ભાજપે કટકીબાજ ગણાવેલો આર્મ્સ ડીલર અભિષેક શિવસેનામાં પણ ભાજપ ચૂપ
- કોંગ્રેસની નેતાગીરી સાથે ગાઢ સંબંધો હોવાથી અભિષેકને સંરક્ષણ મંત્રાલયના આર્મ્સ કોન્ટ્રાક્ટ મળવા માંડયા ને ધીરે ધીરે તે કરોડોમાં આળોટતો થઈ ગયેલો
- ભાજપના વોશિંગ મશીનમાં જેમનાં પાપ સૌથી પહેલાં ધોવાયાં એ લોકોમાં અભિષેક વર્મા પણ એક હતો. જે ભાજપે વર્મા સામે કટકી ખાવાના આક્ષેપો કરેલા એ જ ભાજપના શાસનમાં સીબીઆઈએ કોર્ટને કહ્યું કે, વર્મા પાસે જે નાણાં આવ્યાં એ કટકીનાં નથી. અભિષેક વર્મા રાજકારણમાં નહોતો એટલે ભાજપના વોશિંગ મશીનમાં તેનાં પાપ ધોવાઈ ગયાં તેની બહુ નોંધ ના લેવાઈ પણ ધીરે ધીરે વર્મા બધા કેસોમાં દૂધે ધોયેલો સાબિત થઈને પાછો લહેરની જીંદગી જીવતો થઈ ગયેલો. ભાજપ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી ના મળી પછી થોડો સચેત થઈ ગયો છે. ભ્રષ્ટાચારીઓનાં પાપ ધોઈને તેમને પવિત્ર કરવાનો કાર્યક્રમ હાલ પૂરતો મોકૂફ છે તેથી કદાચ અભિષેક વર્માને ભાજપમાં ના લેવાયો પણ વર્મા શિવસેનામાં જાય કે ભાજપમાં, બધું સરખું જ છે.
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેનામાં કુખ્યાત આર્મ્સ ડીલર અભિષેક વર્મા જોડાયો તેની ભારે ચર્ચા છે. મધ્ય પ્રદેશના કોંગ્રેસી સાંસદ શ્રીકાન્ત વર્મા અને વિણા વર્માનો પુત્ર અભિષેક વર્મા ભારતનાં સશસ્ત્ર દળો માટેની ખરીદીમાં કટકીના ઘણા કેસોમાં લાંબો સમય જેલની હવા ખાઈ ચૂક્યો છે. ૨૦૦૦ના દાયકામાં વર્માને દેશદ્રોહી ગણાવીને ભાજપે જ આર્મ્સ ડીલમાં કટકીના કેસોને ચગાવેલા.
હવે એ જ કહેવાતો દેશદ્રોહી ભાજપના સાથી પક્ષ શિવસેનામાં જોડાઈ રહ્યો છે ત્યારે ભાજપના નેતા સાવ ચૂપ છે. મજાની વાત એ છે કે, અભિષેક વર્માને એકનાથ શિંદેએ શિવસેનાનો નેશનલ કો-ઓર્ડિનેટર બનાવ્યો છે. વર્મા શિવસેનાના સાથી પક્ષો સાથે સંકલન અને નવાં જોડાણોની જવાબદારી નિભાવશે તેથી ભાજપ સાથે સંકલનનું કામ પણ વર્મા કરશે. ભાજપને તેની સામે પણ વાંધો નથી.
અભિષેક વર્મા મૂળ કોંગ્રેસની પેદાશ છે અને કોંગ્રેસી સરકારોની મહેરબાનીથી જ ભ્રષ્ટાચાર કરીને અબજોપતિ બન્યો છે. અભિષેકના પિતા શ્રીકાન્ત વર્મા મધ્ય પ્રદેશના જાણીતા પત્રકાર અને લેખક હતા. કટોકટી વખતે બીજા પત્રકારો અભિવ્યક્તિની આઝાદી માટે લડતા હતા ત્યારે વર્મા ઈન્દિરા ગાંધીની કટોકટીનાં વખાણ કરતા હતા.
ઈન્દિરાએ તેનાથી ખુશ થઈને ૧૯૭૬માં રાજ્યસભાના સભ્ય બનાવેલા. ૧૯૮૬માં ગુજરી ગયા ત્યાં સુધી શ્રીકાન્ત વર્મા રાજ્યસભાના સભ્ય રહ્યા. વર્મા ગુજરી જતાં તેમની બાકી રહેલી બે વર્ષની ટર્મ માટે તેમનાં પત્ની વીમા વર્માને કોંગ્રેસે રાજ્યસભામાં મોકલેલાં. એ પછી બીજી સળંગ બે ટર્મ માટે વીણા વર્મા રાજ્યસભાનાં સભ્ય બનતાં સળંગ ૩ ટર્મ માટે ૧૪ વર્ષ લગી રાજ્યસભાનાં સભ્ય રહ્યાં. વીણા વર્મા મહિલા કોંગ્રેસનાં પ્રમુખ અને કોંગ્રેસનાં રાષ્ટ્રીય ઉપપ્રમુખ પણ રહ્યાં.
અભિષેક વર્મા પાવરફુલ ફેમિલીમાં ઉછર્યા અને વિદેશમાં ભણ્યો. કોંગ્રેસની નેતાગીરી સાથે ગાઢ સંબંધો હોવાથી અભિષેકને સંરક્ષણ મંત્રાલયના આર્મ્સ કોન્ટ્રાક્ટ મળવા માંડયા ને ધીરે ધીરે અભિષેક કરોડોમાં આળોટતો થઈ ગયેલો. ૧૯૯૭માં દેશના એક ટોચના મેગેઝિને અભિષેકને ભારતનો સૌથી યંગ બિલિયોનેર ગણાવીને તેના પર કવર સ્ટોરી કરેલી. એ વખતે અભિષેકની ઉંમર ૨૮ વર્ષની જ હતી. અભિષેક એ પછી મીડિયામાં છવાયેલો રહેતો ને તેનાં વખાણ કરતી સ્ટોરીઝ છપાતી રહેતી.
અચાનક ૨૦૦૬માં ચિત્ર બદલાઈ ગયું. ભાજપે આક્ષેપ કર્યો કે, ફ્રાન્સ પાસેથી ૬ સ્કોર્પેન ક્લાસ સબમરીન ખરીદવાના ૪.૫ અબજ ડોલરના સોદામાં વર્માએ ૨૦ કરોડ ડોલરની કટકી ખાધી છે. વર્માએ કોંગ્રેસના નેતાઓને કટકી આપી હોવાનો આક્ષેપ પણ લાલકૃષ્ણ અડવાણીએ કર્યો હતો. વર્માએ અડવાણી અને રીપોર્ટ છાપનારા મેગેઝિન સામે બદનક્ષીનો કેસ કરી દીધેલો પણ મીડિયાના ભારે દબાણના કારણે વર્માની ધરપકડ કરવી પડેલી.
વર્માની પછીનાં વરસોમાં હેલિકોપ્ટર ખરીદીમાં કટકીના કેસમાં પણ ધરપકડ કરાયેલી. વર્માએ રાજ્ય કક્ષાના વિદેશ મંત્રી અજય માકેનના લેટરહેડ પર ખોટો પત્ર લખીને વિઝા એક્સટેન્શન માગ્યા એ બદલ ફોર્જરીનો કેસ પણ થયેલો. જો કે આ બધા કેસોમાં અભિષેક વર્મા નિર્દોષ છૂટી ગયેલો.
અભિષેક વર્માની ૨૦૧૨માં ફરી ધરપકડ થઈ ત્યારે તો તેની મોડલ પત્ની આન્સાને પણ જેલમાં ધકેલી દેવાયેલી. ચાર વર્ષ સુધી બંનેએ તિહાર જેલની હવા ખાવી પડેલી. જેલમાંથી છૂટવા માટે કોંગ્રેસ સરકાર પર દબાણ લાવવા માટે વર્માએ ૧૯૮૪ના દિલ્હી રમખાણોના કેસમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા જગદીશ ટાઈટલર સામે જુબાનીનો દાવ ખેલેલો પણ એ દાવ ચાલ્યો નહોતો. અભિષેક પોતે ટાઈટલરની નજીક હતો અને તેના પુત્ર સાથે ભાગીદારીમાં ધંધો કરતો હતો.
વર્માનો દાવો હતો કે, ટાઈટલરે પોતાને ૨૦૦૮માં કહેલું કે, ડો. મનમોહનસિંહને મળ્યા પછી સીબીઆઈએ તેને રમખાણોના કેસમાં ક્લીન ચીટ આપેલી. ટાઈટલરે પોતાની સામેના કેસના મુખ્ય સાક્ષી સુરેન્દ્રસિંહ ગ્રંથીને ફરી જવા તોતિંગ રકમ ચૂકવેલી અને તેના દીકરા નરેન્દ્રને કેનેડામાં સેટ કરી આપેલો. કેન્દ્રમાં ભાજપની સરકાર આવી પછી વર્માની જુબાનીના આધારે ટાઈટલર સામેનો કેસ ફરી ખૂલ્યો ને બદલામાં સીબીઆઈએ વર્માને નિર્દોષ છૂટવામાં મદદ કરી.
ભાજપના વોશિંગ મશીનમાં જેમનાં પાપ સૌથી પહેલાં ધોવાયાં એ લોકોમાં અભિષેક વર્મા પણ એક હતો. જે ભાજપે વર્મા સામે કટકી ખાવાના આક્ષેપો કરેલા એ જ ભાજપના શાસનમાં સીબીઆઈએ કોર્ટને કહ્યું કે, વર્મા પાસે જે નાણાં આવ્યાં એ કટકીનાં નથી. અભિષેક વર્મા રાજકારણમાં નહોતો એટલે ભાજપના વોશિંગ મશીનમાં તેનાં પાપ ધોવાઈ ગયાં તેની બહુ નોંધ ના લેવાઈ પણ ધીરે ધીરે વર્મા બધા કેસોમાં દૂધે ધોયેલો સાબિત થઈને પાછો લહેરની જીંદગી જીવતો થઈ ગયેલો.
ભાજપ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી ના મળી પછી થોડો સચેત થઈ ગયો છે. ભ્રષ્ટાચારીઓનાં પાપ ધોઈને તેમને પવિત્ર કરવાનો કાર્યક્રમ હાલ પૂરતો મોકૂફ છે તેથી કદાચ અભિષેક વર્માને ભાજપમાં ના લેવાયો પણ વર્મા શિવસેનામાં જાય કે ભાજપમાં, બધું સરખું જ છે. મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપ એક જ છે એ જોતાં અભિષેક વર્મા ભાજપનો જ સાથી બન્યો છે.
અભિષેક વર્મા પાસે નાણાંની કમી નથી ને શિવસેનાને નાણાંની જરૂર છે એ જોતાં શિદે-વર્માની જોડી જગતે મળેલી છે. વર્માને નેશનલ કો-ઓર્ડિનેટરની જવાબદારી સોંપીને શિંદેએ વર્મા ભવિષ્યમાં રાજ્યસભાનો સભ્ય બનશે તેનો સંકેત આપી જ દીધો છે. ભવિષ્યમાં વર્મા શિવસેનાના ક્વોટામાંથી મોદી સરકારમાં મંત્રી બની જાય એવું પણ બને.
19 વર્ષ નાની રોમાનિયન મોડલ આન્સા અભિષેકની પત્ની, તિહાર જેલમાં રોમાન્સે ચકચાર જગાવેલી
અભિષેક વર્માએ રોમાનિયાની રૂપકડી મોડલ આન્સા મારીયા નીક્સુ સાથે લગ્ન કર્યાં છે. આન્સા મિસ રોમાનિયા હતી અને ૨૦૦૫ની મિસ યુનિવર્સ સ્પર્ધામાં બાગ લઈ ચૂકી છે. આ સ્પર્ધા દરમિયાન જ તેની મુલાકાત અભિષેક સાથે થઈ. અભિષેકે આન્સાને પોતાની કંપની એટલાસ ટેલીકોમ નેટવર્ક રોમાનિયામાં નોકરી ઓફર કરી. આન્સાએ ઓફર સ્વીકારતાં બુચારેસ્ટ ઓપરેશન્સ માટે ડેપ્યુટી જનરલ મેનેજર નિમાઈ હતી. બિઝનેસના બહાને બંને વચ્ચે મુલાકાતો શરૂ થઈ ને સંબંધ બંધાતાં ૨૦૦૬માં બંનેએ લગ્ન કરી લીધાં ત્યારે આન્સા ૧૯ વર્ષની જ હતી. આ લગ્નથી થયેલી દીકરી નિકોલ ૧૮ વર્ષની છે. અભિષેક-આન્સાના બીજા સંતાન દીકરા આદિતેશ્વરનો જન્મ ૨૦૨૪ના જુલાઈમાં થયો હતો.
અભિષેક સાથે લગ્ન પછી આન્સા તેના આર્મ્સના બિઝનેસમાં જોડાઈ હતી. લગ્ન પછી લાંબો સમય આન્સા-અભિષેક રોમાનિયા સહિતના દેશોમાં જ રહ્યાં. ૨૦૧૧માં આન્સા સીઆઈજી સ્યુએર કંપનીમાં ૫૧ ટકા હિસ્સો ખરીદીને માલિક બની પછી ભારતમાં રહે છે. અભિષેકે આન્સા માટે બનાવેલી કંપની ઓલિયાલિયા વઝીર પાન મસાલા સહિતની ઘણી પ્રોડક્ટ્સ વેચે છે.
અભિષેકની સાથે આન્સાની પણ ૨૦૧૨માં ધરપકડ કરાઈ હતી. આન્સા ચાર વર્ષ તિહાર જેલમાં રહી હતી. તિહારમાં આન્સા લૂઈ વિતોંના ૨૪ કેરેટ ગોલ્ડ પ્લેટેટ હાઈ હિલ શૂઝ સહિતની બ્રાન્ડેડ ચીજો પહેરીને જ રહેતી. અભિષેકે રૂપિયા વેરીને આન્સા સાથે જેલમાં જ રોમાન્સની વ્યવસ્થા કરી હોવાના અહેવાલોએ પણ ચકચાર જગાવી હતી.
વરૂણ ગાંધીની વિદેશી યુવતીઓ સાથેના અશ્લીલ ફોટા અભિષેકે વાયરલ કરાવેલા ?
અભિષેક વર્માની ઈમેજ પ્લેબોય તરીકેની છે. વિદેશી મોડલો અને એક્ટ્રેસીસ સાથેના સંબધોના કારણે અભિષેક ચર્ચામાં રહે છે. અભિષેકે ૧૯૯૨માં પત્રકાર અસ્મિતા અગ્રવાલ સાથે લગ્ન કરેલાં. ૧૯૯૦ના દાયકામાં જ અભિષેકે આર્મ્સ ડીલર તરીકે કામ શરૂ કર્યું પછી અધિકારીઓને ખુશ રાખવા હોટ મોડલોને બોલવીને લેવિશ પાર્ટીઓ આપતો. અભિષેક પોતે પણ અય્યાશીઓ કરતો તેથી ૧૯૯૬માં અસ્મિતા સાથે તેના ડિવોર્સ થઈ ગયા. અભિષેકે પાછળથી અસ્મિતાને ફેરાના કેસમાં ફસાવવાનો પ્રયત્ન પણ કરેલો.
અસ્મિતા સાથે ડિવોર્સ પછી રશિયન મોડલ અંબેર સાથે તેના સંબંધો લાંબા સમય સુધી રહ્યા હતા. એ પછી ગ્રીક એક્ટ્રેસ અને મોડલ એવેલિના પાપાન્ટોનિયો તેની ગર્લફ્રેન્ડ હતી. એવેલિના ૨૦૦૧ની મિસ યુનિવર્સમાં ફસ્ટ રનર અપ બની હતી. પ્લેબોય મેગેઝિનમાં સેન્ટર સ્પ્રેડમાં ન્યુડ તસવીરો આપનારી મોડલ સિમોન ક્રોનસ્ટ્રેન્ડ પણ તેની ગર્લફ્રેન્ડ હતી. આઈપીએલની પાર્ટીમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટર પોમર્શબેચે પોતાની છેડતી કરી હોવાનો આક્ષેપ કરનારી ઝોહલ હમીદને અભિષેક રાખી બહેન ગણાવતો પણ બંનેના સંબંધો વધારે ગાઢ હોવાનું કહેવાતું હતું.
અભિષેકની વરૂણ ગાંધી સાથેની નિકટતા પણ ચર્ચાસ્પદ બની હતી. ૨૦૧૬માં વરૂણ-અભિષેકના વિદેશી યુવતીઓ સાથે નગ્ન ફોટા વાયરલ થયેલા. વરૂણ લંડનમાં ભણતો ત્યારથી અભિષેકને ઓળખતો હતો. અભિષેક તેને વિદેશી છોકરીઓ સાથે અય્યાશીઓ કરાવતો અને તેના ફોટા પાડી લીધેલા એવું કહેવાય છે. આ ફોટાના આધારે અભિષેક વરૂણને બ્લેકમેઈલ કરતો હોવાના આક્ષેપો થયા હતા.