ્લિમ ડોક્ટરે કરેલા હુમલામાં ૫ લોકોનાં મોત થયાં હતાં. જર્મની અને અમેરિકા બંનેમાં થયેલા હુમલાની મોડસ ઓપરેન્ડી એકસરખી છે. બંને ઠેકાણે હુમલાખોર મુસ્લિમ છે અને વાહન ઘૂસાડીને લોકોને મારી નંખાયા છે. બંને ઠેકાણે ટાર્ગેટ ખ્રિસ્તીઓ છે કેમ કે ક્રિસમસ અને ન્યુ યર બંને ખ્રિસ્તીઓના તહેવાર હતા. આ કારણે મુસ્લિમો હવે ખ્રિસ્તીઓને ટાર્ગેટ કરી રહ્યા છે એવો ડર પેદા થઈ ગયો છે.
અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સ શહેરમાં ઈસ્લામિક સ્ટેટ (આઈએસ) સાથે સંકળાયેલા મનાતા શમસુદ્દીન જબ્બાર નામના યુએસ આર્મીના ભૂતપૂર્વ સૈનિકે કરેલા હુમલાએ આખા અમેરિકાને ખળભળાવી મૂક્યું છે. આ હુમલામાં ૧૫ લોકોનાં મોત થયાં અને બીજાં ત્રીસેક લોકો ઘાયલ થયાં છે. શમસુદ્દીનનો ઈરાદો તો લાશોના ઢગ ખડકી દેવાનો હતો ને તેની પૂરી તૈયારી કરીને આવેલો. ન્યૂ ઓર્લિયન્સ શહેરની પ્રખ્યાત બોર્બન સ્ટ્રીટમાં હજારોની ભીડ થર્ટી ફસ્ટની રાત્રે ન્યુ યર સેલિબ્રેશનમાં મસ્ત હતી ત્યારે રાતના સવા ત્રણ વાગે જબ્બારે પોતાની પિક-અપ ટ્રક ભીડ પર ચડાવીને કેટલાંયને કચડી નાખ્યાં.
ન્યુ યર સેલિબ્રેશનમાં બબાલ ના થાય એટલે લગભગ ૩૦૦ પોલીસોનો પાકો બંદોબસ્ત રખાયેલો પણ જબ્બાર અચાનક ઘૂસી ગયેલો તેમાં પોલીસ પણ બઘવાઈ ગયેલી. પોલીસે માંડ માંડ સ્વસ્થતા કેળવીને જબ્બારને રોકવા ગોળીબાર શરૂ કર્યો તો જબ્બાર મશીનગન લઈને બહાર નિકળ્યો ને ધડાધડ ગોળીઓ છોડી તેમાં બે પોલીસો ઢળી ગયા. પોલીસો વધારે હતા તેથી જબ્બાર લાંબો સમય ઝીંક ના ઝીલી શક્યો ને ગોળી ખાઈને ઢળી પડયો પણ એ પહેલાં બધાં મળીને ૧૫ લોકોને ઉપર પહોંચાડતો ગયેલો.
પોલીસે જબ્બારનો બીજો કોઈ સાથી તો આસપાસમાં નથી ને તેની તપાસ શરૂ કરી તેમાં કોઈ સાથી તો ના મળ્યો પણ મોટા પ્રમાણમાં વિસ્ફોટકો મળી આવ્યાં. જબ્બાર આખી બોર્બન સ્ટ્રીટને ફૂંકી મારવાના ઈરાદાથી આવ્યો હોય એમ બોમ્બ ગોઠવી દીધેલા. પોલીસે વિસ્ફોટકોને નકામા કર્યા તેમાં મૃત્યુઆંક ૧૫ પર અટકી ગયો પણ આ હુમલાથી અમેરિકનોના જીવ તાળવે આવી ગયા છે.
અમેરિકનો બે કારણસર ફફડેલા છે. પહેલું કારણ અમેરિકામાં ઈસ્લામિક સ્ટેટની હાજરી છે. જબ્બારની ટ્રકમાંથી ઈસ્લામિક સ્ટેટ (આઈએસ)નો કાળો ધ્વજ મળ્યો છે અને હુમલા પહેલાં સોશિયલ મીડિયા પર આઈએસનાં વખાણ કરતા વીડિયો મૂક્યા છે. તેના પરથી સ્પષ્ટ છે કે, અમેરિકામાં ઈસ્લામિક સ્ટેટનું નેટવર્ક છે. અમેરિકામાં ગનની નવાઈ નથી. ગન તો સાવ લુખ્ખાઓ પાસે પણ હોય છે જ્યારે જબ્બાર તો યુએસ આર્મીમાં કામ કરી ચૂક્યો છે તેથી તેની પાસે ગન હોય તેમાં નવાઈ નથી પણ જબ્બાર પાસે મોટા પ્રમાણમાં વિસ્ફોટકો મળ્યાં એ ખતરાની ઘંટી છે. આતંકવાદી નેટવર્કની મદદથી આ વિસ્ફોટકો જબ્બાર સુધી પહોંચ્યાં હશે એવું મનાય છે.
અમેરિકાએ ૧૧ સપ્ટેમ્બર, ૨૦૦૧ના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના અલ કાયદાના આતંકવાદી હુમલા પછી કડક હાથે કામ લઈને આતંકવાદીઓને મારી મારીને સુવ્વર બનાવી દીધેલા. અલ કાયદા સહિતનાં સંગઠનો સાથે જરાક પણ કનેક્શન હોય એવા લોકોને ઉઠાવી ઉઠાવીને જેલમાં ધકેલી દીધેલા ને આતંકવાદી નેટવર્કને છિન્નભિન્ન કરી નાંખેલું, આ કારણે લાંબા સમયથી અમેરિકામાં મોટો આતંકવાદી હુમલો થયો નહોતો ને લોકો એમ જ માનીને નિરાંતે જીવતાં હતાં કે, હવે અમેરિકામાં આતંકવાદી હુમલાની શક્યતા નથી. આ હુમલાએ સાબિત કર્યું છે કે, અમેરિકામાં બધું સુરક્ષિત છે એ ભ્રમ છે અને ઈસ્લામિક સ્ટેટ અમેરિકાને ધમરોળી શકે છે. અમેરિકાએ ભલે અલ કાયદાને ખતમ કરી નાંખ્યું પણ કોઈને ખબર ના પડે એ રીતે ઈસ્લામિક સ્ટેટ તેનું નેટવર્ક ઉભું કરવામાં સફળ થયું છે.
અમેરિકામાં ફફડાટનું બીજું કારણ એ પણ છે કે, અમેરિકામાં નાઈન ઈલેવનના હુમલા પહેલાં આ રીતે લોસ એન્જલસ એરપોર્ટ પરના હુમલા, મિયામી એરપોર્ટ પર શૂ બોમ્બ હુમલો સહિતના નાના નાના હુમલા થયા હતા. અમેરિકનોને લાગે છે કે, ઈસ્લામિક સ્ટેટ સહિતનાં સંગઠનો અત્યારે વોર્મ-અપ કરી રહ્યાં છે અને નાઈન ઈલેવન જેવા મોટા હુમલાનો ખતરો તોળાઈ રહ્યો છે. અમેરિકનોનો આ ડર સાચો પડશે કે નહીં એ સમય કહેશે પણ અમેરિકનોનો ફફડાટ સમજી શકાય એવો છે.
યોગાનુયોગ એક અઠવાડિયા પહેલાં જ જર્મનીમાં ક્રિસમસ માર્કેટમાં એક મુસ્લિમ ડોક્ટરે કરેલા હુમલામાં ૫ લોકોનાં મોત થયાં હતાં. જર્મનીમાં હુમલો કરનારા ડોક્ટરની ઈસ્લામિક સ્ટેટ સાથે કોઈ સાંઠગાંઠ હોવાનું બહાર આવ્યું નથી પણ જર્મની અને અમેરિકા બંનેમાં થયેલા હુમલાની મોડસ ઓપરેન્ડી એકસરખી છે. બંને ઠેકાણે હુમલાખોર મુસ્લિમ છે અને વાહન ઘૂસાડીને લોકોને મારી નંખાયા છે.
બંને ઠેકાણે ટાર્ગેટ ખ્રિસ્તીઓ છે કેમ કે ક્રિસમસ અને ન્યુ યર બંને ખ્રિસ્તીઓના તહેવાર હતા. આ કારણે મુસ્લિમો હવે ખ્રિસ્તીઓને ટાર્ગેટ કરી રહ્યા છે એવો ડર પણ પેદા થઈ ગયો છે.
એક સાયકિયાટ્રિસ્ટે તો કહ્યું છે કે, નાઈન ઈલેવનના હુમલા પછી અમેરિકા સહિતના પશ્ચિમના દેશોમાં લોકો પ્લેનમાં બેસતાં ડરતાં હતાં. પ્લેનમાં કોઈ આતંકવાદી હોય ને તેને મોટી ઈમારત સાથે અથડાવી દેશે એ ફફડાટમાં લોકો પ્લેનની મુસાફરી ટાળતાં હતાં.
અમેરિકા અને જર્મનીના હુમલા પછી કોઈ કટ્ટરવાદી ભીડમાં વાહન ઘૂસાડીને પોતાને મોતને ઘાટ ઉતારી ના દે એ ડરે લોકો સેલિબ્રેશન કરતાં કે માર્કેટમાં જતાં ડરવા લાગ્યાં છે. આ માનસિક ડર સમજી શકાય એવો છે.
જર્મની પછી અમેરિકામાં થયેલા હુમલાની અસરો વિશે પણ વિચારવા જેવું છે. આ હુમલાને કારણે ફરી એક વાર દુનિયાભરમાં લોકો મુસલમાનોને શંકાની નજરે જોતા થઈ ગયા છે. બધા મુસલમાનો આતંકવાદી નથી હોતા છતાં આતંકવાદને ઈસ્લામ સાથે જોડવાનું વલણ ફરી પ્રબળ બનશે.
અમેરિકામાં ટ્રમ્પ જમણેરી વિચારધારાના સમર્થક છે અને અમેરિકામાં બહારનાં લોકોને પ્રવેશ ના હોવો જોઈએ એવી માન્યતા ધરાવે છે. આ હુમલા પછી મુસ્લિમો માટે અમેરિકામાં પ્રવેશના નિયમો વધારે કપરા બનશે.
બીજું એ કે, દુનિયાભરમાં જમણેરી વિચારધારા પ્રબળ બનશે.
જર્મનીમાં હુમલા પછી યુરોપમાં તો બહારનાં લોકોને યુરોપમાં ઘૂસવા જ ના દેવા જોઈએ એવો પ્રચાર જોરશોરથી ચાલી જ રહ્યો છે. હવે અમેરિકામાં પણ એ પ્રચાર ઉગ્ર બનશે. બહારનાં લોકોની વાત થાય ત્યારે મોટા ભાગે એ વાત મુસ્લિમોની જ હોય છે એ સમજી લેવું. એલન મસ્ક કટ્ટરવાદી જમણેરી વિચારધારાને પોષી રહ્યા છે ને તેમની વિચારધારાને બળ મળશે.
યુએસ આર્મીના આઈટી સ્પેશિયાલિસ્ટ જબ્બારે ઈસ્લામિક સ્ટેટને ગુપ્ત માહિતી આપ્યાની શંકા
અમેરિકાના ન્યુ ઓર્લીયન્સ શહેરમાં આતંકવાદી હુમલો કરનારો શમશુદ્દીન જબ્બાર યુએસ આર્મીનો ભૂતપૂર્વ સૈનિક છે. ૪૨ વર્ષીય શમસુદ દીન જબ્બાર ટેક્સાસના બીયુમાઉન્ટનો વતની હતો અને ખ્રિસ્તી પરિવારમાં જન્મેલો પણ પછીથી ધર્માંતરણ કરીને મુસલમાન બની ગયો હતો.
અમેરિકન આર્મીમાં હ્યુમન રિસોર્સ અને આઈટી સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કરનારો જબ્બાર ફેબ્રુઆરી ૨૦૦૯થી જાન્યુઆરી, ૨૦૧૦ સુધી અફઘાનિસ્તાનમાં તૈનાત હતો. જબ્બારને ૨૦૨૦માં યુએસ આર્મીની સેવામાંથી સ્ટાફ સર્જન્ટ તરીકે મુક્ત કરાયો ત્યારે જબ્બારે સોશિયલ મીડિયા પર વીડિયો મૂકીને કહેલું કે, યુએસ આર્મીમાં કામ કરતી વખતે સેવા અને જવાબદારી વિશે જાણવા મળ્યું. જબ્બારનો વીડિયો જોયા પછી ઘણાંને તે ઈસ્લામિક સ્ટેટ સાથે સંકલાયેલો હોવાનું જાણીને આશ્ચર્ય થાય છે. બીજું એ કે, જબ્બાર સારી નોકરી ધરાવતો હતો ને સારું કમાતો હતો. જબ્બાર એકાઉન્ટિંગ ફર્મ ડેલોઈટમાં ૨૦૨૧થી કામ કરતો ને મહિને ૧૦ હજાર ડોલરનો પગારદાર હતો. અમેરિકામાં સારી રીતે રહેવા માટે આ રકમ પૂરતી છે.
જબ્બારે બે વખત લગ્ન કર્યા હતા. તેની પહેલી પત્નિ નાકેદરા ચાર્લી માર્શ સાથેના લગ્નથી તેને બે દીકરીઓ થઈ કે જે અત્યારે ૧૫ વર્ષ અને ૨૦ વર્ષની છે. માર્શને તેણે ૨૦૧૨માં ડિવોર્સ આપીને ફરી લગ્ન કર્યાં હતાં. આ લગ્નથી તેને છ વર્ષનો દીકરો છે. જબ્બારે બીજી પત્નિને પણ ૨૦૨૩માં ડિવોર્સ આપી દીધા હતા.
જબ્બાર યુએસ આર્મીમાં આઈટી સ્પેશિયાલિસ્ટ હતો તેથી તેણે ઈસ્લામિક સ્ટેટને અમેરિકમ આર્મીનાં થાણાં અંગેની ગુપ્ત માહિતી આપી હોવાની શંકા પણ થઈ રહી છે.
અમેરિકામાં 10 વર્ષમાં ઈસ્લામિક સ્ટેટના 246ની ધરપકડ, 34 સ્ટેટમાં નેટવર્ક
અમેરિકામાં ઈસ્લામિક સ્ટેટ પોતાનું નેટવર્ક સ્થાપી રહ્યું છે તેની અમેરિકાની એજન્સીઓને ખબર હતી જ પણ આ નેટવર્કને ભેદી નથી શકાયું એ હકીકત છે. અમેરિકામાં માર્ચ ૨૦૨૩ સુધીમાં ઈસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા કુલ ૨૪૬ લોકોની ધરપકડ કરીને જેલમાં ધકેલી દેવાયા હતા અને તેમાંથી ૨૦૩ લોકો દોષિત ઠર્યા છે.
2013માં ઈસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલી પહેલી વ્યક્તિની ધરપકડ થઈ હતી.
આ લોકો કોઈ ચોક્કસ વિસ્તારમાંથી નહોતા પકડાયા પણ ૩૪ સ્ટેટ અને વોશિંગ્ટન ડીસીમાંથી પકડાયા હતા. મતલબ કે, અમેરિકાનાં ૫૦ સ્ટેટમાંથી ૩૪ સ્ટેટમાં ઈસ્લામિક સ્ટેટના સમર્થકો અથવા સહાનુભૂતિ ધરાવતા લોકો છે જ.
આ લોકોને સરેરાશ ૧૩.૩ વર્ષની જેલની સજા થઈ છે એ જોતાં તેમના અપરાધ પણ નાના નહીં હોય. સૌથી રસપ્રદ વાત એ છે કે, પકડાયેલા લોકોની સરેરાશ ઉંમર ૨૮ વર્ષ છે. મતલબ કે, અમેરિકામાં યુવા મુસ્લિમો ઈસ્લામિક સ્ટેટ તરફ વધારે આકર્ષાઈ રહ્યા છે.
બીજું એ કે, અમેરિકામાં નાઈન ઈલેવન પછી મોટો હુમલો ભલે ના થયો પણ નાના નાના આતંકવાદી હુમલા તો થયા જ છે. નાઈન ઈલેવન પછી અમેરિકાની એજન્સીઓ તૂટી પડી તેથી ટેરર નેટવર્ક છિન્નભિન્ન થઈ ગયેલું એટલે ૨૦૦૯ સુધી હુમલા ના થયા પણ ૨૦૦૯ પછી શરૂ અત્યાર સુધીમાં જિહાદી કટ્ટરવાદીઓ સંડોવાયેલા હોય એવા ૧૫ હુમલા થયા છે. આ હુમલાની સંખ્યા ભલે વધારે નથી પણ દર વરસે સરેરાશ એક હુમલો થયો જ છે.