Get The App

પૂનમના મોતનો ડ્રામા, સોશિયલ મીડિયાનો ખતરનાક દુરૂપયોગ

Updated: Feb 4th, 2024


Google NewsGoogle News
પૂનમના મોતનો ડ્રામા, સોશિયલ મીડિયાનો ખતરનાક દુરૂપયોગ 1 - image


- પૂનમની બહેન સિધ્ધિએ પૂનમના મોતના સમાચાર આપ્યા પછી તેના પરિવારના તમામ લોકોના ફોન બંધ કરી દીધા હતા જેથી કંઈ ગરબડ થઈ હોવાની શંકા ગઈ હતી

- પૂનમે ચાલાકીપૂર્વક તેના મોતના સમાચાર વાયરલ કર્યા એ રીતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કશું પણ કરી શકે એ આ ઘટનાએ સાબિત કર્યું. કોઈ વ્યક્તિ પૂનમના રસ્તે ચાલીને સોશિયલ મીડિયા પર સંવેદનશીલ ખોટી માહિતી મૂકી દે તો લોકો ઉશ્કેરાટમાં આવીને કંઈ પણ કરી શકે. ધર્મને લગતી સંવેદનશીલ માહિતી, કોઈના મોતના ખોટા સમાચાર કે બીજી કોઈ પણ સ્ફોટક માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી ફેલાવીને કોમી રમખાણો પણ કરાવી શકાય ને કોઈની ઈજ્જતનો કચરો પણ કરાવી શકાય. આ ખતરો બહુ મોટો છે. તેના કારણે જાહર જીવનમાં અરાજકતા ને અશાંતિ ઉભી કરી શકાય.

સતત વિવાદોમાં રહેતી મોડલ પૂનમ પાંડેનું સર્વિકલ કેન્સર (એક પ્રકારનું ગર્ભાશયનું કેન્સર)ના કારણે મોત થયું હોવાની શુક્રવારે જાહેરાત કરાઈ ત્યારે સૌને આંચકો લાગી ગયેલો. પૂનમ પાંડે માત્ર ૩૨ વર્ષની હતી ને એકદમ તંદુરસ્ત લાગતી હતી.  પછી અચાનક તેના મોતના સમાચાર આવે તેના કારણે આંચકો લાગી જવો સ્વાભાવિક હતો. સોશિયલ મીડિયા પર તો આ ફેક ન્યુઝ હોવાની વાત તરત જ વહેતી થઈ ગયેલી. પૂનમને ઓળખતાં ઘણાં લોકોએ પણ એવો જ મત વ્યક્ત કરેલો. 

ન્યુડ અને સેમી ન્યુડ તસવીરો આપીને સોશિયલ મીડિયા પર છવાયેલી રહેતી પૂનમ પાંડે ગોઆમાં પાર્ટીમાં જલસા કરતી હોય એવો વીડિયો બે દિવસ પહેલાં જ મૂકાયેલો. એ વખતે પૂનમ પાંડેને કેન્સરની વાત છોડો પણ નખમાંય રોગ હોય એવું લાગતું નહોતું ત્યારે અચાનક કેન્સર કઈ રીતે થઈ ગયું એ સવાલ સૌને થયેલો. પૂનમની બહેન સિધ્ધીએ તેના મોતના સમાચાર આપ્યા પછી તેના પરિવારનાં તમામ લોકોના ફોન પણ બંધ થઈ ગયેલા. તેના કારણે કંઈક ગરબડ હોવાની સૌને આશંકા થયેલી. 

આ આશંકા સાચી પડી છે કેમ કે શનિવારે પૂનમ પાંડે પોતે સદેહે હાજર થઈ અને પોતે જીવતી હોવાનું એલાન કર્યું. પૂનમે દાવો કર્યો કે, પોતે જીવતી છે પણ સર્વાઈકલ કેન્સરનો ભોગ બનેલી હજારો મહિલાઓ પોતાના જેવી નસીબદાર નથી. આ કારણે સર્વિકલ કેન્સર અંગે જાગૃતિ ફેલાવવા માટે પોતે પોતાના મોતના ખોટા સમાચાર ફેલાવ્યા હતા. સમયસર ટેસ્ટ કરાવવાથી અને રસી લેવાથી સર્વિકલ કેન્સરથી બચી શકાય છે એવો દાવો પણ પૂનમે કર્યો છે. 

પૂનમ પાંડે કોઈ મોટું નાટક કરવાની છે તેનો સંકેત તેણે થોડાક દિવસ પહેલાં આપેલા વીડિયો ઈન્ટરવ્યૂમાં આપી દીધેલો. પૂનમ પાંડેએ કહેલું કે. આપ કે સામને એક ઈતના બડા ન્યુઝ આનેવાલા હૈ. મુઝે બહોત અચ્છા લગતા હૈ લોગોં કો સરપ્રાઈઝ કરના. જબ વો સમજતે હૈં યે સુધર રહી હૈ, તબ મુઝે સરપ્રાઈઝ કરના ઔર ભી અચ્છા લગતા હૈ. તો એક બહોત બડા ન્યુઝ આપ કે સામને બહોત જલદી આનેવાલા હૈ. 

પૂનમના મોતના સમાચાર આવ્યા પછી આ વાત પણ બહાર આવી છતાં પૂનમ પાંડેના મોતના સમાચારે લોકોને ઉંચાંનીચાં કરી નાંખેલાં કેમ કે પૂનમ પાંડે બહુ જાણીતું પાત્ર છે.  ઉત્તેજક તસવીરો મૂકીને પૂનમ પાંડે સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં રહે છે. પૂનમ પાંડે પબ્લિસિટી મેળવવા માટે જાત જાતનાં ગતકડાં પણ કર્યા કરે છે. ૨૦૧૧માં ભારતમાં વર્લ્ડકપ રમાયો ત્યારે પૂનમ પાંડેએ એલાન કરેલું કે, ભારતીય ટીમ ્રવર્લ્ડકપ જીતશે તો પોતે જાહેરમાં કપડાં ઉતારીને ન્યુડ ફોટોશૂટ કરાવશે. 

મહેન્દ્રસિંહ ધોનીની ટીમે વર્લ્ડકપ જીત્યો પછી પૂનમ પાંડે ન્યુડ નહોતી થઈ એ અલગ વાત છે પણ આ પ્રકારના પબ્લિસિટી સ્ટંટના કારણે સોશિયલ મીડિયામાં પૂનમની ચર્ચા રહે છે. હવે આવી વિવાદાસ્પદ ને ચર્ચાસ્પદ વ્યક્તિ ગુજરી જાય તેથી સોશિયલ મીડિયા પર ખળભળાટ મચે એ સ્વાભાવિક છે. 

પૂનમ પાંડે જીવે છે એવું જાહેર થતાં આ ખળભળાટ તો શમી ગયો પણ એક બીજો મહત્વનો સવાલ ઉભો થયો છે અને આ સવાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના દુરૂપયોગનો છે. પૂનમે એકદમ ચાલાકીપૂર્વક તેના મોતના સમાચાર વાયરલ કર્યા એ રીતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કશું પણ કરી શકે એ આ ઘટનાએ સાબિત કર્યું. પૂનમના મોતના સમાચાર સનસનાટીપૂર્ણ હતા પણ સંવેદનશીલ નહોતા. કોઈ વ્યક્તિ પૂનમના રસ્તે ચાલીને સોશિયલ મીડિયા પર સંવેદનશીલ ખોટી માહિતી મૂકી દે તો લોકો ઉશ્કેરાટમાં આવીને કંઈ પણ કરી શકે. ધર્મને લગતી કોઈ સંવેદનશીલ માહિતી, કોઈના મોતના ખોટા સમાચાર કે બીજી કોઈ પણ સ્ફોટક માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી ફેલાવીને કોમી રમખાણો પણ કરાવી શકાય ને કોઈની ઈજ્જતનો કચરો પણ કરાવી શકાય. 

આ ખતરો બહુ મોટો છે ને તેના કારણે જાહર જીવનમાં અરાજકતા ને અશાંતિ ઉભી કરી શકાય. આપણે ત્યાં સોશિયલ મીડિયાના દુરૂપયોગને નાથવા માટેનો કડક કાયદા નથી તેથી કોઈ પણ વ્યક્તિ અટકચાળુ કરી શકે. આ ઘટના પરથી બોધપાઠ લઈને સોશિયલ મીડિયાનો દુરૂપયોગ રોકવા માટે જાગવું જરૂરી છે. પૂનમ પાંડેએ પોતાના મોતના સમાચાર ફેલાવ્યા એ કોઈને વ્યક્તિગત બાબત લાગે પણ જાહેર પ્લેટફોર્મનો ઉપયોગ કરો પછી એ બાબત વ્યક્તિગત ના રહે. તેનાં ખતરનાક પરિણામો આવી શકે તેથી જાગવું જરૂરી છે.    

આ ડ્રામાએ પૂનમનું અસલી કેરેક્ટર લોકો સામે લાવીને મૂકી દીધું છે. પૂનમ પાંડેએ પોતે જ પોતાના મોતના ફેક ન્યુઝ ફેલાવ્યા અને પછી સિફતપૂર્વક પોતે સારા ઉદ્દેશથી આ સમાચાર ફેલાવેલા એવું ચિત્ર ઉભું કર્યું. પોતે સર્વિકલ કેન્સર વિશે જાગૃતિ લાવવા મોતાના સમાચાર ફેલાવેલા એવો દાવો ભલે પૂનમે કર્યો પણ તેનો ઉદ્દેશ તો ચીપ પબ્લિસિટીનો જ હતો. પૂનમ વરસોથી આ જ ધંધો કરે છે. ક્રિકેટ હોય કે લગ્ન, તેના નામે પબ્લિસિટી મેળવીને પોતાની દુકાન ચલાવવા સિવાય તેને બીજા કશામાં રસ જ નથી. 

પૂનમ ખરેખર સર્વિકલ કેન્સર અંગે જાગૃતિ લાવવા માગતી  હોય તો તેના માટે બીજા ઘણા રસ્તા છે. પૂનમ સોશિયલ મીડિયા પર સતત સક્રિય રહે છે ને તેનો ચાહક વર્ગ પણ મોટો છે. પૂનમ નિયમિત રીતે સર્વિકલ કેન્સર કે બીજા કોઈ પણ સારા કામ અંગે જાગૃતિ લાવવા માટે વીડિયો મૂકે કે અપીલ કરે તો લોકો તેને સાંભળવાના જ હતા. કમ સે કમ તેને ફોલો કરનારા તો તેને સાંભળ જ. સારા ઉદ્દેશ્ય માટેના વીડિયો વાયરલ પણ થતા હોય છે તેથી પૂનમે આવા વીડિયો બનાવીને મૂક્યા હોત તો વધારે લોકો સુધી પહોંચ્યા પણ હોત. પૂનમે એ રસ્તો અપનાવવાના બદલે મોતનું નાટક કરીને આ સારા ઉદ્દેશ્યની ગંભીરતા ઓછી કરી નાંખી. લોકોનું ધ્યાન સર્વિકલ કેન્સરની સમસ્યાના 

બદલે પૂનમના ડ્રામા પર વધારે ગયું. કદાચ પૂનમ પણ એ જ ઈચ્છતી હતી. 

આડકતરી રીતે પૂનમના સ્વચ્છંદી જીવનની વાતો ચલાવાઈ ! 

પૂનમ પાંડેના રહસ્યમય મોતની વાત બહાર આવતાં જ  સોશિયલ મીડિયા પર કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ (ગર્ભનિરોધક ગોળીઓ)ના ખતરાની ચર્ચા પણ છેડાઈ ગઈ હતી. યુકેના કેન્સર રીસર્ચ ઓર્ગેનાઈઝેશનના સંશોધનનો હવાલો આપીને આડકતરી રીતે પૂનમ સ્વચ્છંદી જીવન જીવતી હોવાથી વધારે પ્રમાણમાં ગર્ભનિરોધક ગોળીઓ લેવાના કારણે સર્વાઈકલ કેન્સરનો ભોગ બની હોવાનો દાવો પણ કરી દેવાયેલો.  આ રીસર્ચ પ્રમાણે, ગર્ભનિરોધક ગોળીઓનો સર્વિકલ કેન્સર સાથે સીધો સંબંધ છે. જે સ્ત્રીઓ વધારે પ્રમાણમાં ગર્ભનિરોધક ગોળીઓ લે છે તેમને સર્વિકલ કેન્સર થવાનો ખતરો વધારે હોય છે. પાંચ વર્ષથી વધારે સમય સુધી ગર્ભનિરોધક ગોળીઓ લેવાથી સર્વાઇકલ કેન્સરનો ખતરો વધે છે. પાંચ વર્ષ પછી ગર્ભનિરોધક ગોળીઓ લેવાનું બંધ કરો એટલે ખતરો ઘટવા માંડે છે પણ તેની અસર નાબૂદ થતાં ૧૦ વર્ષ લાગે છે. ૧૦ વર્ષ પછી જેણે કદી ગર્ભનિરોધક ગોળીઓ નથી લીધી તેના જેટલું જોખમ થઈ જાય છે. અમેરિકાની સંશોધન સંસ્થા ગટમાશેરે પણ આ સંશોધનને,સમર્થન આપ્યું હોવાથી તેનો ઉલ્લેખ પણ કરાયો છે. 

ગર્ભનિરોધક સાધનો વિના શરીર સંબંધ બંધાય પછી પ્રેગનન્ટ થવાથી બચવા લેવાતી મોર્નિંગ આફ્ટર પિલ્સના કારણે સર્વિકલ કેન્સરનો ખતરો વધારે હોવાનો દાવો પણ સોશિયલ મીડિયા પર ઘણાં ઠેકાણે કરાયો હતો. 

પૂનમના કારણે હિંદુ-મુસ્લિમનો મુદ્દો પણ ખૂબ ચાલ્યો

પૂનમ પાંડેએ પોતે જીવતી હોવાનું કહ્યું એ પહેલાં એવા રીપોર્ટ પણ આવેલા કે, પૂનમનું મોત ડ્રગ્ઝના ઓવરડોઝથી થયું છે પણ કાયદાથી બચવા સર્વિકલ કેન્સરની વાત ફેલાવાઈ છે. પૂનમને સારવાર માટે પૂણેની હોસ્પિટલમાં દાખલ કરાયેલી પણ એ બચી ના શકી એવો દાવો પૂનમની નજીકની મનાતી વ્યક્તિએ કર્યો હોવાનું કહેવાયેલું.  તેના મૃતદેહને તેના વતન કાનપુર લઈ જવાયો હોવાનો દાવો પણ કરાયેલો. 

પૂનમે સેમ બોમ્બે નામના ડિરેક્ટર સાથે લગ્ન કરેલાં. સેમ કોમર્શિયલ્સ એટલે કે ટીવી પર આવતી જાહેરખબરો બનાવે છે અને બહુ મોટું નામ છે. પૂનમે તેની સાથે લગ્ન કર્યાં પછી સેમ સામે સતામણી અને બળાત્કારની ફરિયાદ કરેલી. ગોઆમાં બંને હનીમૂન મનાવતાં હતાં ત્યારે પૂનમે પોલીસ ફરિયાદ કરતાં સેમની ધરપકડ થયેલી. સેમ મારતો તેથી પોતાને હેમરેજ થઈ ગયું હોવાનો દાવો પણ પૂનમે કરેલો. તેના અઠવાડિયા પછી જ પૂનમે તેની સાથે સમાધાન પણ કરી લીધું હતું. 

સેમ મુસ્લિમ હોવાથી સોશિયલ મીડિયા પર વળી હિંદુ-મુસ્લિમનો મુદ્દો પણ શરૂ થઈ ગયેલો પણ પૂનમ જીવતી હોવાથી એ મુદ્દો પણ શમી ગયો છે.

News-Focus

Google NewsGoogle News